Tuesday, November 29, 2011

સિલ્ક સ્મિતાઃ ધ ડર્ટી હિરોઈન

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૨૭ નવેમ્બર ૨૦૧૧


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મોત જિંદગીને બહુ આકર્ષક બનાવી દે છે. સોફ્ટ પોર્ન હિરોઈન તરીકે વર્ષો સુધી વગોવાયેલી સિલ્ક સ્મિતાનું જીવન અને મૃત્યુ બન્ને ઘટનાપ્રચૂર હતાં.


પણા સૌની ફેવરિટ ફિલ્મ ‘સદમા’માં કમલ હસન અને શ્રીદેવી ઉપરાંત એક ઑર પાત્ર પણ હતું જે આપણને યાદ રહી ગયું છે. તે હતું, કમલ હસન જેમાં ભણાવે છે તે સ્કૂલના પ્રિન્સિપાલની પત્નીનું કિરદાર. તે કામુકતાથી છલકાય છે અને કમલ હસનને કાચેકાચો ખાઈ જવા માગતી હોય એટલી હદે એ વિહ્વળ થઈ ચૂકી છે. કમલ હસન એની ઉપેક્ષા કરે છે. એના જીવનમાં એક સ્ત્રી આવી છે શ્રીદેવી. કમાલનો વિરોધાભાસ છે. શ્રીદેવી પાસે યુવાન સ્ત્રીનું ભર્યુ ભર્યુ શરીર છે, પણ પોતાની સેક્સ્યુઆલિટીથી તે બિલકુલ અજાણ છે અને તેનું મન વર્તન નાની બાળકી જેવાં નિર્દોષ છે. સામે પક્ષે, પ્રિન્સિપાલની અૌરત છે જેનું ચિત્ત સતત વાસનાથી ખદબદતું રહે છે. ‘સદમા’માં શ્રીદેવીનું પાત્ર યાદગાર બની શક્યું છે તેનું એક કારણ આ અૌરતનું કિરદાર પણ છે. તેની નિરંકુશ હવસને લીધે, તેના કોન્ટ્રાસ્ટમાં, શ્રીદેવીની માસુમિયત વધારે તીવ્રતાથી ઊપસી છે.


Sadma : Kamal Hasan with Shreedevi  (above) and Silk Smita (below)


આ કામુક માદાનું પાત્ર ભજવ્યું હતું સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ સિલ્ક સ્મિતાએ. અણધાર્યું મોત બડી કમાલની ચીજ છે. દક્ષિણ ભારતમાં વર્ષો સુધી સુપરસ્ટાર જેવો દબદબો અનુભવ્યા પછી એક દિવસ સિલ્ક સ્મિતાનો પાંત્રીસ વર્ષનો નિષ્પ્રાણ દેહ સિલીંગ ફેન પર લટકતો મળી આવ્યો. રહસ્યના આવરણમાં વીંટળાયેલું અસ્પષ્ટ મૃત્યુ અદાકારલેખકગાયકચિત્રકારના જીવનને બહુ આકર્ષક બનાવી દે છે! તેથી જ ‘સોફ્ટ પોર્ન હિરોઈન’ તરીકે વર્ષો સુધી વગોવાયેલી રહેલી સિલ્ક સ્મિતાના જીવન પરથી એકતા કપૂરે ‘ધ ડર્ટી પિક્ચર’ નામની ફિલ્મ બનાવી છે, જે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે.



ચરબીથી લથપથતું કાળું શરીર, આંખોમાં આમંત્રણ અને દાંત વચ્ચે દબાતા હોઠ સિલ્ક સ્મિતાનો આ ટ્રેડમાર્ક લૂક હતો. ઓડિયન્સ ઉશ્કેરાઈ જાય અને સેન્સર બોર્ડને પરસેવો છૂટી જાય એટલી હદે શરીર બતાવીને ફિલ્મમાં કામુકતાનો ડોઝ ઉમેરવાની કળામાં સિલ્ક એ માહેર હતી. ૧૯૮૦ના દાયકામાં સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં સિલ્ક સ્મિતાની જોરદાર ડિમાન્ડ ફાટી નીકળી હતી. દસ વર્ષના ગાળામાં સિલ્ક સ્મિતાએ પાંચસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું. એક તબક્કો એવો આવેલો કે જ્યારે લગભગ ૯૦ ટકા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં એ દેખાતી. સિલ્ક સ્મિતાનું નામ ફિલ્મી ભાષામાં એમ.આર. એટલે કે મિનિમમ ગેરેંટી ગણાતું સિલ્કને સાઈન કરો એટલે એટલે ફિલ્મ બનાવવાનો ખર્ચો તો નીકળી જ જાય! વર્ષો સુધી ડબ્બામાં પૂરાઈ રહેલી ફિલ્મોમાં એનું એક સેક્સી ગીત ઉમેરી દેવાથી ફિલ્મ વેચાઈ જતી. એક ગીત શૂટ કરતાં એને માત્ર બે દિવસ લાગતા. સિલ્ક સ્મિતાનું નામ એવું ચલણી બની ગયું હતું કે ફિલ્મમેકરો નવીસવી છોકરીઓને વેમ્પના રોલમાં કાસ્ટ કરીને એમને કાપડનાં નામ આપવા માંડ્યા હતા નાયલોન નંદિની, જ્યોર્જેટ ગંગા વગેરે. જોકે સિલ્ક સિવાયનું બીજું એકેય વસ્ત્ર હિટ ન થયું તે અલગ વાત છે!



કે. બાલાચંદર અને ભાગ્યરાજ જેવા અમુક સારા માંહ્યલા ગણાતા ત્રણચાર ડિરેક્ટરો જોકે નાકનું ટિચકું ચડાવીને કહેતાઃ કોઈ આત્મસન્માની ડિરેક્ટર સિલ્ક સ્મિતા જેવી ચીપ એકટ્રેસને સાઈન ન કરે.... અમારા એવા ખરાબ દિવસો નથી આવ્યા કે અમારે સિલ્ક સ્મિતાના નામથી ફિલ્મો ચલાવવી પડે! ઈવન રજનીકાંતે પણ એકવાર કંટાળીને કમેન્ટ કરેલી કે બસ, બહુ થયું... હજુ કેટલી ફિલ્મોમાં સિલ્ક સ્મિતા અડધી ઉઘાડી થઈને મારી આસપાસ નાચ્યા કરશે!



સિલ્ક સ્મિતા પોતાના સ્ટારપાવરથી પૂરેપૂરી સભાન હતી. એકવાર શિવાજી ગણેશન જેવા સિનિયર એક્ટર સેટ પર આવ્યા. બધા એમને માન આપવા ઊભા થઈ ગયા, પણ સિલ્ક સ્મિતા ગુમાનથી બેઠી રહી. ડિરેક્ટરે એને ઈશારો કરીને ઊભા થવા કહ્યું તો એ શિવાજી ગણેશનને સંભળાય તે રીતે બોલીઃ ‘મારું કામ ડાન્સ કરવાનું છે. લોકો તો સેટ પર આવજા કર્યા કરે, હું ક્યાં સુધી ઊઠબેસ કર્યા કરીશ?’ ડિરેક્ટર અને ગણેશન બન્ને છોભીલા પડી ગયા. સિલ્કને લોકોને આંચકા આપવામાં બહુ મજા આવતી. હિરોઈનો અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને શૂટિંગ કરતી હોય ત્યારે બે શોટની વચ્ચે એ ગાઉન પહેરીને શરીર ઢાંકી લેતી હોય છે, પણ સિલ્ક સ્મિતા આવું કરવાની તસ્દી લે? એ તો બિન્દાસપણે એ જ કપડાંમાં સેટ પર મુલાકાતીઓને મળતી અને ઈવન પત્રકારોને ઈન્ટરવ્યુ આપવા પણ બેસી જતી. પત્રકારો બાપડા શરમથી પાણી પાણી થઈ જતા. એક વાર સિલ્ક સ્મિતાએ કહેલુંઃ મારે સેન્સર બોર્ડના ચેરમેન સાથે લગ્ન કરી લેવાં છે કે જેથી મારી ફિલ્મો એક પણ કટ વગર પાસ થઈ જાય! આ સ્ટેટમેન્ટ પછી એટલો વિવાદ થયો કે પ્રોડ્યુસરે સેન્સર બોર્ડની લિખિત માફી માગવી પડી હતી.



સિલ્ક કહેતી, ‘આજે આ પ્રોડ્યુસરો મારી આગળપાછળ ફરે છે, પણ કાલે હું બુઢી થઈશ અને મરણપથારીએ પડી હોઈશ ત્યારે આમાંનું કોઈ મારો હાથ ઝાલવાનો નથી. આજે પ્રેસવાળા મને ચીપ... ચીપ કહીને વગોવે છે, પણ હું કામ કરવાનું બંધ કરીશ તો શું ફિલ્મોમાંથી વલ્ગારિટી ગાયબ થઈ જવાની છે? માય ફૂટ! આજે હું ના પાડીશ તો મારી જગ્યા લેવા ડઝનબંધ છોકરીઓ તૈયાર ઊભી છે, જે મારા કરતાંય વધારે અંગપ્રદર્શન કરશે. મારે મારા પરિવારનું પેટ ભરવાનું છે. આજે મારો સિતારો ચમકે છે ત્યારે હું મારું ભવિષ્ય સિક્યોર કરી લેવા માગતી હોઉં તો તેમાં ખોટું શું છે?’



દુર્ભાગ્યે સિલ્ક સ્મિતાનું ભવિષ્ય કદી આવ્યું જ નહીં. ગ્લેમર ગર્લ તરીકે વળતા પાણી શરૂ થયા એટલે સિલ્ક ખુદ પ્રોડ્યુસર બની, પણ ફિલ્મો ફ્લોપ થતાં જીવનભરની કમાણી ધોવાઈ ગઈ. સંબંધોમાં પણ એ નિભ્રરન્ત થઈ ચૂકી હતી. કદાચ આ બધાં પરિબળો એનું જીવન ટૂંકાવાનાં કારણો બન્યાં.



એક ફિલ્મ બનાવવા માટેનો પૂરો મસાલો સિલ્કના જીવન અને મૃત્યુમાં છે. વિદ્યા બાલન કાબેલ અભિનેત્રી છે. ‘ધ ડર્ટી પિક્ચર’માં એ અને ડિરેક્ટર મિલન લુથરિયા સિલ્ક સ્મિતાને કેવી રીતે ઊપસાવે તે જોવાની મજા આવશે.



શો સ્ટોપર


‘ધ ડર્ટી પિક્ચર’ના પ્રોમો દેખાડવાના શરૂ થયા ત્યારે મને મમ્મીપપ્પાની સાથે બેસીને ટીવી જોવાનું બહુ ઓકવર્ડ લાગતું હતું.


- વિદ્યા બાલન

Wednesday, November 23, 2011

ગુજરાતી રાક્ષસ ગોવામાં

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 20 November 2011


સ્લગઃ મલ્ટિપ્લેક્સ

મૂર્ધન્ય ગુજરાતી સાહિત્યકારની નવલિકા, મુંબઈના ઊભરતા ફિલ્મમેકરે તેના પરથી બનાવેલી ગુજરાતી ફિલ્મ, ગોવાનો ફેસ્ટિવલ અને દુનિયાભરની ફિલ્મોની વચ્ચે તેનું સ્ક્રીનિંગ... કોમ્બિનેશન ખરેખર મજાનું છે!





સૌથી પહેલાં તો દસેક વર્ષની એક ગ્રામ્ય કિશોરીનું આ વર્ણન વાંચોઃ



‘એની આંખો જ જાણે પગમાં હતી. એક ક્ષણની પણ અનિશ્ચિતતા વિના એ મને દોરી જતી હતી. ઘડીમાં એ એની કાયાને સંકેલીને નાના દડા જેવી બનાવીને ઢાળ પરથી દડી જતી તો ઘડીમાં ઊડપંખ સાપની જેમ એ કૂદતી કૂદતી આગળ વધતી... ઝાડની ભુલભુલામણીઓમાંથી એ સાપની જેમ સરી જાય... તરાપ મારતા ચિત્તાની સાવધાની ને ચપળતા ને સાથે પતંગિયાની નાજુકાઈ... ગામને સીમાડે અડીને રહેલા વનને એ રજેરજ જાણતી.’




Suresh Joshi
 ગુજરાતી સાહિત્યજગતમાં ટ્રેન્ડસેટર તરીકે ઊંચી પ્રતિષ્ઠા પામેલા સુરેશ જોષી (જન્મઃ ૧૯૨૧, મૃત્યુઃ ૧૯૮૬)ની નવલિકા ‘રાક્ષસ’નો આ એક નાનકડો અંશ છે. આ કોલમમાં સુરેશ જોષીને યાદ કરવાનું ખાસ કારણ છે અને તે એ કે ‘રાક્ષસ’ પરથી એક ફિલ્મ બની છે, જે ૨૩ તારીખથી ગોવામાં શરૂ થઈ રહેલા દસ દિવસીય ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)માં પ્રદર્શિત થવાની છે. આ, અલબત્ત, ફુલલેન્થ ફીચર ફિલ્મ નહીં પણ ટૂંકી વાર્તા પરથી બનેલી શોર્ટ ફિલ્મ છે અને તે બનાવી છે ઊભરતા ફિલ્મમેકર આલોક નાયકે.



૩૪ વર્ષના આ મુંબઈવાસી યુવાને પોતાની ફિલ્મ માટે જે વાર્તાની પસંદગી કરી છે તે ખરેખર ધ્યાન ખેંચે એવી છે. એક ભલીભોળી ચંચળ ક્ન્યા એની જ ઉંમરના કિશોરનો હાથ ઝાલીમાં જંગલમાં ખેંચી જાય છે અને વાંચક સામે વિસ્મયની એક અજાયબ દુનિયા ખૂલી જાય છે. કુદરતનાં આશીર્વાદ પામેલું આ જંગલ કન્યા માટે પોતાનાં ઘર જેટલું પરિચિત છે. અહીં સાત આમલીના ઝુંડવાળો રાક્ષસ છે, મંછી ડાકણનો ધરો છે, પશુ-પક્ષી-કીટકોના જાતજાતના અવાજો છે, તરંગની જેમ વિસ્તરતી અદભુત હરીયાળી છે. વર્ષો પછી યુવાન બની ગયેલો પેલો છોકરો એક હોસ્પિટલમાં જાય છે. નાચતાંગાતાં પતંગિયાં જેવી પેલી છોકરી મરવા પડી છે. તે યુવાનનો હાથ પોતાના હાથમાં લે છે અને આંગળીથી એની હથેળી પર લખે છેઃ ‘રાક્ષસ’. આ બિંદુ પર વાર્તા પૂરી થાય છે.

Alok Naik


સુરેશ જોષીની નવલિકા જેટલી સુંદર છે એટલી કઠિન પણ છે. તે વાચકની સજ્જતાની કસોટી કરે છે. વાર્તાનું સ્વરૂપ ઑપન-એન્ડેડ છે. વાચકે પોતાની સંવેદનશીલતા અને સમજ પ્રમાણે તેનું અર્થઘટન કરી લેવાનું છે. આલોક નાયક આ વાર્તાને કઈ રીતે પામ્યા છે? ‘હું નાની કિશોરીને પ્રકૃતિનું પ્રતીક ગણું છું,’ ચાર દિવસ પહેલાં જ એક સિનેમેટિક અસાઈન્મેન્ટ પતાવીને ગ્રાીસથી પાછા ફરેલા આલોક કહે છે, ‘વાર્તાનો નાયક મારી દષ્ટિએ મનુષ્યજાતનું પ્રતિનિધિત્વ કરે છે. એક સમયે માણસ પ્રકૃતિનો જ એક હિસ્સો હતો, પણ જેમ જેમ તે આધુનિક બનતો ગયો તેમ તેમ પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે સંવેદનહીન બનતો ગયો. માણસના અવિચારીપણાને કારણે પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. બેફામ અર્બનાઈઝેશનને કારણે પ્રકૃતિ અને નિદોર્ષતાનું જે હનન થઈ રહ્યું છે તેને અટકાવવામાં આપણે ઓલરેડી બહુ મોડું કરી નાખ્યું છે? કે પછી, હજુય થોડીઘણી આશા બચી છે? મારી ફિલ્મમાં મેં આ સવાલો ઉઠાવવાની કોશિશ કરી છે.’



કોરિયોગ્રાફર તરીકે કરીઅરની શરૂઆત કરનાર આલોકે ચેન્નાઈની એક ફિલ્મ એકેડેમીમાંથી ફિલ્મ ડિરેક્શનનો કોર્સ કર્યો છે. એની ૧૨ મિનિટની ‘મલ્લિકા’ નામની શોર્ટ ફિલ્મ જર્મની, દિલ્હી, ગોવા અને મુંબઈના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સિલેક્ટ થઈ હતી. ‘રાક્ષસ’ એમની બીજી શોર્ટ ફ્લ્મિ છે. વડોદરાથી ૧૧૦ કિલોમીટરના અંતરે આવેલા તેજગઢ નજીકનાં જંગલમાં આલોકે આ ફિલ્મ શૂટ કરી છે. અમુક દશ્યોમાં સૂઝપૂર્વક અજમાવાયેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ ખાસ ધ્યાન ખેંચે છે. ૨૧ મિનિટની લંબાઈ ધરાવતી ‘રાક્ષસ’ની ભાષા ગુજરાતી છે અને નીચે અંગ્રેજીમાં સબટાઈટલ્સ આવતા રહે છે. આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ મજાની છે. સહેજે સવાલ થાય કે ફિલ્મમેકર બનવા માગતા ઉત્સાહી યંગસ્ટર્સ માટે કોઈ ફિલ્મ એકેડેમીની તાલીમ અને આ પ્રકારની શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ ખરેખર કેટલો ઉપયોગી થતો હોય છે?





આલોક કહે છે, ‘એ સાચું છે કે હોમવિડીયોની કક્ષાની સાવ નબળી શોર્ટ ફિલ્મ્સ પણ બનતી હોય છે અને એનું સ્ક્રીનિંગ પણ થયું હોય છે, પણ ફિલ્મમેકર બનવાનું સપનું જોનારા પોતાની રીતે શોર્ટ ફિલ્મ બનાવવાની કોશિશ કરે તે સારું જ છે, કારણ કે તેમને સમજાવા માંડે છે કે નાની અમથી ફિલ્મ બનાવવાનું કામ પણ કેટલું કડાકૂટભર્યુ હોઈ શકે છે! માત્ર ફિલ્મોના ગ્લેમરથી અંજાયેલા કે ફિલ્મમેકિંગનું ખરેખરું પૅશન ન ધરાવનારાઓનો ભ્રમ એક શોર્ટ ફિલ્મ બનાવવાના અનુભવથી જ ભાંગી જતો હોય છે. બાકી ફિલ્મમેકર બનવાની ખરેખરી તાલીમ ફિલ્મના સેટ પર જ મળે છે. જો તમે અગાઉ કોઈ ફિલ્મ ઈસ્ટિટ્યુટમાં કોર્સ કરેલો હોય તો ફાયદો એ થાય છે કે સેટ પર કોઈને આસિસ્ટ કરતી વખતે તમે ફોકસ્ડ રહી શકો છો, તમારી આસપાસ જે કંઈ ચાલી રહ્યું હોય તેને સારી રીતે સમજી શકો છો અને ઝડપથી શીખી શકો છો. ફિલ્મ એકેડેમીમાં સ્ટુડન્ટ્સને દુનિયાભરની ફિલ્મો જોવાની જે તક મળે છે તેનાથી મનની બારીઓ ખુલી જાય છે અને ખુદની દિશા સ્પષ્ટ થવા માંડે છે. ફિલ્મ એકેડેમીમાં હોવાનો આ એક મોટો પ્લસ પોઈન્ટ છે.’



સુધીર મિશ્રાને એમની ‘યે સાલી જિંદગી’ ફિલ્મમાં આસિસ્ટ કર્યા પછી હાલ આલોક ‘બ્લડ મની’ નામની મહેશ ભટ્ટના વિશેષ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી ફિલ્મના ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે. આલોક બરાબર જાણે છે કે એણે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દેખાડાતી ઓફબીટ ફિલ્મ્સ પૂરતાં સીમિત રહેવાનું નથી. એ કહે છે, ‘હું મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મમેકિંગ તરફ આગળ વધવા માગું છું. વ્યાપક અપીલ ધરાવતી સત્ત્વશીલ કમર્શિયલ સિનેમા એ મારું ટાર્ગેટ છે...’



ગુડ લક, આલોક.



શો સ્ટોપર

‘રોકસ્ટાર’ના રાઈટર-ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી જેવો સેક્સી માણસ બીજો કોઈ નથી. સ્ત્રીની ઈમોશનલ અને સ્પિરિચ્યુઅલ જરૂરિયાતોને ઈમ્તિયાઝ જેવું બીજું કોઈ સમજી શકતું નથી.

- રણબીર કપૂર







Thursday, November 17, 2011

ખામોશ! નાટક ચાલુ છે...

ચિત્રલેખા - અંક તા. 28 November 2011


કોલમઃ વાંચવા  જેવું




ગભગ યુદ્ધ જેવો માહોલ છે. હાકોટા-પડકારા થઈ રહ્યા છે અને ચહેરાઓ પર ગજબની તીવ્રતા છે. ફર્ક એટલો છે કે સ્થળ યુદ્ધનું મેદાન નહીં, પણ કેન્ટીનનું કાઉન્ટર છે. એકસાથે લંબાયેલા કેટલાય હાથોમાં અસ્ત્રોશસ્ત્રો નહીં, પણ પચાસ-સો રૂપિયાની નોટો છે. સૌને ગરમાગરમ વડાપાઉં ઝાપટવાની જોરદાર તલબ ઉપડી છે. અહીંના વડાપાઉં બહુ વખણાય છે અને રવિવાર બગાડીને અહીં સુધી આવ્યા હોઈએ તો વડાપાઉં તો ખાવા જ પડે, યુ નો. આ બધા ગુજરાતી નાટક જોવા આવેલા રસિક પ્રેક્ષકજનો છે. ઈન્ટરવલમાં ધક્કામુક્કી કરીને, ભીડમાં ઘુસીને વડાપાઉં ખરીદવા અને પછી એક બાજુ શાંતિથી ઊભા રહીને ચટણી ઢોળાય ન જાય તે રીતે વડાપાઉં ખાવા એ તેમની નાટ્યઅનુભૂતિનો જ એક મહત્ત્વનો ભાગ છે. નાટક જેવું હોય એવું, વડાપાઉંમાં તૃપ્તિ ગેરેંટીડ છે!


ઉત્પલ ભાયાણી લિખિત ‘રંગભૂમિ ૨૦૧૦’ પુસ્તકની મુખપૃષ્ઠ તસવીરે મુંબઈની કમર્શિયલ ગુજરાતી રંગભૂમિ અને તેના દર્શકોની આ તાસીર આબાદ ઝડપી છે. એક વરિષ્ઠ અને સર્વસ્વીકૃત નાટ્યસમીક્ષક તરીકે લેખક દાયકાઓથી પ્રતિબદ્ધતાપૂર્વક લખતા આવ્યા છે. તેમની સમીક્ષાઓના સંગ્રહો નિયમિતપણે પ્રગટ થતા રહ્યા છે. આ પુસ્તકમાં મુંબઈની રંગભૂમિ પર ૨૦૧૦ દરમિયાન થયેલી ગતિવિધિઓનો ચિતાર છે.


Amar Fal

૨૦૧૦માં મુંબઈમાં ૩૨ ફુલલેન્થ ગુજરાતી નાટકો બન્યાં અને ભજવાયાં. મતલબ કે દરેક મહિને લગભગ ત્રણ નવાં નાટકો. એક બાજ ‘અમરફળ’ અને ‘સાત તરી એકવીસ (ભાગ ૨)’ જેવાં જુદાં મિજાજની કૃતિઓ છે, તો બીજી બાજ અને બહુમતીમાં ‘મારી બાયડી ભારે વાયડી’ તેમજ ‘કુંવારો લાખનો પરણેલો સવા લાગનો’ જેવાં રુટિન નાટકો છે. લેખક જે-તે નાટક કેવું છે અને કેવું નથી એટલું જ લખીને લેખ સમેટી નાખતા નથી, બલકે, આગળપાછળના પાકા સંદર્ભો આપતા જઈને વાતને પૂરેપૂરી ખોલતા જાય છે. જેમ કે, ‘દીકરીનો બાપ ડોટકોમ’ નાટકની સમીક્ષામાં એ લખે છે કે ૧૯૫૦માં વિન્સેન્ટ મિનેલીના ડિરેક્શનમાં હોલીવૂડમાં ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ એની નામની ફિલ્મ બની હતી, જે ઓસ્કર અવોર્ડઝની એકાધિક કેટેગરીમાં નોમિનેટ થયેલી. તે પછી ‘ફાધર્સ લિટલ ડિવિડન્ડ’ નામની સિક્વલ બની અને ૧૯૬૧૬૨માં સિરિયલ પણ બની. ૧૯૯૧માં સ્ટીવ માર્ટિન ડાયેન કીટનને ચમકાવતી રિમેક બની અને ૧૯૯૫માં એનીય સિક્વલ આવી ગઈ. ‘ફાધર ઓફ ધ બ્રાઈડ’ નામનું કેરોલીન ફ્રેન્કે લખલેુ ત્રિઅંકી નાટક પણ તૈયાર થયું હતું. તેના પરથી સિતાંશુ યશશ્ચંદ્રે ‘આશીર્વાદ’ નામનું ગુજરાતી રૂપાંતરણ કર્યું, જે અરવિંદ જોશીએ ડિરેક્ટ કર્યું અને ભજવ્યું. ‘દીકરીનો બાપ ડોટકોમ’ એ ‘આશીર્વાદ’નું જ લેટેસ્ટ સ્વરૂપ છે. એ જ રીતે, સિદ્ધાર્થ રાંદેરિયાના ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ નાટકનાં મૂળિયાં ‘એકા લગ્નાચી ગોષ્ઠ’ નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે, જેના પરથી સિદ્ધાર્થ રાંદેરિયાએ જ ‘પરણેલા છીએ કોને કહીએ?’ નામનું હિટ નાટક બનાવ્યું હતું. ‘લો, ગુજ્જભાઈ ઘોડે ચડ્યા’ એટલે તે જ નાટકનું નવું સ્વરૂપ. ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ નાટકના ટાઈટલ વિશે વાત કરતી વખતે લેખકે પ્રભુલાલ દ્વિવેદીએ જૂની રંગભૂમિના ‘સમયની સાથે’ નામના નાટક માટે લખેલાં ગીતનો અંતરો ખાસ ટાંક્યો છે.



કલાકાર-કસબીઓની ટીકા થતી વખતે શબ્દો ચોરાતા નથી. સુજાતા મહેતા-લતેશ શાહની જોડીએ ઘણાં નાટકો કર્યાં, પણ ‘ચિત્કાર’થી ઉપર કશું ન ગયું અને ‘એક અહમની રાણી’ પણ નહીં જાય એમ કહીને લેખક નોંધે છે કે ‘ગર્વથી કહો અમે ગુજરાતી છીએ’ નાટકમાં દર્શન ઝરીવાલા જેવો સંવેદનશીલ અને બુદ્ધિશાળી એક્ટર વેડફાયો છે. એક જગ્યાએ એ લખે છેઃ ‘રંગમંચ પર જોખમ લેવાની ઈચ્છા અને શક્તિ બહુ ઓછા નિર્માતાઓની છે. ગણ્યું જે પ્યારાએ, અતિપ્યારું ગણી લેવાનો અભિગમ નિર્માતાઓનો પ્યારા પ્રેક્ષકો માટે રહ્યો છે. રંગભૂમિનો વિકાસ કે હિત ગૌણ છે.’ આની સામે, લેખક જે ઉત્તમ છે એને ઉમળકાભેર વધાવી પણ લે છે. જેમ કે સૌમ્ય જોશીના ‘વેલકમ જિંદગી’ નાટક વિશે લખતી વખતે તેઓ દિલ ખોલીને પ્રશસ્તિ કરે છે.


Welcome Jindgi
 પુસ્તકમાં ફિલર તરીકે મૂકવામાં આવેલા પ્રસિદ્ધ રંગકર્મી સત્યદેવ દૂબેના ખુદના અથવા તેમના વિશેનાં અવતરણો રસપ્રદ છે. સત્યદેવ દૂબેનું એક ક્વોટ છેઃ મારા માટે ઓડિયન્સ એક સ્ત્રી છે અને હું એને સિડ્યુસ કરવા માગું છ એટલે કે એને પાપનો આનંદ આપવા માગું છ! બીજ એક ક્વોટઃ હું ઐતિહાસિક હસ્તી કરતાં દંતકથાનું પાત્ર બનવાનું વધારે પસંદ કરું, કારણ કે દંતકથા ઈતિહાસ કરતાં વધારે રસિક હોય છે...



પુસ્તક માત્ર ગુજરાતી નાટકો પૂરતું સીમિત નથી, અહીં મરાઠી, હિન્દી અને અંગ્રેજી નાટકો વિશે પણ લખાયું હોવાથી મુંબઈની રંગભૂમિનો બહુપરિમાણી ચિતાર મળે છે. રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કસ્તૂરબાની યાદગાર ભુમિકા ભજવનાર રોહિણી હટંગડી વર્ષો પછી ‘જગદંબા’ નામના મરાઠી નાટકમાં ફરી એકવાર આ જ પાત્ર સાકાર કરે છે. ‘સેક્સ, મોરાલિટી એન્ડ સેન્સરશિપ’માં બહુ ગાજેલા ‘સખારામ બાઈન્ડર’ નાટકની ભજવણીની આપવીતી પેશ થાય છે. મકરંદ દેશપાંડેના ‘જોક’ નામના અટપટા નાટકને કલાકૃતિનો ઘાટ મળતો નથી. શેફાલી શાહની મુખ્ય ભુમિકાવાળા ‘બસ, ઈતના સા ખ્વાબ હૈ’ નાટકમાં પ્રેક્ષાગારનું દશ્ય પણ મંચ પરની ભજવણી જેટલું જ ઈન્ટરેસ્ટિંગ છે, કેમ કે પહેલી હરોળમાં અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અક્ષયકુમાર અને ટિં્વકલ બેઠાં છે અને તેમની પાછળ આશુતોષ ગોવારીકર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા જેવા પ્રથમ પંક્તિના ફિલ્મ ડિરેક્ટરો બિરાજમાન છે! પુસ્તકને અંતે ચારેય ભાષાઓનાં નાટકોની વિગતવાર સૂચિ મૂકવામાં આવી છે. લેખક ન્યુયોર્કના બ્રોડવે અને લંડનના વેસ્ટ એન્ડમાં જોયેલા ‘બિલી એલિયેટ’ અને ‘ધ ફેન્ટમ ઓફ ઑપેરા’ જેવાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નાટકોની વાતો પણ શૅર કરે છે જે પુસ્તકમાં એક આકર્ષક રંગ ઉમરી દે છે. અલબત્ત, અખબારમાં છપાયેલા લેખોને પુસ્તક સ્વરૂપ આપતી વખતે ‘બે અઠવાડિયાં પહેલાં જેની સમીક્ષા કરી હતી...’ જેવા ઉલ્લેખો આસાનીથી નિવારી શકાયા હોત.


૨૦૧૦માં મુંબઈમાં જે નાટકો આવ્યાં, જેવાં નાટકો આવ્યાં તે સૌની અહીં પાક્કી નોંધ લેવાયેલી હોવાથી આ પુસ્તક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. રંગમંચની દુનિયામાં રસ ધરાવનારાઓને ચોક્કસપણે ગમી જાય તેવું પુસ્તક.



૦ ૦ ૦

રંગભૂમિ ૨૦૧૦

લેખકઃ ઉત્પલ ભાયાણી


પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,
મુંબઈ- ૧, અમદાવાદ- ૬

ફોનઃ (૦૨૨) ૨૨૦૦ ૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪


કિંમતઃ રૂ. ૧૫૦ /


પૃષ્ઠઃ ૧૭૪