Tuesday, December 1, 2015

ટેક ઓફ : ઈલેકટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા અને સંયમ

Sandesh - Ardh Saptahik purti - 25 Nov 2015
ટેક ઓફ 

પેરિસ પર થયેલા ટેરરિસ્ટ એટેક પછી લગભગ આપણા સૌના મોબાઈલ પર આ વોટ્સએપ મેસેજ આવી ગયો હતો, જેમાં લખ્યું હતું કે -
'પેરિસ અટેકના કવરેજમાં તમે એકેય વાર ડેડ બોડી કે લોહી જોયું? વિરોધ પક્ષની બયાનબાજી સાંભળી? એક પણ મીડિયા કર્મીને હુમલાના ભોગ બનેલી વ્યકિતના મોઢામાં ધરાર શબ્દો મૂકતા જોયો? ભારતનું મીડિયા નીતિમૂલ્યો અને શિસ્તના પાઠ ભણે તેનો સમય આવી ગયો છે.'
વાત તો સાચી છે. ભારતનું ઈલેકટ્રોનિક મીડિયા હજુ મેચ્યોર થવાના તબક્કામાંથી પૂરેપૂરુ બહાર આવ્યું નથી તે હકીકત છે. ૨૦૦૮માં મુંબઈમાં થયેલો ટેરરિસ્ટ અટેક લાગલગાટ ચાલીસ કલાક ચાલ્યો હતો તે દરમિયાન ન્યુઝ ચેનલો પર હોટલ તાજ, હોટલ ઓબેરોય (ટ્રાઈડન્ટ) વગેરે સ્થળો પર થઈ રહેલી ગતિવિધિઓનું એકધારુ લાઈવ કવરેજ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતુ. કબૂલ, જોખમી સ્થળે હાજર રહીને ફરજ બજાવનાર મીડિયા કર્મીઓની પ્રશંશા થવી જોઈએ, પણ તાનમાં આવી ગયેલા અતિ ઉત્સાહી ટીવી જર્નલિસ્ટો તેમજ હરીફો કરતાં આગળ રહેવાની લાહ્યમાં ન્યુઝ ચેનલો આ ઘટનાક્રમ દરમિયાન સંયમ ચુકી ગયાં હતાં. બંધકોને હોટલમાં એકઝેકટલી કઈ જગ્યાએ બંદી બનાવવામાં આવ્યા છે, તેમને છોડાવવા માટે આવેલા કમાન્ડોએ એકઝેકટલી કયાં પોઝિશન લીધી છે, તેમની પાસે કયાં શસ્ત્રોઅસ્ત્રો છે, તેમની શી રણનીતિ છે. આ બધી જ વિગતો કશા જ એડિટિંગ વગર ટીવી પરથી લાઈવ ટેલિકાસ્ટ થતી ગઈ. એ વાત ભુલી જવાઈ કે આ તમામ માહિતીનો હોટલમાં છૂપાયેલા ટેરરિસ્ટો તેમજ તેમને દોરવણી આપી રહેલા દરિયાપારના સાગરીતો ભયંકર દુરુપયોગ કરી શકે છે. ઈલેકટ્રોનિક મીડિયાનું વર્તન એટલી હદે અવિચારી અને અપરિપકવ હતું કે સુપ્રીમ કોર્ટ સુધ્ધાંએ ફટકાર લગાવી પડી હતી.
'આવા (ટેરરિસ્ટ અટેક જેવા અતિ સંવેદનશીલ) સંજોગોમાં જો કોઈ ટીવી ચેનલ અભિવ્યકિતની સ્વતંત્રતા કે ફ્રીડમ ઓફ સ્પીચનું ગાણું ગાતી હોય તો તે તદ્દન ખોટું અને અસ્વીકાર્ય છે,' સુપ્રીમ કોર્ટની બેન્ચે કહેલંુ, 'કોઈ પણ પ્રકારની સ્વતંત્રતાની માફક ફ્રીડમ ઓફ સ્પીચ પર પણ વ્યાજબી બંધનો લાગુ પડે જ છે. જે સ્વતંત્રતા કે અભિવ્યકિતથી અન્ય કોઈ વ્યકિતના જીવ પર ખતરો ઊભો થતો હોય કે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હોય તો તેવી કોઈ પણ ચેષ્ટાનો બચાવ ન થઈ શકે.'
સદભાગ્યે ટીવી ચેનલો મુંબઈના ટેરરિસ્ટ અટેકવાળા પ્રકરણમાંથી પાઠ શીખી ખરી. રાધર, શીખવા પડયા. ગયા જુલાઈમાં પંજાબ સ્થિત ગુરુદાસપુરના એક પોલીસ સ્ટેશનમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા ત્યારે ન્યુઝ ચેનલો આદત મુજબ ઘાંઘી જરુર થઈ હતી, પણ લાઈવ કવરેજથી દૂર રહી હતી. વારેવારે ન્યુઝ-એન્કરો ઘોષણા કર્યા કરતા હતા કે સ્ક્રિન પર તમે જે દશ્યો જોઈ રહ્યા છો તે લાઈવ નહીં પણ થોડા સમય પહેલાંનાં છે.
ઈલેકટ્રોનિક મીડિયા પર નિયંત્રણ શકય છે, પણ લોકશાહી દેશોમાં સોશિયલ મીડિયાને કાબૂમાં લાવવું અતિ મુશ્કેલ છે. આજે બધાના હાથમાં મોબાઈલ છે અને મોબાઈલમાં વોટ્સએપ-ફેસબુક-ટ્વિટર છે. ગુજરાતનું પાટીદાર આંદોલન હોય કે પેરિસનો આતંકવાદી હુમલો હોય, કોઈ પણ અફવા કે ખોટી માહિતી આગની જેમ ફેલાઈ જાય છે. એફિલ ટાવરની લાઈટ્સ વગરની મુરઝાયેલી કાળી તસવીર ખૂબ વાઈરલ થઈ હતી, જેમાં સાથે લખાણ આવતું કે આતંકવાદી હુમલાની પ્રતિક્રિયા રુપે એફિલ ટાવરને આટલાં વર્ષોમાં પહેલી વાર બુઝાવી નાખવામાં આવ્યો. હકીકત એ છે કે એફિલ ટાવરની લાઈટ્સ કંઈ આ વખતે પહેલી વાર સ્વિચ ઓફ થઈ નહોતી. આ એક રુટિન છે, ટાવરની લાઈટ્સ સમયાંતરે નિયમિતપણે ડિમ કરવામાં આવે છે.

હાથમાં કુરાનનું પુસ્તક લઈને ઊભેલા એક 'ટેરરિસ્ટ'નો ફોટો ખૂબ સરકયુલેટ થયો હતો. પછી ખબર પડી કે એ પેરિસનો આતંકવાદી નથી, બલકે વીરેન્દ્ર જુબ્બલ નામનો કોઈ સીધોસાદો પાઘડીધારી શીખ બંદો છે. એ બાપડાએ હાથમાં આઈપેડ પકડીને અરીસા સામે સેલ્ફી લીધી હતી. કોઈ ટિખળીએ કમ્પ્યુટર પર કરામત કરીને આઈપેડની જગ્યાએ કુરાનનું પુસ્તક ફિટ કરી દીધું ને તસવીર વાઈરલ કરી નાખી. આખરે જુબ્બલની ઓરિજિનલ તસવીર એક સ્પેનિશ અખબારના ફ્રન્ટ પેજ પર છપાઈ પછી હોબાળો જરા શાંત થયો. પોપ ફ્રાન્સિસ અને અમેરિકન પ્રેસિડન્ટશીપ માટેની આગામી ચુંટણીમાં ઝંપલાવનાર સેલિબ્રિટી બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પનાં ટ્વિટ્સ પણ ચર્ચામાં આવ્યાં હતાં. પછી ખબર પડી કે આ બન્ને ટિવટ્સ જૂનાં છે, જાન્યુઆરીમાં 'શાર્લી એબ્દો'નામનાં ફ્રેન્ચ મેગેઝિનના પત્રકારોને આતંકવાદીઓએ હણી નાખ્યા હતા, તે વખતના.
માત્ર નવરા લોકો જ સમજ્યા-વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલવતા હોય છે એવું નથી, ધીરગંભીર પ્રકૃતિના લોકોથી પણ અભાનપણે આવી ચેષ્ટા થઈ જતી હોય છે. જેમ કે, ટ્વિટર પર લગભગ ૧ લાખ ૪૦ હજાર જેટલા ફોલોઅર ધરાવતા ઈઆન બ્રીમર નામના પોલિટિકલ સાયન્ટિસ્ટે ભાઈચારો વ્યકત કરવા એકઠા થયેલા હજારો પેરિસવાસીઓની તસવીર શેર કરી હતી. આ તસવીર પણ જુની નીકળી, 'શાર્લી એબ્દો'વાળા ટેરરિસ્ટ અટેક વખતની.
પેરિસના આતંકવાદી હુમલાના બરાબર બે દિવસ પહેલાં એક ભેદી ટ્વિટ જોવા મળી હતી, જેમાં લખ્યંુ હતું: 'પેરિસના આતંકવાદી હુમલામાં કમસે કમ ૧૨૦ લોકોનું મોત અને ૨૭૦ ઘાયલ'. હુમલા પછી પર લગભગ દસ હજાર કરતાં વધારે લોકોએ રિ-ટ્વિટ કર્યું. સવાલ એ હતો કે આવી જડબેસલાક આગાહી કોણે કરી હતી? આનું રહસ્ય પણ પછી ખૂલ્યું. વાસ્તવમાં કોઈએ બે સમાચારોની ખીચડી કરી નાખી હતી. એક સમાચાર હતા, 'શાર્લી એબ્દો'ની ઓફિસ પર જાન્યુઆરીમાં થયેલો હુમલો અને બીજી હેડલાઈન હતી, ગયા વર્ષે નાઈજિરિયાની એક મસ્જિદમાં થયેલા અટેકમાં થયેલા ૧૨૦ માણસોના મોત. બે ને બે બાવીસ કરી નાખવા તે આનું નામ.
લોકો આવું શા માટે કરતા હોય છે? સોશિયલ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ મોટી ર્દુઘટના બને છે ત્યારે લોકોને એના વિશે વાત કરવાની, જે કંઈ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે તેમાં ભાગ લેવાની અને ઓનલાઈન કશુંક શેર કરવાની ચળ ઉપડતી હોય છે. આથી તેઓ સમજ્યાવિચાર્યા વિના કે ક્રોસચેક કર્યા વગર કંઈ પણ ગાંડુંઘેલું સોશિયલ મીડિયા પર તરતું મૂકી દે છે. તનાવયુકત માહોલમાં અમુક લોકોમાં છુપાયેલો 'જાસૂસ' યા તો ખબરી એકાએક જાગૃત થઈ જતો હોય છે. તેઓ ગમે તેમે ટેરરિસ્ટ તરીકે ખપાવી દે છે. ખોટી ઈન્ફર્મેશન બોટલમાંથી બહાર નીકળી ગયેલા જિન જેવી છે. જિનને જેમ પાછો અંદર પૂરવો કઠિન છે તેમ ખોટી ઈન્ફર્મેશન એટલા ભયંકર વેગથી ફેલાઈ જતી હોય છે, કે પછી તેને સુધારવાનું લગભગ અશકય બની જાય છે.
માત્ર ખરાબ વાતો જ નહીં, કયારેક સો-કોલ્ટ 'પોઝિટિવ' પણ અધકચરી માહિતી પણ વેગ પકડી લે છે. ઉદાહરણ તરીકે, ઝોહેર નામના એક મુસ્લિમ સિકયોરિટી ગાર્ડની બહાદૂરીનો કિસ્સો ખૂબ ચગ્યો હતો.
પેરિસના પેલા ૭૯,૦૦૦ માણસોથી છલકાતા સ્ટેડિયમમાં એક ટેરરિસ્ટ ઘૂસવા માગતો હતો, પણ ઝોહેરે એને અટકાવ્યો એટલે નછૂટકે એણે સ્ટેડિયમના ગેટની બહાર વિસ્ફોટ કરવો પડયો. જો આ વિસ્ફોટ સ્ટેડિયમની અંદર થતો હોત તો અનેકગણો વધારે વિનાશ સર્જાયો હોત. આ સમાચાર સૌથી પહેલાં 'ધ વોલસ્ટ્રીટ જર્નલ'માં છપાયો ને પછી વાઈરલ થયો. ઝોહેર નેચરલી હીરો બની ગયો. ખાટલે મોટી ખોડ એ રહી ગઈ કે ખબર જેમ વાઈરલ થતી ગઈ તેમ તેમ લોકો તેમાં યથાશકિત મસાલો ઉમેરતા ગયા. જેમ કે, 'ધ વોલસ્ટ્રીટ જર્નલ'ના ઓરિજિનલ રિપોર્ટમાં ઝોહેર મુસ્લિમ છે એવુંં કયાંય લખાયંુ નથી, કયાંય 'ઈસ્લામ' કે 'ધર્મ' શબ્દનો ઉલ્લેખ સુધ્ધાં નથી. તો પછી ઝોહેર નામના 'મુસ્લિમ' સિકયોરિટી ગાર્ડે મોટું પરાક્રમ કર્યું એવા સમાચાર કેમ વાઈરલ થયા? શા માટે ઘટનાક્રમને કોમી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો?
અખબારના અહેવાલમાં તો ઝોહેરે પર્સનલી આતંકવાદીને રોકયો હતો એવુંય સ્પષ્ટ થતું નથી. એકઝેકટ વાકય આવું હતું:'સિકયોરિટી ગાર્ડ ઝોહેરે (એ પોતાની અટક જાહેર કરવા માગતો નથી) કહ્યું કે હુમલાખોરે કમર પર વિસ્ફોટકો બાંધેલો બેલ્ટ પહેર્યો હતો.' મતલબ કે ઝોહેર ફકત અખબારના રિપોર્ટરને ઘટનાક્રમનું વર્ણન કહી સંભળાવ્યું હતું. શકય છે કે એ માત્ર સાક્ષી હોય, બની શકે કે આતંકવાદીને રોકનાર બીજો કોઈ સિકયોરિટી ગાર્ડ હોય. આમ છતાં કોઈએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે આતંકવાદી સામે લડતા લડતા ઝોહેરનું મોત થયું! કોઈ પણ સિકયોરિટી ગાર્ડ પોતાની ફરજ બખૂબી બજાવે ત્યારે એની પ્રશંસા જ કરવાની હોય,પણ મુદ્દો એ છે કે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને હળવેકથી કોમી વાઘા ચડાવીને એને વળ દીધા કરવાની સોશિયલ મીડિયાની આદત છે.
 અલબત્ત, ફેસબુક-ટ્વિટર-વોટ્સએપનાં ઊજળાં પાસાં પણ છે જ. આપણે સોશિયલ મીડિયાનાં માત્ર સારાં પાસાંને આઈડેન્ટિફાય કરીને તેની હદરેખામાં સક્રિય રહેવાનું છે. ખોટી, અધકચરી કે હાનિકારક માહિતી આપણા દ્વારા અજાણપણે શેર ન થાય તે માટ સતત સતર્ક રહેવાની જવાબદારી આપણી જ છે.
                                                0 0 0 

No comments:

Post a Comment