Thursday, January 15, 2015

રઘુવીરોત્સવ

ચિત્રલેખા - અંક તા. 26 જાન્યુઆરી 2015

કોલમ: વાંચવા જેવું

‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’




જુ ગયા શનિવારે, દસમી જાન્યુઆરીએ, અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં એક મસ્તમજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આપણી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર રઘુવીર ચૌધરીના જીવન અને કર્મને કેન્દ્રમાં રાખીને લેખકમિત્રો અને સ્નેહીઓએ હૂંફાળો ઉત્સવ મનાવ્યો. આજે આપણે પણ ‘અમૃતાથી ધરાધાર’ પુસ્તક વિશે વાત કરતાં કરતાં એ જ કરવાના છીએ- રઘુવીર ચૌધરીનાં સર્જકત્વનું સેલિબ્રેશન.

 આ પુસ્તક વાસ્તવમાં રધુવીર ચૌધરી અધ્યયનગ્રંથ શ્રેણીની બીજી દળદાર કડી છે. એમાં રઘુવીર ચૌધરી કૃત નાટક, કવિતા, નિબંધ, ચરિત્ર, વિવેચન, સંપાદન અને સંશોધન વિશે અન્ય જુદા જુદા સર્જક દ્વારા લખાયેલા લગભગ ૮૬ જેટલા રસપ્રચુર લેખોનો અફલાતૂન સંગ્રહ થયો છે. વિખ્યાત કલમોનો અહીં રીતસર મેળો જામ્યો છે. કેન્દ્રમાં છે, રઘુવીર ચૌધરી અને એમની લેખનયાત્રા.

 ‘ભૃગુલાંછન’ નિબંધસંગ્રહ વિશે વાત કરતી વખતે અશ્ર્વિન દેસાઈ સૌથી પહેલાં તો એક સવાલ કરે છે કે, ‘ગુજરાતી ભાષામાં લખતા ભારતીય પણ વૈશ્ર્વિક કક્ષાના સર્જકચિંતકો છે ખરા?’ અને પછી એનો સ્પષ્ટપણે જવાબ પણ આપી દે છે કે હા, છે. ગુજરાતી ભાષામાં સાંપ્રતકાળમાં જે ગણ્યાગાંઠ્યા સર્જકચિંતક છે, તેમાંના એક રઘુવીર ચૌધરી. એમની પોતીકી મુદ્રા અને નિજી સત્ત્વશીલતાના કારણે સાહિત્યના અનેકાનેક સ્વરુપોમાં થયેલું એમનું લેખન ગુજરાતી ભાષામાં હોવા છતાં તત્ત્વત: ભારતીય અને વૈશ્ર્વિક કક્ષાનું બની રહે છે.

 વિનોદ ભટ્ટની નજરે એક વાર રઘુવીર ચૌધરીની એક સરસ ચેષ્ટા ચડી ગઈ હતી. બન્ને ગુજરાતી સાહિત્ય પરિષદના મેદાનમાં ઊભા હતા. વરસાદ પડી ગયા પછીની માટી રઘુવીરના બૂટ પર ચોંટી હતી. નીચા વળીને એક સાંઠીકડા વડે બૂટ પરની એ ભીની માટી ઉખાડીને રઘુવીર બોલ્યા: ‘પરિષદની માટી પણ ઘરે ન લઈ જવાય.’ આટલું નોંધીને વિનોદ ભટ્ટ ઉમેરે છે કે, ‘દર વર્ષે પરિષદ પાછળ એમને બારથી પંદર હજાર રુપિયા ઘરના વેઠતા મેં જોયા છે.’

 રઘુવીર ચૌધરીએ દોરેલાં સુંદર કેટલાક સાહિત્યકારો વિશેનાં વ્યક્તિચિત્રો ‘સહરાની ભવ્યતા’માં સંગ્રહ પામ્યાં છે. આ પુસ્તક વિશેના લેખમાં પન્ના નાયક નોંધે છે:

 ‘રઘુવીરના સ્વભાવમાં રહેલું મશ્કરાપણું અથવા તો ગંભીર વાતને ક્ષણમાં હળવા કરી દેવાની ખૂબી વીજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે જ્યારે રઘુવીર ચૌધરી બે વરસની કામગીરી વિશે સ્નેહરશ્મિને પ્રશ્ર્ન પૂછે છે ત્યારે લાલચોળ થઈ ગયેલા સ્નેહરશ્મિ રઘુવીરભાઈને ‘તમે મધ્યસ્થના સભ્ય છો, તમે શું કર્યું?’ જેવા પશ્ર્નસ્વરુપે વળતો ઘા કરે છે. એ સમયે ખડખડાટ હસી પડતા રઘુવીર કેટલો માર્મિક જવાબ આપે છે- ‘કેમ, તમને સવાલ પૂછીએ છીએ એ ઓછું છે?

અકાદમી વિજેતા અને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા રધુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’માં આલેખેલું મોરારિબાપુની જીવનચરિત્ર પણ ખાસ્સું વખણાયું છે. સૌરભ શાહે આખી રાત જાગીને આ પુસ્તક પુરું કર્યું હતું. પછી અંગત પ્રસન્નતા વ્યક્ત કરવા રઘુવીર ચૌધરીને પત્રમાં લખ્યું કે તમારા કલમે બાપુ જેવી વ્યક્તિનું જીવનચરિત્ર લખાય એટલે તમે ઘન્ય અને બાપુની વ્યાસપીઠને તમારા જેવા બાયોગ્રાફર મળે એટલે વ્યાસપીઠ ધન્ય!

 રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલના કિસ્સામાં પણ એવું જ બન્યું છેને. ભોળાભાઈ પટેલ માણસાની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા ત્યારે રધુવીર એ જ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા હતા એ જાણીતી વાત છે. રઘુવીરને ભોળાભાઈ જેવા ટીચર મળ્યા અને ભોળાભાઈને રઘુવીર જેવો સ્ટુડન્ટ મળ્યો. બન્ને ધન્ય!

 ફક્ત ૨૭ વર્ષની ઉંમરે ‘અમૃતા’ જેવી વિચારપ્રધાન નવલકથા આપનાર રઘુવીર સૌધરીએ સાહિત્યસર્જનની શરુઆત કવિતાથી કરેલી. એમણે કવિતા પ્રમાણમાં ઓછી પણ નોંધપાત્ર કવિતા લખી છે.



 હર્ષદ ત્રિવેદી અને રમેશ ર. દવેના સંગાથમાં અમદાવાદમાં ગયા શનિવારે પેલો કાર્યક્રમ યોજનાર કિરીદ દૂધાતે યોગ્ય જ લખ્યું છે કે ગાંધીયુગમાં આપણે ત્યાં સામાજિક ચેતનાની કવિતા રચવાનું અને પ્રમાણવાનું  સહજ હતું, પણ પછી આધુનિકતાવાદની અસરમાં ચિત્ર પલટાયું. એ પણ એટલી હદે કે સમાજની વર્તમાન સમસ્યા વિશે કવિતા કરનારા ઊલટાના ઉપહાસને પાત્ર બનવા લાગ્યા. અલબત્ત, રઘુવીર ચૌધરીએ ગોઘરાકાંડ પછીના રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘એક ગોળી મને પણ વાગી’ શીર્ષક હેઠળ ધારદાર કાવ્ય લખ્યું જ. આ કવિતાનું રસદર્શન કરાવતા કિરીત દૂધાત લખે છે કે, ‘કવિ રઘુવીરની આ અને આવી લોક-કવિતાઓ કાવ્યસૌંદર્યની કોઈ પણ શરતો તોડ્યા વગર સમાજચેતના-લોકચેતનાને સિદ્ધ કરતી રહે છે.’

 આ સંદર્ભમાં કનુ ખડદિયાએ એક વાર પોતાનાં વકત્વ્યમાં ક્વોટ કરેલો રઘુવીર ચૌધરીની કેફિયતનો અંશ સાંભળાવા જેવો છે:

 ‘આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે?... કવિતા રચનાની એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. અહીં વેદના છે તેથી સંબંધ છે તેથી સૌંદર્ય છે.’

 રઘુવીર ચૌધરીનાં પ્રવાસ વિષયક ચાર પુસ્તકોમાં એક ગુજરાત વિશે છે અને અન્ય ત્રણ બ્રિટન, અમેરિકા તેમજ ચીનના પ્રવાસ વિશે. ‘બારીમાંથી બ્રિટન’માં એક જગ્યાએ ત્યાંના શિયાળાનું વર્ણન કરતાં સુંદર વાક્ય લખ્યું છે કે, ‘શિયાળો વકર્યો હોય ત્યારે તો બધું સફેદ થઈ જાય. અલબત્ત, મૃત્યુ જેવું નહીં, પણ ચાંદની જેવું!’ રઘુવીર ચૌધરી કક્ષાનો સર્જક પ્રવાસવર્ણન લખે ત્યારે ભાવકને વિશેષ અનુભવ થતો હોય છે.

 ‘અમૃતાથી ધરાધામ’માંં કેટલાં બધાં પ્રિય લેખકોએ રઘુવીર ચૌધરીનાં સર્જન વિશે લખ્યું છે. કોનું અવતરણ લેવું ને કોનું નહીં! મજાની વાત એ છે કે પુસ્તક કેવળ સાહિત્ય સ્વરુપો પર અટકી ગયું નથી, અહીં રઘુવીર ચૌધરીનાં વ્યક્તિત્ત્વની કેટલીય છટા સહજપણે ઝીલાઈ છે. પુસ્તકમાં ભરપૂર વિદ્વત્તા છે અને હૂંફ અને આત્મીયતાનાં સ્પંદન પણ છે. એને લીધે પુસ્તક વધારે આકર્ષક બન્યું છે. રઘુવીર ચૌધરીનાં પુત્રી અને પુત્રવધૂએ આ સંપાદન પાછળ કરેલી જહેમત સ્પષ્ટ દેખાય છે. રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથના પ્રથમ ભાગની ટૂંકી ઝલક પણ આવરી લેવાઈ હોત તો ઓર મજા પડત. દરેક સાહિત્યપ્રેમીની અંગત લાઈબ્રેરીમાં ફરજિયાતપણે હોવું પડે એવું સુંદર પુસ્તક.                                                                                       0 0


અમૃતાથી ધરાધામ 
          
સંપાદન: દષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી
પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ-૯
 ફોન: (૦૭૯) ૨૭૯૧ ૩૩૪૪
 કિંમત:  Rs. ૩૬૦ /
 પૃષ્ઠ: ૪૯૨

 0 0 0

Tuesday, January 13, 2015

ટેક ઓફ : દિલ, દોસ્તી અને પતંગ

Sandesh - Ardh Saptahik Purti - 14 Jan 2014

ટેક ઓફ 

ખાલેદ હોસેનીની 'ધ કાઇટ રનરનવલકથાએ દુનિયાભરના વાચકોનાં દિલ જીતી લીધાંપણ પુસ્તક પરથી બનેલી ફિલ્મથી અફઘાનિસ્તાનમાં મોટી કોન્ટ્રોવર્સી ઉભી થઈ


જે મકરસંક્રાંતિ નિમિત્તે એક એવા પુસ્તકની વાત કરવી છે, જેના મૂળમાં પતંગ સાથે સંકળાયેલી એક ઘટના છે. તે છે ખાલેદ હોસેની લિખિત બેસ્ટસેલર અંગ્રેજી નવલકથા 'ધ કાઇટ રનર'. અફઘાનિસ્તાનમાં જન્મેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ખાલેદની આ સૌથી પહેલી નવલકથા. ૨૦૦૩માં તે પ્રકાશિત થઈ ત્યારે ખાલેદ ૩૮ વર્ષના હતા. 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં 'ધ કાઇટ રનર' બે વર્ષ કરતાંય વધારે સમય સુધી અડિંગો જમાવીને બેસી રહી હતી. એકલા અમેરિકામાં જ એની ૭૦ લાખ નકલો વેચાઈ ચૂકી છે. ૩૮ દેશોની ૪૨ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. ૨૦૦૭માં પુસ્તક પરથી આ જ ટાઇટલ ધરાવતી સુંદર ફિલ્મ બની, જેે સારી એવી વખણાઈ. માર્ક ફોરસ્ટરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મને ઓસ્કર તેમજ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્ઝનાં નોમિનેશન્સ પણ મળ્યાં. અફઘાનિસ્તાનમાં જોકે આ ફિલ્મે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી નાખી હોવાથી તેેને બેન કરવી પડી હતી. એવું તે શું છે આ નવલકથામાં?
ખાલેદ હોસેની આમ તો ક્વોલિફાઇડ ડોક્ટર છે. ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ખાલેદને લખવાનો નાનપણથી જ ખૂબ શોખ. ૧૯૯૯માં એમણે છાપામાં સમાચાર વાંચ્યા કે કટ્ટર તાલિબાનોએ તેમના વતન અફઘાનિસ્તાનમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખાલેદના મનમાં આ વાત ઘર કરી ગઈ. બાળપણમાં એમણે કાબુલમાં ખૂબ પતંગો ચગાવ્યા હતા. પેલી ન્યૂઝ આઇટમને કેન્દ્રમાં રાખીને એમણે પચીસ પાનાંની એક ટૂંકી વાર્તા લખી. તેમાં પતંગ ચગાવવાનો ગાંડો શોખ ધરાવતાં બે અફઘાની ટાબરિયાંઓની વાત હતી. નવલિકાને આખરી ઓપ આપીને ખાલેદે 'એસ્ક્વાયર' અને 'ધ ન્યૂ યોર્કર' નામનાં પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિનોમાં મોકલી તો આપી, પણ બન્ને જગ્યાએથી વાર્તા સાભાર પરત થઈ. લેખકશ્રીએ તે વખતે બન્ને સામયિકોના સંપાદકોને મનોમન સખત ગાળો આપી હશે, પણ એમને ક્યાં ખબર હતી કે વાર્તાનો અસ્વીકાર કરીને આ સંપાદકોએ અજાણતાં કેટલો મોટો ઉપકાર કરી નાખ્યો છે! ખેર, ખાલેદ પછી તો આખી વાત જ ભૂલી ગયા ને પોતાની મેડિકલ પ્રેક્ટિસમાં બિઝી થઈ ગયા.
બે વર્ષ બાદ ગેરેજમાં પડેલા જૂના પટારામાંથી અચાનક પેલી વાર્તાની હસ્તપ્રદ એમના હાથમાં આવી ગઈ. એક દોસ્તે વાર્તા વાંચીને ફીડબેક આપતાં કહ્યું: મસ્ત સ્ટોરી છે, પણ તેં આને પચીસ પાનાંમાં શું કામ પૂરી કરી નાખી? જરા લંબાવને. આના પરથી તો આખી નવલકથા બની શકે તેમ છે! ખાલેદને આઇડિયા ગમી ગયો. તેઓ મંડયા વાર્તાને વિસ્તારવા. નવલકથા જેમ જેમ લખાતી ગઈ તેમ તેમ વધુ ગંભીર, વધુ વેધક, વધુ પીડાદાયી બનતી ગઈ. નવલકથા લખવાની શરૂ કરી એના છઠ્ઠે મહિને ન્યૂ યોર્કના ટ્વિન ટાવર પર નાઇન-ઇલેવન તરીકે જાણીતો બનેલો અકલ્પ્ય આતંકવાદી હુમલો થયો. એકલું અમેરિકા જ નહીં, આખું વિશ્વ હલી ગયું. નાઇન-ઇલેવન પછીનાં વર્ષોમાં જાણે કે દુનિયાનો આખો માહોલ બદલી ગયો, પણ 'ધ કાઇટ રનર'ના પ્રકાશન માટે યોગાનુયોગે આ પરફેક્ટ ટાઇમિંગ હતું.
આગળ વધતા પહેલાં 'ધ કાઇટ રનર'ની કથાવસ્તુ ટૂંકમાં જોઈ લઈએ. કાબુલ શહેરમાં અમીર અને હસન નામના બે પાક્કા ભાઈબંધો રહે. અમીર ઊંચા વર્ણની પુશ્તુ જાતિનો અને હસન નીચો વર્ણ ગણાતી હઝારા જાતિનો. બન્નેની ઉંમર હશે આઠ-નવ વર્ષ. અમીર સ્વભાવે ભીરુ, પણ હસન હિંમતવાળો અને બિન્ધાસ્ત. હસનના પિતા અમીરના ઘરમાં નોકર તરીકે કામ કરતા. અમીરના પિતા જોકે બન્ને છોકરાઓને સરખું વહાલ કરે છે. હસન કાબેલ 'કાઇટ રનર' છે. અમીર કોઈનો પતંગ કાપે એટલે હસન તીર ગતિથી દોટ મૂકીને પતંગ બીજા કોઈના હાથમાં આવે તે પહેલાં પકડી લે. દોડતી વખતે આકાશ તરફ જોયા વગર જમીન પર પડતા પતંગના પડછાયા પરથી પાક્કો અંદાજ બાંધી લે કે પતંગ જમીન પર એક્ઝેક્ટલી ક્યાં પડશે.  


એક વાર પાડોશમાં રહેતા આસેફ નામના મવાલી ટાઇપના મોટા છોકરાએ અમીરની મશ્કરી કરીઃ સાલા, પુશ્તુ થઈને હસન જેવા હલકી જાતિના છોકરા સાથે રમે છે? આસેફે અમીર પર હુમલો કરવાની કોશિશ કરી, પણ હસન વચ્ચે પડયોઃ ખબરદાર, અમીરને કશું કર્યું છે તો ગિલોલથી તારી આંખ ફોડી નાખીશ! સહમી ગયેલા આસેફે મનોમન ગાંઠ વાળી લીધી કે આ હસનના બચ્ચાને છોડીશ નહીં. થોડા દિવસ હસન કપાયેલા પતંગને લઈને ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગિન્નાયેલો આસેફ પોતાના મળતિયાઓ સાથે હસન પર તૂટી પડયો. વાત માત્ર માર મારવાથી અટકી નહીં. આસેફે હસન પર બળાત્કાર કર્યો. બારી પાસે ઊભો ઊભો આ બધંુ જોઈ રહેલો અમીર એવો તો થીજી ગયો કે દોસ્તને બચાવવા એના મોંમાંથી એક અક્ષર સુધ્ધાં ન નીકળ્યો. અમીરને પછી ખુદના કાયર વર્તાવથી બહુ શરમ આવી. હસનને જોતાં જ એના મનમાં ગિલ્ટી પેદા થઈ જતી. એ હસનથી દૂર-દૂર રહેવા માંડયો. એના પર ચોરીનો ખોટો આક્ષેપ સુધ્ધાં મૂક્યો. આ સ્થિતિ જોકે લાંબો સમય ન ચાલી. હસનના પિતા અમીરના ઘરની નોકરી છોડીને પરિવાર સહિત કશેક જતા રહ્યા. પાંચ વર્ષ પછી, ૧૯૭૯માં અફઘાનિસ્તાનમાં ઉધામો મચાવી રહેલા આતંકવાદી તત્ત્વોને અંકુશમાં લેવા સોવિયેત રશિયાએ દરમિયાનગીરી કરી ત્યારે અસ્થિરતાભર્યા માહોલમાં અમીર પણ માતા-પિતા સાથે ઉચાળા ભરીને વાયા પાકિસ્તાન થઈને આખરે અમેરિકામાં સેટલ થઈ ગયો. પુસ્તકનો ફર્સ્ટ એક્ટ અહીં પૂરો થાય છે.
પછી ઘણું બધંુ બને છે. અમીર મોટો થઈને લેખક બને છે. નાનપણમાં પોતે જે કાયરતા આચરી હતી તે વાતનો અપરાધભાવ તેના ચિત્તમાંથી ખસતો નથી. એને ખબર પડે છે કે તાલિબાનોના કબજામાં આવી ગયેલા અફઘાનિસ્તાનમાં હસન અને એની પત્નીની હત્યા થઈ ગઈ છે. એમનો એકનો એક દીકરો સોહરાબ અનાથાશ્રમમાં મોટો થઈ ગયો છે. પેલો આસેફ તાલિબાની બની ગયો છે અને નિયમિતપણે સોહરાબનું જાતીય શોષણ કરે છે. બીજું ધ્રુજાવી મૂકતું સત્ય પણ એની સામે આવે છેઃ હસન એનો ભાઈ હતો, બન્નેના બાયોલોજિકલ પિતા એક જ છે! અંતમાં અમીર આખરે અફઘાનિસ્તાન જાય છે અને સોહરાબને શોધીને એને દત્તક લે છે. બાળપણની આચરેલી કાયરતાનું આ સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે.
ખાલેદ હોસેનીની 'ધ કાઇટ રનર' નવલકથા સુપરહિટ થઈ એનું મુખ્ય કારણ એ છે કે તેણે પશ્ચિમના વાચકોની સામે પહેલી વાર અફઘાની કલ્ચરનું અસરકારક ચિત્ર પેશ કરી આપ્યું. પુસ્તકમાં અફઘાનિસ્તાનના ત્રણ દાયકાનો ઇતિહાસ વણાઈ ગયો છે, જેમાં સોવિયેત રશિયાની દરમિયાનગીરી પણ આવી ગઈ અને નાઇન-ઇલેવન પછી અમેરિકાએ તાલિબાનો સામે છેડેલું યુદ્ધ પણ આવી ગયું. વળી, દોસ્તી, ગિલ્ટી, પ્રાયશ્ચિત્ત, બાપ-દીકરાના સંબંધ વગેરે યુનિવર્સલ અપીલ ધરાવતાં એવાં તત્ત્વો છે જે વાચકોેને સ્પર્શ્યા વગર ન રહે.

અફઘાનિસ્તાનમાં આ પુસ્તક પરથી બનેલી ફિલ્મને લીધે હંગામો થઈ ગયો તેનાં બે-ત્રણ કારણો હતાં. એક તો, તાલિબાનોને એ વાંધો પડી ગયો કે તાલિબાની આસેેફને હોમોસેક્સ્યુઅલ અને બાળકોનું જાતીય શોષણ કરતો ડ્રગિસ્ટ કેમ બતાવ્યો છે? પુશ્તુ પ્રજાને એ વાંધો પડી ગયો કે અમને શોષણકર્તા અને હઝારા પ્રજાને બિચારી કેમ દેખાડી છે? પુશ્તુ જાતિનો આસેફ હઝારા જાતિના હસન પર રેપ કરે છે તે ૩૦ સેકન્ડના સીનને કારણે સૌથી વધારે વિવાદ પેદા થઈ ગયો. ફિલ્મમાં કામ કરનાર ત્રણ પૈકીના એક પુશ્તુ બાળકલાકારને હઝારા જૂથ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી. પરિસ્થિતિ એટલી સ્ફોટક બની ગઈ હતી કે ત્રણેય ચાઇલ્ડ આર્ટિસ્ટોના જીવ સલામત રહે તે માટે તેમને અફઘાનિસ્તાનથી બીજા દેશમાં શિફ્ટ કરવા પડયા. દેશમાં બે પ્રજા વચ્ચે કોમી રમખાણો ફાટી ન નીકળે તે આશયથી અગમચેતીનાં પગલાં રૂપે ફિલ્મના સ્ક્રીનિંગ પર અને તેની ડીવીડીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. વક્રતા જુઓ, પુસ્તક બહાર પડયું ત્યારે અફઘાનિસ્તાનમાં કોઈ કોન્ટ્રોવર્સી પેદા નહોતી થઈ,પણ ફિલ્મે હંગામો ખડો કરી દીધો. સારઃ પુસ્તક કરતાં સિનેમા વધારે અસરકારક માધ્યમ છે. કમ સે કમ 'ધ કાઇટ રનર'ના કેસમાં તો એવું જ પુરવાર થયું!
'ધ કાઇટ રનર' નવલકથાએ ખાલેદ હોસેનીને સેલિબ્રિટી રાઇટર બનાવી દીધા. ડોક્ટરનો વ્યવસાય સમૂળગો છોડીને તેઓ ફુલટાઇમ લેખક બની ગયા. ક્રમશઃ તેમની બે ઔર સફળ નવલકથાઓ આવી- 'અ થાઉઝન્ડ સ્પ્લેન્ડિડ સન્સ' (મા-દીકરીના સંબંધ વિશે વાત કરતી આ નોવેલ પરથી બનેલી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશેે) અને 'એન્ડ ધ માઉન્ટન ઇકોડ'. અંગ્રેજી નવલકથાઓ વાંચવાનો શોખ અને મહાવરો હોય તો 'ધ કાઇટ રનર' જરૂર વાંચવા જેવી છે. કમ સે કમ યુ ટયૂબ પર જઈને ફિલ્મનાં ક્લિપિંગ્સ તો ચોક્કસ જોજો.
                                              0 0 0     

Saturday, January 10, 2015

મલ્ટિપ્લેક્સ: શંકરને 'ભારતના જેમ્સ કેમરોન'નું બિરુદ શાથી મળ્યું?

Sandesh - Sanskar Purti - 11 Jan 2015
મલ્ટિપ્લેક્સ

ઓડિયન્સની નાડ પારખવામાં હોટશોટ તમિલ ફિલ્મમેકર શંકર એક્કા છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ ધરાવતી અને ઉતરાણ પર ત્રણ ભાષામાં રિલીઝ થઈ રહેલી એમની ફિલ્મ "આઈ" નવાં કીર્તિમાનો સ્થાપી શકશે. 




સાૈથી પહેલાં તો ગુજરાતી સિનેમાના અભિનયસમ્રાટ સદગત ઉપેન્દ્ર ત્રિવેદીને હૃદયપૂર્વક યાદ કરીએ અને પછી તમિલ સિનેમાના સાૈથી હોટશોટ ફિલ્મમેકર એસ. શંકર વિશે વાત માંડીએ. 
સાચું પૂછો તો શંકર કેવળ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નહીં પણ સમગ્ર ભારતીય સિનેમાના સૌથી હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મમેકર્સમાંના એક છે. હિન્દી ફિલ્મો જોનારું ઓડિયન્સ એમના કામથી પરિચિત છે. કમલ હાસન-મનીષા કોઇરાલા-ઉર્મિલા માંતોડકરને ચમકાવતી 'હિન્દુસ્તાની' (અથવા 'ઇન્ડિયન', ૧૯૯૬), નવી નવી હિરોઇન બનેલી ઐશ્વર્યા રાય સાથે દુનિયાની સાત અજાયબીઓની સફર કરાવતી 'જીન્સ' (૧૯૯૮) અને અજબગજબની કમ્પ્યૂટર જનરેટેડ ઇફેક્ટ્સ ધરાવતી રજનીકાંત-ઐશ્વર્યાવાળી 'રોબોટ' (૨૦૧૦) - હિન્દીમાં ડબ થઈને વ્યવસ્થિત રીતે રિલીઝ થયેલી આ ત્રણેય ફિલ્મો શંકરે બનાવી છે. અનિલ કપૂરને એક દિવસ માટે ચીફ મિનિસ્ટર બનવાનો મોકો આપતી 'નાયક' (૨૦૦૧) શંકરે સીધી હિન્દીમાં જ ડિરેક્ટ કરી હતી. આ એમની પહેલી અને હાલ પૂરતી છેલ્લી હિન્દી ફિલ્મ. આ ઉપરાંત સાઉથ ઇન્ડિયન હીરો વિક્રમને સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતા કેરેક્ટરમાં દેખાડતી 'અપરિચિત' નામની સાઇકો-થ્રિલરનું હિન્દી વર્ઝન ટીવી પર અવારનવાર ટેલિકાસ્ટ થતું રહે છે. 'થ્રી ઇડિયટ્સ'ની તમિલ રિમેક શંકરે ડિરેક્ટ કરી છે. રજનીકાંતની પેલી બહુ ગાજેલી 'શિવાજી-ધ બોસ'ના મેકર પણ શંકર જ. આજે શંકરને યાદ કરવાનું કારણ એ છે કે એમની નવીનક્કોર ત્રિભાષી ફિલ્મ 'આઈ' (આંખ કે માતાના અર્થમાં નહીં, પણ અંગ્રેજીનો મૂળાક્ષર આઈ) આવતા અઠવાડિયે ઉત્તરાણ નિમિત્તે ભારતભરનાં થિયેટરોમાં ચગવાની છે.
અઢી-ત્રણ વર્ષથી બની રહેલી 'આઈ' ફરતે શંકરે ગુપ્તતાની તોતિંગ દીવાલો ઊભી કરીને એટલું મોટું રહસ્ય ઊભું કરી દીધું હતું કે જાણે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ન હોય. શંકરની આ ખાસિયત છે. દર વખતે ફિલ્મનું પ્રમોશન કાયદેસર શરૂ ન થાય તે પહેલાં એ મગનું નામ મરી ન પાડે. જોકે, રહેમાનના સંગીતવાળી 'આઈ'નો પ્રોમો ઓફિશિયલી રિલીઝ થવાનો હતો એના એક અઠવાડિયા પહેલાં જ તે લીક થઈને સોશિયલ મીડિયા પર તરખાટ મચાવવા લાગ્યો હતો. પ્રોમોમાં વિક્રમનો લુક જોઈને લોકો ચકિત થઈ ગયા હતા. (વિક્રમને આપણે છેલ્લે મણિરત્નમે ડિરેક્ટ કરેલી ઐશ્વર્યા-અભિષેકવાળી 'રાવણ'માં હીરો તરીકે જોયો હતો.) 'આઈ' એક રોમેન્ટિક થ્રિલર છે, જેમાં રૂડોરૂપાળો વિક્રમ ભયાનક જનાવરમાં પરિવર્તિત થતો દેખાય છે. 'આઈ'ની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયાની રાઇઝિંગ સન પિક્ચર્સ નામની વીએફએક્સ કંપની ભૂતકાળમાં હેરી પોટરની ફિલ્મો માટે કામ કરી ચૂકી છે. જો બધું સમુંસૂતરું પાર પડયું તો 'આઈ' ઘણાં નવાં ર્કીિતમાનો સ્થાપશે એવી એક હવા બની છે.


શંકરનું નામ બિગ બજેટ ફિલ્મોનું સમાનાર્થી બની ગયું છે. રિજનલ હોવા છતાં એમની ફિલ્મો સો-દોઢસો કરોડના ખર્ચે બની હોય છે. શંકર પોતે ભારતના સૌથી મોંઘા ડિરેક્ટર ગણાય છે. એક ફિલ્મ ડિરેક્ટ કરવાના એ કરોડો રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઓડિયન્સની નાડ પારખતાં શંકર જેવું બહુ ઓછા ડિરેક્ટરોને આવડે છે. એમની ફિલ્મો એટલે પૈસા વસૂલ એન્ટરટેઇનમેન્ટની ગેરંટી. મોટાભાગની ફિલ્મોમાં એ કંઈક ને કંઈક તો ગતકડું યા તો 'હૂક પોઇન્ટ' મૂકે જ કે જેનાથી ઓડિયન્સ ખેંચાઈ આવે. દાખલા તરીકે પોતાની પહેલી જ ફિલ્મ 'જેન્ટલમેન'માં પેલું 'ચિક પકુ રૈલે' ગીત હતું જેમાં ઓડિયન્સે પ્રભુ દેવાના અજબગજબના ડાન્સ મૂવ્ઝ પહેલી વાર જોયા. 'ઇન્ડિયન'માં કમલ હાસનનો વૃદ્ધ માણસનો ગેટઅપ લોકો આજેય યાદ કરે છે. 'રોબોટ'માં હોલિવૂડ સામે વટથી ઊભી રહી શકે એવી વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હતી.
વાત માત્ર ગિમિક્સ પર અટકતી નથી. શંકરની ફિલ્મોમાં સરસ સ્ટોરીટેલિંગ હોય, સુંદર અભિનય હોય, સહેજ પણ બોર ન થવાય એવી ગતિ હોય અને ક્વચિત્ મેસેજ પણ હોય. રોબિનહૂડ-રાસ્કલાના કોમ્બિનેશન જેવા એમના હીરો મોટેભાગે વિદ્રોહી હોય જે સલીમ-જાવેદવાળા અમિતાભ બચ્ચનની જેમ એંગ્રી યંગમેન બનીને કાનૂનને પોતાના હાથમાં લઈને હંગામો મચાવતા હોય. ટૂંકમાં, શંકરની ફિલ્મોમાં સફળ થવાનો તમામ કોમર્શિયલ મસાલો મોજૂદ હોય. તેમણે ડિરેક્ટ કરેલી ૧૧માંથી સાત ફિલ્મો સુપરડુપર હિટ થઈ છે. તોસ્તાનછાપ બજેટ ધરાવતી એમની ફિલ્મો એટલી બધી કમાણી કરે છે કે પ્રોડયુસરને બખ્ખાં થઈ જાય. શંકરે પોતે કેવળ પ્રોડયુસર તરીકે કેટલીક ફિલ્મો બનાવી છે.
શંકરની ઇમેજ એવી બની ગઈ છે કે ઓડિયન્સને હવે એમની ફિલ્મો પાસેથી ભવ્યતાથી ઓછું કશું ખપતું નથી. બોલિવૂડના ડિરેક્ટરોએ જ્યારે માચુ-પિચુ (પેરુમાં આવેલી અદ્ભુત પર્વતમાળા)નું નામ પણ સાંભળ્યું નહોતું ત્યારે શંકર ઐશ્વર્યા પર અહીં'જીન્સ'નું આખું ગીત શૂટ કરી આવ્યા હતા. આવાં તો કેટલાંય લોકેશનનાં ઠેકાણાં શંકરે બોલિવૂડ સહિત ભારતભરના ડિરેક્ટરોને આપ્યાં છે. થિયેટરોમાં સામાન્યપણે નવી ફિલ્મનાં હીરો-હિરોઇનોનાં મસમોટાં કટ-આઉટ્સ મુકાતાં હોય છે. શંકર કદાચ ભારતના એકમાત્ર એવા ડિરેક્ટર છે, જેના ખુદનાં કટ-આઉટ્સ થિયેટરની બહાર મુકાય છે. સાચું-ખોટું રામ જાણે, પણ એક કથા એવી છે કે કમલ હાસનવાળી 'ઇન્ડિયન' ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે અમુક થિયેટરોમાં આખા મહિનાના શોઝનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું! (આ જ ફિલ્મમાં 'ટેલિફોન બૂથ મેં મચલને વાલી' જેવા ચક્રમ શબ્દોવાળું ગીત હતું, યાદ છે?)


મહામહેનતે મિકેનિકલ એન્જિનિયર બનેલા શંકરે શરૂઆત તો એક કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ સુપરવાઇઝર તરીકે કરી હતી. તેમની ખ્વાહિશ એક્ટર બનવાની હતી. એક-બે ફિલ્મોમાં એમણે ટચૂકડા રોલ્સ પણ કર્યા છે. બન્યું એવું કે એક વાર એસ.એ. ચંદ્રશેખર નામના મોટા ડિરેક્ટરે શંકરે લિખિત-દિગ્દર્શિત નાટક આકસ્મિકપણે જોઈ લીધું. એમણે શંકરને પોતાના આસિસ્ટન્ટ તરીકે જોબ ઓફર કરી. ચંદ્રશેખરના સહાયક નિર્દેશક તરીકે શંકરે ૧૫ ફિલ્મો ડિરેક્ટ કરી. એમાંની બે ફિલ્મો કુંજુમોન નામના પ્રોડયુસરની હતી. કુંજુમોનને પોતાની એક મેગા-બજેટ ફિલ્મ માટે નવા ડિરેક્ટરની જરૂર પડી. એણે ઉત્સાહ અને ટેલેન્ટથી છલકાતા શંકરને આ જવાબદારી સોંપી. શંકર તે વખતે પૂરાં ત્રીસ વર્ષના પણ નહોતા થયા. આ ફિલ્મ એટલે 'જેન્ટલમેન'. બસ, પછી જે કંઈ બન્યું એ જગજાહેર છે.
શંકરનાં કિરદારો ભલે લાર્જર-ધેન-લાઇફ રહ્યાં, પણ શંકર સ્વયં અસલી જિંદગીમાં લો-પ્રોફાઇલ માણસ છે. કોઈ નવી વ્યક્તિ એને ફોન કરે અથવા મળે તો 'હાઈ, આઈ એમ શંકર, ધ ડિરેક્ટર' કહીને વાત શરૂ કરશે. સેટ પર એ બેઝબોલ કેપ અને ડાર્ક ગોગલ્સ પહેરીને ચૂપચાપ પોતાનું કામ કરતા હોય. કોઈ રાડારાડી નહીં, કોઈ ટેન્શન નહીં. કલાકારો અને ટેક્નિશિયનોને હેન્ડલ કરવાનું કામ ઘણું કરીને પોતાના આસિસ્ટન્ટ્સને સોંપી દેશે. એમને મળેલા 'ભારતના જેમ્સ કેમરોન'ના બિરુદનો ઉલ્લેખ કરશો તો સંકોચાઈને કહેશે કે મને ઓલરેડી જેટલું અટેન્શન મળી રહ્યું છે તે પણ મારાથી હેન્ડલ થતું નથી ત્યાં તમે મારા પર નવાં નવાં લેબલ શું કામ ચોંટાડો છો, ભાઈ! (જેમ્સ કેમરોન એટલે 'ટાઇટેનિક' અને 'અવતાર' જેવી યાદગાર ફિલ્મો બનાવનાર હોલિવૂડના ફિલ્મમેકર.)


'આઈ'ના હીરો વિક્રમ વિશે શંકર પાસે પ્રશંસા સિવાય બીજું કશું નથી. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "વિક્રમ તદ્દન પાગલ એક્ટર છે. 'આઈ'નું મેકિંગ અઢી-ત્રણ વર્ષ ચાલ્યું હતું અને આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર માટે વિક્રમે જે કક્ષાની મહેનત કરી છે તે જોઈને હું તો નવાઈ પામી ગયો હતો. એક તબક્કે એણે બોડી-બિલ્ડર બનવાનું હતું. તે માટે દોઢ-બે વર્ષ સુધી એણે રોજના ત્રણથી પાંચ કલાક જોરદાર એક્સરસાઇઝ કરી. આ જ ફિલ્મમાં પછી એણે જનાવરના ગેટઅપમાં સીન કરવાના હતા. એણે મને સામેથી કહ્યું કે હવે હું વજન ઉતારીશ. અમને સૌને એની હેલ્થની બહુ ફિકર હતી, પણ ફિટનેસ એક્સપર્ટ્સના ગાઇડન્સ હેઠળ એ ફરી મચી પડયો ને ૨૦થી ૨૫ કિલો વજન ઘટાડી નાખ્યું. જનાવરના સ્વાંગમાં એણે ખાસ પ્રકારનો મેકઅપ કરવો પડતો હતો. વાળને લીધેે મેકઅપમાં અવરોધ ઊભો થતો હતો તો કોઈ દલીલબાજી કર્યા વગર એણે ટકો કરાવી નાખ્યો. સ્ક્રીન પર ટકો દેખાવાનો હોય તો એક્ટર માથું મૂંડાવે એ તો સમજાય એવું છે, પણ સ્ક્રીન પર ટકો દેખાવાનો ન હોય છતાંય વાળ ઉતારી નાખવા માટે વિક્રમની કક્ષાનું ડેડિકેશન જોઈએ."
'આઈ'ના મેકિંગ દરમિયાન શંકરે બીજી ત્રણ સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખી છે. સંભવતઃ એમાંની એક 'રોબોટ પાર્ટ ટુ' છે. એમાં શંકર રજનીકાંતની સામે આમિર ખાનને વિલન તરીકે લેવા માગે છે તેવા રિપોર્ટ્સ છે. જો ખરેખર આવું થાય તો તો જલસા જ જલસા. ટચવૂડ!
શો-સ્ટોપર

જો શંકર અને આમિર હાથ મિલાવે તો ભારતને 'અવતાર' કક્ષાની સર્વપ્રથમ ફિલ્મ મળે!
- રામગોપાલ વર્મા

Sunday, January 4, 2015

મલ્ટિપ્લેક્સ : લાફ... ક્રાય... ડ્રામા!

Sandesh - Sanskar Purti - 4 Jan 2014
મલ્ટિપ્લેક્સ 
એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં! આ છે 'પીકે', 'થ્રી ઈડિયટ્સ' અને 'લગે રહો મુુન્નાભાઈ' જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક અભિજાત જોશીની મેજિક ફોર્મ્યુલા!


થેન્ક ગોડ! 'ક્વીન' જેવી નિતાંત સુંદર ફિલ્મથી પ્રારંભ થયેલા ૨૦૧૪ના વર્ષનો અંત 'પીકે' જેવી અફલાતૂન ફિલ્મથી થયો. 'પીકે' રિલીઝ થઈ ત્યાં સુધીમાં ઉત્તેજના, અટકળ અને ઈંતજાર આ ત્રણેય તત્ત્વો એટલાં તીવ્ર થઈ ચૂક્યાં હતાં કે જાણે હિંદુસ્તાનમાં કોઈ મોટી સિનેમેટિક ઘટના આકાર લઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. તે વખતે કોઈએ કલ્પના સુધ્ધાં કરી હતી ખરી કે 'પીકે' દેશમાં આટલી મોટી બબાલ ખડી કરી દેશે! ફિલ્મ રિલીઝ થઈ પછી શરૂઆતના દિવસો તો શાંતિથી પસાર થયા, પણ પછી ધીમે ધીમે વિવાદ વકરતો ગયો.
ખેર, આપણી આસપાસ 'પીકે'ના વિવાદનો કાગારોળ એટલો તીવ્ર બની ચૂક્યો છે કે તેમાં નવું કશું ઉમેરણ કરવું નથી. દેશના કરોડો લોકો ઓલરેડી આ ફિલ્મ માણી ચૂક્યા છે અને ભરપેટ વખાણી ચૂક્યા છે. આપણે આ લેખમાં ફક્ત ફિલ્મનાં ક્રિયેટિવ પાસાં પર ફોકસ કરીએ. વિવાદ વકરે તેની બહુ પહેલાં 'પીકે'ના લેખક અભિજાત જોશીએ ફિલ્મ વિશે મસ્તમજાની વાતો કરી હતી. તેને રસપૂર્વક માણીએ.
"સૌથી પહેલાં 'પીકે'નો આઇડિયા ૨૦૦૪માં 'લગે રહો મુન્નાભાઈ' લખાઈ રહી હતી તે દરમિયાન આવ્યો હતો," અભિજાત જોશી વાત માંડે છે, "તે વખતે પૂરેપૂરી સ્પષ્ટતા નહોતી, પણ હું અને રાજુ બન્ને આ આઇડિયાથી એક્સાઇટેડ હતા. તે વખતે વિચારેલું કે ક્યારેક ભવિષ્યમાં આના પર કામ કરીશું. મુન્નાભાઈ પછી જોકે 'થ્રી ઇડિયટ્સ' આવી ગઈ. 'થ્રી ઇડિયટ્સ'નું કામ પૂરું થતાં જ થયું કે ચલો, વો જો આઈડિયા થા ઉસ પર ટ્રાય કરતે હૈં."
અમદાવાદમાં જન્મેલા, ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણેલા અને ૨૦૦૩થી ઓહાયો (અમેરિકા)ની ઓટરબીન કોલેજમાં પ્રોફેસર તરીકે પ્રવૃત્ત એવા ૪૫ વર્ષીય અભિજાત જોશીની ગણના આજે ભારતના સર્વોત્તમ સ્ક્રીનપ્લે-રાઈટર્સમાં થાય છે, પણ આ હકીકતની સહેજ અમથી સભાનતા પણ તેમની વાતો કે વર્તનમાં ક્યારેય ડોકાતા નથી. 'પીકે' અભિજાત જોશી અને રાજકુમાર હિરાણીએ સંયુક્તપણે લખી છે - 'લગે રહો...' અને 'થ્રી ઈડિયટ્સ'ની જેમ. પોતાની રાઈટિંગ પ્રોસેસ વિશે વાત કરતાં અભિજાત કહે છેઃ
"સમજોને કે ડિસેમ્બર ૨૦૦૯થી અમે 'પીકે' પર કામ કરવાનો શુભારંભ કર્યો. સૌથી પહેલાં તો અમારે એ ચકાસવું હતું કે જે આઇડિયા પાંચેક વર્ષ પહેલાં આવ્યો હતો તે હજુ પણ અમને એકસાઈટ કરી શકે છે કે કેમ. તે વિચારમાં અમને જાગતાં-સૂતાં ચોવીસે કલાક રમમાણ રાખી શકવાનુ કૌવત છે કે કેમ. આથી પહેલો એક મહિનો તો મેં અને રાજુએ 'પીકે'વાળા આઇડિયા પર ફક્ત વાતો કરી. અમને સમજાયું કે આ વિષય માટે અમે બન્ને સ્ટ્રોંગલી ફીલ કરીએ છીએ ને આ વાર્તા તો કહેવી જ છે."
અગાઉની ફિલ્મોની માફક આ વખતે પણ શરૂઆત તો કેવળ એક કેન્દ્રીય વિચાર, યુનિક આઈડિયા યા તો થીમથી જ થઈ હતી. પછી તે થીમને કેન્દ્રમાં રાખીને બન્નેની મૌખિક ચર્ચા ચાલતી રહી. જે કંઈક વાંચ્યું, સાંભળ્યું કે અનુભવ્યું હોય તે એકબીજા સાથે શેેર થતું રહ્યું. અભિજાત અને રાજુમાં એક સરસ વાત કોમન છે. બન્ને પોતપોતાના પિતાજીથી ખૂબ પ્રભાવિત છે અને તેમની સાથે ઊંડાણપૂર્વક સંવાદ સાધી શકે છે. પ્રોફેસર જયંત જોશી પાસે સાહિત્ય, કળા અને સમાજજીવનની ઊંડી સમજ છે, તો દેશના વિભાજન વખતે સિંધથી હિજરત કરીને હિંદુસ્તાન આવેલા રાજુના પિતા સુરેશ હિરાણી પાસે અનુભવોની સમૃદ્ધિ ઉપરાંત કમાલનો તાર્કિક દૃષ્ટિકોણ પણ છે. આ બન્નેના ઇનપુટ્સ લેખકોને ખૂબ ઉપયોગી બન્યા.
Abhijat Joshi and Rajkumar Hirani

"આ બધું એક-બે મહિના ચાલ્યું," અભિજાત વાત સાંધે છે, "એપ્રિલ ૨૦૧૦માં અમને પૃથ્વી પર આવી ચડેલા પરગ્રહવાસીનું કેરેક્ટર સૂઝ્યું. અમને થયું કે આ એક એવું કિરદાર છે, જેનો ઉપયોગ કરીને અમારે જે વાત કહેવી છે તે કહી શકીશું. આમ, પહેલાં થીમ વિશે સ્પષ્ટ થયા, ત્યારબાદ કેરેક્ટર મળ્યું ને બ્રોડ પ્લોટ ઘડાયો. ત્રીજો તબક્કો હતો, રેન્ડમ સીન્સ લખવાનો. અમે વિચારીએ કે આ પરગ્રહવાસીના પાત્રને અમુક સ્થિતિમાં મૂકીએ તો શું થાય. અમે કલ્પના કરી કરીને દૃશ્યો લખતાં ગયા. આ સીન્સ સ્ટોરીમાં ક્યાં ફિટ થશે એની તે વખતે અમને ખબર ન હોય. મૂળ વાર્તા એવી હતી કે યાનનું ફ્યુઅલ ખતમ થઈ જતાં એક પરગ્રહવાસીએ પૃથ્વી પર ઊતરવું પડે છે. જો એને યુરેનિયમ મળે તો જ યાન ફરી ચાલુ થઈ શકે તેમ છે. એ પૃથ્વીવાસીઓની મદદ માગે છે. લોકો એને કહે છે કે ભાઈ, તને તો ભગવાન જ મદદ કરી શકે તેમ છે. આથી પેલો પરગ્રહવાસી પછી ભગવાનની શોધમાં નીકળે છે. આ મૂળ વાર્તામાં પછી જોકે ઘણાં ફેરફાર કર્યા."
અભિજાત અને રાજુએ સ્ક્રીનપ્લે લખવાની એક અકસીર ફોર્મ્યુલા વિકસાવી છે. તે છે એલ-સી-ડી અર્થાત લાફ-ક્રાય-ડ્રામા! સીન એવો બનાવવાનો કે એમાં કાં તો ઓડિયન્સને ખૂબ હસવું આવવું જોઈએ અથવા રડવું આવવું જોઈએ યા તો કશોક મોટો ડ્રામા બનવો જોઈએ. આ ત્રણમાંથી એકેય વસ્તુ બનતી ન હોય તો સીન રાખવાનો જ નહીં!
અભિજાત કહે છે, "તમે જોજો કે અમારી ફિલ્મોમાં માત્ર માહિતી આપતાં હોય તેવાં દૃશ્યો ભાગ્યે જ હશે. અલબત્ત, વાર્તાને આગળ વધારવા માટે આ પ્રકારના લિન્ક સીન ક્યારેક જરૂરી બની જતા હોય છે, પણ આવા સીનની આગળપાછળ સૂઝપૂર્વક પેડિંગ થવું જોઈએ. કેવળ ઈન્ફર્મેશન કે એક્સપોઝિશન (સમજૂતી, વર્ણન) આપતો સીન ફક્ત બે મિનિટનો હોય તો પણ એ બે મિનિટ પૂરતી ફિલ્મ મરી જાય છે. આવા પાંચ-છ શુષ્ક સીન આવી જાય તો નેરેટિવ બેસી જાય અને પછી એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થઈ જાય."
ઓડિયન્સને હસાવતાં, રડાવતાં કે ચોંકાવી દેતા નમૂનેદાર સીન લખવા કેટલા કઠિન હોય છે એ તો અનુભવે જ સમજાય. અભિજાતના દિમાગમાં કેવી રીતે આવે છે આવાં અફલાતૂન દૃશ્યો? "હું અને રાજુ ચાલતાં ચાલતાં ખૂબ વાતો કરીએ, સતત વાતો કરીએ," અભિજાત હસે છે, "વોક લેતી વખતે શરીરમાં એક્ઝેક્ટલી કેવી કેમિકલ પ્રોસેસ થતી હશે એની તો ખબર નથી, પણ પગ ચાલતાં હોય ત્યારે દિમાગમાં આઇડિયાઝ સારા આવે છે! કોઈ સીન બરાબર બેસતો ન હોય તો જ્યાં સુધી તે પૂરેપૂરો ક્રેક ન થાય ત્યાં સુધી અમે એનો તંત છોડતા નથી. મારા માટે સીન લોક થવો તે બહુ મોટી વાત છે."
આ રીતે ૩૦થી ૪૦ સીન લોક થાય એટલે સમજોને કે ઇન્ટરવલ પહેલાંનો કાચો મસાલો તૈયાર થઈ ગયો. પછી આ તમામ સીનને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને નવેસરથી ચકાસવામાં આવે. વાર્તાને સુરેખ બનાવવા માટે લોક થઈ ગયેલા સીનને ખોલીને નવેસરથી મઠારવોય પડે. આ રીતે ૧૩ મહિનાની જબરદસ્ત મહેનત પછી 'પીકે'ની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ. ઓગસ્ટ ૨૦૧૧માં આમિર ખાનને નેરેશન આપવામાં આવ્યું.

"આમિર એવો એક્ટર છે જેને તમારા પાસ્ટ રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી, પછી એ ગમે તેટલો ભવ્ય કેમ ન હોય!" અભિજાત સ્મિતપૂર્વક કહે છે, "એને તો તમે હવે શું લાવ્યા છો ને કેવું લાવ્યા છો તેમાં રસ હોય. એણે નેરેશન સાંભળ્યું. ફર્સ્ટ હાફ એને બહુ ગમ્યો, પણ સેકન્ડ હાફમાં હજુ વધારે કામ કરવું પડશે એવું તેને લાગ્યું. અમે થોડો સમય માગ્યો. સેકન્ડ હાફમાં જે કંઈ કચાશ હશે તે ઝડપથી દૂર કરી શકીશું એવી અમને ખાતરી હતી. નવેમ્બર, ૨૦૧૧માં નવી સ્ક્રિપ્ટ સાથે ફરી આમિરને મળ્યા. આ વખતે આમિર બહુ જ ખુશ થયો અને એણે દિલથી સ્ક્રિપ્ટની તારીફ કરી."
હવેનો તબક્કો હતો સ્ક્રિપ્ટને વધારે સમૃદ્ધ, વધારે ધારદાર, વધારે અસરકારક બનાવવાનો... અને આ પ્રોસેસ ભયંકર લાંબી ચાલી,લગભગ બે-અઢી વર્ષ! સો કરતાં વધારે ડ્રાફ્ટ્સ લખાયા. 'પીકે'ને અભિજાત અમસ્તા જ તેમની સૌથી કઠિન ફિલ્મ નથી કહેતા. આ સમયગાળામાં પરેશ રાવળ-અક્ષયકુમારવાળી 'ઓહ માય ગોડ' પણ આવી ગઈ. આ ફિલ્મમાં પણ ભગવાન અને ધાર્મિકતાના સંદર્ભમાં તીખા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. 'પીકે'ના વિષયનું જે અનોખાપણું હતું તે 'ઓહ માય ગોડ'ને કારણે જોખમાતું હતું, પણ 'પીકે'ની ટીમ પોતાની સ્ક્રિપ્ટ પર કોન્ફિડન્ટ હતી. શૂટિંગ શરૂ થયું અને આખરે જે મસ્તમજાની ફિલ્મ બની તે આપણી સામે છે. ફિલ્મ લક્ષ્યવેધ કરવાને બદલે નિરર્થક વિવાદ પેદા કરી નાખશે એવું તો 'પીકે'ની ક્રિયેટિવ ટીમના મનમાંય ક્યાંથી હોય. ખેર...
આમિર ખાન એક એવો અદાકાર છે જેનામાં વાતને વધારે પ્રભાવશાળી બનાવી શકવાનું કૌવત છે. "એના દિમાગમાં આખેઆખી સ્ક્રિપ્ટ જ નહીં, પણ તેમાં જેે ક્રમિક ફેરફારો થયા હોય તે બધું જ રીતસર છપાઈ જાય છે," અભિજાત કહે છે, "એક જ આઈડિયા પર વર્ષો સુધી કામ કરવાને કારણે ક્યારેક એવું બને કે અમે લેખકો અમારી ઓબ્જેક્ટિવિટી કોઈક સીન પૂરતા કદાચ ગુમાવી બેસીએ, પણ આમિર અમને ઓરિજિનલ સૂરથી સહેજ પણ ચસકવા ન દે. 'પીકે'માં એણે પોતાની તમામ ઈન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને પચીસ વર્ષોનો અનુભવ કામે લગાડી દીધો છે."
'કરીબ' અને 'મિશન કશ્મીર'થી ફિલ્મયાત્રા શરૂ કરનાર અભિજાતની બે ઔર ફિલ્મો આવી રહી છે- 'વઝીર' અને 'બ્રોકન હોર્સીસ'.બે ચેસ પ્લેયર્સની વાત કરતી 'વઝીર' મૂળ હોલિવૂડ માટે કન્સીવ થઈ હતી. 'સિક્સ્ટી ફોર સ્કવેર્સ' ઓરિજિનલ ટાઇટલ હતું. ડસ્ટિન હોફમેન અને રોબિન વિલિયમ્સ જેવા ટોચના એક્ટરોએ એમાં રસ પણ દેખાડયો હતો, પણ કોઈક કારણસર આ ફિલ્મ બની ન શકી. તે હવે 'વઝીર' નામે હિન્દીમાં બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરે કામ કર્યું છે. વિધુ વિનોદ ચોપડાએ હોલિવૂડ માટે ફિલ્મ બનાવવાની દાયકાઓ જૂની મંશા આખરે 'બ્રોકન હોર્સીસ'થી પૂરી કરી છે. અમેરિકન-મેક્સિકન બોર્ડર પર આકાર લેતી આ મેઈનસ્ટ્રીમ હોલિવૂડ ફિલ્મમાં તમને 'પરિંદા'ના શેડ્ઝ દેખાશે.
અભિજાત છેલ્લે કહે છે, "ફિલ્મ રાઈટર તરીકેના મારા આટલાં વર્ષોના અનુભવો પરથી હું બે વસ્તુ શીખ્યો છું - સ્ટિક ટુ યોર કન્વિક્શન્સ. તમારે જે કહેવું છે તે જ કહો. બીજાઓને કેવું લાગશે તેની ફિકર ન કરો... એન્ડ નેવર ગિવ અપ! જ્યાં સુધી સીન કે સ્ક્રિપ્ટ ક્રેક ન થાય ત્યાં સુધી એકધારા મચ્યા રહો...!" 
                                             0 0 0