Tuesday, May 7, 2013

ટેક ઓફ: ટાગોર અને વિક્ટોરિયા.... પ્રેમ, મૈત્રી, ઈગો, સર્જન!


Sandesh - Ardh Sapatahik Purti - 8 May 2013

કોલમ: ટેક ઓફ 

વયસ્ક પુરુષ અને ઉંમરમાં ખૂબ નાની સ્ત્રી વચ્ચેના સંબંધમાં કયાં ઈમોશનલ,ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે?

Rabindranath Tagore and Victoria Ocampo
જિંદગીમાં લવઅફેર મોડામાં મોડું કઈ ઉંમરે થઈ જવું જોઈએ? અને કઈ ઉંમરની સ્ત્રી સાથે? જો તમે મહાન પેઇન્ટર પાબ્લો પિકાસો હો તો ૭૩ વર્ષની ઉંમરે ૪૫ વર્ષ નાની મોડલ સાથે પ્રેમમાં પડી શકો છો. જો તમે નોબેલપ્રાઈઝ વિજેતા મહાન નેતા નેલ્સન મંડેલા હો તો ૨૭ વર્ષ નાની સ્ત્રીના પ્રેમમાં પડી ૮૦મા બર્થડે પર ત્રીજાં લગ્ન કરી શકો છો. મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકે ૩૨ વર્ષનાં લગ્નજીવન પછી ડિવોર્સ લઈને સત્તર જ દિવસમાં પોતાની આસિસ્ટન્ટ સાથે લગ્ન કરી લીધાં હતાં. બન્ને વચ્ચે વયમાં ૩૮ વર્ષનો ફર્ક હતો. ક્યાં ઈમોશનલ, ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે આ પ્રકારના સંબંધોમાં? અલબત્ત, જરૂરી નથી કે માત્ર કલાકારો કે સેલિબ્રિટીઓ જ પોતાના કરતાં વયમાં ઘણી નાની સ્ત્રીના પ્રેમમાં પડતા હોય છે ને પરણતા હોય છે. સ્ત્રીનું પોતાના પિતાના હમઉમ્ર પુરુષ પ્રત્યેના આકર્ષણનું મોટું કારણ સામાન્યપણે પાવર, પોઝિશન અને પરિપક્વતા હોવાનું. સામે પક્ષે પ્રેમથી છલકતી નાની સ્ત્રી આદમીમાં ચેતના ભરી દે છે, જાણે ચાબૂક વીંઝાઈ હોય તેમ એની બૌદ્ધિક અને ક્રિએટિવ ક્ષમતા સતર્ક થઈ જાય છે.   
રવીન્દ્રનાથ ટાગોર જીવતા હોત તો ગઈ કાલે, સાતમી મેએ, આપણે એમનો ૧૫૨મો બર્થ ડે ઊજવ્યો હોત. ૬૩ વર્ષની ઉંમરે તેમના જીવનમાં એક આર્જેન્ટિનિયન સ્ત્રી આવી હતી, વિક્ટોરિયા ઓકામ્પો, જે ૩૪ વર્ષની હતી. ટાગોરની પ્રચંડ પ્રતિભાથી પ્રભાવિત આ માનુની આર્જેન્ટિનામાં એમની યજમાન બની હતી. મૂળ આયોજન પ્રમાણે નદીકિનારે આવેલા એક આવાસમાં ટાગોર બે અઠવાડિયાં મહેમાન બનીને રહેવાના હતા, પણ રોકાણ બે મહિના સુધી ખેંચાયું - નવેમ્બર અને ડિસેમ્બર, ૧૯૨૪.

વિક્ટોરિયા સાથેની બે મહિનાની પ્રત્યક્ષ મૈત્રી પછી ટાગોર બીજાં સત્તર વર્ષ જીવ્યા. આ સમયગાળા પર વિક્ટોરિયાની દોસ્તીની મહેક વીંટળાયેલી રહી ઓક્સિજનના આવરણની જેમ. વિક્ટોરિયા ભારત કદી ન આવી પણ બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલતો રહ્યો. ટાગોરના જીવનના અંતિમ તબક્કામાં વિક્ટોરિયા એક મહત્ત્વનું પ્રેરકબળ બની રહી. ટાગોરે પોતાની નવલકથા 'પૂરબી' વિક્ટોરિયાને અર્પણ કરી છે. કેતકી કુશારી ડાયસન નામનાં બ્રિટનમાં સ્થાયી થયેલાં બંગાળી લેખિકા-રિસર્ચરે પુષ્કળ મહેનત કરીને,આર્જેન્ટિનાના જે ઘરમાં ટાગોર - વિક્ટોરિયાની મૈત્રી જન્મી હતી એની મુલાકાત લઈને, બન્નેની રિલેશિનશિપ તેમજ પત્રવ્યવહાર પર 'ઇન યોર બ્લોસોમિંગ ફ્લાવર-ગાર્ડન' નામનું પુસ્તક લખ્યું છે. આ સિવાય એક બંગાળી પુસ્તક તેમજ 'ઓન ધ ટ્રાયલ ઓફ રવીન્દ્રનાથ ટાગોર એન્ડ વિક્ટોરિયા ઓકામ્પો' નામનો વિસ્તૃત લેખ લખ્યો પણ છે. ટાગોર-વિક્ટોરિયાના પત્રવ્યવહારના ચૂંટેલા અંશોનો ગુજરાતીમાં મહેશ દવેએ સરસ અનુવાદ કર્યો છે.
ટાગોર પ્રત્યેની વિક્ટોરિયાની ઉત્કટતા એટલી તીવ્ર હતી કે પોતાના મોંઘેરા મહેમાન બનેલા ગુરુદેવ સાથે દિવસનો મોટો ભાગ પસાર કરવા છતાં રાતે કે વહેલી સવારે એમને કાગળો લખતી. આવા એક પત્રમાં એ લખે છેઃ "તમારા આગમનના ઉલ્લાસે એવી તો ઉત્તેજના વ્યાપી છે કે રાતે હું જાગતી રહું છું અને દિવસે સપનાં જોયાં કરું છું. હરખની વર્ષાથી હૃદય ભરાઈ ગયું છે ને આશંકાથી ફફડી રહ્યું છે. મારો પ્રેમ એવો ગહન અને પાગલ છે, એવો સમજદાર ને નમ્ર છે કે તમારા માટે હું સાવ નકામી તો નહીં જ નીવડું. તમારા માટે કંઈક ને કંઈક કરતા રહેવું મને ગમે. તમે આવ્યા તે પહેલાં હું તમને ચાહતી હતી. તમે જશો પછી પણ તમને પ્રેમ કરતી રહીશ. એથી વિશેષ હું કરી પણ શું શકવાની?"

ટાગોર અને વિક્ટોરિયા વચ્ચેનો સંબંધ ફક્ત પ્લેટોનિક નહોતો. એક સીમારેખાની અંદર રહીને તેમાં શારીરિક અભિવ્યક્તિનું તત્ત્વ પણ સામેલ હતું. વિક્ટોરિયા સાથે ભેટો થયો તેનાં વીસ વર્ષ પહેલાં ગુરુદેવનાં પત્ની ગુજરી ચૂક્યાં હતાં. વિક્ટોરિયાનું લગ્નજીવન તૂટી ચૂક્યું હતું. ડિવોર્સ લેવામાં ધર્મ વચ્ચે આવી જતો હતો એટલે એ પતિથી અલગ ઘરમાં રહેતી હતી. ટાગોરની માફક વિક્ટોરિયા પણ ઉમરાવ પરિવારમાં જન્મી હતી. એ કેવળ ટાગોરની મુગ્ધ ચાહક ન હતી, એ વિદુષી હતી, લેખિકા હતી, ઉચ્છભ્રૂ સાહિત્યિક સામયિકની પ્રકાશક હતી. ક્રમશઃ તે પોતાના સમયની સૌથી નોંધપાત્ર લેટિન અમેરિકન મહિલા તરીકે ઉભરી.
એક કાગળમાં વિક્ટોરિયા કહે છેઃ "કોઈક માટેના અત્યંત તીવ્ર પ્રેમથી આપણે છલકાતા હોઈએ ત્યારે એ પ્રિયપાત્ર આપણા તરફ સ્નેહ વહાવતો હોય તોપણ તેના પ્રત્યે આપણે અંધ અને બધિર બની જઈએ તેમ બને. આપણા પોતાના સ્નેહભાવથી હૃદય એટલું બધું ભરાઈ ચૂક્યું હોય છે કે બીજાની લાગણી માટે જગ્યા રહેતી નથી. અન્યના પ્રેમની ઝંખનાનો અર્થ એટલો જ કે પ્રેમથી આપણે પૂરેપૂરા ભર્યાભર્યા નથી અને બાકી બચેલા ખાલીપાને ભરવા આપણે કોશિશ કરી રહ્યા છીએ. આપણી ખુદની પ્રીતિ પૂર્ણ હોય ત્યારે કશાયની જરૂર રહેતી નથી."
ટાગોર વિક્ટોરિયાને 'વિજયા' કહીને બોલાવતા. એક કાગળમાં ગુરુદેવે વિજયાને લખ્યું છેઃ "સંપૂર્ણ નમ્રતાથી જણાવું છું કે ઈશ્વરે મને જીવનના અનંત ચક્રમાં રઝળવા નથી મોકલ્યો, પણ એણે મને કોઈ ખાસ યોજના મુજબ મોકલ્યો છે, તેથી જ માનું છું કે તારો પ્રેમ કોઈક રીતે ઈશ્વરની યોજના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તારી મૈત્રી અણધારી જ આવી. મારા સાચા તત્ત્વને તું પામીશ અને મારા જીવનનો ગૂઢાર્થ તું સમજીશ ત્યારે એ મૈત્રી પૂર્ણરૂપે પામીશ. નવી મૈત્રી થાય ત્યારે મને દહેશત થાય છે, પણ હું નિયતિનો સ્વીકાર કરું છું. તારામાં પણ તે નિયતિ પૂર્ણપણે સ્વીકારવાની હામ હોય તો આપણે જીવનભર મિત્રો બની રહીશું." 
એવું જ થયું. ૮ જૂન, ૧૯૪૦ના પત્રમાં વિક્ટોરિયા ઓકામ્પો લખે છેઃ "વહાલા ગુરુદેવ, આખો દિવસ તમને અને આપણે સાથે ગાળેલા સુખી દિવસોને યાદ કરું છું." આના જવાબમાં એક મહિના પછી ટાગોર લખે છેઃ "આટલા લાંબા સમય પછી પણ તું મને યાદ કરે છે એ મારા તરફની તારી મીઠી લાગણી છે. નિકટતા બંધાઈ હોય એવા મિત્રો માટે હૃદય તલસે છે. સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ સ્મરણોનું મૂલ્ય વધતું જાય છે."

૭૯ વર્ષે જો પુરુષનું હૃદય તલસાટ અનુભવી શકતું હોય તો એ જરૂર ભાગ્યશાળી છે. સ્ત્રીનો, એમાંય ઉંમરમાં ઘણી નાની સ્ત્રીનો પ્રેમ પુરુષના ઈગો માટે ગજબનાક ટોનિકનું કામ કરે છે. આહ્લાદક તૃપ્તિથી તર-બતર રહેતો પૌરુષિક અહમ આદમીને વધારે જિવાડી નાખે એમાં કશું આશ્ચર્ય ખરું?               0 0 0

1 comment:

  1. very interesting article.
    Celebrities are also human being,
    They have their own feelings and emotions.
    It's very natural to love someone.

    -Gunvant Rajyaguru.

    ReplyDelete