Monday, May 6, 2013

મલ્ટિપ્લેક્સ : એકતા ક્પૂરમાં એવું તે શું છે?

Sandesh - Sanskaar - Sunday Supplement - 5 May 2013

મલ્ટિપ્લેક્સ 
સરખેસરખા આઠ-દસ ભેજાંબાજ માણસો સાથે મળીને કરે એટલું કામ એકલા હાથે કરવાનો સ્ટેમિના અને હાથમાં લીધેલાં કામ પાછળ પાગલની જેમ મચી પડવાની ભયાનક્ તાકાત એકતામાં છે. સાસ-બહૂ સિરિયલોને ગાળો આપવામાં એકતાની અસાધારણ કાર્યક્ષમતાની નોંધ લેવાનું ચૂકાઈ ગયું છે



હુ સહેલું હોય છે કોઈને ઉતારી પાડવું કે હસી કાઢવું. એમાંય એ માણસ સફળ હોય ત્યારે તો ખાસ. એ સકસેસફુલ વ્યક્તિ જો પરિચિત હોય યા તો પોતાનાં વર્તુળની હોય તો એની ઠેકડી ઉડાડતી વખતે એક પ્રકારની લઘુતાગ્રંથિ કે દ્વેષગ્રંથિ ડોકાઈ જતી હોય છે,પણ જો એ વ્યક્તિ જુદી જ દુનિયાની હોય કે સેલિબ્રિટી હોય ત્યારે દેખીતાં કે વ્યક્તિગત કારણ વગર લોકો એને ધીબેડી નાખતા હોય છે. એકતા કપૂરના કેસમાં આવું જ બન્યું છે. એકતા કપૂરે (કે બીજા કોઈએ) પ્રોડયુસ કરેલી સિરિયલોને ન ગમાડવી કે તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરવો એ કોઈ પણ દર્શકનો અધિકાર છે જ, પણ થયું છે એવું કે બાલાજીની હિરોઈનોના કપાળ પરના ચાંદલા અને એકનાં એક એક્સપ્રેશન્સને ગાળો દેવામાં લોકો એટલા બિઝી બિઝી થઈ ગયા કે એકતા કપૂરની વ્યક્તિ તરીકેની કાબેલિયત તરફ ધ્યાન આપવાની તસ્દી જ ન લીધી.
અત્યંત કઠિન છે ભારત જેવા વિરાટ દેશમાં ટીવી એન્ટરટેઈન્મેન્ટનાં સમીકરણો સપાટામાં બદલી નાખવાં. બહુ અઘરું છે ટેલિવિઝન જેવા અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રમાં દાયકા સુધી એકચક્રી શાસન કરવું. આજે કોઈ પ્રોડયુસરનો માંડ એકાદ શો ટીવી પર ચાલતો હોય તો પણ એનાથી પહોંચી વળાતું નથી. એ હાંફી જાય છે, ઘાંઘો થઈ જાય છે. કલ્પના કરો કે એક સમયે એકતાના આઠઆઠ-દસદસ ડેઈલી શોઝ જુદી જુદી ચેનલો પર ધમધમતા હતા, ઊંચા ટીઆરપી લાવતા હતા. એકતા એકલે હાથે પોતાના તમામ શોઝનું ક્રિએટિવ કામકાજ સંભાળતી હતી. આ શોઝની બૌદ્ધિક કક્ષા ઊંચી નહોતી એ બીજા-ત્રીજા નંબરની વાત થઈ. મુદ્દો એ છે કે આ શોઝ અત્યંત સફળ હતા, દેશના લાખો લોકોને એન્ટરટેઈન કરતા હતા. આટલી બધી સિરિયલોનાં ઢગલાબંધ પાત્રોના કંઈકેટલાય ટ્રેક્સ એકલા હાથે ચલાવવા માટે ગજબનાક સ્ટેમિના જોઈએ. સરખેસરખા આઠ-દસ ભેજાંબાજ માણસો સાથે મળીને કરે એટલું કામ એકતા એકલા હાથે કરતી રહી. આ એકસ્ટ્રા-ઓર્ડિનરી,રિપીટ, એકસ્ટ્રા-ઓર્ડિનરી વાત છે. એકતામાં રાત-દિવસની પરવા કર્યા વગર એક પાગલની જેમ એકધારા કામ કરતા રહેવાની ભયાનક તાકાત છે. એની મેડનેસમાં ચોક્કસ મેથડ કામ કરતી હોય છે. સાસ-બહૂ સિરિયલોને ગાળો આપવામાં એકતાની અસાધારણ કાર્યક્ષમતાની નોંધ લેવાનું ચુકાઈ ગયું.


ખેર, એકતાએ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેણે પોતાની જાતને એક જુદી ભ્રમણકક્ષામાં મૂકી દીધી છે. ટેલિવિઝન-ક્વીનનો ખિતાબ પામેલી એકતા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નિશ્ચિત સ્થાન બનાવવા માગે છે. શરૂઆતમાં ટીવી પ્રોડયુસર તરીકેની સફળતા ઊલટાની તેના માટે અવરોધરૂપ બની રહી. બોલિવૂડના લોકોએ લગભગ એવું જ માની લીધું કે એકતાને સાડીઓ અને જ્વેલરીમાં ખબર પડે, બહુ બહુ તો એ માથામેળ વગરના ફેમિલી ડ્રામા કરી જાણે, એને સિનેમામાં શું સમજ પડે? બાલાજીની પ્રારંભિક ફિલ્મો ('કૃષ્ણા કોટેજ', 'શઅઅઅ...' વગેરે) તદ્દન નબળી અને નગણ્ય પુરવાર થઈ એટલે એકતાને સિરિયસલી ન લેવાનું બોલિવૂડવાળાઓ માટે આસાન થઈ ગયું હતું. ફિલ્મી પરિવારનું ફરજંદ હોવાને લીધે એનાં કનેક્શન ખૂબ સારાં. હીરોલોગ પ્રોત્સાહન ખૂબ આપે, 'ના ના, તારે ફિલ્મો કરવી જ જોઈએ' એવું બોલેય ખરા, પણ એકતા ફિલ્મની ઓફર લઈને જાય તો આડાઅવળાં બહાનાં ધરીને ના પાડી દે. બોલિવૂડની 'બિગ બોય્ઝ ક્લબ'માં ઘૂસવું અઘરું પડી રહ્યું હતું એટલે એકતાએ 'ઓયે લકી! લકી ઓયે' અને 'ખોસલા કા ઘોંસલા' જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર દિબાકર બેનર્જી સાથે હાથ મિલાવીને 'લવ, સેક્સ ઔર ધૌખા' જેવી સાચા અર્થમાં હટકે કહી શકાય એવી ફિલ્મ બનાવી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકતાની ચડતી કળા આ ફિલ્મથી શરૂ થઈ.
જોકે, 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'નું કાસ્ટિંગમાં કરવામાં એકતાને તોય બહુ વાર લાગી હતી. સદ્ભાગ્યે એંસીના દાયકા જેવી સોલિડ ડાયલોગબાજી ધરાવતી આ ગેંગસ્ટર મૂવિ બોક્સઓફિસ પર હિટ થઈ. એકતાનો કોન્ફિડન્સ વધ્યો. તે પછી આવી 'ધ ડર્ટી પિક્ચર'. આ પ્રોજેક્ટ તો ઔર ચેલેન્જિંગ હતો. ઉત્સાહી સલાહકારોએ એકતાને ચેતવી હતીઃ એકતા, હિરોઈન-સેન્ટ્રિક ફિલ્મ બનાવવાનું રહેવા દે, ઊંધા મોંએ પછડાઈશ, પણ એકતાનું કન્વિક્શન મજબૂત હતું. 'ધ ડર્ટી પિક્ચર' બની અને આ ફિલ્મે બોલિવૂડમાં છાકો પાડી દીધો. આવા જોખમી વિષય પર સરસ ફિલ્મ બનાવવા બદલ એકતાને શાબાશી પણ મળી. 'વન્સ અપોન...' અને 'ધ ડર્ટી પિક્ચર'ની બેક-ટુ-બેક સફળતાને કારણે બોલિવૂડના બંધુઓએ એકતાને ફિલ્મ પ્રોડયુસર તરીકે ગંભીરતાથી લેવાનું આખરે શરૂ કરવું જ પડયું. ત્યારબાદ આવી 'એક થી ડાયન' અને હવે 'શૂટઆઉટ એટ વડાલા' રિલીઝ થઈ છે. એ પછીની ફિલ્મો પણ ઈન્ટ્રેસ્ટિંગ છે - 'લૂટેરા' (જેમાં અનુરાગ કશ્યપ કો-પ્રોડયુસર છે અને સુપર ટેલેન્ટેડ આદિત્ય મોટવાણેએ ફિલ્મ ડિરેક્ટ કરી છે), 'શાદી કે સાઈડ ઈફેક્ટસ પાર્ટ ટુ' (જેમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તરની ધમાકેદાર જોડી છે), 'વન્સ અપોન અ ટાઈમ પાર્ટ ટુ', 'રાગિણી એમએમએસ પાર્ટ ટુ' વગેરે.


"જુઓ, ટેલિવિઝન પર બાલાજીની મોનોપોલી ખતમ થઈ ગઈ હતી. અમારું પ્રોફિટ માર્જિન ઘટી ગયું હતું. કોઈ પણ નિર્માતાને આ ન જ પરવડે," એક ગ્લોસી મેગેઝિનને આપેલી મુલાકાતમાં એકતા કહે છે, "મારે મારી કંપનીમાં વેલ્યુ એડિશન કરવું જ પડે. તેથી મેં ફિલ્મોમાં ઝંપલાવ્યું. સાચું પૂછો તો ફિલ્મોમાં હું છેલ્લાં ત્રણ વર્ષથી જ પૂરેપૂરી ઈન્વોલ્વ્ડ છંું. મોટા પડદા પર પોઝિશન બનાવવા મારે મારું સર્વશ્રેષ્ઠ આપી છૂટવું છે. સિરિયલોમાં મને ઘણી મર્યાદાઓ નડતી હતી. ટીવી પર અમુક જ વસ્તુઓ બતાવી શકાય. અમુક બાબતોથી દૂર જ રહેવું પડે. ફિલ્મોમાં આવું કોઈ બંધન નડતું નથી."
તેથી જ સિરિયલોમાં હિરોઈનોને પગથી માથા સુધી ઢાંકી રાખીને પારિવારિક મૂલ્યોની વાતો કરતી એકતા ફિલ્મોમાં તદ્દન વિરુદ્ધ અંતિમ પર ઊભી રહીને સેક્સ, ક્રાઈમ અને હોરર જેવાં તત્ત્વોને એક્સપ્લોર કરી રહી છે. 'વન્સ અપોન...' અને 'ધ ડર્ટી પિક્ચર'જેવી પાવરફુલ ફિલ્મોની સાથે સાથે એણે 'ક્યા કૂલ હૈ હમ' જેવી વાહિયાત સેક્સ-કોમેડી બનાવીને દાટ પણ વાળ્યો છે. એના પ્રોજેક્ટસ જોકે દર વખતે ટિપિકલ કમર્શિયલ નથી હોતા. જેમ કે, 'ધ ડર્ટી પિક્ચર' ભયાનક રીતે ફ્લોપ જઈ શકી હોત.

 એકતા કહે છે,"એમ તો હું સ્માર્ટ પ્રોડયુસર છું. હું ત્રણ પ્રોજેક્ટસ એવા પસંદ કરીશ જેમાં મને પ્રોફિટ થાય કે જેથી ચોથા પ્રોજેક્ટ તરીકે ઓફબીટ ફિલ્મ બનાવી શકું. જોરદાર પેશન હોય એ જ કામ કરવું જોઈએ તે બરાબર છે, પણ સાથે સાથે પૈસા પણ જોઈએને! એકલા પેશનના સહારે જીવી શકાતું નથી. તમે બે-ત્રણ ગણી મહેનત કરો તો જ વચ્ચે વચ્ચે તમારું પેશન સંતોષાય એવા પ્રોજેક્ટસ હાથમાં લઈ શકો."
એકતાના ભયાનક ક્રોધી સ્વભાવ વિશે જાતજાતની વાત સંભળાય છે. એક બોસ તરીકે એ એક નંબરની ત્રાસવાદણ છે એવું પણ કહેવાય છે. હકીકત એ છે કે આ બધી જ વાતો સાચી છે!

 'પણ છેલ્લાં બે વર્ષમાં મારા સ્વભાવમાં ૭૦ ટકા જેટલો સુધારો થઈ ગયો છે." એકતા હસે છે, "ક્રોધી સ્વભાવનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે તમે ખોટા ન હો તો પણ તમારા વર્તાવને લીધે લોકો સામે ખોટા દેખાઓ છો. ગુસ્સાથી ફાટી પડવું એ એક પ્રકારની લાચારી અને અસહાયતાની નિશાની છે. એના કરતાં ચતુરાઈથી કામ શું કામ ન લેવું."
ચાલો, મોડું તો મોડું એકતાને બ્રહ્મજ્ઞાન લાધ્યું ખરું. એકતાના વ્યક્તિત્વમાં ખરેખર સમતા આવી હશે તો બોલિવૂડમાં ધાર્યાં નિશાન પાર પાડવાના ચાન્સ ઔર વધી જવાના.
શો-સ્ટોપર

શાહરૂખ ખાનમાં કશુંક તો અત્યંત પાવરફુલ કહી શકાય એવું તત્ત્વ હોવાનું જ. તો જ એ આજે જે પોઝિશન પર છે ત્યાં પહોંચ્યો હોયને! 

- અમિતાભ બચ્ચન 

No comments:

Post a Comment