Monday, April 9, 2018

માણસ એટલે કે...

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 8  એપ્રિલ 2018 


મલ્ટિપ્લેક્સ                   

'હ્યુમન' નામની અફલાતૂન ડોક્યુમેન્ટરીમાં જીવતાજાગતા, શ્ર્વસતા-ધબકતા માણસોની સાચુકલી વારતાઓ છે. ભલે દેશ, ચહેરા અને ભાષા અજાણ્યા હોય, છતાંય આ માતબર ફિલ્મ જોતી વખતે આપણને થાય કે આપણે આ બધાને ઓળખીએ છીએ. એટલેસ્તો એમની પીડા, એમનાં સુખ-દુખ, એમનાં સપનાં, એમની વાતો આપણને તીવ્રતાથી સ્પર્શે છે.



સૌથી પહેલાં તો તમારા માનસપટ પર એક વિઝ્યુઅલ ઊપસાવો. કાળું બેકગ્રાઉન્ડ છે. એના પર એક અશ્વેત જુવાનિયાનો ક્લોઝ-અપ ઊપસે છે. એની ઉંમર હશે ત્રીસ વર્ષની આસપાસ. એના ચહેરા પર સખ્તાઈ છે. ધીમે ધીમે, સ્પષ્ટ શબ્દોમાં એ પોતાની કેફિયત આપવાનું શરૂ કરે છેઃ

'મારો સાવકો બાપ મને ખૂબ મારતો. મને યાદ છે, એ લાકડી, હેંગર, પ્લગ ભરાવવાનો એક્સટેન્શન કોડ કે હાથમાં જે પણ કંઈ આવે તેનાથી મને બેરહમીથી ધીબેડતો. મારતાં મારતાં પાછો બોલતો જાય કે, 'અત્યારે હું તને જેટલી તકલીફ આપી રહ્યો છું એના કરતાં વધારે પીડા હું મારી જાતને આપી રહ્યો છે. મારે તારા ઉપર નછૂટકે હાથ ઊપાડવો પડે છે કે કેમ કે તારા પ્રત્યે મને પ્રેમ છે, હું ઇચ્છું છું કે તું સુધરે.' સાવકા બાપના આ પ્રકારના વર્તનને કારણે નાનપણથી જ મારા મનમાં ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ. મારા મનમાં ઠસાઈ ગયું કે પ્રેમ આવો જ હોય. આને જ પ્રેમ કહેવાય. કેટલાંય વર્ષો સુધી હું એમ જ માનતો રહ્યો કે પ્રેમ કરવો એટલે સામેની વ્યક્તિને પીડા આપવી. પરિણામ એ આવ્યું કે જેમના માટે મને લાગણી હતી એ સૌને હું હર્ટ કરવા લાગ્યો. હું જોતો કે સામેનો માણસ મેં આપેલી પીડા ક્યાં સુધી સહન કરી શકે છે! એના પરથી હું એના મારી પ્રત્યેના પ્રેમનું માપ કાઢતો. હું છેક જેલમાં આવ્યો તે પછી મને સમજાયું કે શું સાચું કહેવાય અને શું ખોટું કહેવાય. અહીં મારો ભેટો એક એવી મહિલા સાથે થયો જેણે મને સમજાવ્યું કે પ્રેમ એટલે શું. એનું નામ છે એગ્નેસ. એ મારી સચ્ચાઈ જાણતી હતી તોય મને ચાહતી રહી. શું હતી મારી સચ્ચાઈ? મને આજીવન કેદની સજા થઈ હતી. શા માટે થઈ હતી? કારણ કે મેં સૌથી જઘન્ય અપરાધ કર્યો હતો. મેં એક સ્ત્રી અને એની દીકરીનો જીવ લઈ લીધો હતો... અને એગ્નેસ એટલે મેં જેની હત્યા કરી તે સ્ત્રીની સગી મા, જેને મેં મારી નાખી હતી તે બાળકીની સગી નાની. મને ધિક્કારવા માટે એગ્નેસ પાસે તમામ કારણો હતાં, એણે મને નફરત કરવી જોઈતી હતી, પણ એના બદલે એગ્નેસે મારા પ્રત્યે પ્રેમભાવ દેખાડ્યો.'

આટલું બોલતા બોલતા યુવાન રડી પડે છે. એની આંખોમાંથી આંસુની ધારા વછૂટે છે. અટકીને, પ્રયત્નપૂર્વક સંયત થઈને એ આગળ વધે છેઃ

'મેં એગ્નેસની સાથે જે સમય વીતાવ્યો તે અદભુત પૂરવાર થયો. જેની દીકરી અને દીકરીની દીકરીની મેં હત્યા કરી હતી એ સ્ત્રીએ મને માફ કરી દીધો, મને ખૂબ વહાલ કર્યું. એના કારણે જ જ મને સમજાયું કે શું ઇષ્ટ છે, શું અનીષ્ટ છે, પ્રેમ કોને કહેવાય, મમતા કોને કહેવાય, કરૂણા કોને કહેવાય...'

આ સાંભળીને આપણે સન્ન થઈ જઈએ છીએ. આ બયાનમાં એવું કશુંક છે જે આપણને તીરની જેમ વાગે છે. ગણતરીનાં વાક્યોમાં યુવાન પોતાના આખા જીવનનો અર્ક પેશ કરી દે છે.  

- અને આ તો માત્ર એક કેફિયત થઈ. આજે જેની વાત કરવી છે તે 'હ્યુમન' નામની ડોક્યુમેન્ટરીમાં આવી તો કંઈકેટલીય કેફિયતોની આખી હારમાળા છે. ડોક્યુમેન્ટરી અથવા દસ્તાવેજી ફિલ્મ કંટાળજનક જ હોય એવો પૂર્વગ્રહ જો મનમાં ઘર કરી ગયો હોય તો પ્લીઝ, એને ઉખાડીને ફેંકી દો. જો ડોક્યુમેન્ટરી 'બોરિંગ' શબ્દનો સમાનાર્થી હોત તો નેશનલ જ્યોગ્રાફિક અને ડિસ્કવરી જેવી ચેનલો આટલી પોપ્યુલર બની ન હોત.

'હ્યુમન' યેન આર્થસ-બર્ટ્રાન્ડ નામના ફ્રેન્ચ મેકરે 2015માં બનાવેલી અત્યંત પ્રભાવશાળી ડોક્યુમેન્ટરી છે.  આ પહેલી એવી દસ્તાવેજી ફિલ્મ છે જેનું પ્રિમીયર યુનાઇટેડના એસેમ્બલી હૉલમાં યોજાયું હતું. એ જ દિવસે અને એ જ સમયે વેનિસ ફિલ્મ  ફેસ્ટિવલમાં પણ તેનું સ્ક્રીનિંગ થયું હતું. એટલું જ નહીં, યુટ્યુબ પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ થયું હતું. દુનિયાભરના અસંખ્ય લોકોએ તે દિવસે એક સાથે ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન, પોર્ટુગીઝ અને એરેબિક ભાષામાં આ ડોક્યુમેન્ટરી માણી હતી. પછી તો થિયેટરોમાં તે વિધિવત રિલીઝ પણ થઈ. તેનાં કેટલાય વેરીએશન બન્યાં. તેનાં ફૂટેજ પરથી ટીવી માટે એપિસોડ્સ બન્યા. તેને કંઈકેટલાય અવોર્ડ્ઝ મળ્યા.

એવું તે શું છે 'હ્યુમન'માં? ટાઇટલ પરથી જ સ્પષ્ટ થાય છે કે આમાં મા-ણ-સની વાત છે. જીવતાજાગતા, શ્ર્વસતા-ધબકતા, મારા-તમારા-આપણા જેવા માણસોની સાચુકલી વારતાઓ છે, જે તેઓ ખુદ પોતાના મુખે, આપણી આંખોમાં આંખો પરોવીને વારાફરતી કહેતા જાય છે. આ ડોક્યુમેન્ટરી બનાવતાં ડિરેક્ટર યેન યેન આર્થસ-બર્ટ્રાન્ડને ત્રણ વર્ષ લાગ્યા હતા. એમની ટીમમાં વીસ જેટલા લોકો હતા, જેમાં કેટલાય પત્રકારો હતા. યેનની ટીમ 60 દેશોમાં ફરી વળી. સમાજના જુદા જુદા વર્ગના બે હજાર કરતાંય વધારે લોકોના તેમણે ઇન્ટરવ્યુ કર્યા. દરેકને સીધાસાદા કાળા બેકગ્રાઉન્ડમાં ઊભા રાખવામાં આવ્યા અને સૌને 40 જેટલા સ્ટાન્ડર્ડ સવાલો પૂછવામાં આવ્યા. એમાં ધર્મ અને પરિવારના લગતા સવાલો હોય, તેમનાં સપનાં-મહત્ત્વાકાંક્ષા-સફળતા-નિષ્ફળતા વિશેના સવાલો હોય.  જેમ કે, 'તમે છેલ્લે ક્યારે તમારાં મા-બાપ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો?' અને 'તમારા જીવનની સૌથી મુશ્કેલીભર્યો તબક્કો ક્યો હતો અને એમાંથી તમે શું શીખ્યા?' વગેરે. આ રીતે જે ચિક્કાર મટિરીયલ એકઠું થયું એમાંથી સૌથી અસરકારક ટુકડાઓ એકઠા કરવામાં આવ્યા. વિષય-વૈવિધ્ય જળવાઈ રહે તે રીતે એક શૃંખલામાં પરોવવામાં આવ્યા. દરેક ક્વોટ અથવા ટુકડો માંડ બે-ત્રણ મિનિટનો હોય, પણ આ બે-ત્રણ મિનિટમાં જાણે કે જે-તે વ્યક્તિનું આખું આયખું કેપ્ચર થઈ ગયું હોય. આ બધાની વાતોમાંથી પસાર થતી વખતે આપણને થાય કે ભારત હોય કે યુરોપ હોય, અમેરિકા-આફ્રિકા હોય કે મિડલ-ઇસ્ટનો કોઈ દેશ હોય, આખરે તો માણસ, માણસ છે. સૌ આપણા જેવા જ છે. એટલેસ્તો એમની પીડા, એમનાં સુખ-દુખ, એમનાં સપનાં, એમની વાતો આપણને તીવ્રતાથી સ્પર્શે છે. એમની લાગણીઓ આપણને પોતીકી લાગે છે. ભલે ચહેરા અને ભાષા અજાણ્યા હોય, છતાંય આપણને લાગે કે જાણે આપણે આ બધાને ઓળખીએ છીએ, જાણે આ બધાં આપણું જ એક્સટેન્શન છે.



એક ઓર ઉદાહરણ તરીકે એક અનામી મધ્યવયસ્ક વિદેશી મહિલાની આપવીતી સાંભળો. આપણા સમાજમાં આવી કેટલીય સ્ત્રીઓને આપણે જોઈ છે. સાંભળોઃ

'હું સૌથી હીન કક્ષાની ઘરેલુ હિંસાની વર્ષો સુધી ભોગ બની છું. મારો વર મારા માથા પર બંદૂક મૂકીને ચિલ્લાતોઃ માફી માગ, માફી માગ... ને હું ઘૂંટડિયે પડીને માફી માગતી, મારી જીંદગીની ભીખ માગતી. બધું  મારાં નાનાં બચ્ચાં સહમીને જોતાં હોય. ક્યારેક મારો વર ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકે ને હું આખી રાત પગથિયાં પર ટાઢમાં ઠૂંઠવાતી બેસી રહું, રડ્યાં કરું. હું બધું સહન કર્યા કરતી કેમ કે મને લાગતું કે મારો જ કંઈક વાંક છે, મારાથી કશીક ભુલ થઈ હોવી જોઈએ, સિવાય મારો વર મારા પર આટલો બધો ગુસ્સે શું કામ થાય? હું જોકે આખો દિવસ હસતી-બોલતી રહેતી એટલે બહારના લોકોને મારી પીડા દેખાતી નહીં, પણ એક દિવસ ઓફિસમાં કામ કરતાં કરતાં મારાથી રડી પડાયું. આગલી રાતે મારા વરે મને ખૂબ મારી હતી. વખતે કોઈએ મારી કેબિનનો દરવાજો ખખડાવ્યો. એક મહિલા અંદર આવી. મારી સાથે ઘરેલુ હિંસા વિશે વાતો કરવા લાગી. મેં કહ્યું કે તમે બધું મને શા માટે કહો છો? મને ડોમેસ્ટિક વાયોલન્સનો કોઈ અનુભવ નથી. મહિલાએ કહ્યુઃ તમે ખોટું બોલો છો. તમારા ચહેરા પર ચોખ્ખું વંચાય છે કે ઘરમાં તમારા પર કેટલો અત્યાચાર થતો હશે! સ્ત્રી સચ્ચાઈ કળી ગઈ હતી. મને સમજાયું કે મારે લગ્નસંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે, કેમ કે જો પરિસ્થિતિ આવીને આવી રહેશે, તો વહેલામોડો કાં તો મારો જીવ જશે અથવા તો મારાં છોકરાંવને કશુંક થઈ જશે. મારાં બાળકો કરતાં વધારે મહત્ત્વનું મારા માટે કશું નથી. આઈ નીડ ટુ મૂવ ઓન. સાંજે હું ઘરે ગઈ અને મારા વરને કહ્યુઃ  હું તને અને ઘરને છોડીને જઈ રહી છું. ડઘાઈ ગયો. કહેવા લાગ્યો કે તને મારા માટે એટલો બધો પ્રેમ છે કે તું મને કોઈ દિવસ છોડી શકે. મેં કહ્યુઃ મારા માટે પ્રેમ છે - તને ત્યજી દેવો . પછી મેં એને બે વિકલ્પો આપ્યાઃ કાં તો તું મારી સાથે મેરેજ કાઉન્સેલર પાસે ચાલ. જો તું એમ કરવા તૈયાર હો તો હું ઘડીએ તને મારી લાઇફમાંથી દૂર કરી દઈશ. તે ઘડી ને આજનો દિ'. વાતને આજે નવ-નવ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. મારા વરે મને લાફો શું, ગુસ્સાથી એક આંગળી સુધ્ધાં નથી અડાડી. એ તદ્દન બદલાઈ ગયો છે, સુધરી ગયો છે. આજે હું સુખી છું.'
 
 'હ્યુમન' ડોક્યુમેન્ટરીની મજા એ છે કે એને તમે ગમે ત્યાંથી જોઈ શકો, ગમે ત્યારે અટકાવી શકો. 'હ્યુમન'નું ઓર એક કમાલનું પાસું કેફિયતોનાં ઝુમખાંની વચ્ચે વચ્ચે મૂકાયેલાં અફલાતૂન વિઝ્યુઅલ્સ છે. રણમાં ધીમે ધીમે જઈ રહેલો ઊંટોનો કાફલો, નદીનો કાંઠો, દોડતાં પ્રાણીઓ, ઉડતાં પક્ષીઓ, મહાનગરની ઝાકઝમાળ... અને બેકગ્રાઉન્ડમાં જે-તે દેશનું સ્થાનિક સંગીત. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ એટલું જ પાવરફુલ. હેલિકોપ્ટર અથવા બલૂનમાંથી લેવાયેલી આ એરિયલ ઇમેજીસ એટલી અસાધારણ છે કે આપણને થાય કે આ દશ્યો સાચુકલાં હશે કે કમ્પ્યુટર ગ્રાફિક્સની કરામત? આ સિનેમેટોગ્રાફી પણ યેન આર્થસ-બર્ટ્રાન્ડની જ કમાલ છે. યેનની કરીઅર એટલી કમાલની છે કે એના વિશે એક અલાયદા લેખમાં વિગતે વાત કરીશું.  

'હ્યુમન' જોજો. યુટ્યુબ પર તે અવેલેબલ છે. સર્ચના ખાનામાં 'હ્યુમન એક્સટેન્ડેડ વર્ઝન' એવું ટાઇપ કરજો. તમારી સામે આખો ખજાનો ખૂલી જશે. એન્જોય! 

#Human #Documentary #ShishirRamavat #Multiplex

No comments:

Post a Comment