Sunday, June 30, 2013

વાંચવા જેવું : મધુ રાય આત્મકથા શા માટે નહીં લખે?


 ચિત્રલેખા - જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

 ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’


                                                                                               

ગભગ કહેવતની કક્ષાએ પહોંચી ગયેલી ‘ગમતાંને કરીએ ગુલાલ’ પંક્તિ કવિ મકરંદ દવેની છે, ખરું? ના જી. આ પંક્તિ મૂળ કુન્દનિકા કાપડીઆની છે! બન્ને જીવનસંગી બન્યાં એ પહેલાંની આ વાત છે. કુન્દનિકાજી એ વખતે ‘નવનીત’ સામયિકનાં સંપાદિકા. એક વખત તેમણે મકરંદ દવેેને પત્ર લખ્યો કે  તમે તો ગમતાંને ગુલાલ કરો એવા કવિ છો તો અમને એક સરસ કાવ્ય મોકલો. બસ, આ કાગળ વાંચ્યા પછી, આ પંક્તિ પરથી પ્રેરાઈને મકરન્દ દવેએ કાવ્ય લખ્યું જે મશહૂર થઈ ગયું: ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ...’

આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી
Makarand Dave
છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ.... સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.

‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર આત્મકથા લખનાર તારક મહેતા એક પ્રશ્નના ઉત્તરમાં સમાજને શ્વાન સાથે સરખાવે છે. એ કહે છે, ‘કૂતરાથી તમે ડરીને દોડો તો એ તમારી પાછળ પડે, તમને કરડે. પણ તમે એની આંખોમાં આંખ મેળવીને ઊભા રહો તો કૂતરું કંઈ ન કરે. એટલે સમાજનું એવું છે, તમે જેટલા ડરો એટલી વધારે લાતો એ તમને મારે. એની સામે ખૂલીને ઊભા રહો કે જુઓ ભાઈ, જે છું તે આ છું, મને સ્વીકારો કે નકારો.’



વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી આજે વિરાટ સ્વીકૃતિની ધાર પર ઊભા છે. આઈ.ટી. + આઈ.ટી = આઈ.ટી (અર્થાત ઈન્ફર્મેશન ટેકનોલોજી + ઈન્ડિયન ટેલેન્ટ = ઈન્ડિયન ટુમોરો) જેવું ચોટડુક સૂત્ર આપનાર આપનાર નરેન્દ્ર મોદીની રોજિંદી દિનચર્યા કેવી હોય છે? જવાબ સાંભળો:

‘દિવસ તો મારો પણ બીજાની જેમ ૨૪ કલાકનો જ હોય છે. સવારે પાંચ-સવા પાંચ વાગે ઊઠું છું. ઈ-મેઈલ જોવાની ટેવ છે, ઈન્ટરનેટ પર દિલ્હીનાં, બહારનાં છાપાં વાંચવાની ટેવ છે. મારે કારણે રાજ્ય પર બોજ ન આવે એટલે શરીરને સરખું રાખવું જોઈએ, માંદા ન પડાય એવી કાળજી રાખવી જોઈએ, એટલે એને માટે યોગ, વ્યાયામ, પ્રાણાયામ કરવાની ટેવ છે. બાકી ખૂબ સાદું જીવન છે. સવારે આઠ-નવ વાગ્યે કામ ચાલુ કરું છું, રાત્રે પૂરું ન થાય ત્યાં સુધી બંધ કરતો નથી.’

પુસ્તકમાં કેટલીય નિખાલસ કબૂલાતો છે. જેમ કે, ફાધર વાલેસ સ્પષ્ટપણે કહે છે કે હું સ્પેનથી ભારત આવ્યા ત્યારે એવી સંકુચિત મનોદશા લઈને આવ્યો હતો કે ચર્ચ સિવાય મુક્તિ નહીં. આઉટસાઈડ ધ ચર્ચ ધેર ઈઝ નો સાલ્વેશન. પણ ભારતમાં આવીને ફાધર સમજ્યા કે મુક્તિ બધે જ હોય છે. સાચા દિલનો માણસ હોય તો એ ભગવાન પાસે જરુર જઈ શકે. આપણા સૌના મનમાં રમતા હોય એવા સવાલો લેખિકાએ મહાનુભાવોને અચૂકપણે કર્યાં છે. દષ્ટાંત તરીકે, મોરારિબાપુને એ પૂછે છે કે આપને જીવનમાં ક્યારેય ઘોર નિરાશાનો અનુભવ થયો છે ખરો? જો થયો હોય તો એ લાગણીમાંથી શી રીતે બહાર નીકળો છો? મોરારિબાપુ કહે છે:

Morari Bapu
‘હું શરણાગતિમાં માનું છું. જેની પાસે શરણાગતિનો રસ્તો હોય, શ્રદ્ધાનો માર્ગ હોય એ નિરાશ ન થાય. મારા જીવનમાં એક પણ એવી ઘટના બની નથી કે હું નિરાશ થયો હોઉં. જે મોડથી ગુજરવું પડ્યું, હરેક ઘાટને મેં પ્રણામ કર્યા છે અને તેથી ગતિ ચાલુ જ રહી છે. કોઈ નિરાશાએ મને રોક્યો નથી... નિરાશામાંથી બહાર નીકળવાનો એક મોટામાં મોટો ઉપાય મારી દષ્ટિએ સાધુ ચરિત વ્યક્તિનો સંગ છે. એક સારી સોબત, એક સારી કંપની માણસને નિરાશામાંથી બહાર કાઢી શકે છે.’

સ્વામી સચ્ચિદાનંદના કાંતિક્રારી અને આક્રમક વિચારો હંમેશાં ધારી અસર પેદા કરતા હોય છે. એ કહે છે કે મુઠ્ઠીભર મુસ્લિમ કે અંગ્રેજ કે કોઈ પણ પ્રજા વર્ષો સુધી તમારા પર રાજ કરે તો એમનામાં કોઈ ખૂબીઓ જરુર હોવી જોઈએ. હિન્દુવાદી સંસ્થાઓએે ખરેખર તો જનતાને આ પ્રજાઓની ખૂબીઓ અને આપણી ખામી બતાવવી જોઈતી હતી. એને બદલે એ જનતાને ‘હમ મહાન હૈ’નો નશો ચડાવતી રહી. ખામીઓ ધ્યાનમાં લાવવાને બદલે પ્રજાને ઊલટા ભારતીય સંસ્કૃતિની મહાનતાની ભાંગના નશામાં ચકચૂર રાખો તો આપણી કમી કઈ રીતે નાબૂદ થવાની? ‘વીરતા પરમો ધર્મ’ એવું સૂત્ર આપીને સ્વામીજી સ્પષ્ટપણે કહે છે કે વીરતા અને અહિંસા એ કંઈ પરસ્પર વિરોધી બાબતો નથી.

મધુ રાયની આત્મકથાની આપણે સૌ તીવ્રતાથી રાહ જોઈ રહ્યા છીએ. ચંદ્રકાંત બક્ષીએ તો એનું શીર્ષક પણ નક્કી કરી નાખ્યું હતું - ‘રિટર્ન ટિકિટ’. કમબખ્તી એ છે કે મધુ રાય આત્મકથા લખવાના કોઈ મૂડમાં નથી. એ કહી દે છે કે મારાં લખાણોમાં મારી આત્મકથા એવી વણાયેલી છે કે એ ફરી લખવાનો અર્થ નથી અને જે નથી લખાયું તે લખવાની હિંમત નથી!

મુલાકાતમાં કેવળ ઉત્તર આપનારનું જ નહીં, બલકે પ્રશ્ન પૂછનારનું વ્યક્તિત્ત્વ પણ છતું થતું હોય છે. લેખિકા જે રીતે સવાલો પૂછે છે અને પછી જવાબોને પચાવીને શબ્દોમાં ઢાળે છે એના પરથી એમની સમજ, નિષ્ઠા અને પક્વતા સ્પષ્ટ થાય છે. સુઘડ છપાઈ ધરાવતાં આ પુસ્તક સાથે એક્સ્ટ્રા બોનસ પણ છે- આ તમામ મુલાકાતોને આવરી લેતી ઓડિયો સીડી. વાંચવાનો જલસો પડે એવું સુંદર પુસ્તક.           0 0 0


  સુરીલા સંવાદ


લેખિકા: આરાધના ભટ્ટ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩ 
કિંમત:  ‚. ૩૯૫ /
પૃષ્ઠ:  ૨૩૮


૦ ૦ ૦

Saturday, June 29, 2013

મલ્ટિપ્લેક્સ : ઉડાન પછીનું આકાશ


Sandesh - Sanskaar Purti - 30 June 2013
Column: મલ્ટિપ્લેક્સ
વિક્રમાદિત્ય મોટવાણેની પહેલી ફિલ્મ 'ઉડાન'ની પુષ્કળ તારીફ થઈ હતીપણ તેણે બોક્સઓફિસ પર કમાલ નહોતી કરી. હવે જોવાનું એ છે કે વિક્રમાદિત્ય પોતાની બીજી ફિલ્મલૂટેરા'માં આટ્ર્સ અને કોમર્સનું કોમ્બિનેશન કરી શકે છે કે કેમ!

શહૂર અમેરિક્ન લેખક્ ઓ. હેનરીની એક્ સુંદૃર વાર્તા છે - ‘ધ લાસ્ટ લીફ'. વોશિંગ્ટનની એક ગલીમાં બે સ્ત્રીઓ છે - જોન્સી અને સૂ. જોન્સી મરવા પડી છે. એના પ્રાણ દેહ છોડે એટલી જ વાર છે. પથારીમાં પડી પડી એ બહેનપણીને કહે છેઃ સૂ, બારીમાંથી પેલી વેલ દેખાય છે? બસ, જે દિવસે આ વેલનું છેલ્લું પાંદડું ખરી પડશે તે દિવસે મારો જીવ જતો રહેશે. ગલીમાં નીચે એક મુફલિસ ચિત્રકાર પડયો રહેતો હતો. એ હંમેશાં કહ્યા કરતો કે જોજોને, એક દિવસ હું માસ્ટરપીસ બનાવવાનો છું. સૂ એને જોન્સીની બીમારી વિશે જાણ કરીને કહે છે કે એ હવે ઝાઝું જીવવાની નથી. જે દિવસે વેલનું છેલ્લું પાન ખરશે તે દિવસે એની આંખ મીંચાઈ જશે. ચિત્રકાર હસે છે, આવું તે કંઈ હોતું હશે? આ શું ગાંડા કાઢે છે તારી સખી?
એક રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે છે. વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો છે. સૂ બારીનો પડદો બંધ કરી દે છે. જોન્સીને ખાતરી થઈ જાય છે કે આવા તોફાનમાં છેલ્લું પાંદડું તો શું આખેઆખી વેલ જ હતી ન હતી થઈ જવાની. બીજા દિવસે સૂ થથરતા જીવે પડદો હટાવે છે, પણ આ શું? વેલ અને તેનું છેલ્લું પાંદડું બન્ને સલામત છે! જોન્સી કહે છે ઠીક છે, બહુ બહુ તો એક દિવસ, પછી તો પાંદડું ખરવાનું જ ને. દિવસો પસાર થતા જાય છે, પણ પેલું ચમત્કારિક પાંદડું ખરવાનું નામ લેતું નથી. મરવાના વાંકે જીવી રહેલી જોન્સી સાજી થવા લાગે છે. જોતજોતામાં એ તો બિલકુલ ઠીક થઈ જાય છે, પણ કોણ જાણે કેમ પેલો મુફલિસ પેઇન્ટર બીમાર થઈને મરી જાય છે. ડોક્ટર સૂને માહિતી આપતાં કહે છે કે ચિત્રકાર પાસેથી રંગો મિક્સ કરવાની પ્લેટ મળી આવી છે, જેમાં લીલો અને પીળો કલર કાઢીને ભેળવેલા હતા. આટલું કહીને ડોક્ટર ઉમેરે છે, તને હજુય સમજાયું નથી કે તારી બારીની બહાર જે છેલ્લું પાંદડું દેખાય છે તે કેમ ખરતું નથી કે હવામાં હલતું સુધ્ધાં નથી? અરે, તે પાંદડું અસલી નથી, ચિત્ર છે. આ મુફલિસ ચિત્રકારે તૈયાર કરેલું માસ્ટરપીસ છે જે એણે તારી બારીની બહાર ગોઠવ્યું છે. પેલી ભયાનક તોફાની રાતે ભીંજાવાની પરવા કર્યા વિના એણે ગમેતેમ કરીને આ છેલ્લા પાંદડાનું આબેહૂબ ચિત્ર બનાવ્યું હતું કે જેથી જોન્સી એને જોતી રહે ને એનો જીવ બચી જાય!
O. Henry
કેટલી સુંદર કથા! આજે  ઓ. હેન્રીની આ નવલિકા યાદ કરવાનું કારણ એ છે કે આવતા શુક્રવારે રજૂ થઈ રહેલી ફિલ્મ 'લૂટેરા' આ વાર્તા પર આધારિત છે. 'લૂટેરા'ના ડિરેક્ટર છે વિક્રમાદિત્ય મોટવાણે. ૨૦૧૦માં 'ઉડાન' નામની ફિલ્મ આવી હતી, જેમાં યુવાન થઈ રહેલા સ્વપ્નીલ દીકરા (રજત બારમેચા) અને તેના જડભરત પિતા (રોનિત રોય)ની વાત હતી. અદ્ભુત ફિલ્મ હતી આ! વિક્રમાદિત્યની તે સૌથી પહેલી ફિલ્મ. બોક્સઓફિસ પર 'ઉડાને' કમાલ નહોતી કરી તે અલગ વાત છે, પણ એક ફિલ્મમેકર તરીકે, એક સ્વતંત્ર અને કોન્ફિડન્ટ સિનેમેટિક વોઇસ તરીકે વિક્રમાદિત્યે પહેલા જ બોલમાં એટલી જબરદસ્ત સિક્સર ફટકારી હતી કે એની બીજી ફિલ્મ માટે ઉત્કટતાથી રાહ જોવાનું શરૂ થઈ ગયું હતું.
અજાણ્યા અથવા ઓછા જાણીતા કલાકારોવાળી 'ઉડાન' માર્કેટની દૃષ્ટિએ નાની ફિલ્મ હતી, જ્યારે 'લૂટેરા' રણવીરસિંહ અને સોનાક્ષી સિંહા જેવાં 'હેપનિંગ' સ્ટાર્સને ચમકાવતી તેમજ પ્રમાણમાં મોટું બજેટ ધરાવતી ફિલ્મ છે. 'બેન્ડબાજાં બારાત' અને 'લેડીઝ વર્સિસ રિકી બહલ' જેવી ફિલ્મોમાં રણવીરસિંહે ચલતા પૂરજા સ્ટ્રીટ-સ્માર્ટ યુવાનની ભૂમિકા ભજવી હતી. અસલી જીવનમાં પણ એ ભારે વાતોડિયો અને એનર્જેટિક માણસ છે. જોકે 'લૂટેરા'માં એ સાવ અલગ રૂપમાં દેખાવાનો છે- ધીરગંભીર, વિષાદભર્યો, ઇન્ટેન્સ. ‘વિક્રમાદિત્ય મોટવાણે સાથે એની પહેલી મુલાકાત ફિલ્મફેર એવોર્ડ્સ ફંક્શનમાં થઈ હતી. તે વર્ષે ‘વિક્રમાદિત્યને 'ઉડાન' માટે એવોર્ડ મળ્યો હતો. બેક સ્ટેજમાં રણવીરે એને અભિનંદન આપીને કહ્યું કે, મને તારી ફિલ્મ બહુ જ ગમી છે, તારી સાથે કામ કરવું મને બહુ જ ગમશે વગેરે.  વિક્રમાદિત્યે તરત જ કહ્યું, મારી પાસે એક સ્ક્રિપ્ટ છે, બોલ રસ છે તને? બન્ને પછી બાંદરાની ઓટર્સ ક્લબમાં મળ્યા. એમની વચ્ચે તરત ક્લિક થઈ ગયું. એનું એક કારણ એ પણ હતું કે બન્ને સિંધી છે. વિક્રમાદિત્ય 'લૂટેરા'ની બાઉન્ડ સ્ક્રિપ્ટ સાથે લઈને આવ્યો હતો. એણે વાર્તા મૌખિક ન સંભળાવી બલકે રણવીરના હાથમાં સ્ક્રિપ્ટની ફાઇલ થમાવીને કહ્યું, આને વાંચી જજે. રણવીર એ જ રાતે સ્ક્રિપ્ટ વાંચી ગયો. બહુ જ ગમી ગઈ એને ફિલ્મની વાર્તા. વાંચતા વાંચતા કેટલીય વાર એની આંખો છલકાઈ આવી. એણે વિક્રમાદિત્યને ફોન કરીને કહી દીધું, ડન. હું કરી રહ્યો છું તારી ફિલ્મ!
Vikrmaditya Motwane (behind) directing Ranveer Singh and Sonakshi Sinhi (above); (below) still from the film

હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી વર્કશોપ દરમિયાન રણવીરને પરસેવો છૂટી ગયો. એનાથી પાત્રનો સૂર જ પકડાતો નહોતો. એનું ફ્રસ્ટેશન વધતું જતું હતું. એ વારે વારે વિક્રમાદિત્યને પૂછયા કરતો કે ભાઈ, તેં મને પસંદ કરીને ભૂલ તો નથી કરીને? હું ભજવી શકીશ આ કિરદાર? વિક્રમાદિત્ય શાંતિથી કહેતોઃ ડોન્ટ વરી રણવીર, તું કરી શકીશ, મને ખબર છે. તું ભલે બહારથી ભડભડિયો રહ્યો,પણ તારી પર્સનાલિટીનું ગંભીર પાસું મેં જોયું છે. એન્ડ ટ્રસ્ટ ધ પાવર ઓફ કેમેરા! શૂટિંગ શરૂ થયું પછી વિક્રમાદિત્યે એની પાસેથી એવું કામ લીધું કે રણવીર ખુદ પોતાના પર્ફોર્મન્સથી ચકિત થતો ગયો. સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી માઇન્ડલેસ ફિલ્મોમાં શો-પીસ જેવા રોલ્સ કર્યા છે, પણ 'લુટેરા'માં સંભવતઃ પહેલી વાર એની અભિનયક્ષમતા જોવા મળશે એવું અત્યારે તો લાગે છે.
છત્રીસ વર્ષીય વિક્રમાદિત્યના મમ્મી એક ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર માટે પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતાં હતાં. પછી ટેલિવિઝન શોઝ માટે પ્રોડક્શનની જવાબદારી સંભાળવા લાગ્યાં. વિક્રમાદિત્ય સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારથી મમ્મીના સેટ પર જતો. એને નાનાં-મોટાં કામમાં મદદ કરતો, થોડુંક પોકેટમની કમાઈ લેતો. પછી 'હમ દિલ દે ચૂકે સનમ' અને 'દેવદાસ' ના મેકિંગ દરમિયાન સંજય ભણસાલીનો આસિસ્ટન્ટ ડિરેક્ટર બન્યો. વિક્રમાદિત્ય આજની તારીખે પણ સ્વીકારે છે કે એની પાસે સિનેમાનું જે કંઈ જ્ઞાન છે તે સંજય સરને કારણે છે. તેણે સંજય કરતાં સાવ અલગ સેન્સિબિલિટી ધરાવતા અનુરાગ કશ્યપ સાથે 'પાંચ' નામની અન-રિલીઝ્ડ ફિલ્મના મેકિંગ દરમિયાન પણ કામ કર્યું છે. 'ઉડાન'ની સ્ક્રિપ્ટ વિક્રમાદિત્યે આ વર્ષોમાં લખી નાખી હતી. અનુરાગ સ્વયં તે અરસામાં સ્ટ્રગલર હતા. તેઓ વિક્રમાદિત્યને કહ્યા કરતા કે જો હું પ્રોડયુસર હોત તો તારી આ ફિલ્મ હું જ પ્રોડયુસ કરત. એવું જ થયું. અનુરાગ જરા પાવરફુલ પોઝિશનમાં આવ્યા ને એમણે 'ઉડાન' પ્રોડયુસ કરી. વિક્રમાદિત્યે વચ્ચેનાં સાત વર્ષના ગાળામાં બીજી કેટલીય સ્ક્રિપ્ટ્સ લખી લખીને તૈયાર રાખી હતી, પણ એનું મન 'ઉડાન' પર જ ઠરતું હતું. 'ઉડાન' ફિલ્મ વિક્રમાદિત્યની ફિલ્મી કરિયરના ઉડાન માટે સશક્ત ટેક-ઓફ પુરવાર થઈ.
Udaan
'યે જવાની હૈ દીવાની' રિલીઝ થઈ ત્યારે એના ડિરેક્ટર અયાન મુખર્જી માટે જે વાત કહી હતી તે જ વાત વિક્રમાદિત્ય મોટવાણેને પણ લાગુ પડે છે. કોઈ પણ તેજસ્વી નવોદિત ફિલ્મમેકરની બીજી ફિલ્મ ખૂબ મહત્ત્વની હોય છે, કારણ કે એનાથી એની ક્ષમતાનું ખરેખરું માપ નીકળતું હોય છે. અયાને તો સુપરડુપર 'યે જવાની...' બનાવીને પોતાની ધાક જમાવી દીધી છે. જોઈએ, 'લુટેરા' વિક્રમાદિત્ય મોટવાણે માટે કેવી કમાલ કરી શકે છે!
શો-સ્ટોપર

અગાઉ હું રાજ કપૂર જેવા બડે બાપ કી ઔલાદ તરીકે ઓળખાતો. આજે હું રણબીર કપૂર જેવા બડા સુપરસ્ટારના બાપ તરીકે ઓળખાઉં છું. અરે ભાઈ, આ બન્નેની વચ્ચે એક રિશિ કપૂર પણ હતો એ તો જરા યાદ રાખો!
- રિશિ કપૂર


નોંધ: આજે ‘સંદૃેશમાં છપાયેલા આ લેખમાં સરતચૂક્થી ‘વિક્રમાદિત્ય મોટવાણે'નો ઉલ્લેખ ‘આદિત્ય મોટવાણે' તરીક્ે થયો છે. બિગ સોરી! 

                                       0 0 0


Friday, June 28, 2013

હોલીવૂડ હંડ્રેડ: સિટીઝન કેન : ખાલી હાથ આએ થે હમ, ખાલી હાથ જાએંગે...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - તા. 28 જૂન 2013

  કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

  વિશ્વની શ્રેષ્ઠ સો નહીં, પણ કેવળ દસ જ ફિલ્મોનું લિસ્ટ બનાવવામાં આવે અને એમાં ‘સિટીઝન કેન’ ન હોય તો તે અધૂરું ગણાય.  આજની તારીખે પણ મોડર્ન અને પ્રસ્તુત લાગતી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે. 




  ફિલ્મ નંબર 28. સિટીઝન કેન

પ્રવાહ પલટાવી દેતી કલાકૃતિઓ દેખીતી રીતે બહુ ઓછી હોવાની. ‘સિટીઝન કેન’ ફિલ્મે હોલીવૂડમાં ફિલ્મમેકિંગની, વાર્તા કહેવાની શૈલીની સિકલ બદલી નાખી. આ એક માસ્ટરપીસ છે, જેના પાયામાં પાક્કું આયોજન કે ઠંડી ગણતરીઓ નહીં, પણ એના મેકરનું ક્રિયેટિવ સ્વાતંત્ર્ય અને રૉ એનર્જી છે.

   ફિલ્મમાં શું છે?

વર્ષ ૧૯૪૧. દેશ અમેરિકા. ફિલ્મના પ્રારંભમાં જ લાર્જર-ધેન-લાઈફ ઈમેજ ધરાવતા નાયક ચાર્લ્સ ફોસ્ટર કેન (ઓર્સન વેલ્સ)નું પાકી વયે મૃત્યુ થાય છે. ચાર્લ્સ કેન અત્યંત વગદાર અને ધનિક સેલિબ્રિટી છે. કંઈકેટલાય છાપાં-મેગેઝિનોનો માલિક હતો એટલે એણે માત્ર સમાચારો આપવાનું નહીં, બલકે અમેરિકનોના અભિપ્રાયો ઘડવાનું કામ કર્યું હતું. આ સિવાય પણ એના કંઈકેટલાય બિઝનેસ હતા. આખી ટાઉનશિપ ઊભી થઈ જાય એવડી પ્રાઈવેટ પ્રોપર્ટીમાં એનો ભવ્ય બંગલો હતો. કેન મૃત્યુ પામ્યો ત્યારે તેની જીભ પર આવેલો છેલ્લો શબ્દ હતો, ‘રોઝબડ’ (ગુલાબની ખુલ્યા વિનાની કળી). ચાર્લ્સ કેને અંતિમ ઘડીએ આ શબ્દ કેમ ઉચ્ચાર્યો હતો? શું આ કોઈ કોડવર્ડ છે? ન્યુઝરીલ બનાવતી એક એજન્સીનો એડિટર પોતાના રિપોર્ટરને કામે લગાડી દે છે: જા, આ ‘રોઝબડ’નો ભેદ ઉકેલી લાવ.

  હવે શરુ થાય છે રિર્પોટરનું ઈન્વેસ્ટિગેટિવ ફિલ્ડવર્ક. ચાર્લ્સ કેનથી નિકટ રહી ચુકેલા લોકોને એ એક પછી એક મળતો જાય છે અને કેનનું જીવન ક્રમશ: ટુકડાઓમાં ખૂલતું જાય છે. કેનને સારી એવી ધનસંપત્તિ ઉપરાંત ‘ડેઈલી ઈન્કવાયર’ નામનું તગડી ખોટ કરતું છાપું પોતાના પાલક પિતા તરફથી વારસામાં મળ્યું હતું. એ કંઈ પહેલેથી મૂડીવાદી નહોતો. યુવાનીમાં તો એ ઠીક ઠીક આદર્શવાદી હતો અને સિદ્ધાંતનિષ્ઠ પત્રકારત્વમાં માનતો હતો. ધીમે ધીમે એણે અખબારને મજબૂત અને કમાતું-ધમાતું બનાવ્યું. પછી એમિલી (રુથ વોરિક) નામની અમેરિકન પ્રેસિડન્ટની ભત્રીજી સાથે લગ્ન કર્યાં. ખુદ રાજકારણમાં ઝંપલાવ્યું, પણ ગર્વનરની ચુંટણીમાં આગળ વધે તે પહેલાં સુસન (ડોરોથી કમિન્ગોર) નામની ઊભરતી ગાયિકા સાથેનું એનું અફેર છાપામાં ચગ્યું. ચાર્લ્સ કેને રાજકીય કારકિર્દી અને પત્ની બન્ને ગુમાવ્યાં.



  એ સુસનને પરણી ગયો. સુસન ઉત્સાહી ખૂબ હતી પણ બાપડીમાં ટેલેન્ટની કમી હતી. છતાંય એના માટે ચાર્લ્સ કેને એક ઓપેરા હાઉસ બનાવ્યું,  ખર્ચાળ ઓપેરા પ્રોડ્યુસ કર્યું. સુસનનાં પર્ફોર્મન્સમાં ભલીવાર નથી તે કેન અંદરખાને સમજતો હતો. એના અખબાર માટે સમીક્ષક તરીકે કામ કરતા એના જ દોસ્તે સુસનની તીખી ટીકા કરતો રિવ્યુ લખ્યો. લખવાનું પૂરું કરે તે પહેલાં એ દારુના નશામાં ઢળી પડ્યો. ચાર્લ્સ કેને તે અધૂરો રિવ્યુ એ જ નેગેટિવ સૂરમાં પૂરો કર્યો અને બીજા દિવસે પોતાનાં તમામ અખબારોમાં બેધડક છાપ્યો પણ ખરો. સુસન દુખી દુખી થઈ ગઈ. એ કરીઅર પર પૂર્ણવિરામ મૂકી દેવા માગતી હતી, પણ કેન તેને આગળ વધવા પ્રોત્સાહિત કરતો રહ્યો. પેલા સમીક્ષકને એણે નોકરીમાંથી છુટો કરી નાખ્યો હતો. ફ્રસ્ટ્રેટ થયેલી સુસન આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. કેને એના માટે મહેલ જેવો ભવ્ય આવાસ તૈયાર કર્યો, પણ દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ સુસનના જીવને ચેન નહોતો. એની એક જ ફરિયાદ હતી: તું મને પ્રેમ કરતો નથી, તું ફક્ત પૈસા ફેંકી જાણે છે. એક વાર પતિ-પત્ની વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. સુસન એને છોડીને જતી રહી. ક્રોધે ભરાયેલો કેને સુસનના ઓરડાનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. શો-પીસ તરીકે વપરાતો એક પારદર્શક નાનકડો ગોળો (સ્નો-ગ્લોબ) એના હાથમાં આવી ગયો. એના મોંમાંથી એક શબ્દ નીકળ્યો: ‘રોઝબડ’. કેનના બટલર તરીકે કામ કરતા રેમન્ડ (પોલ સ્ટુઅર્ટ)ના કાન પર આ શબ્દ બરાબર ઝીલાયો.    
  જીવનના અંતિમ વર્ષોમાં એકલો પડી ગયેલો કેન બીમારી ભોગવીને મૃત્યુ પામ્યો. જીવ છોડતી વખતે એના મુખ પર ‘રોઝબડ’ શબ્દ ફરી આવ્યો.

ચાર્લ્સ કેનના મૃત્યુ પછી એના આવાસની કિમતી ચીજવસ્તુઓને નાનામોટાં બોક્સમાં પેક કરી દેવામાં આવી. અમુક સામાનનો નાશ કરવામાં આવ્યો. નષ્ટ થયેલા સામાનમાં પેલો નાનો પારદર્શક ગોળો પણ છે. ફિલ્મના અંતે રેમન્ડ પેલા ન્યુઝ રિપોર્ટરને કહે છે: ‘રોઝબડ શબ્દનો કંઈ મતલબ છે જ નહીં. ચાર્લ્સ કેન પાસે બધું જ હતું, પણ એ બધું જ ખોઈ બેઠો. કદાચ રોઝબડ એવી વસ્તુ હોવી જોઈએ જેને તે ગુમાવી ચુક્યો હતો અને પછી તે વસ્તુ એને ફરી ક્યારેય મળી નહીં.’ આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

  ઓર્સન વેલ્સ થિયેટર અને રેડિયો આર્ટિસ્ટ તરીકે જાણીતા થઈ ચુક્યા હતા, પણ ડિરેક્ટર તરીકે ‘સિટીઝન કેન’ એમની પહેલી જ ફિલ્મ. મુખ્ય હીરોની ભુમિકા પણ એમણે જ ભજવી. આરકેઓ સ્ટુડિયોએ એમને ફિલ્મ લખવાથી માંડીને ડિરેક્ટ કરવાની અને ફાયનલ કટ સુધીનું એડિટિંગ કરવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ફર્સ્ટ-ટાઈમ ડિરેક્ટરને આટલી સ્વતંત્રતા મળી હોય એવું હોલિવૂડમાં પહેલી વાર બની રહ્યું હતું. હર્મન મેન્કીવીક્ઝ નામના સિનિયર આલ્કોહોલિક સ્ક્રિપ્ટ-રાઈટરને ઓર્સને સાથે લીધા. ફિલ્મની વાર્તા લખતી વખતે વિલિયમ રેનડોલ્ફ હેર્ટ્ઝ નામના તે સમયના અમેરિકન મિડિયાના અસલી માંધાતાને રેફરન્સ પોઈન્ટ બનાવવામાં આવ્યા. પોતાની લાઈફ પરથી આરકેઓ સ્ટુડિયોવાળા ફિલ્મ બનાવી રહ્યા છે એવી ખબર પડતાં જ હેર્ટ્ઝ ધૂંઆફૂંઆ થઈ ગયા હતા. આ પ્રોજેક્ટ અટકાવી દેવા માટે સ્ટુડિયો પર ખૂબ દબાણ પણ લાવ્યા, પણ સ્ટુડિયોના સાહેબો અડગ રહ્યા.  ફિલ્મ બની અને જોરદાર પ્રમોશનને અંતે રિલીઝ પણ થઈ.



  ‘સિટીઝન કેન’ જોઈને દર્શકો અને સમીક્ષકો ચકિત થઈ ગયા. હોલીવૂડની ફિલ્મો અત્યાર સુધી જે બીબાંમાં બની રહી હતી તેનો ‘સિટીઝન કેન’માં ભુક્કો બોલી ગયો હતો. એક સામાન્ય સમજ એવી છે કે ફિલ્મની વાર્તા કોઈ એક જ વ્યક્તિના પોઈન્ટ-ઓફ-વ્યુથી કહેવાવી જોઈએ (ઈન ફેક્ટ, આપણી મોટા ભાગની ફિલ્મો, સિરિયલો અને નાટકો આજની તારીખે પણ આ નિયમને વળગી રહ્યાં છે), પણ ‘સિટીઝન કેન’માં વાર્તા અલગ અલગ કેટલાય લોકોના દષ્ટિકોણથી, ફ્લેશબેકમાં, સીધી લીટીમાં (લિનીઅર) નહીં, પણ આડીઅવળી ગતિ કરતી  આગળ વધે છે. ફિલ્મમેકિંગની આવી સ્ટાઈલ હોલીવૂડે અત્યાર સુધી ક્યારેય જોઈ નહોતી. નવો ફ્લેશબેક શરુ થાય એટલે થોડીક વાર્તા રિપીટ થાય, ફરી પાછાં ચાર્લ્સ કેનના કોમ્પ્લીકેટેડ વ્યક્તિત્ત્વનાં નવાં પાસાં સામે આવે. વાર્તા આગળ વધતી જાય તેમ તેમ જવાબ મળવાને બદલે સવાલો ઘૂંટાતા જાય. ફિલ્મની સિનેેમેટોગ્રાફી અને મેકઅપમાં પણ ઈન્ટરેસ્ંિટગ અને નવતર અખતરા કરવામાં આવ્યા હતા.

  ડિરેક્ટર-એક્ટર-રાઈટર ઓર્સન વેલ્સને પછી પૂછવામાં આવ્યું હતું કે કરીઅરની પહેલી જ ફિલ્મમાં આવી તદ્ન જુદી શૈલી અપનાવવાનો કોન્ફિડન્સ તમારામાં કેવી રીતે આવ્યો હતો? ઓર્સને વેલ્સનો જવાબ સાંભળોેે: ‘ફ્રોમ ઈગ્નોરન્સ... શીઅર ઈગ્નોરન્સ! મને ખબર જ નહોતી કે ફિલ્મ કેવી રીતે બનાવાય. હું તો મારી રીતે ફિલ્મ બનાવતો ગયો. આપણે આપણાં ફિલ્ડનાં નીતિ-નિયમો વિશે થોડુંઘણું જાણતા હોઈએ તો સભાન બની જઈએ, પણ કશી ખબર જ ન હોય તો શું કરવાનું. જે મનમાં આવે તે પ્રમાણે આગળ વધતા જવાનું. ‘સિટીઝન કેન’ના કેસમાં એક્ઝેક્ટલી એવું જ થયું હતું હતું.’



  જે પ્રશ્નના આધાર પર આખી ફિલ્મ ઊભી છે તે ‘રોઝબડ’ આખરે છે શું? વિખ્યાત ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટ કહે છે કે રોઝબડ કદાચ સલામતીની ભાવના, આશા અને બાળપણની નિર્દોષતાનું પ્રતીક છે. આપણે મોટા થતા જઈએ તેમ તેમ નાનપણના નિર્ભેળ આનંદને વધુને વધુ મિસ કરતા જઈએ છીએ. ચાર્લ્સ કેને ચિક્કાર સફળતા મેળવી, દુનિયાભરની સમૃદ્ધિ મેળવી, ખૂબ ફેમસ થયો પણ પછી શું? એ એકલો પડી ગયો અને અંદરથી ખાલી ને ઉદાસ જ રહ્યો. જીવનની ઈતિ શું છે? ફિલ્મનો ફિલોસોફિકલ સૂર એ છે કે જો આખરે એકલતા અને વિષાદ જ સાંપડવાનો હોય તો જિંદગીભર ઉધામા કરતા રહેવાનો ખાસ મતલબ હોતો નથી. ‘સિટીઝન કેન’ની ડીવીડીના સ્પેશિયલ ફીચર્સ સેક્શનમાં રોજર ઈબર્ટની મસ્ત રનિંગ કોમેન્ટ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોજર ઈબર્ટની વેબસાઈટ પર જઈને એમણે લખેલો ‘સિટીઝન કેન’નો અફલાતૂન રિવ્યુ ખાસ વાંચજો.

  બીજા વિશ્વયુદ્ધને કારણે ‘સિટીઝન કેન’ યુરોપમાં રિલીઝ નહોતી થઈ શકી. આ ફિલ્મ થોડાં વર્ષો પછી એકાએક લાઈમલાઈટમાં આવી. પછી તો એના વિશે ખૂબ લખાયું, ડોક્યુમેન્ટરી ફિલ્મો બની.  દુનિયાભરના ફિલ્મમેકરો ‘સિટીઝન કેન’થી પ્રભાવિત થયા છે. એની નરેટિવ શૈલીની પછી તો ઘણી નકલ થઈ. આ ફિલ્મ એક ‘સિનેમેટિક વંડર’ ગણાય છે. આજની તારીખે પણ આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ ખૂબ જ રેલેવન્ટ અને મોડર્ન લાગે છે. ક્લાસિક ફિલ્મો સામાન્યપણે બહુ ધીમી, આર્ટી-આર્ટી અને કંટાળજનક હોય છે એવી એક છાપ છે. ‘સિટીઝન કેન’ના કિસ્સામાં આ બાબતે નિશ્ચિંત થઈ જજો. આ છેક સુધી જકડી રાખતી ગતિશીલ ફિલ્મ છે. ડોન્ટ મિસ ઈટ!

 ‘સિટીઝન કેન’ ફેક્ટ ફાઈલ 

   ડિરેક્ટર           : ઓર્સન વેલ્સ

  સ્ક્રીનપ્લે          : હર્મન મેન્કીવીક્ઝ, ઓર્સન વેલ્સ

  કલાકાર           : ઓર્સન વેલ્સ, ડોરોથી કમિન્ગોર, જોસેફ કોટન, રુથ વોરિક
 
  રિલીઝ ડેટ        : ૧ મે, ૧૯૪૧

  મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો ઓસ્કર ૦ ૦ ૦

Tuesday, June 25, 2013

ટેક ઓફ : જ્યારે કાચની બારી પર વરસાદ આંગળીનાં ટેરવાંથી સંદેશા લખી જતો હતો....


Sandesh - Ardh Saptahik Purti - 26 June 2013

Column: ટેક ઓફ 

પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે સમાધાનો કરીનેમનને ફોસલાવીનેઅપેક્ષાઓને ઠારીનેઊર્મિઓને બાળીને.



ચોમાસું કેવળ રોમાન્સની ઋતુ છે? વરસતા વરસાદને કારણે આપણાં મસ્તિષ્કમાં ફક્ત 'હેપી હોર્મોન્સ' જ સતેજ થાય છે? કે પછી, આ મોસમમાં એવા 'કેમિકલ લોચા' પેદા થઈ જાય છે જેના લીધે વિષાદ તીવ્રથી તીવ્રતર બનતો જાય છે? કદાચ આ બન્ને વિકલ્પો સાચા છે. આ બન્ને સ્થિતિઓ આપણા મનોભાવ પ્રમાણે આકાર બદલાવ્યા કરે છે.
ગુલઝારે એક ખૂબસૂરત કવિતા લખી છે, જેમાંથી વરસાદનાં ટીપાંની સાથે વિષાદ અને એકલતા પણ ટપકે છે. તાજેતરમાં મૃત્યુ પામેલા સત્ત્વશીલ બંગાળી ફિલ્મમેકર ઋતુપર્ણા ઘોષે પોતાની હિન્દી ફિલ્મ 'રેઇનકોટ'માં આ કવિતાનો અસરકારક ઉપયોગ કર્યો હતો. વરસાદી દિવસ છે. પરિણીત નાયિકાના ઘરે એનો ભૂતપૂર્વ પ્રેમી આવી ચડયો છે. નાયિકા દુખિયારી છે, નાયક પણ ઉદાસ છે. હવામાં તૂટી ગયેલા, અધૂરા રહી ગયેલા પ્રેમસંબંધના અવશેષોનો ભાર છે. બેકગ્રાઉન્ડમાં ગુલઝારના ખુદના મખમલી મર્દાના અવાજમાં આ કવિતા રેલાતી રહે છે.
કિસી મૌસમ કા ઝોંકા થા,
જો એક દીવાર પર લટકી હુઈ
તસવીર તીરછી કર ગયા થા.
ગયે સાવન મેં યે દીવારેં યૂં સીલી નહીં થી,
ન જાને ક્યોં ઈસ દફા ઇન મેં સીલન આ ગઈ હૈ.
દરારેં પડ ગઈ હૈ,
ઔર સીલન ઇસ તરહ બઢતી હૈ જૈસે,
ખુશ્ક રુખસારોં પે ગીલે આંસુ ચલતે હૈં.

દીવાલ પર એક તસવીર લટકી રહી છે, જે હવાને કારણે ત્રાંસી થઈ ગઈ છે. વરસાદના પાણીને કારણે દીવાલોને ભેજ લાગી ગયો છે. એના પર ધાબાં દેખાય છે. કવિ પૂછે છે કે ગયા વરસે તો દીવાલો ઠીકઠાક હતી, તો પછી આ વખતે કેમ તિરાડો પડી ગઈ?કેમ એના પર ભીનાશ છવાઈ ગઈ? આ ભેજ પાછો વધતો જાય છે. ધાબાં મોટાં થતાં જાય છે. કેવી છે દીવાલની ભીનાશ? સુક્કા ચહેરા પર આંસુ રેલાયાં હોય એવી. મન ઉદાસ હોય ત્યારે વીતેલા સમયનું સુખ યાદ આવ્યા કરે છે. અલબત્ત, આ સ્મરણ દર વખતે હોઠ પર સ્મિત નથી લાવતું, એ શૂળ બનીને ચુભ્યા કરે છે મનને. ખરેખર, ગયા ચોમાસાની વાત જ અલગ હતી, કારણ કે ગઈ મોસમમાં તો...
યે બારિશ ગુનગુનાતી થી ઇસ છત કી મુંડેરોં પર,
યે ઘર કી ખિડકિયોં કે કાચ પર ઉંગલી સે
લિખે જાતે થે સંદેશે.



 કેટલી સુંદર કલ્પના. ગયા વર્ષે વરસાદ મીઠું મીઠું ગણગણતો હોય તેમ અગાસીની પાળી પર ઝીણું ઝીણું વરસ્યા કરતો હતો અને કાચની બારી પર આંગળીનાં ટેરવાંથી સંદેશા પણ લખી જતો હતો... અને હવે?
ગિરતી રહતી હૈ બારિશ બૈઠી હુઈ અબ બંદ રોશનદાનોં કે પીછે,
દોપહરેં ઐસી લગતી હૈ,
બિના મુહરોં કે ખાલી ખાને રખે હૈં.
ના કોઈ ખેલને વાલા હૈ બાઝી,
ઔર ના કોઈ ચાલ ચલતા હૈ.

આ વખતે છે તો કેવળ ખાલીપો. ક્યારેય ન ખૂલતી બારીઓની પાછળ વરસાદ એકલો એકલો વરસ્યા કરે છે. નથી કોઈ સ્પંદનો જાગતાં, નથી કોઈ ચેતના પ્રગટતી. રોજ ચોપાટની ખાલી બાજી જેવી અર્થહીન બપોર ઊગે છે. માત્ર બપોર નહીં, બધું જ અર્થહીન અને ઉષ્માહીન બની ગયું છે. સાર્થકતાની સભર લાગણી વગર, પ્રિયજનની હૂંફ વગર જીવન કેટલું ભેંકાર બની જાય. વધારે પીડાદાયી વાસ્તવ ત્યારે સર્જાય છે જ્યારે ઘરમાં પોતાનું માણસ હોય, પણ પ્રિયજન કે સ્વજન બની શકવાની એનામાં ક્ષમતા ન હોય. એની સાથે કોઈ સંવાદ થઈ શકતો ન હોય, એની સાથે કોઈ સંધાન શક્ય ન હોય. એટલેસ્તો હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે...
ના દિન હોતા હૈ અબ ના રાત હોતી હૈ,
સબ કુછ રુક ગયા હૈ.
વો ક્યા મૌસમ કા ઝોંકા થા?
જો ઇસ દીવાર પર લટકી હુઈ તસવીર
તીરછી કર ગયા હૈ?

હવે દિવસ ઊગતો નથી, રાત પડતી નથી. બધું જ સ્થગિત થઈ ગયું છે. જીવન એક બિંદુ પર અટકી ગયું છે. ખુદનું હોવાપણું પણ. ગુલઝાર સાશંક થઈને છેલ્લે પ્રશ્ન પૂછી લે છેઃ શું દીવાલ પરની પેલી તસવીર સાચ્ચે જ ખરેખર પવનની લહેરખીને કારણે ત્રાંસી થઈ ગઈ છે? ખરેખર? કે પછી...


પોતાના સંતુલનબિંદુ પરથી હલી ગયેલી તસવીર જીવનનું પ્રતીક છે. આ મઢાવેલા ફોટોગ્રાફની જેમ જિંદગી પણ પોતાની સ્વાભાવિક ભ્રમણકક્ષામાંથી ચલિત થઈ ગઈ છે. પ્રેમનો અભાવ અને આત્મીયતાની ગેરહાજરી ભયાનક એકલતા જન્માવી દે છે. કદાચ જીવી શકાય છે આ અભાવો વચ્ચે. જીવી જવું પડે છે. સમાધાનો કરીને, મનને ફોસલાવીને, અપેક્ષાઓને ઠારીને, ઊર્મિઓને બાળીને. સમયના પ્રવાહમાં જીવનને વહેતું મૂકી દેવું પડે છે. વર્તમાન અને વાસ્તવ સાથે દોસ્તી કરી લેવી પડે છે, પણ અચાનક આકાશમાંથી પાણીની ધારાઓ છૂટે છે અને જેને માંડ માંડ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા એ મન પાછું ઉદાસ થઈ જાય છે. વરસાદી મોસમ જીવનમાં જે કંઈ નથી એનો અહેસાસ તીવ્ર બનાવી મૂકે છે.
ચોમાસું આ વખતે શું લાવ્યું તમારા માટે? વરસતો રોમાન્સ કે વીંધી નાખતો વિષાદ?    

0 0 0

Saturday, June 22, 2013

મલ્ટિપ્લેક્સ : વિદ્યા : પનોતીથી પાવર પોઝિશન સુધી


Sandesh - Sanskaar Purti - 23 June 2013
Column: મલ્ટિપ્લેક્સ
'મને ખબર નથી એકઝેક્ટલી હું શું વિચારી રહી હતીપણ જાણે મારો માંહ્યલો વારેવારે એક જ વાત કહી રહ્યો હતોઃ હિંમત ન હારતીઢીલી ન પડતીપ્રયત્નો ન છોડતી. તે બપોરે મારી અંદરથી એક નિર્ણય પ્રગટયોઃ નોઆઈ વિલ નોટ ગિવ અપ!'

ગેમ ચેન્જર. વિદ્યા બાલન માટે આજકાલ સૌથી વધારે કોઈ શબ્દ વપરાતો હોય તો તે આ છે. વિદ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની 'ચોથી ખાન' પણ કહેવાય છે, પણ આ જ વિદ્યા થોડાં વર્ષો પહેલાં પનોતી ગણાતી હતી.
ચેતન ભગતની 'ટુ સ્ટેટ્સ' નવલકથાની નાયિકાની જેમ વિદ્યા પણ પાક્કી તામ-બ્રામ મતલબ કે તમિલ બ્રાહ્મણ યુવતી છે. ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં, બલકે સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા. વિદ્યાના ઘરમાં બધા જ મોહનલાલના ફેન એટલે સૌ રાજીરાજી હતા. ડિરેક્ટરનું પણ મોટું નામ હતું. સમજોને કે બોલિવૂડમાં ગુલઝારની જેવી ઇમેજ છે એવી જ કંઈક ઇમેજ અને સ્થાન આ ડિરેક્ટરની મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. મોહનલાલની સાથે તેઓ અગાઉ આઠ-આઠ સુપરહિટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. નસીબ જુઓ. વિદ્યાવાળી ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડિરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ફિલ્મ અટકીને ડબ્બામાં બંધ થઈ ગઈ. હંમેશ માટે. ઈન્ડસ્ટ્રીમાં બહુ વાતો થઈ. કેમ આવી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ન બની? લોકોએ ચુકાદો તોડવામાં જરાય વાર ન લગાડી. વિદ્યા બાલન નામની પેલી જે નવી છોકરડી આવી છે એ ભારે પગલાંની છે. એ બુંદિયાળને લીધે જ એક્ટર-ડિરેક્ટરની સુપરહિટ જોડી તૂટી ગઈ ને ફિલ્મ રઝળી પડી!
વિદ્યાએ તે વખતે અડધો-એક ડઝન જેટલી મલયાલમ ફિલ્મો સાઇન કરી હતી. આ તમામ ફિલ્મોમાંથી એને તગેડી મૂકવામાં આવી. એક ફિલ્મ જોકે બચી હતી. તેમાં મુકેશ નામનો હીરો હતો. બનવાજોગ આ ફિલ્મ પણ કોઈક કારણસર અટકી પડી. વિદ્યાના માથા પર ચોંટી ગયેલું બુંદિયાળનું ટીલું ઘેરું બનતું ગયું. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ખૂલે તે પહેલાં જ બંધ થઈ ગયા એટલે એણે તમિલ ફિલ્મોમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. એક ફિલ્મ સાઇન કરી પણ એમાંથીય એને કાઢી મૂકવામાં આવી. બાવીસ-ત્રેવીસ વર્ષની છોકરીને તૂટી જવા માટે આટલું પૂરતું હતું. હવે એ સ્થિતિ આવી ગઈ હતી કે જેવી કોઈ ફિલ્મ માટે વાતચીત શરૂ થાય કે મનમાં ફફડાટ વ્યાપી જતો.
'મને બરાબર યાદ છે. આ તબક્કો ચાલી રહ્યો હતો એ દિવસોમાં એક વાર હું ધોમધખતા તાપમાં મુંબઈના નરીમાન પોઈન્ટ પર પહોંચી ગઈ હતી,' વિદ્યાએ આ વાત એક કરતાં વધારે ઈન્ટરવ્યૂઝમાં કહી છે, "હું નિરુદ્દેશ ઝપાટાબંધ ચાલી રહી હતી. મારું મન ચગડોળે ચડયું હતું. મને અત્યારે ખબર નથી એકઝેક્ટલી હું શું વિચારી રહી હતી, પણ જાણે મારો માંહ્યલો વારેવારે એક જ વાત કહી રહ્યો હતોઃ હિંમત ન હારતી, ઢીલી ન પડતી, પ્રયત્નો ન છોડતી. તે બપોરે મારી અંદરથી એક નિર્ણય પ્રગટયોઃ નો, આઈ વિલ નોટ ગિવ અપ!'

એ જ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો. એનું ડિરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે. શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને કહ્યું, "એય છોકરી, એક દિવસ હું તારી સાથે એક ફિલ્મ બનાવીશ. તે વખતે પ્રદીપ સરકાર કંઈ ફિલ્મમેકર નહોતા, માત્ર એડમેન હતા. વિદ્યાનો તળિયે પહોંચી ગયેલો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો. સૌમિત્ર ચેટર્જી નામના ફિલ્મમેકરે એને એક બંગાળી ફિલ્મ માટે સાઇન કરી. આ ફિલ્મ હેમખેમ પૂરી થઈ અને રિલીઝ પણ થઈ એટલે વિદ્યાના એકલીના નહીં, પણ એના આખા પરિવારનાં મસ્તક પરથી સો મણનો બોજ હટી ગયોઃ થેન્ક ગોડ, ચાલો, એક ફિલ્મ તો કરી, અપશુકનિયાળનો જે થપ્પો લાગી ગયો હતો એ તો ગયો! ત્યારબાદ પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ 'પરિણીતા' બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બબ્બે હિટ હીરોની સામે અનલકી તરીકે વગોવાઈ ગયેલી વિદ્યા બાલન નામની અજાણી છોકરીને કાસ્ટ કરી. ફિલ્મ સુપરહિટ થઈ. વિદ્યા બાલન સ્ટાર બની ગઈ.
"લોકો મને કહેતાં હોય છે કે તું તો 'પરિણીતા'થી રાતોરાત સ્ટાર બની ગઈ, પણ સચ્ચાઈ એ છે કે હું 'રાતોરાત' સ્ટાર નથી બની. 'પરિણીતા'ની પહેલાં મેં ખૂબ નિષ્ફળતા અને અપમાન જોયાં છે, પણ મેં હાર ન માની અને ટકી ગઈ એટલે સફળતા જોઈ શકી,' વિદ્યા કહે છે. અલબત્ત, 'પરિણીતા' પછી પણ સફળતા-નિષ્ફળતાના આરોહઅવરોહ આવ્યા જ. 'ધ ડર્ટી પિકચર'થી ફરી પ્રવાહ પલટાયો. ઈન્ડસ્ટ્રીમાં હવે વિદ્યા બાલનની ધાક ઊભી થઈ ગઈ છે. પોતાની સમકાલીન અભિનેત્રીઓ કરતાં એ કોઈ જુદી જ ભ્રમણકક્ષામાં મુકાઈ ગઈ છે. વિદ્યા આજે જે કંઈ છે તે માટે એની પ્રતિભા અને મનોબળ ઉપરાંત ફિલ્મોની પસંદગી- નાપસંદગી કારણભૂત છે. મન માનતું ન હોય એવી ઓફર ન સ્વીકારવાની તાકાત એણે કેળવી લીધી. યશરાજને 'ઝૂમ બરાબર ઝૂમ' માટે, શાહરુખ ખાનને 'બિલ્લુ' માટે અને કમલ હાસનને 'દશાવતારમ' માટે ના પાડવા માટે ગટ્સ અને કોન્ફિડન્સ જોઈએ. કોઈ પણ પ્રોજેક્ટ માટે હા-ના કરવામાં જોકે ઘણાં પરિબળો પણ કામ કરતાં હોય છે, પણ તે અલગ વાત થઈ. વિદ્યાનું સિલેક્શન જુઓ. 'પા' ફિલ્મમાં એ અમિતાભ બચ્ચનની મા બની. 'નો વન કિલ્ડ જેસિકા' માં તદ્દન નોન-ગ્લેમરસ ચશ્મીશ રોલ કર્યો. 'ધ ડર્ટી પિક્ચર' જેવી જોખમી ફિલ્મ ગજબના કન્વિક્શન સાથે કરી. 'કહાની' જેવી થ્રિલરે એની પોઝિશન ખડક જેવી મજબૂત બનાવી દીધી. આટલી બધી ઈન્ટેન્સ ફિલ્મો પછી હવે તે હલકીફૂલકી કોમેડી 'ઘનચક્કર'માં દેખાશે. આ ફિલ્મમાં તે પંજાબણ હાઉસવાઈફ બની છે. તે પછી આવશે 'શાદી કી સાઈડ ઈફેક્ટસ', જેમાં ફરહાન અખ્તર સાથે એણે જોડી બનાવી છે.
With husband Siddharth Roy Kapoor

સામાન્યપણે ફિલ્મલાઈનમાં હિરોઈન ત્રીસ વર્ષની સીમારેખા ઓળંગે એટલે એની કરિયર ઢચુપચુ થવા માંડે. બીજી બાજુ વિદ્યા છે. એ ૩૫ વર્ષની છે, પરણેલી છે અને ટોપ ગિયરમાં પહોંચી ચૂકેલી એની કરિયર ધીમી પડે એવા કોઈ આસાર નથી. ઓડિયન્સને અને ઈન્ડસ્ટ્રી માટે વિદ્યાની ઉંમર અને મેરિટલ સ્ટેટસ તદ્દન ગૌણ બાબત છે. આ લક છે. વિદ્યાએ પોતાના કમનસીબને સદનસીબમાં પલટાવી નાખ્યું છે!
શો-સ્ટોપર

જો હારતા હૈ, વહી તો જીતને કા મતલબ સમજતા હૈ!
('ધ ડર્ટી પિકચર'માં ઈમરાન હાશ્મીનો એક ડાયલોગ)   

Thursday, June 20, 2013

હોલીવૂડ હંડ્રેડ: અ બ્યુટીફુલ માઈન્ડ: ઈતની શક્તિ હમેં દેના દાતા...


 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - તા. ૨૧ જૂન ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ખુદની નબળાઈઓ સતાવ્યા કરતી હોય, મનોબળ ઢીલું પડી જતું અનુભવાતું હોય ત્યારે ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફિલ્મ જોઈ લેવી. ભીતર જાણે શક્તિનો સંચાર થઈ ગયો હોય એવી લાગણી જાગશે. બહુ ઓછી ફિલ્મોમાં આ પ્રકારની તાકાત હોય છે!



ફિલ્મ નંબર ૨૭. અ બ્યુટીફુલ માઈન્ડ

માનવ-મનની શક્તિ અપાર છે. મનોબળ મક્કમ કરી લે તો માણસ પોતાની મોટામાં મોટી નબળાઈઓને પણ કાબૂમાં કરી શકે છે, એના પર વિજય મેળવી શકે છે. સત્યકથા પર આધારિત ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફિલ્મમાં આ સત્ય ગજબની અસરકારકતા સાથે ઊભર્યું છે.

ફિલ્મમાં શું છે?

યુવાન જોન નેશ (રસલ ક્રો) એક નંબરનો ભણેશરી છે. ગણિત માટે કોઈ મોટી સ્કોલરશિપ જીતીને એ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. અહીં એણે હોસ્ટેલમાં રહેવાનું છે. એને સીંગલ-સીટેડ રુમ મળશે તેમ કહેવામાં આવ્યું હતું, પણ એ બેગ-બિસ્તરા લઈને પોતાના કમરામાં પહોંચે છે ત્યારે એને ખબર પડે છે કે આ તો ડબલ-સીટેડ રુમ છે. ચાર્લ્સ (પોલ બેટની) નામનો એક વિદ્યાર્થી અહીં ઓલરેડી રહે છે. ખેર, પોતાના રુમમેટ સાથે જોનને પાક્કી ભાઈબંધી થઈ જાય છે. પ્રિન્સ્ટનમાં ભણી લીધા પછી જોનને પ્રતિષ્ઠિત મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં જોબ મળી જાય છે. અહીં એલિશિયા (જેનિફર કોલેની) નામની પોતાની એક સુંદર વિદ્યાર્થિનીના પ્રેમમાં પડી તેને પરણી જાય છે.

એક વાર જોન પ્રિન્સ્ટન યુનિવર્સિટીની મુલાકાતે જાય છે. અહીં એનો ભેટો પોતાના રુમમેટ ચાર્લ્સ સાથે થઈ જાય છે. જોન ખુશ થઈ જાય છે જૂના દોસ્તારને મળીને. ચાર્લ્સની સાથે એની દસેક વર્ષની રુપકડી ભાણેજ માર્સી પણ છે. જોન ઓર એક માણસને મળે છે. વિલિયમ પાર્ચર (એડ હેરિસ) એનું નામ. એ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનો સિક્રેટ એજન્ટ છે. જોનને એ દુશ્મન દેશોનાં ગુપ્ત કોડ ઉકેલનાર ક્રિપ્ટોલોજિસ્ટ તરીકે કામ કરવાનું આમંત્રણ આપે છે. જોનનું અસાઈન્મેન્ટ ખાસ્સું જોખમી છે. રશિયનોએ ખતરનાક કાવતરું ઘડ્યું છે, જેમના ગુપ્ત સંકેતો છાપાં-મેેગેઝિનોમાં છપાયેલાં લેખો અને તસવીરોમાં સંતાયેલા છે. જોને એમાંથી કોડવર્ડ્ઝની ગુપ્ત પેટર્ન એણે શોધી કાઢવાની છે. પછી રિપોર્ટ તૈયાર કરી કરીને એક ચોક્કસ ટપાલના ડબામાં કવર નાખી દેવાનાં. કમનસીબે રશિયન એજન્ટ્સને ખબર પડતાં જ તેઓ હાથ ધોઈને જોનની પાછળ પડી જાય છે. સિક્રેટ મિશન છે એટલે એલિશિયા સાથે જોને કશું શેર કર્યું નથી. જોન પોતાના ઘરમાં પણ ડરતો-ફફડતો રહે છે. એને સતત લાગતું રહે છે કે કોઈ એનો પીછો કરી રહ્યું છે, એના પર નજર રાખી રહ્યું છે. જોનનું વર્તન એટલું બધું વિચિત્ર બનતું જાય છે કે એેલિશિયાએ મનોચિકિત્સકોની મદદ લેવી પડે છે.



એક વાર એ કોલેજમાં લેક્ચર લઈ રહ્યો હતો ત્યારે અચાનક ક્ેટલાક અજાણ્યા માણસો ક્લાસમાં ઘૂસી જાય છે. જોન ગભરાઈને નાસે છે. પેલા માણસો એને પકડીને વેનમાં પૂરીને માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ લઈ જાય છે. જોનને ખાતરી થઈ જાય છે કે આ રશિયનો જ છે, જેમણે ગુપ્ત માહિતી કઢાવવા મારું અપહરણ કર્યું છે. પત્ની એલિશિયા એને મળવા આવે છે ત્યારે જોન ગભરાતા ગભરાતા બધી વાત કરે છે કે જો, હું એક ટોપ સિક્રેટ મિશન પર કામ કરી રહ્યો છું અને આ રશિયનો મારી પાસેથી સંવેદનશીલ ઈન્ફર્મેશન ઓકાવવા માગે છે. એલિશિયા ચુપચાપ થેલામાંથી કેટલાક કવર કાઢે છે. આ એ જ કવર્સ છે, જેમાં રિપોર્ટ્સ બીડીને જોન છાનોમાનો એક ગુપ્ત પોસ્ટઓફિસના ડબામાં નાખી આવતો હતો. તમામ કવર ખોલ્યાં વિનાનાં એવાંને એવાં છે. એલિશિયા કહે છે: જોન, તને સ્કિઝોફ્રેનિયાનો રોગ લાગુ પડ્યો છે અને આ બધો તારા મનનો વહેમ છે. એજન્ટ વિલિયમ, સિક્રેટ મિશન, રશિયનોનું કાવતરું એવું કશું છે જ નહીં.  તું જેને તારો રુમમેટ માને છે તે ચાર્લ્સ પણ કાલ્પનિક છે. તું હોસ્ટેલના તારા કમરામાં એકલો રહેતો હતો. તારે ક્યારેય કોઈ રુમમેટ હતો જ નહીં. આ બધું કેવળ તારા દિમાગે રચેલી માયાજાળ છે! સ્તબ્ધ થઈ ગયેલો જોન એલિશિયાની વાત માની લે છે.

પીડાદાયી શોક ટ્રીટમેન્ટ પછી જોન હોસ્પિટલમાંથી છૂટે છે. એણે હવે ફરજિયાત એન્ટિસાઈકોટિક દવાઓ લેતા રહેવાની છે. આ દવાની સાઈડ-ઈફેક્ટ્સ રુપે જોનની કામેચ્છા અને બૌદ્ધિક ક્ષમતા બન્ને મંદ થવા માંડે છે. ફ્રસ્ટ્રેટ થઈ ગયેલો જોન ટેબ્લેટ્સ ગળવાને બદલે ગુપચુપ ફેંકી દેવાનું શરુ કરી દે છે. દવા બંધ થતાં જ એની માનસિક ભૂતાવળ પાછી જાગી ઊઠે છે. એને ફરી પાછા ચાર્લ્સ, નાનકડી માર્સી, વિલિયમ વગેરે દેખાવા માંડે છે. એ નવેસરથી સિક્રેટ મિશનનો હિસ્સો બની કોર્ડવર્ડ્ઝ ઉકેલવાનું શરુ કરી દે છે. એ એટલો બધો ગૂંચવાઈ જાય છે એની બેધ્યાન અવસ્થાને કારણે એનો નાનકડો દીકરો બાથટબમાં ડૂબતા માંડ માંડ બચે છે. એલિશિયાને  સમજાઈ જાય છે કે હવે આ ઘરમાં રહેવામાં જાનનું જોખમ છે. એ દીકરાને લઈને ભાગે છે. જોનને ઘરમાં ચાર્લ્સ, વિલિયમ અને નાનકડી માર્સી પણ દેખાતાં રહે છે. અચાનક જોનને ભાન થાય છે કે માર્સીને મેં જ્યારથી જોઈ છે ત્યારથી આવડીને આવડી જ છે. એની ઉંમર વધતી જ નથી! આ વખતે પહેલીવાર એને જડબેસલાક સમજાય છે કે ચાર્લ્સ, વિલિયમ અને માર્સી ફક્ત એનાં મનના વહેમ છે. વાસ્તવમાં આવું કશું છે જ નહીં અને પોતે ખરેખર માનસિક બીમારીથી પીડાય છે.




એલિશિયા એને પુષ્કળ હૂંફ આપે છે. જોન હવે ઉપાય શોધી કાઢે છે કે હવે મને આ ત્રણ પાત્રો દેખાશે તો પણ એના તરફ ધ્યાન નહીં આપું, તેમની સંપૂર્ણ અવગણના કરીશ અને આ રીતે મારા મનની માંદગીને પોષણ આપવાનું બંધ કરીશ. બહુ કપરું છે આમ કરવું, પણ જોને મક્કમ નિર્ધાર કરી લીધો છે. એને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પાછું સ્થાન મળે છે. એને હજુય હાલતાંચાલતાં ચાર્લ્સ-વિલિયમ-માર્સી અથડાતાં રહે છે, પણ એ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. ધીમે ધીમે આ ત્રિપુટી દેખાતી ઓછી થવા લાગે છે. જોન ગણિત ભણાવવાનું શરુ કરે છે. ગેમ થિયરી અને પાર્શિયલ ડિફરન્શિયલ ઈક્વેશન જેવી જટિલ વિષય પર રીસર્ચ કરે છે. વર્ષો વીતતાં જાય છે.  જોનનું મનોબળ અકબંધ રહે છે. ચાર્લ્સ-વિલિયમ-માર્સી હવે એને ડરાવી શકતા નથી, બલકે જોનની સામે એ લાચાર થઈ ગયાં છે. જોન પોતાના કામમાં એ એટલો માહિર પૂરવાર થાય છે કે એને ઈકોનોમિક સાયન્સિસનું નોબલ પ્રાઈઝ એનાયત થાય છે. સમારંભ પછી ઓડિટોરિયમમી બહાર નીકળતી વખતે એને ફરી પાછી પેલી ત્રિપુટી દેખાય છે. જોન ઊભો રહી જાય છે. એલિશિયા પૂછે છે: શું થયું? જોન કહે છે: કશું નહીં! સિદ્ધિ અને સંતોષના બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની 

અસલી જોન નેશના જિંદગી પર સિલ્વિયા નેસર નામની લેખિકાએ ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ નામનું પુસ્તક લખ્યું હતું. ‘વેનિટી ફેર’ મેગેઝિને ુપુસ્તક વિશે છાપ્યો, જે વાંચતાની સાથે જ પ્રોડ્યુસર બ્રાયન ગ્રેઝરે ફટ્ દઈને પુસ્તકનાં રાઈટ્સ ખરીદી લીધા. જોન નેશની જીવનકથામાં જબરદસ્ત મોટિવેશનલ વેલ્યુ હોવાથી હોલિવૂડના ઘણા પ્રોડ્યુસરોની આ પુસ્તક પર નજર હતી. રોન હોવાર્ડને ફિલ્મનું ડિરેક્શન સોંપવામાં આવ્યું. ચાર્લ્સ-વિલિયમ-માર્સી અસલી નહીં, પણ કાલ્પનિક છે એની ખબર જોનની જેમ શરુઆતમાં ઓડિયન્સને પણ પડતી નથી તે કરામત સ્ક્રિપ્ટ રાઈટર અકિરા ગોલ્ડ્સમેનની છે. પટકથાના પહેલા ડ્રાફ્ટ  પછી ડિરેક્ટરે સૂચન કર્યું કે પતિ-પત્નીના પ્રેમના જરા ઓર બહેલાવો.  પ્રિયજનની હૂંફ હોય તો જીવનનાં કઠિનમાં કઠિન યુદ્ધો પણ જીતી શકાય છે તે વાત આ ફિલ્મમાં બહુ જ ખૂબસૂરત રીતે ઊભરી છે.  અસલિયતમાં જોકે જોન નેશ અને એલિશિયાના ડિવોર્સ થઈ ગયા હતા. સાત વર્ષ અલગ રહ્યા પછી, નોબલ પ્રાઈઝ મળ્યું તે અરસામાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં. વર્ષો બાદ પુનર્લગ્ન પણ કર્યું. અસલી જોનને કાલ્પનિક પાત્રોનાં માત્ર અવાજો સંભળાતા, દેખાતાં નહીં, પણ ફિલ્મમાં ક્રિયેટિવ લિબર્ટી લઈને ચાર્લ્સ-વિલિયમ-માર્સીને વિઝ્યઅલી દેખાડવામાં આવ્યાં છે. જોન નેશના હોમોસેક્સ્યુઅલ અનુભવો વિશે કાનાફૂસી થઈ હતી, પણ ફિલ્મમાં આ મુદ્દાને ગાળી નાખવામાં આવ્યો છે.



કમાલનો અભિનય કર્યો છે રસલ ક્રોએ ‘અ બ્યુટીફુલ માઈન્ડ’માં. જોકે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર અવોર્ડ એની પત્ની બનતી જેનિફર કોનેલીને મળ્યો. આ સિવાય પણ બીજા ત્રણ ઓસ્કર ફિલ્મને મળ્યાં. ફિલ્મ ખૂબ વખણાઈ અને સરસ ચાલી. હીરો ગણિતજ્ઞ હોય અને એને પાછી માનસિક બીમારી હોય - આ વિષય સાંભળવામાં ભલે ભારેખમ લાગે, પણ ફિલ્મ અત્યંત ગતિશીલ અને હૃદયસ્પર્શી બની છે. એક ક્ષણ માટે પણ તે ઢીલી પડ્યા વગર સતત તમને જકડી રાખે છે. ‘અ બ્યુટીફુલ માઈન્ડ’ની ડીવીડી હંમેશાં હાથવગી રાખવા જેવી છે. ખુદની નબળાઈઓ સતાવ્યા કરતી હોય, મનોબળ ઢીલું પડી જતું અનુભવાતું હોય ત્યારે આ ફિલ્મ જોઈ લેવી. ભીતર જાણે શક્તિનો સંચાર થઈ ગયો હોય એવી લાગણી જાગશે. બહુ ઓછી ફિલ્મોમાં આ પ્રકારની તાકાત હોય છે!

‘અ બ્યુટીફુલ માઈન્ડ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : રોન હોવર્ડ
મૂળ લેખિકા       : સિલ્વિયા નેસર
સ્ક્રીનપ્લે          : અકિવા ગોલ્ડ્સમેન
કલાકાર           : રલસ ક્રો, જેનિફર કોનેલી, એડ હેરિસ
રિલીઝ ડેટ        : ૨૧ ડિસેમ્બર ૨૦૦૧
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડઝ

બોલિવૂડ એક્સપ્રેસ : બ્રેડ પિટ સિન્ડ્રોમ કઈ બલાનું નામ છે?


Sandesh - Cine Sandesh supplement - 21 June 2013 

બોલિવૂડ એક્સપ્રેસ 

 ‘રાંઝણા’ અને એનો હીરો ધનુષ (જે સાક્ષાત રજનીકાંતનો સગ્ગો જમાઈ થાય છે) જો હિટ થઈ ગયા તો આ સસરા-જમાઈના એસએમએસ જોક્સની તડી બોલી જવાની, તમે જોજો. 

મુંબઈના ગાંડા વરસાદમાં તરબોળ થઈને, સડકો પર આંખના પલકારામાં ભરાઈ જતાં પાણીમાં હાલકડોલક થતો બોલિવૂડ બોય ઉર્ફ બો-બો પાછો સમયસર હાજર થઈ ગયો છે. ના જી, ચોમાસાની ઋતુ છે એટલે એ કંઈ 'ટીપ ટીપ બરસા સાવન' ટાઇપના રાગડા નહીં તાણે, બલકે આદત મુજબ તરહ તરહની ફિલ્મી ટિટબિટ્સ પેશ કરશે.
જેમ કે, સોનમ કપૂરની બ્રાન્ડ-ન્યૂ ફિલ્મ 'રાંઝણા' આજે જ રિલીઝ થઈ. સોનમ ભલે સુકલકડી અને લંબૂસ રહી અને ભલે 'રાંઝણા'માં એ પાક્કી મણિબહેન દેખાતી હોય, પણ અસલિયતમાં એના જેવી કમાલની ફેશનસેન્સ બોલિવૂડમાં બીજા કોઈની પાસે નથી. એને ફેશનેબલ વસ્ત્રો અને એક્સેસરીઝનો માત્ર શોખ નથી, એ ફેશનને સૂક્ષ્મતાથી સમજી શકે છે, તેથી જ રૂપરૂપના અંબાર ન હોવા છતાં અનિલભાઈ કપૂરની આ દીકરી ગ્લોસી મેગેઝિનોનાં પાનાં પર ઝક્કાસ દેખાય છે. 'રાંઝણા'ના ડિરેક્ટર-રાઇટરની જોડી આનંદ રાય-હિમાંશુ શર્માએ અગાઉ 'તનુ વેડ્સ મનુ' માટે સોનમને એપ્રોચ કરેલો. સોનમે ના પાડી એટલે તે ફિલ્મ કંગના રનૌત પાસે ગઈ. સારું થયું. કંગનાએ આ ફિલ્મમાં એટલી મજેદાર એક્ટિંગ કરી છે કે તે રોલમાં સોનમને કલ્પના કરવી ગમતી નથી. 'તનુ વેડ્સ મનુ' હિટ થયા પછી રાય-શર્મા પાછા સોનમ પાસે ગયા, 'રાંઝણા'ની ઓફર લઈને. આ વખતે સોનમે ફટ કરતી હા પાડી દીધી.
'રાંઝણા'ના કાળાડિબાંગ હીરો ધનુષના 'કોલાવેરી ડી' ગીતે વચ્ચે બહુ ઉપાડો લીધો હતો. ધનુષ સિનેમાજગતના દેવાધિદેવ રજનીકાંતનો જમાઈ થાય, એ તમે જાણો છોને? અહા! 'રાંઝણા' અને ધનુષ હિટ થઈ ગયા તો મોબાઇલ પર સસરા-જમાઈના ફની એસએમએસની તડી બોલી જવાની, તમે જોજો.

                                                   0 0 0 
'રાંઝણા'માં ક્યૂટ ડિમ્પલધારી અભય દેઓલ પણ છે. એક જમાનામાં અભયે સોનમ સાથે 'આયેશા' નામની ગર્લી-ગર્લી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ અનિલ કપૂરે પ્રોડયુસ કરેલી.'આયેશા' ચાલી નહીં એટલે પછી અભયે 'આ ફિલ્મમાં કામ કરીને મેં મોટી ભૂલ કરી નાખી' ને એવું બધું જાહેરમાં બોલીને બહુ બૂરાઈ કરી હતી. સમજોને કે કપૂર ખાનદાન અને અભય વચ્ચે મિની યુદ્ધ છેડાઈ ગયું હતું, તેથી જ 'રાંઝણા'માં સોનમ-અભયને ફરી પાછાં સાથે જોઈને સૌને આશ્ચર્ય થયું છે. 'ના ના, એમાં તો એવું છે કે અભયને મારા પપ્પા સાથે પ્રોબ્લેમ હતો, મારી સાથે નહીં,' સોનમ લૂલો ખુલાસો કરે છે, 'બાકી મને તો છેને અભય સાથે બહુ જામે છે. અમારા બેયની હોબી એકદમ સેમ-ટુ-સેમ છે, અમારી વચ્ચે કેમિસ્ટ્રી સરસ છે.' વગેરે વગેરે. 
ઠીક છે મારી બાઈ. બોલિવૂડમાં દોસ્તી-દુશ્મની કશું જ પરમેનન્ટ નથી હોતું તે આપણે ક્યાં નથી જાણતા.
                                                   0 0 0 
મ તો સ્ટાર સ્ટેટસ પણ ક્યાં પરમેનન્ટ હોય છે. પૂછો અમિષા પટેલને. અમિષા જેવી ભૂલીબિસરી હિરોઇન અને એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહેલા નીલ નીતિન મૂકેશને એકસાથે જોઈને બો-બોને ટેન્શન થાય છે કે એમની 'શોર્ટકટ રોમિયો' જોવા આજે કોણ જશે. નીલ ટેલેન્ટેડ અભિનેતા છે, પણ બાપડાનાં નસીબ ખરાબ ચાલે છે. એની 'જોની ગદ્દાર' રિલીઝ થઈ ત્યારે ઓડિયન્સને ફિલ્મ પાસેથી કોઈ અપેક્ષાઓ નહોતી, પણ કેટલી અફલાતૂન નીકળી આ ફિલ્મ. 'શોર્ટકટ રોમિયો' પણ આવું સરપ્રાઇઝ પેદા કરી શકશે? યુ નેવર નો!
                                                      0 0 0 
'બ્રેડ પિટ સિન્ડ્રોમ'- આ બીમારીનું નામ સાંભળ્યું છે કદી? હમણાં દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં આ શબ્દપ્રયોગ કર્યો. બ્રેડ પિટ વધુ પડતો હેન્ડસમ હીરો છે એટલે શરૂ શરૂમાં હોલિવૂડમાં એવી જ છાપ પડતી કે આ તો ખાલી ગ્લેમર બોય તરીકે ચાલે એવો છે,એને કંઈ એક્ટિંગ-બેક્ટિંગ આવડે નહીં. આ પ્રકારની માનસિકતાને 'બ્રેડ પિટ સિન્ડ્રોમ' કહે છે! બ્રેડ પિટ જોકે પોતાની એક્ટિંગ ટેલેન્ટથી સૌનો અભિપ્રાય બદલી શક્યો. દીપિકા પાદુકોણ માટે, રાધર મોડલિંગના ક્ષેત્રમાંથી આવેલી કે બ્યુટીક્વીન રહી ચૂકેલી મોટાભાગની કન્યાઓ માટે આપોઆપ એવી છાપ ઊભી થતી જતી હોય છે કે ફિલ્મમાં ફક્ત ગ્લેમર ઉમેરવા સિવાય એ બીજું કશું કરી નહીં શકે. દીપિકાના સદ્ભાગ્યે 'કોકટેલ'માં સૌથી પહેલી વાર એના અભિનયની નોંધ લેવાઈ. પછી 'યે જવાની હૈ દીવાની'માં એનું કામ વખણાયું, તેથી દીપિકાએ રાજી થઈને જાતે જ ઘોષણા કરી નાખી છે કે પોતે બ્રેડ પિટ સિન્ડ્રોમમાંથી બહાર આવી ગઈ છે. સારું છે. બાય ધ વે, આજે બ્રેડ પિટની 'વર્લ્ડ વોર ઝેડ' નામની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. બો-બો તો 'રાંઝણા' કે 'શોર્ટકટ રોમિયો' કરતાં દુનિયાના વિનાશના થીમવાળી 'વર્લ્ડ વોર ઝેડ' જોવા માટે વધારે ઉત્સુક છે. તમે?                                                                                  0 0

Tuesday, June 18, 2013

ટેક ઓફ: છેલ્લે તમે ક્યારે તાર કર્યો હતો?


Sandesh - Ardh Saptahik purti - 19 June 2013
Column: ટેક ઓફ
ધસમસતા સમયના પ્રવાહમાં કંઈકેટલુંય અપ્રસ્તુત બનીને ટેક્નોલોજિકલ પ્રગતિના ઇતિહાસમાં એક વિગત બનીને રહી જાય છે. કોલસાથી ચાલતા એન્જિનથી લઈને ટેલિગ્રામ સવર્સિ સુધીનું ઘણું બધું. 

વેરચંદ  મેઘાણીની એક પ્રસિદ્ધ વાર્તા છે- 'બદમાશ'. દેશને આઝાદી મળી તે પહેલાંનો સમય છે. વાર્તાનાયકની પત્ની બાળકોને લઈને એકલી પિયર જઈ રહી છે. નાયક સૌને આગગાડીમાં બેસાડવા સ્ટેશન આવ્યો છે. આગગાડીનાં પૈડાંએ ચક્કર લેવાનું શરૂ કરી દીધું છે એટલે નાયક હાંફળોફાંફળો થઈને જે ડબો હાથમાં આવ્યો તેમાં જેમતેમ કરીને પરિવારને માલમત્તા સહિત લગભગ અંદર ફંગોળી દે છે. એને ક્યાં ખબર હતી કે આ ડબામાં અલારખ્ખા નામનો ખૂંખાર ડાકુ પણ પોતાના સાગરીત અને એક વેશ્યા સાથે મુસાફરી કરી રહ્યો છે? હકીકતની જાણ થતાં જ નાયક ફફડી ઊઠે છેઃ શું હાલ કરશે અલારખિયો મારી બૈરી-છોકરાંવના?એ તરત તાર ઓફિસ તરફ દોટ મૂકે છે અને સાળાને તાર કરી દે છેઃ રુક્મિણી અને બાળકો તારે ત્યાં પહોંચે કે વિના વિલંબે મને પહોંચનો સામો તાર કરી દેજે!
સમયચક્રને ઘુમાવીને વાર્તાને ૨૦૧૩માં ખેંચી લાવીએ અને એક મહિના પછીનો સમય કલ્પી લઈએ તો હીરો પત્નીને મોબાઇલ જોડીને એને સાબદો કરતો દેખાયઃ જો, અલારખ્ખા ન કરવાનું કરી બેસે તે પહેલાં હમણાં જ ગમેતેમ કરીને બચ્ચાં અને માલમત્તા સાથે બીજા ગમે તે ડબામાં શિફ્ટ થઈ જા! ધારો કે એ તાર કરવા પોસ્ટઓફિસ તરફ ધસી જાય તો વિન્ડો પર બેઠેલા ક્લાર્કનો સંવાદ સંભળાય, સોરી ભાઈ, ટેલિગ્રામ service બંધ થઈ ચૂકી છે!
૧૫ જુલાઈ, ૨૦૧૩. આ દિવસથી ભારતમાં ૧૬૦ વર્ષથી સક્રિય રહેલી અને દેશ-વિદેશમાં ત્વરિત સંદેશો મોકલવા માટે જેનો આધાર લેવાતો એ ટેલિગ્રામ service અસ્તિત્વશૂન્ય થઈ જવાની. મોબાઇલ ફોન, એસએમએસ અને ઇન્ટરનેટના આ જમાનામાં ફક્ત શહેરોમાં જ નહીં, ગામડાંમાં પણ તાર કરનારાઓને દૂરબીનથી શોધવા પડે છે, તેથી જ પ્રતિ વર્ષ સરેરાશ બાવીસ કરોડ રૂપિયાનું નુકસાન વેઠનાર ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલ) આદેશ જારી કરી દીધોઃ Wind up the telegram service!


ધસમસતા સમયના પ્રવાહમાં કંઈકેટલુંય અપ્રસ્તુત બનતું જાય છે. કિનારા પર ફેંકાઈને નામશેષ થતું જાય છે, ટેક્નોલોજિકલ પ્રગતિના ઇતિહાસમાં એક વિગત બનીને રહી જાય છે. નેરોગેજ પર કોલસાથી ચાલતી અને કાળાડિબાંગ ધુમાડા છોડતી બાપુની ગાડીને પાછળ છોડીને હાઈસ્પીડ ડુરોન્ટો-રાજધાની-શતાબ્દી એક્સપ્રેસ આવી ગઈ છે અને હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે જાપાનમાં બનેલી બુલેટ ટ્રેન દોડવાનું ક્યારે શરૂ થાય એની રાહ જોવાનું શરૂ થઈ ગયું છે. રસોડામાં પ્રાઇમસ સ્થાનભ્રષ્ટ થઈ ચૂક્યો છે અને રાંધણગેસની પાઇપલાઇન ફિટ થઈ ગઈ છે. હડમદસ્તા જેવા ટીવીની જગ્યાએ સ્માર્ટ એલઈડી દીવાલ પર ગોઠવાઈ ગયાં છે. ઘર્રાટી કરતો ડબ્બાછાપ રેડિયો, ભૂંગળાંવાળા ગ્રામોફોન અને ડીવીડી-વીસીડી પ્લેયર્સ યાદ છે? બજારમાંથી ઓડિયો કેસેટ આઉટ થઈ ગઈ છે, કારણ કે જમાનો સીડીનો છે. મોબાઇલ ફોન આવ્યા એટલે કેટલાય લોકો જેને કમર પર કંદોરાની જેમ પહેરી રાખતાં તે પેજર્સ અદૃશ્ય થઈ ગયાં. આવાં તો ઘણાં દૃષ્ટાંતો છે.
જૂના જમાનાની ચીજવસ્તુઓમાં એક પ્રકારનો ચાર્મ હોય છે, પણ ટેલિગ્રામ સાથે સામાન્યપણે ઉચાટ અને ગભરાટની લાગણીઓ જોડાયેલી રહી છે. ઘરે તાર આવે ત્યારે પોસ્ટમેને ધરેલાં કાગળિયાં પર સહી કરતી વખતે આપણને મનમાં કેટલાય અશુભ વિચારો આવી જતાઃ કોનો તાર હશે? કોઈ ગુજરી ગયું હશે? એક્સિડન્ટ? કોઈ ઇમરજન્સી? તાર દ્વારા જોક્ે સારા સમાચારો પણ ક્મ્યુનિક્ેટ થતા જ. તાર કરતી વખતે ભારે કરકસરથી ગણીગણીને શબ્દો વાપરવાના. શબ્દૃો વધે તેમ તાર કરવાનો ખર્ચ પણ વધતો જાય. ‘ક્ાક્ાના ઘરે સુરત સુખરુપ પહોંચી ગયો છું એમ નહીં, પણ ‘રીચ્ડ સેફ્લી એટલું જ! ‘તમારા આશીર્વાદૃથી હું બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્ે પાસ થઈ ગયો છું  એવું લાંબું લાબું લખવાને બદૃલે ટૂંક્માં પતાવવાનું -‘પાસ્ડ ધ એકઝામ્સ', બસ. ઝવેરચંદ મેઘાણીની 'બદમાશ' વાર્તાનો પેલો નાયક પણ ભરપૂર ટેન્શન વચ્ચે તાર મોકલતી વખતે ઓછામાં ઓછી શબ્દસંખ્યા બનાવે છે અને નવ આનામાં પતી જવાથી પોતાની અક્કલમંદી પર વારી જાય છે! એક રમૂજી ક્વોટ છે કે દસ કરતાંય  વધારે શબ્દોનો 'લાંબોલચ્ચ' તાર મેળવનાર નક્કી બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ માણસ હોવાનો! આજે તો આપણે એસએમએસમાં પ્રેરણાદાયી વાક્યો, જોક્સ, શાયરીઓ ને એવું કંઈકેટલુંય ફોરવર્ડ કરતા રહીએ છીએ, પણ એસએમએસ સવર્સિ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં બને એટલો ટૂંકો મેસેજ લખવાનો અને અંગ્રેજીમાં આખા શબ્દો લખવાને બદલે કઢંગા શોર્ટ ફોર્મ્સ વાપરવાનો ચાલ હતો. જેમ કે, 'ધ'નો સ્પેલિંગ ટી-એચ-ઈ નહીં કરવાનો, પણ ફક્ત 'ડી' લખી દેવાનું. ટેલિગ્રામ એ રીતે લઘુસૂત્રી એસએમએસના પ્રપિતામહ ગણાય!

Smile-inducing ads of Amul and WeChat 

ડિસેમ્બર, ૧૯૩૧માં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જહાજમાં ઇંગ્લેન્ડ રવાના થઈ રહ્યા હતા એ અરસામાં ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્ર' અખબારમાં એક કાવ્ય લખ્યું હતું, જે મશહૂર થઈ ગયું: 'છેલ્લો કટોરો ઝેરનો આ-પી જજો બાપુ... સાગરના પીનારા અંજલિ ના ઢોળશો બાપુ'. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સ્થાપક અમૃતલાલ શેઠને આ કાવ્ય એટલું પસંદ આવ્યું કે બાપુને તે વંચાવવા છાપાની કોપી લઈને મુંબઈના બંદરે પહોંચી ગયેલા. રજવાડામાં પ્રજાના કેવા બૂરા હાલ છે તે વિશેનો લિખિત અહેવાલ પણ અમૃતલાલે બાપુને સુપરત કર્યો હતો. દરિયાઈ સફર દરમિયાન તે અહેવાલ ધ્યાનપૂર્વક વાંચ્યા પછી ગાંધીજીને લાગ્યું કે ગોળમેજી પરિષદમાં આ વિષય પર રજૂઆત કરવા માટે અમૃતલાલ પણ લંડન આવી શકે તો સારું, આથી તેમણે અમૃતલાલ શેઠને તાર કર્યો હતો. તાર મળતાં જ અમૃતલાલ શેઠ બીજા બે સાથી વિશેષજ્ઞાો બેરિસ્ટર પોપટલાલ ચૂડગર અને પ્રોફેસર અભ્યંકર સાથે રાઉન્ડ-ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગયેલા. પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ કેટલીય વાર 'મોંઘીદાટ' તારસેવાનો ઉપયોગ કર્યો છે.
 બંગાળના યુવા સ્વાતંત્ર્યવીરો પર દમનનો કોરડો વીંઝનાર કોલકાતાના મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યા કરવાના આશયથી ૧૯૦૮માં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બોમ્બ ફેંક્યા હતા. કમનસીબે કિંગ્સફોર્ડની બગીમાં એમને બદલે બીજા કોઈ અંગ્રેજ અફસરની પત્ની અને પુત્રી બેઠાં હતાં, જે મૃત્યુ પામ્યાં. લપાતાછુપાતા પ્રફુલ્લ ચાકી પછી જે ગાડીમાં બેસીને નાસવાની કોશિશ કરી રહ્યા હતા તેમાં અંગ્રેજનો એક સિપાહી મુસાફરી કરી રહ્યો હતો, જેણે પ્રફુલ્લ ચાકીને ઓળખી લીધા. આગલા સ્ટેશન પરથી તેણે મુઝફ્ફરનગર તાર કરીને પોતાના ઉપરીઓને જાણ કરી દીધી. પ્રફુલ્લ ચાકી મોકામાં ઘાટ સ્ટેશન પર ઊતર્યા ત્યારે પોલીસ તહેનાત હતી, પણ પોલીસના હાથે ઝડપાઈને મરવાને બદલે તેમણે સ્વયં ખુદના શરીર પર ગોળી ચલાવી પ્રાણનો ત્યાગ કર્યા.
ભારતીય ઇતિહાસની ઘટનાઓને જ નહીં, કદાચ આપણા વ્યક્તિગત જીવનને પણ કોઈક ને કોઈક રીતે સ્પર્શ કરનાર ટેલિગ્રામ સવર્સિ હવે ખુદ ઇતિહાસનો હિસ્સો બની જવાની.  
                                               0 0 0

Saturday, June 15, 2013

ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે...

As appeared in Gujarati Mid-day - 15 June 2013, Saturday

સતત અને સહજપણે વિવાદો જન્માવતા રહેવા એ શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વિશિષ્ટતા હતી. આજથી ઓપન થઈ રહેલા તેમના પરના ગુજરાતી નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી...’માં ઘટનાપ્રચુર જીવન જીવી ગયેલા આ ગર્વિષ્ઠ લેખકના તેજાબી વિચારોની રેલમછેલ છે. બક્ષીબાબુને પોતાના લિટરરી ગૉડ માનતા લેખક-પત્રકાર શિશિર રામાવતે આ નાટક લખ્યું છે એટલે મિડ-ડેએ તેમને જ આમંત્રણ આપ્યું આ નાટકનો પરિચય કરાવવાનું. 



‘જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બૉક્સિંગ રિંગનો છે. બૉક્સિંગમાં જે મારે છે તે જીતતો નથી, જે વધારે માર ખાઈ શકે છે તે જીતે છે. જે તૂટતો નથી તે જીતે છે. જે પછડાઈ ગયા પછી ફરી ઊભો થઈને મારે છે તે જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતાં રહેવાનું જક્કીપણું હોય તે જીતે છે.’

આ મર્દાના ભાષા અને આક્રમક મિજાજ સાથે એક તેજસ્વી નામ જોડાયેલું છે - ચંદ્રકાંત બક્ષી. ગુજરાતી સાહિત્યજગત અને છાપાં-સામયિકોના કૉલમ-વિશ્વમાં ટોચનું સ્થાન મેળવનાર બક્ષીબાબુ આજીવન તરંગો જન્માવતા રહ્યા. હવે તેઓ ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે. લેખક તરીકે નહીં, પણ સ્વયં કિરદાર બનીને. તેમના જીવન અને કાર્યને આલેખતા આ નાટકનું નામ સૂચક છે - ‘હું ચંદ્રકાંત બક્ષી...’ અહીં એકાક્ષરી ‘હું’ શબ્દનો ધનુષ્યટંકાર મહત્વનો છે. ચંદ્રકાત બક્ષીનું સમગ્ર વ્યક્તિત્વ, તેમનું સઘળું સાહિત્ય આ ‘હું’માંથી પ્રગટ્યું છે. નાટકના પ્રારંભમાં જ એક સંવાદમાં તેઓ ગર્વિષ્ઠ ભાવે કહે છે : 

‘હું... આ એકાક્ષરી શબ્દમાં મને એક વિરાટ અહંનાં દર્શન થાય છે. અહં... ઈગો... અહંકાર! મને ‘અહંકાર’ શબ્દ ‘ઓમકાર’ જેટલો જ સ-રસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. તૂટેલા માણસને એક વસ્તુ ટકાવી રાખે છે - તેનો અહં. ‘અહં બ્રહ્માસ્મિ’નો અર્થ આવો જ કંઈક થતો હશે!’

ચંદ્રકાંત બક્ષી (જન્મ : ૨૦ ઑગસ્ટ ૧૯૩૨, મૃત્યુ : ૨૫ માર્ચ ૨૦૦૬)નું બાળપણ અને તરુણાવસ્થા પાલનપુર તેમ જ કલકત્તામાં એકસાથે, લગભગ સમાંતરે વીત્યાં. તેમની યુવાનીનાં સંઘર્ષમય વર્ષો પર કલકત્તા છવાઈ ગયું હતું. કલકત્તાને તેઓ પોતાનું પિયર કહેતા. અહીંના સોનાગાછી નામના બદનામ વેશ્યા-વિસ્તારમાં, બંગાળી વેશ્યાઓના પાડોશમાં મકાન ભાડે રાખીને તેઓ રહ્યા છે. બક્ષીબાબુના જીવનના પૂર્વાર્ધના ઘટનાપ્રચુર અગુજરાતીપણાએ તેમની કલમને અત્યંત તાજગીભરી અને અનોખી બનાવી દીધી. વતનથી દાયકાઓ સુધી દૂર રહેલા બક્ષીબાબુ આજીવન ગુજરાતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રજાને દિલ ફાડીને પ્રેમ કરતા રહ્યા. કલકત્તા છોડીને તેઓ સપરિવાર મુંબઈ સેટલ થયા અને પાછલાં વર્ષોમાં અમદાવાદ. મુંબઈ વિશે તેઓ કહે છે :

‘મુંબઈ ક્રૂર શહેર છે, માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે, પણ મારા રક્તમાં પાલનપુર અને કલકત્તા હતાં એટલે મુંબઈ મને તોડી શક્યું નહીં. નહીં તો તૂટી જવાની બધી જ સામગ્રી આ ભૂમિમાં હતી.’



મુંબઈમાં તેમના જીવનની સંભવત: સૌથી મોટી દુર્ઘટનાઓ બની. એક તો તેમની ‘કુત્તી’ નામની વાર્તા માટે ગુજરાત સરકારે કરી દીધેલો અશ્લીલતાનો કેસ, જે ચાર વર્ષ ચાલ્યો અને જેણે બક્ષીને ખુવાર કરી નાખ્યા. બીજો કિસ્સો એટલે સાધના કૉલેજના પ્રિન્સિપાલપદ પરથી થયેલી તેમની હકાલપટ્ટી. આ દુર્ઘટના એક જમાનામાં ફુલ મૅરથૉન-રનર રહી ચૂકેલા કસરતબાજ બક્ષીબાબુ માટે મૅસિવ હાર્ટ-અટૅકનું કારણ બની ગઈ. ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકમાં પાલનપુર, કલકત્તા, મુંબઈ અને અમદાવાદમાં ફેલાયેલા તેમના જીવનનો તબક્કાવાર આલેખ નાટ્યાત્મક શૈલીમાં રજૂ થયો છે.

ચંદ્રકાંત બક્ષીએ અનેક વિષયો પર પુષ્કળ લખ્યું, આજીવન લખ્યું; કોઈની સાડીબારી રાખ્યા વગર, વિવાદોની ચિંતા કર્યા વગર બિન્દાસપણે લખ્યું. તેમનો આ ઍટિટ્યુડ શરૂઆતથી જ રહ્યો હતો. આજથી સાઠેક વર્ષ પહેલાં બક્ષીબાબુ જ્યારે ખુદ ગુજરાતી સાહિત્યમાં નવોદિત લેખક હતા ત્યારે તેમને કેવી સમસ્યાઓ હતી? તે ઉંમરે થોડોક કકળાટ કર્યો છે :

‘ગુજરાતી સાહિત્ય બહુ સીમિત છે. રશિયાના સ્ટાલિનયુગ જેવું. સેક્સ, સેડિઝમ, હત્યા, ઈષ્ર્યા, તીવ્ર ઇચ્છાઓ, હિંસા, શિકાર, જુલમ, ખુનામરકી આ બધું કોઈ વાર્તામાં આવતું નથી. ગુજરાતી વાર્તાજગત એટલું બધું સરસ છે કે આવું કંઈ બનતું જ નથી. ક્યારેક મને લાગે છે કે હું પાગલખાનામાં ઘૂસી ગયેલા સ્વસ્થ માણસ જેવો છું. હું મારી નાયિકાને તેના બેડરૂમમાં પણ બ્લાઉઝ ખોલાવી શકતો નથી, કારણ કે સાહિત્યના બૉસ લોકોને એ પસંદ નથી. તેમને સ્ટવની સામે બેઠેલી મુરઝાયેલી નાયિકા જોઈએ છે. બાજુમાં ત્રણ સુકલકડી બચ્ચાં હોય, જાડો પતિ તડકામાં ઊભો-ઊભો દાતણ કરતો હોય; આ જાતનું ચિત્રણ બુઢ્ઢાઓ માટે છે, જે પચીસ વર્ષોથી લખ-લખ કરીને હજી થાક્યા નથી. મારા માટે તો ઉપરથી ખૂલી ગયેલા બ્લાઉઝવાળી ભરપૂર સ્ત્રી લાપરવાહ રીતે વાળ ઓળી રહી છે. મારો ટ્રક-ડ્રાઇવર ગ્લાસમાં ચા પીતો-પીતો મજબૂત સ્ત્રી સામે જોઈને કૉમેન્ટ કરે છે તો હું તેને રોકતો નથી. તે કોઈ આશ્રમનો અંતેવાસી નથી, તે ભૂદાનનો કાર્યકર નથી. ગુજરાતી સાહિત્યના ‘ટૉપ ડૉગ્ઝ’ને આ બધામાંથી અરુચિકર વાસ આવ્યા કરે એ સ્વાભાવિક છે. મારી પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ તરત જ ‘હિટ’ થઈ, કારણ કે ગુજરાતી ભાષામાં આ જાતનું લખાયું નહોતું. ફિરાક ગોરખપુરીની ભાષામાં કહીએ તો ગુજરાતી સાહિત્યના હમામમાં કોઈ નાગો માણસ કૂદી પડ્યો હતો!’


Manoj Shah, the producer-director of the play (below); (top) Pratik
Gandhi as Chandrakant Bakshi

‘પડઘા ડૂબી ગયા’માં તદ્દન નવી અ-ગુજરાતી દુનિયા ખૂલી ગઈ, જે આ પહેલાં કોઈ ગુજરાતી લેખકે જોઈ નહોતી. એની ભાષા જુદી હતી, પાત્રો અસ્તિત્વવાદી હતાં. એમાં હિંસા હતી, મૂલ્યોના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. ‘પડઘા ડૂબી ગયા’ પછી, બક્ષીબાબુના શબ્દોમાં જ કહીએ તો ગુજરાતી નવલકથા સાહિત્યનું ચક્કર ૩૬૦ ડિગ્રી ફરી ગયું. કદાચ આ પહેલી જ નવલકથાથી તેઓ ગુજરાતી સાહિત્યના બ્લૅક લિસ્ટ પર મુકાઈ ગયા હતા.

ચંદ્રકાંત બક્ષી પાલનપુરી જૈન હતા, પણ તેઓ ખુદને અ-જૈન તરીકે ઓળખાવતા. તેમના તેજાબી હિન્દુત્વવાદી વિચારો જાણીતા છે. બે-મોઢાંળા દંભી સુડો-સેક્યુલરિસ્ટોને તેઓ સતત ફટકારતા રહ્યા. તેમના ચમકાવી મૂકે એવા અણિયાળા વિચારો આ નાટકમાં ચાબુકની જેમ વીંઝાયા કરે છે.

૧૬૧ પુસ્તકોના આ લેખક આ નવા ગુજરાતી નાટકનો વિષય બન્યા છે, પણ મજાની વાત એ છે કે તેમને ખુદને મુંબઈનાં નાટકો પ્રત્યે ભારે ચીડ હતી! તેમણે શબ્દો ર્ચોયા વગર કહ્યું છે:

‘મુંબઈમાં નાટકો બહુ ઓછાં આવે છે, પણ ચેટકોની ભરમાર થઈ ગઈ છે. થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઇનર્સનું મિશ્રણ હલાવીને ઉપરથી અહિંસક સેક્સ સ્પ્રે કરે એટલે ચેટક તૈયાર! અને જેમ કરિયાણાબજારમાં ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ ગયા છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જાય! આ છે મુંબઈના ગુજરાતીઓના ચેટકબજારની અસ્મિતા! ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો ‘ટેસ્ટ’ સમજી લો તો... જે રીતે બટાટાવડા વેચનારા સમજી લે છે.’

આઇડિયાઝ અનલિમિટેડ બૅનર હેઠળ બનેલા ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકના નિર્માતા-નર્દિશક મનોજ શાહ છે. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી એ માણસ છે જેણે ‘મહાજાતિ ગુજરાતી’ શબ્દ આપણી પ્રજાને આપ્યો છે. તેમણે ગુજરાતીઓમાં ગુજરાતીપણાનો, આપણા હોવા વિશેનો ગર્વ તીવ્ર બનાવ્યો છે. કેટલી વિપુલ માત્રામાં ક્વૉલિટી વર્ક કર્યું છે તેમણે. વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસવિદ, પ્રોફેસર, કૉલમનિસ્ટ... તેમના ગંજાવર કામ તરફ નજર કરીએ તો લાગે કે બક્ષીબાબુ ૭૪ વર્ષ નહીં પણ દોઢસો વર્ષ જીવ્યા હોવા જોઈએ.’

આ એક ફુલ-લેન્ગ્થ નાટક છે, જેમાં મધ્યાંતર નથી. મનોજ શાહ કહે છે તેમ, મળવા જેવા માણસને વિક્ષેપ વગર મળીએ, એકબેઠકે સળંગ મળીએ તો જ દીવા પ્રગટી શકે. ચંદ્રકાંત બક્ષી વિશે નાટક બનાવવું એક જોખમી કામ છે એ બાબતે મનોજ શાહ પૂરેપૂરા સભાન છે. તેઓ ઉમેરે છે. ‘હું જાણું છું કે હું ડેન્જર ઝોનમાં ઊભો છું. મેં અત્યાર સુધીમાં શ્રીમદ્ રાજચંદ્ર, ભરથરી, મણિલાલ નભુભાઈથી લઈને મરીઝ અને કાર્લ માર્ક્સ સુધીનાં કેટલાંય વ્યક્તિવિશેષ પર નાટકો બનાવ્યાં છે; પણ આ બધાં ચાલીસથી લઈને સાડાચારસો વર્ષ પહેલાંનાં પાત્રો છે. તેમના આલેખનમાં હું ઘણી ક્રીએટિવ છૂટછાટ લઈ શકતો હતો, પણ બક્ષી તો હજી હમણાં સુધી આપણી વચ્ચે હતા. લોકોએ તેમને જોયા છે, જાણ્યા છે, સાંભળ્યાં છે, તેમની સાથે ઇન્ટરૅક્ટ કર્યું છે. તેમની પર્સનાલિટી અને ઇમેજને વફાદાર રહીને હું નાટકમાં શું-શું કરી શકું? પ્રેક્ષકોએ તેમને વાંચેલા અને સાંભળેલા છે, છતાંય નાટક જોવા આવે તો તેમને કઈ રીતે કંઈક જુદી, કંઈક નવી અનુભૂતિ થઈ શકે? આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેં આ ડ્રામામાં બક્ષી અને બક્ષીત્વનું મારી રીતે નાટ્યાત્મક અર્થઘટન કર્યું છે.’

ચાર શહેરોમાં ફેલાયેલા બક્ષીના ઘટનાપ્રચુર જીવન અને તેમની ચિક્કાર લેખનસામગ્રીમાંથી શું લેવું અને કેવી રીતે લેવું એ અમારા માટે મોટો પડકાર બની રહ્યો હતો. આ એકપાત્રી નાટક છે. ચંદ્રકાંત બક્ષીને મંચ પર સાકાર કરનાર તેજસ્વી યુવા અભિનેતા છે પ્રતીક ગાંધી. એક પણ સહકલાકારના સાથ વગર, માત્ર પોતાની અભિનયશક્તિથી દોઢ કલાક કરતાંય વધારે સમય માટે પ્રેક્ષકોને સતત બાંધી રાખવા માટે કેટલી તાકાત અને કૉન્ફિડન્સ જોઈએ!  ‘હું ચંદ્રકાંત બક્ષી...’નું પ્રકાશ-આયોજન અસ્મિત પાઠારેએ અને સંગીત-સંચાલન ઓજસ ભટ્ટે સંભાળ્યું છે.

‘હું ચંદ્રકાંત બક્ષી...’ આજે પૃથ્વી થિયેટરમાં મોડી સાંજે નવ વાગ્યે ઓપન થઈ રહ્યું છે. બીજા બે પ્રીમિયર શો પૃથ્વીમાં જ આવતી કાલે મોડી બપોરે ચાર વાગ્યે અને રાત્રે નવ વાગ્યે યોજાયા છે.           0 0 0