Tuesday, February 27, 2018

સ્વમૂત્રપાન, ફિલ્મમાં એક્ટિંગ અને મોરારજી દેસાઈ!


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 28 ફેબ્રુઆરી 2018

ટેક ઓફ                      

'જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી. હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ એ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના?'

                                                                                                                                               Photo courtesy: Alarm Stock Photo

મોરારજી દેસાઈની જન્મજયંતિ ગણવી ભારે કઠિન છે, કેમ કે તે દર ચાર વર્ષે એક જ વાર આવે છે - 29મી ફેબ્રુઆરીએ! છતાંય સગવડ ખાતર કહી શકાય કે જો મોરારજીભાઈ આજે જીવતા હોત તો આજે 122 વર્ષ પૂરાં કરીને 123મા વર્ષમાં પ્રવેશવાની તૈયારી કરતા હોય. આઝાદ ભારતે બે જ ગુજરાતી વડાપ્રધાન જોયા છે - મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી.

મોરારજીભાઈ 1977થી 1979 દરમિયાન 27 મહિના સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ 1975-'77 દરમિયાન દેશમાં કટોકટી લાદી હતી તે સમયગાળા દરમિયાન મોરારજી દેસાઈની અટકાયત થઈ હતી. એમને હરિયાણામાં એક જગ્યાએ રાખવામાં આવેલા. અટકાયત દરમિયાન એમની દિનચર્યા કેવી હતી તે વિશે મોરારજીભાઈએ પોતાની આત્મકથામાં જે વર્ણન કર્યું છે તેમાંથી એમનું વ્યક્તિત્ત્વ આબાદ ઊપસે છે. રોજિંદા શેડ્યુલની આ વિગતો મોરારજીભાઈના શબ્દોમાં જ વાંચોઃ

3.00 - વહેલી સવારે ઊઠતી વેળાએ ટૂંકી પ્રાર્થના, પ્રાતઃ ક્રિયાઓ - કુદરતી હાજતો, એકાંતરે હજામત ને સ્નાન.
4.15 - પૂજા, મારી પેટીમાં મારી પૂજાની સામગ્રી હું જોડે લઈ ગયો હતો. પુષ્પો વિના હું મારી પૂજા કરતો. પૂજા દરમિયાન હું ગીતાપાઠ કરતો.
5.00 - એક કલાક પદ્માસન.
6.00 - એક કલાક ફરવા જતો ને ચાલતાં ચાલતાં ગીતાપાઠ કરતો. સવારના ફરવા જતી વેળાએ આખી ગીતાના હું પાઠ કરતો. (શરૂઆતના ત્રણ કે ચાર સપ્તાહ તો મેં ખંડમાં જ આંટા મારવાનું રાખેલું.)
7.00 - દૂધ
7.30 - કાંતણ, વાચન. કાંતણ દરરોજ હું અચૂકપણે 1000 મીટર કાંતતો. કેટલાક દિવસો 2000 મીટર ને અટકાયત વખતે તો એમ મહિના સુધી દરરોજા 3000 મીટર છ કલાક કાંતતો હતો.
10.30 - સવારનું ભોજનઃ ગાયનું દૂધ, કેરી, સફરજન ને ચીકુ જેવાં ફળો. ક્યારેક લાંબો સમય ચાલે એવાં ફળો પદ્મા લાવતાં અને જાળવી રાખવાને રેફ્રિજરેટર ત્યાં હતું. ભોજન પછી એક કલાક સુધી આરામ. સૂવાનું નહીં પણ માત્ર લાંબા થઈ પડી રહેવાનું રાખતો.
1.00 - એક કલાક પદ્માસન ને ગાયત્રી મંત્રનો જપ.
2.30 - વાચન અને કાંતણ. મારી વિનંતીને માન આપીને ફરજ પરના અધિકારી મારા માટે રામચરિતમાનસ લઈ આવ્યા હતા.
5.00 - ત્રીસ-ચાળીસ મિનિટ સુધી સાંજે ફરવા જવાનું.
6.00 - સાંજનું ભોજન, દૂધ અને ફળ.
6.45 - પ્રાર્થના અને એક કલાક સુધી પદ્માસન.
9.00 - ઊંઘી જતા પહેલાં ટૂંકી પ્રાર્થના અને શયન.

વડાપ્રધાનપદ ગુમાવ્યા પછી મોરારજીભાઈ પોતાના પુત્ર કાંતિભાઈ દેસાઈ સાથે રહેવા મુંબઈ આવી ગયેલા. મુંબઈના દક્ષિણ કાંઠે મરીન ડ્રાઇવ તરીકે ઓળખાતા પોશ વિસ્તારમાં કાંતિભાઈનો વિશાળ સી-ફેસિંગ ફ્લેટ હતો. તેમાંથી અરબી સમુદ્ર, ગળામાં પહેરેલા હાર (ક્વીન્સ નેકલેસ) જેવો અર્ધવર્તુળાકારે ખેંચાયેલો રોડ અને મલબાર હિલની થોડીક પટ્ટી પણ નજરે ચડે.

મોરારજીભાઈ પોતે સખત ચોક્સાઈવાળા માણસ. કાયમ સ્ટાર્ચવાળાં ધોતિયું-ઝભ્ભો જ પહેરે. કોઈને પણ ધારી લેવાનું મન થાય કે એમના ઘરમાં એમનો કમરો જબરો ચોખ્ખોચણક રહેતો હશે. સંભવતઃ હકીકત જરા જુદી હતી. 'સોસાયટી' નામના અંગ્રેજી મેગેઝિને સપ્ટેમ્બર, 1980ના અંકમાં મોરારજી દેસાઈનો વિસ્તૃત ઇન્ટરવ્યુ છાપ્યો હતો. આ મુલાકાત લેવા જનાર બિનોય થોમસ નામના પત્રકાર નોંધે છે કે મોરારજીભાઈનો ઓરડો આપણે અપેક્ષા રાખી હોય એવો વ્યવસ્થિત નહોતો. બે કબાટની ઉપર ડઝન જેટલી સુટકેસો એકની ઉપર એક ખડકાયેલી હતી. એક બાજુ અડધો ડઝન જૂતાં અને એના કરતાંય વધારે સ્લિપરો પડ્યાં હતાં. દીવાલ પર થોડી તસવીરો લટકતી હતી, જેમાંની એક તસવીર કદાચ એમના પિતાજીની હતી. ખાસ ધ્યાન તો જળાશય પાસે માછલી પકડી રહેલી એક સ્ત્રીનું યુરોપિયન પેઇન્ટિંગ ખેંચતું હતું. પલંગની બાજુમાં સાઈડ ટેબલ પર એક રેડિયો પડ્યો હોય. આખા કમરામાં મોડર્ન કહી શકાય એવી કોઈ ચીજ હોય તો તે આ જ.



એ અરસામાં મોરારજીભાઈ ભાગ્યે જ ઘરની બહાર જતા. ઘરમાં જ થોડી લટાર મારીને ચાલવાની કસરત કરી લેતા. પોતાની પથારી પર બેસીને મુલાકાતીઓને મળે અને પોતાના જ હસ્તાક્ષરોમાં પત્રોના જવાબ લખે. મોરારજીભાઈએ પોતાની આસપાસ કોઈ કિલ્લા નહોતા ચણ્યા. એમને મળવું હોય તો તાવડે નામના એકદમ હસમુખ સ્વભાવના એમના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કરવાનો. તાવડે અટકધારી આ ત્રીસ-પાંત્રીસ વર્ષનો એકદમ મળતાવડો જુવાનિયો 1967થી મોરારજીભાઈની સાથે હતો. ઘણા મુલાકાતીઓ આવીને આદર વ્યકત કરવા માટે ફર્શ પર એમના પગ પાસે બેસતા. મોરારજીભાઈ જોકે બધાને એકસરખા જ ટ્રીટ કરતા. મુલાકાતી સામે ચાલીને આવ્યો હોય તો મોરારજીભાઈ એને ચા-કોફીનું પૂછવાનો વિવેક સુધ્ધાં ન કરે. એમને લાગતું કે આવા ઠાલા શિષ્ટાચારની કશી જરૂર નથી.  

સેલિબ્રિટી વ્યક્તિ વૃદ્ધ થાય (જેમ કે દિલીપકુમાર) એટલે છાશવારે એના મૃત્યુની અફવા ફેલાતી રહે છે. આ કંઈ આજકાલનું નથી. 1980ના ગાળામાં એક તબક્કે 'મોરારજીભાઈ ગુજરી ગયા' એવા મતલબની મજબૂત અફવા ફેલાઈ હતી. તેના સંદર્ભમાં મોરારજીભાઈએ કહેલું કે, 'મને તો મારા મરવાની અફવાઓ સાંભળીને મોજ પડે છે. મને મૃત્યુનો ભય નથી. હું તો આ ક્ષણે મરવા માટે તૈયાર છું.' (મોરારજીભાઈનું નિધન, બાય ધ વે, 1995માં થયું હતું.)

સફળ માણસ પોતાના કયા કેન્દ્રીય સત્યના જોરે આખું જીવન વ્યતીત કરતો હોય છે? અથવા તો, ભરપૂર જીવન જીવી લીધા પછી જો એ પાછું વળીને જુએ તો એને એવો કયો મંત્ર કે કઈ ગાઇડલાઇન દેખાતી હશે જેના દિશાસૂચન પ્રમાણે એણે આખી જીવનયાત્રા કરી હોય? મોરારજી દેસાઈના જીવનની ફિલોસોફી સાદી હતી - 'ટેક લાઇફ એઝ ઇટ કમ્સ.' એટલે કે જિંદગી જે રીતે આંખ સામે ખૂલતી જાય તે રીતે જીવતા જવાનું. લાંબા લાંબા પ્લાનિંગ કરવાનો બહુ મતલબ નથી.

'જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી,' મોરારજીભાઈ કહે છે, 'હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ કંઈ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાનના રાજમાં આવો અન્યાચ ન હોય. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના'
પોતે જોકે દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન થઈ શક્યા તે ઘટનાને મોરારજીભાઈ પોતાનું નસીબ ગણતા. કહે છે, 'હું પ્રાઇમ મિનિસ્ટર બન્યો તે મારાં કર્મોનું ફળ નહોતું, પણ હા, પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી મેં જે કોઈ પગલાં ભર્યાં તે માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર કહેવાઉં. જો મેં કંઈ ખોટું કર્યું હશે તો મારે એની કિમત ચૂકવવી જ પડશે.'

મોરારજી દેસાઈ એમની વિચિત્રતાઓ માટે જાણીતા હતા. ખાસ કરીને, એમનો સ્વમૂત્ર (એટલે કે પોતાનો જ પેશાબ) પીવાનો પ્રયોગ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. ઇવન વિદેશનું મિડીયા પણ મોરારજીભાઈની યુરિન-થેરપીની ઠેકડી ઉડાવતું, પણ સ્વમૂત્રપાનથી શરીરની કેટલીય બીમારીઓ દૂર થાય છે એવું મોરારજીભાઈ દઢપણે માનતા. વાતની શરૂઆત 1959માં થઈ હતી. બન્યું એવું કે મોરારજી દેસાઈએ 'માનવ મૂત્ર' નામનાં એક પુસ્તકની પ્રસ્તાવના લખી. તેઓ તે વખતે દેશના નાણાપ્રધાન હતા. સંસદના એક સેશન દરમિયાન કોઈ કમ્યુનિસ્ટ સાંસદે ઊભા થઈને સવાલ કર્યો કે ભારતના ફાયનાન્સ મિનિસ્ટર સ્વમૂત્રપાન જેવી ગંદી વસ્તુ લખી જ શી રીતે શકે? મોરારજીભાઈએ જવાબ આપ્યો કે, 'આ મેં ભારતના નાણાપ્રધાન તરીકે નહીં, પણ એક અદના નાગરિક તરીકે લખ્યું છે. હું મિનિસ્ટર બન્યો એનો અર્થ એવો થોડો છે કે મારી કોઈ પર્સનલ લાઇફ ન હોય!'      

શું યુરિન-થેરપી ખરેખર ફાયદો થાય છે ખરો? સ્વમૂત્ર પીવાથી શરીર સારું રહે છે એવી થિયરીને કોઈ નક્કર સાયન્ટિફિક આધાર ખરો? આ સવાલના જવાબમાં મોરારજીભાઈ શું કહ્યું હતું?
'મને કેટલાય લોકો કાગળ લખીને જણાવે છે કે યુરિન-થેરપીથી એમને ખૂબ ફાયદો થયો છે... અને તમે કયા સાયન્ટિફિક રિસર્ચની વાત કરો છો? આ રિસર્ચ એક પ્રકારનું તૂત જ છે. લોકોને એલોપોથિક દવાઓ વિશેના રિસર્ચની વિશે જાણ હોય છે ખરી? તઓ કેટલી હાનિકારક દવાઓ ખાધા કરે છે એ તો તમે જુઓ. વિટામીનની ગોળીઓ લોકો આડેધડ લીધા કરે છે.'



આટલું કહીને દેસાઈસાહેબ લોરેન્સ આર્મસ્ટ્રોંગ નામના વિદેશી માણસનું ઉદાહરણ આપે છે, 'લોરેન્સ ટીબીથી પીડાતો હતો. એક વાર એ બાઇબલ વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે, 'તકલીફ હોય ત્યારે પોતાના જ કુંડમાંથી પીવું'. એને નવાઈ લાગી કે આ વાક્યનો શો અર્થ થયો? પછી એને એકાએક સમજાયું કે આ મૂત્ર વિશે વાત થઈ રહી છે. એણે જોયું કે પશુઓના દવાખાનામાં કોઈ જનાવર માંદું પડે તો ડોક્ટર એને એનું જ (એટલે કે બીમાર પ્રાણી ખુદનું જ) મૂત્ર દવા તરીકે આપતા હતા. જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓ પણ આ જ કરે છેને! લોરેન્સે પછી પૂરા પિસ્તાલીસ દિવસ સુધી પોતાનુ તમામ મૂત્ર પીધું. પિસ્તાલીસ દિવસને અંતે એનામાં જાણે પાછી જુવાની ફૂટી. પછી એણે 'વોટર્સ ઓફ લાઇફ' નામનું પુસ્તક પણ લખ્યું.'

વેલ, મોરારજીભાઈના સ્વમૂત્રપાન વિશેની વાતોમાંથી સૌથી પોતપોતાની રીતે યથામતિ તારણ કાઢવાનું છે. મોરારજી દેસાઈ વિશેની ઓર એક ફન-ફેક્ટ જાણો છો? એમણે એક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે! 1961માં બનેલી એક બાળફિલ્મમાં એમણે ગાંધીજીનાં અવતરણો બોલવાના હતા. આઠથી દસ મિનિટનો રોલ હતો અને મોરારજીભાઈ એક પણ રિહર્સલ વગર કે કોઈ પણ જાતના લખાણ વગર એક જ ટેકમાં શોટ ઓકે કરી નાખ્યો હતો0
         
0 0 0 

ઓસ્કર જીતવા માટે કેટલો સ્ક્રીન-ટાઇમ જોઈએ?


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 25 ફેબ્રુઆરી 2018 

મલ્ટિપ્લેક્સ

એક્ટર ફિલ્મની એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે દુનિયામાં એવા અદભુત અદાકારો પણ છે, જેમણે માત્ર પાંચ-પંદર-વીસ મિનિટ માટે પડદા પર દેખાઈને ઓસ્કર પોતાના નામે કરી નાખ્યા છે.

Anthony Hopkins in The Silence of the Lambs


સ્કરની સૌથી મહત્ત્વની પાંચ કેટેગરી એટલે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એકટ્રેસ. અત્યાર સુધી ફક્ત ત્રણ ફિલ્મો એવી પાકી છે, જેને આ પાંચેપાંચ ઓસ્કર મળ્યાં હોય. ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ(1991) તેમાંની એક. બાકીની બે એટલે ઈટ હેપન્ડ વન નાઈટ’ (૧૯૩૪) અનેવન ફ્લ્યુ ઓવર ધ કકૂઝ નેસ્ટ’ (૧૯૭૫).

તમને શું લાગે છે, હાંજા ગગડાવી નાખે એવીધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર મેળવનાર સર એન્થની હોપકિન્સ સ્ક્રીન પર કેટલા સમય માટે દેખાતા હશે? ગણીને સોળ મિનિટ, ફક્ત!

ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સની વાર્તા કંઈક એવી છે કે બફેલો બિલ (ટેડ લેવિન) તરીકે ઓળખાતા સિરિયલ કિલરને ઉત્પાત મચાવ્યો છે. આ વિકૃત માણસ સ્ત્રીઓને શિકાર બનાવે છે. એ મહિલાઓનું અપહરણ કરે, પછી એની કતલ કરી શરીર પરથી ચામડી ઊતરડી લે. ક્લેરિસ સ્ટારલિંગ (જુડી ફોસ્ટર) એફબીઆઈના બિહેવિયર સાયન્સ યુનિટમાં કામ કરતી સ્માર્ટ ટ્રેઈની છે. એણે બફેલો બિલ સુધી પહોંચવા માટે એના જેવા જ બીજા એક ખતરનાક ગુનેગાર સાથે કામ પાર પાડવાનું છે. આ ગુનેગાર નંબર ટુનું નામ છે હેનિબલ લેક્ટર (એન્થની હોપકિન્સ). બહુ જ હોશિયાર સાઈકિએટ્રિસ્ટ રહી ચુકેલો આ આદમી માનવભક્ષી છે! એ જંગલી જાનવરની માફક પોતાનાં શિકારને કાચો ચાવી જાય છે! હાલ એ જેલમાં છે.

એફબીઆઈની થિયરી એવી છે કે હેનિબલ અને બફેલો બિલની વિકૃતિ અથવા તો અપરાધનું સ્વરુપ થોડુંઘણું એકસરખું  છે. જો હેનિબલને વિશ્વાસમાં લઈ શકાય તો એ જરૂર બફેલો બિલના માનસ વિશે થોડોઘણો પ્રકાશ પાડી શકે, પણ હેનિબલ શા માટે એફબીઆઈની મદદ કરે? આખરે એવું નક્કી થયું કે ક્લેરિસને હેનિબલ પાસે મોકલવી. કદાચ એ મોં ખોલે પણ ખરો.

સામેના માણસને વીંધી નાખતી ખોફનાક આંખોવાળો આધેડ હેનિબલ શરુઆતમાં તો ક્લેરિસને પણ ભાવ નથી આપતો. પણ ધીમે ધીમે તેમની વચ્ચે થોડું કમ્યુનિકેશન શરુ થાય છે. અધિકારીઓ જૂઠમૂઠ કહે છે કે જો તું અમને મદદ કરીશ તો અમે તને સારી જગ્યાએ ટ્રાન્સફર કરીશું. સામે પક્ષે, હેનિબલ ક્લેરિસને કહે છે કે સૌથી પહેલાં તું તારી જિંદગીની, તારા ભૂતકાળની વાત મને કર!

ઘણું બધું બને છે. પેલા બફેલો બિલના પાપનો ઘડો અંતે ભરાય છે. ક્લેરિસના હાથે એનું મોત થાય છે અને આ બાજુ હેનિબલ સિક્યોરિટના જવાનોને ખતમ કરીને જેલમાંથી ભાગી છૂટે છે.

જેના પરથી આ ફિલ્મ બની છે તે પુસ્તકનું  ટાઈટલ પણ ધ સાયલન્સ ઓફ ધ લેમ્બ્સજ છે. થોમસ હેરિસે લખેલી આ બેસ્ટસેલર નવલકથા એક્ટ્રેસ જુડી ફોસ્ટરને એટલી બધી પસંદ પડી ગઈ હતી કે એ ખુદ પુસ્તકના રાઈટ્સ ખરીદવા માગતી હતી, પણ એ મોડી પડી. હેનિબલના પાત્ર માટે ફર્સ્ટ ચોઈસ શૉન કોનરી (જૂના જેમ્સ બોન્ડ)  હતા. એમણે ના પાડી એટલે આલા દરજ્જાના બ્રિટિશ એક્ટર એન્થની હોપકિન્સની વરણી કરવામાં આવી. એન્થની હોપકિન્સે પોતાનાં પાત્રને કન્વિન્સિંગ બનાવવા સિરિયલ કિલરોની ફાઈલોનો અભ્યાસ કરેલો. જેલમાં જઈને ખૂનીઓને મળેલા અને અદાલતોમાં કેસના હિઅરિંગ વખતે પણ હાજર રહેલા. ફિલ્મનું ડિરેક્શન અને લખાણ એવાં સોલિડ છે કે જે દશ્યોમાં એન્થની ન હોય તેમાં પણ એમની હાજરી વર્તાતી રહે છે!

એક્ટર એકેએક ફ્રેમમાં હોય તો પણ ધારી અસર પેદા ન કરી શકે એવું બને. સામે પક્ષે એન્થની હોપકિન્સ જેવા દરજ્જેદાર ગણ્યાંગાંઠ્યાં દશ્યોમાં દેખાઈને પણ અમીટ છાપ છોડી શકે. આવા ઘણા કિસ્સા છે. એમાંના અમુકની વાત કરીએ તો, અગાઉ ડેવિડ નિવેન નામના એક્ટરનેસેપરેટ ટેબલ્સ’ (૧૮૫૮) માટે શ્રેષ્ઠ એક્ટરનો અવોર્ડ મળેલો અને એમાં એના ભાગે માત્ર પંદર મિનિટ આવેલી. 'ડલાસ બાયર્સ ક્લબ' (2014)માં જેરેડ લેટોએ એચઆઈવી પોઝિટિવ ટ્રાન્સસેક્સ્યુઅલનો ઓસ્કરવિનિંગ અભિનય કર્યો હતો. એના ભાગે 21 મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ આવ્યો હતો. 2012માં રિલીઝ થયેલી મ્યુઝિકલ 'લે મિઝેહાબ્લ' (જેનો ઉચ્ચાર આપણે ટેસથી 'લા મિઝરેબલ્સ' કરીએ છીએ)માં તોતિંગ સ્ટારકાસ્ટ હતી, પણ 158 મિનિટ લાંબી ફિલ્મમાં ફક્ત પંદર મિનિટ માટે દેખાઈને એન હેથવેએ બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો. 

ઇન્ગ્રિડ બર્ગમેનને 'મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ' (1975) માટે ઓસ્કર મળેલો, જેમાં એ કેવળ 14 મિનિટ 18 સેકન્ડ દેખાયાં હતાં. 'ધે બેડ એન્ડ બ્યુટીફુલ' (1952) નામની ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતનાર ગ્લોરિયા ગ્રેહેમને સાડાનવ મિનિટ જેટલો જ સ્ક્રીન-ટાઇમ મળ્યો હતો, તો 'શેક્સપિયર ઇન લવ' માટે ઓસ્કર તાણી જનાર જુડી ડેન્ચને તો માત્ર આઠ મિનિટ માટે સ્ક્રીન પર ફરક્યાં હતાં. સૌથી ઓછો સમય સ્ક્રીન પર રહીને ઓસ્કર જીતવાનો રેકોર્ડ કોના નામે બોલે છે? બીટ્રાઇસ સ્ટ્રેટ નામની અમેરિકન અભિનેત્રીના નામે. 1976માં રિલીઝ થયેલી 'નેટવર્ક'માં એ ફક્ત પાંચ મિનિટ 40 સેકન્ડ માટે સ્ક્રીન પર ચમકીને બેસ્ટ સર્પોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગયેલાં! 

Marlon Brando in Apocalypse Now

સ્ક્રીન-ટાઇમની વાત નીકળી જ છે તો ભેગાભેગી માર્લોન બ્રાન્ડોની 'એપોકેલીપ્સ નાઉ'નો ઉલ્લેખ પણ કરી લઈએ. વિશ્વના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં સ્થાન પામતા માર્લોન બ્રાન્ડોની આ ફિલ્મના ડિરેક્ટર પણ ગ્રેટ હતા - ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. બન્ને સાથે મળીને અગાઉ 'ગોડફાધર'માં ઓલરેડી અદભુત કામ કરી ચુક્યા હતા.   

'એપોકેલીપ્સ નાઉ'માં વિયેતનામનું યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચુક્યું છે. અમેરિકન આર્મીના કેપ્ટન (સ્પેશિયલ ઓપરેશન્સ) વિલિયમ વિલાર્ડ (માર્ટિન શીન)ને એક ગુપ્ત અસાઇન્મેન્ટ મળે છે. વાત એમ છે કે અમેરિકન આર્મીનો એક લડાયક કર્નલ છે - વોલ્ટર કર્ટ્ઝ (માર્લોન બ્રાન્ડો), જે ઉપરીઓના આદેશનું પાલન કરવાને બદલે સ્થાનિક આદિવાસીઓની ટોળકી એકઠી કરીને એમનો સરદાર થઈને બેઠો છે. સિક્રેટ મિશન હેઠળ વિલાર્ડે નુંગ નામની નદીમાં થઈને કંબોડિયાના ગાઢ જંગલમાં ગુપચુપ પહોંચી જવાનું ને કર્નલ કર્ટ્ઝને ઉડાવી દેવાનો છે.  ફિલ્મના અંતે વિલાર્ડ પોતાના મિશનમાં સફળ થાય છે.
 
ફિલ્મમાં બ્રાન્ડોની એન્ટ્રી બહુ જ મોડી થાય છે, પણ તેમના કિરદાર માટે જે માહોલ બિલ્ડ-અપ કરવામાં આવ્યો છે તે અફલાતૂન છે. બધું મળીને બ્રાન્ડો માંડ ૧૫ મિનિટ માટે જ સ્ક્રીન પર દેખાય છે. ફિલ્મ જોતી વખતે આપણને બરાબર સમજાય કે શા માટે આવા નાનકડા રોલ માટે માર્લોન બ્રાન્ડો જેવા મહાન એક્ટરની વરણી કરવામાં આવી છે.

જોકે માર્લોન બ્રાન્ડો સાથે કામ કરવાનો ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનો અનુભવ જરાય સારો નહોતો રહ્યો. પા કલાકના રોલ માટે તેમને એ જમાનામાં સાડાત્રણ મિલિયન ડોલરની અધધધ ફી ચુકવવામાં આવી ત્યારે જોરદાર હલચલ મચી ગઈ હતી. બ્રાન્ડોનાં નખરાં શૂટિંગ શરુ થયું તેની પહેલાં જ શરુ થઈ ગયા હતા. હું એડવાન્સ પેટે મળેલા વન મિલિયન ડોલર રાખી લઈશ ને ફિલ્મ નહીં કરું એવી ધમકી તેઓ ઉચ્ચાર્યા કરતા. કોપોલાએ કંટાળીને એક વાર કહી દેવું પડ્યું કે તમતમારે પૈસા રાખી લો, તમારે બદલે હું જેક નિકલસન કે અલ પચીનોને સાઈન કરી લાઈશ. ખેર, બ્રાન્ડો આખરે મોડા મોડા સેટ પર હાજર થયા ખરા. કોપોલાએ માની લીધું હતું કે આવો ગ્રેટ એક્ટર જબરદસ્ત પૂર્વતૈયારી કરીને જ આવશે, પણ પહેલા જ દિવસે એમને ખબર પડી કે જે પુસ્તક પરથી આ ફિલ્મ બની રહી છે તેહાર્ટ ઓફ ડાર્કનેસનું નામ સુધ્ધાં બ્રાન્ડોએ સાંભળ્યું નહોતું! અધૂરામાં પૂરું, તેમણે પોતાના ડાયલોગ્ઝ પણ ગોખ્યા નહોતા. કોપોલા બ્રાન્ડોના કિરદારને એકદમ સૂકલકડી દેખાડવા માગતા હતા, તેને બદલે બ્રાન્ડોએ વજન ભયંકર વધારી નાખ્યું હતું.

કોપોલાને ટેન્શનનો પાર ન રહ્યો. નછૂટકે કલોઝઅપ્સ વધારે લેવા પડ્યા. શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ બ્રાન્ડોની હરકતોથી કોપોલા એવા ત્રાસી ગયા હતા કે એમણે પોતાના આસિસ્ટન્ટ ડિરેક્ટરને કહેવું પડ્યું કે ભાઈ, બ્રાન્ડોવાળાં સીન્સ હવેથી તું જ હેન્ડલ કરજે, મારાથી આ માણસ સાથે કામ નહીં થાય!

માર્લોન બ્રાન્ડોને ડાયલોગ્ઝ યાદ રહેતા નહોતા તે જાણીતી હકીકત છે. તેઓ શૂટિંગ દરમિયાન સંવાદોને ઈમ્પ્રોવાઈઝ કરતા. ‘અપોકેલીપ્સ નાઉમાં એક અઢાર મિનિટનો મોનોલોગ હતો, તે પણ તેમણે પોતાની રીતે ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. શોટ લેવાયા પછી બ્રાન્ડોએ કોપોલાને કહેલું કે દોસ્ત, મેં મારું બેસ્ટ આ શોટમાં આપી દીધું છે. આનાથી વધારે હું કશું નહીં કરી શકું. તને જો અસંતોષ હોય તો મારી જગ્યાએ બીજા કોઈ એક્ટરને લઈ લે! કોપોલા કશું ન બોલ્યા. શું બોલે? બ્રાન્ડો એટલી અદભૂત રીતે મોનોલોગ બોલ્યા હતા કે કોપોલા અવાચક થઈ ગયા હતા. ફિલ્મના ફાઈનલ વર્ઝનમાં જોકે અઢાર મિનિટની તે એકોક્તિ  કાપીકૂપીને બે જ મિનિટમાં સમેટી લેવામાં આવી તે અલગ વાત થઈ.
 
ફિલ્મ આખરે રિલીઝ થઈ અને હિટ થઈ. ઘણા વિવેચકોના મતે આ ફિલ્મ અત્યાર સુધીની શ્રેષ્ઠ ૧૦ ફિલ્મોમાંની એક છે. ના, આ ફિલ્મ માટે બ્રાન્ડોને ઓસ્કર તો નહોતો મળ્યો, પણ ઓછામાં ઓછો સમય પડદા પર દેખાઈને વધુમાં વધુ અસર શી રીતે પેદા કરવી તે એમણે દુનિયાભરના કલાકારોને જરૂર શીખવી દીધું!  

સો વાતની એક વાત આ જ છેઃ ઓડિયન્સનું દિલ જીતવા માટે અભિનયનું ઊંડાણ મહત્ત્વનું છે, પડદા પર ખેંચાયા કરતી હાજરી નહીં.

0 0 0 


Sunday, February 25, 2018

એક અઠવાડિયામાં બે નવલકથા લખવાની કળા


ચિત્રલેખા - ફેબ્રુઆરી ૨૦૧૮

 કોલમ: વાંચવા જેવું 




‘જિંદગી એ નથી જે તમે જીવ્યા છો. જિંદગી વિશે વાત કરવા બેસીએ ત્યારે જે યાદ આવે અને જેવી રીતે યાદ આવે, એ જ ખરી જિંદગી છે.’

 નોબલ પ્રાઇઝવિનર લેખક ગાબ્રિયેલ ગાર્સિયા ર્માર્કેઝનું આ ક્વોટ છે, જેને ટાંકીને વીનેશ અંતાણીએ પોતાના લેટેસ્ટ પુસ્તકનો ઉઘાડ કર્યો છે. વીનેશ અંતાણીએ સભાનતાપૂર્વક ‘આત્મકથા’ શબ્દનો પ્રયોગ ટાળીને ‘સ્મૃતિકથા’ શબ્દ પ્રયોજ્યો છે. ‘આત્મકથા’ કરતાં ‘સ્મૃતિકથા’ વધારે અનૌપચારિક, વધારે સિલેક્ટિવ હોય છે?

 ગુજરાતી વાંચકે વીનેશ અંતાણીનાં સર્જનને ખૂબ ચાહ્યા છે. ખાસ કરીને એમની નવલકથાઓને. ઉમાશંકર જોશીના અદભુત સંપાદન ‘સર્જકની આંતરકથા’માં વીનેશ અંતાણીએ પોતાની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત કરી જ છે, છતાંય ‘એક હતો વીનેશ’માં એમની જુદી જુદી કૃતિઓની સર્જનકથાના નવા અને મસ્તમજાના શેડ્ઝ સામે આવે છે. જેમ કે, ‘પ્રિયજન’ અને ‘આસોપાલવ’ આ બન્ને નવલકથાઓ વીનેશ અંતાણીએ એક જ અઠવાડિયામાં બેક-ટુ-બેક લખી હતી!

 ‘પ્રિયજન’ ગુજરાતી સાહિત્યમાં ક્લાસિકનો દરજ્જો પામી ચુકેલી અત્યંત સંવેદનશીલ નવલકથા છે જેને વાચકોની એકાધિક પેઢીઓનો ચિક્કાર પ્રેમ મળ્યો છે. ‘પ્રિયજન’ મૂળ તો ‘માલિપા’ નામનું રેડિયોનાટક. વીનેશ અંતાણીએ પછી પોતાના જ નાટક પરથી નવલકથા લખવા માટે ઓફિસમાંથી એક અઠવાડિયાની રજા લીધી. મનમાં બધું જ સ્પષ્ટ હતું, છતાંય પહેલા દિવસે કશું લખાયું નથી. બીજો દિવસ પણ કોરોધાકોડ જઈ શક્યો હોત, પણ એ બપોરે નવી ઘટના બની. ‘પ્રિયજન’નો એક અક્ષર પણ કાગળ પણ પડ્યો નહોતો, પણ જેના વિશે અગાઉ કશુંય વિચાર્યું સુધ્ધાં નહોતું એવી તદ્દન જુદી જ નવલકથા લખવાનું એમણે શરુ કરી દીધું. આ નવલકથા એટલે ‘આસોપાલવ’. કોઈ પણ અવરોધ વિના સડસડાટ કલમ ચાલતી રહી અને અઢી દિવસમાં ‘આસોપાલવ’ પૂરી પણ થઈ ગઈ. 

 ‘આસોપાલવ’ની સમાપ્તિની બીજી જ મિનિટે ‘પ્રિયજન’ લખવાનો પ્રારંભ થઈ ગયો. લાગલગાટ ત્રણ દિવસમાં આ નવલકથા પણ આખેઆખી લખાઈને તૈયાર થઈ ગઈ!

 આ કૃતિ વીનેશ અંતાણીએ ગોલ્ડન કલરની ‘હેરો’ બ્રાન્ડની ઇન્ડિપેનથી લખી હતી. ત્યાર પછી ‘કાફલો’થી ‘ધૂંધભરી ખીણ’ સુધીનું બધું જ એ પેનથી લખાયું. વીનેશ અંતાણી કહે છે:

 ‘હવે એ ઇન્ડિપેન સાચવી રાખી છે. ક્યારેક કબાટનું ખાનું ખોલીને એને અડકી લઉં છું. એ પેન મારા વીતેલા સમયની, મુંબઈ અને ચંડીગઢ જેવા શહેરોમાં મેં અનુભવેલી એકલાતની, લખતાં-લખતાં મને થયેલા અવર્ણનીય રોમાંચની સાક્ષી છે. હું એની સાથે એટલા જ લાગણીભર્યા સંબંધે જોડાયેલો છું, જેટલા મારા પ્રિયજનો સાથે.’

 લેખકના એક પ્રિયજન એટલે એમનાં સ્વગસ્થ બહેન, સરલા. સરલાનાં પતિ શશિકાંતભાઈ છેક દાર્જિલિંગ પાસે કલિમ્પોન્ગમાં નોકરી કરતા. કલિમ્પોન્ગથી એમના પત્ર આવે એટલે બહેન રસોડાવાળી ઓસરીની ભીંતે ટેકો લઈ, ખોળામાં થાળી રાખીને બેસે અને એની ઉપર ભાઈ વીનેશની નોટબુકનાં પાનાં પર કાગળનો જવાબ લખે. લેખક નોંધે છે:

 ‘યાદ કરું છું ને કારમી ટીસ ઉઠે છે. એ વખતે એને (સરલાને) ક્યાં ખબર હતી કે બહુ થોડાં વરસોમાં એ પોતે જ કોઈ એવા સ્થળમાં ચાલી જવાની છે, જ્યાં પત્ર પહોંચાડવા માટે સરનામું નહીં હોય.... બહુ જ જતનથી સાચવીને (હું) સરલાનો કાગળ લઈ જતો. ડબામાં નાખતાં પહેલાં વિચારતો - આ કાગળ વાંચતી વખતે શશિકાંતભાઈના મનમાં શું ચાલતું હશે? કદાચ એ દર વખતે પાછા આવી જવાનું વિચારતા હશે અને યાદ આવતું હશે કે કલિમ્પોન્ગ તો કચ્છથી બહુ દૂર છે.’

આટલું કહીને લેખક ઉમેરે છે:

 ‘પ્રિયજનનું એના પ્રિયજનથી અલગ હોવું... શું એવી જ કોઈ ક્ષણે મારા મનમાં ભવિષ્યમાં લખાનારી નવલકથાનું બીજ રોપાયું હશે?’

 કોણ કોનું સર્જન કરતો હોય છે - લેખક શબ્દોનું કે શબ્દો લેખકનું? કોણ કોને ઘાટ આપતો હોય છે? વીનેશ અંતાણી લખે છે:

 ‘નાનપણમાં નાનાકાકા (પિતાજી)એ લાકડાંનાં ખોખાં ગોઠવીને મારા માટે ટેબલ જેવું બનાવી આપ્યું હતું. બેસવાનું પણ એક ખોખા પર. હું ત્યાં બેસીને બારાખડી શીખ્યો. મૂળાક્ષરો ક્યારે શબ્દમાં ગોઠવાતા ગયા, એમાંથી અર્થ ક્યારે પ્રગટવા લાગ્યા એની ખબર પડી નથી. એટલું જ યાદ છે કે લખવાનું ગમે છે અને લખતો રહ્યો છું. મારી એકલતા, મારા વિષાદ, મારા આનંદ, મારા સંઘર્ષ - કોઈ પણ સ્થિતિમાં શબ્દ મારા સાથીદાર રહ્યા છે, શબ્દોએ જ મને ઉગાર્યો છે.’

 જીવનમાં બે સરવાણી સમાંતરે વહેતી ગઈ - એક સરવાણી લેખનની, બીજી આકાશવાણીના અધિકારી તરીકેની. ભારતભરના જુદા જુદા કેટલાય રેડિયો સ્ટેશન પર લેખકની બદલી થઈ. શહેરની સાથે જીવનનો લય પણ બદલાય. નવી જગ્યાએ પરિવારથી દૂર રહીને સ્થિર થવાની કોશિશ કરવી, એકલતા સાથે સંઘર્ષ કરવો... જીવનભર ક્યારેક બેકગ્રાઉન્ડમાં, ક્યારેક ફોરગ્રાઉન્ડમાં તો ક્યારેક બિલકુલ કેન્દ્રમાં ધબકતી રહેલી આ સ્થિતિ વિશે પુસ્તકમાં વિસ્તારપૂર્વક લખાયું  છે.

 વીનેશ અંતાણીએ પુસ્તકાકારે નવલકથાઓ લખ્યા બાદ ધારાવાહિક ફોર્મેેટ અજમાવ્યું, નવલિકા-નિબંધ લખ્યા, અખબારોમાં કોલમો લખી, ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન કર્યું. એમણે પુસ્તકો સંપાદિત કર્યાં અને નિર્મલ વર્માની કૃતિઓ ઉપરાતં એરિક સેગલની ‘લવ સ્ટોરી’ને ગુજરાતીમાં ઉતારી. ‘એક હતો વીનેશ’માં લેખકજીવનની સાથે સાથે કૌટુંબિક જીવન પણ આકર્ષક રીતે ઝીલાયું છે. કચ્છના નખત્રાણા ગામની શેરીઓ વહેતી વહેતી, કંંઈ કેટલાય પડાવ પસાર કરીને લેખકની જિંદગી હવે હૈદરાબાદમાં સ્થિર થઈ છે. આ એમનું સત્તાવીસમું ઘર છે!

 વીનેશ અંતાણીની સ્મૃતિકથા ‘તોફાનીે’ નથી. પુસ્તક એમની લેખનશૈલી જેવું જ છે - શાલીન, સંવેદનશીલ અને ગરિમાપૂર્ણ. પુસ્તક એમના ચાહકોને ખૂબ ગમવાનું છે એ તો નક્કી.       

00000

એક હતો વીનેશ  
લેખક: વીનેશ અંતાણી 
 પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપની 
 ગાંધીમાર્ગ - અમદાવાદ, પ્રિન્સેસ સ્ટ્રીટ - મુંબઈ
 ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧ 
 કિંમત:  Rs. ૨૦૦ /
  પૃષ્ઠ: ૨૨૬

00000