Saturday, June 1, 2013

આલ્પ્સના ડુંગરા નજીકથી પણ રળિયામણાં!


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

Interlaken
                                                                                   
ગુજરાતના પા ભાગ કરતાંય ઓછો એરિયા ધરાવતા, ફક્ત ૭૮ લાખની વસતીવાળા તેમજ જર્મની, ઓસ્ટ્રિયા, લીચટેનસ્ટેન, ઈટલી અને ફ્રાન્સની વચ્ચે વસેલા સ્વિત્ઝરલેન્ડમાં એવું તે શું છે કે દુનિયાભરના પ્રવાસીઓનું એ દાયકાઓથી મોસ્ટ ફેવરિટ છે? આ સવાલનો વિસ્તૃત જવાબ એટલે આજનું પુસ્તક. લેખકબેલડી અઠંગ વિશ્વપ્રવાસી છે. દુનિયાભરના દેશોમાં ઘુમીને પછી એનાં ઝીણવટભર્યા વર્ણનો કરતાં પુસ્તકો લખવાની એમની ખૂબસૂરત આદત છે. સ્વિત્ઝરલેન્ડના ઈન્ટરલેકન નગરની હેરિટેજ હોટલમાં રોકાણ કરીને એમણે લગભગ આખો દેશ ખૂંદી નાખ્યો. પછી દેશ પાછા ફરીને આ પુસ્તક પર કામ કરવાનું શરુ કરી દીધું.

ડો. સુધીર શાહ લખે છે કે સ્વિત્ઝરલેન્ડ તમારી સામે તમારી તાસીર પ્રમાણે બધું જ પીરસશે. જો તમને ચિત્રકલામાં રસ હોય તો અહીં અપ્રતિમ દશ્યો જોવા મળશે. સંગીતકાર બનવાની ઉત્કંઠા હોય તો અહીંના ઝરણાં અને પંખીઓ પોતાના સ્વરો દ્વારા  તમને સંગીત શીખવશે. કાવ્યો રચવા હોય તો આખો દેશ એ માટે પ્રેરણા પૂરી પાડશે. આર્કિટેક્ચરમાં રસ હોય તો અહીં તમને વર્ષો જૂનાં અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈનો ધરાવતાં કંઈકેટલાય આવાસો જોવા મળશે. તમને એડવન્ચર અને સ્પોર્ટસમાં રસ હોય તો એને લગતી એક્ટિવિટીઝ માટે તો આ દેશ પંકાયેલો છે. ખાવાના શોખીન હો તો જીનીવા અને ઝ્યુરિક તમારી સામે દુનિયાભરની વાનગીઓનો અન્નકોટ ધરી દેશે. પીવાના શોખીન હો તો જાતજાતનાં સ્વાદિષ્ટ, માદક તેમજ નિદોર્ષ પીણાં તમને તર-બ-તર કરી મળશે. ટૂંકમાં, તમે કોઈ પણ બાબતમાં રુચિ ધરાવતા હો, આ દેશ એને સંતોષવાની અદભુત ક્ષમતા ધરાવે છે. કદાચ એટલે જ આખા વિશ્વના ટુરિસ્ટો માટે આ નંબર વન દેશ છે!

હિમાલયના પર્વતોને જોતા આધ્યાત્મિક અનુભૂતિ થાય, જ્યારે આલ્પ્સ પ્રવાસીઓને રોમાંચનો અનુભવ કરાવે. ઘણા પરદેશીઓ સ્વતંત્રપણે  સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયા હોય ત્યારે અડધા દિવસો ઈન્ટરલેકનમાં અને અડધા દિવસો લ્યુઝેનમાં રહેવાનું પસંદ કરે છે, જેથી આલ્પ્સની તળેટીમાં બબ્બે તળાવોની વચ્ચે વસેલા શાંત નગરના માહોલ અને જાતજાતની પ્રવૃત્તિઓથી ધમધમતા લ્યુઝેન શહેર, એમ બન્ને પ્રકારના વાતાવરણનો અનુભવ થઈ શકે.

Zurich


ઝ્યુરિકના બેનહોફ સ્ટ્રેસ નામના રસ્તા પર જોકે લેખિકા સંગીતા જોશીને અલગ અનુભૂતિ થઈ. એમને અચાનક યાદ આવ્યું કે આ રસ્તાની નીચે આવેલા અન્ડરગ્રાઉન્ડ લોકરોમાં દેશ-પરદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓે અને ધનિકોના કાળા નાણાં અને એના વડે ખરીદાયેલા ઝરઝવેરાત, હીરા-મોતી, સોના-ચાંદીની લગડીઓ અહીં સંગ્રહાયેલા પડ્યા છે. એ લખે છે:

‘એ રસ્તા પર પગ મૂકતા જ જાણે કે મને વીજળીનો આંચકો લાગ્યો. હું પણ જાણે અબજોપતિ હોઉં એવું ત્યાંની ધરતી ઉપર પગ ઠેરવતા મેં અનુભવ્યું. જો પગ નીચેની દોલત માણસને આવો અનુભવ કરાવી શકે તો એ મિલકત એના ખિસ્સામાં હોય તો તો એ એને શું નું શું કરાવી શકે?’ આટલું કહીને લેખિકા હળવેથી ઉમેરી દે છે કે, ‘અન્ના હજારે જો સ્વિત્ઝરલેન્ડમાં જન્મ્યા હોત તો આ બેનહોફ સ્ટ્રેસ પર બેસીને જ કાળાં નાણાં વિરુદ્ધ ભૂખ હડતાળ આદરી હોત!’

સ્વિત્ઝરલેન્ડને ભારતીયોમાં પોપ્યુલર બનાવનાર જો કોઈ હોય તો એ છે યશ ચોપડા! એમણે પોતાની બેનરની ફિલ્મોનું અહીંના આંખ ઠારે એવાં લોકેશન્સ પર ચિક્કાર શૂટિંગ કર્યું છે. ૨૦૧૧માં એમને એમ્બેસેડર ઓફ ઈન્ટરલેકન તરીકેનું બહુમાન આપવામાં આવ્યું હતું. અહીંના એક પાર્કમાં યશ ચોપડાના નામની રીતસર તકતી મૂકાઈ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને કારણે માઉન્ટ ટિટલિસ ભારતીય પ્રવાસીઓમાં સુપરહિટ થઈ ગયું છે. આ પર્વતની ટોચ પર શાહરુખ-કાજોલનું પૂર્ણકદનું કટ-આઉટ સુદ્ધાં જોવા મળે છે! પ્રવાસીઓને શિખર સુધી લઈ જતી દુનિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ કેબલકાર અહીં શરુ થઈ હતી. માઉન્ટ ટિટલિસની તળેટીમાં આવેલું એંગલબર્ગ શહેર તમને બર્ફીલા ઈગ્લૂમાં રહેવાની સુવિધા પૂરી પાડે છે.

Mount Titlis

કેટલી બધી જગ્યાઓ અને કેટલી બધી વાતો. યુરોપનો સૌથી ઊંચો પર્વત ઝુંગફ્રુજો (ઝંગફ્રુ શબ્દનો અર્થ છે, જુવાન છોકરી), હાર્ડર કુલ્મ, બેલનબર્ગ ઓપનએર મ્યુઝિયમ, બ્રિન્ઝ તળાવ, બર્ફીલા ગ્લેશિયરની ટૂર કરાવતી ટ્રેનો, જીનીવા લેકમાં આવેલો ૧૪૦ મીટર ઊંચાઈ સુધી પાણી ફેંકતો જેટ ડ્યુ ફાઉન્ટન, સિનિક પ્લેટ નામની રમણીય જગ્યા અને એવું તો કેટલુંય.

લેખકબેલડી પાસે ફિલ્ડ રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર જેવો મિજાજ છે. પ્રવાસ કરતી વખતે તેમની આંખ, કાન, નાક (અને જીભ પણ!) સતત સતેજ રહે છે. જે-તે સ્થળનું વર્ણન કરતી વખતે પાક્કા આંકડા અને વિગતો ટાંકીને સ્થાનિક તેમજ ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરતા જાય છે. દુનિયાના કેટલાય દેશોમાં ઘુમ્યા છે એટલે એમની પાસે તુલનાત્મક દષ્ટિકોણ છે. જેમ કે એક જગ્યાએ એ કહે છે કે અમેરિકામાં તો જો તમે ટિપ ન આપો તો વેઈટરો, ટેક્સીડ્રાઈવરો, ટૂરગાઈડો તમને હડધૂત કરે કે રીતસર ગાળો આપે એવું સુધ્ધાં બને છે! અમેરિકા અને સિવાયના કેટલાંક યુરોપિયન દેશોમાં લોકો ટિપને પોતાનો હક માને છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં રેસ્ટોરાંમાં બિલ ચુકવતી વખતે ટિપ આપવાનો રિવાજ નથી.

લેખકબેલડીનાં પ્રવાસકથાનાં પુસ્તકોમાં વાચકને આંજી નાખવાનો નહીં પણ હંમેશાં પોતાના આનંદને અને રોમાંચને શેર કરવાનો એટિટયુડ હોય છે. સ્થળોની વાતો કરતાં કરતાં એમની વચ્ચે થઈ ગયેલી તૂ-તૂ-મૈં-મૈં અને રોમેન્ટિક ક્ષણોની વાતો પણ બિલકુલ સહજભાવે ટાંકતા જાય છે. તેને લીધે પુસ્તક વધારે જીવંત અને હલકુફૂલકું બન્યું છે. ચિક્કાર ઉપયોગી ટિપ્સ ધરાવતાં આ પુસ્તકનું લખાણ સાદગીભર્યું અને અત્યંત પ્રવાહી છે. કાળાં ધાબાં જેવી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો લગભગ નિરર્થક બની રહે છે, પણ એની કસર ખૂબસૂરત કલર તસવીરો પૂરી કરી નાખે છે. વાચકમાં મીઠી ઈર્ષ્યા જગાવી દે, તેને આનંદિત, ઉત્તેજિત અને બેચેન કરી નાખે એવું મજાનું પુસ્તક.                                                                                                                0 0 0


આલ્પ્સના ખોળામાં 

લેખકો: સંગીતા જોશી - ડો. સુધીર શાહ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩
કિંમત:  ‚. ૨૫૦ /

પૃષ્ઠ: ૨૩૦




No comments:

Post a Comment