Saturday, September 27, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - ફિલ્મ ૯૦ - ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’

 Mumbai Samachar - Matinee - 26 Sept 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ ફિલ્મની સુપર સક્સેસનો સઘળો જશ ખાટી જવાને બદલે ફ્રેન્ક કાપ્રા વાતને સાવ જુદી રીતે જુએ છે, ‘મારી હાલત પેલાં મા-બાપ જેવી થઈ ગઈ છે કે જેનો દીકરો દેશનો પ્રેસિડન્ટ બની ગયો હોય ને ચકિત થઈને દીકરાની પ્રગતિ જોઈને હરખાયાં કરતાં હોય! જે કંઈ કર્યું છે તે દીકરાએ પોતાની ટેલેન્ટના જોરે કર્યું છે. એક તબક્કા પછી સંતાનની પ્રગતિમાં મા-બાપનો હાથ રહેતો નથી. મેં પણ ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ બનાવીને પબ્લિક સામે મૂકી દીધી હતી. પછી ફિલ્મ એની મેળે પ્રોગ્રેસ કરતી ગઈ!’ 




પ્રેરણાદાયી લખાણ હોય, નાટક હોય કે ફિલ્મ - જો તે બોદું નહીં પણ ખરેખર સત્ત્વશીલ હશે, તેમાં ઉપદેશનો ભાર નહીં પણ એન્ટરટેનિંગ વેલ્યુ હશે ને હસતાંરમતાં ગહન વાત કહેવાઈ હોય તો આવી કૃતિ પોપ્યુલર બન્યા વગર રહેતી નથી. ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’ આ જ પ્રકારની એક ફિલ્મ છે, જેણે દાયકાઓ પછી પણ લોકપ્રિયતા ટકાવી રાખી છે. 

ફિલ્મમાં શું છે?

બેડફોર્ડ ફોલ્સ નામનું એક નાનકડું અમેરિકન નગર છે. ફિલ્મનો નાયક જ્યોર્જ બેઈલી (જેમ્સ સ્ટુઅર્ટ) અહીં સપરિવાર રહે છે. ખૂબ ભલો અને પરગજુ માણસ છે એ. જ્યોર્જ આ જ ગામમાં જન્મ્યો છે ને ઉછર્યો છે. નાનો હતો ત્યારે એ દુનિયા ઘૂમવાના ને દૂરદૂરના દેશો ખૂંદવાના સપનાં જોતો, પણ એનું સપનું, સપનું જ રહ્યું. એના પિતાજી એક લોન કંપની ચલાવતા હતા, જે એમના મૃત્યુ પછી જ્યોર્જને વારસામાં મળી. જ્યાર્જને આ કામ જરાય ગમતું નહોતું, પણ એને છોડી શકાય તેમ નથી. દેશ અને દુનિયામાં રખડપટ્ટી એક બાજુ રહી, આગળ ભણવા માટે પણ એ બહારગામ જઈ શકે તેમ નથી.

જ્યોર્જનાં લગ્ન એની ચાઈલ્ડહૂડ સ્વીટહાર્ટ મરી (ડોના રીડ) સાથે થાય છે. ચાર સરસ મજાનાં સંતાનો જન્મે છે. જવાબદારીઓ વધતી જાય છે. જ્યોર્જે ગામના અસંખ્ય ગરીબ લોકોને ઘર ખરીદવા માટે લોન અપાવી છે. ગામમાં મિસ્ટર પોટર (લિઓનેલ બેરીમોર) નામનો લુચ્ચો બેન્કર વસે છે. એના ઈરાદા મલિન છે. જ્યોર્જ બરાબર જાણે છે કે જો હું ચાંપતી નજર નહીં રાખું તો આ બેન્કર કંઈક એવું ચક્કર ઘુમાવશે કે એને ત્યાંથી લોન લઈ ચૂકેલા ગામલોકો બરબાદ થઈ જશે. ગામ છોડીને ન જવાનું એક મોટું કારણ આ પણ છે. જ્યોર્જે સ્વીકારી લીધું છે કે ગામના ભલા માટે મારે મારી જુવાનીનો ને મહત્ત્વાકાંક્ષાઓનો ભોગ આપવો જ પડશે. સારા માણસો સાથે ઉપરવાળો ક્યાં હંમેશાં સારું જ કરે છે. જ્યોર્જ પર એક અણધાર્યું સંકટ આવી પડે છે. એક વાર લુચ્ચા બેન્કરના હાથમાં આકસ્મિક રીતે જ્યોર્જના કાકા અંકલ બિલીના આઠ હજાર ડોલર જેટલી મોટી રકમ આવી જાય છે (આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના જમાનામાં આઠ હજાર ડોલર મોટી રકમ ગણાતી). આ નાણું બેન્કમાં જમા કરાવવાનું હતું. બેન્કર આવો મોકો કેવી રીતે છોડે. એ બરાબર જાણે છે કે બેન્કમાં પૈસા જમા ન થવાથી જ્યોર્જની કંપની પર મોટું આર્થિક સંકટ આવી પડશે ને આખરે એણે દેવાળું ફૂંકવુું પડશે. અંકલ બિલી પૈસાની શોધાશોધ કરી મૂકે છે. એને સમજાતું નથી કે આટલી મોટી રકમ એણે ક્યાં ખોઈ નાખી. જ્યોર્જના ટેન્શનનો પાર નથી. એ લેવાદેવા વગર આ મામલામાં ફસાઈ ગયો છે. એ બરાબર જાણે છે કે એનું નામ હવે કૌભાંડકારી તરીકે ઉછળવાનું. એણે જેલમાં જવું પડશે ને એ બદનામ થઈ જશે. 



બધા રસ્તા બંધ થઈ ગયા છે. ક્રિસમસના દિવસે ફ્રસ્ટ્રેશનમાં આવીને એ એક બારમાં ખૂબ દારૂ ઢીંચીને આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે. એ વિચારે છે કે હું જીવીશ તો જેલમાં જઈશ, મારો પરિવાર રખડી પડશે. પણ જો હું મરીશ તો ઈન્શોરન્સ કંપની તરફથી મળનારા પૈસાથી મારાં બીવી-બચ્ચાંનો ગુજારો થશે. એ પુલ પરથી કૂદે એ પહેલાં જ એ કોઈ અજાણ્યો આદમી પાણીમાં ઝંપલાવી દે છે. એ ડૂબવા માંડે છે. જ્યોર્જ બધું ભૂલીને એને બચાવી લે છે. એ આદમીનું નામ ક્લેરન્સ ઓડબોડી (હેનરી ટ્રાવર્સ) છે. એ સ્મિતપૂર્વક કહે છે કે ભાઈ જ્યોર્જ, મેં તો મરવાનું ફક્ત નાટક કર્યું હતું. હું ખરેખર એક દેવદૂત છું અને તને બચાવવા માટે સ્વર્ગમાંથી આવ્યો છું! વાસ્તવમાં ફિલ્મની શરૂઆત આ જ બિંદુથી થાય છે. અગાઉ કરેલી વાતો ફ્લેશબેકમાં આવે છે. બન્યું હતું એવું કે જ્યોર્જ અત્યંત ટેન્શનમાં હતો એટલે એના પરિવારે અને ગામના લોકોએ દિલથી ભગવાનને પ્રાર્થના કરેલી કે હે જિસસ, જ્યોર્જની મદદ કરજે, નહીં તો એ ન કરવાનું કરી બેસશે. આ પ્રાર્થના ઉપર સ્વર્ગમાં પહોંચી. ભગવાને ક્લેરન્સને આદેશ આપ્યો કે તું પૃથ્વી પર જા ને જ્યોર્જને આત્મહત્યા કરતો અટકાવ. ક્લેરન્સ જુનિયર દેવદૂત છે. એને બિચારાને હજુ પાંખો મળી નથી. જો એ જ્યોર્જને બચાવવાના મિશનમાં કામિયાબ થશે તો જ એને પાંખો મળી શકે તેમ છે!

જ્યોર્જને કેવી રીતે વિશ્ર્વાસ બેસે કે આ માણસ ખરેખર ડાયરેક્ટ સ્વર્ગમાંથી આવ્યો છે! વાતવાતમાં એ બોલે છે કે આના કરતાં હું પેદા જ ન થયો હોત તો સારું થાત. મેં મારાં સપનાંનો ભોગ આપ્યો, આખી જિંદગી લોકોની ભલાઈ માટે મહેનત કરી, પણ બદલામાં મને શું મળ્યું? બદનામી? દેવદૂત કહે છે કે જ્યોર્જ, તને ખબર છે, તું જન્મ્યો ન હોત તો ગામની શી હાલત થાત? એ પોતાની શક્તિથી ગામનું એક વૈકલ્પિક ચિત્ર ઊભું કરે છે. જ્યોર્જ જુએ છે કે ગામમાં હાલાકીનો પાર નથી. જ્યાં ત્યાં વેશ્યાવાડા પ્રકારની નાઈટક્લબો ઊભી થઈ ગઈ છે. ગરીબ લોકો બેઘર ઘૂમી રહ્યા છે ને અપરાધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જ્યોર્જના સઘળા મિત્રો-પરિચિતો અત્યંત દારૂણ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. એની વિધવા માનો સ્વભાવ સાવ ખરાબ થઈ ગયો છે. મરીનાં લગ્ન થયાં નથી. એ સાવ નિસ્તેજ થઈ ગઈ છે ને લાઈબ્રેરિયન તરીકે કામ કરે છે. જ્યોર્જ આભો બની જાય છે. ક્લેરેન્સ એને સમજાવે છે કે, જોયું? તારા ગામની હાલત આવી થઈ નથી એનું એક માત્ર કારણ તું છે. જો તું ન હોત તો પેલા કુટિલ બેન્કરે ગામલોકોનું શોષણ કરીને તેમનું ધનોતપનોત કાઢી નાખ્યું હોત. ગામલોકો કુટેવોનો ભોગ બન્યા હોત, દારૂમાં ડૂબી ગયા હોત. જ્યોર્જની આંખો ખૂલી જાય છે. એ ક્લેરેન્સનો આભાર માને છે. જો અણીની ઘડીએ કલેરેન્સ આવ્યો ન હોત તો એણે ચોક્કસ આત્મહત્યા કરી હોત. એ આનંદપૂર્વક ઘરે પાછો ફરે છે. એની ધરપકડ માટે અધિકારીઓ તૈયાર ઊભા છે, પણ તેઓ કશું કરી શકે તેમ નથી. અંકલ બિલી અને ગામલોકો પ્યારા જ્યોર્જ માટે સ્વેચ્છાએ ફાળો એકઠો કર્યો છે. કુલ પચ્ચીસ હજાર ડોલર જેટલી રકમ જમા થઈ છે, એમાંથી આઠ હજાર ડોલર બેન્કમાં ભરી દઈને દેવું ચૂકતે કરી દેવામાં આવે છે. છતાંય એટલા બધા પૈસા વધે છે કે જ્યોર્જ રાતોરાત ગામનો સૌથી ધનિક માણસ બની જાય છે! જ્યોર્જ ધન્યતા અનુભવે છે. એને થાય છે કે મારાં સપનાં પૂરાં ન થયાં તો શું થયું, મારી જિંદગી એળે નથી ગઈ. ઈટ્’સ અ વંડરફુલ લાઈફ! આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

પુસ્તક પરથી ફિલ્મો બની છે, નાટક પરથી ફિલ્મો બની છે, છાપામાં છપાયેલા સમાચારના કટિંગના આધારે ફિલ્મો બની છે, પણ તમે કલ્પી શકો છો કે કોઈ ગ્રિટિંગ કાર્ડના આધારે આખેઆખી ફિલ્મ બની હોય? ‘ઈટ્’સ અ વંડરફુલ લાઈફ’ના કેસમાં એવું બન્યું છે. ફિલીપ વેન ડોરન સ્ટર્ન નામના લેખકે નવેમ્બર ૧૯૩૯માં ‘ધ ગ્રેટેસ્ટ ગિફ્ટ’ નામની ટૂંકી વાર્તા લખી હતી. કોઈ લેવાલ મળ્યું નહીં આ વાર્તાનું. ક્ેટલાંય છાપાં-મેગેઝિનમાંથી તે પાછી આવી. લેખકને થયું કે સાવ રદ્દીમાં ફેંકી દેવાને બદલે લાવને આ વાર્તાનું ગ્રીટિંગ કાર્ડ બનાવું. એણે નાનકડી પુસ્તિકા જેવું બનાવ્યું, તેની ૨૦૦ કોપી છાપી અને પછી ક્રિસમસ કાર્ડની સાથે બીડીને મિત્રો-પરિચિતને મોકલી આપી. ડિસેમ્બર ૧૯૪૩ની આ વાત. બન્યું એવું કે પુસ્તિકા સાથેનું ગ્રીટિંગ કાર્ડ હોલીવૂડના આરકેઓ સ્ટુડિયોના એક પ્રોડ્યુસરના હાથમાં આવ્યું. એ વાર્તા વાંચી ગયા. એમને ભારે રસ પડ્યો. માત્ર દસ હજારમાં વાર્તાના રાઈટ્સ ખરીદી લેવામાં આવ્યા. મૂળ આયોજન પ્રમાણે વીતેલા જમાનાના સુપરસ્ટાર કેરી ગ્રાન્ટ આમાં મેઈન હીરોનો રોલ કરવાના હતા. ત્રણ સ્ક્રિપ્ટ લખાઈ, પણ એકેયમાં જમાવટ ન થઈ. આખરે કેરી ગ્રાન્ટ કંટાળીને બીજી કોઈ ફિલ્મમાં બિઝી થઈ ગયા. દરમિયાન ફ્રેન્ક કાપ્રાના હાથમાં પેલી ટૂંકી વાર્તા આવી. તેમને તરત લાગ્યું કે આ વાતમાં દમ છે. એમણે આરકેઓ સ્ટુડિયો પાસેથી અધિકારો ખરીદી લીધા. મજાની વાત એ છે કે એમણે રાઈટ્સ પોતાની પાસે ન રાખ્યા, બલકે વાર્તાને કોઈ પણ પ્રકારના અધિકારોથી મુક્ત કરી દીધા. ત્રણ લેખકો સાથે ફ્રેન્ક કાપ્રા નવેસરથી સ્ક્રિપ્ટ લખવા બેઠા. અગાઉ લખાયેલા ડ્રાફ્ટ્સમાંથી સારી વસ્તુઓ લેવામાં આવી. ફાયનલ વર્ઝન બન્યું. કાસ્ટિંગ થયું, આખેઆખા બેડફોર્ડ ફોલ્સ ગામનો સેટ ઊભા કરવામાં આવ્યો ને ૯૦ દિવસમાં શૂટિંગ આટોપી લેવામાં આવ્યું. 



ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસ પર તે ધમાલ ન મચાવી શકી. ઈન ફેક્ટ, તે પ્રોડક્શન કોસ્ટ પણ કાઢી ન શકી. એને ટેક્નિકલ અચીવમેન્ટનો એક ઓસ્કર અવોર્ડ ને પાંચ કેટેગરીમાં ઓસ્કર નોમિનેશન મળ્યાં. તે વર્ષે ‘ધ બેસ્ટ યર્સ ઓફ અવર લાઈવ્ઝ’ ફિલ્મે ઓસ્કરમાં સપાટો બોલાવ્યો હતો. અલબત્ત, ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ના નસીબમાં મોડી તો મોડી, પણ કીર્તિ જરૂર લખાયેલી હતી. આ ફિલ્મની મૂળ વાર્તા જ નહીં, બલ્કે ફિલ્મ પર કોઈનો કોપીરાઈટ નથી. જેણે એનું જે કરવું હોય તે કરી શકે. આથી ટીવી ચેનલોને જલસો પડી ગયો. ચેનલોવાળા કોઈને એક ફદિયુંય ચુક્વ્યા વગર ધારે એટલી વાર ફિલ્મ ટેલિકાસ્ટ કરી શકે છે. આને લીધે ફિલ્મ કેટલીય વાર ટીવી પર દેખાડાઈ. તે એકાએક ‘રિ-ડિસ્કવર’ થઈ. ક્રિસમસની સિઝનમાં ચેનલો પર ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ ફિલ્મ ટેલિકાસ્ટ થાય, થાય ને થાય જ. ક્રિસમસ પર આ ફિલ્મ જોવાનો જાણે કે રિવાજ થઈ ગયો. અગાઉ ફિલ્મને વખોડનારા વિચારમાં પડી ગયા કે એવું તે શું છે આ ફિલ્મમાં કે લોકો એનાથી ધરાતા નથી. જોતજોતામાં ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ને ક્લાસિકનો દરજ્જો મળી ગયો. ફ્રેન્ક કાપ્રા અને જેમ્સ સ્ટુઅર્ટ બન્ને આને ખુદની મોસ્ટ ફેવરિટ ફિલ્મ ગણે છે. ઓડિયન્સની પેઢીઓ બદલાતી ગઈ, પણ ફિલ્મની પોપ્યુલારિટી યથાવત રહી એટલે ફ્રેન્ક કાપ્રા ખુદ આભા થઈ ગયા. ફિલ્મની સુપર સક્સેસનો સઘળો જશ ખાટી જવાને બદલે તેઓ આખી વાતને સાવ જુદી રીતે જુએ છે. કાપ્રા કહે છે, ‘મારી હાલત પેલાં મા-બાપ જેવી થઈ ગઈ છે કે જેનો દીકરો દેશનો પ્રેસિડન્ટ બની ગયો હોય ને ચકિત થઈને દીકરાની પ્રગતિ જોઈને હરખાયાં કરતાં હોય! જે કંઈ કર્યું છે તે દીકરાએ પોતાની ટેલેન્ટના જોરે કર્યું છે. એક તબક્કા પછી સંતાનની પ્રગતિમાં મા-બાપનો હાથ રહેતો નથી. મેં પણ ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ બનાવીને પબ્લિક સામે મૂકી દીધી હતી. પછી ફિલ્મ એની મેળે પ્રોગ્રેસ કરતી ગઈ!’ 



કોઈએ આ શ્ર્વેત-શ્યામ ફિલ્મનું બહુ જ નબળું કલર વર્ઝન તૈયાર કર્યું છે. વળી, એના પર પોતાના કોપીરાઈટ પણ લગાડ્યા છે. વક્રતા જુઓ. અત્યાર સુધી જે ફિલ્મ ફ્રીમાં અવેલેબલ હતી તેનું કલર વર્ઝન હવે ચેનલોવાળા ટેલિકાસ્ટ કરે છે ને પેલી એજન્સીને એના પૈસા પણ ચૂકવે છે! ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ પરથી પછી તો બે મ્યુઝિકલ નાટક બન્યાં, ‘ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્લેરન્સ ઓડબોડી’ નામની નવલકથા લખાઈ (જેને ખરેખર તો ફેન-ફિક્શન કહેવી જોઈએ), બે ટેલિફિલ્મો બની. પછીનાં વર્ષોેમાં બનેલી કેટલીય ફિલ્મોમાં ‘ઈટ્સ અ વંડરફુલ લાઈફ’ની અસર જોવા મળે છે, જેમ કે જિમ કેરીની ‘બ્રુસ ઓલમાઈટી’ (જેના પરથી સલમાન ખાનને ચમકાવતી ‘ગોડ તુસી ગ્રેટ હો’ નામની નબળી હિન્દી ફિલ્મ બની છે).

આ મોટિવેશનલ પણ મજાની ફિલ્મ જોજો. ક્રિસમસની રાહ જોયા વગર જોજો. ઈટ્’સ વંડરફુલ!

ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : ફ્રેન્ક કાપ્રા 

સ્ક્રીનપ્લ : ફ્રાન્સીસ ગુડરીચ, આલ્બર્ટ હેકેટ, જો સ્વર્લિંગ, ફ્રેન્ક કાપ્રા

મૂળ વાર્તાકાર : ફિલીપ વેન ડોરેન સ્ટર્ન

કલાકાર : જેમ્સ સ્ટુઅર્ટ, ડોના રીડ, લિઓનેલ બેરીમોર, હેનરી ટ્રાવર્સ

રિલીઝ ડેટ : ૨૦ ડિસેમ્બર ૧૯૪૬

મહત્ત્વના અવોર્ડ્ઝ : ટેક્નિકલ અચીવમેન્ટ અવોર્ડ માટેનો ઓસ્કર અવોર્ડ. બેસ્ટ પિક્ચર, એક્ટર ઈન લીડીંગ રોલ, ડિરક્ટર, સાઉન્ડ અને એડિટિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0 

Wednesday, September 24, 2014

ટેક ઓફ : નવરાત્રિ : ઢોલ, નગારાં, લોહી અને શેરોવાલી!

Sandesh - Ardh Saptahik Purti - 24 Sept 2014

ટેક ઓફ

'તેઝાબ'માં સ્થાનિક ગુંડો મુન્નો (અનિલ કપૂર) હનુમાન ગલીના ડિસ્કો દાંડિયામાં પહોંચી જાય છે. પછી પોતાની ટિપિકલ ટપોરી હિન્દીમાં કાચુંપાકું ગુજરાતી ઉમેરીને અનાઉન્સ કરે છેઃ "આજ કી રાત મા દેવીમાની રાત છે... જીન્હેં બડે બડે દુર્જનો કા નાશ કિયા... બજાવ... વગાડો..." ને પછી શરૂ થાય છે ડિસ્કો ડાંડિયાની રમઝટ. આ માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ સિકવન્સ છે, જે પૂરી થઈ ગયા પછી અનિલ કપૂર પાછો બૂમ પાડે છેઃ "અરે પતી ગયો... ખલાસ થઈ ગયો...!" યુટયુબ પર 'તેઝાબ'ના આ ડિસ્કો ડાંડિયા સાંભળજો. મજા આવશે. 



ગામની હવેલીની વચ્ચોવચ ચોકમાં રંગોની છાકમછોળ છે. "હેજી રે... ઊડે ઊડે મન ઊડે... પર ઊડે મન સંગ ઊડે..." કરતો ઢોલી દુહો લલકારે છે અને તે સાથે એક રમણી અને બાંકા જવાન વચ્ચે આંખોઆંખોમાં મસ્તી શરૂ થાય છે. બન્ને એકમેક માટે સાવ અજાણ્યાં છે, પણ તેમની વચ્ચે કશુંક ક્લિક થઈ ગયું છે. કેડિયું-ચોરણી ધારણ કરેલો જુવાન ઈશારાથી પડકાર ફેંકે છેઃ ખુદનો ગાલ ગુલાલથી રંગવામાં શી બહાદુરી? જો ખરી હો તો મારા હોઠ રંગી જો, તારા હોઠના રંગથી! એને એમ કે ચણિયાચોળીમાં સજ્જ યુવતી શરમાઈને નાસી જશે, પણ આ તો બોલ્ડ અને બિન્ધાસ્ત કન્યા છે. જુવાનની આંખોમાં સતત આંખો પરોવી રાખીને એ મક્કમતાથી નજીક આવે છે, પેલાને નજીક ખેંચે છે અને એ કંઈ સમજે તે પહેલાં નાજુકાઈથી તેના હોઠ ચૂમી લે છે! બીજી જ ક્ષણે ઉછળી ઉછળીને ગરબે ઘૂમી જુવાનિયાઓના વર્તુળમાં ભળી જાય છે. મદહોશ થઈ ગયેલો યુવક પણ પાછળ પાછળ જોડાય છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ગુંજી રહ્યું છેઃ 'લહુ મુંહ લગ ગયા... સોયા થા નસ નસ મેં અબ જગ ગયા... હે... લહુ મુંહ લગ ગયા!'
સંજય ભણસાલીની 'રામ-લીલા' ફિલ્મનું આખું શરીર રણઝણાવી મૂકે તેવું આ કમાલનું ગીત, જે આવનારા દાયકાઓ સુધી ગુંજતું રહેવાનું છે. દીપિકા પદુકોણનું એ અદ્ભુત રૂપ અને ગરબાની મુદ્રાઓ લોકો ભૂલી શકવાના નથી. ફિલ્મના ઉત્તરાર્ધમાં ગરબા શૈલીનું બીજું ગીત છે અને તે પણ એટલું જ અસરકારક છે. હવે તેમનો પ્રેમ કદાચ નિર્ભેળ રહ્યો નથી, તેમાં વેર અને વેદનાનાં ઝેરી ટીપાં ઉમેરાઈ ચૂક્યાં છે. નાયક-નાયિકા અને તેમના પરિવારો વચ્ચે ઘણું બધું બની ચૂક્યું છે. પતિ હવે પરોણો બનીને ઘરે આવ્યો છે. હીરો રણવીર સિંહ તેમજ મા સુપ્રિયા પાઠક સામે દર્શક થઈને બેઠાં છે. ઘેરા તનાવના માહોલમાં રતુંબડા કપડાંમાં સજ્જ દીપિકા ભીની આંખે આક્રોશપૂર્વક શરૂઆત કરે છેઃ 'હે...ધિન તણાક ધિન તણાક આજા ઉડ કે સરાત પેરોં સે બેડી જરા ખોલ... નગારા સંગ ઢોલ બાજે, ઢોલ બાજે... ધાંય ધાંય ઢમ ઢમ ધાંય...' 
આમ તો 'લીલી લીમડી રે...' અસંખ્ય વખત આપણા કાન પર પડી ચૂક્યું છે, પણ 'રામ-લીલા'ના આ ગીતમાં એને જે રીતે વણી લેવામાં આવે છે તે જોઈ-સાંભળીને આનંદ થાય છે. આ જ ફિલ્મમાં ટ્રેડિશનલ ફોર્મમાં ફિલ્માવાયેલું 'ભાઈ ભાઈ' ગીત છે અને અફકોર્સ, ફિલ્મનો ઉઘાડ જ ઝવેરચંદ મેઘાણીના અમર ગીત 'મન મોર બની થનગાટ કરે'થીના ઓડિયો વર્ઝનથી છે. 'રામ-લીલા' થિયેટરમાં બીજી વાર જોવાનું મન થયું હોય તો તે ફ્ક્ત તેના રાસ-ગરબાની રમઝટને કારણે.


છેલ્લાં વર્ષોમાં હિન્દી સિનેમામાં રાસ-ગરબાને શાનથી અને સ્ટાઈલથી ધબકતા રાખવા બદલ સંજય ભણસાલીને ફુલ માર્ક્સ આપવા પડે. 'હમ દિલ દે ચુકે સનમ' (૧૯૯૯)માં ઐશ્વર્યા રાય અને સલમાન ખાન પર ફિલ્માવાયેલાં 'ઢોલી તારો ઢોલ બાજે' ગીતે તરખાટ મચાવી દીધો હતો. 'લહુ મુંહ લગ ગયા' ગીતનાં મૂળિયાં 'ઢોલી તારો ઢોલ બાજે'માં છે. એ જ રીતે હવામાં ફેંકાતો ગુલાલ, બુલંદ અવાજે લલકારાતો દુહો, ઐશ્વર્યા-સલમાન વચ્ચે છેડછાડ, ચડસાચડસી અને પછી તરત જ 'ઝનનન ઝનઝનાટ ઝાંઝર બાજે રે આજ... ટનનન ટનટનાટ મંજીરા બાજે... ઘનનન ઘનઘનાટ ગોરી કે કંગના... આજ છનનનન છનછનાટ પાયલ સંગ બાજે... બાજે રે બાજે રે ઢોલ બાજે..." અને પછી વિદ્યુતના તરંગોની ગતિથી ઉછળતાં જુવાન શરીરો!
ભરપૂર ગ્લેમર અને ઝાકઝમાળની વચ્ચે રાસ-ગરબાના ફોર્મનું સત્ત્વ જાળવી રાખવું અને સાથે સાથે ધારી એસ્થેટિક અસર ઉપજાવવી - આવું કોમ્બિનેશન અચિવ કરવું સહેલું નથી. ઐશ્વર્યા અને દીપિકા જેવી સાઉથ ઈન્ડિયન હિરોઈનો પાસે ગુજરાતણો પણ શરમાઈ જાય એવા અદ્ભુત ગરબા કરાવવા કદાચ એનાથીય વધારે અઘરું છે. આનો જશ સંજય ભણસાલીને આપવો જ પડે. 'રામ-લીલા'ના તો મ્યુઝિક કમ્પોઝર તરીકેની ક્રેડિટ પણ તેમના નામે છે.
 ફિલ્મી રાસ-ગરબાની વાત આવે ત્યારે 'સુહાગ' (૧૯૭૯) ફિલ્મનો અમિતાભ બચ્ચન-રેખા પર ફિલ્માવાયેલો રાસ અચૂક યાદ આવે. મહોલ્લાની વચ્ચે મંદિર રોશનીથી ઝળહળી રહ્યું છે. ગર્ભદ્વારની સામે ઘૂમતા ખેલૈયાઓની વચ્ચે પીળા ઝભ્ભા પર કમરે ગુલાબી દુપટ્ટો બાંધીને યુવાન અમિતાભ બચ્ચન દુહા શૈલીમાં શરૂઆત કરે છેઃ 'કાલ કે પંજે સે માતા બચાઓ... જય મા અષ્ટભવાની...' ને પછી મુખ્ય ગીતઃ 'એ નામ રે... સબ સે બડા તેરા નામ... શેરોવાલી... ઊંચે ડેરોવાલી... બિગડે બના દે મેરે કામ નામ રે...' તરત ડાંડિયા ટકરાવતી રૂપકડી રેખા આ પંક્તિ ઝીલી લે છે. મોહમ્મદ રફી -આશા ભોંસલેનો અવાજ ને લક્ષ્મીકાંત -પ્યારેલાલનું સંગીત. મુખડું પૂરું થતાં જ અમઝદ ખાન સાધુનો છદ્મવેશ ધારણ કરીને એન્ટ્રી મારે છે અને ઝુમાવી દેતાં આ ગીતના ભક્તિભાવમાં ટેન્શનનો અન્ડરકરન્ટ ઉમેરાઈ જાય છે.

'તેઝાબ' (૧૯૮૮) એટલે માધુરી દીક્ષિત, તેનો 'એક દો તીન'નો ડાન્સ અને બહુ બહુ તો અનિલ કપૂર એટલું જ આપણને યાદ રહ્યું છે, પણ આ ફિલ્મમાં ડિસ્કો ડાંડિયાની એક અફલાતૂન સિકવન્સ પણ હતી તે ભુલાઈ ગયું છે. સીન એવો છે કે સ્થાનિક ગુંડો મુન્નો હનુમાન ગલીના દાંડિયામાં પહોંચી જાય છે. પછી પોતાની ટિપિકલ ટપોરી હિન્દીમાં કાચુંપાકું ગુજરાતી ઉમેરીને અનાઉન્સ કરે છેઃ "આજ કી રાત મા દેવીમાની રાત છે... જીન્હેં બડે બડે દુર્જનો કા નાશ કિયા... બજાવ... વગાડો..." ને પછી શરૂ થાય છે ડિસ્કો ડાંડિયાની રમઝટ, જેમાં કેટલાંય હિટ ફિલ્મી ગીતોની ટયૂનો સંભળાય છે. આ માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ સિકવન્સ છે, જે પૂરી થઈ ગયા પછી અનિલ કપૂર પાછો બૂમ પાડે છેઃ "અરે પતી ગયો... ખલાસ થઈ ગયો...!" યુટયુબ પર 'તેઝાબ'ના આ ડિસ્કો ડાંડિયા સાંભળજો. મજા આવશે. આના કંપોઝર પણ લક્ષ્મીકાંત-પ્યારેલાલ.
ગુજરાતી મ્યુઝિક કંપોઝર બેલડી કલ્યાણજી-આનંદજીએ હિન્દી સિનેમામાં એક કરતાં વધારે રાસ-ગરબા આપ્યા છે. સૌથી પહેલાં તો 'સરસ્વતીચંદ્ર' (૧૯૬૮)નો આ યાદગાર ગરબોઃ 'મૈં તો ભુલ ચલી બાબુલ કા દેસ પિયા કા ઘર પ્યારા લાગે...' ગોવિંદ સરૈયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં નૂતન પર ગરબો ફિલ્માવાયેલો હતો. શબ્દો ઈંદિવરના હતા. પછીના વર્ષે 'સટ્ટાબજાર' નામની ફિલ્મ આવી હતી. રવીન્દ્ર દવેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બલરાજ સહાની અને મીનાકુમારીની મુખ્ય ભૂમિકાઓ હતી. આ ફિલ્મ માટે કલ્યાણજી-આણંદજીએ કમ્પોઝ કરેલાં અને હસરત જયપુરીએ લખેલાં ગરબા પ્રકારનાં ગીતના શબ્દો જુઓઃ 'જરા ઠહરોજી અબ્દુલ ગફાર... રૂમાલ મેરા લેકે જાના...' કંઈ યાદ આવે છે? 'મારી સગી નણદલડીના વીરા... રૂમાલ મારો લેતા જાજો'ના પડઘા સંભળાયા? બસ, ગીતનો રાગ પણ આ ગુજરાતી લોકગીત પર આધારિત છે. ગીત ગાયું છે મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરે. 
તે પછીના વર્ષે એટલે કે ૧૯૭૦માં 'પ્રિયા' નામની ફિલ્મ આવી. ગોવિંદ સરૈયાનું ડિરેક્શન અને આપણા કચ્છીમાડુઓનું સંગીત. સંજીવકુમાર અને તનુજાને ચમકાવતી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ માટે ઈંદિવરે લખેલું એક ગીત લતાએ ગાયુું છેઃ 'મીઠે મધુ સે મીઠી મીસરી રે લોલ... પર સબ સે મીઠે હૈં માં કે બોલ...' ગીતની ધૂન અને કમ્પોઝિશન બિલકુલ ગરબા જેવા છે, પણ કોણ જાણે કેમ સ્ક્રીન પર દેખાતી સન્નારીઓની વેશભૂષા તેમજ ડાન્સના સ્ટેપ આદિવાસી નૃત્યની યાદ અપાવે છે!
૧૯૫૫માં નિરુપા રોય-મનહર દેસાઈને હીરો-હિરોઈન તરીકે ચમકાવતી એક હિન્દી ફિલ્મ આવી હતી. રમણ વી. દેસાઈ ડિરેક્ટર હતા. પૌરાણિક થીમવાળી આ ફિલ્મમાં ચિત્રગુપ્તનું સંગીત હતું. ફિલ્મનું ટાઈટલ 'નવરાત્રિ' હતું, પણ વિચિત્રતા એ હતી કે આમાં સમ ખાવા પૂરતો એક પણ રાસ કે ગરબો નહોતો! એમ તો ૧૯૫૪માં 'દુર્ગા પૂજા' નામની ફિલ્મ પણ આવી હતી. નિરુપા રોય-ત્રિલોક કપૂરને ચમકાવતી આ ફિલ્મના ડિરેક્ટર પણ ગુજરાતી હતા- ધીરુભાઈ દેસાઈ. રાસ-ગરબા જેવું આ ફિલ્મમાં પણ કશુંય નહોતું.
હિન્દી સિનેમામાં આ સિવાય પણ કેટલાંક ગરબાગીતો આવ્યાં છે. કયાં કયાં? આનો ઉત્તર તમારે આપવાનો છે!    
0 0 0 

Tuesday, September 23, 2014

મલ્ટિપ્લેક્સ : બોડી બ્યુટીફૂલ

Sandesh - Sanskar Purti - 21 Sept 2014
મલ્ટિપ્લેક્સ 

ઉંમર વધતી જાય છે તેમ શાહરુખ ખાનના પેટ પર પેક્સની સંખ્યા પણ વધતી જાય છે. પેક એટલે ઉદરથી પેડુ વચ્ચેના હિસ્સામાં બિસ્કિટના ચોસલાની જેમ ઉપસી આવેલા ઘાટીલા સ્નાયુઓ. ભારતમાં સિક્સ-પેક્સ એબ્સ શબ્દપ્રયોગ શાહરુખે પોપ્યુલર કર્યો, 'ઓમ શાંતિ ઓમ' વખતે. આ નવીનવાઈના ફિઝિકલ ફીચરનો પછી તો એવો ક્રેઝ ફાટી નીકળ્યો કે બોલિવૂડના હીરોલોગના શરીર પર સામસામા ત્રણ-ત્રણ બિસ્કિટની હરોળ જેવા સિક્સ-પેક્સ દેખાવા સાવ કોમન થઈ ગયા. કોઈએ વળી એઈટ-પેક્સ બનાવ્યા. આ પ્રકારના ગાંડપણ કે ગાડરિયા પ્રવાહ સામે કોઈને વાંધો ન હોઈ શકે,કારણ કે આ કંઈ ફાલતુ ફિતૂર નથી. તેનો સીધો સંબંધ શારીરિક ચુસ્તી અને સ્વાસ્થ્ય સાથે છે. તે વિકસાવવા માટે ભયંકર પરસેવો પાડવો પડે. 'હેપી ન્યૂ યર'નું પ્રમોશન ગતિ પકડી રહ્યું છે ત્યારે શાહરુખ હવે ફરી મેદાનમાં ઊતર્યો છે. આ વખતે ટેન-પેક્સ એબ્સ સાથે!
શાહરુખનો ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાવંત 'અશોકા'ના જમાનાથી એની સાથે છે. 'અશોકા'માં શાહરુખે યોદ્ધા જેવું કસાયેલું શરીર બનાવવાનું હતું. એ અરસામાં એને ગોઠણમાં ઈન્જરી થઈ ગઈ હતી. સ્પોર્ટ્સમેનની જેમ હીરોલોગને પણ જાતજાતની ઈન્જરી થયા કરતી હોય છે. શાહરુખે દુખાવાનું બહાનું આગળ ન ધર્યું. ગોઠણ દુખતો હોય તો ભલે દુખે, બાવડાં અને છાતીની એક્સરસાઈઝ તો થઈ જ શકે છેને. શાહરુખ આમેય સ્પોર્ટ્સનો, ખાસ કરીને ફૂટબોલનો જબરો શોખીન છે. એનું શરીર શરૂઆતથી જ એથ્લીટ્સ જેવું રહ્યું છે. શાહરુખને એક્સરસાઈઝ કરવા માટે પ્રેરણા કે ધક્કાની જરૂર પડતી નથી. 'ઓમ શાંતિ ઓમ'ના પેલા ગીત દરમિયાન શર્ટ ઉતારીને સિક્સ-પેક્સ દેખાડવા હતા એટલે એણે પોતાના બંગલામાં જ ત્રણ હજાર સ્કવેર ફૂટનું જિમ ઊભું કરી દીધું. શાહરુખ અને પ્રશાંતે નક્કી કર્યું હતું કે ધાર્યું પરિણામ લાવી શકવાની તાકાત હોય તો જ આપણે જિમમાં પગ મૂકવાનો. બાકી જિમને શોભાના ગાંઠિયાની જેમ મેન્ટેઈન કરવાનો કોઈ મતલબ નથી.
'ઓમ શાંતિ ઓમ'ના મેકિંગ દરમિયાન વિદેશના પ્રવાસ ખૂબ થતા. પ્રશાંત સાવંત આ પ્રવાસો દરમિયાન પણ સતત શાહરુખની સાથે રહેતા કે જેથી શાહરુખની એક્સરસાઈઝનું જે રૂટિન બન્યું છે, તેમાં ખાડો ન પડે. વીકમાં પાંચથી છ દિવસ ચોક્કસ પ્રકારની જિમ એક્સરસાઈઝ કરવાની રહેતી, રોજની એક કલાક. 'ઓમ શાંતિ ઓમ' માટે સિક્સ-પેક્સ એબ્સ બનાવવાનું લક્ષ્ય સ્પષ્ટ હતું તેથી શાહરુખ રોજ એક હજાર ક્રંચીસ મારતો. શાહરુખ પાક્કો નોન-વેજિટેરિયન છે. ચિકન સિવાય બીજું કંઈ ખાવાનું એને સૂઝતું નથી. આજની તારીખે પણ શાહરુખના ડાયટમાં ચિકન અને પ્રોટીન શેઇક મુખ્ય હોય છે. ખૂબ વધારે પ્રોટીન, ખૂબ ઓછા કાર્બોહાઈડ્રેટ તે એનો મંત્ર છે. એ ભાત યા તો બિરયાની પાંચ-છ મહિને એકાદ વાર માંડ ખાશે.
આજકાલ ટીવી પર 'બેન્ગ બેન્ગ'ના પ્રોમો દેખાડવાના શરૂ થઈ ગયા છે. એમાં રિતિક રોશનનું ગ્રીક દેવતા જેવું શરીર સૌષ્ઠવ જોઈને કન્યાઓ બેહોશ થઈ જાય છે અને યુવકોને લઘુતાગ્રંથિનો એટેક આવી જાય છે. રિતિક જેટલી ઈન્જરી કદાચ બીજા કોઈ હીરોને થઈ નથી. વચ્ચે એણે જોખમી કહી શકાય તેવી બ્રેઇન ઈન્જરી સુધ્ધાં કરાવવી પડી હતી. એ રોજ ૮૦ મિનિટ સુધી લાગલગાટ પરસેવો પાડીને ૧૦૦૦થી ૧૧૦૦ કેલરી બાળે છે. એને આઉટડોર રનિંગ પણ પસંદ છે.
રણવીર સિંહને બોડી બનાવવાની પ્રેરણા રિતિક રોશનની 'ક્રિશ' જોઈને મળી હતી. એણે રિતિકના વિદેશી ટ્રેનરોનો કોન્ટેક્ટ કર્યો ને પછી બાર વીક સુધી એની કડક દેખરેખમાં સખત ટ્રેનિંગ લીધી. 'લેડીઝ વર્સેસ રિકી બહલ' પછી 'રામ-લીલા'માં પણ રણવીરે બિન્દાસ શર્ટ કે કેડિયું ઉતારીને અંગપ્રદર્શન કર્યું છે. બાવડાં, છાતી અને પેટના ઇચ્છિત આકાર કેવી રીતે અચિવ કર્યા? વધારે પડતી એક્સરસાઈઝ કરીને? ના. રણવીરની બાર વીકવાળી ટ્રેનિંગમાં ૮૦ ટકા ભાર ખાણીપીણી પર આપવામાં આવ્યો હતો, ફક્ત ૨૦ ટકા મહત્ત્વ ફિઝિકલ એક્સરસાઈઝને આપવામાં આવ્યું હતું. ગળા નીચે ઊતરતા પ્રત્યેક કોળિયા ને ઘૂંટડા પર નજર રાખવામાં આવતી હતી. ખોરાક કાચો ને પાછો મીઠા વગરનો. રણવીરના શબ્દોમાં કહીએ તો, આપણા દુશ્મનનેય ખાવો ન પડે એવો ભયંકર બેસ્વાદ. શું હોય ખાવામાં? બ્રોકોલી, ફિશ, ટર્કી તરીકે ઓળખાતી એક વિદેશી નોનવેજ આઈટમ અને ગ્રીન ટી. બસ. રોટલીને અડવાનું પણ નહીં ને મીઠાઈ સામે તો જોવાનું પણ નહીં. સવારે એક કલાક કાર્ડિયો કરીને ચરબી ઓગાળવાની, સાંજે એક કલાક મસલ્સ પર ધ્યાન આપવાનું. સહેજ પણ ચલિત થયા વગર, થાક્યા વગર કે બન્ક માર્યા વગર ત્રણ મહિના આ રીતે કાઢયા પછી રણવીરને જે રિઝલ્ટ મળ્યું તે આખી દુનિયાએ જોયું.
બોલિવૂડમાં અક્ષયકુમાર કરતાં વધારે ફિટ અને વધારે હેલ્ધી બીજો કોઈ હીરો નથી. સામાન્ય સંજોગોમાં અક્ષયનું ડેઈલી રૂટિન કેવું હોય છે? સવારે સાડાચાર-પાંચે ઊઠી જવાનું. સાત કિલોમીટર દોડવાનું. સવારે સાત વાગ્યે બ્રેકફાસ્ટ અને સાજે સાતેક વાગ્યે ડિનર કરી લેવાનું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેટ લતીફોની ને સૂર્યવંશીઓની કમી નથી. બીજા લોકો બપોરે બાર વાગ્યે હજુ કામ પર નીકળે ત્યાં સુધીમાં અક્ષયનો અડધોપડધો ર્વિંકગ ડે પૂરો થઈ ગયો હોય છે. ફિલ્મી પાર્ટીઓમાં જવાનો એને શોખ નથી. ગૂડ બોય બનીને વહેલા સૂવાનું ને વહેલા ઊઠી જવાનું. માણસ અતિ પ્રતિભાશાળી ન હોય, પણ ખૂબ ડિસિપ્લીનવાળો હોય તોપણ એની નૈયા પાર ઊતરી જતી હોય છે. અક્ષય બોલિવૂડમાં વીસ વર્ષથી પોતાની પોઝિશન સંભાળીને બેઠો છે, એનું મુખ્ય કારણ એની ડિસિપ્લીનવાળી લાઈફ છે.
અજય દેવગણનું બોડી બોલિવૂડના સૌથી સેક્સીએસ્ટ શરીરોમાંનું એક ગણાય છે. જોકે અજયને ખુદને સેક્સી દેખાવામાં નહીં, પણ સ્ટેમિનાનું લેવલ શક્ય તેટલું વધે તેમાં રસ છે. અજયના જિમ રૂટિનમાં વેઈટ લિફ્ટિંગ અને પુલઅપ્સ-પુશઅપ્સ સહિતની સર્કિટ ટ્રેનિંગનું કોમ્બિનેશન છે. સલમાનના બોડી પર તો દુનિયા દીવાની છે. એક જમાનામાં અર્જુન કપૂર મિની સાઈઝના મદનિયા જેવો દેખાતો. એનું વજન ૧૪૦ કિલો હતું! એને જિમમાં ખેંચી જઈને સોહામણો હીરો બનાવવાનો જશ સલમાનને મળે છે.
સ્ક્રીન પર કે છાપાં-મેગેઝિનોનાં પાનાં પર રૂપાળાં હીરો-હિરોઈનોથી પ્રભાવિત થઈને સ્ટાઈલિશ કપડાં-એક્સેસરીઝ ખરીદવાં કે એમના જેવી હેરસ્ટાઈલ બનાવવી સહેલી છે. આપણને માત્ર ગ્લેમર દેખાય છે, ગ્લેમર પાછળ વહાવેલો પરસેવો દેખાતો નથી. ફિલ્મસ્ટારોમાંથી શીખવું જ હોય તો આ શીખવા જેવું છે - અત્યંત શિસ્તબદ્ધ જીવન જીવવું, નિયમિતપણે એક્સરસાઈઝ કરવી,ખાણીપીણી પર ચાંપતી નજર રાખવી, ખુદના શરીરનો આદર કરવો અને સુપર ફિટ રહેવા માટે બધું જ કરી છૂટવું.
શો-સ્ટોપર

દીપિકા પદુકોણ એટલી અદ્ભુત દેખાય છે કે 'ફાઈન્ડિંગ ફેની'ના શૂટિંગ દરમિયાન હું એના પરથી નજર હટાવી શકતી નહોતી.
- ડિમ્પલ કાપડિયા

Thursday, September 18, 2014

ટેક ઓફ : બોડી લીડ્સ : તમારી એકેએક ચેષ્ટા કશુંક કહે છે!

Sandesh - Ardh Saptahik Purti - 16 Sept 2014

ટેક ઓફ 

અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ખુદ સ્વીકાર્યું છે કે પેન્ટાગોનમાં વ્યવસ્થિતપણે વિશ્વભરના રાજકીય નેતાઓની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં ચાવીરૂપ ગણાતા મહત્ત્વના એક ડઝન દેશોના મીંઢા વડાપ્રધાનો તેમજ પ્રેસિડેન્ટોના મનમાં શું રમે છે,તેમની ડિસિઝન-મેકિંગ પ્રોસેસ ખરેખર કેવી છે તેનો ક્યાસ કાઢવા માટે અમેરિકાનો સંરક્ષણ વિભાગ રીતસર તેમની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની પ્રગટ ઘોષણાઓ અને પોલિસીઓ જ નહીં, બલકે તેઓ કેવી રીતે હાલે-ચાલે-ઊઠે-બેસે છે તેના પર, એમની શારીરિક ચેષ્ટાઓ અને મુદ્રાઓ પર, તેઓ કહ્યા વિના પણ કહી દે છે તેવાં તમામ નોન-વર્બલ કમ્યુનિકેશન પર અમેરિકા લાંબા સમયથી બિલોરી કાચ ધરીને બેઠું છે!




બોડી લેંગ્વેજ જબરો રસપ્રદ વિષય છે, પણ તેને છીછરો ટાઈમપાસ ગણીને ગંભીરતાથી ન લેનારા ઓછા નથી. બોડી લેંગ્વેજ એટલે આપણી હાલવા-ચાલવા-બેસવા-વાત કરવા-રિએક્ટ કરવાની રીત,જેના પરથી આપણા મનની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તેનો અંદાજ મળી શકે. આપણી જીભ એક વાત કહેતી હોય, પણ શરીર યા તો નોન-વર્બલ કમ્યુનિકેશન સાવ જુદો જ મેસેજ આપતું હોય તેમ બને. બોડી લેંગ્વેજ એક સાયન્સ પણ છે અને આર્ટ પણ છે.
ટીકાકારો કહે છે કે આ એક ઈન્ટેન્જિબલ (સ્પર્શી ન શકાય એવું,ચોક્કસ ધારાધોરણોમાં બાંધી ન શકાય તેવું) શાસ્ત્ર છે અને તેથી તેને સિરિયસલી ન લઈ શકાય. બોડી લેંગ્વેજના ટીકાકારોને ધક્કો ત્યારે લાગ્યો હતો જ્યારે ગયા માર્ચ મહિનામાં અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે ખુદ સ્વીકાર્યું હતું કે પેન્ટાગોનમાં વ્યવસ્થિતપણે વિશ્વભરના રાજકીય નેતાઓની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરવામાં આવે છે. 'બોડી લીડ્સ' તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટ માટે વાર્ષિક ત્રણ લાખ ડોલરનું બજેટ ફાળવવામાં આવે છે! ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં ચાવીરૂપ ગણાતા મહત્ત્વના એક ડઝન કરતાંય દેશોના મીંઢા વડાપ્રધાનો તેમજ પ્રેસિડેન્ટોના મનમાં શું રમે છે,તેમની ડિસિઝન-મેકિંગ પ્રોસેસ ખરેખર કેવી છે તેનો ક્યાસ કાઢવા માટે અમેરિકાનો સંરક્ષણ વિભાગ રીતસર તેમની બોડી લેંગ્વેજનો અભ્યાસ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીની પ્રગટ ઘોષણાઓ અને પોલિસીઓ જ નહીં, બલકે તેઓ કેવી રીતે હાલે-ચાલે-ઊઠે-બેસે છે તેના પર, એમની શારીરિક ચેષ્ટાઓ અને મુદ્રાઓ પર, તેઓ કહ્યા વિના પણ કહી દે છે તેવાં તમામ નોન-વર્બલ કમ્યુનિકેશન પર અમેરિકા લાંબા સમયથી બિલોરી કાચ ધરીને બેઠું છે. મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપતી વખતે સંભવતઃ એમનું બોડી લેંગ્વેજ એનાલિસિસ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હશે!
એક અભ્યાસ મુજબ આપણે ૫૫ ટકા બોડી લેંગ્વેજ દ્વારા, ૩૮ ટકા અવાજના રણકા દ્વારા અને ફક્ત ૭ ટકા જ શબ્દો દ્વારા વ્યક્ત થતા હોઈએ છીએ! આંકડા અતિશયોક્તિપૂર્ણ હોઈ શકે, પણ આનો સાદો અર્થ એવો તારવવાનો કે આપણે બોલીને જે કહેતાં હોઈએ છીએ તેના કરતાં બોલ્યા વગર ઘણું વધારે કહી દેતા હોઈએ છીએ. અમેરિકા જેવા દેશમાં સર્વોચ્ચ રાજકીય પદ માટે અંતિમ દાવેદારો વચ્ચે જાહેરમાં ડિબેટ યા તો સામસામી ચર્ચા અથવા વાદવિવાદ કરવામાં આવે છે ત્યારે એમની બોડી લેંગ્વેજનું પિષ્ટપેષણ કરવા માટે સીપીઆર (કરિશ્મા, પ્રોફેશનલિઝમ, રેપો) મોડલ અખત્યાર કરવામાં આવે છે. કરિશ્મા ધરાવતા માણસને પોતાના વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરતાં આવડતું હોય છે, એ સંવેદનશીલ હોય છે અને તેનો ઈન્ટર્નલ કંટ્રોલ મજબૂત હોય છે. મતલબ કે એ ઠાવકો અને સૂલઝેલો માણસ હોય છે. સતત કન્ફ્યુઝનમાં જીવતો અને વૈચારિક સ્પષ્ટતા વગરનો માણસ કેરિશ્મેટિક ન હોઈ શકે. માણસ જોશીલો અને છટાદાર હોય તો એનો પ્રભાવ પડી શકે, પણ જરૂરી નથી કે લોકો એને કેરિશ્મેટિક ગણે. એ જ રીતે માણસ પ્રેમાળ અને હૂંફાળો હોય, પણ એની પાસે જો જોશ યા પાવર નહીં હોય તો લોકોને એ ગમશે ખરો, પણ એની એવી છાપ પડી શકે કે એ જાણે સૌને ખુશ કરીને ગૂડ બુક્સમાં આવવા લાલાયિત છે.


બોડી લેંગ્વેજના શાસ્ત્રમાં સેમિઓટિક્સ નામનો એક મહત્ત્વનો શબ્દ છે. સેમિઓટિક્સ એટલે સંજ્ઞાાઓનો અભ્યાસ. તેનાં ત્રણ અંગો છે - સિમેન્ટિક્સ (ચેષ્ટા, ચહેરા પરના હાવભાવ વગેરે), સિન્ટેક્ટિક્સ (એ ચેષ્ટા અને હાવભાવ વખતે ઉચ્ચારાઈ રહેલા શબ્દો વગેરે) અને પ્રેગમેટિક્સ (થિયરીઓ અગાઉ થઈ ચૂકેલા અભ્યાસોના આધારે મૂલ્યાંકન)! ખેર, આ તો ભરખમ શબ્દોની માયાજાળ થઈ, બાકી બોડી લેંગ્વેજના સાદા નિયમો ખરેખર ખૂબ સાદા છે. જેમ કે, સ્મિત જેન્યુઈન હોય ત્યારે આંખો ફરતે કરચલી પડે છે. બનાવટી સ્મિત કરતી વખતે હોઠ તો પહોળા થાય છે, પણ આંખો કોરીધાકોર રહી જાય છે. સ્ટુડિયોમાં યા તો પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે પાડેલા ઘણાખરા ફોટામાં આપણે ઓકવર્ડ લાગતા હોઈએ છીએ એનું કારણ આ જ. મુસ્કુરાહટ સાચી હશે ત્યારે જેમ આંખો ઝીણી થાય છે ને ફરતે કરચલી પડે છે, તેમ ટેન્શન, ભય અથવા આશ્ચર્ય અનુભવતા હોઈએ ત્યારે આપણાં ભંવાં વંકાય છે. કોઈ તમારા ડ્રેસનાં વખાણ કરતું હોય પણ તે વખતે એનાં ભંવાં વંકાયેલાં હોય તો સમજવું કે તારીફ ખોટી છે.
વાતો કરી રહેલા બે માણસોને ખરેખર એકમેકમાં રસ પડી રહ્યો છે એ શાના પરથી ખબર પડે? તેઓ અજાણપણે એકમેકની મુદ્રાઓની નકલ કરવા લાગે ત્યારે. જેમ કે, એક જણો પગ પર પગ ચડાવીને બેસે તો તરત સામેવાળો પણ એવું કરે યા તો ખુરસીને અઢેલીને બેસતા તરત બીજો માણસ પણ એ જ રીતે બેસે તો સમજવું કે બેય વચ્ચે સાચું સંધાન થઈ ગયું છે. આંખોમાં આંખ પરોવીને વાત સાંભળવી તે સારી વાત છે, પણ જો સામેનો માણસ પાંપણ પટપટાવ્યા વિના એકધારો તમારી આંખોમાં તાકી રહ્યો હોય તો સમજવું કે કંઈક ગરબડ છે. જૂઠાબોલા લોકોની નજર સતત ચકળવકળ થતી હોય છે. આવી ઈમ્પ્રેશન ન પડે તે માટે સામેના માણસે બળજબરીથી તમારી આંખોમાં આંખ પરોવી રાખી હોય તે શક્ય છે.


 તમે કોઈ મહત્ત્વની મિટિંગ માટે ગયા હો ત્યારે સામેનો માણસ પગ પર પગ ચડાવીને (ક્રોસ-લેગ્ડ) બેસે તો પૂરી સંભાવના છે કે મિટિંગનું ધાર્યું પરિણામ નહીં આવે. માણસ પગની ચોકડી વાળે એનો અર્થ એ થયો કે તેણે માનસિક રીતે કે લાગણીના સ્તરે બારણાં બંધ કરી દીધાં છે. એ હવે સ્વીકૃતિના મૂડમાં નથી. તમે હસતાં હસતાં કોઈક રમૂજી કમેન્ટ કરો ને સામેનો માણસ સ્માઈલ પણ ન કરે તો એ સારો સંકેત નથી. તમે હસો ત્યારે સામેવાળો પણ મુક્તપણે હસે (સાચુકલું, બનાવટી નહીં) તો સમજવું કે તમારી સાથે માનસિક સ્તરે સંધાન કરવામાં એેને રસ છે.
એમી કડી નામનાં એક્સપર્ટ કહે છે કે બોડી લેંગ્વેજ ટુ-વે પ્રોસેસ છે. તમારા મનની સ્થિતિ જો તમારાં હાવ-ભાવ-વર્તાવમાં ઝિલાતી હોય તો એનાથી ઊલટું પણ શક્ય છે. મતલબ કે પેટમાં ભલે પતંગિયાં ઊડતાં હોય, પણ જો તમે પ્રયત્નપૂર્વક કોન્ફિડન્ટ માણસ જેવી બોડી લેંગ્વેજ ધારણ કરો તો શક્ય છે કે તમે ખરેખર આત્મવિશ્વાસનો અનુભવ કરવા લાગો. બોડી લેંગ્વેજના અન્ય મામલાઓમાં પણ આ રિવર્સ થિયરી લાગુ પડે છે. આની સામે એવી દલીલ થઈ શકે કે આ તો બનાવટ થઈ કહેવાય. ભીતર અનુભવતા હોઈએ એના કરતાં બહાર કંઈક જુદું પ્રોજેક્ટ કરવું બરાબર નથી. એમી કડી કહે છે કે તમારે માત્ર બે જ મિનિટ માટે બોડી લેંગ્વેજ બદલવાની છે. લિફ્ટમાં પ્રવેશો ત્યારે, મિટિંગ માટે રૂમમાં દાખલ થાઓ ત્યારે યા તો કોઈ મળવા આવે ત્યારે ફક્ત બે જ મિનિટ માટે આત્મવિશ્વાસથી છલકતા રહેવાનું છે. આટલા ટૂંકા સમયગાળામાં પણ તમારા દિમાગને તમારા શરીર તરફથી પોઝિટિવ સિગ્નલ મળી જશે ને તમારા બ્રેઈનમાં આત્મવિશ્વાસવર્ધક અંતઃસ્ત્રાવનું લેવલ ઉપર જશે!
થિયરીમાં દમ છે? તમને શું લાગે છે?  
0 0 0           

Thursday, September 11, 2014

ટેક ઓફ : સ્ટીવ જોબ્સની આગાહી જ્યારે ખોટી પડી...

Sandesh - Ardh Saptahik Purti - 10 Sept 2014

ટેક ઓફ 

બહુ આશા જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક આ કરામતી શોધને કારણે બનવાનું છે. ડિન કેમેનની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની હતી, પણ....


Segway tour in New Delhi


દિલ્હીમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર બની છે ત્યારથી અમેરિકાની સેગવે નામની કંપનીમાં જરા સળવળાટ થઈ ગયો છે. આ કંપની એક વિશિષ્ટ પ્રકારનું વાહન બનાવે છે, જે પ્રદૂષણમુક્ત હોવાથી ગ્રીન વ્હિકલ તરીકે પણ ઓળખાય છે. કંપનીને આશા છે કે નરેન્દ્ર મોદી જેવો ટેક્નોલોજીપ્રેમી માણસ આ પ્રદૂષણમુક્ત વાહનને જરૂર ઉત્તેજન આપશે.
આશા તો ત્યારેય બહુ જાગી હતી જ્યારે અમેરિકામાં સેગવેની શોધ થઈ હતી. આશા શું, ઉન્માદ જ કહોને. ૨૦૦૧ની આ વાત. ડિન કેમેન નામના ઉત્સાહી અમેરિકન સંશોધક દસ વર્ષથી એક ઉપકરણ બનાવવામાં બિઝી હતા. એમણે પ્રયોગો ટોપ સિક્રેટ રાખ્યા હતા, પણ એમની ગતિવિધિઓ મીડિયામાં લીક થઈ ગઈ, તે સાથે જ તરખાટ મચી ગયો. ડિન કેમેન નામનો આ આદમી કંઈક અજબગજબની શોધ કરી રહ્યો છે તેવી જોરદાર હવા બંધાવા લાગી. એપલ ફેમ સ્ટીવ જોબ્સે તો ત્યાં સુધી કહી દીધું કે કમ્પ્યૂટરની શોધને કારણે જેમ દુનિયાની તાસીર પલટાઈ ગઈ એવું જ કંઈક ડિન કેમેનની કરામતી શોધને કારણે બનવાનું છે. એમણે તો ડિનના મશીનને ઇન્ટરનેટ કરતાંય વધારે મોટું ઇન્વેન્શન ગણાવ્યું. સ્ટીવ જોબ્સ જેવો સિલિકોન વેલીનો માંધાતા છાતી ઠોકીને આવી આગાહી કરે એટલે પૂછવું જ શું. લોકોની ઉત્તેજનાનો પાર ન રહ્યો. આ મશીનને 'જિંજર' એવું કામચલાઉ નામ આપવામાં આવ્યું હતું. રહસ્યનો કિલ્લો એટલો દુર્ગમ હતો કે લોકોને સમજાતું નહોતું કે આ જિંજર એક્ઝેક્ટલી છે શું? એટલો અંદાજ જરૂર મળ્યો કે ડિનભાઈની શોધને લીધે ટ્રાન્સ્પોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ થઈ જવાની છે.

Dean Kemen riding Segway

આખરે જબરદસ્ત હાઇપને અંતે ડિન કેમેનની શોધ દુનિયાની સામે આવી. આ હતું સેગવે પીટી નામનું બે પૈડાંવાળું વાહન. સેગવેમાં 'સેગ' શબ્દ segue પરથી આવ્યો છે, જેનો મતલબ છે, સ્મૂધ ટ્રાન્ઝિશન. 'વે' એટલે રસ્તો. પીટી એ પર્સનલ ટ્રાન્સ્પોર્ટરનું શોર્ટ ફોર્મ છે. સેગવે નામનું આ વાહન બેટરીથી ચાલે છે. એમાં એન્જિન કે ગિયર શું, સીટ, સ્ટિયરિંગ કે બ્રેક પણ નથી. એમાં છે મોટર, સેન્સર અને કોમ્પ્લિકેટેડ હાર્ડવેર તેમજ સોફ્ટવેર. જોકે, દેખાવમાં એની રચના સાવ સીધીસાદી છે. બે વ્હિલને જોડતા પ્લેટફોર્મ પર દંડના ટેકે સીધા ઊભા રહી જવાનું. સહેજ ઝૂકીને દંડ પર શરીરનું વજન આપો એટલે સેગવે માંડે આપોઆપ ચાલવા. અટકવું હોય ત્યારે શરીરનું વજન દંડ પરથી હટાવી દેવાનું. સેગવેમાં એકાધિક ગિયરોસ્કોપિક અને લેવલિંગ સેન્સર જડેલાં હોય છે, જે આગળ-પાછળ શિફ્ટ થતાં વજનને ડિટેક્ટ કરી શકે છે. દંડની ઉપર એક હેન્ડલબાર હોય છે. ડાબે-જમણે વળવું હોય ત્યારે આ હેન્ડલબારને પ્રેસ કરવાનું. સિમ્પલ. આદર્શ સ્થિતિમાં સેગવે કલાકના લગભગ ૨૦ કિલોમીટર જેટલું અંતર કાપી શકે છે. આખો દિવસ એકધારા સેગવે પર ફરો તોય મામૂલી ઇલેક્ટ્રિસિટી બળે. તેની વજન ઉઠાવી શકવાની ક્ષમતા ૧૦૦ કિલો જેટલી છે. થોડા અરસા પહેલાં રિલીઝ થયેલી 'હોલીડે' ફિલ્મના એક ગીતમાં તમે સેગવેને જોયું છે. તેમાં રમકડા જેવા સેગવે પર સવાર થઈને અક્ષયકુમાર સોનાક્ષી સિંહાની છેડછાડ કરે છે. આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' શોમાં આવેલો ત્યારે પણ એણે સેગવે પર સવાર થઈને સ્ટેજ પર એન્ટ્રી મારી હતી.
સેગવેનું મોડલ ડેવલપ કરવામાં ડિન કેમેને ૧૦૦ મિલિયન ડોલર ખર્ચી નાખ્યા હતા. કંપનીની નજર અબજો ડોલરના ટ્રાન્સ્પોર્ટ સેક્ટર પર હતી. પેટ્રોલ-ડીઝલની ઝળુંબતી કારમી અછત અને તેના વપરાશથી પેદા થતાં પોલ્યુશનની સમસ્યાનું એક અસરકારક સમાધાન સેગવેના સ્વરૂપમાં દેખાતું હતું. ડિનનું સાદું લોજિક એ હતું કે લાંબું અંતર કાપવા માટે કાર બરાબર છે, પણ શહેરની ગલીઓમાં ફરવું હોય તો હડમદસ્તા જેવી કાર કે બાઇક ફેરવીને પેટ્રોલ અને પૈસાનું પાણી શું કામ કરવાનું? ર્પાિંકગની ત્રાસદાયક સમસ્યા તો લટકામાં. સેગવે લોન્ચ કરતા પહેલાં ડિને 'ટાઇમ' મેગેઝિનને આપેલા લાંબા ઇન્ટરવ્યૂમાં કહેલું, "તમે સેગવે પર ફરશો ત્યારે એનું ગિયરોસ્કોપ તમારા કાનની ગરજ સારશે, તમારા દિમાગનું કામ ઇન-બિલ્ટ કમ્પ્યૂટર કરશે, મોટર તમારા મસલ્સ અને વ્હિલ તમારા પગ બની જશે. સમજોને કે સેગવે પર ફરતી વખતે તમને એવું જ લાગશે કે જાણે તમે જાદુઈ જૂતાં પહેલી લીધાં છે!"


તેર વર્ષ પહેલાં સેગવે લોન્ચ થયું ત્યારે મજાની વાત એ બની કે ડિન કેમેનના લગભગ બધા ટેક્નોલોજિકલ દાવા સાચા પુરવાર થયા. અપેક્ષા તો એવી હતી કે જોતજોતામાં દુનિયાભરમાં સેગવે ધૂમ મચાવી દેશે. શહેરોમાં પરિવહનનું આખું ચિત્ર જ બદલાઈ જશે. મોટાં વાહનો ઓછાં વપરાવાથી રસ્તા પર ટ્રાફિક અને પોલ્યુશન બન્ને ઓછાં થઈ જશે ને વર્ષેદહાડે લાખો લિટર પેટ્રોલ-ડીઝલની બચત થશે.
એવું કશું જ ન બન્યું. સેગવે એક કમર્શિયલ પ્રોડક્ટ તરીકે તદ્દન નિષ્ફળ પુરવાર થયું. ડિન કેમેનની કંપનીએ ઉત્સાહમાં આવીને વર્ષે પાંચ લાખ યુનિટ પેદા કરી શકે એવું તોસ્તાનછાપ માળખું ઊભું કરી નાખ્યું હતું, પણ પહેલાં સાત વર્ષ દરમિયાન પૂરાં ૩૦ હજાર પીસ પણ ન વેચાયા. સેગવેેને ટેક્નોલોજિકલ ડિઝાસ્ટરનું બિરુદ મળ્યું. ક્યાં કાચું કપાયું? સ્ટીવ જોબ્સ જેવા વિઝનરી માણસની આગાહી શા માટે ખોટી પડી?
સેગવેની નિષ્ફળતા પછી તો ખૂબ બધાં વિશ્લેષણો થયાં, જેમાંથી સૌથી કોમન મુદ્દા બહાર આવ્યા તે આ હતા. સૌથી પહેલું તો એની કિંમત. રૂપિયામાં કન્વર્ટ કરીને ગણતરી કરીએ તો, એક સેગવે ખરીદવા તમારે ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડે. આટલાં નાણાંમાં બ્રાન્ડ-ન્યૂ નાની કાર અથવા સેકન્ડ-હેન્ડ મોટી કાર આવી જતી હોય તો કોઈ શું કામ સેગવે નામનું રમકડું ખરીદે? નિષ્ફળતાનું બીજું સૌથી મોટું કારણ હતું, ટ્રાફિકના કાયદા. સેગવેને રોડ વ્હિકલની કઈ કેટેગરીમાં મૂકવું એ જ નક્કી કરી શકાતું નહોતું. સેગવેને રોડ પર ચલાવવાનું કે ફૂટપાથ પર? દુનિયાભરનાં શહેરોની ફૂટપાથ રાહદારીઓ માટે અને સડકો ઝડપી વાહનો માટે ડિઝાઇન થયેલી છે. સેગવે આ બેમાંથી એકેયમાં ફિટ થતું નહોતું. અમુક દેશોમાં તો તેને રસ્તા કે ફૂટપાથ પર ચલાવવાનું જ ગેરકાયદે ઠેરવવામાં આવ્યું. તમે ઇચ્છો તો ક્લબ કે કેમ્પસ કે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ જેવી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ફેરવી શકો છો, પણ એને રસ્તા પર નહીં કાઢવાનું!


ઘણા લોકોને એનો દેખાવ જરાય ન ગમ્યો. એમનું કહેવું હતું કે સેગવે પર ઊભા ઊભા કશેક જતાં હોઈએ તો જોકર જેવા દેખાઈએ છીએ. વટ પડવાની તો વાત જ ભૂલી જાઓ! સેગવે પરથી લોકો ગબડી પડવાને કારણે ઘાયલ થઈ ગયા હોય એવા બનાવ પણ નોંધાયા. વચ્ચે ખામીયુક્ત ૨૮,૦૦૦ મોડલ માર્કેટમાંથી પાછાં ખેંચી લેવાં પડયાં હતાં.
ભારતમાં સેગવેની એન્ટ્રી ૨૦૧૦માં થઈ. ભારતમાં હજુ સુધીમાં એના અઢીસો નંગ જ વેચાયા છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન,પાર્લામેન્ટ, ઇન્ડિયા ગેટ વગેરેને આવરી લેતી સેગવે ટૂરનું આયોજન થાય છે. મહારાષ્ટ્રના અલ્ટ્રા ગ્લેમરસ (અને વિવાદાસ્પદ) લ્વાસા સિટીમાં સેગવેનો ઉપયોગ ટૂરિસ્ટોને આકર્ષવા માટે થાય છે. મનમોહન સરકારે ગયા વર્ષે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન ઘડી કાઢયો હતો, જેમાં એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડલી વાહનોના વપરાશ પર જોર દેવાની વાત છે. ખાટલે મોટી ખોડ એ છે કે સેગવેનો સમાવેશ આ પ્લાન હેઠળ થઈ શકતો નથી. સેગવે એક વ્હિકલ છે અને તેના પર ભારતનો મોટર વ્હિકલ એક્ટ લાગુ પડે છે. છતાંય સેગવે કંપનીને આશા છે કે તાજેતરમાં જાપાનમાં જઈને ઢોલ વગાડી આવેલા નરેન્દ્ર મોદીની કૃપાદૃષ્ટિ વહેલીમોડી સેગવે પર જરૂર પડશે. વેલ, અહીં અનુપમ ખેરનો તકિયા કલામ 'કુછ ભી હો સકતા હૈ' વાપરી શકાય તેમ છે કે કેમ, તે મોટો સવાલ છે!

o o o 

Thursday, September 4, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૮૬ : ‘કાસ્ટ અવે’

Mumbai Samachar - Matinee - Aug 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો 

ફિલ્મ ૮૬  : ‘કાસ્ટ અવે’

અકેલે હૈ... ચલે આઓ... જહાં હો


આજે એક મોડર્ન ક્લાસિકની વાત કરવી છે. પૂરેપૂરી શક્યતા છે કે ટોમ હેન્કસની આ અપ્રતિમ ફિલ્મ તમે ઓલરેડી એક કરતાં વધારે વખત જોઈ ચુક્યા હો. 

ફિલ્મમાં શું છે?

ચક નોલેન્ડ (ટોમ હેન્ક્સ) એક મધ્યવયસ્ક અમેરિકન આદમી છે. જાણીતી ઈન્ટરનેશનલ કુરિયર કંપની ફેડએક્સમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. કામના ભાગ રૂપે એણે સતત દુનિયાભરના દેશોમાં ઊડાઊડ કરતાં રહેવું પડે છે. ચક એટલો સિન્સિયર અને બિઝી માણસ છે કે પોતાની લિવ-ઈન ગર્લફ્રેન્ડ કલી (હેલન હન્ટ) પ્રત્યે ભરપૂર પ્રેમ હોવા છતાં તેની સાથે વિધિસર લગ્ન કરવાનો સમય ફાળવી શકતો નથી. જોકે આખરે એક વાર એક બિઝનેસ ટ્રિપ પર જતાં પહેલાં એ કલીને એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી દે છે. બસ, પાછા આવ્યા બાદ તરત લગ્ન કરી લેવાંની ગણતરી છે.

ફેડએક્સના કાર્ગો પ્લેનમાં ચક ઉપરાંત ફક્ત ક્રૂના સભ્યો જ છે. રાત્રે અચાનક પ્લેન ભયાનક તોફાનમાં સપડાઈ જતાં દરિયામાં ખાબકે છે. માંડ માંડ પાણીની સપાટી પર આવેલા ચકના હાથમાં રબરનો તરાપો યા તો લાઈફ-રાફ્ટ આવી જાય છે. ઊંચા ઉછળતાં મોજાં વચ્ચે એનો તરાપો હાલકડોલક થતો રહે છે. બેહોશ થઈ ગયેલા ચકની આંખો ખૂલે છે ત્યારે એ જુએ છે કે એ કોઈ અજાણ્યા ટાપુના કિનારા પર ફેંકાયેલો પડ્યો છે. ચકનો ચમત્કારિક બચાવ થઈ ગયો, પણ કાર્ગો પ્લેનના ક્રૂ મેમ્બર્સનો કોઈ પત્તો નથી. હા, કુરિયરનાં કેટલાંક પાર્સલો એની સાથે ટાપુ પર જરૂર તણાઈ આવ્યો છે.



કમ્યુનિકેશનનું કોઈ જ સાધન ચક પાસે નથી. હવે શરુ થાય છે અસ્તિત્વ ટકાવી રાખવાનો જીવલેણ સંઘર્ષ. ચકે કુરિયરનાં પાર્સલો ખોલવા પડે છે. કોઈકમાં આઈસ સ્કેટ્સ છે. કોઈકમાં કપડાં છે. એકાદમાંથી વોલીબોલ નીકળે છે. એક ડેકોરેટડ પાર્સલને એ કોણ જાણે કેમ ખોલતો નથી. આગ પેટાવવાની કોશિશ કરતાં એના હાથમાં લોહી નીકળી આવ્યું હતું. પોતાના જખ્મી હાથના લોહીથી એ વોલીબોલ પર માણસના ચહેરા જેવી આકૃતિ બનાવે છે. એને નામ આપે છે, વિલ્સન. હવે આગામી ચાર વર્ષ દરમિયાન આ નિર્જીવ વિલ્સન જ ચકનો જોડીદાર બની રહેવાનો છે.

ચક સમજે છે કે લાપત્તા થઈ ગયેલાં પ્લેનની તલાશ કરવાની કોશિશ થઈ હશે તો પણ પાંચ લાખ ચોરસ માઈલના વિરાટ ઈલાકાને ફંફોસીને આ ટાપુ પરથી પોતાને શોધી કાઢવાનું લગભગ અશક્ય છે. દે-ઠોક કરીને એ ટાપુ પર જીવન ઊભું કરી લે છે. આગ પેટાવવી, દરિયામાંથી કરચલાં પકડીને પકવવા, નાળિયેરનું પાણીપીવું, નાની ગુફામાં ઘર બનાવીને રહેવું આ બધું ચક શીખી લે છે. 



સમય વીતતો જાય છે. અઠવાડિયા, મહિના, એક વરસ, બે વરસ, ચાર વરસ... દુનિયાથી કપાઈ ગયેલો ચક જેમતેમ કરીને ટકી રહ્યો છે. શરીર સૂકાઈને કાંટા જેવું થઈ ગયું છે. દાઢી વધી ગઈ છે. વાતો કરવા માટે કેવળ વિલ્સન વોલીબોલ છે. યાદ કરવા માટે પ્રેમિકા છે. કદાચ આ બન્નેને લીધે જ ચકની માનસિક સમતુલા જેમતેમ સચવાઈ રહી છે. મોજાં ક્યારે કઈ દિશામાં વહેશે તેની કાચી ગણતરી કરીને એ એકવાર તરાપા જેવું બનાવી દરિયામાં કૂદી પડે છે. ટાપુ પર આ રીતે મરવા કરવા કરતાં જીવવાની કોશિશ કરતાં કરતાં કેમ ન મરવું. પહેલો પ્રયત્ન નિષ્ફળ જાય છે, પણ બીજા પ્રયત્ને એ ટાપુના ઊછળતાં મોજાં પાર કરીને આગળ નીકળી જાય છે. એણે તરાપા પર પેલા વિલ્સનને બાંધ્યો છે. પેલું ખોલ્યા વગરનું ફેડએક્સનું પાર્સલ પણ સાથે લીધું છે.

અનંત મહાસાગરમાં એનો ટચુકડો તરાપો અથડાઈ-કૂટાઈ રહ્યો છે. દરમિયાન પેલો વિલ્સન વોલીબોલ પાણીમાં ઉછળીને દૂર સરકી જાય છે. ચકનું ધ્યાન જાય છે ત્યાં સુધીમાં તે ખાસ્સો એવો દૂર જતો રહે છે. જાણે કોઈ સ્વજનને ગુમાવી

દીધું હોય એમ ચક મોંફાટ રડે છે. કોણ જાણે કેટલાય દિવસ ચકે તરાપા પર પસાર કરે છે. આખરે એક કાર્ગો શિપ બાજુમાંથી પસાર થાય છે. એ ચકને બચાવી લેવામાં આવે છે.

ચક પાછો અમેરિકા આવે છે. કંપની એનાં અણધાર્યા આગમનના માનમાં પાર્ટી રાખે છે. ચકને ખબર પડે છે કે આ ચાર વર્ષમાં કલીએ લગ્ન કરી લીધાં છે અને એને એક દીકરી પણ છે. કલીનો હસબન્ડ એક સમયે ચકનો ડેન્ટિસ્ટ હતો. ચક કલીના ઘરે જાય છે. બધું જ બદલાઈ ગયું છે. કલીએ નછૂટકે માની લેવું પડ્યું હતું કે પ્લેન ક્રેશમાં ચક મૃત્યુ પામ્યો હશે. એણે બીજાઓના કહેવાથી લગ્ન કરી લેવા પડ્યાં હતાં. ઉદાસ ચક વિદાય લે છે ત્યાં અચાનક કલી દોડતી આવીને એને વળગી પડે છે. કહે છે, તું દુનિયામાં નથી રહ્યો એવું મેં ક્યારેય માન્યું નહોતું, મારો વન-એન્ડ-ઓન્લી-લવ તું જ હતો ને તું જ રહેવાનો છે. ચક કહે છે કે મારા પ્રેમમાં તો ક્યારેય ઓટ આવી જ નહોતી... 



ચકે કલીને બીજી વાર ગુમાવી દીધી છે. એ ફરી પાછો એકલતાના ટાપુ પર ફેંકાઈ ગયો છે. એનો દોસ્ત સમજાવે છે કે વાસ્તવિકતાને સ્વીકાર્યે જ છૂટકો. જિંદગીમાં લાંબા પ્લાન કર્યા કરવાનો મતલબ નથી. લાઈફમાં ક્યારે શું બનવાનું છે એની ક્યાં કોઈને ખબર હોય છે.

એક દિવસ પેલું ફેડએક્સનું પેલું ખોલ્યા વગરનું પાર્સલ લઈને ચક મોકલનારનાં સરનામા પર પાછું આપવા માટે નીકળે છે. ઘરે તાળું છે. પાછાં ફરતાં સિગ્નલ પાસે ચક અટકે છે. જીપમાં પસાર થઈ રહેલી એક સુંદર યુવતીને એ રસ્તો પૂછે છે. યુવતી દિશા ચીંધીને હસીને નીકળી જાય છે. ચકને સમજાય છે કે આ એ જ યુવતી છે જેેનું પાર્સલ લઈને એ આવ્યો હતો. ચક ચાર રસ્તાની વચ્ચોવચ્ચ ઊભો છે. પેલી યુવતી જે માર્ગ પર ગઈ તે દિશા તરફ વળીને મુસ્કુરાય છે. જિંદગીને કદાચ નવી દિશા મળી ગઈ છે. આ પોઝિટિવ નોટ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

કમાલ છે ડિરેક્ટર રોબર્ટ ઝેમેરિક્સ અને એક્ટર ટોમ હેન્ક્સની જોડી. ૧૯૯૪માં તેઓ ‘ફોરેસ્ટ ગમ્પ’ નામની અદ્ભુત ફિલ્મ લઈને આવ્યા હતા. છ વર્ષ પછી તેઓ એટલી જ અદ્ભુત ‘કાસ્ટ અવે’ લઈને આવ્યા. ટોમ હેન્કસ આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે.

ચક નોલેન્ડ જેવા ચેલેન્જિંગ રોલ મેળવવા માટે નસીબ જોઈએ અને આવા રોલને જીવી જવા માટે જબરદસ્ત ટેલેન્ટ જોઈએ. સૌથી પહેલાં તો, એક એવરેજ ચરબીદાર અમેરિકન આદમી દેખાવા માટે ટોમ હેન્કસે ‘કાસ્ટ અવે’નું શૂટિંગ શરૂ થાય એના મહિનાઓ પહેલાં એક્સરસાઈઝ કરવાનું બંધ કરી દીધું હતું. આંકરાતિયાની માફક ખાવાનું શરૂ કરી ખાસ્સું વજન વધાર્યું. નિર્જન ટાપુ પર પહોંચીને ચક ટકી રહેવા માટેનો સંઘર્ષ શરૂ કરે છે ત્યાં સુધીનો ભાગ શૂટ થઈ ગયા પછી શૂટિંગ પૂરા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યું. હવે ટોમ હેન્ક્સે શરીરનાં હાડકાં દેખાઈ આવે એટલી હદે પાતળાં થવાનું હતું અને દાઢી વધારવાની હતી. ધાર્યો લૂક અચીવ થયો પછી શૂટિંગ પુન: શરૂ કરવામાં આવ્યું. પોતાની ફિલ્મ અને રોલ પ્રત્યે કેવી નિષ્ઠા, કેવી વફાદારી! ટોમ હેન્ક્સ અમસ્તો જ દુનિયાનો મોસ્ટ લવ્ડ એક્ટર નથી ગણાતો! 



અચ્છા, વચ્ચેના એક વર્ષ દરમિયાન શું રોબર્ટ ઝેમેરિક્સ અને એમની ટીમ નવરી બેસી રહી? ના. આ ગાળામાં આ જ ટેક્નિશિયનોની ટીમ સાથે રોબર્ટે ‘વોટ લાઈઝ બિનીધ’ ફિલ્મ બનાવી નાખી!

લોકો માને છે કે ‘કાસ્ટ અવે’માં ફેડએક્સ કુરિયર કંપનીનું ફાંકડું પ્રોડક્ટ પ્લેસમેન્ટ થયું છે. સચ્ચાઈ એ છે કે ફેડએક્સે ફિલ્મના પ્રોડ્યુસરોને એક ફદિયું પણ પરખાવ્યું નથી. કંપનીના સાહેબોએ શૂટિંગ શરૂ થાય તે પહેલાં સ્ક્રિપ્ટનો અભ્યાસ કર્યો હતો. એમને કશું વાંધાજનક ન લાગ્યું. ઊલટાનું, ફિલ્મમાં ફેડએક્સને ઉત્તમ કુરિયર કંપની તરીકે ઊપસાવવામાં આવી હોવાથી તેમણે પોતાનાથી બને એટલો સહયોગ આપ્યો. એક દશ્યમાં કંપનીના માલિક ફ્રેડ સ્મિથ સ્ક્રીન પર દેખા સુધ્ધાં દે છે. ફિલ્મ રિલીઝ થઈ પછી ફેડએક્સની બ્રાન્ડ વેલ્યુ ઑર ઊંચકાઈ. એશિયા અને યુરોપિયન માર્કેેટમાં બિઝનેસ વધ્યો.

ટાપુ પર ટોમ હેન્ક્સને પેલો વિલ્સન નામનો વોલીબોલ સાથ આપે છે. વિલ્સનનું પાત્ર એક સ્માર્ટ સિનેમેટિક ડિવાઈસ યા તો યુક્તિ છે. ટોમને સ્ક્રીન પર બોલતો, વાતો કરતો બતાવવો હોય તો સામે બીજું કોઈ પાત્ર ઊભું કરવું જ પડે. વિલ્સન વૉલીબોલનું નામ પણ અસલી સ્પોર્ટસ કંપની વિલ્સન સ્પોર્ટિંગ ગૂડ્સ પરથી રાખવામાં આવ્યું છે. શૂટિંગ દરમિયાન ત્રણ વોલીબોલનો ઉપયોગ થયો હતો. આ ત્રણેય વોલીબોલ પછી હરાજીમાં ખૂબ ઊંચી કિંમતે વેચાયા હતા. ‘કાસ્ટ અવે’નું શૂટિંગ ફિજીના જે મોનુરિકી નામના ટાપુ પર કરવામાં આવ્યું હતું તે ટુરિસ્ટ સ્પોટ તરીકે હોટ-એન્ડ-હેપનિંગ બની ગયો છે.

ફિલ્મ જબરદસ્ત હિટ થઈ, ખૂબ વખણાઈ. ‘કાસ્ટ અવે’એ ફિલ્મમેકિંગની કેટલીક પ્રચલિત માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. નિર્જન ટાપુવાળો ભાગ ફિલ્મનો સૌથી પાવરફુલ હિસ્સો છે. લગભગ ચાલીસ મિનિટ જેટલી આ સિકવન્સમાં ઓછામાં ઓછા ડાયલોગ્ઝ છે. ક્યાંય સુધી સ્ક્રીન પર એક પણ શબ્દ બોલાતો નથી. ફક્ત પવન ફૂંકાતો રહે છે, દરિયો ઘૂઘવતો રહે છે. સાયલન્સનો આટલો અસરકારક ઉપયોગ ફિલ્મોમાં ભાગ્યે જ થતો હોય છે. ઓછામાં ઓછી ઘટનાઓ બનતી હોવા છતાં, પડદા પર એકનો એક માણસ દેખાતો હોવા છતાં દર્શકો બોર થતા નથી, બલકે અધ્ધર જીવે એની સ્ટ્રગલ જોયા કરે છે, એના સુખ-દુખ-નિરાશા-ઉત્તેજના સ્વયં અનુભવતા રહે છે. ઓડિયન્સને આટલો લાંબો સમય સુધી જકડી રાખવા બહુ કઠિન છે, પણ ટોમ હેન્ક્સનો અદભુત અભિનય અને રોબર્ટ ઝેમેરિક્સનું મેચ્યોર ડિરેક્શન આ જોખમી કામ અસરકારક રીતે કરી શક્યા છે. ફિલ્મના ઉત્તરાર્ધમાં ટોમ હેન્ક્સ પરિણીત પ્રેમિકાને મળીને પાછો આવે છે પછી ઉદાસ થઈને દોસ્ત સાથે વાતચીત કરે છે. આ ત્રણ મિનિટ ૪૬ સેક્ધડનો સીન વાસ્તવમાં એક પણ કટ વગરનો સળંગ શોટ છે.

‘કાસ્ટ અવે’માં હળવો ફિલોસોફિકલ રંગ છે. જીવનની અનિશ્ર્ચિતતા, મોતની અનિશ્ર્ચિતતા, સંબંધોમાં અનિશ્ર્ચિતતા... માણસે આખરે તો વિરાટ સમુદ્રના કોઈ નાનકડા ટાપુની માફક એકલા જ જીવવાનું હોય છે. હોલિવૂડની આ પહેલી ‘એક્ઝિસ્ટેન્શિયલ બ્લોકબસ્ટર’ છે. ક્યારેય ન ભુલી શકાય એવી આ માતબર ફિલ્મ વારેવારે જોવી ગમે તેવી છે.

ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : રોબર્ટ ઝેમેરિક્સ

સ્ક્રિપ્ટ : વિલિયમ બોયેલ્સ જુનિયર

કલાકાર : ટોમ હેન્ક્સ, હેલન હન્ટ

રિલીઝ ડેટ : ૨૨ ડિસેમ્બર, ૨૦૦૦

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટર અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ 


0 0 0

Wednesday, September 3, 2014

ટેક ઓફ : ગુજરાતી રાજયપાલો : ચંદુલાલથી વજુભાઈ સુધી

Sandesh -Ardh Saptahik Purti - 3 sept 2014

ટેક ઓફ 

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કનૈયાલાલ મુનશીને પ્રધાનમંડળમાં સામેલ નહોતા કર્યા. પોતાની નીતિઓ અથવા વિચારો સામે વિરોધ નોંધાવનારા કેટલાય બાહોશ નેતાઓને નહેરુએ રાજ્યપાલ પદે ગોઠવી લગભગ શક્તિહીન કરી દીધા હતા, પણ મુનશીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કેવળ રબર સ્ટેમ્પ બની રહેવું મંજૂર નહોતું. તેમણે નવો શિરસ્તો દાખલ કર્યો. દર ત્રણ મહિને રાજ્યના મુખ્યમંત્રીએ ગવર્નરને કાયદેસર મળવું પડે અને પ્રશાસન સંબંધિત પરિસ્થિતિથી ગવર્નરને વાકેફ કરવા પડે!


Raj Bhavan, Kolkata

ગુજરાત સાથે સંકળાયેલાં બે રાજયપાલો તાજેતરમાં ન્યૂઝમાં છે. એક તો, કમલા બેનીવાલ, જેમનું નામ આર્થિક ગેરરીતિઓને કારણે ખરડાયું અને બીજા, તાજા તાજા કર્ણાટકના ગવર્નર બનેલા વજુભાઈ વાળા. આ ભાજપી નેતા એમની કાતિલ કાઠિયાવાડી હ્યુમર અને પુસ્તક-વિમોચનના શોખ માટે જાણીતા છે!
ભારતના કોઈ પણ રાજ્યના ગવર્નર તરીકે નિમાયેલા સૌપ્રથમ ગુજરાતી હતા, ચંદુલાલ માધવલાલ ત્રિવેદી. સૌથી પહેલા તેઓ ઓરિસાના રાજ્યપાલ બન્યા હતા (૧૯૪૬-૪૭). પંજાબના સર્વપ્રથમ રાજ્યપાલ બનવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું (૧૯૪૭-૧૯૫૩). એ જ રીતે આંધ્રપ્રદેશના સૌથી પહેલા રાજ્યપાલ તરીકે પણ તેઓ જ નિયુક્ત થયેલા (૧ ઓક્ટોબર, ૧૯૫૩થી ૧ ઓગસ્ટ, ૧૯૫૭). જાતજાતની બ્રિટિશ પદવીઓ મેળવી ચૂકેલા આઈએએસ ઓફિસર ચંદુલાલને ૧૯૫૬માં પદ્મવિભૂષણનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કપડવંજમાં જન્મેલા અને ઉછરેલા ચંદુલાલે નિવૃત્ત થયા પછીનું શેષ જીવન વતનમાં જ ગાળ્યું હતું.
ગવર્નર પદે નિમાયેલા સંભવતઃ સૌથી વિખ્યાત ગુજરાતી કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનેલા. મુનશી સર્વકાલીન શ્રેષ્ઠતમ ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે જ, પણ તેમની બિનસાહિત્યિક સિદ્ધિઓ પણ ચક્કર આવી જાય એવી પ્રભાવશાળી છે. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના એમણે કરી હતી. મુંબઈમાં આજે પણ શિક્ષણ અને કલા ક્ષેત્રે ભારતીય વિદ્યા ભવન મુઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. આઝાદી પહેલાં બોમ્બે સ્ટેટના ગૃહપ્રધાન બન્યા, આઝાદી પછી તરત હૈદરાબાદ સ્ટેટના એજન્ટ-જનરલ બન્યા, સાંસદ રહ્યા, કેન્દ્રીય અન્નમંત્રી તરીકે જવાબદારી સંભાળી અને છેલ્લે યુપીના રાજ્યપાલ તરીકે નિમાયા. કોણ કહે છે કે મન પર બીજો કોઈ ભાર ન હોય અને સંપૂર્ણ એકાગ્રતા હોય તો જ સાહિત્યનું સર્જન શક્ય છે?

Kanaiyalal Munshi

 ૧૯૫૨માં દેશમાં પહેલી વાર જનતા દ્વારા ચૂંટાયેલી સરકારની રચના થઈ હતી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જોકે મુનશીને પ્રધાનમંડળમાં સામેલ નહોતા કર્યા. પોતાની નીતિઓ અથવા વિચારો સામે વિરોધ નોંધાવનારા કેટલાય બાહોશ નેતાઓને નહેરુએ રાજ્યપાલ પદે ગોઠવી લગભગ શક્તિહીન કરી દીધા હતા, પણ મુનશીને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે કેવળ રબર સ્ટેમ્પ બની રહેવું મંજૂર નહોતું. તેમણે નવો શિરસ્તો દાખલ કર્યો. દર ત્રણ મહિને રાજ્યના મુખ્યમંત્રીએ ગવર્નરને કાયદેસર મળવું પડે અને પ્રશાસન સંબંધિત પરિસ્થિતિથી ગવર્નરને વાકેફ કરવા પડે!
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકેનાં પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મુનશીએ 'ભગ્ન પાદુકા' સહિત પાંચેક નવલકથાઓ લખી. લખનૌના રાજભવનને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. તેઓ સાહિત્ય, ચિત્રકળા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે સંકળાયેલા કલાકારોને રાજભવનમાં આમંત્રણ આપતા અને પુરસ્કાર આપી સન્માનિત કરતા.
મંગલદાસ પકવાસા (જન્મઃ ૧૮૮૨, મૃત્યુઃ ૧૯૬૮) મધ્યપ્રદેશ, બોમ્બે અને મૈસૂરના ગવર્નર રહી ચૂક્યા છે. ગાંધીજી સાથે તેઓ નિકટતા ધરાવતા હતા. મંગલદાસનાં પુત્રવધૂ પૂર્ણિમાબહેન પકવાસા સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતાં છે. તેમને પણ ગાંધી સંસ્કારો મળ્યાં છે. દાંડીકૂચ વખતે તેઓ ૧૮ વર્ષનાં હતાં. ધરપકડ બાદ જેલમાં પુરાયાં ત્યારે કસ્તૂરબાને તેઓ અંગ્રેજી વાંચતાં-લખતાં શીખવવાની કોશિશ કરતાં! 'ડાંગનાં દીદી'નું બિરુદ પામેલાં પૂર્ણિમાબહેનની દીકરી સોનલ માનસિંહ ભારતીય શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે બહુ જાણીતું નામ છે.
ઔર એક ગાંધીવાદી પ્રભુદાસ પટવારી ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન તામિલનાડુના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ વકીલ અને એક્ટિવિસ્ટ હતા. તેઓ મૃત્યુપર્યંત ગુજરાતની દારૂબંધીને સક્રિય સમર્થન આપતા રહ્યા.

ઔર એક નામ - વીરેન શાહ. બંગાળના ગવર્નર રહી ચૂકેલા વીરેન શાહ અને ધીરુભાઈ અંબાણી વચ્ચે એક બાબત કોમન હતી. બન્નેનાં મૂળિયાં ચોરવાડમાં છે. વીરેન શાહનો જન્મ અને ઉછેર જોકે કોલકાત્તામાં થયો હતો. ધીરુભાઈથી થોડા સમય પહેલાં થઈ ગયેલા ઉદ્યોગપતિ જીવણલાલ શાહ પંદર વર્ષની ઉંમરે કોલકાત્તા આવીને એક પારસી વેપારીને ત્યાં નોકરીએ રહી ગયેલા. ગુજરાત કરતાં અહીં પગાર સારો મળતો હતો એટલે ધીરે ધીરે પોતાના ત્રણેય ભાઈઓને કોલકાત્તા બોલાવી લીધા. અહીં તેમણે એલ્યુમિનિયમનાં વાસણોનો વેપાર શરૂ કર્યો. પછી ૧૯૧૦માં વાસણ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. દેશમાં આ પ્રકારનું આ પહેલું કારખાનું હતું, જે સમય જતાં જીવણલાલ મોતીલાલ લિમિટેડ નામથી જાણીતું બન્યું.

Viren Shah

જીવણલાલ માત્ર વેપારી માણસ નહોતા. ૧૯૧૯માં ગાંધીજી અને જમનાલાલ બજાજના સંપર્કમાં આવ્યા બાદ જીવણલાલ અને તેમના નાના ભાઈ હરખચંદ દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા. ગાંધીજીની વિવિધ કામગીરીઓ માટે મોટી આર્થિક સહાય કરી. વીરેન શાહ એટલે આ જીવણલાલના પુત્ર. ૧૯૩૪ના અરસામાં જીવણલાલ ધીકતી કમાણી કરતી પેઢી કેનેડાની કોઈ કંપનીને સોંપીને કોલકાત્તાથી વતન ચોરવાડ આવી ગયા. તે વખતે વીરેન શાહ આઠેક વર્ષના હતા.
પ્રાથમિક શિક્ષણ કોલકાત્તામાં લીધા બાદ વીરેન શાહે ભાવનગરની દક્ષિણામૂર્તિ સહિત મુંબઈ અને નાસિકની સ્કૂલોમાં અભ્યાસ કર્યો. વર્ધાની જે કોમર્સ કોલેજમાં તેઓ ભણતા હતા તેના પ્રિન્સિપાલ શ્રીમન્નારાયણ પછીથી ગુજરાતના રાજ્યપાલ બનેલા. વીરેન શાહ પિતાની માફક ઉદ્યોગપતિ તરીકે સફળ થતા ગયા. દેશની મહત્ત્વની પોલાદ કંપની તરીકે જાણીતી બનેલી મુંબઈસ્થિત મુકુંદ આયર્ન કંપનીમાં તેઓ ૨૭ વર્ષ સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે સક્રિય રહ્યા. ધીમે ધીમે તેઓ રાજકીય સ્તરે પણ ગતિશીલ બનતા ગયા. ૧૯૬૭માં જૂનાગઢ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા. ૧૯૭૭માં દેશમાં કટોકટી લદાઈ ત્યારે અનેક નેતાઓની ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. મિસા (મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ) હેઠળ જેલમાં જનારા વીરેન શાહ એકમાત્ર ઉદ્યોગપતિ હતા. મુંબઈની આર્થર રોડ જેલ તેમજ દિલ્હીની તિહાર જેલમાં તેમણે ૧૯ મહિના ગાળ્યા. કટોકટી બાદ જનતા પક્ષની સરકાર રચાઈ. જનતા પક્ષે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા.
વીરેન શાહમાં પિતાની વેપારવૃત્તિ ઉપરાંત નીતિમૂલ્યો પણ ઊતરી આવ્યાં હતાં. સૌરાષ્ટ્રના દરિયાકિનારે આગળ વધી રહેલા ક્ષારને અટકાવવા વીરેન શાહે સરકારને કેટલાંક અગત્યનાં સૂચનો કર્યાં હતાં તેમજ આર્થિક સહાય કરવાની તૈયારી પણ દેખાડી હતી. ચોરવાડના દરિયાકિનારે પવનચક્કી નાખવાની પહેલ પણ તેમણે જ કરી હતી. ૧૯૯૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે એમની આર્થિક સંપત્તિ ૧૩૦૦ કરોડ રૂપિયા જેટલી હતી. ૨૦૦૫ પછી તેમણે મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળ્યું. ગયા વર્ષે તેમનું નિધન થયું ત્યારે ચોરવાડની જનતાએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. 
વીરેન શાહ પછી તરત બંગાળના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળનારા પણ ગુજરાતી આદમી હતા - ગોપાલકૃષ્ણ ગાંધી. એ ગાંધીજીના પૌત્ર અને દેવદાસ ગાંધીના પુત્ર.
જુદાં જુદાં રાજ્યોના ગવર્નર પદે રહી ચૂકેલાં હજુ કેટલાંક ગુજરાતી નામો. જયસુખભાઈ હાથી, જે ૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં પંજાબમાં ગવર્નરપદે સક્રિય હતા. ખંડુભાઈ કરસનજી દેસાઈ, જે ૧૯૬૮થી ૧૯૭૫ દરમિયાન આંધ્રપ્રદેશના ગવર્નર હતા. કુમુદબહેન જોશી પણ આંધ્રપ્રદેશમાં ૧૯૮૫થી ૧૯૯૦ દરમિયાન ગવર્નર રહી ચૂક્યાં છે.


ચંદુલાલ ત્રિવેદીથી શરૂ થઈને વજુભાઈ વાળા સુધી પહોંચેલી ગુજરાતી રાજયપાલોની સૂચિમાં ભવિષ્યમાં અનેક નામો ઉમેરાશે પણ એ પહેલાં છેલ્લે એક નામ યાદ કરી લઈએ. ભારતના ગઠન વખતે સૌપ્રથમ પોતાના રાજ્યને ભેળવી દેવાની વાત કરનારા ભાવનગરના રાજા પણ આઝાદ ભારતમાં ગવર્નર રહી ચૂક્યા છે. એમનું નામ કૃષ્ણકુમારસિંહ ભાવસિંહજી. એ ત્યારના મદ્રાસ અને હાલના ચેન્નાઈમાં ૧૯૪૮થી ૧૯૫૨ દરમિયાન પ્રથમ ભારતીય અને ગુજરાતી ગવર્નર બન્યા હતા.  

0 0 0