Saturday, October 19, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : એરિન બ્રોકોવિચ

Mumbai Samacahar - Matinee Supplement - 18 Oct 2013

હૉલીવુડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મ ૪૪ : એરિન બ્રોકોવિચ

સામેવાળો ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો સત્ય આપણા પક્ષે હોય તો કોઈથી ડરવાની જરૂર હોતી નથી. સત્યઘટના પર આધારિત એરિન બ્રોકોવિચ વારંવાર જોવી ગમે તેવી છે અને દર વખતે આ ફિલ્મ જુસ્સો ચડાવી દે છે.




હિંમત કભી ના હારેંગે 

મુક ફિલ્મોમાં કંઈક એવો જાદુ હોય છે કે જેને લીધે તે વારંવાર જોયા પછીય આપણે કંટાળતા નથી. ફિલ્મ જોઈએ ત્યારે દર વખતે આપણો પાનો ચડે, આપણો જુસ્સો વધે. સામેવાળો ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ જો સત્ય આપણા પક્ષે હોય તો કોઈથી ડરવાની જરૂર હોતી નથી. આ વાત એરિન બ્રોકોવિચમાં અસરકારક રીતે કહેવાઈ છે. ફિલ્મ સત્યઘટના અને સાચુકલી વ્યક્તિ પર આધારિત છે. 

ફિલ્મમાં શું છે?

એરિન બ્રોકોવિચ (જુલિયા રોબર્ટ્સ) ભારાડી અમેરિકન મહિલા છે, ડિવોર્સી છે. ત્રણ બચ્ચાંને જેમતેમ કરીને એકલી સંભાળે છે. સ્વભાવે ઉદ્દંડ. બોલવામાં બેફામ. એની કપડાં પહેરવાની સ્ટાઈલ સન્નારીઓને શોભે એવી તો નહીં જ. બિન્દાસ લો-કટ ટૉપ પહેરે, જેમાંથી સ્તનો અને બ્રાની પટ્ટીઓ બહાર ડોકિયાં કરતાં હોય. એની પાસે નથી અનુભવ કે નથી પૂરતી ક્વોલિફિકેશન, છતાં એડ મર્સી (આલ્બર્ટ ફિની) નામના એડવોકેટની લો ફર્મમાં ઓછા પગારે લીગલ આસિસ્ટન્ટની નોકરીએ લાગે છે. 

પેસિફિક ગેસ એન્ડ ઈલેક્ટ્રિક (પીજી એન્ડ ઈ) નામની એક જાયન્ટ કંપનીનો પ્રોપર્ટીનો એક કેસ એડ પાસે આવ્યો છે. તેની ફાઈલો એ એરિનને આપે છે. કંપની ડોના નામની સ્ત્રીનું ઘર ખરીદવા માગે છે. ફાઈલમાં જાતજાતના મેડિકલ રિપોર્ટ્સ પણ છે. એરિનને નવાઈ લાગે છે કે પ્રોપર્ટીની મેટરમાં મેડિકલ રિપોર્ટ્સ શા માટે બીડ્યા છે. એરિન ડોનાને મળવા જાય છે. એ બિચારીને ભયાનક ગાંઠો થઈ છે. એના પતિને પણ કોઈક ગંભીર બીમારી છે. ડોના વાતવાતમાં કહે છે, જોને, આ કંપનીવાળા કેટલા સારા છે. અમારો ટ્રીટમેન્ટનો બધો ખર્ચ કંપનીએ ઉપાડી લીધો છે. એરિન પૂછે છે, પણ તારી બીમારી સાથે કંપનીને શું લાગે વળગે? ડોના જવાબ આપે છે, એ તો ક્રોમિયમનું કંઈક છેને એટલે. 





પત્યું. એ ભોળી મહિલાને કલ્પના નથી કે એનો આ ટૂંકો ને ટચ જવાબ કેટલી મોટી બબાલ ઊભી કરી દેશે. એરિન કેસમાં ઊંડી ઊતરે છે. એને ખબર પડે છે કે ડોના જે વિસ્તારમાં રહે છે એનું પાણી પ્રદૂષિત છે. પીજી એન્ડ ઈ કંપનીએ પૂરતી તકેદારી રાખી ન હોવાથી એની ફેક્ટરીમાંથી ઝરતું હેક્ઝાવેલન્ટ ક્રોમિયમ નામનું ખતરનાક કેમિકલ પીવાના ને અન્ય ઉપયોગમાં લેવાના પાણીના સ્ત્રોતમાં ભળી ગયું છે, જે સ્થાનિક લોકોના શરીરમાં પહોંચીને ભયાનક નુકશાન પહોંચાડી રહ્યું છે. કંપનીએ સ્થાનિક લોકોને આ વિશે તદ્દન ભ્રમમાં રાખ્યા છે ને ખોટી માહિતી આપી છે. વળી, આ બધાંની ટ્રીટમેન્ટ કરવા કંપનીના ડોક્ટરો જ નીમ્યા છે એટલે સચ્ચાઈ ઢંકાઈ ગઈ છે. 

એરિન બોસને કહે છે કે આપણે આ લોકોને એકઠા કરીને કંપની વિરુદ્ધ બેદરકારીનો અને રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના મામલે કેસ ઠોકી દેવો જોઈએ. બોસ કહે છે: એરિન, ગાંડી ના થા. આપણે આ કામમાં નાના પડીએ. ક્યાં આ અબજોની અસ્કયામત ધરાવતી મલ્ટિનેશનલ કંપની ને ક્યાં આપણી ટચૂકડી ફર્મ. પણ એરિન બોસને મનાવી લે છે. 

એરિનને એક બોયફ્રેન્ડ પણ છે - જ્યોર્જ (એરોન એકાર્ટ). બાઈક, ફ્રેન્ચકટ દાઢી અને ટચૂકડી પોનીવાળો. એરિનનાં ત્રણેય છોકરાંવને સંભાળવાની જવાબદારી એના પર આવી પડે છે. એરિન સમય આપી શકતી નથી એથી જ્યોર્જને પણ ખૂબ તકલીફ થઈ રહી છે, પણ એરિન પોતાનાં આ નવા કામમાં ગજબના ઝનૂનથી કામ કરી રહી છે. એ કહે છે કે જિંદગીમાં પહેલી વાર મારા કામ બદલ મને આદર મળી રહ્યો છે. પ્લીઝ, તું બધું એકલા હાથે સંભાળી લેેજે. એરિન પાસે પુષ્કળ કામ છે. સૌથી પહેલાં તો એણે કંપની વિરુદ્ધ નક્કર પૂરાવા એકઠા કરવાના છે. એક બારમાં એનો ભેટો પીજી એન્ડ ઈ કંપનીમાં કામ કરી ચુકેલા માણસ સાથે થાય છે. એને અમુક દસ્તાવેજોનો નાશ કરવાનું કામ સોંપાયું હતું. આ માણસે જોયું કે આમાં તો કંપનીના કામદારોની નાજુક તબિયત વિશેના મેડિકલ રિપોર્ટ્સ છે. નાશ કરવાને બદલે આ ડોક્યુમેન્ટ્સ એણે પોતાની પાસે રાખી લીધા. આ તમામ કાગળિયાં એ એરિનને આપે છે. ડોક્યુમેન્ટ્સમાં તે વાતનો પૂરાવો છે કે કંપનીના સાહેબોને પાક્કા પાયે ખબર હતી કે ઝેરી ક્રોમિયમથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે છતાં તેમણે આ સિલસિલો અટકાવવાની કોઈ જ કોશિશ કરી નથી. ઊલટાનું, આ આખી વાતનો વીંટો વાળી દેવાની કોશિશ કરી. 





એરિન હેક્ઝાવેલન્ટ ક્રોમિયમથી નુક્સાન પામેલા ૬૩૪ લોકોને વિશ્ર્વાસમાં લઈને એકજૂથ કરે છે. કંપની વિરુદ્ધ પૂરક દસ્તાવેજો ગમે તેમ કરીને ભેગા કરવાના છે. ફેમિનાઈન ચાર્મ અજમાવો, લૉ-કટ કપડાં પહેરો, કારકૂનના મોંમાથી મધલાળ ટપકે એવાં નખરાં કરવા પડે તો તે પણ કરો, પણ કામ થવું જોઈએ. તમામ લોકો વતી એરિન અને તેના બોસની કંપનીના હાઈ પ્રોફાઈલ પ્રતિનિધિઓની મીટિંગો થાય છે. વાતને વધારે ખેંચવાને બદલે જલદી માંડવાળ કરવાનો ઉદેશ છે. કંપનીના સાહેબો ચાલાકી કરવા જાય એટલે એરિન બિન્ધાસ્ત ભાષામાં નામ, આંકડા અને રોગની વિગતો મશીનગનની જેમ ફેંકીને તેમને ચુપ કરી દે. આખરે સેટલમેન્ટનો અધધધ આંકડો નક્કી થાય છે,૩૩૩ બિલિયન ડોલર્સ એટલે કે આજના હિસાબે ૨૦૫૯૮ કરોડ રૂપિયા, ફક્ત! આ એક વિક્રમ છે. અગાઉ નક્ક્ી થયા પ્રમાણે ૪૦ ટકા રકમ ફી પેટે એરિનના બોસને મળે છે. બાકીની રકમ ૬૩૪ લોકો વચ્ચે વહેંચાઈ જાય છે. 

ફિલ્મનો છેલ્લો સીન બહુ સરસ છે. બોસ એરિનની ટાંગ ખેંચતા કહે છે, એરિન, આપણે કેસ જીતી ગયા એટલે મેં તને અમુક રકમનું બોનસ આપવાનું નક્કી તો કર્યું હતું, પણ સોરી, છેલ્લી ઘડીએ મારે આંકડો બદલી નાખવો પડ્યો. એરિન વિફરે છે, સર, તમે જોતાં નથી કે આ કેસ માટે મેં દિવસ-રાત એક કર્યા છે, મારાં બચ્ચાંને રીતસર અવગણ્યાં છે, મારો બોયફ્રેન્ડ મને છોડીને જતો રહ્યો ને તમે... અચાનક એનું ધ્યાન ચેક પર લખેલી રકમ પર જાય છે, બે મિલિયન ડોલર્સ! એરિન રાજીનાં રેડ થઈ જાય છે. પોતાને અપેક્ષા હતી તેના કરતાં ઘણું મોટું બોનસ બોસે આપ્યું હતું. એરિન બ્રોકોવિચ અને તેનાં બાળકોનું ભવિષ્ય હવે ઘણે અંશે સુરક્ષિત થઈ ગયું છે.

કથા પહેલાંની અને પછીની

અગાઉ જણાવ્યું તેમ આ એક સત્યકથા છે. અસલી એરિન બ્રોકોવિચે પોતાની કથા યુનિવર્સલ સ્ટુડિયોને ફક્ત એક લાખ ડોલરમાં વેચી હતી. એને ફિલ્મમાં દેખાડાય છે એવો એક બાઈકર બોયફ્રેન્ડ પણ હતો. જોકે બ્રેકઅપ થઈ ગયા પછી પણ બન્ને છુટાં નહોતાં પડ્યાં, કારણ કે એરિનના બોસે એને કાયદેસર એરિનનાં બાળકોના કેરટેકર તરીકે સારા પગારની નોકરી પર રાખી લીધો હતો. અસલી એરિન બ્રોકોવિચની ઈચ્છા હતી કે ફિલ્મમાં પોતાનો રોલ ગોલ્ડી હોન ભજવે. મજા જુઓ. એનો અસલી બોસ કહ્યા કરતો કે તારું કિરદાર કરવા માટે સૌથી ઓછી લાયક કોઈ અભિનેત્રી હોય તો તે જુલિયા રોબર્ટ્સ છે, કારણે કે એ તારી જેમ ગાળો બોલતી જરાય જામે જ નહીં. યોગાનુયોગે આ રોલ જુલિયા રોબર્ટ્સ પાસે જ ગયો અને તે એણે એટલી અદભુત રીતે નિભાવ્યો કે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી લીધો. અસલી એરિન જુલિયાના પર્ફોર્મન્સથી રાજી રાજી હતી. બાય ધ વે, ફિલ્મમાં અસલી એરિન બ્રોકોવિચ પણ એક દશ્યમાં દેખાય છે, વેઈટ્રેસના રૂપમાં. એના કિરદારનું નામ જુલિયા રાખવામાં આવ્યું છે. 



Real Eric Brockovich : The film is based on her life 

ફિલ્મમાં એરિનને ઢગલાબંધ ફોન નંબર, આંકડા તેમજ બીજી વિગતો કડકડાટ બોલતાં બતાવી છે. શું અસલી એરિન ખરેખર તીવ્ર યાદશક્તિ ધરાવે છે? એ કહે છે કે હા. એને તારેં જમીં પર વાળી ડિસ્લેક્સિયાની બીમારી છે. સીધીસાદી રીતે તે વાંચી શકતી નહીં. તેથી એણે નાનપણથી જ બધું જ ગોખી ગોખીને યાદ રાખવાની ટેવ પાડી હતી. આ ટેવ એને પીજી એન્ડ ઈ કેસ વખતે પણ કામ આવી. બીજો મહત્ત્વનો સવાલ. ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સ કારકૂન પ્રકારના લોકો પાસેથી પોતાનું કામ કઢાવવા બેધડક સ્તનપ્રદર્શન કરતાં લો-કટ ટી-શર્ટ પહેરે છે. શું અસલી એરિન પણ આવાં ગતકડાં કરતી? અસલી એરિન બ્રોકોવિચ ચોખ્ખી ના પાડે છે. એ કહે છે, મારાં ડ્રેસિંગની સ્ટાઈલ જ એવી છે. હું અંગત જીવનમાં આવાં જ કપડાં પહેરું છું. પેલાં કારકૂન પાસે ડોક્યુમેન્ટ્સ કઢાવવા ગઈ હોઈશ ત્યારે મેં લો-કટ ટી-શર્ટ પહેર્યું હોય તે શક્ય છે, પણ તે વખતે મારા મનમાં એવી કંઈ ગણતરી નહોતી કે થોડુંઘણું અંગપ્રદર્શન કરીશ તો મારું કામ આસાન થઈ જશે! 





પ્રીટિ વુમન જુલિયા રોબર્ટ્સ કેટલી અફલાતૂન એક્ટ્રેસ છે તે આ ફિલ્મે ફરી એક વાર ફરી સાબિત કર્યું. એની કરીઅરની સૌથી દમદાર અને યાદગાર ભૂમિકાઓમાંની આ એક. સિંગલ મધર તરીકેનો સંઘર્ષ, સૂંપર્ણ આત્મવિશ્ર્વાસ સાથે જરાય હિંમત હાર્યા વિના અન્યાય સામે લડતા રહેવાની જીદ, બહારથી જેટલી બરછટ અંદરથી એટલી જ સંવેદનશીલ, નિર્દોષ લોકોને ઉપયોગી થઈ શકાયાનો સંતોષ, આ તમામ પાસાં જુલિયાએ કુનેહપૂર્વક ઉપસાવ્યાં છે. બોસ બનતા આલ્બર્ટ ફિની સહિત નાનાંમોટાં તમામ કિરદારોનાં પર્ફોર્મન્સીસ સુંદર છે. ઉત્તમ ફિલ્મમાં માત્ર બે જ લાઈનનો ડાયલોગ બોલતાં પાત્ર માટે પણ પરફેક્ટ કાસ્ટિંગ કરવાની જહેમત લેવાતી હોય છે. 

આ ફિલ્મે જુલિયા રોબર્ટ્સ તેમજ ડિરેક્ટર સ્ટીવન સોડનબર્ગને ખૂબ પ્રતિષ્ઠા અપાવી. ફિલ્મ હિટ થઈ. વિખ્યાત સમીક્ષક રોજર ઈબર્ટ સાથે સંભવત: પહેલી વાર બિલકુલ સહમત થઈ શકાતું નથી. રોજરસાહેબને ફિલ્મ ન ગમી. માત્ર બે જ સ્ટાર આપ્યા એને. ખાસ કરીને જુલિયાના ડ્રેસિંગ સામે એને બહુ વાંધો પડી ગયો હતો. એની વે. તમે ફિલ્મ હજુ સુધી જોઈ ન હોય તો જરૂર જોજો. ગાળો અને કપડાંથી સુરૂચિનો ભંગ થઈ જતો હોય તો એને અવગણજો ને ફિલ્મની મોટિવેશનલ ક્વોલિટી પર ધ્યાન આપજો. મન પોઝિટિવ-પોઝિટિવ થઈ જશે. 


એરિન બ્રોકોવિચ ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : સ્ટીવન સોડનબર્ગ  



સ્ક્રીનપ્લે : સુઝેના ગ્રાન્ટ

કલાકાર : જુલિયા રોબર્ટ્સ, આલ્બર્ટ ફિની, 

એરોન ઈકર્ટ 

રિલીઝ ડેટ : ૧૭ માર્ચ ૨૦૦૦

મહત્ત્વના એવોર્ડઝ : જુલિયા રોબર્ટ્સને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર વત્તા બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટરનાં નોમિનેશન્સ      0 0 0

No comments:

Post a Comment