Thursday, April 5, 2018

‘રેવા’ કેવી છે?



સૌથી પહેલાં તો, કોઈ ગુજરાતી ફિલ્મમેકર ધ્રુવ ભટ્ટની ‘તત્ત્વમસિ’ જેવી નવલકથાને સ્પર્શવાની હિંમત કરે એ જ મોટી વાત છે. ‘તત્ત્વમસિ’ શબ્દનો અર્થ છે, 'તે તુું જ છે.' ધ્રુવ ભટ્ટ નિર્વિવાદપણે આપણી ભાષાના શ્રેષ્ઠ કન્ટેમ્પરરી નવલકથાકાર છે. આ એક એવા સર્જક છે જેમની નવલકથાઓ આજથી સો વર્ષ પછી પણ રિલેવન્ટ હશે અને વંચાતી હશે. ‘સમુદ્રાન્તિકે’ હોય, ‘તત્ત્વમસિ’ હોય કે ‘અકૂપાર’ હોય - મનુષ્યત્ત્વ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ, સ્વનો સમષ્ટિ સાથેનો સંબંધ – આ એમની નવલકથાઓનો પ્રમુખ સૂર રહ્યો છે. આવી કઠિન થીમ પરથી બનેલી ગુજરાતી ફિલ્મનું ગયા અઠવાડિયે મુંબઇમાં ગોઠવાયેલું પ્રાઇવેટ સ્ક્રીનિંગ અટેન્ડ કરતી વખતે, ફ્રેન્કલી, મનમાં સોલિડ ફફડાટ હતો. ટ્રેલર તો મસ્ત હતું, પણ આખેઆખી ફિલ્મ કેવી બની હશે?
તો આ રહ્યો તેનો જવાબઃ
મોટા ભાગની ફિલ્મો જોતી વખતે એવું થતું હોય છે કે, તેનું ધી એન્ડ થાય, ધીમે ધીમે ડોલતા-ડોલતા ત્રણચાર માળ જેટલા દાદરા ઉતરીને આપણે પાર્કિંગ લોટમાં જઈએ અને ગાડી મલ્ટિપ્લેક્સના પ્રિમાઇસીસમાંથી બહાર કાઢીએ ત્યાં સુધીમાં તો ફિલ્મ આપણી સિસ્ટમમાંથી ખંખેરાઈને બહાર ફેંકાઈ ગઈ હોય, આપણે કોરાધાકોડ થઈ ગયા હોઈએ... પણ ‘રેવા’ જોઈ તે વાતને સાડાપાંચ દિવસ થઈ ગયા છે, હજુ સુધી એણે સિસ્ટમમાંથી બહાર જવાનું નામ લીધું નથી. હજુય એ મનના પડદા પર ચીપકેલી છે.
અલબત્ત, ‘રેવા’ કંઈ નખશિખ પરફેક્ટ ફિલ્મ નથી. ઇન ફેક્ટ, ફર્સ્ટ હાફનો અમુક હિસ્સો ખાસ્સો ઢીલો છે. મનમાં એવોય વિચાર આવી જાય કે માર્યા ઠાર, જેનો ડર હતો એવું જ થયું... પણ ઇન્ટરવલ પડે તે પહેલાં ફિલ્મ તમને બોચીએથી પકડી લે છે અને અંત સુધી છોડતી નથી. ફિલ્મ પૂરી થયા પછી તમારા મનમાં સંતોષ હોય છે. એક સુંદર, સેન્સિબલ અને એન્ટરટેનિંગ ફિલ્મ જોયાનો સંતોષ. ઓવરઓલ ઇમ્પેક્ટ એટલી સરસ છે કે ફર્સ્ટ હાફના અમુક પોર્શનમાં મજા નહોતી આવી તે વાત તમે લગભગ ભૂલી જાઓ છો.
‘રેવા’ની સ્ટોરી વિશે ટૂંકમાં કહીએ તો, આમાં એક એવા યુવાનની વાત છે, જે સ્વકેન્દ્રી છે, ભૌતિકવાદી છે, લાલચુ છે અને ભળતાં જ કારણસર છેક અમેરિકાથી ગુજરાત સુધી લાંબો થાય છે. અહીં આવ્યા પછી એને અકલ્પ્ય અનુભવો થાય છે. એ નમર્દા મૈયાની પરિક્રમા કરે છે. આ સમયગાળા દરમિયાન એને પોતાના માંહ્યલાની ખરી ઓળખ થતી જાય છે અને આખરે એ એક તદન જુદી જ વ્યક્તિ બનીને ઊભરે છે.
‘રેવા’ એક સ્માર્ટ ફિલ્મ છે. એમાં ક્રિયેટિવ લિબર્ટી એવી રીતે લેવામાં આવી છે કે જેથી નાયકની અંતરયાત્રાની, એની સ્પિરિચ્યુઅલ જર્નીની કહાણીમાં જરૂરી માત્રામાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરાય, આવશ્યક હૂક પોઇન્ટ્સ પણ વણાતાં જાય અને મૂળ નવલકથાનું હાર્દ પણ જળવાઈ રહે. ઉદાહરણ તરીકે, ફિલ્મમાં નર્મદા નદીને સાડી ઓઢાડવાની એક અફલાતૂન સિકવન્સ છે. ‘તત્ત્વમસિ’ નવલકથા (જે મૂળ ‘નવનીત સમર્પણ’ માસિકમાં ‘પ્રતિગચ્છતિ’ શીર્ષક સાથે ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ હતી)માં ધ્રૂવ ભટ્ટે આવો કોઈ પ્રસંગ વર્ણવ્યો નથી, પણ ‘રેવા’ની ટીમને રિસર્ચ કરતી વખતે આ વાત જાણવા મળી હતી. નર્મદા નદીને સાડી ઓઢાડવાની આખી વાત ફિલ્મમાં એટલી સરસ રીતે વણી લેવામાં આવી છે કે ધ્રુવ ભટ્ટે જ્યારે ફિલ્મનો રફ કટ જોયેલો ત્યારે તેમને પણ સાનંદાશ્ર્ચર્ય થયું હતું.




ફિલ્મ હોય, નાટક હોય કે નવલકથા હોય – સૂર કરેક્ટ લાગવો જોઈએ. ‘રેવા’ના કિસ્સામાં નિશ્ચિતપણે કહી શકાય કે આ ફિલ્મનો સૂર કરેક્ટ લાગ્યો છે. ક્યાંય કશુંય બનાવટી લાગતું નથી. મૂળ નવલકથા ભલે ગંભીર હોય, પણ ‘રેવા’ કંઈ આર્ટ ફિલ્મ નથી. તે પ્રોપર મેઇનસ્ટ્રીમ મનોરંજક ફિલ્મ છે. મુખ્ય કલાકારોનાં પર્ફોર્મન્સીસ એકધારાં સરસ છે. Chetan Dhananiના રૂપમાં ગુજરાતી સિનેમાને એક મજબૂત લીડીંગ મેન મળ્યો છે એ તો નક્કી. મોનલ ગજ્જર, રુપા બોરગાંવકર, Dayashhankar Pandey, અભિનય બેન્કર સહિતના લગભગ બધાં આર્ટિસ્ટોએ સરસ કામ કર્યું છે. ફિલ્મના ઉત્તરાર્ધમાં આપણા એક પ્રિય સ્ટારની મસ્તમજાની સરપ્રાઇઝ એન્ટ્રી પણ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર તો જોકે સ્વયં નર્મદા નદી જ છે. અહીં જુદાં જુદાં લોકાલ જાણે કિરદાર બનીને ઊપસ્યાં છે.
પ્રોડ્યુસર પરેશ વોરા પેશનેટ માણસ છે. તેઓ ધારત તો ઠેકઠેકાણે ‘દે દામોદર દાળમાં પાણી’ કરી શક્યા હોય, પણ ખર્ચ બચાવવાની લાહ્યમાં તેમણે ગુણવત્તા સાથે બિનજરૂરી કોમ્પ્રોમાઇઝ કર્યા નથી. ફિલ્મની મલ્ટિ-ટેલેન્ટેડ કોર ટીમ મલ્ટિ-ટાસ્કિંગમાં માને છે. જેમ કે, રાહુલ ભોલે અને વિનીત કનોજિયા માત્ર ફિલ્મના યંગ ટેલેન્ટેડ ડિરેક્ટરો જ નથી, તેઓ ફિલ્મના રાઇટર અને એડિટર પણ છે. એ જ રીતે ચેતન ધનાણી માત્ર હીરો નથી, તેઓ સહલેખક પણ છે અને તેમણે ફિલ્મનાં અમુક ગીતો પણ લખ્યાં છે. ફિલ્મ ટેક્નિકલી સુંદર બની છે. સિનેમેટોગ્રાફી (સૂરજ કિરાડે) અફલાતૂન છે. અમુક ફ્રેમ્સ, ખાસ કરીને ડ્રોનથી લેવાયેલા શોટ્સ ખરેખર શાનદાર છે.
…અને સંગીતકાર અમર ખાંધા. ક્યાં છૂપાયેલા હતા અમરકુમાર અત્યાર સુધી? ધીસ ઇઝ ધ ટેલેન્ટ ટુ લૂક આઉટ ફોર! સંગીત ‘રેવા’નો સોલિડ પ્લસ પોઇન્ટ છે. પાંચ દિવસથી ‘રેવા’ના ગીતો હું લૂપમાં સાંભળી રહ્યો છું, પણ હજુ ધરાયો નથી. છેલ્લે કયું આલ્મબ આ રીતે લૂપમાં સાંભળ્યું હતું? મને યાદ પણ નથી.
ફિલ્મ જોજો. ફર્સ્ટ હાફમાં ક્યાંક બોર થવાય કે અકળામણ જેવું લાગે તો પણ ઊભા થઈને નાસી ન જતા, બલ્કે ધીરજ રાખજો. અગાઉ ક્હ્યું તેમ સમગ્રપણે આ એક સેન્સિબલ, એન્ટરટેનિંગ અને ગર્વ થાય એવી ફિલ્મ છે. ‘રેવા’ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેચ્યોર થઈ રહી છે એનો સંકેત છે. ‘રેવા’ બોક્સઓફિસ પર સફળ થાય તો સમજવાનું કે ગુજરાતી સિનેમાની સાથે ગુજરાતી સિનેમાનું ઓડિયન્સ પણ મેચ્યોર થઈ રહ્યું છે. ટચવૂડ!

   - શિશિર રામાવત
0 0 0

No comments:

Post a Comment