Saturday, November 28, 2015

મલ્ટિપ્લેક્સ : ઇમ્તિયાઝ આજકલ : માણસ પોતાનું બેસ્ટ વર્ઝન કેવી રીતે બની શકે?

Sandesh - Sanskar Purti - 29 Dec 2015
મલ્ટિપ્લેક્સ 
'સેલ્ફ-ડાઉટ અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે.'



ફિલ્મને જોયા વગર તેના મેકિંગ વિશે કે તેની ટીમ વિશે પોઝિટિવ સૂરમાં લખવું હંમશાં ખૂબ જોખમી હોય છે, જેનાં ખૂબ ઢોલનગારાં વાગ્યાં હોય અને જેણે ખૂબ અપેક્ષાઓ જન્માવી હોય એવી ફિલ્મ તદ્દન નબળી સાબિત થઈ શકે છે. 'બોમ્બે વેલ્વેટ'થી 'શાનદાર'સુધીના તાજા દાખલા આપણી આંખ સામે છે. આવું બને ત્યારે ભોંઠપની લાગણી જાગે અને થાય કે અરેરે, નાહકનો આવડો મોટો લેખ એક ફાલતુ ફિલ્મ વિશે લખી નાખ્યો. આ લખાઈ રહ્યુંું છે ત્યારે'તમાશા' રિલીઝ થવાને થોડા દિવસની વાર છે પણ આજનો અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હશે, તે ઉત્તમ છે, સાધારણ છે, નિરાશાજનક છે કે સાવ બકવાસ છે તે વિશે ચુકાદો આવી ગયો હશે. 'તમાશા' જોઈ નથી એટલે ફિલ્મ વિશે ઝાઝી વાત ન કરીએ પણ એના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી વિશે ચર્ચા જરૂર કરી શકાય. આ માણસનો ટ્રેકરેકોર્ડ એટલો મસ્ત-મજાનો છે કે આટલું રિસ્ક લેવામાં વાંધો નથી.
'સોચા ન થા'થી 'જબ વી મેટ'થી 'લવ આજકલ'થી 'રોકસ્ટાર'થી 'હાઈવે'... ઇમ્તિયાઝઅલીની ફિલ્મો આપણને શા માટે ગમે છે?પ્રેમનું હોવું, પ્રેમનું ન હોવું, પ્રેમ હોવા અને ન હોવા વચ્ચેની કોઈ સ્થિતિ હોવી, પ્રેમને પુનઃ નવા સ્વરૂપમાં સમજવો, ટૂંકમાં, પ્રેમ અથવા તો રોમેન્ટિક સંબંધના અલગ અલગ શેડ્ઝને ઇમ્તિયાઝઅલી ખૂબસૂરતીથી અને તાજગીભર્યા અંદાજમાં પેશ કરી શકે છે એટલે આપણને એમની ફિલ્મો અપીલ કરે છે. હા, મજાની વાત એ છે કે પ્રેમ વિશેના ઇમ્તિયાઝઅલીના ખુદના વિચારો ચમકાવી દે તેવા છે.
'હું પ્રેમ શબ્દથી જોજનો દૂર રહું છું!' ઇમ્તિયાઝ કહે છે, 'પ્રેમ જેવી કન્ફ્યુઝિંગ વસ્તુ બીજી એકેય નથી. અલગ અલગ લોકો માટે પ્રેમનો અલગ અલગ અર્થ છે, વળી, પ્રેમ વિશેના આપણા ખયાલો પણ બદલાતા રહે છે. તમે આજે જેને પ્રેમ કહેતા હો તેને કાલે પ્રેમ ન ગણો તે બિલકુલ શકય છે. મને મિસકોમ્યુનિકેશન ગમતું નથી, આથી 'પ્રેમ'ને બદલે હું 'અફેક્શન'(કુમાશભરી લાગણી હોવી, ગમવું) જેવા સ્પેસિફિક શબ્દ વાપરવાનું પસંદ કરું છું. શૂટિંગ વખતે હું હીરોને એવું કયારેય નહીં કહું કે આ લાઈન બોલતી વખતે તને 'પ્રેમની ફીલિંગ' થઈ રહી છે. હું એક્ટરને એ રીતે સૂચના આપીશ કે, 'આ ડાયલોગ બોલતી વખતે તને હીરોઈનને ભેટી પડવાની ઇચ્છા થઈ રહી છે' અથવા 'તારા મનમાં આ ક્ષણે હીરોઈનને ચૂમી લેવાની તીવ્ર ઇચ્છા જાગી છે' વગેરે. આ રીતે એક્ટરને સમજવામાં આસાની રહે છે. અરે, હું તો મારી દીકરીને વહાલ કરતી વખતે પણ 'આઈ લવ યુ' કહેતો નથી!'
તો શું લવ અને લસ્ટ(વાસના) વચ્ચે શું ભેદ છે એવો ચાંપલો સવાલ પૂછો તો ઇમ્તિયાઝઅલીનો જવાબ હશે : 'સૌથી પહેલાં તો આવો ભેદ હોવો જોઈએ જ શા માટે? લવ અને લસ્ટ જેવી પ્રોફાઉન્ડ લાગણીઓને શબ્દોમાં કેવી રીતે સમજાવી શકાય?'
ઇમ્તિયાઝ અલી ડિવોર્સી છે. ફિલ્મમેકર તરીકે સફળ થયા પછી તેઓ લગ્નનાં બંધનમાંથી મુક્ત થયા. વચ્ચે એક અખબારને ઇમ્તિયાઝે આપેલો ઇન્ટરવ્યૂએ ઠીક ઠીક વિવાદ પેદા કર્યો હતો. ઇમ્તિયાઝે કહેલું કે લગ્નને કારણે માણસ ખુદના અતિ નબળા વર્ઝન જેવો બની જાય છે.('અતિ નબળા'ની જગ્યાએ ઇમ્તિયાઝે ગાળનો પ્રયોગ કર્યો હતો.) તાજેતરમાં 'તમાશા'નાં પ્રમોશન દરમિયાન 'ફિલ્મ કંપેનિયન' નામની એક મસ્ત-મજાની ફિલ્મી વીડિયો-ચેનલે ઇમ્તિયાઝઅલી અને રણબીર કપૂર વચ્ચે સંવાદ ગોઠવ્યો હતો.(સુપર્બ વીડિયો-ચેનલ છે આ. દરેક સિનેમાપ્રેમીએ યૂ ટયૂબ પર જઈને 'ફિલ્મ કંપેનિયન' ખાસ સબસ્ક્રાઇબ કરવી.) વાતવાતમાં રણબીરે ઇમ્તિયાઝને પેલો ઇન્ટરવ્યૂ યાદ કરાવીને હસીને પૂછે છે : 'તમે પેલું લગ્ન વિશેનું સ્ટેટમેન્ટ શા માટે આપેલું?શું તમે લગ્નવિરોધી છો? નેશન વોન્ટ્સ ટુ નો...' જવાબમાં ઇમ્તિયાઝે જોકે વાત વાળી લીધી હતી.
નાનપણમાં ઇમ્તિયાઝ સાવ સાધારણ હતા. ભયંકર શરમાળ, ભણવામાં ઢ, સ્પોર્ટ્સમમાં ય મીંડું. ભલું થજો થિયેટરનું કે જેને કારણે ઇમ્તિયાઝમાં અભિનય અને ડિરેક્શનની રુચિ પેદા થઈ. 'આકસ્મિકપણે' ફિલ્મલાઈનમાં આવી ગયેલા ઇમ્તિયાઝ અલી આજે ચુમાલીસ વર્ષની વયે પણ નાનપણમાં જે જાતજાતની ગ્રંથિઓ અનુભવતા હતા એમાંથી બહાર આવી શકયા નથી, તેઓ કહે છે, 'કોઈ સામાજિક પ્રસંગ હોય કે પાર્ટી-બાર્ટી હોય ત્યારે લોકો સાથે વાતો કરતાં મને આજેય આવડતું નથી. આવા માહોલમાં મને બહુ જ ઓકવર્ડ ફીલ થવા લાગે છે. સેલ્ફ-ડાઉટ(પોતાની ક્ષમતા વિશે શંકા હોવી) અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે. અમુક લોકો મને સૂફી કહે છે. મને થાય કે જે ખરેખર સૂફી લોકો છે એમને થતું હશે કે ઇમ્તિયાઝ અલી જેવા નૈતિકતાના મામલે દેવાળું કાઢી ચૂકેલા ખોખલા માણસને તમે સૂફીની પંગતમાં કેવી રીતે બેસાડી શકો ?'

લોકો ઇમ્તિયાઝ અલીની ફિલ્મો પર રોમ-કોમ(રોમેન્ટિક કોમેડી)નો થપ્પો લગાવે છે પણ તેઓ પોતાની ફિલ્મોને લવસ્ટોરીનાં ખાનામાં મૂકતાં નથી. એમના હિસાબે, 'જબ વી મેટ'માં આકસ્મિકપણે ભેગા થઈ ગયેલા અને એકબીજાની પર્સનાલિટી પર પ્રભાવ પાડતાં બે પાત્રોની વાર્તા છે. એન્ડમાં હીરો-હીરોઈન ભેગાં થાય છે કે કેમ યા તો પરણે છે કે નહીં તે વાતનું ખાસ મહત્ત્વનું નથી.'લવ આજકલ', 'રોકસ્ટાર' અને 'હાઈવે'માં કોમ્પ્લીકેટેડ માનવીય સંબંધોની વાર્તા છે.
'જબ વી મેટ'નું કરીના કપૂરનું કિરદાર ઓડિયન્સને વર્ષો સુધી યાદ રહેવાનું છે અને અન્ય ફિલ્મમેકરો માટે મહત્ત્વનો રેફરન્સપોઇન્ટ બની રહેવાનું છે. આ પાત્ર ઇમ્તિયાઝ અલીને કેવી રીતે સૂઝ્યું હતું? દિલ્હીની કોલેજમાં ભણતા હતા ત્યારે એક વાર બસમાં મુસાફરી કરતી વખતે એક અતિ વાચાળ યુવતી એમની બાજુની સીટ પર બેઠી હતી. કશી ઓળખાણ નહીં છતાંય એની નોનસ્ટોપ વાતો અટકવાનું નામ લેતી નહોતી. મનમાં આવે તે બધું જ વગર વિચાર્યે ભરડી નાખતી હતી, જેમ કે, વાતવાતમાં એ બોલી પડી કે, 'છેને તે દિવસે મારે એક મેરેજમાં જવાનું હતું પણ હું ન ગઈ, કેમ કે, મારા પિરિયડ ચાલુ થઈ ગયા હતા. મેં મસ્ત વ્હાઈટ ડ્રેસ કરાવ્યો હતો પણ પિરિયડમાં વ્હાઇટ ડ્રેસ કેવી રીતે પહેરાય? એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યંુ...' છેલ્લે છૂટાં પડતાં પહેલાં એવુંય બોલી ગઈ કે, ઈતના કુછ બોલ રહી હું ઈસકા મતલબ યે નહીં હૈ કિ મેરે બારે મેં આપ કુછ ભી સોચો! આ અતિ વાતોડિયણ છોકરીમાં એક પ્રકારની નિર્દોષતા હતી. વર્ષો પછી 'જબ વી મેટ'માં કરીના કપૂરનું કિરદાર ઘડતી વખતે એ છોકરી મહત્ત્વનો રેફરન્સ સાબિત થઈ.
'મેં 'જબ વી મેટ' લખવાનું શરૂ કર્યું ત્યારે મારા મનમાં વાર્તા જેવું કશું હતું જ નહીં,' ઇમ્તિયાઝ અલી કહે છે, 'હું જસ્ટ જોઈ રહ્યો હતો કે આ જે કંઈ લખાઈ રહૃાું છે એમાંથી વાર્તા જેવું કશું નીપજે છે કે કેમ, એક પ્રસંગ એવો લખાયો કે નાયિકાને છોકરાવાળા જોવા આવ્યા છે. છોકરાનાં મનમાં ગેરસમજ પેદા કરવા માટે નાયિકા હીરોને-કે હજુ પૂરો દોસ્ત પણ બન્યો નથી-એને ભેટી પડે છે અને પૂછે છે : આદિત્ય, કયા વો દેખ રહા હૈ? બસ, આ પ્રસંગ લખાયો ત્યારે પહેલી વાર મને લાગ્યું હતું કે આમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કશુંક બનાવી શકાશે ખરુંં!'

જરૂરી નથી કે કોઈ વ્યક્તિ કે ઘટના પરથી જ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળે. કયારેક કોઈ વિચાર યા તો અનુભૂતિ ફિલ્મની પ્રક્રિયા ટ્રિગર કરી શકતી હોય છે, જેમ કે, 'રોકસ્ટાર' રિલીઝ થયા પછી ઇમ્તિયાઝ અલી અને રણબીર કપૂર એકવાર મુંબઈની બાંદરાસ્થિત 'ઇન્ડિગો' રેસ્ટોરાંમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા હતા. વાતવાતમાં ઇમ્તિયાઝે કહ્યું કે જો યાર, મારા મનમાં એક વિચાર કયારનો ઘૂમરાયા કરે છે. કદાચ એના પરથી કશુંક બનાવી શકાય. વિચાર એવો છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેસીને બારીની બહાર જોવાનું આપણને ગમતું હોય છે. બહારનું દૃશ્ય સતત બદલાયા કરતું હોય. બહાર ઝાડ, પહાડ, તળાવ, ખેતર, ખેતરમાં કામ કરતાં લોકો દેખાય. આપણને એમની પાસે પહોંચી જવાનું મન થાય પણ એવું કરી ન શકીએ, કેમ કે, આપણે ટ્રેનના બંધિયાર ડબ્બામાં બેઠા છીએ. બહાર આઝાદી છે, મોકળાશ છે જ્યારે ટ્રેનના ડબ્બામાં શિસ્તમાં રહેવું પડે, કાયદા પ્રમાણે ચાલવું પડે. અહીં એક સિસ્ટમ ગોઠવાયેલી છે, જો આ સિસ્ટમને તોડીને બહાર નીકળીએ તો જ આઝાદીનો અહેસાસ થઈ શકે, બસ, વિચારના આ તણખામાંથી 'તમાશા' ફિલ્મનો જન્મ થયો. શરૂઆતમાં ફિલ્મનું વર્કિંગ ટાઇટલ પણ 'વિન્ડો સીટ' રાખવામાં આવ્યું હતું.
ઇમ્તિયાઝ અલી કહે છે, 'આપણા સૌની એક સેલ્ફ-ઈમેજ હોય છે, જેમાં આપણે ખુદને બહુ જ સ્માર્ટ, હોશિયાર અને સર્વગુણસંપન્ન મનુષ્ય તરીકે જોતાં હોઈએ છીએ. આ એક પાસું થયું. આપણાં વ્યક્તિત્ત્વનું બીજું પાસું પણ છે, જે બહુ બોરિંગ હોય છે. આપણે સતત આ બંને પાસાંને એકબીજામાં ભેળવીને તેમની વચ્ચેનો ફર્ક દૂર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. સાચો, લાગણીથી છલોછલ અને ઈમાનદાર સંંબંધ માણસને એનું બેસ્ટ વર્ઝન બનવામાં મદદ કરે છે. 'તમાશા'માં હું આ જ કહેવા માગું છું.'
શો-ટાઇમ

સબ-ટાઇટલ્સ વગર હું ઇંગ્લિશ ફિલ્મો જોઈ શકતી નથી. થિયેટરમાં ચલાવી લેવું પડે પણ કમ્પ્યૂટર પર કે હોમથિયેટરમાં જો સબ-ટાઇટલ્સ આવતાં ન હોય તો ફિલ્મ જોવાનું જ બંધ કરી દઉં છું.
-વિદ્યા બાલન

Saturday, November 7, 2015

મલ્ટિપ્લેક્સ : મામી આવી... શું શું લાવી?

Sandesh - Sanskaar Purti - 8 Nov 2015
મલ્ટિપ્લેક્સ  
મામી (મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું?


'એક મિનિટ, સૌથી પહેલાં મને તમારા સૌનો ફોટો પાડી લેવા દો!'
મુંબઈના એક મલ્ટિપ્લેકસમાં 'અજનિશ્કા' નામની પોલિશ-જર્મન ફિલ્મ શરૂ થાય તે પહેલાં સ્ક્રીનની સાવ પાસે હાથમાં માઇક લઈને ઊભેલો તોમાઝ રૂડઝિક નામનો ડિરેક્ટર હકડેઠઠ ભરાયેલાં ઓડિયન્સને કહે છે. શરૂઆતમાં સૌને એમ કે આ દાઢીધારી ઉત્સાહી ડિરેક્ટર ટીખળ કરી રહ્યા હશે પણ એણે ખરેખર માઇક બાજુમાં મૂકીને પોતાના મોબાઇલથી પ્રેક્ષકોનો રીતસર ફોટો પાડી લીધો. પછી હસીને કહ્યું, 'આ તસવીર એ વાતની સાબિતી છે કે મારી ફિલ્મ જોવા સાચે જ આટલાં બધાં લોકો આવ્યાં હતાં!'
વાત મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની છે. મામી(મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો, જસ્ટ ગુરુવારે. કેટલીય ફિલ્મોનાં સ્ક્રીનિંગ વખતે શો શરૂ થતાં પહેલાં ઓડિટોરિયમના ગેટની બહાર રાક્ષસી એનાકોન્ડા જેવી લાઈનો લાગતી હતી. ઉત્સાહી ફિલ્મરસિયાઓ લાઈનોમાં દોઢ-દોઢ કલાક ઊભા રહીને તપ કરતા હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જોકે આવાં દૃશ્યો કોમન છે. અચ્છા, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? એવું તે શું હતું એ ફિલ્મોમાં? જોઈએ.
લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ કર્યો એ 'અજનિશ્કા' મોસ્ટ હેપનિંગ ફિલ્મોમાંની એક ભલે નહોતી પણ ધ્યાન ખેંચે એવી જરૂર હતી. જેલવાસ પૂરો કરીને બહાર આવેલી અજનિશ્કા નામની માથાભારે નાયિકાને ઘરમાં કોઈ સંઘરે એમ નથી, આથી કામની તલાશમાં એ બીજા શહેરમાં પહોંચી જાય છે. અહીં એને કઈ જોબ મળે છે? બોલ-બસ્ટિંગની. બોલ-બસ્ટિંગ એટલે? પુરુષોના બે પગની વચ્ચે નિશાન લઈને ગોઠણથી ઈજા પહોંચાડવી! આને વિકૃતિ ગણો કે ગમે તે ગણો પણ અમુક પુરુષોને ગુપ્તાંગ પર પ્રહાર થાય ત્યારે જોરદાર કામોત્તેજના થતી હોય છે. મજાની વાત એ છે કે ક્લાયન્ટને એક્સાઇટ કર્યા પછી નાયિકાએ એની સાથે સેક્સ માણવાનું નથી. અરે, કપડાં પણ ઉતારવાનાં નથી. પુરુષને ધીબેડવાના, પૈસા લેવાના અને ચુપચાપ ગુડબાય કહીને જતા રહેવાનું. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. ડિરેક્ટરને આવી એક યુવતીનો ભેટો એક લિફ્ટમાં થઈ ગયો હતો. ધીમે ધીમે દોસ્તી થઈ અને પેલીએ પોતાની દાસ્તાન શેર કરી. ફિલ્મમાં યુવતીની બોસ બનતી મહિલા પોતાના આધેડ વયના દીકરાને હડય હડય કરે છે. મહિલાનાં મોઢે એક સરસ ડાયલોગ બોલાવવામાં આવ્યો છે : યુ હેવ ટુ અર્ન યોર મધર. માનો પ્રેમ એમ જ ન મળે, તે માટે કાબેલિયત કેળવવી પડે!
'Taxi'
ફિલ્મ ફેસ્ટિવલની મજા જ એ છે કે અહીં તમને વિષયોનું અપાર વૈવિધ્ય જોવા મળે. ફિલ્મરસિયાને આ વખતે કદાચ સૌથી વધારે તાલાવેલી 'ટેક્સી' નામની ઈરાનિયન ફિલ્મ જોવાની હતી. ઓલરેડી એકાધિ એવોર્ડ્ઝ જીતી ચૂકેલી આ ફિલ્મ પર ઈરાન પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મ બનાવનાર જાફર પનાહીનું નામ ઈરાનિયન ન્યૂ વેવ સિનેમાનું બહુ મોટું છે પણ ઈરાનની સરકાર માટે એ માથાના દુઃખાવા સમાન છે. સરકારનું કહેવું છે કે આ માણસ ધરાર ઈરાનની છાપ દુનિયામાં ખરાબ પડે એવી ફિલ્મો બનાવે છે. જાફરની કેટલીય ફિલ્મોને બેન કરવામાં આવી છે. કેટલીય વાર એમને પોલીસ પકડી ગઈ છે. ૨૦૧૦માં સરકારે એમને છ વર્ષ માટે જેલમાં પૂરી દીધા, વીસ વર્ષ માટે કોઈ પણ ફિલ્મ લખવા કે શૂટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ વિદેશ જવાની મનાઈ પણ જાફર પનાહી જેનું નામ. પેરોલ પર જેલની બહાર આવ્યા તે દરમિયાન દસ દિવસમાં સાદા વીડિયા કેમેરા અને આઈફોન પર ગુપચુપ એક ફિલ્મ શૂટ કરી નાખી, તેને એડિટ કરી, પેન-ડ્રાઇવમાં ડાઉનલોડ કરી, પેન-ડ્રાઇવને કેકમાં છુપાવી દીધી, પછી રીતસર સ્મગલિંગ કરીને પેન-ડ્રાઇવને ૨૦૧૧ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી આપી! ફેસ્ટિવલમાં જાહેર કરવામાં આવ્યું કે આ વખતે એક સરપ્રાઇઝ એન્ટ્રી છે. જાફરની ફિલ્મનું સ્ક્રીનિંગ થયું, જેનું ટાઇટલ હતું 'ધિસ ઈઝ નોટ અ ફિલ્મ'! પ્રેક્ષકો ફિલ્મ કઈ રીતે બની છે એની કહાણી સાંભળીને રોમાચિંત થઈ ગયાં. ૨૦૧૨માં ઓસ્કરની બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર સેક્શનમાં આ ફિલ્મ નોમિનેટ સુદ્ધાં થઈ.
'ટેક્સી' ફિલ્મ પણ જાફરે આ જ રીતે બનાવી છે. તેઓ તહેરાન શહેરમાં ટેક્સીડ્રાઇવર બનીને ફરતા રહ્યા અને અંદર કેમેરા જડીને શૂટ કરતા રહ્યા. આ પ્રતિબંધિત ફિલ્મ જોવા માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે રસિયાઓએ પડાપડી કરી મૂકી હોય તો એમાં નવાઈ પામવા જેવું ખરું? ફિલ્મમાં તહેરાનનાં શહેરી જીવનની ઝલક ડોકયુમેન્ટરી શૈલીમાં ઝડપવામાં આવી છે.
'The Second Mother'
'ધ સેકન્ડ મધર' નામની પોર્ટુગીઝ ભાષામાં બનેલી બ્રાઝિલિયન ફિલ્મમાં એક ગરીબ મા અને એની તુંડમિજાજી દીકરીની વાત છે. ગરીબ બાઈ બિચારી સાઓ પાઉલો શહેરના એક પૈસાદાર પરિવારમાં ફુલટલઇમ કામવાળી તરીકે પેટિયું રળે છે. એની દીકરી પિયરમાં ઊછરી રહી છે. દસ વર્ષથી દીકરીને જોઈ સુદ્ધાં નથી. એક દિવસ એકાએક દીકરીનો ફોન આવે છે : મારે સાઓ પાઉલો યુનિવર્સિટીમાં થોડું કામ છે, હું તારી પાસે આવી રહી છું. જુવાન થઈ ગયેલી રૂપકડી દીકરીને જોઈને માના હરખનો પાર રહેતો નથી. સદ્ભાગ્યે પોતાનાં ટચૂકડા ર્ક્વાટરમાં દીકરીને થોડા દિવસ માટે સાથે રાખવાની પરવાનગી શેઠ તરફથી મળી ગઈ છે. તકલીફની શરૂઆત ત્યારે થાય છે જ્યારે દીકરી ઘરમાં આવીને મોંઘેરા મહેમાન જેવો એટિટયૂડ દેખાડવા લાગે છે. પોતે નોકરાણીની દીકરી છે એ હકીકત એને વારંવાર યાદ કરાવવી પડે છે. મા-દીકરી વચ્ચે ચકમક ઝરવી સ્વાભાવિક છે. ગરીબ-પૈસાદાર વચ્ચેના વર્ગભેદની વાત કરતી આ એવોર્ડવિનિંગ ફિલ્મને ઓલરેડી આગામી ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે બ્રાઝિલિયન એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી છે. 
'રૂમ' નામની અંગ્રેજી ફિલ્મમાં પણ મા અને સંતાનની વાત છે પણ જુદા ફ્લેવરની. એક સ્ત્રીને ભોળવીને, કિડનેપ કરીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એ એકલી નથી, સાથે પાંચ વર્ષનો દીકરો પણ છે. ઓરડો કિડનેપરના ઘરના બગીચામાં જ ઊભો કરવામાં આવ્યો છે. સાત-સાત વર્ષ પછી મા-દીકરો બંધ કમરામાંથી નાસી છૂટવામાં સફળ થાય છે. છોકરો એકાએક બહારની દુનિયાના સંપર્કમાં આવે છે. એના માટે બધું નવું છે, જુદું છે. ફકત એક જ ચહેરો, એક જ સ્પર્શ, એક જ અવાજથી એ પરિચિત છે અને એ છે એની મા!

Enthusiastic audience quieng for a film at MAMI 2015

'ધ બિગર સ્પ્લેશ'ના હીરો અને હીરોઈન બંને ઓસ્કરવિનર છે-રાલ્ફ ફિનેસ અને ટિલ્ડા સ્વિન્ટન. ટિલ્ડા સેલિબ્રિટી રોકસ્ટાર બની છે,રાલ્ફ એનો ભૂતપૂર્વ પ્રેમી. ટિલ્ડાનો નવો પાર્ટનર મેથિઆસ સ્કોેએનેરેટ્સ ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવે છે.બંનેની લવલાઇફ એકદમ સેટ છે ત્યાં ઓચિંતા એક દિવસ રાલ્ફ એમને ત્યાં ટપકે છે. એ એકલો નથી, સાથે જુવાનજોધ દીકરી પણ છે. દીકરીનો રોલ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ની હીરોઈન તરીકે વર્લ્ડફેમસ બની ગયેલી ડાકોટા જ્હોન્સને ભજવ્યો છે. જબરજસ્ત ચુંબકીય સ્ક્રીન પ્રેઝન્સ છે એની, 'ધ બેઝિક ઇન્સટિંક્ટ'ની હીરોઈન શેરોન સ્ટોનની યાદ અપાવી દે તેવી. ચારેયના આડા-ઊભા-ત્રાંસા સંબંધોનો અંજામ બહુ બૂરો આવે છે. ફિલ્મમાં નગ્નતા ઠાંસીઠાંસીને ભરી છે. ચારેય કલાકારોએ બેધડકપણે ફ્રન્ટલ ન્યૂડિટીવાળાં દૃશ્યો આપ્યાં છે. એમાંય રાલ્ફ ફિનેસ જેવો સિનિયર ઓસ્કરવિનર એક્ટર જે રીતે એક કરતાં વધારે દૃશ્યોમાં નાગડોપૂગડો દોડાદોડી કરે છે તે જોઈને ખરેખર નવાઈ લાગે. 
'બ્લૂ' ટાઇટલધારી ફિલ્મમાં એક એવા એઇડ્ઝગ્રસ્ત કલાકારના અંતિમ દિવસોની વાત છે જેની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી છે. 'ધ ક્લબ' નામની ચિલીની એવોર્ડવિનર ફિલ્મમાં ચાર રિટાયર્ડ પાદરીઓની વાત છે. કોઈ નિર્જન સ્થળે ચારેય પાદરીઓ કેરટેકર મહિલા સાથે એક ઘરમાં રહે છે. સૌ પોતે જીવનમાં આચરેલાં પાપોની કબૂલાત કરવાના મૂડમાં છે. કોઈનું સંતાન છીનવી લેવાથી માંડીને બાળકને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા સુધીના ગુનાનો સ્વીકાર આ પાદરીઓ કરે છે. ખાસ્સી બોલ્ડ ફિલ્મ છે આ. આ પણ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ચિલીની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ થઈ છે.
કેટકટેલી ને કેવી કેવી ફિલ્મો. કોની વાત કરવી ને કોની ન કરવી. 'એનોમેલિસા', 'ધીપન', 'લોબ્સ્ટર', 'યૂથ', 'વર્જિન માઉન્ટન', 'સ્વોર્ન વર્જિન'... ફિલ્મફેસ્ટિવલમાં તમે રોજની ચારચાર-પાંચપાંચ ફિલ્મો જોતા હો ત્યારે બધેબધી હાઈક્લાસ જ નીકળે એવું બિલકુલ જરૂરી હોતું નથી. કેટલીય ફિલ્મો ભયંકર બોરિંગ સાબિત થઈ હોય છે, જેમ કે, 'કાઈલી બ્લૂઝ' નામની ચીની ફિલ્મ વિશે વખાણ સાંભળ્યાં હતાં પણ આ ફિલ્મ અડધેથી પડતી મૂકવી પડે એટલી હદે ત્રાસજનક નીકળી. આપણને થાય આવી રેઢિયાળ ફિલ્મને કઈ વાતનો એવોર્ડ મળ્યો હશે? ખેર, સિનેમા એક સબ્જેકિટવ વિષય છે, આમાં તુંડેતુંડે મતિર્ભિન્ના જેવું છે. 
'Haramkhor'

થોડી ભારતીય ફિલ્મોની વાત કરી લઈએ. હંસલ મહેતાની 'અલીગઢ' ફિલ્મમાં મનોજ બાજપાઈનું પર્ફોર્મન્સ યાદગાર સાબિત થવાનું છે એમાં કોઈ શંકા નથી. મનોજ આમાં એક પ્રોફેસર બન્યા છે, જેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. શા માટે? એ હોમોસેક્સ્યુઅલ છે એ વાત બહાર આવી ગઈ એટલે. ફિલ્મમાં રાજકુમાર યાદવે પ્રોફેસરની કહાણી દુનિયા સામે લાવનાર રિપોર્ટરનો રોલ કર્યો છે. શ્લોક શર્માની 'હરામખોર' ફિલ્મના પ્રત્યેક સ્ક્રીનિંગ વખતે એટલી ભયંકર લાંબી લાઈનો લાગતી હતી કે ન પૂછો વાત. આ ફિલ્મે ક્બરજસ્ત ઉત્કંઠા જગાવી છે, એનું કારણ છે એનો હીરો, નવાઝુદ્દીન સિદ્દીકી. માત્ર સોળ જ દિવસમાં શૂટ થઈ ગયેલી 'હરામખોર'નું પશ્ચાદ્ભૂ ગુજરાતનું છે. નવાઝ સ્કૂલટીચર બન્યો છે, જેને પોતાની પંદર વર્ષની નાબાલિગ સ્ટુડન્ટ સાથે ઈશ્ક થઈ જાય છે. સ્ટુડન્ટનો રોલ શ્વેતા ત્રિપાઠીએ કર્યો છે. શ્વેતા એટલે 'મસાન'માં બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ આપનારી પેલી ચુલબુલી ન્યૂકમર. નવાઝુદ્દીનને 'હરામખોર' માટે અન્ય ફિલ્મફેસ્ટિવલોમાં એકાધિક બેસ્ટ એક્ટરોના એવોર્ડ્ઝ મળી ચૂકયા છે. આ ફિલ્મે નવાઝમિંયાના ઝળહળતા બાયોડેટાને ઔર તેજસ્વી બનાવી દીધો છે. 'સંસારા' ફેમ કાઠિયાવાડી ફિલ્મમેકર પેન નલિનની લેટેસ્ટ ફિલ્મ 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ'નું સ્ક્રીનિંગ પણ મુંબઈ ફિલ્મફેસ્ટિવલમાં થયું. આ એક 'ચિક ફ્લિક' છે. એમાં સાત યુવતીઓની વાત છે. ફિલ્મને મિકસ્ડ રિસ્પોન્સ મળ્યો છે. ઓડિયન્સને પેન નલિન પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ હતી.
અહીં ઉલ્લેખ પામેલાં નામોમાંથી કેટલીક ફિલ્મો આવતું આખું વર્ષ ન્યૂઝમાં ચમકતી રહેવાની છે એ તો નક્કી.
શો-સ્ટોપર

'શાનદાર'નો તો તમાશો થઈ ગયો, હવે 'તમાશા' શાનદાર સાબિત થવી જોઈએ!
0 0 0 

Thursday, November 5, 2015

ટેક ઓફ : ક્રાઇમનું આકર્ષણ કાતિલ હોય છે

Sandesh - Ardh Saptahik Purti - 4 Nov 2015
ટેક ઓફ 
ક્રાઇમ અથવા ગુનાખોરી શા માટે આકર્ષક લાગે છે ? કયાંક ન બનવાનું બને કે આઘાતજનક ઘટના ઘટે ત્યારે અરેરાટી છૂટતી હોવા છતાં શા માટે તેના વિશે જાણવા-વાંચવા-સાંભળવા-જોવા માટે આપણે ઉત્સુક રહીએ છીએ? શા માટે ક્રાઇમ સાથે જબરજસ્ત રસિકપણું સતત જોડાયેલું રહે છે?

પરાધમાં એવાં તત્ત્વો ભળેલાં હોય છે જે સામાન્ય નથી, સહજ નથી, રૂટિન નથી, જેને આપણે રોજ-બ-રોજની જિંદગીમાં જોતાં-અનુભવતાં નથી. સમાજે કે નૈતિકતાએ એને મંજૂરી આપી નથી. અપરાધી કૃત્ય સાથે અસામાન્યપણું સંકળાયેલું હોય છે અને તેથી જ તે રોમાંચક લાગે છે. રોમાંચ સ્વયં એક તટસ્થ લાગણી છે પણ તે પેદા થવાનું કારણ શુભ કે અશુભ હોઈ શકે. કદાચ ગુનાખોરીની ભ્રષ્ટતા અને કુત્સિતતા જ તેને લાર્જર-ધેન-લાઇફ બનાવી દે છે. અખબારો, સિનેમા, ટીવી અને પુસ્તકો કયારેક સંપૂર્ણ સભાનતા સાથે અને કયારકે અભાનપણે અપરાધજગતને ગ્લેમરાઇઝ કરતાં રહે છે. ચંબલના ડાકુઓ અને સોરઠી બહારવટિયાઓથી લઈને દાઉદ ઇબ્રાહીમ અને ઓસામા બિન લાદેન જેવા ભયંકર અપરાધીઓને 'સેલિબ્રિટી સ્ટેટસ' મળી જાય છે તે શું માત્ર કળિયુગનું કુ-સત્ય છે? રાજા રાવણ પણ એક અપરાધી હતો અને એ મેગા સેલિબ્રિટી હતો!
એક 'સેલિબ્રિટી ક્રિમિનલ' આજકાલ સમાચારમાં છે, એના પર બનેલી ફિલ્મ 'મૈં ઔર શોભરાજ'ને કારણે. ચાર્લ્સ શોભરાજનું અપરાધી જીવન એટલુંબધું ઘટનાપ્રચુર અને ગ્લેમરસ રહૃાું છે કે એના પરથી ફિલ્મો, ડોકયુમેન્ટરી અને પુસ્તકો ન બને તો જ નવાઈ પામવા જેવું છે. આ 'કેરિશ્મેટિક બિકિની કિલર' સાત ભાષા સડસડાટ બોલી શકે છે. વાક્ચાતુર્યથી સામેના માણસને પીગળાવી દેવાની, કન્વિન્સ કરી નાખવાની કે આત્મીય બનાવી દેવાની એનામાં ગજબની આવડત છે, કહે છે કે સ્ત્રીઓ ચુંબકની માફક એની પાસે ખેંચાઈ આવતી. સાઠ વર્ષ વટાવ્યા પછી એણે જે મુગ્ધ યુવતી સાથે લગ્ન કર્યાં એ માંડ વીસેક વર્ષની હતી. આ લગ્ન્ એણે નેપાળની જેલમાં કર્યાંર્ હતાં ! આ બહુરૂપીયાએ કમસે કમ બાર અને વધુમાં વધુ ચાવીસ કતલ કરી છે. કેટલાય દેશોની જેલોમાંથી એ ફરાર થઈ ચૂકયો છે. ફિલ્મમેકર કે લેખક કે મીડિયા માટે આના કરતાં બહેતર વિષય બીજો કયો હોવાનો ?
ચાર્લ્સ શોભરાજ શું કામ આવો પાકયો? ડિસ્ફંકશનલ ફેમિલી? નાનપણમાં પ્રેમ ન મળવો? મા-બાપના ઈતર સંબંધો? સાઈકો-એનેલિસ્ટોને મજા પડી જાય એવું ચાર્લ્સ શોભરાજનું કેરેક્ટર છે, એની માતા વિયેતનામી હતી, પિતા હોતચંદ સિંધી ભારતીય હતા. ૧૯૪૪માં ચાર્લ્સ શોભરાજનો જન્મ થયો ત્યારે વિયેતનામ યુદ્ધનો માહોલ જામેલો હતો. ભારત આઝાદ થયા પછી હોતચંદ વતન પાછા ફર્યા ને બીજાં બે લગ્ન કર્યાં. કુલ સોળ સંતાનો જણ્યાં. આ બાજુ ચાર્લ્સની મા કોઈ ફ્રેન્ચ મિલિટરી ઓફિસરને પરણી ગઈ. શરૂઆતમાં સાવકો બાપ નાનકડા ચાર્લ્સને સારી રીતે રાખતો હતો પણ જેવાં ખુદનાં સંતાન પેદા થયાં કે ચાર્લ્સ પ્રત્યેનો એનો રવૈયો બદલતો ગયો. સાવકા બાપ પ્રત્યે એનો અણગમો વધતો ગયો. ચાર્લ્સ ઘણી વાર પોતાના સગા પિતા વિશે માને પૂછતો. મા ઉડાઉ જવાબ આપી દેતી : તારો બાપ મરી ગયો છે. ચાર્લ્સ મોટો થતો ગયો તેમ તેમ સમજતો ગયો કે મા જૂઠું બોલે છે. મા પ્રત્યેની એની અશ્રદ્ધા વધતી ગઈ.
ચાર્લ્સ દસ વર્ષનો થયો ત્યારે એની માએ એને ભારત મોકલી આપ્યો, સગા બાપ પાસે. ભારતમાં એ જોકે ઝાઝું ટકી ન શકયો. પાછો મા પાસે આવ્યો. મા અને સાવકા બાપ વચ્ચેના સંબંધ વણસી રહ્યા હતા. એમના ડિવોર્સ થઈ ગયા. ચાર્લ્સ અને એની મા એકાએક ગરીબ થઈ ગયાં. આ જ અરસામાં ચાર્લ્સનાં કુલક્ષણો દેખાવા માંડયાં. માત્ર બાર વર્ષની ઉંમરે એણે એક પાર્ક કરેલી કારની ચોરી કરી હતી. પોલીસમાં એના વિરુદ્ધ નોંધાયેલો આ પહેલો કેસ. તેર વર્ષની ઉંમરે એ ઘરેથી પહેલી વાર ભાગી ગયો. ધીમે ધીમે એનાં પરાક્રમો વધતાં ગયાં. દુકાનમાંથી ચીજવસ્તુઓની ચોરી કરવી, મારામારી કરવી, છરી કે પિસ્તોલ દેખાડીને લોકોને લૂંટી લેવાં વગેરે. ઓગણીસ વર્ષની ઉંમરે ફ્રાન્સમાં એ પહેલી વાર જેલ ગયો. અહીં એનો ભેગો એક બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ સાથે થયો. ચાર્લ્સનો એ પહેલો ગુરુ. જેલમાંથી બહાર આવ્યા બાદ આ ગુરુઘંટાલે એને પેરિસની હાઈ સોસાયટી અને અન્ડરવર્લ્ડ બંનેનો પરિચય કરાવ્યો.
Charles with Marry

મેરી નામની પેરિસની એક યુવતી સાથે યુવાન ચાર્લ્સનો સંબંધ બંધાયો હતો. જે દિવસે એમનાં લગ્ન થવાનાં હતાં એ જ દિવસે કોઈ ગુનાસર પોલીસ ચાર્લ્સને પકડી ગઈ! આઠ મહિનાની જેલમાંથી બહાર આવ્યા બાદ એણે મેરી સાથે લગ્ન કર્યાં. પોલીસની નજરથી બચવા ચાર્લ્સ એશિયામાં ઘૂૂસવા માગતો હતો એટલે પ્રેગ્નન્ટ પત્ની સાથે એણે યુરોપના પૂર્વીય દેશોમાં રખડપટ્ટી શરૂ કરી. બન્ટી અને બબલીની આ જોડી બીજા ટૂરિસ્ટો સાથે દોસ્તી કરતી. ચાર્લ્સ કયારેક ઇઝરાયલી સ્કોલર બની જતો, કયારેક લેબનીઝ વેપારી તો કયાંક બીજું કંઈક. સહપ્રવાસીઓને ભરોંસો બેસે એટલે લાગ જોઈને એમના પાસપોર્ટ અને માલમતા લૂંટી લેતાં. નકલી પાસપોર્ટના આધારે તેઓ મુંબઈ પહોંચ્યાં. ભારતમાં એમના ગોરખધંધા માત્ર ચાલુ ન રહ્યા, વધતા ગયા.         
લૂંટ અને છતરપિંડી એક વસ્તુ છે, હત્યા તદ્દન જુદી બાબત છે. ચાર્લ્સે હત્યાકાંડનો સિલસિલો શરૂ કર્યો ૧૯૭૨માં, બેંગકોકમાં. એ વખતે એની ઉંમર હશે ૨૮ વર્ષ. અહીં ચાર્લ્સ સાથે મેરી નામની યુવતી હતી, જેણે ચાર્લ્સ માટે પોતાના બોયફ્રેન્ડને છોડી દીધેલો. હેન્ડસમ અને સોફેસ્ટિકેટેડ ચાર્લ્સ મેરીની ઓળખાણ પોતાની સેક્રેટરી તરીકે કરાવતો. થાઈલેન્ડમાં જ અજય ચૌધરી નામના એક ભારતીય સાથે ચાર્લ્સની ઓળખાણ થઈ. કતલની શરૂઆત આ બંનેએ સાથે મળીને કરી. વિદેશીઓને ડ્રગ્ઝ આપીને તેઓ અંતરિયાળ જગ્યાએ લઈ જતા અને બહુ જ ખરાબ રીતે હત્યા કરી નાખતા. ચાર્લ્સે એકલાએ પણ ઘણી હત્યાઓ કરી. બેહોશ કરી નાખેલા ટૂરિસ્ટને એ જીવતા બાળી નાખે, એમનાં શરીર પર છરીઓના ઘા કરી ગળું ચીરી નાખે તો કયારેક ગળોફાંસો આપે. પછી ડેડબોડીને દરિયામાં ફેંકી દે. થાઈલેન્ડના દરિયાકાંઠેથી રહસ્યમય રીતે મળી આવતી બિકિની પહેરેલી યુવતીઓની લાશોને લીધે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ચાર્લ્સ શોભરાજને 'બિકિની કિલર'નું બિરૂદ મળ્યંુ છે એનું કારણ આ. ચાર્લ્સના આ કારનામાં એવાં ગાજ્યાં હતાં કે થાઈલેન્ડની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર પડી. હત્યાઓનો આ ખતરનાક ખેલ ચાર્લ્સે થાઈલેન્ડ ઉપરાંત મલેશિયા, નેપાળ અને ભારતમાં પણ કર્યા હોવાનું મનાય છે.
ચાર્લ્સ આખરે ૧૯૭૬માં દિલ્હીની અશોકા હોટેલમાંથી પકડાયો. એણે ફ્રેન્ચ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના આખા ગ્રૂપને ઝાડા ન થાય તે માટેની ગોળીનાં નામે બેહોશીની દવા આપી દીધી. થોડી મિનિટોમાં સૌને ભયંકર ઊલટી શરૂ થઈ. ડારઇનિંગ રૂમમાં એક સાથે વીસ કરતાં વધારે લોકોને ઊલટી કરતાં જોઈને હોટેલના સ્ટાફને શંકા ગઈ. પોલીસ બોલાવવામાં આવી, જેમાંના એક પોલીસે ચાર્લ્સને ઓળખી લીધો. આઠ હજાર કેદીઓને સમાવી શકતી ભારતની સૌથી મોટી તિહાર જેલમાં ચાર્લ્સને પૂરવામાં આવ્યો. દસ વર્ષ પછી એ તિહાર જેલમાંથી કેવી રીતે છટકીને ભાગ્યો? આજે મારો બર્થડે છે એમ કહીને એણે જેલના દરવાન, અન્ય સ્ટાફ અને સાથી કેદીઓને બેહોશીની દવા ભેળવેલી બરફી ખવડાવી. અડધી કલાકની અંદર સૌ બેભાન થઈ ઢળી પડયા, આમાં ગેટ નંબર ત્રણ પર તૈનાત થયેલા ત્રણ રાઇફલધારી સિકયોરિટી ગાર્ડ્સનનો સમાવેશ થઈ ગયો. ચાર્લ્સ ભોંયભેગા થઈ ગયેલાં લોકો પરથી કૂદતો કૂદતો, બહોશ પડેલા રાઇફલધારી દરવાનોને સેલ્યુટ કરીને ટેસથી જેલમાંથી બહાર નીકળી ગયો!
જેલમાંથી છટકવાનો આ કંઈ પહેલો કિસ્સો નહોતો. ૧૯૭૧માં મુંબઈની જેલમાં એણે સિરીંજથી પોતાનું લોહી કાઢી મોંમાં ભરી લીધું હતંુ અને પછી લોહીની ઊલટી થઈ હોય એવું નાટક કર્યું હતું, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી તે રફુચક્કર થઈ ગયો! આવા તો બીજા ઘણા કિસ્સા છે.
તિહાર જેલમાંથી ભાગ્યા પછી બે જ અઠવાડિયામાં એ ગોવાની એક રેસ્ટોરાંમાં ઝડપાઈ ગયો. આ ધરપકડ એણે ખુદ પ્લાન કરેલી હતી. શા માટે? એને ફરી જેલમાં પૂરી દેવામાં આવે એટલે, શા માટે? થાઈલેન્ડમાં કાયદો છે કે આરોપીને જો વીસ વર્ષ સુધી અદાલતમાં રજૂ કરવામાં ન આવે તો એના પર લગાડેલા આરોપો આપોઆપ નાબૂદ થઈ જાય, જો ચાર્લ્સ જૂની સજા ભોગવીને આઝાદ થાત તો એને તરત થાઈલેન્ડ મોકલી દેવામાં આવત. થાઈલેન્ડમાં એનો દેહાતદંડ નિશ્ચિત હતો, આથી ચાર્લ્સે ચાલાકીપૂર્વક જેલમાંથી ભાગી જઈ અને પછી પાછા પકડાઈ જઈને ભારતમાં પોતાનો જેલવાસ લંબાવ્યો કે જેથી થાઈલેન્ડની વીસ વર્ષવાળી અવધિ ચુકાઈ જાય!

જેલમાં ચાર્લ્સ શોભરાજને સૌ ચાર્લ્સસાહેબ કહેતા. કોઈ ભેદી વિદેશી બેન્ક અકાઉન્ટમાંથી એને પૈસા મળ્યા કરતા. આ નાણાંમાંથી એ ગરીબ કેદીઓની મદદ કરતો અને જેલના અધિકારીઓને પુષ્કળ લાંચ આપતો. તિહારમાં જેલવાસ પૂરો કરીને એ ફ્રાન્સ ગયો ત્યારે સેલિબ્રિટી બની ચૂકયો હતો. પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવાના એ પૈસા ચાર્જ કરતો. એક પ્રકાશકે ચિક્કાર પૈસા આપીને એની જીવનકથા લખાવી છે. પુસ્તક તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયન પત્રકારને એણે લાંબી લાંબી મુલાકાતો આપી. પુસ્તક છપાઈ ગયા પછી'આ બધી વાતો ખોટી છે' એમ કહીને હાથ ઊંચા કરી નાખ્યા!
ચાર્લ્સ હાલ નેપાળની જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહૃાો છે. એનું સેલિબ્રિટી સ્ટેટસ આજેય અકબંધ છે. ચાર્લ્સ જેવા રીઢા ગુનેગારો પાસે ભયંકર આંતરિક તાકાત, આત્મવિશ્વાસ અને તીવ્ર બુદ્ધિચાતુર્ય હોય છે. આ બાબતોનો તેઓ દુરુપયોગ કરે છે તે અલગ વાત થઈ પણ શું એના આ 'ગુણો' જ સામાન્ય માણસનાં મનના એક પ્રકારનો વિકૃત અહોભાવ જન્માવી દેતાં હોય છે?
                                              0 0 0 

Sunday, November 1, 2015

મલ્ટિપ્લેક્સ : જાને કૈસે કબ કહાં...

Sandesh - Ardh Saptahik Purti - 1 Nov 2015
મલ્ટિપ્લેક્સ 
દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનને એકસાથે ચમકાવતી ફિલ્મ 'શક્તિ'ની ગણના આજે એક કલાસિક તરીકે થાય છે. કાસ્ટિંગ પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન પોતાના ફેવરિટ એક્ટર સાથે કામ કરવાની ઈચ્છા બિગ બીએ સામેથી વ્યકત કરી હતી, પણ ફિલ્મ રિલીઝ થઈ પછી તેઓ નારાજ કેમ થઈ ગયા હતા? 

જે એક અફલાતૂન હિન્દી ફિલ્મને યાદ કરવી છે. એ છે, ૧૯૮૨માં રિલીઝ થયેલી 'શકિત'. આજે યાદ કરવા પાછળ કોઈ વિશેષ કારણ? ના, કશું નહીં. કલાસિક ફિલ્મો વિશે વિગતે વાત કરવા માટે મુહરત જોવાની કે 'હૂક પોઈન્ટ' શોધવાની કયાં જરૂર હોય છે!
'શકિત' આવી ત્યારે અમિતાભ બચ્ચનની કરીઅર શિખર પર પહોંચી ચૂકી હતી. રમેશ સિપ્પીએ 'શોલે' (૧૯૭૫) પછી પાંચ વર્ષે બનાવેલી 'શાન' ઓડિયન્સને નિરાશ કરી ચુકી હતી. તેઓ અભિનયસમ્રાટ દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હતા. સુપરસ્ટાર લેખક-બેલડી સલીમ-જાવેદે 'થન્કા પટ્ટકમ' (૧૯૭૪) નામની સાઉથ ઈન્ડિયન ફિલ્મની રીમેક બનાવવાનું સજેશન કર્યું. આમાં બાપ-બેટાના ટકરાવની વાત હતી. બાપ અને દીકરા બન્નેના ડબલ રોલ શિવાજી ગણેશને કર્યો હતો. રમેશ સિપ્પીને સ્ટોરીમાં દમ લાગ્યો, પણ તેઓ એક વાતે સ્પષ્ટ હતા પિતા-પુત્રનાં કિરદારમાં અલગ અલગ એકટર જોઈએ.
દિલીપકુમાર એ અરસામાં છેલ્લી છેલ્લી જે ફિલ્મો કરી હતી - 'દાસ્તાન' (ડબલ રોલ), 'અનોખા મિલન', 'સગીના', 'ફિર કબ મિલોગી', 'બૈરાગ' (ટ્રિપલ રોલ) - એમાં ખાસ કંઈ ભલીવાર નહોતો. 'ક્રાંતિ' અને 'વિધાતા' છેક ૧૯૮૧માં રિલીઝ થઈ. દિલીપસાબ ડિરેકટરનાં કામમાં ખૂબ માથું મારે છે એવી હવા ઈન્ડસ્ટ્રીમાં ફેલાઈ ચૂકી હતી. રમેશ સિપ્પીના મનમાં ફફડાટ હતો કે, દિલીપકુમાર ધારો કે મને એમ કહી દે કે ભાઈ, તું જે કંઈ શૂટિંગ કરી રહૃાો છે એમાં મને ગરબડ લાગે છે, તું બધું નવેસરથી શૂટ કર, તો હાલત ખરાબ થઈ જાય. સલીમ ખાન અને પ્રોડયુસર મુશીર ભાઈ જઈને દિલીપાકુમારને મળ્યા. 'શકિત'ની વાર્તા સંભળાવીને કહૃાું કે 'સર, આ તમારા લેવલનો રોલ છે. ડિરેકટર પણ કાબેલ છે પણ એને ડર છે કે, તમે ફિલ્મમાં વધારે પડતા ઈન્વોલ્વ થઈ જાઓ છો.' દિલીપ કુમાર કહે છે, 'ના ના, એવું કશું નથી. ડિરેકટરને કહો કે, એવી કશી ચિંતા ન કરે. મને પોતાને ફિલ્મના કામકાજમાં ઓવર-ઈન્વોલ્વ થવું ગમતું નથી. એનાથી ઊલટાનું મારા પર્ફોર્મન્સ પર જ માઠી અસર થાય છે.'
સલીમસાહેબે આ વાત રમેશ સિપ્પી સુધી પહોંચાડી. રમેશ સિપ્પીને હાશ થઈ. દિલીપ કુમારને સાઈન કરી લેવામાં આવ્યા. ફિલ્મમાં ત્રણ જ મુખ્ય પાત્રો છે. ડીસીપી અશ્વિનીકુમાર અત્યંત પ્રામાણિક પોલીસ ઓફિસર છે. એમનો દીકરો વિજય નાનો હતો ત્યારે ગુંડાઓએ અપહરણ કરેલું બાપે તે વખતે દીકરા કરતાં ફરજને વધારે મહત્ત્વ આપ્યું હતું. માસૂમ દીકરાના મનમાં આ વાત બેસી ગઈ. એ મોટો થતો ગયો તેમ તેમ પિતા પ્રત્યેનો એનો રોષ ઘૂંટાતો ગયો. એ વિદ્રોહી બનીને આડી લાઈને ચડી ગયો. ઘરની સ્ત્રી પાસે બન્ને જિદ્દી પુરુષોના ગુંચવાયેલા સંબંધને અસહાય બનીને જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

ડીસીપી અશ્વિનીકુમાર (દિલીપ સાહેબ)નું પાત્ર એટલું પાવરફુલ હતું કે, એમની સામે દીકરાનું કિરદાર સહેજ ઝાંખુ પડી જતું હતું. રમેશ સિપ્પીએ શરૂઆતમાં દીકરાના રોલ માટે કોઈ નવા હીરોને લેવાનું વિચાર્યું. અમિતાભનું નામ મનમાં જરૂર આવ્યું હતું પણ સવાલ એ હતો કે, આવડો મોટો સુપરસ્ટાર મેઈન હીરોને બદલે સેકન્ડ લીડ શા માટે સ્વીકારે. એક નવા એકટરનું ઓડિશન સુધ્ધાં લેવામાં આવ્યું, પણ વિજયના પાત્રમાં જે તીવ્રતા હતી એ તે ઊપસાવી શકતો નહોતો. દરમિયાન અમિતાભના કાને વાત પડી કે,રમેશ સિપ્પી દિલીપસાહેબના દીકરાના રોલ માટે કોઈ ઈન્ટેન્સ એકટરને શોધી રહૃાા છે. એમણે રમેશને કહૃાું, 'ભાઈ, તને હું કેમ યાદ આવતો નથી? હું શું કામ તારી ફિલ્મમાં નથી?'
અમિતાભ સામેથી ફિલ્મમાં રસ લેતા હોય તો એના કરતાં રૂડું બીજું શું હોઈ શકે. રમેશ સિપ્પીએ નિર્ણય લીધો કે, દિલીપસાહેબ અને અમિતાભ બચ્ચન બન્નેને એક સાથે ફિલ્મનું નરેશન આપવું (એટલે કે અત્યંત વિસ્તારથી આખી વાર્તા કહી સંભળાવવી). રમેશ સિપ્પીએ એ વખતે જ બિગ બીને સમજાવ્યું હતું કે, તમારા રોલમાં બહેલાવીને પેશ કરી શકાય એવાં તત્ત્વો ઓછાં છે. અમિતાભને સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ. તેઓ નાનપણથી દિલીપસાહેબના ફેન હતા. એમની સાથે કામ કરવાની શકયતા માત્રથી તેઓ એકસાઈટેડ હતા.
રાખી પણ દિલીપ કુમાર સાથે કામ કરવા ઉત્સુક હતાં. તકલીફ એ હતી કે, એ ઓલરેડી કેટલીય ફિલ્મોમાં અમિતાભની હિરોઈન રહી ચુકયાં હતાં. બચ્ચનની પ્રેમિકા બનતી નાયિકા ઓચિંતા બચ્ચનની મા બનીને પેશ થાય તો કેવું લાગે? જે વર્ષે 'શકિત' આવી ગઇ એ જ વર્ષે 'બરસાત કી એક રાત' અને 'બેમિસાલ' પણ રિલીઝ થઈ હતી અને આ બન્નેમાં અમિતાભ-રાખી રોમેન્ટિક જોડી હતી! રાખી જાણતાં હતાં કે, 'શકિત' પછી એની લીડ હિરોઈન તરીકેની કરીઅર ખતમ થઈ જવાની, પણ તેઓ ગણતરીપૂર્વકનું જોખમ લેવાં તૈયાર હતાં.

બાય ધ વે, 'શકિત' ૧૯૮૨માં રિલીઝ થઈ ત્યારે રમેશ સિપ્પી અને રાખી બન્ને ૩૫ વર્ષનાં હતાં, અમિતાભ ૪૦ વર્ષનાં હતાં અને દિલીપ કુમાર ૬૦ વર્ષનાં. ટીમમાં સૌથી નાનાં સ્મિતા પાટિલ હતાં (૨૭ વર્ષ), જેણે આજથી ત્રણ દાયકા પહેલાં બનેલી આ ફિલ્મમાં અમિતાભની લિવ-ઈન ગર્લફ્રેન્ડનું નાનું પાત્ર ભજવેલું!
ટીમ રેડી થઈ ગઈ. મુહૂર્તનો દિવસ આવ્યો. હેલિકોપ્ટર મુંબઈના જૂહુ બીચ પર આવે છે, એમાંથી દિલીપ કુમાર ઉતરે છે અને પોતાની રાહ જોઈ રહેલા અમિતાભને મળે છે એવો શોટ હતો. એક પણ ડાયલોગ નહીં, કેવળ ચહેરાના હાવભાવથી લાગણી વ્યકત કરવાની હતી. આખું યુનિટ હાજર હતું. બીચ પર કેટલાય લોકો શૂટિંગ જોવા ટોળે વળેલા.
ધીમે ધીમે દિલીપ કુમારને યુવા ડિરેકટર સાથે ફાવટ આવતી ગઈ. એક-બે વાર રમેશ સિપ્પીના ખભે હાથ મૂકીને 'આના બદલે આપણે આ સીન આ રીતે કરીએ તો કેવું?' એમ કહીને સૂચન પણ આપ્યાં. રમેશ સિપ્પીએ શાંતિથી સાંભળ્યું. પછી સમજાવ્યું કે, સર આ રીતે તો મેં વિચાર્યું જ નહોતું, પણ આમાં તકલીફ એટલી જ છે કે, જો આવું કરીશું તો તમારા પાત્રનો જે સૂર છે તે હલી જશે. દિલીપ કુમારના ગળે વાત ઉતરી ગઈ. એમણે તરત કહૃાું કે, ના- ના તું બરાબર કહે છે, આપણે તારી રીતે જ સીન કરીશું.
'શકિત'માં કેટલાંય યાદગાર દશ્યો છે. એક સીન રાખીનાં મૃત્યુ પછીનો છે. એનો મૃતદેહ પડયો છે. અમિતાભને જેલમાંથી મરેલી માનાં અંતિમ દર્શન માટે લાવવામાં આવે છે. દિલીપ કુમાર તૂટી ચુકયા છે. દિવાલને ટેકે નિમાણા થઈને બેઠા છે. બાપ અને દીકરા વચ્ચે એક જ સેતુ હતો - માનો - અને હવે એ પણ રહૃાો નથી. દીકરાએ પોતાના સાવજ જેવા બાપને કદી આવી હાલતમાં જોયો નથી. એ બાપ પાસે જઈને બેસે છે, રડે છે, બાપના હાથ પર પોતાનો હાથ મૂકે છે. એકાદ-બે ક્ષણ માટે બાપ-દીકરાની નજર મળે છે. એ જ વખતે પોલીસ આવીને અમિતાભને લઈ જાય છે.
મૃત્યુ પહેલાં રાખી દીકરાને સમજાવવા એના ઘરે જાય છે તે સીન પણ સરસ છે. દીકરો પૈસાનો રૂઆબ છાંટે છે ત્યારે મા કહે છે, 'મૈં અભી ઈતની કમઝોર નહીં હૂં વિજય, કિ મૈં અપને પતિ કી ઈમાનદારી કા બોજ ન ઉઠા સકું.' સલીમ-જાવેદે લખેલી 'દીવાર'માં પણ આવા જ ઢાળની એક સિચ્યુએશન હતી, યાદ છે? નિરૂપા રોય ધનના મદમાં છકી ગયેલા દીકરા અમિતાભને સંભળાવી દે છે, 'અભી ઈતના અમીર નહીં હુઆ, બેટા, કિ તુમ અપની મા કો ખરીદ સકો.'

એક વાર ટીમ સેન્ટુર હોટલમાં હતી ત્યારે દિલીપકુમારે રમેશ સિપ્પીને કહેલું, 'મેં આ છોકરા (અમિતાભ) વિશે બહુ સાંભળ્યું હતું. મેં એની અમુક ફિલ્મો પણ જોઈ છે, પણ એની સાથે કામ કરતી વખતે મને સમજાય છે કે, શા માટે એની આટલી બોલબાલા છે. આ માણસ બહુ જ મહેનતુ છે ડિસીપ્લીનવાળો છે અને ખાસ તો એનામાં ટેકિનકની સમજ છે. બહુ દાદુ એકટર છે એ. જોકે એ કેેમેરા માટે એકિટંગ કરે છે. મારૂ એવું છે કે, હું કયારેક સીનમાં વહી જાઉં છું. મને વધારે મોકળાશ જોઈએ, આઝાદી જોઈએ. હું સતત કેમેરા અને લાઈટ અને માર્કિંગ્સને ધ્યાનમાં રાખીને સીન ન કરી શકું. મારે પહેલાં સીન ઈન્સિટિંકટ વડે ફીલ કરવો પડે અને પછી હું રિએકટ કરી શકું. અમિતાભ આ બધું સમજે છે, પણ એ તગડું હોમવર્ક પણ કરે છે. એના દિમાગમાં બધું પહેલેથી સ્પષ્ટ હોય છે. આથી શૂટિંગ વખતે એ કેમેરા એંગલ્સ માટે એકદમ સભાન હોય છે અને તેથી સહેજ પણ ટેકિનકલ ભુલ કર્યા વગર શોટ આપી શકે છે. અત્યારે એ જે ઊંચાઈ સુધી પહોંચી શકયો છે એનું આ જ તો કારણ છે.'
દિલીપ કુમારના શબ્દો જ અમિતાભ માટે ઓસ્કર અવોર્ડ કરતાં કમ નથી. જોકે 'શકિત' રિલીઝ થયા પછી ફિલ્મ રિવ્યુઅરોએ અમિતાભ કરતાં વધારે દિલીપ કુમારને વખાણ્યા ત્યારે ગરબડ થઈ ગઈ હતી. એક રિવ્યુઅરે લખી નાખ્યું કે, દિલીપસાહેબ અમિતાભને બ્રેકફાસ્ટમાં કાચેકાચા ખાઈ ગયા! કોઈએ એવું લખ્યું કે, યે તો હોના હી થા. દિલીપ કુમાર કા પલડા ભારી હો ગયા. અમિતાભનું અપસેટ થઈ ગયા. એમને લાગ્યું કે, એમના કિરદારને પૂરતો ન્યાય નથી મળ્યો. ઈવન સલીમ-જાવેદે કબૂલ્યું કે, અમે અમિતાભનું પાત્ર દિલીપ કુમાર જેટલું સ્ટ્રોન્ગ બનાવવામાં નિષ્ફળ ગયા છીએ. તેમણે એવુંય કહ્યું કે અમિતાભને બદલે બીજો કોઈ હીરો હોત તો ફિલ્મ બોકસઓફિસ પર કદાચ વધારે ચાલી હોત. ખુદ રમેશ સિપ્પીએ એક મુલાકાતમાં કહૃાું છે કે, ફિલ્મ રિલીઝ થઈ પછી ટીમમાં થોડા સમય માટે ટેન્શન થઈ ગયું હતું. જે બાકી હતું તે ફિલ્મફેર અવોર્ડ્ઝે પૂરૂ કર્યું. બીજા વર્ષે અમિતાભ ત્રણ ફિલ્મો માટે બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા - 'બેમિસાલ', 'નમકહરામ' અને 'શકિત', પણ અવોર્ડ તાણી ગયા દિલીપ કુમાર. ખેર, ધીમે ધીમે મામલો થાળે પડતો ગયો. વાસ્તવમાં અમિતાભને ફિલ્મ સામે નહીં, પણ વિવેચકોએ જે રીતે એમના રોલને નબળો ગણાવ્યો તેની સામે વાંધો હતો. 'શક્તિ'માં અમિતાભનો અભિનય એમના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સીસમાં સ્થાન પામે છે અને આ ફિલ્મ, અફકોર્સ, આજે કલાસિક ગણાય છે.
લેખ વાંચીને ફિલ્મ જોવાનું મન થઈ ગયું હોય તો જાણી લો કે યુટ્યુબ પર આખી ફિલ્મ અવેલેબલ છે. જોઈ કાઢો. 
0 0 0