Thursday, May 30, 2013

Bollywood Express: કેટબીર : કહેતા ભી દીવાના...


Sandesh - Cine Sandesh - 31 May 2013
Column: બોલિવૂડ એક્સપ્રેસ
કરણ જોહર એક નંબરનો મસ્તીખોર માણસ છે. તે કહે છે,આઈ લવ અનુરાગ કશ્યપ.

બો-બો ઉર્ફ બોલિવૂડ બોય સૌથી પહેલાં તો તમને સૌને હેપી ફ્રાઇડે વિશ કરે છે અને પછી છાતી ઠોકીને કહે છે કે ૨૦૧૩નું વર્ષ દીપિકા પાદુકોણનું વર્ષ બની રહેવાનું. તમે લખી રાખો! 'રેસ-ટુ' એની આ વર્ષની પહેલી ફિલ્મ, જે બોક્સઓફિસ પર ચાલી ગઈ. આમાં લંબૂસ દીપિકાએ ગ્લેમરસ-ગ્લેમરસ કપડાં પહેરીને શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાય હરામ બરાબર બીજું કશું કર્યું હોય તોપણ હિટ એટલે હિટ. એ પછી આજે રિલીઝ થઈ 'યે જવાની હૈ દીવાની'. ફિલ્મના પ્રિ-રિલીઝ રિપોર્ટ તો સારા છે. ઘણું કરીને આ ફિલ્મ પણ ક્લિક થઈ જવાની.
હવે પછી જે ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે એમાં સૌથી પહેલી છે, 'કોચાડયાન'. નામ સાંભળીને ગભરાઈ જવાની જરૂર નથી. આ બિગબજેટ તમિલ ફિલ્મ છે, જેનો હીરો છે, હોલ્ડ યોર હાર્ટ-રજનીકાંત! જે ફિલ્મમાં સાક્ષાત્ રજનીકાંત હાજરાહજૂર હોય એમાં બીજા કોઈનું શું કામ? એટલે આમાંય દીપિકાએ મોટેભાગે તો શોભામાં અભિવૃદ્ધિ જ કરવાની રહેશે. તે પછી છે, 'ચેન્નાઈ એક્સપ્રેસ'. એનો હીરો છે - અહા!  - શાહરુખ ખાન! ફિલ્મના બાવડેબાજ ડિરેક્ટર રોહિત શેટ્ટીની 'ગોલમાલ' જેવી ચક્રમ કોમેડી યા તો 'સિંઘમ' જેવી હથોડાછાપ એક્શન-થ્રિલર ફિલ્મોમાં હિરોઇનોએ આમેય ખાસ કરવાનું હોતું નથી. એટલે 'ચેન્નાઈ એક્સપ્રેસ'માં પણ જે કંઈ કરવાનું હશે તે શાહરુખે કરવાનું હશે દીપિકાએ નહીં, ઠીક છે. આ વર્ષની દીપિકાની છેલ્લી ફિલ્મ એટલે સંજયલીલા ભણસાલીની'રામલીલા' જેમાં એ પાક્કી ગુજરાતણ બની છે. હં... લાગે છે, કમ સે કમ સંજયભાઈ દીપિકા પાસે કંઈક તો કરામત કરાવશે. આ ફિલ્મ હિટ થાય એ સંજયલીલા ભણસાલી માટે અત્યંત જરૂરી છે, કેમ કે એમની આગલી બન્ને ફિલ્મો 'સાંવરિયા' અને 'ગુઝારિશ' ફ્લોપ થઈ હતી. ન કરે નારાયણ ને 'રામલીલા'નું પણ રામનામ સત્ય હૈ થઈ જાય તો સંજયસરની ડિરેક્ટોરિયલ નિષ્ફળતાની હેટ-ટ્રિક થઈ જાય.
આશા રાખીએ કે એવું ન થાય. બાકી એક જ વર્ષમાં પાંચ-પાંચ મોટી ફિલ્મો કેટલી હિરોઇનોનાં નસીબમાં હોય છે?
                                                     0 0 0 
ક જમાનામાં દીપિકા રણબીર કપૂરના પ્રેમમાં હતી. ગોસિપ-બહાદુર કહે છે કે આજકાલ દીપિકાને 'યે જવાની...'ના કો-સ્ટાર આદિત્ય રોય કપૂર સાથે સારું બને છે. સારું બને છે મિન્સ કે સારી દોસ્તી છે બસ, વધારે કશું નહીં. એક બાજુ રણબીર દીપિકામાંથી ફ્રી થયો અને બીજી બાજુ રૂપ રૂપના અંબાર જેવી કેટરિના કૈફ સલમાનમાંથી ફ્રી થઈ. આ બન્ને ફ્રી-બર્ડ્ઝ ભેગાં થયાં અને લવ-બર્ડ્સ બનીને ખાનગીમાં કૂચી-કુઇંગ કરવાનું શરૂ કરી દીધું. ગોસિપ-બહાદુરોએ કેટરીના અને રણબીરનું નામ લિટરલી જોડીને નવો શબ્દ ઘડી કાઢયો છે - 'કેટબીર'! સૈફ અલી ખાન અને કરીનાનું નામ જોડીને 'સૈફીના' શબ્દ બનાવવામાં આવ્યો હતો, એમ.
કેટરીના પહેલેથી જ ભારે મીંઢી છે. એ ક્યારેય મગનું નામ મરી પાડતી નથી. એ કહે છે, 'એક સમયે હું પ્રેમમાં હોવાના વિચારના પ્રેમમાં હતી (ઇન લવ વિથ ધ આઇડિયા ઓફ બીઇંગ ઇન લવ), પણ હવે તો એવુંય રહ્યું નથી. રિલેશનશિપમાં હોવું મોટી ઉપાધિ છે. તમારે કરિયર સંભાળવી કે બોયફ્રેન્ડને? બે વ્યક્તિ પ્રેમમાં પડે અને પછી એન્ડમાં ખાઈ-પીને રાજ કરે એવું ખાલી ફિલ્મોમાં બને છે. અસલી જિંદગીમાં તો પ્રેમમાં પડયા પછી ટેન્શનનો પાર રહેતો નથી!'
ણબીર-કેટરીનાનું રિલેશનશિપ સ્ટેટસ જે હોય તે, પણ રણબીરને આજકાલ ઔર એક વ્યક્તિ સાથે ખાસમખાસ દોસ્તી થઈ ગઈ છે. એ છે ક્રિકેટર વિરાટ કોહલી. તક મળે ત્યારે બન્ને મળે, સાથે ફિલ્મો જુએ, સ્પોર્ટ્સ ચેનલ પર રમતો જુએ, વીડિયો ગેઇમ્સ રમે, પાર્ટી કરે. એક મિનિટ, આડુંઅવળું વિચારવાની કે ભ્રમરો ઊંચે ચડાવવાની જરૂર નથી. કેમ? માણસ કુંવારો હોય એટલે એણે ફક્ત પ્રેમમાં જ પડવાનું? છોકરાવ-છોકરાવ ભાઈબંધી ન કરી શકે? શું જમાનો આવ્યો છે...
                                              0 0 0 
રણ જોહરે હમણાં એક ઇન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપની હાજરીમાં સહેજ નવાઈ લાગે એવી વાત કરી. એણે કહ્યું, "અનુરાગ કશ્યપમાં ગુસ્સો છે અને મને ક્રોધી સ્વભાવ ધરાવતા માણસો બહુ આકર્ષક લાગે છે. એ લોકોનું દિમાગ જે રીતે કામ કરતું હોય છે તેનું નિરીક્ષણ કરવાની મને મજા આવે છે. હું અનુરાગમાં મારું પ્રતિબિંબ જોઈ શકું છું. ફિલ્મમેકર તરીકે અમે બન્ને સાવ જુદા છીએ, પણ વ્યક્તિ તરીકે સરખા છીએ. અમે બન્ને ખુશમિજાજ છીએ, એકસાથે હજાર જાતનાં કામ કરી શકીએ છીએ. અમે બન્ને એક પ્રકારની અસલામતી અને બેચેની સતત અનુભવતા હોઈએ છીએ. અત્યાર સુધી હું અનુરાગ કશ્યપનો સિક્રેટ ફેન હતો, પણ ફાઇનલી હવે હું ખુલ્લામાં આવી ગયો છું અને બેધડક કહી શકું છું કે આઇ લવ અનુરાગ કશ્યપ."
કરણ જોહર એક નંબરનો મસ્તીખોર માણસ છે. અનુરાગ વિશે કરણ જે કંઈ બોલ્યો એમાં તમે એની સેન્સ-ઓફ-હ્યુમર પણ જોઈ શકો અથવા ભ્રમર ઊંચી કરી, આડુંઅવળું વિચારી, ખાંખાંખોળા કરી ગર્ભિત અર્થો પણ શોધી શકો છો! 
જય રામજી કી!                                                                          0 0 0 

No comments:

Post a Comment