Wednesday, January 20, 2016

ટેક ઓફ : સૌથી સાદાં સત્યો આપણને જીવનમાં સૌથી મોડાં સમજાય છે?

Sandesh - Ardh Saptahik Purti  - 13 Jan 2016
ટેક ઓફ

એ કયું તત્ત્વ છે જે માણસને ખરેખર હેપી અને હેલ્ધી રાખે છે? શું માણસ પાસે ખૂબ બધા પૈસા આવી જાય તો એ સુખી થઈ જાય? શું એ વર્લ્ડફેમસ બની જાય તો એનાં સુખનો પાર ન રહે?



જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે, તોય કોણ જાણે કેમ આ સત્યો આપણને સમજાતાં નથી. સમજાય છે તો સ્વીકારતાં નથી અને સ્વીકારીએ છીએ તો અમલમાં મૂકતાં નથી. તાજેતરમાં અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકાએટ્રીએ માનવઇતિહાસના સૌથી લાંબા ચાલેલા સર્વેનાં તારણો જાહેર કર્યાં. સર્વેનો વિષય શો હતો? હેપીનેસ, સુખ! એ કયું તત્ત્વ છે જે માણસને ખરેખર હેપી અને હેલ્ધી રાખે છે? શું માણસ પાસે ખૂબ બધા પૈસા આવી જાય તો એ સુખી થઈ જાય? શું એ વર્લ્ડફેમસ બની જાય તો એનાં સુખનો પાર ન રહે? આ સવાલોના જવાબ આ સર્વેનાં તારણોમાંથી મળે છે.
ધ હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ એવું નામ ધરાવતા આ અભ્યાસ હેઠળ ૭૨૪ પુરુષોનાં જીવન પર લાગલગાટ ૭૫ વર્ષ સુધી નજર રાખવામાં આવી. ઓફકોર્સ, સર્વે શરૂ થયો ત્યારે આ પુરુષો હજુ એડલ્ટ થયા નહોતા... પણ ૭૫ વર્ષ ? પોણી સદી ! માનવઇતિહાસમાં અગાઉ કોઈ સર્વે આટલો લાંબો ચાલ્યો નથી. આ પ્રકારના સરવે બહુ બહુ તો એકાદ દસકો માંડ ચાલે. પછી સર્વે કરનારાઓની ટીમના સભ્યો એક-એક કરતાં ખરતા જાય. કોઈ પ્રોજેક્ટ છોડી દે, કોઈ ગુજરી જાય કાં કોઈનો રસ ઊડી જાય. ધારો કે આવું કંઈ ન થાય તો પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલાં ભંડોળનું તળિયું દેખાઈ જાય. સરવાળે સર્વે પડી ભાંગે. સદ્ભાગ્યે હાર્વર્ડના આ પ્રોજેક્ટની કુંડળીમાં વિધાતાએ લાંબુ આયુષ્ય લખ્યંુ હતું, જેમની આખી જિંદગી પર ચાંપતી નજર રાખવામાં આવી હતી એ ૭૨૪માંથી આજે ૬૦ પુરુષો હયાત છે. આમાંના મોટાભાગના ૯૦ વર્ષ વટાવી ચૂકયા છે.
૧૯૩૮માં સર્વે શરૂ થયો ત્યારે ૭૨૪ પાર્ટિસિપન્ટ્સને બે ગ્રૂમાં વહેંચી દેવામાં આવ્યા હતા. એક ગ્રૂપ હતું હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાજા તાજા દાખલ થયેલા વિદ્યાર્થીઓનું, આ તમામ છોકરાઓએ કોલેજ પૂરી કર્યા બાદ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. બીજું ગ્રૂપ હતું બોસ્ટન શહેરના ગરીબ વિસ્તારમાં હાડમારીભર્યું જીવન જીવી રહેલા છોકરાઓનું. સરવે શરૂ થયો ત્યારે પ્રત્યેક તરુણનાં ઘરે જઈને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. સૌની મેડિકલ જાંચ કરાવવામાં આવી. એમનાં માતા-પિતા સાથે વિગતવાર વાતચીત થઈ,મોટા થયા પછી છોકરાઓ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવા લાગ્યા. કોઈ ડોક્ટર કે વકીલ બન્યા, કોઈ કારખાનાના કારીગર કે કડિયાકામ કરનારા મજૂર બન્યા. કોઈને દારૂની લત લાગી ગઈ, કોઈ સ્કિઝોફ્રેનિયાનો ભોગ બન્યા. અમુક લોકો જીવનમાં ખૂબ આગળ વધ્યાં, અરે એક જણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો! સામે પક્ષે, સફળતાનાં શિખર પહોંચીને ભોંય ભેગા થયા હોય એવાય કેટલાક જણ હતા.

દર બે વર્ષે હાર્વર્ડની ટીમ આ તમામ પુરુષોને ફોન કરીને વિનમ્રતાથી પૂછતા : સર, અમે તમને સવાલોનું લિસ્ટ આગોતરુંં મોકલી આપીએ અને પછી તમે કહો તે સમયે આવીને મળી જઈએ, પ્લીઝ? કેટલાય પુરુષો અકળાઈને જવાબ આપતા : તમને મારામાં આટલો બધો રસ શું કામ પડે છે? મારી જિંદગીમાં સ્ટડી કરવા જેવું છે શું? હાર્વર્ડની ટીમ આ પ્રકારના પાર્ટિસિપન્ટ્સ સાથે ધીરજપૂર્વક કામ લે. એકેએકનાં ઘરે જઈને ઇન્ટરવ્યૂ લે. એમનાં કામ, પરિવાર, તબિયત વિશે સવાલો પૂછે, જવાબો માત્ર કાગળ પર લખી લેવામાં આવે એમ નહીં, વાતચીતનું રીતસર વીડિયો રેર્કોડિંગ થાય. પુરુષો પોતાની પત્ની અને ઘરનાં અન્ય લોકો સાથે સમય વિતાવતા હોય એનુંય શૂટિંગ થાય. પુરુષોના ડોક્ટરોને પણ મળવામાં આવે, એમના મેડિકલ રેકોર્ડ્ઝની કોપી મેળવવામાં આવે. દરેકનાં બ્લડ સેમ્પલ લેવાય, બ્રેઇનનું સ્કેનિંગ થાય, આ રીતે પ્રત્યેક પાર્ટિસિપન્ટનાં જીવન વિશે જે ડેટાબેઝ તૈયાર થયો તે સેંકડો-હજારો પાનામાં ફેલાયેલો હતો.
૭૫ વર્ષ સુધી ચાલેલા આ પ્રચંડ સર્વેનું, દરિયો ભરાઈ જાય એટલી ઇન્ફર્મેશન ભેગી કરવામાં આવી તેનું તારણ શું નીકળ્યું? સર્વેનાં તારણોનો સાર આ એક જ વાકયમાં સમેટી શકાય એમ છે : પ્રેમભર્યા સંંબંધો માણસને ખુશ અને તંદુરસ્ત રાખે છે, બસ, આટલું જ.


આપણને થાય કે આ તો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. આમાં હાર્વર્ડવાળાઓએ શું મોટી વાત કરી નાખી? એ તો સૌ કોઈ જાણે છે કે સુખી અને સ્વસ્થ જીવન જીવવું હોય તો પારિવારિક અને સામાજિક સંબંધો સારા હોવા જોઈએ, આમાં નવું શું છે ? લેખની શરૂઆતમાં એટલેસ્તો લખ્યું કે જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે. આ સત્યો સીધાસાદાં હોવાને કારણે જ આપણે તેને ગંભીરતાથી લેતાં નથી, ગણકારતાં નથી પણ આવો દોસ્તાન સરવેના અંતે પણ આ જ ફેંસલો સુણાવે આવે ત્યારે આપણા કાન બરાબર ખૂલે છે ને વાત ભેજામાં ઊતરે છે.
હાર્વર્ડની ટીમને તારણરૂપે આ ત્રણ સૌથી મહત્ત્વની વાત શીખવા મળી :
૧. હૂંફાળા સંબંધો :

લોકો સાથે બને એટલું વધારે હળવુંમળવું જોઈએ. એકલતા માણસને હણી નાખે છે. આ વાત, અલબત્ત,પશ્ચિમના દેશોને વધુ લાગે પડે છે. અમેરિકનો-યુરોપિયનો કરતાં ભારતીયોમાં પારિવારિક ભાવના ઘણી વધારે મજબૂત હોય છે. એ વાત અલગ છે કે પશ્ચિમીકરણની દોડમાં આપણે પણ વધુ ને વધુ એકલવાયાં બની રહ્યા છીએ. હાર્વર્ડના સરવે પરથી જાણવા મળ્યું કે જે લોકો પરિવાર, મિત્રો અને સમાજ સાથે વધારે હળેમળે છે તેઓ વધારે સુખી હોય છે, તેમની તબિયત વધારે સારી રહે છે અને તેઓ વધારે લાંબું જીવે છે. એકલતા માણસમાં નકારાત્મક લાગણીઓ જન્માવે છે. પસંદગીપૂર્વકનું એકાંત તદ્દન જુદી વસ્તુ છે. તે માણસને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે પણ અનિચ્છાએ એકલતામાં ધકેલાઈ ગયેલો માણસ ખુશ રહી શકતો નથી. મધ્ય વયે પહોંચે ત્યાં સુધીમાં એની તબિયત ઢીલી થવા માંડે છે, એની બુદ્ધિશકિત વહેલી ક્ષીણ થાય છે અને એ વહેલો મરે છે.
૨. સંંબંધોની ગુણવત્તા મહત્ત્વની છે, સંખ્યા નહીં :

કોણ કહ્યું કે માણસ પત્ની-સંતાનો-સગાં-મિત્રો વચ્ચે ઘેરાયેલો હોય એટલે એને એકલતા ન જ સતાવે ? માણસ ટોળાંમાં પણ એકલો હોઈ શકે છે. લગ્ન થઈ ગયાં હોય પણ જીવનસાથી સાથે મનમેળ ન હોવાને લીધે જે એકલતાનો અહેસાસ થાય છે તે માણસનું સત્ત્વ હણી લે એટલો ભીષણ હોઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે તમારે કેટલા મિત્રો છે તે મહત્ત્વનું નથી, તમે કમિટેડ રિલેશનશિપમાં છો કે કેમ તે પણ એટલું અગત્યનું નથી. મહત્ત્વનું એ છે કે તમારા સંબંધો કેટલા મજબૂત છે ? કેટલા અંતરંગ, આત્મીય અને હૂંફાળા છે ? ચાલીસ-પચાસ દોસ્તો હોય પણ એમાંથી એકેય સાથે દિલની વાત થઈ શકતી ન હોય તો આવી દોસ્તીનો મતલબ શો છે ? એને બદલે એક કે બે જ ગાઢ મિત્ર હોય જેની સામે હ્ય્દય ઠાલવીને હળવાફુલ થઈ શકાતું હોય તો તે સ્થિતિ અનેકગણી ચડિયાતી અને ઇચ્છનીય ગણાય. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરતા હોય અને મન ઊંચું રહેતું હોય તો આવો લગ્નસંબંધ સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર કરે છે. માણસને અંદરથી ખતમ કરી નાખતા ઝેરીલા લગ્નસંબંધને કે પ્રેમસંબંધને ગમે તેમ કરીને નભાવ્યે રાખવા કરતાં છૂટા થઈ જવાનો વિકલ્પ બહેતર છે.
માણસનો બુઢાપો સારો જશે કે ખરાબ જશે તે અગાઉથી કેવી રીતે ખબર પડે ? પચાસ વર્ષની ઉંમરે એનું કોલેસ્ટરોલ લેવલ કેટલું છે એના પરથી ? ના, પચાસ વર્ષની ઉંમરે તે પોતાના સંબંધોમાં કેવોક સુખી અને સંતુષ્ટ છે તેના પરથી. સરવે પરથી જાણવા મળ્યું કે જે પુરુષો પચાસ વર્ષની ઉંમરે પોતાના સંબંધોમાં સૌથી વધારે ખુશ હતા તેઓ ૮૦ વર્ષની ઉંમરે સૌથી વધારે સ્વસ્થ હતા. પ્રેમભર્યા સંબંધોની હૂંફ એમના માટે સુરક્ષાકવચનું કામ કરતી હતી. સૌથી સુખી દંપતીઓને ૮૦ વર્ષની ઉંમરે નાનીમોટી બીમારીઓ સતાવતી હતી તોય ખુશમિજાજ રહેતાં હતાં. સામે પક્ષે, જેમણે ખરાબ સંબંધોનો ભાર વેંઢાર્યો હતો એવાં બુઢાં સ્ત્રી-પુરુષો માટે નાની અમથી બીમારી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હતી.
૩. સલામતીની લાગણી :
પ્રેમ અને સંવાદિતાભર્યા સંબંધો માત્ર શરીરની નહીં, મનની પણ રક્ષા કરે છે. સરવે પરથી જાણવા મળ્યંુ કે પાછલી વયે જો માણસને મનોમન એેવો સધિયારો હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં મારી(કે મારો) જીવનસાથી મારી પડખે ઊભી(કે ઊભો) રહેશે, તો એની યાદશકિત વધારે લાંબા સમય સુધી સાબૂત રહે છે. સામે પક્ષે, જો કહેવાતા જીવનસાથી પર વિશ્વાસ નહીં હોય, એ મને ગમે તેવી હાલતમાં સાથ આપશે જ એવી ખાતરી ન હોય, તો માણસની યાદશકિત વહેલી ક્ષીણ થવા લાગે છે. જરૂરી નથી કે 'સારો સંબંધ' ધરાવતાં વયોવૃદ્ધ પતિ-પત્ની કાયમ એકબીજા સાથે પ્રેમની વાતો જ કરતાં હોય. તેઓ એકબીજા સાથે ખૂબ બાખડતાં હોય, એકમેકને ટોકયાં કરતાં હોય, ગુસ્સો કરતાં હોય કે ચીડાતાં હોય તે શકય છે પણ એેમનાં દિલમાં સો ટચના સોના જેવી ખાતરી હોય છે કે આ ડોસો કે ડોસી ભલે ગમે તેટલાં નાટક કરે પણ એ મને છોડીને કયાંય નહીં જાય. મને કંઈક થઈ જશે તો સૌથી વધારે તકલીફ એને થશે અને મારી સૌથી વધારે ચાકરી એ જ કરશે ! એકમેક પર આ પ્રકારનો નક્કર ભરોંસો હોય તો પતિ-પત્ની વચ્ચે ગમે તેટલી તૂ તૂ-મૈં મૈં થાય તો પણ તેમની દિમાગ પર માઠી અસર પડતી નથી.


તાજેતરમાં બીજો એક સર્વે થયો હતો, એમાં પંદર વર્ષનાં તરુણોથી લઈને પચ્ચીસેક વર્ષના જુવાનિયાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા માટે જીવનના સૌથી મહત્ત્વનાં લક્ષ્યો કયાં છે? ૮૦ ટકા જુવાનિયાઓએ જવાબ આપ્યો : મારે પુષ્કળ પૈસા કમાવા છે. પચાસ ટકા જુવાનિયાઓએ જવાબ આપ્યો : મારે ફેમસ બનવું છે ! તેઓ માનતા હતા કે જુવાનીમાં રિચ એન્ડ ફેમસ બની જવાથી સુખ મળી જશે અને બાકીની આખી જિંદગી ખુશખુશાલ વીતશે. આની સામે હાર્વર્ડના ૭૫ વર્ષીય સર્વેનાં તારણો પ્રેડિક્ટેબલ હોવા છતાંય ખૂબ મહત્ત્વનાં છે.
સો વાતની એક વાત. ખૂબ બધા પૈસા કમાઈ લેવાથી કે પ્રખ્યાત થઈ જવાથી જિંદગી સુખમાં વીતતી નથી. પોતપોતાનાં કામમાં કે કારકિર્દીમાં નિષ્ઠાપૂર્વક મહેનત કરવાની સાથે સાથે જો પ્રેમભર્યા, હૂંફાળા અને આત્મીય સંબંધો વિકસાવવામાં સમય-શકિત ખર્ચ્યાં હશે તો જિંદગીનાં પાછલાં વર્ષો આનંદમાં વીતશે એ વાતની ગેરંટી. વેલ, ઓલમોસ્ટ !
0 0 0

No comments:

Post a Comment