Tuesday, July 29, 2014

ટેક ઓફ : અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે

Sandesh - Ardh Saptahik Purty - 30 July 2014

ટેક ઓફ 

આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે,આજ નથી જાવું બસ કોઈનાય કામ પર... અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર! 


સ્ત ચોમાસું જામ્યું હોય ત્યારે વરસાદી કાવ્યોથી ન ભીંજાઈએ તે કેમ ચાલે. સુરેશ દલાલે 'ગીતવર્ષા' નામનું વર્ષાકાવ્યોનું સુંદર સંપાદન કર્યું છે. વર્ષો પછી હિતેન આનંદપરાએ આ અન્ય કવિઓ અને કવિતાઓને સમાવતું ઔર એક સંપાદન કર્યું, જે 'મોન્સૂન મસ્તી' નામે પ્રકાશિત થયું. તે પણ મસ્તમજાનું છે.
શરૂઆત કરીએ ચોમાસા સાથે સંકળાયેલી પીંગળશી ગઢવીની આ પંક્તિઓથી, જે એટલી હદે પ્રચલિત થઈ ચૂકી છે કે તેને લગભગ લોકસાહિત્યનો દરજ્જો મળી ગયો છેઃ 
આષાઢ ઉચારં, મેઘ મલારં
બની બહારં જલધારં,
દાદૂર ડકારં, મયૂર પુકારં
તડિતા તારં વિસ્તારં.
નાં લહી સંભારં, પ્યાસ અપારં
નંદકુમાર નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી
ગોકુલ આવો ગિરધારી રે જી રે
ગોકુલ આવો ગિરધારી!

પ્રત્યેક ગુજરાતી આ પંક્તિઓ, એના રાગ અને લયથી પરિચિત છે, પણ એટલું પૂરતું નથી, અર્થની પણ ખબર હોવી જાઈએ! કવિ સુરેન ઠાકર 'મેહુલ' સમજાવે છે, 'દાદૂર ડકારં એટલે દેડકાનું ડ્રાંઉં ડ્રાંઉં. તડિતા તારં વિસ્તારં એટલે વીજળીના તાર વિસ્તરતા જાય છે. ના લહીં સંભારં અર્થાત, મારી સંભાળ ન લીધી!' બાકીની પંક્તિઓ સ્વયં સ્પષ્ટ છે.
ચોમાસું જો ડાહ્યુંડમરું થઈને સમયસર હાજર થઈ ગયું હોય તો મોન્સૂન મસ્તી કરવાની મજા બમણી થઈ જાય, પણ આ વખતની જેમ વર્ષાઋતુ જો મોડી બેસે તો સંદીપ ભાટિયાની જેમ આપણા મનમાંય સવાલ થાયઃ કુદરતે તો વરસાદ મોકલી આપ્યો હતો, એ ક્યાંક ગેરવલ્લે તો નહીં ગયો હોયને?
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયાં તોય કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.
ચોમાસું ખેંચાઈ જાય એટલે આકાશ ઘેરાયેલું રહે, આપણને ટગવતું રહે, પણ વરસવાનું નામ ન લે. આપણે અકળાવા લાગીએ,ધીરજ ખૂટવા લાગે. આખરે કંટાળીને કૃષ્ણ દવેની માફક વાદળ પર ગુસ્સો કરી નાખીએ, પણ વાદળ પાસે ક્યાં પ્રતિપ્રશ્નો અને પ્રતિદલીલોની કમી છે. જુઓ કવિ અને વાદળ વચ્ચેની તડાફડીઃ
છેવટે કંટાળીને મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાનાં શું જાવ છો!
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ'દી ભીંજાવ છો?
મેં કીધું શું ક્યો છો? ગ્યા વરસે ક્યાં ર્યો'તો
છત્રી ઉઘાડવાનો વેંત?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉઘાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયાને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો?
મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો?
મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ઘોઘમારી વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો?



ખેર, મોડું તો મોડું, ચોમાસું આવ્યું એટલે ભયો ભયો. ચડો માળિયા પર, ઉતારો છત્રી, શોધો રેઈનકોટ. વરસાદને ગમે તેટલો મિસ કરતા હોઈએ તો પણ આખી સીઝન થોડા પલળતા રહીશું? છત્રીની જરૂર ક્યારેક તો પડવાની જ છે. ઉદયન ઠક્કર શું કહે છે તે સાંભળોઃ
ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે.
આકાશ વરસી રહ્યું હોય ત્યારે પહેલાં પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ (અથવા બિયરનો મગ, જેવી સગવડ) અને બીજા હાથમાં મનગમતું પુસ્તક લઈને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે, ચોમાસુ પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે. આવા માહોલમાં ઓફિસ જવાનું કોને ગમે. તેથી જ વેણીભાઈ પુરોહિત સ્પષ્ટપણે કહી દે છે કે -
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર -
અલ્યા ધીંગા વરસાદ! તારા નામ પર!
ચોમાસું આવે ને યાદ આવો તમે,
દિલને ગુલાબી આ ગમગીની ગમે
જિંદગીના ચોપડામાં જિંદગી છે જમે
આજ મને આવી છે ઊલટ આરામ પર
આજ નથી જાવું બસ કોઈનાય કામ પર.
વરસાદમાં અલસાતા પડયા હોઈએ ત્યારે વિચારતાં વિચારતાં કશુંક લખવાની બહુ મજા આવે. ધારો કે કાગળ પર કવિતા કે નવા વિચારો ન ઊતરે તો પણ સવારનું છાપું લઈને આડાઊભા ખાનાંની શબ્દરમત તો રમી જ શકાય છે. ભગવતીકુમાર શર્મા વરસાદી ક્રોસવર્ડ પઝલ કેવી રીતે ઉકેલે છે તે જુઓઃ
અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૃંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ચાર અક્ષરના બાર મેઘમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!



તમે કહેશો કે ચો-મા-સું તો ત્રણ અક્ષરનું થયું, એને અઢી અક્ષરનું કેવી રીતે ગણી શકાય? વેલ, કવિતામાં બધી છૂટ છે! કવિતા ભાવ અને સ્પંદન સમજે છે, ગણિત નહીં! એ જ રીતે વરસાદ પણ માત્ર વરસવાનું સમજે છે, પક્ષપાત નહીં. એ તો સૌના પર એકસરખો વરસે. વરસાદમાં તારું-મારું થોડું હોય. અલબત્ત, જો તમારી પાસે મનોજ્ઞા દેસાઈ જેવી સંવેદનશીલતા હોય તો વરસાદના પણ ભાગલા પાડી શકો છો ને પ્રેમપૂર્વક હક જમાવી શકો છો! જુઓઃ
એક મારો વરસાદ એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
આ સૌનાં હૈયાંમાં સૌનો વરસાદ લઈ
જોને વહેતાં જાય લોકો.
મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે?        
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જોજે વહી ન જાય મોકો...

બધાં કંઈ વર્ષાઋતુના પ્રેમમાં ન પણ હોય. દિવસોના દિવસો સુધી ખેંચાયા કરતો સૂર્યપ્રકાશ વગરનો ધાબળિયો માહોલ વિપિન પરીખને તો સાડાસાતી જેવો લાગે છે! સાંભળોઃ
માથા પર તોળાઈ રહેલું ગમગીન વાતાવરણ-
સાડાસાતી જેવું.
ગલી અને રસ્તા ઉપર ગંદા પાણીનાં વિશાળ સરોવર,
ટાયરમાં નકશો ભરીને કાદવ ઉડાડતી
દોડી જાય મોટર
ખાબોચિયાંમાંથી.
ભીનાં ભીનાં વસ્ત્રોની હાર
દિવસોના તાર ઉપર એમની એમ.
હવાઈ ગયેલા મિત્રો...
પોતાના જ ઘરમાં પોલીસ વિનાની નજરકેદ.
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ...
વરુણનું એકધારું સામ્રાજ્ય આ નધણિયાતા નગર ઉપર.
હવે આ ધોધમાર પાણીના પૂરમાં
સૂરજ પણ તણાઈ ગયો શું?
અમારાં મકાનોની જેમ...

તમે શાની રાહ જોઈ રહ્યા છો - વરસાદને ઔર માણવાના અવસરોની કે પછી વર્ષાઋતુની વિદાયની?  
0 0 0 

હૉલીવૂડ હન્ડ્રેડ : Film 81 : ‘અમાદીઉસ’


Mumbai Samachar - Matinee - 25 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

મશહૂર બ્રિટિશ નાટ્યલેખક પીટર શેફરે ‘ઈક્વસ’ નામનું યાદગાર નાટક લખ્યું હતું. એનું ગુજરાતી રૂપાંતરણ એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રની કલમે સર્જાયેલું અદ્ભુત નાટક, ‘તોખાર’. આ જ પીટર શેફરે પછી અમર સંગીતકાર મોઝાર્ટ અને તેના પ્રતિસ્પર્ધી પરથી પહેલાં ‘અમાદીઉસ’ નામનું નાટક લખ્યું, જેના પરથી પછી ફિલ્મ બની. પ્રોફેશનલ જેલસીની વાત કરતી આ સંગીતમય કૃતિ માણવાલાયક છે

Film 81 : ‘અમાદીઉસ’ 



રોક સકો તો રોક લો



માદીઉસ એટલે ઈશ્ર્વરના પ્યારા. પ્રભુને જેના પ્રત્યે ખૂબ વહાલ છે, એ. જગવિખ્યાત સંગીતકાર મોઝાર્ટનું આખું નામ છે, વુલ્ફગાન્ગ અમાદીઉસ

મોઝાર્ટ. એના જીવન પર આધારિત આ ફિલ્મ એક મસ્તમજાની કોસ્ચ્યુમ-કમ-પિરિયડ ડ્રામા છે.

ફિલ્મમાં શું છે?

કથા અઢારમી સદીમાં થઈ ગયેલા અમર ઓસ્ટ્રિયન સંગીતકાર વુલ્ફગાન્ગ અમાદીઉસ મોઝાર્ટ (ટોમ હલ્સ) અને તેના કટ્ટર હરીફ એન્ટોનિયો સેલીરી (એફ. મુરે અબ્રાહમ)ની છે. એન્ટોનિયો ભગવાનથી ડરનારો અને અઠંગ સંગીતપ્રેમી માણસ છે. રોમન સમ્રાટ જોસેફ બીજાના શાહી સંગીતકાર તરીકે એની ભારે પ્રતિષ્ઠા છે. આખું જીવન કોઈ અવરોધ વિના સંગીતને સમર્પિત કરી શકાય તે માટે યુવાનીમાં જ એણે બહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી.

એક વાર યુવાન સંગીતકાર મોઝાર્ટ સાલ્ઝબર્ગના પ્રિન્સ આર્કબિશપ સાથે વિએના આવે છે. એનીય સારી એવી નામના છે. એન્ટોનિયો મોઝાર્ટનું સંગીત સાંભળીને ચકિત થઈ જાય છે. એને થાય છે કે આવું દિવ્ય સંગીત ઈશ્ર્વરની કૃપા હોય તો જ જન્મે. મોઝાર્ટ વિશે વધારે જાણવાની ચટપટી જાગવાથી એ ગુપચુપ મોઝાર્ટ પર નજર રાખે છે. એણે મોઝાર્ટના ભવ્ય વ્યક્તિત્વની કલ્પના કરી હતી, પણ એનું વર્તન-વ્યવહાર જોયા પછી એન્ટોનિયો અતિ નિરાશ થાય છે: આવો ટેેલેન્ટેડ માણસ આટલો ઉછાંછળો અને વિચિત્ર કેવી રીતે હોઈ શકે? સમ્રાટ સાથે તેની મુલાકાત કરાવતી વખતે એન્ટોનિયો ખાસ સ્વાગત-સંગીત વગાડે છે. મોઝાર્ટ આ સ્વાગત-સંગીતમાંથી કેટલીય ભુલો શોધી કાઢે છે. કેવળ સ્મરણના આધારે એ સ્વાગત-સંગીત ખુદ વગાડે છે, એમાં થોડા ફેરફાર કરે છે અને કમાલની અસર ઊપજાવે છે.

એક તરફ બાલિશ વર્તન કરતા મોઝાર્ટ પર એન્ટોનિયોનો ગુસ્સો વધતો જાય છે અને બીજી બાજુ એની મેધાવી પ્રતિજ્ઞા જોઈને બળી બળીને ખાખ થઈ જાય છે. એને થાય છે કે ઈશ્ર્વરે દિવ્ય સંગીતની અભિવ્યક્તિ માટે વાતે વાતે ખિખિયાટા કરતા આવા ચક્રમ જેવા મોઝાર્ટને માધ્યમ બનાવ્યો? જાણે મોઝાર્ટને મોકલીને ઈશ્ર્વરે એની મજાક કરી રહ્યો છે. ભગવાન પરની એની શ્રદ્ધા ખળભળી ઊઠી છે. એને સતત થયા કરે છે કે મોઝાર્ટની તુલનામાં પોતે તદ્દન મીડિયોકર સંગીતકાર છે. 



મોઝાર્ટ પત્ની કોન્સ્ટેન્ઝ (એલિઝાબેથ બેરિજ) અને દીકરા કાર્લ સાથે વિએના આવ્યો તો ખરો, પણ એની આર્થિક હાલત વખાણવાલાયક નથી. પિતા સાથે પણ એને બનતું નથી. આ વાત એન્ટોનિયો જાણે છે. પિતાનું મૃત્યુ થવાથી એ દુખી દુખી છે. પોતે પુત્ર તરીકે નિષ્ફળ ગયો છે તે વાતનું ગિલ્ટ પણ છે. એન્ટોનિયો મોઝાર્ટની લાચારીનો લાભ ઉઠાવવાનું નક્કી કરે છે. એ વેશપલટો કરીને મોઝાર્ટને મળવા જાય છે. એને એક કમ્પોઝિશન તૈયાર કરવાનું અસાઈન્મેન્ટ ઉપરાંત એડ્વાન્સ પૈસા પણ આપે છે. કામ પૂરું થયા પછી તોતિંગ રકમ મળવાની હતી એટલે મોઝાર્ટ માંડ્યા સંગીત તૈયાર કરવા. એન્ટોનિયો મનોમન કલ્પનાના ઘોડા દોડાવે છે કે કમ્પોઝિશન તૈયાર થશે એટલે ભરી સભામાં તેને હું મારી રચના તરીકે પેશ કરીશ. બધા ઝુમી ઊઠશે, વાહવાહ કરશે. એકલા મને અને ઉપરવાળાને જ ખબર હશે કે કમ્પોઝિશનનો ખરો સર્જક તો મોઝાર્ટ છે.

મોઝાર્ટ જે કંઈ નાણાં મળ્યાં હતાં તે ઉડાવી મારે છે. એને ધ મેજિક ફ્લ્યુટ નામનું બીજું એક કમ્પોઝિશન તૈયાર કરવાનું કામ પણ મળ્યું છે. ધ મેજિક ફ્લ્યુટ અને એન્ટોનિયોએ આપેલાં અસાઈન્મેન્ટ પર એકસાથે કામ થઈ રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ચણભણ થઈ જતા એક દિવસ કોન્સ્ટેન્ઝ દીકરાને લઈને જતી રહે છે. મોઝાર્ટની તબિયત બગડતી જાય છે. એને ટીબી સહિતના જાતજાતના રોગ થયા છે. 



ધ મેજિક ફ્લ્યુટના પ્રીમિયર વખતે જ બીમાર મોઝાર્ટ ઢળી પડે છે. એન્ટોનિયો એને એના ઘરે લાવે છે. મોઝાર્ટ મરવા પડ્યો છે, પણ એન્ટોનિયો જીદ કરે છે કે ગમે તેમ કરીને તું મેં આપેલું અસાઈન્મેન્ટ પૂરું કર. મોઝાર્ટ સંગીતની નોટ્સ ડિક્ટેટ કરતો જાય છે, ઘાંઘો થઈ ગયેલો એન્ટોનિયો ફટાફટ લખતો જાય છે. આખી રાત આ કામ ચાલે છે. સવારે મોઝાર્ટની પત્ની આવે છે. એન્ટોનિયોને એ જતા રહેવાનું કહે છે. એન્ટોનિયોની ના કહેવા છતાં એની મેન્યુસ્ક્રિપ્ટ પર નજર ફેરવે છે. એ પતિની જગાડે છે, પણ બહુ મોડું થઈ ચૂક્યું છે. મોઝાર્ટ મૃત્યુ પામ્યો છે. એન્ટોનિયોનું અસાઈન્મેન્ટ જ નહીં, એનું વાહવાહી મેળવવાનું સપનું પણ અધૂરું રહી જાય છે. વિયેનાની બહાર મોઝાર્ટને દફન કરવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. ફિલ્મની શરૂઆત વાસ્તવમાં ફ્લેશબેકથી થઈ હતી. પાગલખાનામાં અંતિમ દિવસો વીતાવી રહેલા વૃદ્ધ એન્ટોનિયોના મન પર બોજ છે કે એણે મોઝાર્ટને મારી નાખ્યો છે. એક યુવાન પાદરી એની કબૂલાત સાંભળવા માટે આવ્યો છે.

એન્ટોનિયો કહે છે કે મોઝાર્ટ અતિ પ્રતિભાશાળી હતો એટલે જ એનો જીવ ગયો. ઉપરવાળાએ એના ભાગની થોડી ટેલેન્ટ મને કેમ ન આપી? હું તો મીડિયોકર બનીને રહી ગયો... એન્ટોનિયોને વ્હીલચેર પર લઈ જવામાં આવે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

‘અમાદીઉસ’ મૂળ તો બ્રોડવેનું પ્રોડક્શન. ૧૭ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ ઓપન થયેલા આ મ્યુઝિકલના કુલ ૧૧૮૧ શોઝ થયા હતા. થિયેટરની દુનિયામાં અતિપ્રતિષ્ઠિત ટોની એવૉર્ડ એને મળ્યો છે. નાટ્યલેખક પીટર શેફરને જ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું કામ સોંપાયું. પીટર શેફરે અગાઉ ‘ઈક્વસ’ નામનું સુપરડુપર નાટક લખ્યું હતું. આ નાટકનું ગુજરાતી રૂપાંતર એટલે સિતાંશુ યશશ્ર્ચંદ્રનું અદ્ભુત ‘તોખાર’. ઘણાના મનમાં સવાલ જાગતો હોય છે કે મોઝાર્ટ તો જાણે બરાબર છે, પણ એન્ટોનિયો સેલીરી કાલ્પનિક કિરદાર છે કે આ નામનો સંગીતકાર ખરેખર થઈ ગયો? જવાબ એ છે કે એન્ટોનિયો સેલીરી, મોઝાર્ટ જેટલો જ અસલી છે. આ ઈટાલિયન મ્યુઝિક કમ્પોઝર અને ક્ધડક્ટર એના જમાનામાં ખાસ્સો ફેમસ હતો. મોઝાર્ટ સાથે એની કટ્ટર હરીફાઈ હતી તે વાત સાચી, પણ એ મોઝાર્ટનો જીવ લેવા માગતો હતો તેનું પ્રમાણ મળતું નથી. ઈતિહાસ કહે છે કે પ્રતિસ્પર્ધી હોવા છતાં બન્ને વચ્ચે દોસ્તીનો સંબંધ હતો. ઈન ફેક્ટ, મોઝાર્ટનો દીકરો સંગીત શીખવા એન્ટોનિયો પાસે જતો. એન્ટોનિયો ગુરુ તરીકે ઉત્તમ હતા. વિખ્યાત સંગીતકાર બિથોવન એના જ શિષ્ય.

ફિલ્મ ક્રિટીક રોજર ઈબર્ટે ત્રણ જ વાક્યમાં આખી ફિલ્મનો અર્ક આપી દીધો છે: ‘આ ફિલ્મ મોઝાર્ટની ટેલેન્ટ વિશે નહીં, પણ એના પ્રતિસ્પર્ધી એન્ટોનિયોની ઈર્ષ્યા વિશે છે. એન્ટોનિયોની સંગીત પરખવાની પ્રતિભા અત્યંત ઉચ્ચ કક્ષાની છે, પણ સંગીત સર્જવાની પ્રતિભા સાવ મામૂલી છે. એ ફર્સ્ટ-રેટ મ્યુઝિક લવર છે, પણ મ્યુઝિક કમ્પોઝર તરીકે થર્ડ-રેટ છે. તેથી એને સતત ભાન થતું રહે છે કે મોઝાર્ટ કેટલો મહાન છે અને પોતે કેટલો વાહિયાત છે.’



એન્ટોનિયાનો ઈર્ષ્યાભાવ, લાચારી અને ગિલ્ટ એક્ટર એફ. મુરે અબ્રાહમે આબાદ ઊપસાવ્યા છે. ડિરેક્ટર મિલોસ ફોરમેને એને મૂળ બીજા કોઈ રોલ માટે બોલાવ્યા હતા. ઓડિશન વખતે એમણે એમ જ વૃદ્ધ એન્ટોનિયોના ડાયલોગ્ઝનું ભાવવાહી પઠન કરવાનું કહ્યું. એન્ટોનિયો એટલી સરસ રીતે સંવાદ બોલ્યા કે ડિરેક્ટરે એ જ વખતે એમને આ રોલ અબ્રાહમને આપી દેવાનો નિર્ણય કરી લીધો. આ ડિસિઝન ફિલ્મને ખૂબ ફળ્યું. અબ્રાહમ અને મિલોસ ફોરમેન બન્ને ઓસ્કર જીતી ગયા. ઈન ફેક્ટ, એન્ટોનિયો અને મોઝાર્ટ બનેલા ટોમ હલ્સ બન્ને બેસ્ટ એકટર ઈન લીડિંગ રોલ માટે નોમિનેટ થયા હતા. આવું સામાન્યપણે ઓછું બનતું હોય છે. ટોમ હલ્સના ફાળે ગયેલા મોઝાર્ટના રોલ માટે મેલ ગિબ્સનનું ઑડિશન પણ લેવામાં આવ્યું હતું. મોઝાર્ટનો રોલ નિભાવવાની જવાબદારી કેટલી મોટી છે તે ટોમ હલ્સ બહુ સારી રીતે સમજતા હતા. પૂર્વતૈયારીના ભાગ રૂપે તેઓ મહિનાઓ સુધી રોજના ચાર કલાક પિયાનો પર પ્રેક્ટિસ કરતા કે જેથી સ્ક્રીન પર એમનુું પર્ફોેર્મન્સ બનાવટી ન લાગે. ફિલ્મ પ્રાગમાં શૂટ કરવામાં આવી છે. આ શહેરે અઢારમી સદીના ઈતિહાસના ઘણા અવશેષોને સરસ સાચવ્યા છે. ફક્ત ચાર જ સેટ બનાવવાની જરુર પડી હતી - એન્ટોનિયોનો હૉસ્પિટલ રૂમ, મોઝાર્ટનું ઘર, સિડી અને થિયેટર. બાકીનાં લોકેશન અસલી છે. અદ્ભુત પેલેસો, સુંદર વસ્ત્રો, વરણાગી વિગ્ઝ વગેરેને કારણે ફિલ્મ માત્ર કાનને નહીં, આંખોને પણ ગમે તેવી બની છે. ‘અમાદીઉસ’ને અગિયાર-અગિયાર ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધા. બેસ્ટ સ્ટેજ પ્રોડક્શન માટે ટોની અને બેસ્ટ પિક્ચરનો ઓસ્કર એમ બન્ને એવૉર્ડ જીતી લીધા હોય એવા કુલ ચાર જ નાટક-કમ-ફિલ્મો છે- ‘માય ફેર લેડી’ (૧૯૬૪), ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ (૧૯૬૫), ‘અ મેન ઑફ ઓલ સિઝન્સ’ (૧૯૬૬) અને ‘અમાદીઉસ’.

મજાની ફિલ્મ છે. તમને પિરિયડ ડ્રામા જોવામાં રસ પડતો હશે તો ઑર મોજ પડશે.

‘અમાદીઉસ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્શન : મિલોસ ફોરમેન 

સ્ક્રીનપ્લે : પીટર શેફર

મૂળ નાટ્યકાર : પીટર શેફર

કલાકાર : એફ. મુરે અબ્રાહમ, ટોમ હલ્સ, એલિઝાબેથ બેરિજ

રિલીઝ ડેટ : ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૪

મહત્ત્વના એવૉર્ડ્ઝ : બેસ્ટ એક્ટર (એફ. મુરે અબ્રાહમ), ડિરેક્ટર, પિક્ચર, અડેપ્ટેડ સ્ક્રીનપ્લે, આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ ડિઝાઈન, મેકઅપ અને સાઉન્ડ મિક્સિગં માટેનાં ઓસ્કર એવૉર્ડઝ. બેસ્ટ એક્ટર (ટોમ હલ્સ), સિનેમેટોગ્રાફી અને એડિટિંગ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

                                                                         0 0 0

ટેક ઓફ : જિંદગી ગર કુછ રહી તો નૌજવાની ફિર કહાં?

Sandesh - Ardh Saptahik Purty - 16 July 2014

ટેક ઓફ 

 "મેં ભૂખ જોઈ છે, નિરક્ષરતા અને બેકારી જોઈ છે. મેં અપમાન, અન્યાય અને અધર્મ સહ્યાં છે, પણ હું મારી આસપાસની દુનિયામાંથી જ બધું શીખ્યો છું ને હજુય શીખી રહ્યો છું. મને સારા માણસો મળ્યા, ખરાબ માણસો પણ અથડાયા,પણ સૌએ મને કંઈક ને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. જીવનમાં બધું જ શીખી શકાય છે, જો કુતૂહલવૃત્તિ સતેજ હોય અને શીખવાનું પેશન હોય તો."

Rahul Sankrityayan


વિખ્યાત ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલ ચાર ચોપડી ભણ્યા હતા, તો ઉડિયા સાહિત્યના પિતામહ ગણાતા ફકીરમોહન સેનાપતિ ફક્ત બે ધોરણ ભણ્યા હતા, તે આપણે ગયા અઠવાડિયે જોયું. આજે હિન્દી સાહિત્યજગતમાં ચમત્કાર ગણાયેલા રાહુલ સાંકૃત્યાયનથી શરૂઆત કરીએ. કદી કોલેજનાં પગથિયાં ન ચડેલા રાહુલજીને હિન્દી પ્રવાસ સાહિત્યના પિતા પણ કહેવામાં આવે છે.
૧૮૯૩માં ઉત્તરપ્રદેશના આઝમગઢમાં જન્મેલો આ અલ્પશિક્ષિત માણસ કઈ રીતે દેશવિદેશની ત્રીસ કરતાંય વધારે ભાષા શીખી ગયો અને ૧૫૦ પુસ્તકોનો લેખક બન્યો? એમનું મૂળ નામ કેદારનાથ પાંડે. ઉર્દૂ માધ્યમની પ્રાથમિક શાળાના ભણતર દરમિયાન એક શેર તેમના વાંચવામાં આવ્યો હતોઃ
સૈર કર દુનિયા કી ગાફિલ જિંદગાની ફિર કહાં?
જિંદગી ગર કુછ રહી તો નૌજવાની ફિર કહાં?
મતલબ કે દેશ-દુનિયા ઘૂમી લે ગાફિલ, આવી જિંદગી કે આવો મનુષ્ય અવતાર પછી ક્યારે મળશે? ધારો કે જિંદગીમાં વર્ષો ઉમેરાયાં તોપણ આ જુવાની ને આ જોશ ક્યાંથી મળશે? નાનકડા કેદારના ચિત્તમાં આ વાત એટલી સજ્જડ ચોંટી ગઈ કે દસ વર્ષની કાચી ઉંમરે 'દુનિયાનો પ્રવાસ' કરવા એમણે ઘર છોડી દીધું! જોકે, બનારસમાં એ ઝડપાઈ ગયા. પિતાએ એક વર્ષમાં એમનાં લગ્ન કરાવી નાખ્યાં. માત્ર લગ્ન કરવાથી ગૃહસ્થ થોડું થવાય છે? તેમણે પાછું ઘર છોડયું. આ વખતે એ કલકત્તા પહોંચી ગયા. બીમાર પડયા, પાછા ઘરે આવ્યા ને ફરી પાછો ગૃહત્યાગ! કલકત્તા તેમને ગમી ગયું હતું. અહીં કોઈ વેપારીને ત્યાં મુનિમ તરીકે રહ્યા અને જાતે અંગ્રેજી શીખી લીધું.
દેખીતું છે કે દુનિયા ઘૂમવા માગતા ફરતારામ એક જગ્યાએ પગ વાળીને બેસી ન શકે. કલકત્તા છોડીને તેઓ અયોધ્યા,મુરાદાબાદ, હરિદ્વાર થઈને કાશી પહોંચ્યા. કાશીની કોઈ પાઠશાળામાં તેઓ સંસ્કૃત શીખ્યા. ત્યારબાદ છાપરાના પારસામઠના આચાર્યના શિષ્ય બની, મઠના માહોલથી નિર્ભ્રાન્ત થઈ દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. સાથે હતા ત્રણ રૂપિયા, સંસ્કૃતનાં થોડાં પુસ્તકો,બે લંગોટી અને એક ખેસ. બે વર્ષ સુધી તીર્થસ્થળોની યાત્રા કરી. તમિલ શીખ્યા. અમુક માણસોમાં જુદી જુદી ભાષાઓ શીખવાની કુદરતી ક્ષમતા હોય છે. રાહુલજીમાં આ ક્ષમતા ઉપરવાળાએ ઠાંસી ઠાંસીને ભરી હતી. એમની પાસે તર્કશુદ્ધ વિચારી શકે તેવું દિમાગ પણ હતું, તેથી જ ઉજ્જૈનના કુંભમેળામાં જંગલીની માફક ઝઘડતા મહંતોને જોઈને સાધુજીવન પરથી તેમનું મન ઊતરી ગયું. 'મુસાફિર' નામની પત્રિકામાં પાખંડી રૂઢિવાદીઓને ઉઘાડા પાડતાં લેખો લખ્યા. પ્રવાસ ચાલતો રહ્યો. આર્યસમાજનું કેન્દ્ર ગણાતા લાહોરમાં સમાજસુધારણાનાં કામ કરી ત્યાંથી લખનૌ આવ્યા. અહીં તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો. બૌદ્ધ ધર્મસ્થળોની યાત્રા કરવાની ઇચ્છા તીવ્ર બનતાં લુમ્બિની, બોધગયા, સારનાથ, નાલંદા, કુશીનગર વગેરે સ્થળોનાં દર્શન કર્યાં.
ગાંધીજીના અસહકારના આંદોલનમાં ભાગ લઈ રાહુલજી જેલ ગયા, તો જેલવાસનો સદુપયોગ નવી ભાષાઓ શીખવામાં કર્યો. ત્રીસ વર્ષની ઉંમરે તેમને હિન્દી, સંસ્કૃત, તમિલ, કન્નડ, અરબી, ફારસી, પાલી, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા વત્તાઓછા પ્રમાણમાં આવડતી હતી. ૧૯૨૭માં તેમની નિમણૂક શ્રીલંકામાં બૌદ્ધ દર્શનના પ્રાધ્યાપક તરીકે કરવામાં આવી. આ એમનું પહેલું વિદેશગમન. અહીં તેમણે પાલી ભાષામાં એક કઠિન ગ્રંથ લખ્યો. બૌદ્ધ ધર્મગ્રંથોના ગહન અભ્યાસ માટે તેઓ પછી તિબેટ ગયા. વિધર્મીઓથી બચાવવા ગ્રંથોને તિબેટમાં અત્યંત દુર્ગમ જગ્યાએ મઠોમાં સંતાડી રાખવામાં આવ્યા હતા. રાહુલજી ગમે તેમ કરીને ત્યાં પહોંચી ગયા. તિબેટી ભાષા પણ શીખ્યા. પ્રભાવિત થયેલા મઠના સંચાલકોએ તેમને બૌદ્ધ ધર્મગ્રંથોની દુર્લભ હસ્તપ્રતો લઈ જવાની છૂટ આપી. આ ઓરિજિનલ બૌદ્ધ મટીરિયલનું પછી પેરિસ અને લંડનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
૧૯૩૦માં એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. સાંકૃત ઋષિના નામ પરથી તેમણે પોતાનું નામ રાહુલ સાંકૃત્યાયન રાખ્યું. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે હવે તેમને યુરોપમાં ઘૂમવાની તક મળી. કાર્લ માક્ર્્સનાં લખાણ વાંચીને તેઓ સામ્યવાદ તરફ આકર્ષાયા. ૧૯૩૫માં જાપાન થઈને સામ્યવાદની ભૂમિ રશિયા પહોંચ્યા. ત્યારબાદ કોરિયા, મોંગોલિયા, ચીન, ઈરાન વગેરે દેશો જોયા, ત્યાં સુધીમાં તેમને 'વિશ્વપ્રવાસી'નું બિરુદ મળી ચૂક્યું હતું. માણસના જીવનમાં આખરે એ જ બનતું હોય છે જેની તેણે એકધારી તીવ્રતમ ઝંખના કરી હોય. રાહુલજી નાનપણથી દુનિયા જોવા માગતા હતા. તેઓ વિશ્વપ્રવાસી બનીને રહ્યા.
પછી તો ઘણું બધું બન્યું રાહુલ સાંકૃત્યાયનના ઘટનાપ્રચુર જીવનમાં. ૧૯૪૭માં મુંબઈમાં યોજાયેલા સાહિત્ય સંમેલનમાં તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ ઇચ્છતા હતા કે હિન્દી જ દેશની રાષ્ટ્રભાષા બને. કેટલાંક લોકોએ તેમને ઉર્દૂ વિરોધી સુધ્ધાં ગણાવ્યા. ઉર્દૂ માધ્યમમાં આઠ ચોપડી ભણેલા રાહુલજીએ એકાધિક ભાષામાં ધર્મ, તત્ત્વજ્ઞાાન, યાત્રા, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, નાટકો, નવલકથા વગેરેને લગતાં કુલ ૧૫૦ પુસ્તકો લખ્યાં. 'વોલ્ગા સે ગંગા' પુસ્તક તેમનું મૂલ્યવાન સર્જન ગણાય છે. એમની આત્મકથામાં તેમણે કરેલા અનેક પ્રવાસોનું વર્ણન શબ્દસ્થ થયું છે. જીવનની વક્રતા જુઓ. અંતિમ વર્ષોમાં સ્મૃતિદોષનો ભોગ બનવાને લીધે લખવાનું તો એક બાજુ રહ્યું, તેઓ વાંચી પણ શકતા નહોતા. ૧૯૬૩માં આ જ અવસ્થામાં તેમનું નિધન થયું.

Dr Ravuri Bharadwaja

છેલ્લે ડો. રવુરી ભારદ્વાજ વિશે ટૂંકમાં વાત કરી લઈએ. પન્નાલાલ પટેલની માફક ડો. રવુરી પણ જ્ઞાાનપીઠ એવોર્ડથી સન્માનિત થયા છે. તેલુગુ સાહિત્યજગતના આ મૂઠી ઊંચેરા લેખક પણ માત્ર આઠ ચોપડી ભણ્યા છે! અતિ દરિદ્ર કુટુંબમાં એમનો જન્મ. નાની ઉંમરથી જ કાળી મજૂરી શરૂ કરી દેવી પડી હતી. દાયકાઓ સુધી કેટલીય રાતો એમણે ભૂખ્યાપેટે વિતાવી હતી. જો જીવ સર્જનશીલ હોય તો જીવનનો સંઘર્ષ લેખન માટેનો 'કાચો માલ' બની રહે છે. રવુરી ભારદ્વાજે સત્તર વર્ષની ઉંમરથી ટૂંકી વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધંુ હતું. ૮૬ વર્ષના આયુષ્યમાં તેમણે ૧૭ નવલકથા, ૩૭ નવલિકાસંગ્રહ, નાટકો અને બાળસાહિત્ય સહિત ૧૩૦ પુસ્તકો લખ્યાં. આમાં વિજ્ઞાાનકથાઓ પણ આવી ગઈ. તેમનું સાહિત્ય એટલી ઊંચાઈ આંબી ચૂક્યું હતું કે ત્રણ-ત્રણ યુનિવર્સિટીઓએ આ આઠ ચોપડી પાસ આદમીને ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરી!
ડો. રવુરીએ કહ્યું છે, "મેં ભૂખ જોઈ છે, નિરક્ષરતા અને બેકારી જોઈ છે. મેં અપમાન, અન્યાય અને અધર્મ સહ્યાં છે, પણ હું મારી આસપાસની દુનિયામાંથી જ બધું શીખ્યો છું ને હજુય શીખી રહ્યો છું. મને સારા માણસો મળ્યા, ખરાબ માણસો પણ અથડાયા,પણ સૌએ મને કંઈક ને કંઈક મૂલ્યવાન શીખવ્યું છે. જીવનમાં બધું જ શીખી શકાય છે, જો કુતૂહલવૃત્તિ સતેજ હોય અને શીખવાનું પેશન હોય તો.".

                                               0 0 0 

Saturday, July 26, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’

Mumbai Samachar - Matinee - 25 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

કોઈ અણઘડ માણસના હાથમાં ન્યુક્લિયર શસ્ત્રોની ચાવી આવી ગઈ તો? પૃથ્વી પર અકસ્માતે ન્યુક્લિયર વોર શરૂ થઈ જાય તો? આ વિચાર ભલે ખોફનાક રહ્યો, પણ આ આઈડિયા પરથી સ્ટેન્લી કુબ્રિકે બનાવેલી ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ સોલિડ રમૂજી છે!

Film 80 : ‘ડો.સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’



જે સ્ટેન્લી કુબ્રિકની ઓર એક ફિલ્મ વિશે વાત કરવી છે. આ માણસની રેન્જ જુઓ. એક તરફ એ ‘૨૦૦૧ - અ સ્પેસ ઓડિસી’ નામની સાયન્સ ફિક્શન બનાવે છે, જે આજેય આ પ્રકારના સિનેમા માટે એક માપદંડ ગણાય છે. બીજી તરફ એ ‘લોલિટા’ નામની અતિ વિવાદાસ્પદ કથાનક ધરાવતી સોશિયલ ફિલ્મ બનાવે છે, જેમાં આધેડ પુરુષ અને ટીનેજર ક્ધયા વચ્ચેના સંંબંધની વાત છે. ત્રીજી તરફ સ્ટિફન કિંગની ‘ધ શાઈનિંગ’ નવલકથા પરથી એ જ ટાઈટલ ધરાવતી ફિલ્મ બનાવે છે જે ઓલ-ટાઈમ-ગ્રેટ હોરર ફિલ્મોમાં સ્થાન પામી છે. આ ત્રણેય ફિલ્મો વિશે આપણે ‘હોલીવૂડ હંડ્રેડ’ સિરીઝમાં વાત કરી ચુક્યા છીએ. આજે જેના વિશે ચર્ચા કરવાના છીએ તે ‘ડો. સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ડ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ’ આગલી ત્રણેય ફિલ્મો કરતાં સાવ જુદી છે. આ એક યાદગાર બ્લેક કોમેડી છે. બ્લેક કોમેડી એટલે એવી રમૂજ જેમાં વાત વિનાશ, આતંક કે વેદનાની ચાલતી હોય પણ તેનાથી ગભરાટ, અરેરાટી, દયા કે અનુકંપા થવાને બદલે આપણને ખડખડાટ હસવું આવે. ફિલ્મનું લાંબુંલચ્ચ ટાઈટલ જ કેટલું ફની છે. મહાન કોમેડિયન પીટર સેલર્સે કરેલા ટ્રિપલ રોલ આ ફિલ્મની હાઈલાઈટ છે.

ફિલ્મમાં શું છે?

એક પ્રચલિત માન્યતા છે કે હવે જો ત્રીજું વિશ્ર્વયુદ્ધ થયું તો ખતરનાક ન્યુક્લિયર બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બાયોલોજિકલ વેપન્સના પાપે દુનિયાનો સર્વનાશ થઈ જશે. ચોથા વિશ્ર્વયુદ્ધ સૃષ્ટિનું નવસર્જન પછી ખેલાશે. તે વખતે આપણે પાછા આદિમાનવ બની ગયા હોઈશું ને પથ્થરો, તીર-કામઠાં આપણાં અસ્ત્રોશસ્ત્રો હશે. આ બધી તો ખેર થિયરીઓ છે, પણ ન્યુક્લિયર બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ એક વાસ્તવિકતા છે. ધારો કે આ વિનાશક બોમ્બનો કંટ્રોલ ખોટા માણસના હાથમાં આવી ગયો તો? આ પ્રશ્ર્ન ‘ડો. સ્ટે્રન્જલવ’નો પાયો છે (સરળતા ખાતર આ લેખમાં આપણે ફિલ્મનું ટાઈટલ ટૂંકમાં જ લખીશું).

આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મનો સમયગાળો અમેરિકા અને રશિયા વચ્ચેના કોલ્ડવોરનો છે. સોવિયેત રશિયાના ટુકડા થવાની હજુ વાર છે. ફિલ્મની શરૂઆતમાં જ અમેરિકાના બ્રિગેડિયર જનરલ જેક ડી. રિપર (સ્ટર્લિંગ હેડન) ૩૪ બી-ફિફ્ટીટુ ફાઈટર પ્લેનના જવાનોને ઓર્ડર આપે છે: સાવધાન... રશિયા પર આક્રમણ કરવા માટે રેડી થઈ જાઓ! આ યુદ્ધ જહાજ પર ન્યુક્લિયર બોમ્બ લદાયેલા છે, જે મહાવિનાશ કરવા માટે સક્ષમ છે. બ્રિગેડિયર જનરલને આવો ખતરનાક આદેશ શા માટે આપ્યો? એના મનમાં તરંગ આવ્યો કે અમેરિકનોને પાણી પૂરું પાડતાં જળાશયોમાં રશિયનોએ ઘાતક ઝેર ભેળવી દીધું છે, જેનાથી માણસના ‘પ્રીશિયસ બોડીલ ફ્લડ’માં ઊથલપાથલ મચી જવાની છે. મતલબ કે રશિયાએ યુદ્ધની શરૂઆત કરી દીધી છે. આવી સ્થિતિમાં અમેરિકા કેવી રીતે ચુપ બેસે? ચક્રમ બ્રિગેડિયરે એક પણ સિનિયર કે ઈવન અમેરિકન પ્રેસિડન્ટને પૂછ્યાગાછ્યા વિના ન્યુક્લિયર વૉરનો પલીતો ચાંપી દીધો!

બ્રિગેડિયરનો એક એક્ઝિક્યુટિવ ઓફિસર છે - ગ્રુપ કેપ્ટન લિઓનેલ મેન્ડ્રેક (પીટર સેલર્સ નંબર વન). મુછાળા મેન્ડ્રેકનો દાવો છે કે એનેય બોમ્બર વિમાનોને પાછા બોલાવતા આવડે છે, પણ આ કામ હું તો જ કરું જો પહેલાં આખી દુનિયાને આ કારનામાની જાણ કરવામાં આવે.



પેન્ટાગોનના વોરરૂમમાં ધમાલ મચી જાય છે. લશ્કરના ચીફ જનરલ ટર્ગીડસન (જ્યોર્જ સી. સ્કોટ) અમેરિકન પ્રેસિડન્ટ મર્કિન મફલી (પીટર સેલર્સ નંબર ટુ)ને બ્રેકિંગ ન્યુઝ આપે છે કે સર, અણુયુદ્ધ શરુ થઈ ચુક્યું છે. ટકલુ પ્રેસિડન્ટ રાતાપીળા થઈ જાય છે. વોરરૂમમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ ડો. સ્ટ્રેન્જલવ (પીટર સેલર્સ નંબર થ્રી), રશિયાનો રાજદૂત સહિત બીજા કેટલાય ચાવીરૂપ માથાં પણ બેઠાં છે. ડો. સ્ટ્રેન્જલવ વ્હીલચેર સાથે બંધાયેલો છે ને એના ચહેરા પર ચોવીસે કલાક સ્માઈલ ચીપકેલું રહે છે.

બાઘ્ઘો પ્રેસિડન્ટ હોટલાઈન પર મોસ્કો ફોન જોડીને દારૂડિયા રશિયન વડા દિમિત્રી સાથે ડરતાં ડરતાં વાત શરૂ કરે છે: ‘હેલો દિમિત્રી... આઈ એમ ફાઈન... હવે વાત એમ છે કે આપણે અગાઉ ઘણી વાર બોમ્બમાં કંઈક ગરબડ થાય તો શું પરિણામ આવે એના વિશે ચર્ચા કરી છે, યાદ છે?... અરે બોમ્બ, બોમ્બ, દિમિત્રી. હાઈડ્રોજન બોમ્બ... હવે થયું છે એવું કે કે અમારો એક કમાન્ડર છે... કોણ જાણે એના મનમાં શું ધૂનકી ચડી... એણે જરાક બેવકૂફી કરી નાખી છે... શું છે, એણે તમારા દેશ પર એટેક કરવા પ્લેન છોડી મૂક્યા છે... ના, ના... પ્લેન ઓલરેડી રવાના થઈ ગયા છે, ભાઈ... રશિયા પર અટેકે કરે એટલી જ વાર છે...’ જબરો રમૂજી છે આ સીન.



આ બધી ગરમાગરમીમાં રશિયન એમ્બેસેડર નવું પપલુ છોડે છે. એ કહે છે કે રશિયાએ ડૂમ્સડે ડિવાઈસ નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે. એમાં એવું છે કે જેવો રશિયા પર એટેક થાય કે આ ડિવાઈસ આપોઆપ એક્ટિવેટ થઈ જાય. પચાસ જેટલા રેડિયોએક્ટિવ કોબાલ્ટ થોરિયમ ધરાવતા મહાઘાતક બોમ્બ દુશ્મન દેશ પર ઝીંકાય અને એનું ધનોતપનોત કાઢી નાખે! એટલું જ નહીં, તે પછીના દસ જ મહિનામાં સમગ્ર પર્યાવરણ એટલું દૂષિત થઈ જાય કે પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામે! ભારે અફરાતફરીનો માહોલ છે. પેલો મેન્ડ્રેક એસટીડી પીસીઓ પરથી રશિયન વડા સાથે વાત કરવાની કોશિશ કરે છે. કોઈ પણ ભોગે પેલા રવાના થઈ ચુકેલા બોમ્બર વિમાનોને પાછાં વાળવાં જ પડે તેમ છે. એક પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગ સાથે કોન્ટેક્ટ થાય છે, પણ એ કંઈક ભળતુંસળતું સમજે છે. તો પછી એન્ડમાં શું થાય છે? રશિયા પરનું આક્રમણ ટળ્યું? પેલી મહાખેપાની ડૂમ્સડે ડિવાઈસ એક્ટિવેટ થઈ કે ન થઈ? આ બધા પ્રશ્ર્નોના જવાબ તમારે જાતે મેળવી લેવાના છે, ફિલ્મની ડીવીડી જોઈને.

કથા પહેલાંની અને પછીની

સ્ટેન્લી કુબ્રિકનો મૂળ આઈડિયા તો પીટર જ્યોર્જ લિખિત ‘રેડ એલર્ટ’ નવલકથા પરથી દિલધડક થ્રિલર બનાવવાનો હતો. સ્ક્રિપ્ટ લખતાં પહેલાં રિચર્સ માટે કુબ્રિકે ન્યુક્લિયર વોરને લગતી પચાસેક ચોપડીઓ વાંચી નાખી હતી. સ્ક્રિપ્ટ લખતાં લખતાં એમને થયું કે અમુક સિચ્યુએશન ટેન્શનવાળી કરતાં ફની વધારે છે. તેઓ ટેરી સધર્ન નામના લેખકને ખેંચી લાવ્યા. સ્ક્રિપ્ટનું સટાયર એટલે કે કટાક્ષિકામાં રૂપાંતર ટેરીએ કર્યું. ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા. ફિલ્મનું ટાઈટલ બદલવામાં આવ્યું. સ્ટ્રેન્જલવ અને કિસઓફ જેવી વિચિત્ર અટકો ઊપજાવી કાઢવામાં આવી. ફિલ્મનો ડાયલોગ યા તો શબ્દરચના જે-તે ભાષાનો હિસ્સો બની જાય તે સંવાદલેખનની સૌથી મોટી સફળતા ગણાય. આ ફિલ્મમાં એવું બન્યું છે. વીર્ય માટે અંગ્રેજીમાં વપરાતો ‘પ્રીશિયસ બોડીલી ફ્લડ’ આ શબ્દપ્રયોગ ‘ડો. સ્ટે્રન્જલવ’ની દેન છે. ફિલ્મમાં તમે જોશો કે વોરરૂમના તોતિંગ ટેબલ પર સૌની આગળ નાસ્તાની પ્લેટો પડી છે. કુબ્રિકની ઈચ્છા હતી કે બધા મોટાં માથાં એકબીજા સાથે કેક-ફાઈટ કરતા હોય ને એકમેકના ચહેરા પર કસ્ટર્ડ પાઈ રગડતા હોય એવા દશ્યથી ફિલ્મ પૂરી કરવી. આ સીનનું શૂટિંગ પણ કરવામાં આવ્યું, પણ એડિટિંગ દરમિયાન કુબ્રિકને લાગ્યું કે સ્લેપસ્ટિક કોમેડીવાળો આ સીન વધારે પડતો લાઉડ બની ગયો છે. આખી ફિલ્મના ટોન સાથે એ બંધબેસતો ન હોવાથી સીન પડતો મૂકવામાં આવ્યો. એમ તો સ્ક્રિપ્ટના એક વર્ઝનમાં પરગ્રહવાસીઓ પૃથ્વી પર થઈ રહેલા સર્વનાશને અવકાશમાંથી જોઈ રહ્યા હોય તેવો સીન પણ હતો. આ સીન જોકે શૂટ જ નહોતો થયો.



ફિલ્મમાં ટ્રિપલ રોલ કરનાર પીટર સેલર્સને એ જમાનામાં એક મિલિયન ડોલરની ફી ચુકવવામાં આવેલી, જે આખેઆખી ફિલ્મના કુલ બજેટનો ૫૫ ટકા હિસ્સો જેટલી હતી! પીટર સેલર્સ ઈમ્પ્રોવાઈઝેશનના એક્કા હતા. એમના મોટા ભાગના ડાયલોગ્ઝ સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયેલા છે. સ્ટેન્લી કુબ્રિક ખડુસ ડિરેક્ટર છે. એક્ટરે સારો શોટ આપ્યો હોય તોય ચહેરા પર હરામ બરાબર સ્માઈલ લાવતા હોય તો! પણ ‘ડો. સ્ટ્રેન્જલવ’ના શૂટિંગ દરમિયાન પીટસ સેલર્સનો અભિનય જોઈને એટલું બધું હસતા કે આંખોમાં પાણી આવી જતું.

સેલર્સ વાસ્તવમાં ફાઈટર પ્લેનના પાયલટ મેજર ટી.જે. કિંગ કોંગનો ચોથો રોલ પણ કરવાના હતા, પણ એમને ટેક્સાસની એક્સેન્ટ પકડવામાં તકલીફ પડી રહી હતી. અધૂરામાં પૂરું એમની કોણી પણ ઈન્જર્ડ થઈ ગઈ. આથી સ્ટેન્લી કુબ્રિકે આ રોલ સ્લિમ પિક્ધસ નામના એક્ટરને આપી દીધો. મજાની વાત એ હતી કે સ્લિમ પિક્ધસને છેક સુધી કહેવામાં આવ્યું નહોતું કે આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ જોતી વખતે પણ તમને સમજાશે કે એણે બધાં સીન બહુ સિરિયસલી કર્યાં છે. લક્ષ્ય તરફ આગળ વધી રહેલા બોમ્બની ઉપર ઘોડો-ઘોડો કરીને બેઠેલા મેજર કિંગ કોંગનું દશ્ય યાદગાર બની ગયું છે. જનરલ ટર્ગીડસનનો રોલ કરનાર જ્યોર્જ સી. સ્કોટને શૂટિંગ દરમિયાન સ્ટેન્લી કુબ્રિક સતત ઓવર-એક્ટિંગ કરવાનું દબાણ કર્યા કરતા હતા. સ્કોટ ખૂબ ચિડાતા. એમણે પાણી મૂક્યું હતું કે હવે પછી લાઈફમાં ક્યારેય કુબ્રિક સાથે કામ નહીં કરું. બન્યું એવું કે ફિલ્મમાં પીટર સેલર્સ પછી સૌથી વધારે ધ્યાન જ્યોર્જ સી. સ્કોટના રોલે જ ખેંચ્યું. ખૂબ પ્રશંસા થઈ છે એમનાં પર્ફોર્મન્સની. પછી તો સ્કોટે ખુદ સ્વીકારવું પડ્યું કે ‘ડો. સ્ટે્રન્જલવ’નો રોલ એમની કરીઅરનો મોસ્ટ ફેવરિટ રોલ છે. વોરરૂમના એક દ્શ્યમાં જનરલ ટર્ગીડસન વાત કરતા કરતા ગડથોલું ખાઈને ગબડી પડે છે ને પછી બીજી જ સેક્ધડે ઊભા થઈને વાતને એવી રીતે કન્ટિન્યુ રાખે છે જાણે કશું થયું જ નથી. વાસ્તવમાં જ્યોર્જ સી. સ્કોટ ચાલુ શોટ દરમિયાન ખરેખર પડી ગયેલા. ક્ુબ્રિકે ફિલ્મમાં આ શોટ યથાતથ વાપર્યો છે. કેટલીય સિરિયલો અને હિન્દી ફિલ્મોમાં તેની નકલ થઈ છે.

૧૯૬૦ના દાયકામાં બી-ફિફ્ટીટુ બોમ્બર વિમાન ખૂબ આધુનિક ગણાતા. એની કોકપિટની ડિઝાઈન બનાવવા માટે કુબ્રિકે પેન્ટાગોનની મદદ માગી હતી, પણ આ નેશનલ સિક્યોરિટીનો મામલો હતો એટલે પેન્ટાગોનના અધિકારીઓએ ચોખ્ખી ના પાડી દીધી. કુબ્રિકે પછી એક બ્રિટિશ મેગેઝિનમાં છપાયેલી તસવીરના કટિંગથી કામ ચલાવ્યું. જોકે કોકપિટની ડિઝાઈન આબેહૂબ બની હતી.



કુબ્રિક ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં કરવા માગતા હતા, પણ ઈંગ્લેન્ડવાસી પીટર સેલર્સ છુટાછેડાના કેસમાં અટવાયા હોવાથી દેશ છોડી શકે તેમ નહોતા. તેથી ફિલ્મ પછી ઈંગ્લેન્ડમાં શૂટ કરવામાં આવી. ફિલ્મનું ટેસ્ટ સ્ક્રિનિંગ ૨૨ નવેમ્બર ૧૯૬૩ના રોજ થવાનું હતું, પણ એ જ દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ. કેનેડીની હત્યા થઈ ગઈ. આવા આઘાતજનક માહોલમાં કોમેડી ફિલ્મ જોવા કોણ આવવાનું. પબ્લિકનો મૂડ પારખીને રિલીઝ ડેટ જાન્યુઆરી ૧૯૬૪ સુધી પાછળ ધકેલવામાં આવી. ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ. સર્વકાલીન શ્રેષ્ઠતમ કોમેડી ફિલ્મોમાં તેને સ્થાન મળ્યું. ઓસ્કર માટે નોમિનેટ થયેલી કે ઓસ્કર જીતેલી કોઈ ફિલ્મનું આટલું લાંબું તેર તેર શબ્દોવાળું ટાઈટલ હજુ સુધી નથી આવ્યું! છેક ૧૯૯૫માં કુબ્રિકે ફિલ્મની સિક્વલ બનાવાની હિલચાલ શરૂ કરી હતી. એનું ટાઈટલ રાખવામાં આવ્યું હતું, ‘સન ઓફ સ્ટે્રેન્જલવ’. એની સ્ક્રિપ્ટ જોકે ક્યારેય પૂરી જ ન થઈ શકી. ખેર, તમે આ ફિલ્મ જોજો. મજ્જા પડશે.

બ્લેક સ્વાન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : સ્ટેન્લી કુબ્રિક 

સ્ક્રીનપ્લે : સ્ટેન્લી કુબ્રિક, પીટર જ્યોર્જ, ટેરી સધર્ન

મૂળ નવલકથાકાર : પીટર જ્યોર્જ (‘રેડ એલર્ટ’)

કલાકાર : પીટર સેલર્સ, જ્યોર્જ સી. સ્કોટ, સ્ટર્લિંગ હેડન, કીનવ વાઈન, સ્લિમ પિક્ધસ

રિલીઝ ડેટ : ૨૯ જાન્યુઆરી ૧૯૬૪

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ પિક્ચર, લીડિંગ એક્ટર (પીટર સેલર્સ), ડિરેક્ટર અને અડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ

                                             0 0 0 

Friday, July 25, 2014

ટેક ઓફ : લખવું એટલે જિંદગીમાંથી કશોક અર્થ શોધવાની કોશિશ કરવી

Sandesh - Ardh Saptahik - 23 July 2014


ટેક ઓફ 
નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર નડીન ગોર્ડમરે  હ્યું છે કે લેખક આખી જિંદગીમાં ખરેખર તો એક જ પુસ્તક લખતો હોય છે. સ્થળ અને કાળ પ્રમાણે સમજણ બદલાતી રહે છે અને લેખક એક જ પુસ્તકના જુદા જુદા હિસ્સા ક્ષમતા પ્રમાણે લખતો જાય છે



એક દુઃખદ વક્રતા છે કે વિશ્વ સાહિત્યનાં કેટલાંય સમકાલીન નામો તરફ બે જ વખત નજર ખેંચાય છે. એક, કાં કોઈ પ્રતિષ્ઠિત એવોર્ડ મળે ત્યારે યા તો એ મૃત્યુ પામે ત્યારે. નડીન ગોર્ડમરના કિસ્સામાં આવું જ બન્યું. ૧૩ જુલાઈએ ૯૦ વર્ષની ઉંમરે આ વ્હાઈટ સાઉથ આફ્રિકન નોબેલ પારિતોષિક વિજેતા લેખિકાનું નિધન થયું,તેમનું નામ એકાએક મેનસ્ટ્રીમ મીડિયામાં ચમક્યું ને તે સાથે તેમના વિશે જાણવાની ઉત્કંઠા જાગી. બેટર લેટ ધેન નેવર. ઉત્તમ કલાકાર અને તેમની ટાઈમલેસ કૃતિઓની વિશેષતા હોય છે કે તેમની સાથે ગમે ત્યારે, ગિલ્ટ અનુભવ્યા વગર, ત્વરિત સંધાન કરી શકાય છે. 
બૂકર અને નોબેલ એમ બન્ને સૌથી પ્રતિષ્ઠિત ગણાતાં પ્રાઈઝ જીતી ચૂકેલાં નડીન ગોર્ડમરે પંદર વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કરી દીધું હતું. સમજણ પુખ્ત થતી ગઈ તેમ તેમ અશ્વેત આફ્રિકન્સને થતો અન્યાય તેમને વધુ ને વધુ ખૂંચતો ગયો. સંપૂર્ણ નીડરતા સાથે તેઓ સતત અવાજ ઉઠાવતાં રહ્યાં. "પ્રત્યેક આફ્રિકને બે વખત જન્મવુું પડે છે," નડીન ગોર્ડમરે કહ્યું છે, "પોતે કેટલા તીવ્ર રંગભેદના માહોલ વચ્ચે જીવી રહ્યો છે તેની સભાનતા પ્રગટે ત્યારે એનો બીજો જન્મ થાય છે!" રંગભેદને કારણે સમાજમાં પેદા થતો તણાવ, વ્યક્તિગત સ્તરે થતી એની અસરો, રાજકીય દમન અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેની જીદ - આ તેમની વિરાટ લેખનયાત્રાના કેન્દ્રિય મુદ્દા છે. તેમણે ૨૦૦ કરતાં વધારે ટૂંકી વાર્તાઓ,૧૫ નવલકથાઓ અને અસંખ્ય નિબંધો લખ્યાં છે. વૈચારિક સાતત્ય અને મોરલ ફોકસ કોઈ પણ કલાકાર માટે અનિવાર્ય હોવાનું. કદાચ એટલે જ નડીન ગોર્ડમરે કહ્યું છેઃ "આખી જિંદગીમાં તમે ખરેખર તો એક જ પુસ્તક લખતા હો છો. સ્થળ અને કાળ પ્રમાણે સમજણ બદલાતી રહે છે અને તમે એક જ પુસ્તકના જુદા જુદા હિસ્સા આખી જિંદગી દરમિયાન ક્ષમતા પ્રમાણે લખતા જાઓ છો."
મહાત્મા ગાંધી ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા તેનાં નવ વર્ષ પછી નડીન ગોર્ડમરનો જન્મ માઈનિંગ ટાઉન નામે ઓળખાતાં સ્પ્રિન્ગ્સ શહેરના પૈસાદાર યહૂદી પરિવારમાં થયો હતો. માતા બ્રિટિશ હતાં, પિતા મૂળ લાત્વિયાના વતની હતા.


૧૯૨૩માં દક્ષિણ આફ્રિકાના પૈસાદાર ગોરા પરિવારમાં જન્મવું એટલે આપોઆપ એલિટ શાસક વર્ગના હિસ્સા બની જવું. કાળાઓને નીચી નજરથી અને નફરતથી જોવાનું જાણે ગળથૂથીમાંથી જ શીખવવામાં આવતું. નડીનના ઘરથી થોડે દૂર એક ઊંચી દીવાલની પેલી બાજુ ખાણમાં કામ કરતા કાળા મજૂરો રહેતા. માતા-પિતા હંમેશાં નડીન અને એની બહેનને ચેતવતાં: પેલા કાળિયાઓથી હંમેશાં દૂર રહેવાનું, એ તરફ ભૂલેચૂકેય નહીં જવાનું! અશ્વેત લોકો પર શરાબ ખરીદવા પર પ્રતિબંધ હતો એટલે તેઓ જાતે જ ઘરમાં ગુપચુપ બિયર બનાવી લેતાં. નડીન અગિયારેક વર્ષનાં હતાં ત્યારે એક રાતે કમ્પાઉન્ડમાં ધમાલ થઈ ગઈ. ઊઠીને જોયું કે સર્વન્ટ્સ ક્વાર્ટર પર પોલીસે રેડ પાડી હતી. આખું ઘર ફેંદીને તેઓ દારૂ બનાવવાનો સામાન શોધી રહ્યા હતા. નડીનનાં માતાપિતા ચૂપચાપ તમાશો જોતાં રહ્યાં. તમારી પાસે સર્ચ વોરન્ટ છે યા તો અમારી પ્રોપર્ટીમાં તમે કેવી રીતે ઘૂસી ગયા એવો એક પણ સવાલ તેમણે પોલીસને ન કર્યો. આમાં શું મોટી વાત છે, કાળિયાઓને તો હડધૂત જ કરવાના હોયને એવો તેમનો અટિટયુડ હતો. નડીનના સંવેદનશીલ ચિત્તમાં આ વાત ચોંટી ગઈ. પંદર વર્ષની ઉંમરે તેમણે સૌથી પહેલી વાર્તા આ જ ઘટના પર લખી. આ વાર્તા પછી એક સાહિત્યિક સામયિકમાં પ્રકાશિત પણ થઈ.
વર્ષો પહેલાં મમ્મીએ એક સરસ કામ કરેલું. છ વર્ષની ઉંમરથી નડીનને એક ચિલ્ડ્રન્સ લાઇબ્રેરીની મેમ્બર બનાવી દીધી હતી. "આ લાઇબ્રેરીએ જ મને ઘડી છે," નડીન કહે છે, "જો આ લાઇબ્રેરી ન હોત તો હું કદી લેખિકા બની ન હોત. રાઇટર બનવાની એક જ ટ્રેનિંગ છે - વાંચો, વાંચો, ખૂબ વાંચો, સતત વાંચતા રહો. નાનપણમાં હું પેલી લાઇબ્રેરીમાં કલાકો વિતાવી શકતી હતી, કેમ કે હું વ્હાઈટ હતી. કાળાં બચ્ચાં લાઇબ્રેરીમાં અલાઉડ નહોતાં." એમની કોન્વેન્ટ ગર્લ્સ સ્કૂલમાં પણ કેવળ ધોળી છોકરીઓ ભણતી. છેક કોલેજમાં આવ્યા પછી પહેલી વાર નડીનને અશ્વેત છોકરા-છોકરીઓ સાથે વાત કરવાની, તેમને જાણવા-સમજવાની તક મળી. વાચનને કારણે નડીનને સમજાયું હતું કે દુનિયામાં રંગભેદ નામની વસ્તુ છે અને જાણે-અજાણે હું પણ આ ભયંકર સામાજિક દૂષણને ઉત્તેજન આપી રહી છું.


નડીનને સ્પોર્ટ્સનું જરાય આકર્ષણ નહોતું. એમને શોખ તો લખવા-વાંચવાનો. પેલા અશ્વેત વિદ્યાર્થીઓને કોઈ સ્પોર્ટ્સમાં ભાગ લેવા ન દે એટલે તેઓ પણ નડીનની માફક લખતાં, લખવાની કોશિશ કરતાં. સમાન શોખને કારણે બ્લેક છોકરા-છોકરીઓ સાથે દોસ્તી મજબૂત થતી ગઈ. નડીને ડિગ્રી લીધા વગર એક જ વર્ષમાં કોલેજ છોડી દીધી હતી, પણ તેઓ લેખિકા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યાં હતાં. અન્ય લેખકો, થિયેટર એક્ટરો, પત્રકારો વગેરે સાથે તેમનું ઊઠવાબેસવાનું વધતું ગયું. આ બધા રૂઢિચુસ્ત નહોતા બલકે મોડર્ન વિચારસરણી ધરાવનારા પ્રગતિશીલ લોકો હતા. નડીનની રંગભેદ વિશેની દૃઢ થઈ રહેલી સમજણ એમનાં લખાણોમાં ઝળકવા લાગી. અશ્વેત લોકોના અધિકાર માટે લડતાં બાહોશ એક્ટિવિસ્ટ તરીકે, અત્યંત ઉચ્ચ કક્ષાના નીડર સાહિત્યકાર તરીકે તેમની પ્રતિષ્ઠા બનતી ગઈ. પ્રલંબ જેલવાસ પછી નેલ્સન મંડેલા ફેબ્રુઆરી ૧૯૯૦માં આઝાદ થઈને બહાર આવ્યા ત્યારબાદ પોતાની તમામ પ્રવૃત્તિઓ અને કેમ્પેન્સમાં તેમણે નડીનને શામેલ કર્યાં. મંડેલા ગયા વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી નડીન સાથેની તેમની દોસ્તી જળવાઈ રહી. નડીન ગોર્ડમરની 'બર્ગર્સ ડોટર'(૧૯૭૯) અને 'જુલાઈઝ પર્સન' (૧૯૮૧) નવલકથાઓને સર્વાધિક પ્રતિષ્ઠા મળી છે. રંગભેદનો વિરોધ કરતી આ બન્ને કૃતિઓ પર દક્ષિણ આફ્રિકાની સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો.


નોબેલ પ્રાઈઝ માટે કેટલાંય વર્ષોથી એમનું નામ શોર્ટલિસ્ટ થયા કરતું હતું, પણ દર વખતે 'વાઘ આવ્યો રે ભાઈ વાઘ' જેવી સ્થિતિ સર્જાતી. આખરે ૧૯૯૧માં તેમને ખરેખર નોબેલ પ્રાઈઝ એનાયત થયું ને તેઓ વિશ્વકક્ષાનાં લેખિકા તરીકે પ્રસ્થાપિત થયાં. નડીને આખી જિંદગી લખ્યું છે, ખૂબ લખ્યું છે. તેમણે કહ્યું છે, "મારી ફિક્શન એટલે કે વાર્તાઓ અને નવલકથાઓ કરતાં વધારે ફેક્ચ્યુઅલ બીજું કશું નથી! લખવું એટલે જીવનમાંથી કશોક અર્થ શોધવાની કોશિશ કરવી. તમે આજીવન લખતાં રહો તો શક્ય છે કે જિંદગીના અમુક ભાગનો અર્થ તમે થોડો ઘણો પામી શકો."
0 0 0 

Sunday, July 13, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : Film 80 : ‘બ્લેક સ્વાન’

Mumbai Samachar - Matinee - 9 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પોતાના કામમાં શ્રેષ્ઠતા પુરવાર કરવા તમે કઈ હદે જઈ શકો? જો તમારામાં ‘બ્લેક સ્વાન’ની નેટલી પોર્ટમેન જેવું પેશન અને પાગલપણું હોય તો કદાચ જીવ પણ આપી દો! અફલાતૂન ડાન્સ અને મનની અટપટી માયાજાળની વાત કરતી આ ફિલ્મ દિલ-દિમાગ પર રીતસર કબજો જમાવી દે છે.

Film 80 : ‘બ્લેક સ્વાન’

                                               

                           આઈ એમ ધ બેસ્ટ

શું હજુ ત્રણચાર વર્ષ પહેલાં જ રિલીઝ થયેલી ફિલ્મને ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મ્સના લિસ્ટમાં શામેલ કરી શકાય? વાત જો ‘બ્લેક સ્વાન’ની કરતા હો તો જરૂર કરી શકાય!

ફિલ્મમાં શું છે?

ન્યૂયોર્કની એક બેલે કંપનીમાં નીના સેયર્સ (નેટલી પોર્ટમેન) નામની એક ડાન્સર છે. નાજુક નમણી અને વધુ પડતી માસૂમ દેખાતી નીના કાયમ ડરેલી-સહમેલી-કુંઠિત દેખાય છે. એના પરિવારમાં એકલી મા એરિકા (બાર્બરા હર્શી) જ છે, જે એને નાની બેબલીની જેમ ટ્રીટ કરતી રહે છે. એરિકા પોતે એક જમાનામાં બેલે ડાન્સર હતી. મા-દીકરીને એકબીજા માટે બહુ પ્રેમ છે પણ કોણ જાણે કેમ બન્નેનો વર્તાવ જોઈને આપણને ઓડિયન્સને થયા કરે કે ક્યાંક કશુંક નોર્મલ નથી.

નીના બહુ જ કાબેલ અને મહેનતુ નર્તકી છે. એનો ડિરેક્ટર તોમાસ લેરોય (વિન્સેન્ટ કેસેલ) ‘સ્વાન લેક’ નામના ડાન્સ ડ્રામાની તૈયારી કરી રહ્યો છે. અત્યાર સુધી બેથ (વિનોના રાઈડર) નામની યુવતી મેઈન ડાન્સર હતી, પણ તોમાસ કોઈ નવી છોકરીને એની જગ્યાએ કાસ્ટ કરીને બેથને ધરાર રિટાયર કરી દેવા માગે છે. આગળ વધતા પહેલાં ‘સ્વાન લેક’ બેલેની થીમ સમજી લઈએ. આ મૂળ એક વિખ્યાત રશિયન વાર્તા છે. એમાં ઓડેટ નામની રાજકુમારી શેતાની શક્તિ ધરાવતા જાદુગરના શ્રાપથી હંસ બની જાય છે. આખો દિવસ આંસુના પાણીથી બનેલાં સરોવરમાં તર્યા કરવાનું. ફક્ત રાતે જ મૂળ માનવસ્વરૂપ ધારણ કરી શકે. આ શ્રાપમાંથી મુક્તિ તો જ મળે તેમ છે જો કોઈ વર્જિન રાજકુમાર ઓડેટને આજીવન વફાદારીનું વચન આપે. આવો એક રાજકુમાર ઓડેટના ગાંડા પ્રેમમાં પડે છે, પણ પેલા જાદુગરની વંઠેલ દીકરી રાજકુમારને પોતાના તરફ આકર્ષીને ચલિત કરી દેવા માગે છે. વાર્તાના અંતમાં પ્રિન્સ અને પ્રિન્સેસ બન્ને સરોવરમાં કૂદીને આત્મહત્યા કરી લે છે.

                                                  



‘સ્વાન લેક’ની આડવાત અહીં પૂરી થઈ. હવે ફિલ્મની વાર્તા પાછી આગળ વધારીએ. ડિરેક્ટર તોમાસની ઈચ્છા છે કે નિર્દોેષ હિરોઈન (સફેદ હંસ) અને ખતરનાક ખલનાયિકા (કાળો હંસ - બ્લેક સ્વાન)નો ડબલરોલ એક જ ડાન્સર કરે. નીના ઓડિશન આપે છે. કુમળા નાજુક સફેદ હંસ તરીકે નીના અફલાતૂન ઓડિશન આપે છે, કારણ કે અસલી જીવનમાં એ એવી જ છે, પણ બ્લેક સ્વાનની શેતાનિયત એ અસરકારક રીતે ઉપસાવી શકતી નથી. તોમાસ કહે છે: વ્હાઈટ સ્વાન તરીકે તું આઈડિયલ છે, પણ બ્લેક સ્વાન તરીકે તું મશીનની જેમ પર્ફોેર્મ કરે છે એનું શું? નીના કહે છે: હું મહેનત કરીશ, આઈ વોન્ટ ટુ બી પરફેક્ટ. તોમાસ કહે છે: પરફેક્શન એટલે બોડી મૂવમેન્ટ પર કંટ્રોલ હોવો એમ નહીં, પણ પોતાની જાતને છુટ્ટી મૂકી દેવી. આમ કહીને એ નીનાને જોરથી કિસ કરી લે છે. ગરીબડી લાગતી નીના ઓચિંતું આક્રમણ થતાં તોમાસના હોઠ કરડી લે છે. તોમાસ ચમકી જાય છે. એને થાય છે કે છોકરી બહારથી ભલે ઢીલી લાગે, પણ જરૂર પડે ત્યારે જોરુકી બની શકે તેમ છે. લીડ હિરોઈન તરીકે નીનાને પસંદ કરવામાં આવે છે.

ડાન્સ ડ્રામાના રિહર્સલ શરૂ થાય છે. તોમાસ સતત નીનાને ટોક્યા કરે છે: બ્લેક સ્વાન આવી ઠંડી ન હોય, તારે હીરોને મોહિત કરવાનો છે, સંકોચ છોડી દે, તારાં પર્ફોેર્મન્સમાં ગરમી લાવ. લીલી (માઈલા કુનિસ) નામની બીજી ડાન્સર સાથે એની તુલના કરતાં કહે છે છે કે જો, લીલી કેટલી મુક્તપણે બિન્દાસ થઈને નાચે છે. તારામાં આ જ ક્વોલિટીની ખામી છે. નીના સતત ટેન્શનમાં રહ્યા કરે છે. તોમાસ એક નંબરનો ફ્લર્ટ છે. એ નીના પર ચાન્સ મારવાની કોશિશ કરે છે. એને પૂછીય લે છે કે તારો ક્યારેય કોઈ બોયફ્રેન્ડ જેવું કોઈ હતું કે નહીં. નીના હા પાડે છે. સચ્ચાઈ એ છે કે નીના કદાચ ક્યારેય કોઈ પુરુષ સાથે રોમેન્ટિકલી ઈન્વોલ્વ થઈ જ નથી. તોમાસનો ઈશારો એ વાત તરફ છે કે જો તને સેક્સનો ઠીકઠીક અનુભવ નહીં હોય તો તું બ્લેક સ્વાનની કામુકતા પેદા કરી શકીશ નહીં. નીના સેલ્ફ-પ્લેઝરથી પોતાના જુવાન શરીરનો નવેસરથી પરિચય મેળવવાની કોશિશ કરે છે.

એક પછી એક વિચિત્ર ઘટનાઓ બનતી જાય છે. એક વાર માની ના હોવા છતાં નીના લીલી સાથે નાઈટક્લબમાં જાય છે. અહીં કેટલાક જુવાનિયા સાથે એની મુલાકાત થાય છે. લીલી એને નશીલી દવા પાય છે, એમ કહીને કે આની અસર થોડી કલાક જ રહેશે. નીના મસ્તીમાં આવી જાય છે. રાતે લીલીને એ પોતાની ઘરે લાવે છે. સવારે મોડી મોડી ઊઠે છે તો બેડરૂમમાં એ એકલી છે. ઘાંઘી થઈને એ રિહર્સલ પર પહોંચે છે. એ જુએ છે કે લીલી તો અહીં ક્યારની આવી ગઈ છે. નીના કહે છે: તેં મને ઉઠાડી કેમ નહીં? લીલી કહે છે: પણ હું તારી ઘરે આવી જ નથી, હું તો રાતે પેલા નાઈટકલબવાળા છોકરા સાથે હતી!




નીનાના મનની ભ્રમજાળ દિવસે દિવસે વધતી જાય છે. સચ્ચાઈ અને ભ્રમ વચ્ચેની ભેદરેખા ધીમે ધીમે ભુંસાતી જાય છે. એ સતત અસલામતીથી પીડાતી રહે છે. મને કાઢી મૂકવામાં આવશે તો? હું કાચી પડીશ તો? મારો રોલ લીલી છીનવી લેશે તો? અધૂરામાં પૂરું, એક વાર બેક્સ્ટેજમાં એ તોમાસ અને લીલીને સેક્સ માણતા જોઈ લે છે. એ ઓર ટેન્શનમાં આવી જાય છે. એની માને થાય છે કે નાટક ઓપન થતાં સુધીમાં છોકરી ક્યાંક ગાંડી ન થઈ જાય. તોમાસ ડમી તરીકે લીલીને તૈયાર પણ કરી દે છે.

શોના પહેલા દિવસે સ્ટેજ પર વ્હાઈટ સ્વાનનું પર્ફોેર્મન્સ આપતી વખતે પણ નીનાથી એકાદ ભૂલ પણ થઈ જાય છે, છતાં ફર્સ્ટ એક્ટ એકંદરે સરસ જાય છે. સેક્ધડ એક્ટમાં એણે બ્લેક સ્વાન બનવાનું છે. નીના ડ્રેસિંગ રૂમમાં જઈને જુએ કે લીલી બ્લેક સ્વાનનો કોસ્ચ્યુમ પહેરીને તૈયાર થઈ રહી છે. લીલી કહે છે: બ્લેક સ્વાન હું બનવાની છું. ક્રોધે ભરાયેલી નીના એના પર હુમલો કરે છે. ફૂલસાઈઝ અરીસો તોડી એનો તૂટેલો કાચ લીલીના પેટમાં હુલાવી દે છે. લીલી ખતમ થઈ જાય છે. નીના ડેડબોડીને એક ખૂણામાં છુપાવી ઉપર ટુવાલ ઢાંકી દે છે. પછી બ્લેક સ્વાનનો સ્વાંગ ધારણ કરી સ્ટેજ પર જાય છે. કામુકતા અને શેતાનિયતથી ભરેલું અદ્ભુત પર્ફોેર્મન્સ આપીને એ તોમાસ સહિત સૌને ચકિત કરી નાખે છે.


                                                     



થર્ડ એક્ટમાં એણે ફરી પાછું માસૂમ વ્હાઈટ સ્વાન બનવાનું છે. એના ડ્રેસિંગ રૂમના બારણે અચાનક ટકોરા મારીને લીલી અંદર ડોકિયું કરીને કહે છે: મસ્ત પર્ફોેર્મ કર્યુું તેં! આટલું કહીને એ જતી રહે છે. નીના ગૂંચવાઈ જાય છે. લીલી બહાર છે તો મેં કોના પેટમાં કાચ હુલાવી દીધો હતો? એ જુએ છે કે કમરામાં લાશ અને ટુવાલ બન્ને ગાયબ છે, પણ ફૂલસાઈઝ મિરર તો તૂટેલો જ છે. એને અચાનક ભાન થાય છે કે લીલી સાથેની લડાઈ તો ભ્રમ હતો... અને એણે ખરેખર પોતાના જ પેટમાં કાચ ઘોંચી દીધો હતો. નીના રડી પડે છે. કાચની ફસાયેલી કરચ દૂર કરી, ઘાને દબાવી, મેકઅપ લગાવી જાણે કશું બન્યું જ ન હોય તે રીતે સ્ટેજ પર પહોંચી જાય છે. એ ફરી અદ્ભુત ડાન્સ કરે છે. ઓડિયન્સમાંથી એની મા ભીની ભીની આંખે દીકરીનું પર્ફોેર્મન્સ જોઈ રહી છે. ક્લાઈમેક્સમાં વ્હાઈટ સ્વાન આત્મહત્યા કરે છે એ સીનમાં નીનાએ ઉપરથી પડતું મૂકીને નીચે ગાદલા પર પછડાવાનું છે. નીના સરસ રીતે એ સીન કરે છે. ઓડિટોરિયમ તાળીઓના જોરદાર ગડગડાટથી ગુંજી ઊઠે છે. રોમાંચિત થઈ ગયેલો તોમાસ અને બીજા ડાન્સરો નીનાને કોન્ગ્રેચ્યુલેટ કરવા એની પાસે ધસી આવે છે... પણ સૌ જુએ છે કે નીનાના પેટમાં નીકળેલા લોહીનું ધાબું ધીમે ધીમે પ્રસરીને મોટું થઈ રહ્યું છે. સૌ આઘાત પામી જાય છે. આ શું થયું? નીના સંતોષપૂર્વક આ એક વાક્ય બોલે છે: 


ઈટ વોઝ પરફેક્ટ...! 

નીનાની એક જ ખ્વાહિશ હતી કે એક કલાકાર તરીકે બ્લેક સ્વાનનું પાત્ર ભજવવામાં પોતે કાચી ન પડે. એણે સપનું સાકાર કર્યું... પોતાના જીવના ભોગે.

કથા પહેલાંની અને પછીની

કમાલની ફિલ્મની છે આ. એમાંય તમને ડાન્સમાં રસ પડતો હશે તો એ તમારી મોસ્ટ ફેવરિટ ફિલ્મ બની જવાની. અહીં મનની અટપટી લીલા છે, મા-દીકરીનો કોમ્પ્લિકેટેડ સંબંધ છે, પ્રોફેશનલ જેલસી છે, માણસમાત્રમાં રહેતા શુભ અને અશુભ તત્ત્વોનું દ્વંદ્વ છે અને ખાસ તો, જે ક્ષેત્રમાં હોઈએ તેમાં શ્રેષ્ઠતા પામવાની વાત છે. જે રીતે નીના બ્લેક સ્વાનના પાત્રમાં લિટરલી જીવ રેડી દે છે તે રીતે નેટલી પોર્ટમેને પણ નીનાના અત્યંત કઠિન કિરદારને ધારદાર રીતે ઉપસાવવામાં કોઈ કસર છોડી નથી. નેટલી પર ઍસ્કર સહિત જાતજાતના અવૉર્ડ્ઝનો વરસાદ ન વરસ્યો હોત તો જ નવાઈ લાગત. આ ફિલ્મ નેટલીને બીજી રીતે પણ ફળી છે. પતિદેવ બેન્જામિન મિલેપીડ સાથે એની એની પહેલી મુલાકાત આ ફિલ્મના સેટ પર થઈ હતી. બેન્જામિન આ ફિલ્મના કોરિયોગ્રાફર છે.

નેટલી નાનપણમાં ૪ થી ૧૩ વર્ષની ઉંમર દરિમયાન બેેલેના ક્લાસમાં જતી હતી, પણ પછી ડાન્સિંગ છોડી દેવું પડ્યું. આ ફિલ્મની તૈયારીના ભાગરૂપે એણે એક વર્ષ બેેલેની ટે્રનિંગ લીધી. ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કી હજુ તો પ્રોડ્યુસરો શોધી રહ્યા હતા, પણ નેટલીને શ્રદ્ધા હતી કે ફિલ્મ બનશે જ. એનો ઉત્સાહ અને ડેડિકેશન એટલા ગજબના હતા કે પોતાના ખર્ચે બેલેના ક્લાસ જોઈન કરી લીધા. પાંચ કલાક શરીર તોડી નાખે એવી ડાન્સ પ્રેક્ટિસ. નો સન્ડે. નેટલી પહેલેથી પાતળી પરમાર છે, છતાંય બેલેરિના તરીકેનો પરફેક્ટ લૂક અચિવ કરવા એણે ૨૦ પાઉન્ડ વજન ઓછું કર્યું.

મૂળ આઈડિયા ન્યૂયોર્કના થિયેટર અને ખાસ તો બેકસ્ટેજની ગતિવિધિઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાનો હતો. પછી બેકગ્રાઉન્ડ બદલી ગયું - નાટકને બદલે ડાન્સ ડ્રામા આવી ગયો. ડેરેનની ઈચ્છા એક રેસલર અને નર્તકીની લવસ્ટોરી બનાવવાની હતી, પણ તેમને બહુ જલદી સમજાઈ ગયું કે કુસ્તી અને ડાન્સની દુનિયા બહુ જ અલગ છે અને બન્નેએ એક જ ફિલ્મમાં ભેગી કરવા જેવી નથી. આથી એમણે બન્ને માહોલને છુટ્ટા પાડીને ૨૦૦૮માં ‘ધ રેસલર’ બનાવી અને ત્યાર બાદ ‘બ્લેક સ્વાન’. ‘ધ રેસલર’માં પણ પ્રોફેશનલ એક્સેલન્સની થીમ કેન્દ્રમાં છે. બધું મળીને ‘બ્લેક સ્વાન’ની સ્ક્રિપ્ટ તૈયાર થતાં દસ વર્ષ નીકળી ગયાં.


                                             


ફિલ્મનું બજેટ ભયંકર ટાઈટ હતું. ડેરેનની અપેક્ષા ૨૮થી ૩૦ મિલિયન ડૉલરની હતી, પણ મંજૂર થયા ફક્ત ૧૩ મિલિયન. એક વાયકા એવી છે કે એક વાર સેટ પર ડાન્સ પ્રેક્ટિસ કરતી વખતે નેટલી ઈન્જર્ડ થઈ ગઈ. પ્રોડક્શનના માણસોએ કહી દીધું: ડૉક્ટરના બિલનું બજેટ નથી, એની વ્યવસ્થા નેટલીએ જાતે કરવી પડશે. નેટલીએ કહ્યું: અરે ભાઈ, બજેટ ન હોય તો મારી વેનિટી વેન લઈ લો, પણ કમસે કમ અત્યારે તો ડૉક્ટરને બોલાવો. ડૉક્ટર આવ્યો, સારવાર કરી. બીજા દિવસે નેટલી સેટ પર આવી તો એની વેનિટી વેન ખરેખર ગાયબ હતી! મજા જુઓ. આવી કંજૂસાઈ વચ્ચે બનેલી ફિલ્મે ૩૨૯ મિલિયન ડૉલરનું જંગી બોક્સઓફિસ કલેક્શન કર્યું.

ફિલ્મ રિલીઝ થઈને વખણાઈ કે તરત સારાહ લેન નામની યુવતી માંડી મિડિયાને મુલાકાતો આપવા. ફિલ્મમાં એ નેટલી પોર્ટમેનની ડાન્સ ડબલ એટલે કે ડુપ્લિકેટ બની હતી. એના કહ્યા મુજબ, ફિલ્મના પ્રોડ્યુસરોએ એને સૂચના આપેલી કે ફિલ્મ અવૉર્ડ્ઝની સિઝન પૂરી ન થઈ જાય ત્યાં સુધી મીડિયા સામે મોં ન ખોલતી, કારણ કે સ્ક્રીન પર દેખાતા અદ્ભુત ડાન્સ નેટલીએ નહીં પણ ડુપ્લિકેટે કર્યા છે તે વાત જાહેર થઈ જશે તો અવૉર્ડ્ઝ પર એની માઠી અસર થશે! ‘હકીકત એ છે કે પિક્ચરમાં કોમ્પ્લિકેટેડ બેલે ડાન્સ મેં કર્યા છે, પણ પછી મારો ચહેરો ડિજિટલી રિપ્લેસ કરીને એની જગ્યાએ નેટલીનું મોઢું ફિટ કરી દેવામાં આવ્યું છે,’ સારાહે કહ્યું.

હોલીવૂડમાં તરત ચણભણ શરૂ થઈ ગઈ. તે સાથે જ ફિલ્મની ટીમ તરફથી બાઈટ્સ ને ક્વોટ્સ આવવા લાગ્યા. કોરિયોગ્રાફરે કહ્યું કે સારાહ ડાન્સ ડબલ છે તે વાત સાચી, પણ માત્ર એના ફૂટવર્કવાળા શોટ્સનો જ ફિલ્મમાં ઉપયોગ થયો છે. ચહેરો ડિજિટલી રિપ્લેસ કરવામાં આવ્યો છે તે વાત હંબગ છે. ડિરેક્ટર ડેરેને સીધું ગણિત સામે મૂકી દીધું: ‘મારા એડિટરે શોટ્સની ગણતરી કરી છે. આખી ફિલ્મમાં ડાન્સના કુલ ૧૩૯ શોટ્સ છે. એમાંથી ૧૧૧ શોટ્સમાં કમ્પ્યુટરની કોઈ કરામત કરવામાં આવી નથી. બાકીના ૨૮ શોટ્સમાં સારાહ લેન છે. મતલબ કે ડાન્સના ૮૦ ટકા શોટ્સમાં નેટલી પોર્ટમેન જ છે.’

આ ફિલ્મ બનાવવી કોઈ પણ સ્તરે સહેલી નહોતી. જોઈને તરત મનમાં વિચાર આવે કે આપણે ત્યાં આ કક્ષાની સાઈકોલોજિકલ થ્રિલર્સ કેમ બનતી નથી? ટૂંકમાં, ‘બ્લેક સ્વાન’ મસ્ટ-વૉચ છે. તે જોયા પછી કલાકો-દિવસો સુધી મનમાંથી ખસશે નહીં. આપણે તો આ ફિલ્મ કમસે કમ સાતેક વખત જોઈ છે. એમાંથી બે વખત થિયેટરમાં. તમારો સ્કોર જરૂર જણાવજો.


બ્લેક સ્વાન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : ડેરેન અરોનોફ્સ્કી       


સ્ક્રીનપ્લે : માર્ક હેમેન, એન્ડ્રીસ હિન્ઝ, જોન મેકલોહલીન

કલાકાર : નેટલી પોર્ટમેન, વિન્સેન્ટ કેસેલ, માઈલા કુનિસ

રિલીઝ ડેટ : ૩ ડિસેમ્બર, ૨૦૧૦

મહત્ત્વના અવૉર્ડ્ઝ : નેટલી પોર્ટમેનને બેસ્ટ એક્ટ્રેસ માટેનો ઑસ્કર અવૉર્ડ. બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન અને અચિવમેન્ટ ઈન સિનેમેટોગ્રાફી માટેઑસ્કર નોમિનેશન્સ.

                            0 0 0 

Friday, July 11, 2014

ટેક ઓફ : બોલીથી ભાષા સુધી...

Sandesh - Ardh Saptahik purty - 9 July 2014

ટેક ઓફ  
માત્ર આઠ ચોપડી ભણેલા પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠતમ સાહિત્યકારોમાં સ્થાન પામ્યા. આવા ચમત્કારો અન્ય ભારતીય ભાષાઓમાં પણ બન્યા છે. જેમ કે, ઉડિયા સાહિત્યના પિતામહ ગણાયેલા ફકીરમોહન સેનાપતિ. તેઓ માત્ર બે ચોપડી ભણ્યા હતા!

જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યનો એક ચમત્કાર છે. તેઓ આઠ ચોપડી માંડ ભણ્યા હતા, પણ તેમણે લખેલી કૃતિઓ સ્કૂલના બચ્ચાંથી લઈને એમ.એ. કરી રહેલા વિદ્યાર્થીઓને દાયકાઓથી અભ્યાસક્રમ તરીકે ભણાવવામાં આવે છે. પન્નાલાલ પટેલ જેવી ઘટનાઓ અન્ય કઈ ભારતીય ભાષાઓમાં થઈ છે?
આજે ફકીરમોહન સેનાપતિની વાત કરવી છે, જે માત્ર બે ચોપડી ભણ્યા હતા, પણ આગળ જઈને તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાયા! ૧૭૧ વર્ષ પહેલાં એટલે કે છેક ૧૮૪૩માં જન્મેલા ફકીરમોહને પચીસ વર્ષની ઉંમરે 'લછમનિઆ' નામની નવલિકા લખી હતી. આ કેવળ ઉડિયા જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યજગતની પ્રથમ નવલિકા હોવાનો દાવો કરાય છે.
ફકીરમોહન તરુણ વયના હતા ત્યારે કલકત્તાના એક બંગાળી પંડિતે એક જાહેર નિવેદન કર્યું હતું કે, ઉડિયા કંઈ સ્વતંત્ર ભાષા નથી, એ તો બંગાળની પૂરક બોલી માત્ર છે. અન્ય કેટલાંય ઓરિસ્સાવાસીઓની માફક ફકીરમોહનને પણ હાડોહાડ લાગી આવ્યું. જે ભાષા સાંભળીને- બોલીને હું મોટો થયો છું એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં? પોતાની ભાષાને અન્ય ભારતીય ભાષાઓની સમકક્ષ લાવવાની ઝંખના એમનામાં કાચી વયે જ જાગી ચૂકી હતી.
એમનું મૂળ નામ વ્રજમોહન હતું. સાવ નાના હતા ત્યારે મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતા. દાદીમાએ એમને મોટા કર્યા. બાળપણમાં વર્ષો સુધી માંદગીનો ભોગ બની પથારીવશ રહ્યા. દાદીએ બાલેશ્વર (અથવા બાલાસોર)ના જાણીતા પીર પાસે જઈ માનતા માની, "જો મારા વ્રજની તબિયત ઠીક થઈ જશે તો હું એને તમારો ફકીર (એટલે કે શિષ્ય) બનાવી દઈશ. યોગાનુયોગે વ્રજની બીમારી દૂર થતી ગઈ, પણ પૌત્રને પીરનાં ચરણોમાં સોંપી દેતાં દાદીનો જીવ ન ચાલ્યો. એમણે વચલો રસ્તો શોધ્યો. દર વર્ષે મહોરમ વખતે આઠ દિવસ માટે એ વ્રજમોહનને મુસ્લિમ ફકીરની જેમ શણગારતી. આ રીતે વ્રજમોહન ફકીરમોહન બન્યા.
બીમારીમાંથી ઊઠયા પછી ફકીરમોહને નિશાળે જવાનું શરૂ કર્યું. નવ વર્ષની ઉંમરે એમને સાદો કક્કો પણ આવડતો નહોતો. એ જમાનામાં માસ્તરોની સોટી બહુ ચાલતી. છોકરા ભૂલ કરે એટલે હથેળી પર સોટી પડી જ સમજો. ઉત્પાત વધી જાય તો પીઠ પર પ્રહાર થાય. ફકીરમોહન રોજ સાંજે નિશાળ પૂરી થયા પછી માસ્તરની સેવા કરતા, રસોઈકામમાં મદદ કરતા. એક વાર મહિનો પૂરો થયા પછી માસ્તર ફી માગવા ફકીરમોહનના કાકા પાસે ગયા. કાકાએ કહ્યું, "તમે છોકરાને ભણાવતા નથી તો ફી કઈ વાતની માગો છો?" માસ્તરે કહ્યું, "હું એને રાત-દિવસ ભણાવું છું. થોડીક વાર માટે પણ રમવા જવા દેતો નથી." કાકા બોલ્યા, "ખોટી વાત. તમે એને ખરેખર ભણાવતા હો તો એની હથેળી અને પીઠ પર સોળના નિશાન કેમ નથી?" માસ્તર સમજી ગયા. પછી દર મહિને ફી માગવા જતા પહેલાં એ ફકીરમોહન પર વગર વાંકે સોટીઓનો વરસાદ વરસાવી દેતા. છોકરો બાપડો ચિત્કારી ઊઠતો,પણ એના શરીર પર સોટીનાં નિશાન જોઈને કાકાને સંતોષ થતો ને એ માસ્તરને ફી ચૂકવી દેતા!

કમનસીબે આ રીતે ભણવાનું પણ વધારે ન ચાલ્યું. પોતાના દીકરા કરતાં ફકીરમોહન વધારે હોશિયાર પુરવાર થઈ રહ્યા હતા એટલે કાકાને ઈર્ષ્યા થઈ. ફી પોસાતી નથી એવું બહાનું બતાવી ફકીરમોહનને બે ચોપડી પછી ઉઠાડી મૂક્યા ને બાલેશ્વરના દરિયાકિનારે મજૂરીકામમાં જોતરી દીધા. મજૂરી કરતાં કરતાં ફકીરમોહન હાથમાં જે કંઈ આવે તે વાંચી નાખતા. આ રીતે જાતમહેનતથી ઘણા વિષયોની સમજ કેળવી. બાલેશ્વર બંદર પર મીઠાનું ઉત્પાદન બંધ થતાં એ બેકાર થઈ ગયા.
બાલેશ્વર નજીક બારબાટી ગામમાં નવી સ્થપાયેલી સ્કૂલમાં ૧૯ વર્ષના ફકીરમોહને પાછું એડમિશન લીધું. અહીં એ પાછા ઝળક્યા પણ દોઢેક વર્ષમાં ફરી ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. કારણ એ જ, ફી! ખેર, ફકીરમોહનની બુદ્ધિપ્રતિભા સ્કૂલના સંચાલકના ધ્યાનમાં આવી ચૂકી હતી, તેથી થોડા અરસા બાદ ફકીરમોહનને અહીં શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પદ્ધતિસરનું પ્રાથમિક શિક્ષણ પણ નહીં લઈ શકેલા ફકીરમોહન વિદ્યાર્થીઓને ઇતિહાસ, ભૂગોળ અને ગણિત શીખવવા લાગ્યા! ફકીરમોહનને લીધે સ્કૂલની કીર્તિ આખા પંથકમાં ફેલાઈ. છોકરાઓને ભણાવતાં ભણાવતાં તેઓ પોતે પણ અધ્યયન કરતા. 'વ્યાકરણ કૌમુદી' અને 'ઋજુપાઠ' જેવા વ્યાકરણના ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેનાથી સંસ્કૃત શીખવાનું સરળ બની ગયું.
ફકીરમોહને હવે લખવાનું શરૂ કર્યું. 'સોમપ્રકાશ' નામના બંગાળી સામયિકમાં એમના લેખો છપાતા. પોતાની ઉડિયા ભાષામાં એક પણ સામયિક છપાતું નથી તે વાત તેમને સતત ખટક્યા કરતી. વળી, ઉડિયાની સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાની ઝંખના પણ બળવત્તર બનતી જતી હતી. તેઓ બાલેશ્વરમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરવા માગતા હતા, પણ એટલા બધા પૈસા લાવવા ક્યાંથી?તેમણે એડવાન્સમાં લવાજમ ઉઘરાવ્યા. કંપની સ્થાપી. કલકત્તા જઈને મશીનરી પસંદ કરી. મશીનરીને બાલેશ્વર સુધી પહોંચતા બાવીસ દિવસ લાગી ગયા. બાલેશ્વરનું આ પહેલંુ છાપખાનું હતું. લોકોમાં કૌતુક ફેલાયું. જગન્નાથજીની રથયાત્રાની જેમ આ પ્રિન્ટિંગ પ્રેસ જોવા લોકોની ભીડ જમા થઈ જતી. બે-ત્રણ મહિના સુધી લોકોનાં ધાડાં ખાસ પ્રેસ જોવા માટે આવતાં રહ્યાં!
મશીન તો આવી ગયું, પણ એને ચલાવે કોણ? ફકીરમોહન જાતે બધું શીખ્યા. શિક્ષક અને પ્રેસના સંસ્થાપક તરીકેની ફકીરમોહનની કામગીરીથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અધિકારીઓએ તેમને નીલગિરિ રાજ્યના દીવાન તરીકે નીમ્યા. પછી તો લાગલગાટ પચીસ વર્ષ સુધી કેટલાંય નગરોમાં કુશળ સનદી અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ૫૩ વર્ષે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ બાકીનાં બાવીસ વર્ષ સાહિત્યસર્જનમાં વિતાવ્યાં.
તેમણે વ્યાકરણ અને ઇતિહાસનાં પુસ્તકો, વાલ્મીકિ રામાયણ તેમજ ભગવદ્ગીતાનો ઉડિયામાં પદ્યાનુવાદ, કાવ્યસંગ્રહો, 'છ માણ આઠ ગૂંઠા', 'લછમા' (આ બન્ને 'ઉત્કલ સાહિત્ય' નામના સામયિકમાં ધારાવાહિક રૂપે છપાઈ હતી) અને 'પ્રાયશ્ચિત્ત' જેવી નવલકથાઓ તેમજ 'ગલ્પસ્વરૂપ' જેવો નવલિકાસંગ્રહ આપ્યો. ફકીરમોહનની રચનાઓમાં ઓરિસ્સાના તત્કાલીન સમાજજીવનનાં સુંદર ચિત્રો ઉપસ્યાં છે. 'ફકીરમોહન સેનાપતિ કી સમગ્ર કહાનિયાં' નામે એમની વાર્તાઓનો હિન્દી અનુવાદ ઉપલબ્ધ છે. ઉડિયા ભાષાના વિકાસ માટે એમણે પાઠયપુસ્તકોની રચના કરી, અનેક કેન્દ્રો ખોલ્યાં. ઉડિયાને બંગાળીની પકડમાંથી મુક્ત કરાવવા માટે ચળવળ સુધ્ધાં ચલાવી. ઉડિયા ભાષાને પૂરક બોલીના સ્તર પરથી ઊંચકીને સ્વતંત્ર ભાષા તરીકે પ્રસ્થાપિત કરવાનું વિરાટ કામ તેમણે કર્યું, તેથી જ તેઓ ઉડિયા સાહિત્યના પિતા ગણાય છે.
ઉપરવાળાએ લખખૂટ પ્રતિભા આપી હોય ત્યારે શાળાનું ફોર્મલ એજ્યુકેશન મળે તોય શું ને ન મળે તોય શું. પન્નાલાલ પટેલ અને ફકીરમોહન સેનાપતિ જેવા અન્ય બે સાહિત્યકારો રાહુલ સાંસ્કૃત્યાયન (હિન્દી) અને રવુરી ભારદ્વાજ (તેલુગુ) વિશે હવે પછી.

                                                                       0 0 0