Tuesday, March 11, 2014

ટેક ઓફ: બૈરી-છોકરાંને ભૂલી જઈએ તો જ લાઇફમાં 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે?


Sandesh - Ardh Saptahik Purti - 12 March 2014

ટેક ઓફ 

"નાનો હતો ત્યારથી જ હું ગાંધી બાપુની પડખે કલાકો સુધી બેસીને નિહાળ્યા કરતો કે ઘરના બીજાઓ કરતાં બાપુજી પાસે શી વિશેષતા છેજોકેબાહ્ય જીવન અમારા કુટુંબના અનેક વૃદ્ધોનું એકસરખું હતું,તો કેવળ બાપુનું વ્યક્તિત્વ એકાએક આમ ગગનચુંબી કેમ બની ગયું?"
Prabhudas Gandhi with Mahatma Gandhi                                    (Courtesy: gandhiserve.org)

રાબર ૮૪ વર્ષ પહેલાં ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની એક વિરાટ ક્ષણે આકાર લેવાની શરૂઆત કરી હતી. આ દિવસે ગાંધીજીએ સાથીઓ-સંગાથીઓ સહિત અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ૨૪ દિવસ સુધી લાગલગાટ ૩૯૦ કિલોમીટર ચાલીને તેઓ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા અને હાથમાં મીઠું લઈને કાનૂનભંગ કર્યો હતો.
મહાન ધ્યેયને નજર સામે રાખીને ચાલનાર માણસે જીવનમાં કેટલા ફોકસ્ડ રહેવું પડે? સાદી સમજ એમ કહે છે કે ફોકસ્ડ રહેવું એટલે ધ્યેયપ્રાપ્તિ સિવાયની તમામ બાબતોને ભૂલી જવી, એક બાજુ હડસેલી દેવી અને પોતના કામમાં ખંતપૂર્વક મચી રહેવું. બ્રિટિશ મહાસત્તાને દેશમાંથી ભગાડી મૂકવા કરતાં ઊંચું ધ્યેય બીજું શું હોવાનું? શું આ ધ્યેય સિદ્ધ કરવા માટે ગાંધીજીએ પોતાના બહોળા કૌટુંબિક જીવનને અવગણ્યું? ના. ગાંધીજીના ઘરસંસાર વિશે પ્રભુદાસ ગાંધીએ કેટલીક રસપ્રદ વાતો કરી છે.
ઉત્તમચંદ ગાંધીને બે દીકરા - જીવનચંદ અને કરમચંદ. કરમચંદના દીકરા મોહનદાસ (આપણા ગાંધી બાપુ) અને જીવનચંદના દીકરા ખુશાલચંદ. પ્રભુદાસ ગાંધી એટલે આ ખુશાલચંદના પૌત્ર. મતલબ કે પ્રભુચંદના દાદા અને ગાંધીજી પિતરાઈ ભાઈઓ થાય. પ્રભુચંદનાં માતા-પિતા ગાંધીજીના કહેવાથી દક્ષિણ આફ્રિકા ગયાં હતાં. પ્રભુદાસનું બાળપણ ગાંધીજીની આંખ સામે દક્ષિણ આફ્રિકામાં જ પસાર થયું. ભારત પરત આવ્યા પછી ગાંધીજીએ કોચરબ આશ્રમ શરૂ કર્યો ત્યારે પહેલા પચીસ અંતેવાસીઓમાં એક પ્રભુદાસ હતા. બાપુ અને કસ્તુરબા સાથે તેમણે બિહારયાત્રા કરી, ચંપારણના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. ટૂંકમાં, પ્રભુદાસે ગાંધીજીને ખૂબ નજીકથી જાણ્યા-પિછાણ્યા છે. ગાંધીજી વિશે તેમણે અધિકારપૂર્વક ઘણું લખ્યું છે, સુંદર લખ્યું છે. બન્ને વચ્ચે ઘણો પત્રવ્યવહાર પણ થયો છે.
પ્રભુદાસ ગાંધી એક જગ્યાએ લખે છે, "નાનો હતો ત્યારથી જ હું બાપુની પડખે કલાકો સુધી બેસીને નિહાળ્યા કરતો કે ઘરના બીજાઓ કરતાં બાપુજી પાસે શી વિશેષતા છે? જોકે, બાહ્ય જીવન અમારા કુટુંબના અનેક વૃદ્ધોનું એકસરખું હતું, એમનાં સત્ત્વ અને શીલ, એમની તપસ્યા અને ત્યાગ, એમની પ્રામાણિકતા અને ભક્તિ મોળાં ન હતાં, તો કેવળ બાપુનું વ્યક્તિત્વ એકાએક આમ ગગનચુંબી કેમ બની ગયું?"
આગળ કહે છે, "વિનોબાની પેઠે સાવ નાનપણથી જ ઘરના બધા સંબંધોનો વિચ્છેદ કરીને કાતરિયામાં જ પુસ્તકો વચ્ચે બાપુ પુરાઈ રહ્યા હોત અને ઘરમાં બહેનનું લગન થાય ત્યારે બનેવીને જોવા, મળવાની કે એનું નામ સુધ્ધાં જાણવાની પરવાહેય બાપુજીએ ન રાખી હોત! તો તો આપણે એમ કહી શકત કે મૂળથી જ ઘરના જીવનથી બાપુજી નિરાળા હતા તથા જનમના જ તેઓ કોઈ અવધૂત હતા. કાકાસાહેબ કાલેલકરની પેઠે ભરજુવાનીમાં ઘેરથી પત્ની તથા બાળકોની વિદાય લઈને બાપુ હિમાલય પહોંચી ગયા હોત અને પૂર્વજીવનને તિલાંજલિ આપી નવેસરથી બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશ કરવાનો સંકલ્પ કર્યો હોત તો ઘરની માયાને વેગળી મૂકી દેનાર ત્યાગી તરીકે આપણે એમને ઓળખત. પણ બાપુ ઘરની માયા-મમતામાં સાધારણથીયે વધુ ઘેરાયેલા રહ્યા અને ઘરનાં બંધનો ઉલાળી દેવાને બદલે ઘરની નાની-મોટી વાતોને આગ્રહપૂર્વક સાંભળતા રહ્યા."
કેટલી મોટી વાત! ઘર-પરિવારની જવાબદારીઓનો ઉલાળિયો કરીને, છૈયાં-છોકરાં ભૂલી જઈએ તો જ લાઇફમાં કંઈક 'ઊંચા માંહ્યલું' કામ થઈ શકે એવું માનનારાઓએ ગાંધીજીના ગૃહસ્થ તરીકેના સ્વરૂપને ધ્યાનથી જોવું જોઈએ. ગાંધીજી બેરિસ્ટર થઈને આવ્યા હતા તે અરસામાં એમના બનેવી માંદા પડયા. તે વખતે ગાંધીજીએ જાતે ઊભા પગે પોતાના બનેવીની સેવા કરી હતી. ખાટલો જાતે ફેરવ્યો, પોતાની ખાસ જગ્યામાં એમને સુવાડયા. કોઈને હાથ ન લગાડવા દે. પોતે જ બધું કરે. બહેનને કહેશે, તમે ધીરજ રાખો. ઊંઘ ન બગાડશો. માવજતનું કામ મને કરવા દો.
માત્ર મુરબ્બીઓની સેવા જ નહીં, પરિવારનાં બાળકોનું કામ પણ જાતે કરતા. એક વાર મણિલાલ ગાંધીને શીતળા નીકળ્યા હતા ત્યારે ગાંધીજીએ રાત-દિવસ એમાં જીવ પરોવી રાખ્યો હતો. સ્વયં વૃદ્ધ થયા ત્યાં સુધી ઘરના માણસોની માંદગી વખતે પૂરી મમતાપૂર્વક તેમની સારવાર અને કાળજી લેવાનું ચાલુ રાખ્યું હતું. કસ્તુરબા માંદાં પડે ત્યારે રાંધવા-કરવાનું પણ પોતે જ કરે.
Prabhudas Gandhi

"માંદાની માવજત કરવી એ એમનો શોખ હતો. એ ઉપરાંત સગાંઓમાં કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, મૃત્યુ થાય, કોઈને પરણાવવાનો બોજો આવે, કોઈ વિધવાને સંભાળવાનું આવે, કોઈ ધણી-ધણિયાણી વચ્ચે ભાણાં ખખડે કે બાપ-દીકરા અથવા ભાઈઓ વચ્ચે કોયડા ઊભા થાય, ત્યારે હરખશોક અને મૂંઝવણમાં જે માગે તેને સાથ આપવામાં બાપુજી ન ચૂકે. કુટુંબના મોટેરા તરીકે આખી જવાબદારી પોતા ઉપર લઈ લેવા તૈયાર રહે. વહુને પિયર મોકલવી હોય કે દીકરીને સાસરે વળાવવાની હોય, તો તેમાંય પોતાની પુખ્ત દોરવણી આપે." આટલું કહીને પ્રભુદાસ ગાંધી ઉમેરે છે, "સાર એ કે ઘરમાં ખૂબ ઓતપ્રોત રહેવા છતાં અને કુટુંબીઓ વચ્ચે સોળે આના કુટુંબીજન બની રહેવા છતાં બાપુજી પોતાના જીવનને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા. ઘરકામના ભારે દબાણમાં અને ઘરની જંજાળના પૂરા વળગાડમાંયે એમણે પ્રગતિ સાધી."
પ્રભુદાસ ગાંધીના ખુશાલદાદા દિવસમાં કેટલીય વાર બોલતા રહેતાં કે આપણે પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાયના, પુષ્ટિમાર્ગી વૈષ્ણવને ન શોભે એવું આપણાથી કંઈ થાય જ નહીં. ગાંધીજીના મોઢે આવા શબ્દો ભાગ્યે જ આવે. વૈષ્ણવના આચારવિચાર વિશે શિખામણ આપવા કરતાં તેને આચરણમાં મૂકીને ઉત્તમ નમૂનો રજૂ કરવાની એમને હોંશ રહેતી.
ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાયા, પણ પોતાનાં સંતાનોના પિતા તરીકે નિષ્ફળ ગયા હતા એવું અવારનવાર કહેવાતું રહે છે. દીકરા હરિલાલ સાથે પોતાને કોઈ સંબંધ નથી એવું એમણે છાપાંમાં છપાવેલું, પણ જીવનનાં સાવ છેલ્લાં વર્ષોમાંય હરિલાલ બાપુને મળવા આવતા ત્યારે પોતાને ત્યાં જ રહે એવો આગ્રહ રાખતા. હરિલાલના જમાઈ કુંવરજીભાઈને ક્ષય રોગ થયો હતો ત્યારે બાપુએ તેમને સેવાગ્રામમાં પોતાની પાસે રાખ્યા. ખૂબ ચીવટથી સારવાર કરી. છૂટથી ફળ, દૂધ-માવાનું સેવન કરાવ્યું. એ સાજા થયા પછી પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું: તમે મારા દીકરાના જમાઈ છો એ સાચું, પણ આશ્રમમાં જમ્યા કર્યાનું બિલ ચૂકવી દેજો! કસ્તુરબાને બહુ લાગી આવ્યું કે આ રીતે કંઈ દીકરી-જમાઈ પાસેથી પૈસા લેવાતા હશે, પણ બાપુની દૃષ્ટિએ એ ઉચિત જ હતું. કુંવરજીભાઈએ બિલ ભરી પણ આપ્યું!
"આવી જ રીતે મારા કાકાના દીકરા કેશુભાઈ પર પણ બાપુએ કડકાઈ કરેલી," પ્રભુદાસ ગાંધી લખે છે, "મગનલાલકાકાએ તો પોતાનું આખું જીવન આશ્રમની સેવામાં અને બાપુજીને પંથે જ ગાળી નાખેલું. એમના મૃત્યુનો આઘાત બાપુને જીવનમાં લાગેલો એક મોટામાં મોટો આઘાત હતો અને મગનકાકા ગુજરી જતાં બાપુ પોતાનું રહેઠાણ છોડી મગનકાકાના ઘરમાં રહેવા ગયા હતા, જેથી એમના ઘરનાઓને હૂંફ મળે."
આ ઘટના પછી થોડાં વર્ષે મગનકાકાનો પુત્ર કેશુભાઈ આપબળે ઉત્તમ એન્જિનિયર બન્યો. વધારે અનુભવ લેવા એને અમેરિકા જવું હતું, પણ તે માટે પોતાના ફંડમાંથી એક પાઈ ખર્ચવાની ગાંધીજીએ ચોખ્ખી ના પાડી દીધી. એમણે સ્પષ્ટપણે કહ્યું કે મગનલાલની આજીવન સેવાનો આ રીતે મદ્દલ લાભ ન લઈ શકાય. એટલું જ નહીં, એમણે જમનાલાલ અને બિરલાજીને પણ આર્થિક મદદ કરવાની ઘસીને ના પાડી. આ રીતે પૈસા અપાય તે બાપુનાં સગાંને રકમ આપી ગણાય અને એમાં બાપુની પોતાની વગ આડકતરી વપરાઈ ગણાય, તેથી બિરલાના પૈસા વડે પણ કેશુથી અમેરિકા ન જ જવાય!
 દેશ માટે કે વ્યક્તિગત સિદ્ધિ માટે મહેનત કરતાં કરતાં જીવ રેડી દેવો અને છતાંય પરિવાર સાથે સતત સ્પર્શ જાળવી રાખવો - ગાંધીજી પાસે આ શીખવા જેવું છે.
o o o 

No comments:

Post a Comment