Monday, July 16, 2012

બૉસ કેવી રીતે બનશો?


 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૨ 

કોલમઃ વાંચવા જેવું 

                                                                                                           

‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ આ બે શબ્દો એકસાથે સાંભળો. શક્ય છે કે આ શબ્દોને કારણે તમારા મનમાં અૌપચારિકતાના બોજવાળું એક શુષ્ક વર્તુળ રચાઈ જાય. આ ઈમેજ જોકે છેતરામણી છે. મેનેજમેન્ટ એટલે માત્ર એમબીએની ડિગ્રી કે સોગિયા મોઢાવાળા સુટેડબુટેડ સાહેબો કે કોર્પોરેટ મિટીંગ્સમાં ફેંકાતા અઘરા અઘરા શબ્દોની માયાજાળ નહીં, પ્લીઝ. ‘ધ બૉસ’ પુસ્તકમાંથી પસાર થશો એટલે સ્પષ્ટ થતું જશે કે ‘મેનેજમેન્ટ’ અને ‘લીડરશીપ’ શબ્દોનું વર્તુળ તો ખૂબ મોટું છે. લેખકો કહે છે તેમ, મેનેજમેન્ટ એ કોઈ વિષયનું નામ નથી. એ એક જીવનશૈલીનું, એક મિજાજનું કે એક સ્પિરિટનું નામ છે. ગુણવંત શાહે જુદાં જુદાં પ્રકાશનોમાં લખેલા તેંત્રીસ જેટલા લેખોના આ સંગ્રહમાં મેનેજમેન્ટનો એ સ્પિરિટ ફક્કડ રીતે ઝીલાયો છે.

બૉસ હોવું એટલે શું? ગુણવંત શાહ કહે છે કે બૉસ હોવું એટલે લીડર હોવું. બૉસ હોવું એટલે પહેલ કરનારા હોવું. બૉસ હોવું એટલે નિર્ણય લેનારા હોવું. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના શોર્ટ ફોર્મનો ખરો મર્મ શો છે? ‘સી’ એટલે કોન્ફિડન્સ, ‘ઈ’ એટલે એફિશિયન્સી (કાર્યક્ષમતા) અને ‘ઓ’ એટલે ઓર્ગેનાઈઝડ બિહેવિયર (વર્તનવ્યવસ્થા)!

જે -તે કંપનીના બૉસ કે સીઈઓએ મેનેજમેન્ટના માસ્ટર બનવું પડે. લેખક મેનેજમેન્ટનું સૌથી મહત્ત્વનું સૂત્ર ગીતામાંથી શોધી કાઢે છે.  કૃષ્ણ અર્જુનને કહે છે, ‘યોગઃ કર્મસુ કૌસલમ’. અર્થાત, કર્મની કુશળતા એ યોગ છે. ગીતામાં એક ઑર સૂત્ર પણ છેઃ ‘સમત્વં યોગ ઉચ્યતે’. સમત્વ જાળવી શકતો બૉસ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડગતો નથી. ઓફિસની અડધી સમસ્યા તો બોસના આત્મવિશ્વાસને કારણે ઊભી થતી અટકી જાય છે. બૉસના આત્મવિશ્વાસની અસર છેક પટાવાળા સુધી પહોંચતી હોય છે.



બોસ પ્રભાવશાળી હોય એ જરૂરી છે. લેખક કહે છે કે પ્રભાવહીન બોસ પોતાની સંસ્થાને ભારે નુક્સાન પહોંચાડી શકે છે. ગરીબી દૂર કરવી હોય તો ગરીબડા બૉસને દૂર કરવો પડે. નાની નાની લુચ્ચાઈ બૉસની શોભા ઘટાડે છે. સહકાર્યકર્તાઓને ખબર પડી જાય છે કે સાહેબ ભરોસાપાત્ર નથી. આવું બને ત્યારે સમગ્ર કંપનીનો જસો યા તો સ્પિરિટ ઓછો થાય છે. પોતાના જુનિયર્સનો આદર ક્યારેય સહેલાઈથી મળતો નથી. જૂઠા અને લુચ્ચા બૉસની પર્સનાલિટી નિવૃત્તિ પછી ઓફિસ છૂટી જાય ત્યારે ખાલી કોથળા જેવી થઈ જતી હોય છે. વટ અને પ્રભાવમાં ફર્ક છે. હોદ્દાનો વટ પડે છેે, જ્યારે ચારિત્ર્યનો પ્રભાવ પડે છે. વડાપ્રધાનનો વટ પડે, જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ પડે છે. વટ કરતાં પ્રભાવનું આયુષ્ય લાંબું હોય છે. બોસ નિવૃત્ત થાય ત્યારે વટ ખતમ થાય છે, પણ પ્રભાવ ખતમ થતો નથી.

ગુણવંત શાહ જેવા ચિંતક મેનેજમેન્ટના વિષય પર લખે ત્યારે મજા એ વાતની હોય છે કે લખાણમાં મેનેજમેન્ટની થિયરીઓની સાથે સાથે રામાયણ અને મહાભારતની વાતોની પણ રેલમછેમ હોય છે! આ રહ્યું એક ઑર દષ્ટાંત. એક જગ્યાએ એમણે લખ્યું છેઃ

‘વાલ્મીકિ રામાયણમાં દશરથના સિનિયર-મોસ્ટ પ્રધાન સુમન્ત્રને માટે ‘ત્વરિતવિક્રમઃ’ વિશેષણ પ્રયોજાયું છે. જે વ્યક્તિ કામનો ઝટ નિકાલ લાવવાનું પરાક્રમ ધરાવે તે ‘ત્વરિતવિક્રમ’ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ આવા સમર્થ શાસક હતા. આવી જ કાર્યક્ષમતા મોરારજીભાઈ દેસાઈમાં પણ હતી. સમર્થ મેનેજર નિર્ણય લીધા પછી એનો અમલ કરવામાં વિલંબ કરતો નથી.’

લોર્ડ માઉન્ટબેટન માનતા હતા કે આઝાદી મળ્યા પછી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનતા પંદર વર્ષ લાગી જશે, પણ સરદારે આ ચમત્કાર દસબાર મહિનામાં કરી બતાવ્યો! મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ જ નહીં, પણ સૌ કોઈએ સરદારની શાસનશૈલીનાં નીચેનાં ચાર લક્ષણોને આત્મસાત કરવાં જેવાં છેઃ (૧) વેધક દષ્ટિએ પરિસ્થિતિનો કાર્ડિયોગ્રામ મેળવી લેવો. (૨) બધો વિચાર કર્યા પછી પૂરી મક્કમતાથી સમસ્યાનો ઉકેલ અંગે નિર્ણય લેવો. (૩) નિર્ણય લેવાઈ જાય પછી કોઈ પણ જાતની અવઢવ વિના એ નિર્ણયને પાર પાડવા માટે શક્તિનું છેલ્લું ટીપું વાપરી નાખવું. (૪) આમ કરતી વખતે દેશના (એટલે કે સામૂહિક) હિતનો જ વિચાર કરવો અને ક્યાંય વ્યક્તિગત સ્વાર્થ વચ્ચે આવવા દેવો નહીં.

કંપનીમાં ખરો વહીવટકર્તા કોણ ગણાય? લેખક કહે છે કે પ્રત્યેક ‘જ્ઞાન-કારીગર’ આજની કંપનીમાં વહીવટકર્તા છે. સેનાપતિ પાયાની વ્યૂહરચના સમજાવી શકે, પરંતુ પળ પળના નિર્ણયો જેતે સિપાઈએ જાતે જ લેવા પડે છે. આજની ‘જ્ઞાન કંપની’ઓમાં પ્રત્યેક નિર્ણયકર્તા  એક ‘વહીવટકર્તા’ જ છે.

Narayan Murthy: Climbing to the top!


પુસ્તકમાં મૂકાયેલાં નાનામોટા ચિક્કાર ફીલર્સ તો મુખ્ય લેખો કરતાંય ચોટદાર છે. પુસ્તકમાં એક તરફ મનોવિજ્ઞાની અબ્રાહમ મેસ્લોની સેલ્ફએક્ચ્યુલાઈઝેશનની સમજૂતી છે તો બીજી બાજુ ભગવાન બુદ્ધના ચાર આર્યસત્યો છે. અહીં માર્કેટિંગ પણ છે અને મહંમદ પણ છે. ‘ઈન્ફોસિસ’ના ફાઉન્ડર નારાયણ મૂર્તિ અને કોફાઉન્ડર નંદન નિલકાનીનાં યાદગાર પ્રવચનોને ય અહીં સ્થાન મળ્યું છે. નારાયણ મૂર્તિ કહે છે કે એમની સફળતાના પાયામાં આ ચાર ચીજો છેઃ જીવનના અનુભવોમાંથી મળતી શીખ, વિકાસશીલ માનસિકતા, ઓચિંતી બનતી આકસ્મિક ઘટનાઓ (ચાન્સ ઈવેન્ટ્સ) અને ‘સ્વ’ અંગે વિચારવાની ટેવ.

અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા પોતાના લેખોને સંગ્રહરૂપે બહાર પાડતી વખતે સહેજ પણ એડિટ કરવાની તસ્દી ન લેતા આળસુ લેખકોએ આ પુસ્તકમાંથી ઘણું શીખવાનું છે. મનીષા મનીષે અહીં લેખો બેઠ્ઠા છાપી નથી નાખ્યા, બલકે ફૂટનોટ્સ તેમજ પૂરક નોંધો વડે એને અપડેટ કર્યા છે અને આખા પુસ્તકની સૂઝપૂર્વક ગૂંથણી કરી છે.

સીધીસાદી ગૃહિણીથી માંડીને પાંચસો માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીના માલિક સુધીના સૌને અપીલ કરી શકે એટલું પાવરફુલ પુસ્તક.                                               ૦ ૦ ૦


ધ બૉસ


લેખકોઃ ગુણવંત શાહ  - મનીષા મનીષ
પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
કિંમતઃ  રૂ. ૨૫૦ /  
પૃષ્ઠઃ  ૨૪૪

No comments:

Post a Comment