Thursday, November 21, 2013

હૉલીવૂડ હન્ડ્રેડ : 49 : ‘કિલ બિલ’ Vol 1-2

Mumbai Samachar - Matinee - 22 Nov 2013

હૉલીવૂડ હન્ડ્રેડ  : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ખૂન ભરી માંગ

હિંસા પણ એન્ટરટેઇનિંગ હોઈ શકે? હા, જો એ ક્વેન્ટિન ટેરેન્ટિનોએ પેશ કરી હોય તો જરૂર હોઈ શકે. ખાતરી ન થતી હોય તો જોઈ કાઢો ‘કિલ બિલ’ના બન્ને ભાગ! 




Film 49. Kill Bill Vol. 1 & 2

‘હોલિવૂડ હન્ડ્રેડ’ સિરીઝમાં સુપર સ્ટાઈલિશ ફિલ્મમેકર ક્વેન્ટિન ટેરેન્ટિનોની એન્ટ્રી પ્રમાણમાં મોડી થઈ રહી છે. વર્તમાન વિશ્ર્વસિનેમાના સૌથી પ્રભાવશાળી ફિલ્મમેકર્સમાં એમની ગણના થાય છે. આપણા અનુરાગ કશ્યપથી માંડીને દુનિયાભરના ફિલ્મમેકર્સ ટેરેન્ટિનોથી પ્રભાવિત છે. ‘કિલ બિલ’ના બન્ને વોલ્યુમે એમને ખૂબ ખ્યાતિ અપાવી છે. બેય વોલ્યુમ અથવા તો ભાગ પોતપોતાની રીતે માતબર છે. આજે આપણે બન્નેની એકસાથે વાત કરીશું.

ફિલ્મોમાં શું છે?

‘રિવેન્જ ઈઝ અ ડિશ બેસ્ટ સર્વ્ડ કૉલ્ડ.’ બદલો એક એવી ડિશ યા તો વાનગી છે જેને ઠંડી જ પીરસવાની હોય... અર્થાત બદલો ઠંડે કલેજે જ લેવાનો હોય! ફિલ્મની શરુઆત જ આ ક્વોટથી થાય છે, જે પાર્ટ વન અને ટુ બન્નેનો ટોન સેટ કરી નાખે છે. વાર્તા એક યુવાન સ્ત્રી (ઉમા થર્મન)ની છે. પહેલા ભાગમાં એને માત્ર ‘બ્રાઈડ’ તરીકે ઓળખવામાં આવી છે. એ ડેડલી વાઈપર એસેસિનેશન સ્કવોડ નામના ખતરનાક હત્યારાઓની એક ગેન્ગની ખૂંખાર સભ્ય છે. આ લોકો માર્શલ આર્ટ્સમાં માહેર છે, ગજબની તલવારબાજી કરી જાણે છે. ગેન્ગનો લીડર છે, બિલ (ડેવિડ કેરેડાઈન). બિલ બ્રાઈડનો માત્ર બૉસ નથી, એનો ગુરુ અને પ્રેમી પણ છે. બ્રાઈડની કૂખમાં બિલનું સંતાન છે એટલે એણે હવે શાંતિનું જીવન જીવવું છે. એક ગુપચુપ નાસીને ટેક્સાસ જતી રહે છે, સારો મુરતિયો શોધીને પરણવાનું નક્કી કરે છે. પણ બાપડીના કુંડળીમાં વિધાતા શાંતિ નામની વસ્તુ જ લખવાની ભુલી ગયા છે. ડ્રેસ રિહર્સલ વખતે જ બ્રાઈડનું પગેરું શોધતો શોધતો બિલ સ્કવોડના બાકીના મેમ્બરો સાથે ચર્ચમાં ધસી આવે છે. ‘ઈસ લાઈન મેં સિર્ફ આને કા રાસ્તા હોતા હૈ, જાને કા નહીં’ એ ન્યાયે બિલ એને ખતમ કરી નાખવા માગે છે. બ્રાઈડ એને કહે છે કે મારા પેટમાં તારું બાળક છે, છતાંય ક્રોધ અને ઈર્ષ્યાથી પાગલ થઈ ગયેલો બિલ એના માથામાં ગોળી મારી દે છે. ગવાહોને પણ છોડતા નથી. બ્રાઈડ જોકે મરતી નથી. એ કોમામાં સરી પડે છે. 


ચાર વર્ષ પછી એ ભાનમાં આવે ત્યારે એનું સંતાન ગાયબ છે. બ્રાઈડ સામે હવે એક જ લક્ષ્ય છે. પોતાના આવા હાલહવાલ કરનારા, પોતાના સંતાનનો ભોગ લેનારા પાંચેય જણાને વીણી વીણીને ખતમ કરવા. કોણ છે આ પાંચ દુશ્મનો? ઓ-રેન ઈશી (લ્યુસી લિઉ), વર્નીટા ગ્રીન (વિવિસા ફોક્સ), બડ (માઈકલ મેડસન), એલી ડ્રાઈવર (ડેરિલ હાના) એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બિલ પોતે. સૌથી પહેલાં એ વર્નીટા ગ્રીનને પતાવે છે. પછી જપાનના હટ્ટોરી હેન્ઝો નામના તલવાર બનાવનાર એક્સપર્ટને મળે છે. હેન્ઝોએ આ કામ વર્ષો પહેલાં છોડી દીધું હતું, પણ બ્રાઈડના આગ્રહને વશ થઈને એ એના માટે જીવલેણ તલવાર બનાવી આપે છે. બ્રાઈડ હવે ટોકિયો જાય છે. વર્નીટાની દીકરી ઓ-રેન ઈશી ટોકિયોના અન્ડરવર્લ્ડની બૉસ બની ગઈ છે. એની રાક્ષસ જેવી એક સેના છે - ક્રેઝી એઈટીએઈટ! 




ખૂની તલવાર ધારણ કરીને બ્રાઈડ ઓ-રેનના હાઉસ ઓફ બ્લુ લીવ્ઝ પહોંચી જાય છે. જોઈને ચક્કર આવી જાય એવી તલવારબાજી કરીને એ એકલા હાથે ક્રેઝી એઈટીએઈટને ખતમ કરી નાખે છે. લોહીની રીતસર નદી વહે છે. પછી ઓ-રેનનો વારો આવે છે. બિલને સમાચાર મળી જાય છે કે તે બ્રાઈડ વહેલામોડો એનો ખાત્મો બોલાવવા આવી પહોંચવાની છે. એ બોલે છે: ‘શું બ્રાઈડને ખબર છે કે એની દીકરી જીવે છે?’ બસ, વોલ્યુમ-વનનો ધી એન્ડ આવે છે. વોલ્યુમ-ટુમાં બ્રાઈડે ત્રણ દુશ્મનોને પતાવવાના છે - બડ, જે બિલનો નાનો ભાઈ છે અને એક સ્ટ્રિપ ક્લબમાં બાઉન્સર તરીકે કામ કરે છે. એ સિવાય એક આંખવાળી એલી ડ્રાઈવર છે અને છેલ્લે બિલ ખુદ. બ્રાઈડનું ખરું નામ બિટ્રીક્સ કિડ્ડો હવે જાહેર થાય છે. એની થોડી બક-સ્ટોરી પણ આવે છે. બ્રાઈડ ચાઈનામાં રહેતા એક મહાન ગુરુ પાઈ મેઈ પાસે માર્શલ આર્ટ્સ શીખી હતી. ગુરુએ એને અત્યંત ગુપ્ત ટેક્નિક પણ શીખવી હતી કે જેના થકી એ ગમે તેવા ખેરખાંનો સામનો કરી શકે. બદલાની આગમાં સળગી રહેલી બ્રાઈડ, બડ અને એલીને વારાફરતી પતાવીને બિલ પાસે પહોંચી જાય છે. બિલના ઘરમાં એ શું જુએ છે? બિલ નાનકડી મીઠડી મજાની બાળકી સાથે રમી રહ્યો છે. એ બાળકી બ્રાઈડની દીકરી છે અને બિલે જ એને પાળીપોષીને મોટી કરી છે! બિટ્રીક્સ પહેલાં તો દીકરીને ખૂબ વહાલ કરે છે, એની સાથે વાતો કરે છે, એને ઊંઘાડી દે છે. હવે આવે છે ફિલ્મની ક્લાઈમેક્સ. બિલ બ્રાઈડને એક નાનકડું તીર મારે છે. આ તીરમાં એવી ખૂબી છે કે તે જેના શરીરમાં ખૂંચે એ પટ્ પટ્ કરતું સાચું બોલવા લાગે. બ્રાઈડ કબૂલે છે કે એ નહોતી ઈચ્છતી કે એમનું સંતાન ખૂનખરાબાના માહોલમાં મોટું થાય. આ કારણથી જ એ નાસી ગઈ હતી. બિલ આખરે તો બ્રાઈડનો પ્રેમી છે. એણે બ્રાઈડનો જીવ લેવાની કોશિશ કરી તે સાચું, પણ એણે જ એમની દીકરીને બહુ જ પ્રેમથી મોટી કરી તે પણ એટલું જ સાચું. આ હકીકત જાણ્યા પછી બ્રાઈડ બિલને માફ કરી દેશે? કે એનો જીવ લેશે? આ પ્રશ્ર્નનો ઉત્તર તમારે ફિલ્મ જોઈને મેળવી લેવાનો છે.

કથા પહેલાંની અને પછીની

‘કિલ બિલ’ ફિલ્મોએ ટેેરેન્ટિનો અને ઉમા થર્મન બન્નેને ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે. અગાઉ ‘પલ્પ ફિકશન’માં બન્નેએ સાથે કામ કરેલું. ‘પલ્પ ફિકશન’નાં શૂટિંગ દરમિયાન જ ‘કિલ બિલ’નો આઈડિયા આવેલો. બન્ને વચ્ચે ચર્ચા ચાલતી હતી કે ભવિષ્યમાં આપણે સાથે કામ કરી શકીએ તે ફિલ્મ કેવી હોઈ શકે. ક્વેન્ટિને કહ્યું કે મને ૧૯૭૦ના દાયકાની કૂંગ-ફૂ સ્ટાઈલની એક્શન થ્રિલર બનાવવાની ઈચ્છા થઈ રહી છે. ઓપનિંગ સીનનો હિરોઈન વેડિંગ ગાઉનમાં હોય માર ખાધેલી હાલતમાં લોહીલુહાણ પડી છે તે આઈડિયા ઉમા થર્મનનો હતો. 





હોમવર્કના ભાગ રુપે ટેરેન્ટિનોએ આ ત્રણ ફિલ્મો જોઈ હતી- જોન વૂની ‘ધ કીલર’, સર્જીયો લિઓનીની ‘અ ફિસ્ટફુલ ઓફ ડોલર્સ’ અને જેકી બ્રાઉનને ચમકાવતી ‘કૉફી’. સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં વર્ષો વીતી ગયા. મૂળ આયોજન પ્રમાણે ‘કિલ બિલ’ એક જ ફિલ્મ તરીકે રિલીઝ થવાની હતી, પણ એની સ્ક્રિપ્ટ જ ૨૨૦ પાનાંની થઈ (સામાન્ય રીતે આ આંકડો ૧૦૦ની અંદર યા તો આસપાસ હોય છે). તેથી ફિલ્મની વાર્તાને વચ્ચેથી ઊભી ચીરીને બે પાર્ટ યા તો વોલ્યુમમાં વહેંચી નાખવામાં આવી.

હિરોઈનનો રોલ ઉમા જ કરશે એ નિશ્ર્ચિત હતું. ઉમા અસલી લાઈફમાં પ્રેગનન્ટ થઈ તો ડિલીવરી બાદ એ નોર્મલ શેપમાં આવે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવામાં આવી. ટેરેન્ટિનો બિલનો રોલ વૉરન બેટ્ટીને આપવા માગતા હતા. કેવિન કોસનરનો વિચાર પણ થયેલો, પણ આ બન્નેમાંથી કોઈનો મેળ ન પડ્યો એટલે ડેવિડ કેરેડાઈનને કાસ્ટ કરવામાં આવ્યા. ટેરેન્ટિનોનું માનવું છે કે જો વૉરન બેટ્ટી બિલ બન્યા હોત તો તે કેરેક્ટર ખાસ્સું સોફિસ્ટિકેટેડ બન્યું હોત - જેમ્સ બોન્ડ જેવું. ટેરેન્ટિનોએ ‘શાંઘાઈ નૂન’ નામની ફિલ્મમાં લ્યુસી લિઉનું પર્ફોર્મન્સ જોતાં તરત જ નક્કી કરી નાખેલું કે ઓ-રેન ઈશીનું કિરદાર તો આ એક્ટ્રેસને જ આપવું છે. મૂળ તેઓ જપાની એક્ટ્રેસને લેવા માગતા હતા, પણ લ્યુસી લિઉનું નક્કી થયું એટલે આ પાત્રને જપાની-અમેરિકન કરી નાખવામાં આવ્યું. 






ફિલ્મમાં એક વાયોલન્ટ સીનમાં પાત્રો એકાએક એનિમેટેડ બની જાય છે. માનો યા ના માનો, પણ એનિમેશનનો આ રીતે ઉપયોગ કરવાનો આઈડિયા ટેરેન્ટિનોને આપણા કમલ હસનની ‘અલવન્ધમ’ (હિન્દીમાં ‘અભય’) નામની દ્વિભાષી ફિલ્મ (૨૦૦૧) પરથી આવ્યો હતો! આ વાત ખુદ ટેરેન્ટિનોએ અનુરાગ કશ્યપને કહી છે. મનીષા કોઈરાલા અને રવીના ટંડનને ચમકાવતી ‘અભય’માં કમલ હાસન સિરિયલ કીલર બન્યા હતા. ‘કિલ બિલ’ના ફર્સ્ટ વોલ્યુમના ક્લાઈમેક્સની હિંસક સિકવન્સ આભા કરી દે તેવી છે. તેને શૂટ કરતાં આઠ વીક લાગ્યાં હતાં. સેન્સરના ડરથી આ સીનને બ્લેક-એન્ડ-વ્હાઈટ કરી નાખવામાં આવ્યો છે. જપાની વર્ઝનમાં જોકે આ સિકવન્સને કલરમાં જ રહેવા દેવાઈ છે. પહેલા ભાગમાં કુલ ૯૫ લાશ પડે છે. પાર્ટ વન અને ટુના શૂટિંગ દરમિયાન કુલ ૪૫૦ ગેલન નકલી લોહી વપરાયું હતું. આના પરથી લોહીની કેવી નદીઓ કેવી બેફામ વહી હશે તે કલ્પી લો! ટેરેન્ટિનોની ફિલ્મોમાં લોહી ઉપરાંત ગાળોની નદી પણ વહેતી હોય છે. ‘કિલ બિલ’ વોલ્યુમ વન એમણે ડિરેક્ટ કરેલી છઠ્ઠી ફિલ્મ છે. પહેલી વાર એવું બન્યું કે ટેરેન્ટિનોના ડિરેક્શનવાળી ફિલ્મમાં ‘એફ’થી શરુ થતી પોપ્યુલર ગાળ ૧૦૦ કરતાં ઓછી વખત વપરાઈ - ફક્ત ૧૭ વાર!

‘કિલ બિલ’ વોલ્યુમ વન અને ટુ એની સ્ટાઈલ અને ઓવરઓલ ઈમ્પેક્ટ માટે જોવાની હોય. ખાસ કરીને વોલ્યુમ વનમાં કોઈ પાત્રે અભિનયના અજવાળાં પાથરવાનાં પાથરવાની તસ્દી લીઘા વગર ફક્ત કુશળતાથી મારામારી જ કરવાની છે. એક્ટર માટે સેન્સિબલ દશ્યો કરવા આસાન હોય છે, પણ ચિત્રવિચિત્ર સીન્સ સફળતાપૂર્વક કરવા માટે ગજબનાક કન્વિન્સિંગ પાવર અને પર્સનાલિટી જોઈએ. તો જ આવાં દશ્યોમાં એ શોભે.





‘કિલ બિલ’ના બન્ને ભાગ સુપરડુપર હિટ થયા. તેમાં જે સીટી વાગે છે તે પણ હિટ છે! જાણીતા કટારલેખક દીપક સોલિયાએ એક જગ્યાએ નોંધેલું ઈન્ટેરસ્ટિંગ નિરીક્ષણ સાંભળવા જેવું છે: "કિલ બિલ’ના પહેલા ભાગના ક્લાઈમેક્સમાં હિરોઈન ઝપાઝપ-સટાસટ ૮૮ જણને કાપે છે. એમાં એટલી એનર્જી છે એના કરતાં ‘કિલ બિલ’ના બીજા ભાગના ક્લાઈમેક્સમાં બિલની ઠંડી, ધીમી, ધારદાર વાતો વધુ શક્તિશાળી છે. બેય ક્લાઈમેક્સ ધારદાર છે, અણિદાર છે, પણ પહેલા ભાગની વેગીલી મારામારી કરતાં બીજા ભાગની નિરાંતની વાતચીત વધુ અસરકારક છે. ‘કિલ બિલ’ની તલવારબાજી થ્રિલિંગ છે, પણ વાતચીત ચીલિંગ છે. થ્રિલર લોહી ગરમ કરે, ચીલર લોહી ઠારી નાખે. ઉકાળનાર કરતાં થીજાવે એવી થ્રિલર વધુ થ્રિલિંગ સાબિત થઈ શકે એનો અનુભવ લેવો હોય તો ‘કિલ બિલ’ના બન્ને ભાગ જોવા.’

બિલકુલ!

‘કિલ બિલ’ Vol 1-2 ફેક્ટ ફાઈલ 



રાઈટર - ડિરેક્ટર : ક્વેન્ટિન ટેરેન્ટિનો

કલાકાર : ઉમા થર્મન, ડેવિડ કેરેડાઈન, લ્યુસી લિઉ, ડેરિલ હાના, માઈકલ મેડસન

રિલીઝ ડેટ : અનુક્રમે ૧૦ ઓક્ટોબર ૨૦૦૩ અને

૧૬ એપ્રિલ ૨૦૦૪

મહત્ત્વના અવોર્ડ : પાર્ટ વન અને ટુ બન્ને માટે ઉમા થર્મનને બેસ્ટ એક્ટ્રેસનાં ગોલ્ડન ગ્લોબ નોમિનેશન, પાર્ટ ટુ માટે ડેવિડ કેરેડાઈનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનું ગોલ્ડન ગ્લોબ નોમિનેશન

No comments:

Post a Comment