Saturday, February 3, 2018

‘પદ્માવત’ કેવી છે?

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 4 ફેબ્રુઆરી 2018 માટે

મલ્ટિપ્લેક્સ

 ફિલ્મનું ટ્રેલર થઈને જે રીતે આપણને જલસો પડી ગયો હતો એવી લાગણી દુર્ભાગ્યે આખેઆખી ફિલ્મ જોતી વખતે કે જોયા પછી જાગતી નથી. એક પ્રકારના પોઝિટિવ પક્ષપાત સાથે, ફિલ્મ ગમાડવાનો જબરદસ્ત મૂડ બનાવીને પદ્માવત જોવા ગયા હોઈએ તો પણ નહીં. 


 હિનાઓ પહેલાં સંજય લીલા ભણસાલીની પદ્માવતીનું ટ્રેલર પહેલી વાર યુટ્યુબ પર જોયું હતું (એ વખતે પદ્માવતીનું હજુપદ્માવત નહોતું થયું) ત્યારે આપણે આફરીન પોકારી ગયા હતા.  બે હાથ લાંબા કરીને સંજયભાઈના કાલ્પનિક દુખણા લીધા હતા અને દસેય આંગળીએ ટચાકા ફોડ્યા હતા. થયું હતું કે વાહ, વાહ! આ ફિલ્મ જોઈને જલસો પડવાનો છે. એ પછી વિવાદ વકર્યો અને કરણી સેના અને પોલિટિક્સના પાપે તદન નોનસેન્સ, શરમ આવે, ક્ષોભ થઈ આવે એવી ઘટનાઓની આખી પરંપરા સર્જાઈ. ફિલ્મ આખરે રિલીઝ થવાની અણીએ પહોંચી ત્યાં સુધીમાં પદ્માવત વિશે આખા ભારતમાં, જ્યાં હિન્દી ફિલ્મો ખાસ જોવાતી નથી એવા સાઉથ ઇંડિયામાં પણ, એટલી ગજબનાક ઉત્કંઠા ફેલાઈ ચુકી હતી કે આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ જશે કે સૂરસૂરીયું થઈ જશે તે સવાલ જ અપ્રસ્તુત બની ગયો હતો. સવાલ ત્યારે આ હતોઃ

શું સંજય ભણસાલીની આ ફિલ્મ બાહુબલિને પણ આંટી જશે? શું પદ્માવત’ ઓડિયન્સને ‘બાહુબલિ કરતાંય બહેતર સિનેમેટિક એક્સપિરીયન્સ કરાવશે અને એના કરતાં વધારે બિઝનેસ કરશે?

જવાબ મળી ગયો છેઃ ના, જરાય નહીં, કોઈ કાળે નહીં. પદ્માવતીનું ટ્રેલર થઈને જે રીતે આપણે ગેલમાં આવી ગયા હતા અને સંજયભાઈના દુખણા લીધા હતા એવી ફીલિંગ દુર્ભાગ્યે આખેઆખી ફિલ્મ જોતી વખતે કે જોયા પછી જાગતી નથી. એક પ્રકારના પોઝિટિવ પક્ષપાત સાથે, ફિલ્મ ગમાડવાનો જબરદસ્ત મૂડ બનાવીને પદ્માવત જોવા ગયા હોઈએ તો પણ નહીં. 

ઇન્ટરવલ પડે ત્યારે આપણને થાય કે ઓહોહો, બસ હજુ ઇન્ટરવલ જ પડ્યું? અડધોઅડધ ફિલ્મ જોવાની હજુ બાકી છે? જો ઇન્ટરવલમાં ઊભા થઈને પોપર્કોન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ખરીદવા કે સૂ-સૂ કરવા જતા પ્રેક્ષકના મનમાં આવી લાગણી જાગે તો એને બેડ સાઇન સમજવી. ફિલ્મ લાંબી ન જ લાગવી જોઈએ, તે સાચે જ લાંબી હોય તો પણ નહીં. શોલે3 કલાક અને 24 મિનિટ લાંબી હતી. લગાન 3 કલાક અને 44 મિનિટ લાંબી હતી, પણ અફલાતૂન સ્ક્રીનપ્લે પર ઊભેલી આ બન્ને ફિલ્મ એટલી ગતિશીલ અને ચુસ્ત હતી અને આ ફિલ્મોના શ્રોતાઓ સતત પડદા પર ચાલતા ઘટનાક્રમમાંરમમાણ રહ્યા હતા. ઓડિયન્સને સતત એંગેજ રાખવું, એના ચંચળ મનને વશમાં કરીને એક પળ માટે પણ તેને ચસકવા ન દેવું એ મહાન, યાદગાર કે ક્લાસિક ફિલ્મોનું પ્રમુખ લક્ષણ છે.પદ્માવતમાં આવું બનતું નથી.



પદ્માવતફિલ્મ સારી છે. રુપાળી છે. ભવ્ય છે. બસ, પૂરું. આનાથી વધારે બીજું કશું નહીં… અને આ જ વાત તકલીફ કરી નાખે એવી છે. ફરેગટ બાહુબલિ, ‘પદ્માવત સંજય ભણસાલીની ખુદની અગાઉની ફિલ્મો જેટલી પણ અસરકારક નિવડતી નથી.ખામોશી’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’, ‘બ્લેક’, ‘ગુઝારિશ અને ઇવન રામ-લીલા તેમજ બાજીરાવ – મસ્તાનીએ આપણને ખૂબ એન્ટરટેઇન કર્યાં હતાં. આ બધી કંઈ પરફેક્ટ ફિલ્મો નહોતી. ઉન્નીસ-બીસ (ક્યાંક પંદર-પચ્ચીસ) તો આમાંય થયેલું, પણ તોય આપણને આ ફિલ્મો જોવાની મજા પડી હતી. એનાં ગીતો ધડાધડ મોબાઈલ-લેપટોપ પર ડાઉનલોડ કર્યાં હતાંઆવુંપદ્માવત જોઈને થતું નથી. સંજય ભણસાલીના ચાહકોને સૌથી વધુ કષ્ટ આ વાતે થાય છેઃ મારું બેટું, ‘પદ્માવતનો છેલ્લો સીન પત્યો ને સિનેમાહોલમાંથી બહાર આવ્યા તે સાથે આખેઆખી ફિલ્મ મનમાંથી કેમલગભગ ભૂંસાઈ ગઈ? કેમ થોડી ઘણી મોમેન્ટ્સ પણ ઘર સુધી ધરાર સાથે આવી નહીં?  કેમ કોરાધાકોડ રહી જવાયું? એક ક્લાઇમેક્સને બાદ કરતાં કેમ બીજું ખાસ કશું અડ્યું નહીં?

અલબત્ત, જે સારું છે તે સારું છે જ. યુદ્ધનાં દશ્યો, કપડાં-ઘરેણાં, સેટ્સ આ બધું જઅપેક્ષા પ્રમાણે મસ્ત છે. સિનેમેટોગ્રાફી અને પ્રોડક્શન ડિઝાઈન ગર્વ થાય એટલાં સરસ છે. પણ આ બધું તો સંજય ભણસાલીની ફિલ્મોમાં હંમેશાં સારું હોય છે. એમાં નવું શું છે? રેસ્ટોરાંનું ઇન્ટીરિયર ડિઝાઈન વર્લ્ડ ક્લાસ હોય, પ્લેટ-ચમચાચમચી શો-કેસમાં રાખવાનું મન થાય એવાં આ્કર્ષક હોય, મેનુનો લેઆઉટ-ડિઝાઈન અફલાતૂન હોય, સ્ટાફ વિવેકી હોય, પણ ડિશમાં પીરસાતી આઇટમોમાં જો ફિક્કી હોય આ બધું શું કામનું? ભોજન પછી મોટેથી ઓડકાર આવે અને તન-મન તૃપ્ત થઈ જાય તો રસ્ટોરાંનું ઇન્ટીરિયર અને બીજી બધી શોભા સોના પર સુહાગા જેવી લાગે. પદ્માવતમાં આ જ પ્રોબ્લેમ થાય છે. અહીં આંખને સંતોષ થાય છે, પણ મન-આત્માને પોષણ મળતું નથી. પરમ આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે ફિલ્મમાં એક ઘુમરને બાદ કરતાં બીજા કોઈ પણ ગીતમાં દમ નથી. સંજય ભણસાલીની ફિલ્મમાં ગીતો નબળાં હોય એ લગભગ કલ્પી ન શકાય એવી વાત છે, પણ અહીં એવું બન્યું છે.

ફિલ્મના પબ્લિસિટી કેમ્પેઇનમાં શાહિદને કારણ વગર સાઇડલાઇન કરી નાખવામાં આવ્યો હતો. એનું પર્ફોર્મન્સ સારું અને સંયમિત છે.રણવીર સિંહખૂબ સરસ. આ ફિલ્મ એને ઘણા અવોર્ડઝ અપાવશે.એક બાજુ સુપર ટેલેન્ટેડ રણબીર કપૂર ફ્લોપ જઈ રહ્યો છે અને બીજી બાજુ રણવીર સિંહ સિક્સરો ફટકારી રહ્યો છે.રાણી તરીકે ખરેખર દીપિકા રોયલ અને રીગલ લાગે છે.  આ જનરેશનની હિરોઈનોથીમાં આ રોલ એક માત્ર દીપિકા જ કરી શકી હોત.  દીપિકાની પર્સનાલિટી જ એવી છે - શાહી અને ડિગ્નિફાઇડ.  એક મિનિટ. દીપિકા બ્યુટીફુલ છે એ સાચું, પણ આ ફિલ્મના એકાદ-બે ડાયલોગમાં રાણી પદ્માવતીનાં રુપના જે અહો! અહો!’ કરીને અતિશયોક્તિભર્યા વખાણ કરવામાં આવ્યા છે એટલી બધી સુંદર એ કંઈ નથી, હં! દીપિકાની જગ્યાએ (દસ વર્ષ પહેલાંની) ઐશ્વર્યા રાય હોત તો આ વખાણ કન્વિસિંગ લાગત.  ઊંચી-ઘાટીલી દીપિકાના શરીરસૌષ્ઠવ માટે બેસ્ટ બોડી ઇન ધ બિઝનેસ એવો શબ્દપ્રયોગ થાય છે. યોગ્ય રીતે જ થાય છે, પણ આ ફિલ્મમાં એણે માથાથી પગની ટચલી આંગળી સુધી ઢંકાયેલાં રહેવાનું હતું. ખેર.

આ ફિલ્મ જોયા પછી સ્વરા ભાસ્કર (તનુ વેડ્સ મનુ, ‘અનારકલી કી આરા) નામની તગડી અભિનેત્રીએ સંજય ભણસાલીને જાહેર પત્ર લખ્યો હતો, જેને કારણે સ્વરાની ખુદની ખૂબ પબ્લિસિટી થઈ. સ્વરાએ કંઈક એવા મતલબના બખાળા કાઢ્યા હતા કે શું સ્ત્રી એટલે માત્ર યોનિ જ? સ્ત્રીનો પતિ ગુજરી જાય કે સ્ત્રી પર રેપ થઈ જાય તો શું એને જીવવાનો અધિકાર નથી?‘પદ્માવત જોઈને મને (એટલે કે સ્વરા ભાસ્કરને) એવું લાગ્યું કે હું સંપૂર્ણ મનુષ્ય નથી, બલકે મારું વજૂદ માત્ર એક યોનિ પૂરતું સીમિત થઈ ગયું છે. સ્વરાનો આ વજાઇના મોનોલોગ પદ્માવતના સંદર્ભમાં અર્થહીન છે. અરે મેડમ, સંજય ભણસાલીએ એક જૂના કાવ્ય યા તો ઐતિહાસિક સંદર્ભોનો આધાર લઈને ફિલ્મ બનાવી છે, એમણે એ પાત્રો સાથે, એ માહોલ સાથે વફાદાર રહેવાનું હોયઅથવા કમસે કમખુદના ઇન્ટરપ્રીટેશન કે કલ્પનાનેવફાદાર રહેવાનું હોય. આમાં નારીવાદનો એંગલ ઘુસાડવાની જરુર કે જગ્યા જ ક્યાં છે?

સો વાતની એક વાત. પદ્માવત જોવી જોઈએ? હા, જોવી જોઈએ. ક્ષતિઓ હોવા છતાં,સીટીઓ મારવાનું કે સીટ પરથી ઊભા થઈને નાચવાનું મન થાય એવી ફિલ્મ ન  હોવા છતાંએક વાર તો થિયેટરમાં જઈને જોવી જોઈએ. (આમ તોભલભલી હાઇક્લાસ ફિલ્મ હોય તો પણ 99 ટકા કેસમાં આપણે થિયેટરમાં એક જ વાર જોતા હોઈએ છીએ.) ધારો કે સ્ટાર આપવાના હોય તો પદ્માવતને કેટલા સ્ટાર અપાય? અઢી સ્ટાર. ઓકે ચાલો, ત્રણ સ્ટાર રાખો.
અને હા, કરણી સેના ને બીજી જે કંઈ સેનાઓ હતી તે સૌએ હવેસાગમટે સંજય ભણસાલીનું જાહેરમાં બહુમાન કરવું જોઈએ - રાજપૂત આન-બાન-શાન-વોટેવરને વળ ચળાવવામાટે, રાજપૂત શૌર્યને પડદા પર ભવ્ય રીતે પેશ કરવા માટે અને અત્યાર સુધી જે કંઈ હોબાળા, નુક્સાન અને પાપ કર્યાં તે બદલજનતાને વી આર સોરી એવું વ્યક્ત કરવા માટે.

0 0 0

No comments:

Post a Comment