Tuesday, May 26, 2015

ટેક ઓફ : મળો, ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટને...

Sandesh - Ardh Saptahik Purti - 27 May 2015
ટેક ઓફ 
શિક્ષિત, સંસ્કારી ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું એક વાત છે અને આ બેકગ્રાઉન્ડ વધુ ઊજળું બને તે રીતે જીવી શકવું તે તદ્દન જુદી વાત છે. વિદ્યાગૌરી નીલકંઠ આ કામ કરી શક્યાં હતાં. સવાસો વર્ષ પહેલાં બી.એ. થઈને એમણે ગુજરાતના શિક્ષણજગતમાં તરંગો સર્જી નાખ્યા હતા.

સમા-બારમાની બોર્ડ એક્ઝામ્સનાં પરિણામોની મોસમ આ લેખ છપાશે ત્યાં સુધીમાં કાં તો શરૂ થઈ ચૂકી હશે અથવા તો શરૂ થવામાં હશે. દર વખતની માફક આ વખતેય અખબારો ટોપર્સની તસવીરો-અહેવાલોથી છલકાઈ જશે. દર વખતની માફક આ વર્ષેય છોકરીઓ મેદાન મારી જશે. આજે એકવીસમી સદીમાં વિદ્યાર્થિનીઓ યા તો સ્ત્રીઓની બૌદ્ધિક તેજસ્વિતા એક સર્વસ્વીકૃત હકીકત છે જેના વિશે હવે કોઈ અભિપ્રાયભેદ રહ્યો નથી.
એક સમય એવો હતો જ્યારે આપણે ત્યાં કન્યાઓને ભણાવવી તે મર્યાદાનો ભંગ સમાન ગણાતું. સુધરેલાં ઘરની છોકરીઓને બહુ બહુ તો કન્યાશાળામાં પ્રાથમિક શિક્ષણ અપાવીને સંતોષ માની લેવો પડતો. છોકરીઓને ગ્રેજ્યુએટ કે પોસ્ટ-ગ્રેજ્યુએટ કરાવવાનો તો વિચાર પણ નહીં કરવાનો. સાદો તર્ક હતોઃ છોકરીઓએ પરણીને સાસરું સાચવવાનું હોય, એણે ક્યાં ભણીગણીને નોકરી કરવાની છે? આવા માહોલમાં છેક ૧૮૯૧માં, એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વિદ્યાગૌરી નીલકંઠ બી.એ. થયાં હતાં. ગુજરાતનાં એ સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ. એમના વિશે વિગતવાર જાણવા જેવું છે.
આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને રમણભાઈ નીલકંઠ - આપણી ભાષાના આ ત્રણેય પ્રથમકક્ષ સાહિત્યકારો. માત્ર સાહિત્યકારો જ નહીં, બલકે સમાજસુધારકો પણ ખરા. આ ત્રણેય નાગર સાક્ષરો સાથે વિદ્યાગૌરીના પારિવારિક સંબંધો હતા. ધ્રુવ પરિવારનાં એ પુત્રી હતાં, દિવેટિયા પરિવારનાં ભાણેજ અને નીલકંઠ પરિવારનાં પુત્રવધૂ. ૧ જૂન, ૧૮૭૬ના રોજ અમદાવાદમાં જન્મેલાં વિદ્યાગૌરી (ચાર દિવસ પછી એમનાં જન્મનું ૧૪૦મું વર્ષ બેસશે)ના પિતા ગોપીલાલ મણિલાલ ધ્રુવ અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટના હોદ્દેદાર હતા. ખૂબ પ્રામાણિક માણસ. ધારત તો ગેરમાર્ગે પુષ્કળ ધન એકઠું કરી શક્યા હોત, પણ તેઓ તમામ પ્રલોભનોથી દૂર રહ્યા. તેઓ નિવૃત્ત થયા ત્યારે બ્રિટિશ સરકાર તરફથી તેમને 'ગૂડ સવિર્સ'નો ચંદ્રક આપવામાં આવ્યો હતો.
વિદ્યાગૌરીનાં માતા બાળાબહેન એટલે સમાજસુધારક અને ભક્તકવયિત્રી તરીકે જાણીતાં બનેલાં ભોળાનાથ સારાભાઈનાં પુત્રી. બાળાબહેન એ જમાનામાં ગુજરાતી છ ચોપડી અને અંગ્રેજી ત્રણ ચોપડી ભણ્યાં હતાં. ગોપીલાલ-બાળાબહેનને ત્રણ સંતાનો - વિદ્યાગૌરી, શારદા અને ગટુલાલ. શારદા ભાવનગરના પ્રસિદ્ધ દીવાન શામળદાસ મહેતાના પુત્ર ડો. સુમંત મહેતા, કે જે સયાજીરાવ ગાયકવાડ પરિવારના અંગત ડોક્ટર હતા, એમને પરણ્યાં હતાં. શારદાબહેનનો એક પુત્ર વૈંકુઠ મહેતા આગળ જતાં સહકારી અગ્રણી બન્યા અને બીજો દીકરો ગગનવિહારી મહેતાએ અર્થશાસ્ત્રી તરીકે નામ કાઢયું. વિદ્યાગૌરીના નાના ભાઈ ગટુલાલ ધ્રુવે પણ સમાજસુધારણાના ક્ષેત્રે સારું એવું કામ કરેલું.
વિદ્યાગૌરીના પિતાની વારંવાર બદલી થયા કરે. આથી વિદ્યાગૌરી અમદાવાદ મામાના ઘરે રહીને ભણ્યાં. એમના મામા એટલે મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયા. મોસાળનાં સંસ્મરણો વિશે વિદ્યાગૌરીએ પોતાનાં 'ફોરમ' નામનાં પુસ્તકમાં લખ્યું છે કે, "મારું બાળપણ મારા મોસાળમાં ઘણે ભાગે વીતેલું. માતામહ (એટલે કે નાના) ભોળાનાથ સારાભાઈની બે હવેલીઓ સાંકડી શેરીમાં લાખા પટેલની પોળમાં હતી. અમારે ત્યાં ત્રીસ ચાળીસ માણસો એક રસોડે જમતા અને દસ-બાર કે વધારે બાળકો એકઠાં થતાં. પડોશનાં બાળકો પણ ભેગાં થાય અને ચોકઠામાં સાતતાળી કે એવી રમતો રમતાં. અમારે ત્યાં ત્રણ ઘોડા, ત્રણ ગાડીઓ અને ત્રણ ગાડીવાન હતા, પરંતુ છોકરાને નિશાળે જવા, જેમ આજે જોઈએ છીએ તેમ ગાડીબાડી ન મળે. વરસાદ, તડકો બધી ઋતુમાં ચાલતાં નિશાળે જવાનું."
પ્રાથમિક શિક્ષણ રા.બ. મગનભાઈ કન્યાશાળામાં લીધું. પોતાની દીકરીઓને શાળાએ મોકલવામાં વાલીઓને સંકોચ ન થાય તે માટે એ જમાનામાં કેટલાક શિક્ષકો પોતાની પત્નીઓને સ્કૂલમાં પોતાની સાથે રાખતા. છ ધોરણ ભણ્યા પછી વિદ્યાગૌરીએ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ સંચાલિત વર્નાક્યુલર હાઈસ્કૂલમાં પ્રવેશ લીધો. વિદ્યાગૌરીનો પરિવાર સુધારાવાદી હતો છતાંય એ પાંચમા ધોરણમાં ભણતાં હતાં ત્યારે રમણભાઈ નીલકંઠ સાથે તેમનાં બાળલગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. વિદ્યાગૌરીએ લખ્યું છેઃ
"મારું પોતાનું લગ્ન તેર વર્ષની ઉંમરે થયું હતું અને મારાં (નાના) બહેનને પંદર વર્ષ સુધી કુંવારાં રાખ્યાં તેથી અમારા પર ફિટકાર વરસેલો. અમારા નાનપણમાં કપડાં કે કોઈ ચીજ ખરીદવા સ્ત્રીઓ બજારમાં ભાગ્યે જ જતી. ઘેર જે માલ આવે તે પુરુષો જ ખરીદી લાવે. આજે એમ કહીએ કે અમારાથી બજારોમાં જવાતું નહોતું તો કોઈ માને પણ નહીં."
Vidyagauri Nilkanth with her husband, Ramanbhai Nilkanth

વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠ એટલે અમર હાસ્ય-નવલકથા 'ભદ્રંભદ્ર'ના સર્જક. એમની 'રાઈનો પર્વત' કૃતિ પણ ખૂબ જાણીતી છે. રમણભાઈ નીલકંઠ બી.એ., એલ.એલ.બી. સુધી ભણ્યા હતા. વિદ્યાગૌરીના સસરા મહીપતરાય નીલકંઠ પ્રખર સુધારાવાદી. નાગરી નાતનો પ્રચંડ વિરોધ હોવા છતાં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. વિલાયત જનારા તેઓ પ્રથમ ગુજરાતી. તેમને નાતબહાર મૂકવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં એમની પડખે ઊભા રહેનારા મિત્રોમાં કવિ નર્મદ ઉપરાંત વિદ્યાગૌરીના નાના ભોળાનાથ સારાભાઈ પણ હતા. આમ, વિદ્યાગૌરી અને રમણભાઈ નીલકંઠના પારિવારિક સંબંધ વર્ષો જૂના. મહીપતરાય નીલકંઠને આજે પ્રાઇમરી ટીચર્સ ટ્રેનિંગના પિતામહ તરીકે યાદ કરવામાં આવે છે.
સાસરું પણ સુધારાવાદી એટલે વિદ્યાગૌરીનો અભ્યાસ લગ્ન પછી પણ ચાલુ રહ્યો. સાહિત્યકાર પતિ ખુદ એમને ભણાવતા. મેટ્રિકની પરીક્ષા વખતે સતત ત્રણ મહિના સુધી પત્નીની સાથે રહીને મહેનત કરાવી. પરિણામે વિદ્યાગૌરી ખૂબ ઊંચી ટકાવારી સાથે પાસ થયાં. ગુજરાતીમાં ફક્ત એક માર્ક માટે તેમને હાઈએસ્ટ માર્ક્સ મળતા રહી ગયા. એમના પરીક્ષક હતા, 'સરસ્વતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી. મેટ્રિક પછી વિદ્યાગૌરીએ ગુજરાત કોલેજમાં એડમિશન લીધું. આગળનું ભણતર અઘરું એટલા માટે પુરવાર થવાનું હતું કે વિદ્યાગૌરીએ હવે પોતાનાં સંતાનોની જવાબદારી પણ ઉપાડવાની હતી. આવી સ્થિતિમાં એમની માતા બાળાબહેન વહારે ધાયાં. ખુદ સુશિક્ષિત હતાં એટલે દીકરીનો અભ્યાસ વ્યવસ્થિત ચાલતો રહે એમ તેઓ ઇચ્છતાં હતાં.
 "મારા અભ્યાસ માટે એટલું જ કહેવું બસ થશે કે તેમની (માતાની) સહાયતા વિના હું કોલેજમાં ભણી શકી ન હોત," વિદ્યાગૌરી પોતાનાં સંસ્મરણોમાં લખે છે, "પોતે માંદાં હોય તોપણ એક દિવસ પણ ઘેર ન રહેવા દે. મારાં બાળકોને રાખવાનું સંપૂર્ણ તેમને માથે જ હતું. ત્રણે બાળકો તેમને સોંપી કોલેજમાં હું જતી. બાળકોના મંદવાડામાં તેઓ પોતે જ કામ કરે."
વિદ્યાગૌરીએ કોલેજમાં તત્ત્વજ્ઞાાન અને તર્કશાસ્ત્ર વિષયો પસંદ કર્યાં. ૧૮૯૧માં તેઓ બી.એ. થયાં ને ઇતિહાસ સર્જાઈ ગયો. ગુજરાતનાં સર્વપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ બનવાનો જશ તેમની કુંડળીમાં લખાયો હતો. તેમણે માત્ર જેમતેમ કરીને પરીક્ષા પાસ કરી નાખી હતી એમ નહીં, તત્ત્વજ્ઞાાન અને તર્કશાસ્ત્રમાં તેઓ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હતાં. એટલું જ નહીં, જો બધા વિષયોના માર્ક્સનો સરવાળો કરવામાં આવે તો યુનિવર્સિટીમાં તેમનો ક્રમ બીજો થતો હતો. આનંદશંકર ધ્રુવ તેમના પ્રોફેસર હતા. તેમની પાછળ પાછળ નાની બહેન શારદા પણ બી.એ. થયાં. ગુજરાતના શિક્ષણજગતની આ અભૂતપૂર્વ ઘટના હતી.
વિદ્યાગૌરીના પતિ રમણભાઈ નીલકંઠ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બન્યા હતા. આધુનિક અમદાવાદનો પાયો નાખનારા મહત્ત્વના લોકોમાં એમની ગણના થાય છે. અમદાવાદની કેટલીય ચાવીરૂપ સંસ્થાઓની સ્થાપના પાછળ રમણભાઈનો હાથ છે. ગરીબ મુસ્લિમ મહિલાઓ માટે તાલીમશાળા શરૂ કરવામાં વિદ્યાગૌરી પણ સરખેસરખાં સક્રિય હતાં. ભલે બાળલગ્ન થયેલાં, પણ પતિ-પત્ની વચ્ચે હંમેશાં મધુર સંબંધ રહ્યા.
૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું પછી વિદ્યાગૌરીએ પોતાનું જીવન સમાજસેવા પાછળ ખર્ચી નાખ્યું. ૧૯૩૪માં સુરતમાં હરિજન સેવક સંઘની શાખા ખોલવાની હતી. આ કામગીરી માટે ઠક્કરબાપાએ વિદ્યાગૌરીને સુરત મોકલ્યાં હતાં. એમની પાસે સામાનમાં ફક્ત એક નાનકડી થેલી હતી. બીજાં બેગબિસ્તરાં જેવું કશું નહીં. આખી જિંદગી સાહ્યબીમાં રહેનારાં અને ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક બનેલાં વિદ્યાગૌરી આટલાં બધાં સાદાં હશે એવી સુરતના કાર્યકર્તાઓને કલ્પના સુધ્ધાં નહોતી.
વિદ્યાગૌરીએ 'ગૃહદીપિકા', 'નારીકૂંજ' અને 'જ્ઞાાનસુધા' જેવા લેખસંગ્રહો લખ્યા છે. 'ફોરમ'માં પોતાનાં સ્નેહી-સ્વજનોનાં સ્મૃતિચિત્રો આલેખ્યાં છે. વડોદરાનાં મહારાણીએ લખેલાં 'પોઝિશન ઓફ વિમેન ઇન ઇન્ડિયા' પુસ્તકનો તેમણે 'હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન' નામે અનુવાદ કર્યો છે. આ સિવાય પણ એમનાં કેટલાંક પુસ્તકો છે. ૧૯૪૩માં તેમની ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. કોઈ મહિલા પ્રમુખપદે નિમાઈ હોય એવું ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું હતું. મહિલા કેળવણીના ક્ષેત્રે તેમણે ખૂબ બધું કામ કર્યું. બ્રિટિશ સરકારે તમને એમ.બી.ઈ. (મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) અને 'કૈસર-એ-હિન્દ'ના ઇલકાબ આપ્યા હતા, પણ ૧૯૩૦માં વિરમગામમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આ બન્ને બહુમાન તેમણે સરકારને પરત કરી દીધાં હતાં.
વિદ્યાગૌરીનાં પુત્રી વિનોદિની નીલકંઠ પણ આગળ જતાં જાણીતાં લેખિકા બન્યાં હતાં. એમના સહિત આ લેખમાં ઉલ્લેખ પામેલા મોટા ભાગના લેખકોની કૃતિઓ આપણે સ્કૂલમાં ગુજરાતીના પાઠયપુસ્તકોમાં ભણી ચૂક્યા છીએ. ૭ ડિસેમ્બર, ૧૯૫૮ના રોજ ૮૨ વર્ષની વયે વિદ્યાગૌરી નીલકંઠનું અવસાન થયું.
ઉત્તમ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવું એક વાત છે અને આ બેકગ્રાઉન્ડનો યોગ્ય ઉપયોગ થવો તે જુદી વાત છે. વિદ્યાગૌરી નીલકંઠે પિયર અને સાસરું બન્નેનાં નામ ઉજાળ્યાં.
0 0 o 

No comments:

Post a Comment