Saturday, June 4, 2011

આમિર ખાનની પ્રતિષ્ઠામાં પંચર?

                                         દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  ૫ જૂન ૨૦૧૧માં  પ્રકાશિત

                                              મલ્ટિપ્લેક્સ


આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘દિલ્હી બેલી’નાં ગીતોમાં ગાળોનો આડકતરો પ્રયોગ થયો છે. ભયસ્થાન એ છે કે આ ગીતો અને ફિલ્મ હિટ થઈ ગયાં તો બોલીવૂડમાં ગીતોમાં છૂટથી ગાળો વાપરવાનો ટ્રેન્ડ શરૂ થઈ જશે. 
 



એક બ્રાન્ડ-ન્યુ કન્ટ્રોવર્સી માટે રેડી થઈ જાઓ.  વિવાદના કેન્દ્રમાં છે, આમિર ખાને પ્રોડ્યુસ કરેલી અને પહેલી જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ ‘દિલ્હી બેલી’નાં ગીતો. આ ફિલ્મનો હીરો આમિરનો ભાણિયો ઈમરાન ખાન છે, જે ક્રાઈમ રિપોર્ટરનો રોલ ભજવે છે. કુનાલ રોય કપૂર નામનો એક જાડિયો દાઢીવાળો ન્યુકમર ફોટોગ્રાફર બન્યો છે. એક દશ્યમાં રિપોર્ટિંગ દરમિયાન એવું કશુંક બને છે કે બન્નેએ જીવ બચાવીને ભાગવું પડે છે. ભાગમ્ભાગી શરૂ થાય છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ગૂંજે છેઃ ‘ભાગ ભાગ ડી.કે. બોઝ, ડી.કે. બોઝ...’

વાંચવામાં આ શબ્દો કદાચ નોર્મલ લાગે, પણ તમે પ્રોમોમાં ગીત જોયું હશે તો ગીતકાર આ શબ્દો વડે ઓડિયન્સને ખરેખર શું ‘સંભળાવવા’ માગે છે તે સમજતા વાર નહીં લાગે. જુવાનિયાઓને કદાચ આ શબ્દોથી ટિખળ થાય છે, પણ મોટેરાઓની સુરૂચિનો ભંગ થયા વગર રહેતો નથી.

વાત અહીં અટકતી નથી. આ જ ફિલ્મનાં બીજાં એક ગીતમાં ઈમરાન, કુનાલ અને ત્રીજો હીરો વીર દાસ સ્ટેજ પર કવ્વાલી ગાવાના ચાળા કરે છે. ગીતની મુદ્રા રમૂજી છે અને તેના શબ્દો છેઃ ‘તેરી તીરછી નઝરને દિલ કો કર દિયા પેન્ચર....’

અહીં પણ મસ્તી શબ્દોના ફોનેટિક્સ એટલે કે ઉચ્ચારણમાં છે. ‘પંચર’ શબ્દનો ઉચ્ચાર ઈરાદાપૂવર્ક ‘પેન્ચર’ કરવામાં આવ્યો છે. ઈમરાન જે રીતે હોઠ પહોળા કરીને ‘પેન્ચર પેન્ચર પેન્ચર...’ ગાય છે ત્યારે ઓડિયન્સને કશુંક ભળતું જ સંભળાય છે. ફિલ્મમેકરનો એ જ તો આશય છે. લોકો આમિર ખાનનું નામ ક્વોલિટી સિનેમા સાથે જોેડે છે. તેથી જ આ ગીતો તેમને વધારે શોકિંગ લાગે છે. તેમના મનમાં સહેજે સવાલ થાય છેઃ આમિરે આ શું માંડ્યું છે? ગીતોમાં રીતસર ગાળોનો ઉપયોગ કરવા માંડ્યો?



Pencher...Pencher...Pencher..


આમિરની તરફેણમાં દલીલ થઈ શકે કે શરૂઆતથી જ એણે ‘દિલ્હી બેલી’ને એડલ્ટ કોમેડી તરીકે પ્રમોટ કરી છે, ફેમિલી એન્ટરટેઈનર તરીકે નહીં. એડલ્ટ કોમેડીમાં તો કંઈ પણ હોય. જેમને વાંધો ન હોય તે જુએ, બાકીના દૂર રહે. આની પ્રતિદલીલ એ છે કે જો આ એડલ્ટ કોમેડી હોય તો તેનાં વાંધાજનક ગીતો ટેલિવિઝન જેવાં ઘરેલુ માધ્યમ પર શા માટે એકધારા દેખાડદેખાડ કરીને તે બાળકો સુધ્ધાંની જીભે ચડી જાય તેવી ચેષ્ટ કરવી જોઈએ?

દેખીતી રીતે જ આ ગીતોમાં વિવાદ પેદા કરવા માટે પૂરતો દારૂગોળો છે. મિડીયામાં આ ગીતો ખૂબ ગાજે, ન્યુઝ ચેનલો પર તેના વિશે ગરમાગરમ પેનલ ડિસ્કશન્સ થાય અને ગીતો પર સ્ટે આવે તો સહેજે નવાઈ પામવા જેવું નથી. આ ગીતો થકી આમિર એન્ડ પાર્ટી સંભવતઃ સારી એવી ફ્રી પબ્લિસિટી ઉસરડી લેશે જેનો સીધો પડઘો બોક્સઓફિસ કલેકશન પર પડશે. વચ્ચે આમિરે ટીવી પર સાઉન્ડબાઈટ આપતી વખતે મસ્તી કરી હતી કે સેન્સરબોર્ડ આ ગીતો સામે કોઈ વાંધો લીધો નથી, ઊલટાની તેમને તો ગીતોમાં મજા આવી ગઈ હતી!



Aamir Khan

હજુ થોડા સમય પહેલાં ‘દમ મારો દમ’નું ટાઈટલ સોંગ રિમિક્સ થયું તેની સામે જ ઘણાને વાંધો પડ્યો હતો અને એમાંય તેમાં ચક્રમ જેવા શબ્દો વપરાયા એટલે તેઓ ઓર દુખી દુખી થઈ ગયા (આજ આંખ સેક રહા હૈ, કલ હાથ સેકેગા... આજ મેરે લિયે ચેર ખીંચ રહા હૈ, કલ મેરા સ્કર્ટ ખીંચેગા... ઊંચે સે ઊંચા બંદા, પોટી પર બૈઠા નંગા...). નવાઈની વાત એ હતી કે આ ગીત ‘કંપની’, ‘ખોસલા કા ઘૌસલા’ અને ‘ચક દે ઈન્ડિયા’ જેવી ઉત્તમ ફિલ્મોના સ્ક્રીનપ્લે રાઈટર જયદીપ સાહનીએ લખ્યું હતું. 

હિન્દી સિનેમામાં વલ્ગર યા તો વાંધાજનક ગીતો કે ચેનચાળાવાળાં ગીતોની કોઈ નવાઈ નથી. દાયકાઓ પહેલાં શમ્મી કપૂરના ‘કિસકો પ્યાર કરું’ ગીતની શરૂઆતમાં ‘કિસ્સઅઅઅ....’ શબ્દને અલગ કરીને ખૂબ ખેંચવામાં આવેલો. આટલી અમથી મસ્તીથી પણ આખા દેશનાં મમ્મીપપ્પાઓ થથરી ઉઠ્યાં હતાં. ‘ખલનાયક’ ફિલ્મનાં ‘ચોરી કે પીછે ક્યા હૈ’ ગીતે સૌને ચોંકાવી દીધા હતા. સુપરહિટ થઈ ગયેલાં આ ગીત પર પ્રેરાઈને પછી તો ચોલીના ખૂબ બધા વેરિએશન્સ આવ્યા. આ ગીતને લીધે ઈલા અરૂણની સિંગિંગ કરીઅર એકદમ ઊંચકાઈ ગઈ હતી અને તેમણે ઘણાં સારાંખરાબ ગીતો ગાયાં હતાં. કરિશ્મા કપૂર સાથે બે સેક્સી ગીતો સંકળાયેલા છે ‘સેક્સી સેક્સી સેક્સી મુઝે લોગ બોલે’ અને ‘સરકાઈ લો ખટિયા’. ‘સરકાઈ લો...’માં કરિશ્મા સાથે ગોવિંદા હતો અને એ સમયગાળામાં ગોવિંદાએ ભારે ઉપાડો લીધો હતો. ‘સેક્સી સેક્સી...’ ગીતથી હોબાળો વધ્યો એટલે તેની જગ્યાએ ‘બેબી બેબી બેબી’ કરી નાખવામાં આવ્યું હતું. ડેવિડ ધવનનો સિતારો જોરમાં હતો ત્યારે તેમની ફિલ્મોમાં ઠીક ઠીક વલ્ગર ગીતો જોવા મળતા. કાં તો ગીતના શબ્દોમાં ગરબડ હોય યા તો કોરિયોગ્રાફી ચીપ હોય. 

આ તો ખેર, ભૂતકાળની વાત થઈ. અત્યારે માલમો ‘દિલ્હી બેલી’નો છે. ભયસ્થાન એક જ છે. આમિર ખાન ટ્રેન્ડસેટર છે. આમિરે આજે એ સ્તર પર પહોંચી ગયો છે કે આખી ઈન્ડસ્ટ્રીના લોકો તેની નકલ કરવા પ્રેરાય છે. આમિરે ગીતોમાં કરેલો આડકતરી ગાળોનો પ્રયોગ અને ફિલ્મ હિટ થઈ ગયાં તો બીજા પ્રોડ્યુસરો-ડિરેક્ટરો તેમની ફિલ્મોનાં ગીતોમાં ભૂંડાબોલી ગાળોની ભરમાર કરી દેશે.

ઓવર ટુ સેન્સર બોર્ડ... 

શો સ્ટોપર

‘રેડી’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાન બધી જ પબ્લિસિટી તાણી ગયો અને હું સાઈડમાં રહી ગઈ, પણ એનો મને કોઈ અફસોસ નથી.

 - અસિન


















2 comments:

  1. હિન્દી સિનેમામાં જો આવું જ ચાલવાનું હોય તો સેન્સર બોર્ડની શી જરૂર છે.
    સંસ્કૃતિના રખવાલાઓ ક્યાં ગુમ થઇ ગયા ? આમીરખાન તરફથી આવી
    અપેક્ષ નહોતી.આ નાલાયકોને જેલભેગા કરી શકાય ?
    સેન્સર બોર્ડ પર કેસ કરી શકાય ? આવા ઘણા સવાલો મનમાં ઉઠે છે.
    આમીરખાને અ ફિલ્મ પોતાના પૂજ્ય માતુશ્રી, નિર્દોષ દીકરી અને
    સગ્ગી બહેન સાથે જોવી જોઈએ.તે લોકો આમિરખાનની સર્જનાત્મક
    શક્તિઓથી ઘણા પ્રભાવિત થશે.
    જો હજુ શર્મિલા ટાગોર સેન્સર બોર્ડની અધ્યક્ષ હોય અને તેનેમાં શરમનો
    છાંટો હોય તો સૌ પ્રથમ તો પોતાનું નામ બદલી નાખવું જોઈએ.
    હિન્દી સિનેમામાં નાલાયકી,નીચતા અને હરામખોરીની સુનામી આવતી હું
    જોઈ રહ્યો છું.

    ReplyDelete
  2. Actually a lot of people echo your feelings.

    ReplyDelete