Thursday, April 21, 2011

સ્વામી સચ્ચિદાનંદનું લેટેસ્ટ પુસ્તક કેવું છે?

ચિત્રલેખા  અંક તારીખ ૨ મે ૨૦૧૧માં પ્રકાશિત


રામાયણઃ પ્રેમકથા.... શૌર્યકથા


કોલમઃ વાંચવા જેવું 
    

            

રામાયણ એટલે ભારતીય અસ્મિતા અને હિંદુ સંસ્કૃતિનો એક મહાસ્તંભ. રામાયણ એક તરફ રાજા અને પ્રજાના વ્યવહારવર્તન માટે શાશ્વત માપદંડો સ્થાપિત કરે છે, તો બીજી બાજુ, સમયકાળ સાથે નવાં અર્થઘટનો ઊઘડી શકે તે માટે જરૂરી અવકાશ પણ છોડે છે. સ્વામી સચ્ચિદાનંદ જેવી અભ્યાસુ  વ્યક્તિ જ્યારે રામાયણનું મૌલિક વિશ્લેષણ કરે ત્યારે તેમાં એમના ખુદના જીવનચિંતન તેમજ વ્યક્તિત્ત્વના રંગો ઉમેરાયા વગર ન રહે.  ‘રામાયણનું ચિંતન’માં સ્વામીજીની કલમ બરાબરની ખીલી છે.

પ્રસ્તુત પુસ્તકના કેન્દ્રમાં વાલ્મીકિ રચિત રામાયણ છે. અહીં રામજન્મથી શરૂ થયેલી કથા અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડમાંથી પસાર થતી થતી આખરે ધરતીમાં સમાઈ જતાં સીતાજીની ઘટના પર વિરામ લે છે. રામકથાના વિવિધ પ્રસંગોથી કોણ અજાણ હોવાનું. આથી જાણીતી ઘટનાઓની વિગતોમાં ઊંડા ઉતરવાને બદલે સ્વામીજીને ખુદને જે અભિપ્રેત છે તેે વ્યક્ત કરવામાં વિશેષ રુચિ દાખવી છે. પાંગળી ધાર્મિકતા કે નિરથર્ક આધ્યાત્મિકતાના બોજ તળે દબાયેલી  ઢીલી પ્રજા વાસ્તવ સામે આંખ આડા કાન કરીને પલાયનવાદી બની જાય તેની સામે સ્વામીજીને તીવ્ર રોષ છે.  પ્રસ્તાવનામાં જ તેઓ સ્પષ્ટપણ લખે છે કે પ્રજાને ઝઝૂમતી કરવી છે, ભાગતી નહીં.  ‘રામાયણનું ચિંતન’ તેમણે આ દષ્ટિકોણથી લખી છે.

Swami Sachchidanand
સ્વામીજી લખે છે, ‘રામાયણમાં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય સાધુ દેખાતો નથી. બધા ઋષિઓ જ ઋષિઓ છે. ઋષિઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. તેઓ પત્નીત્યાગી નથી. તેમને બાળકો છે. ગૃહસ્થ જીવન જીવે છે. યુદ્ધો કરે છે. નવાં નવાં શસ્ત્રોની રચના કરે છે. રાક્ષસોથી મુકિત અપાવે છે. ઋષિ એટલે માત્ર ભગતડો નહીં. તે માળાની સાથે તલવાર પણ ફેરવી જાણે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરક બળ છે.... આપણે સૌ આ ઋષિ જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે.’

પુસ્તકનું મુખપૃષ્ઠ સૂચક છે. અહીં નથી રામનો કોમળ ચહેરો દેખાતો કે નથી તેના પર મધુર સ્મિત રેલાતું. અહીં  છાયાચિત્રમાં તેમનું સશક્ત પૌરુષિક શરીર  દ્રશ્યમાન છે અને તેઓ ધનુષ્ય ધારણ કરીને આક્રમક મુદ્રામાં ઊભા છે. આખા પુસ્તકનો અને લેખકનો આ જ મિજાજ છે.



સ્વામી સચ્ચિદાનંદ  કહે છેઃ  ‘રામાયણ પરાક્રમનો ગ્રંથ છે. કોરા ત્યાગવૈરાગ્યનો ગ્રંથ નથી. ત્યાગવૈરાગ્ય તો પૂરી કથાના પ્રાણ છે, પણ તે પરાક્રમના પગે ચાલે છે. પગ વિનાનાં લૂલાં ત્યાગવૈરાગ્ય મડદાં બરાબર હોય છે. જો પ્રજા પલાંઠીપૂજક થઈ જશે તો નિષ્ક્રિયતા અને કાયરતા વધી જશે. રામકૃષ્ણ પલાંઠી નથી વાળતા. શસ્ત્રો લઈને ઝઝૂમે છે. તેમના ઝઝૂમવાથી રાક્ષસોથી પ્રજાનું રક્ષણ થાય છે. આ સાચો આદર્શ છે. ’ આટલું કહીને તેઓ ઉમેરે છેઃ ‘પોતાને સતત મહાન હોવાનાં બણગાં ફૂંકનારા બણગાખોરોને પૂછો કે તમે કેટલાં પાળિયાં પેદા કર્યાં? છપ્પન ગજની ધજા અને સોનાના કળશવાળાં ભલે હજારો મંદિરો બાંધ્યાં. બાંધો, હજુ વધુ બાંધો, પણ હૃદય પર હાથ મૂકીને જવાબ આપો કે ગામની ભાગોળે તમારો કોઈ પાળિયો છે? સોનાનો ઈતિહાસ નથી હતો. કદાચ હોય તો લૂંટાઈ જવાનો હોય. ઈતિહાસ તો પેલાં પાળિયાઓનો જ હોય છે.’



સ્વામીજી એક ઘા ને બે કટકા કરવામાં માને છે. તેમની વાણી અને લેખનમાં કશું જ ગોળ ગોળ નથી હોતું. સીધી વાત અને આકરા મર્માઘાત. તેઓ ઘણાને અપ્રિય લાગી શકે મુદ્દા છેડે છે, વાચકને વિચારતા કરી મૂકે છે. તેઓ કહે છે કે દુખોને દૂર કરવા અને સુખોને વધારવાં તે જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે. સંસારસુખના પાંચ કેન્દ્રો છે ૧. વહાલસુખ, ૨. વિષયસુખ, ૩.વાત્સલ્યસુખ, ૪. વૈભવસુખ, પ. સત્તાસુખ. સ્વામીજી લખે છે કે સંપત્તિ અને વૈભવ ત્યાં સુધી જ સુખ આપે છે, જ્યાં સુધી માણસની લાગણીઓની હત્યા થઈ નથી જતી. વિશ્વાસઘાતથી મોટી કોઈ હત્યા નથી.

આ સંદભર્માં અહલ્યા અને તેમના પતિ ગૌતમ ઋષિની વાત જાણવા જેવી છે. અન્ય ગ્રાંથોમાં અહલ્યાને નિદોર્ષ બતાવ્યાં છે, પણ વાલ્મીકિએ તેમનું અલગ ચરિત્ર આલેખ્યું છે. એક વાર અહલ્યા આશ્રમમાં એકલાં હતાં ત્યારે ઈન્દ્ર તક ઝડપીને ગૌતમ ઋષિના વેશમાં આવ્યા. અહલ્યા  ઓળખી ગયાં કે આ પોતાના પતિ નહીં પણ ઈન્દ્ર છે. છતાં પણ તેઓ ઈન્દ્રને અનુકૂળ થયાં અને બન્નેએ ભરપૂર રતિસુખ માણ્યું. ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ પછી ઈન્દ્રને નપુંસક અને અહલ્યાને શ્રાપ આપીને શિલા બનાવી દીધાં. લાંબા અંતરાલ પછી આખરે રામના સ્પશર્થી શિલાનું પુનઃ અહલ્યામાં રૂપાંતર થયું.  અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી  આ પાંચ મહાસતીઓનું રોજ સવારે નામસ્મરણ કરવાનું કહેવાયું છે. સ્વામી સચ્ચિદાનંદ લખે છે, ‘આ પાંચેયમાં ચારિત્ર્યના સ્ખલન છતાં પહેલું નામ અહલ્યાનું છે તે સમજવા જેવું છે. અહલ્યા પતિત થઈ તે વાત સાચી પણ પણ પછી તે સુધરી ગઈ. પછીની જિંદગીમાં ફરીથી એણે આવી ભૂલ નથી કરી તેથી તેને સતી માનવામાં આવે છે.’


સ્વામીજીએ આખા પુસ્તકમાં મનીમોરલ, સેક્સમોરલ અને સ્ત્રીપુરુષના સંબંધો વિશે ખૂબ લખ્યું છે. તેઓ કહે છે, ‘સ્ત્રીને સાચવવી પડતી હોય છે. સચવાયેલી સ્ત્રી જ પોતાના માટે અને પતિ માટે સુખદાયી થઈ શકતી હોય છે. સાચવવાનો અર્થ છે, તેને મોકો ન આપો. એને અવિશ્વનીય પુરુષોથી દૂર રાખો. જોકે કામવાસના એટલી પ્રબળ હોય છે કે વિશ્વસનીય પણ ક્યારે અવિશ્વનીય થઈ જાય તે કહેવાય નહીં. જ્યાં સેક્સમોરલ હોતું નથી તેવી પ્રજા સુખી સુખી દામ્પત્ય ભોગવી શકતી નથી. સુખી દામ્પત્ય તો વફાદારી, વિશ્વાસ અને એકનિષ્ઠામાંથી પ્રા થતું હોય છે. દામ્પત્ય સ્ત્રી જ જમાવતી હોય છે, પુરુષ નહીં. વ્યભિચારિણી સ્ત્રી કદી પણ વિશ્વાસુ હોતી નથી. એટલે પ્રચંડ આવેગોનું ઉત્તમ સમાધાન પોતાનો પતિ કે પત્ની જ કરી શકે છે. ધર્મભાવના તેમને પરસ્પરનો સંતોષ આપે, એકબીજાને ખીલે બાંધી દે છે. લગ્ન એ મીઠી ગુલામી છે.’

પ્રસ્તુત પુસ્તકમાં શબ્દબદ્ધ થયેલો સ્વામી સચ્ચિદાનંદનો ચિંતનયુક્ત રોષ અને આક્રમકતાના ઘણા અંશ તેમનાં અગાઉનાં પુસ્તકોમાં વ્યક્ત થઈ ચૂક્યાં છે. આ જ પુસ્તકમાં અમુક મુદ્દા સતત પુનરાવતર્ન પામતા રહે છે. ક્યારેક અમુક મુદ્દે ઓવરસિમ્પ્લીફિકેશન થતું હોય તેવું પણ લાગી શકે. સ્વામીજી ‘ચિત્રલેખા’ને કહે છે, ‘તુલસીદાસના રામાયણ અને વાલ્મીકિના રામાયણ વચ્ચે ભેદ છે. તુલસીદાસ માટે શ્રીરામને ઈષ્ટદેવ છે, પરબ્રહ્મ પરમાત્મા  છે, જ્યારે વાલ્મીકિ શ્રીરામને એક આદર્શ રાજા અને મહાપુરુષ રૂપે જુએ છે. તુલસીદાસનું રામાયણ ભાવનાપ્રધાન છે, જ્યારે વાલ્મીકિનું રામાયણ તકપ્રર્ધાન છે અને વધારે પ્રામાણિક છે. મેં તુલસીદાસ કૃત રામાયણ વિશે અગાઉ ‘સંસારરામાયણ’ નામનું પુુસ્તક લખ્યું જ છે.’

સ્વામીજીના સાદગીભર્યા લખાણમાં જે  લાક્ષાણિક ચુંબકત્વ છે તે વાચકને સતત જકડી રાખે છે. આ નખશિખ સુંદર અને વિચારોત્તેજક પુસ્તક ધર્મચિંતનમાં રસ ધરાવનારાઓ માટે તેમજ સ્વામીજીના પ્રશંસકો માટે મસ્ટરીડ છે.

રામાયણનું ચિંતન

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ  ગૂજર્ર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ૧
ફોનઃ  (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩

કિંમતઃ ૧૦૦ રૂપિયા
પૃષ્ઠઃ  ૨૫૦)

૦૦૦












Friday, April 1, 2011

ચાલીસ વર્ષના થવું એટલે શું?

               અહા! જિંદગી -  એપ્રિલ ૨૦૧૧માં પ્રકાશિત      0     કોલમ : ફલક

અઢાર વર્ષની ઉંમર, બાવીસ વર્ષનો અનુભવ



ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં ખબર પડી ચૂકી હોય છે કે બોસ... ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે અને આ ભેદ બેતાલાં ચશ્માં ચડાવ્યા વગર જોઈ શકાય છે!

‘દિલ તો બચ્ચા હૈ જી’ ફિલ્મમાં એક ડાયલોગ છે. સ્ત્રી વગરની જિંદગી જીવી રહેલા અજય દેવગણની ઈમરાન હાશ્મિ મશ્કરી કરે છે અને ટોણો મારે છે, ‘હવે ઉતાવળ કર. તું થર્ટીનાઈનનો તો થયો.’
અજય દેવગણને હાડોહાડ લાગી આવે છે. ‘થર્ટીએઈટ!’ એ તરત કરેકશન કરે છે, ‘બી રીઝનેબલ, યાર...’ 
આ સંવાદ જોતીસાંભળતી વખતે ભલે હોઠ મરકી જાય, પણ અજય દેવગણની પીડા સમજી શકાય એવી છે! જિંદગીનું ચાળીસમું વર્ષ નિકટ આવતું જાય તેમ તેમ માણસે  સ્ત્રી અને પુરુષ બન્નેએ  ઘાંઘાં થવાનું હોય કે અત્યાર સુધી અનુભવેલા રઘવાટમાંથી મુક્તિ મેળવવાની હોય? આનો જવાબ એણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર શું ઉકાળ્યું તેના પર છે.  ચાળીસમા બર્થડે પર માણસ ઓફિશિયલી મધ્યવયમાં પ્રવેશ કરે છે. આપણી ભાષામાં ‘આધેડ’ શબ્દ છે, જેનો સાર્થ ગુજરાતી કોષ અનુસાર અર્થર્ થાય છે, અડધી ઉંમરે પહોંચી ગયેલું, પ્રોઢ વયનું. ચાળીસ વર્ષનો માણસ આધેડ કહેવાય? આધેડ કરતાં મધ્યવયસ્ક શબ્દ વધારે  સહ્ય અને ઓછો અણિયાળો છે! ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ માટે ફાટફાટ જુવાનીનાં વર્ષો પાછળ છૂટી ગયાં છે, વૃદ્ધાવસ્થા દૂર ક્ષિતિજ પર ઊભી છે અને તેની આંખો આ બન્નેને એક જ ચકરાવામાં, એકસાથે જોઈ શકે છે.

ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે સ્ત્રીનું ઓગણચાળીસમું વર્ષ પાંચ વર્ષ ચાલતું હોય છે! સ્ત્રી કરતાં પુરુષ ચાળીસીને વધારે સ્વસ્થતાથી, વધારે સહજતાથી અપનાવી શકે છે તે હકીકત છે. આ દાયકામાં સ્ત્રી માટે એક નક્કર ઘટના બને છે મેનોપોઝ. મેનોપોઝમાં પ્રવેશવું તે મનોશારીરિક અવસ્થા છે અને તેનાં તીવ્ર કંપનોનો અનુભવ ક્યારેક આખા પરિવારને થાય છે. પુરુષે અત્યાર સુધી મિડલાઈફ ક્રાઈસિસ વિશે જાણવાસમજવાની દરકાર નહોતી કરી, પણ ચાળીસીમાં પ્રવેશતા જ આ શબ્દ એકદમ પ્રસ્તુત બની જાય છે. અત્યાર સુધી માતાપિતા અને વાઈફની નજરમાં સ્માર્ટ પુરવાર થવાનું હતું, હવે ઝપાટાભેર મોટાં થઈ રહેલાં અને શરીરના કોષની રચનાથી માંડીને બ્રહ્માંડના તારાના કદ સુધીના સવાલ પૂછપૂછ કરતા મહાઉત્સુક સંતાનની નજરમાં ઈન્ટેલિજન્ટ સાબિત થવાનું છે. અત્યાર સુધી કોઈ ‘અંકલ’ (કે ‘આન્ટી’) કહીને બોલાવતું તો ગુસ્સો છૂટી જતો, પણ ચાળીસીમાં પ્રવેશો એટલે દિવસમાં નિયમિતપણે શેવિંગ કરવા માંડેલો જુવાન કે થર્ટીફોરબી સાઈઝની બ્રા પહેરતી કોલેજિયન તમને ‘અંકલ’ કે ‘આન્ટી’ કહે તો મોઢું બગાડ્યા વગર, સહજતાથી સ્વીકારતાં શીખી જવાનું છે. ધારો કે તમે વીસ-એકવીસ વર્ષની વયે પરણી ગયાં હોત અને તરત બચ્ચું પેદા કરી નાખ્યું હોત તો બેતાલાં ચશ્માં આવવાની ઉંમરે તમે દાદાનાના કે દાદીનાનીની કેટેગરીમાં આવી ગયાં હોત! 
ચાળીસીમાં પ્રવેશી રહેલા માણસ પાસે શું હોય છે? જીવનની અત્યાર સુધીની યાત્રા માણસને જમાવટ અને સ્થિરતા આપે છે. એના વ્યક્તિત્વમાં અનુભવની ચમક ઉમેરી દે છે. ગધ્ધાપચ્ચીસીમાં જે કોઈ ઉધામાઅખતરા અને ધમપછાડા કર્યા હતા તેનાં સારાંમાઠાં પરિણામ તે હવે જુએ છે. એ જો ‘સીધી લાઈન’નો હોય તો પોતાની કરીઅરનું કમસે કમ એક શિખર તો આ વર્ષોમાં જોઈ જ લે છે અથવા, કમસે કમ શિખરની નજીક પહોંચી જાય છે. ક્યારેક ત્રીસીના દાયકામાં જોયેલું શિખર માણસની કારકિર્દીનું એકમાત્ર શિખર બની રહે છે.

પતિ અને પત્ની ચાળીસનાં થાય ત્યાં સુધીમાં  એકબીજાનાં સુલક્ષણો અને અપલક્ષણોથી સારી રીતે વાકેફ થઈ ચૂક્યાં હોય છે. એકબીજાનું બેસ્ટ અને વર્સ્ટ જોઈ ચૂકેલાં પતિપત્નીને ખબર પડી ચૂકી હોય છે કે આગલા સાત ભવ માટે આ જ જીવનસાથીનું એડવાન્સ બુકિંગ કરી નાખવું છે કે પછી આ એક ભવ પણ જેમતેમ પસાર થઈ જાય તે માટે કુળદેવીની માનતા માનવી પડે તેમ છે. સ્ત્રીપુરુષ એકબીજાનાં પ્રેમમાં પડે કે સગાઈના સંબંધથી જોડાય એટલે રોમેન્ટિક ફિલ્મ જીવતાં હોય તેવું લાગે. લગ્ન બાદ એકાએક એકબીજાંના અણધાર્યાં પાસાં સામે આવે અને બન્ને વચ્ચે એવાં હુલ્લડ થવા માંડે કે રોમેન્ટિક ફિલ્મ એકદમ જ ધૂમધડાકાથી ભરપૂર એકશન ફિલ્મ બની જાય. પછી બેય એકબીજાંથી ટેવાઈ જાય, એક પ્રકારની સ્વીકૃતિની ભાવના આવતી જાય કે ભઈ, જે છે તે આ જ છે. આમ, ચાળીસ પછી ધીમે ધીમે એક પ્રલંબ થ્રિલરનું બોરિંગ સામાજિક ચલચિત્રમાં પરિવર્તન થવા માંડે! 

ચાળીસીના દાયકાની ખૂબસૂરતી એ છે કે તે માણસને અગાઉના કોઈ દાયકાએ ન આપી હોય તેટલી માનસિક સ્પષ્ટતા આપે છે. પોતાના વિશે, પોતાના પરિવેશ વિશે. અઢાર-વીસ-બાવીસ વર્ષના હતા ત્યારે ક્રાંતિ કરી નાખવાનાં, યુગપુરુષ બનીને અમર બની જવાનાં યા તો પ્રાઈવેટ જેટમાં સવાર થઈને પોતાની માલિકીના યુરોપિયન આઈલેન્ડ પર ભવ્ય આવાસમાં વેકેશન મનાવવાનાં સપનાં જોયાં હતાં. આ બધું, કોણ જાણે કેમ, એ ઉંમરે અશક્ય નહોતું લાગતું. ચાળીસીમાં પ્રવેશીએ ત્યાં સુધીમાં હાઉસિંગ, કાર અને બીજી જાતજાતની લોનના હપ્તાના બોજ નીચે ચગદાયા પછી ખબર પડી ચૂકી હોય છે કે બોસ... ફેન્ટસી, મહત્ત્વાકાંક્ષા તેમ જ પોતાની ક્ષમતા આ ત્રણેય વચ્ચે હાથી, ઘોડા ને ડાયનોસોર જેટલો તફાવત છે. અને આ ભેદ બેતાલાં ચડાવ્યા વગર જોઈ શકાય છે! 

મોટી ઉંમર સુધી રહી ગયેલી બેબી ફેટ્સ જેવી મુગ્ધતા તૂટવી જ જોઈએ. ભ્રમ તૂટવાની આ ક્રિયા શુભ છે. ચાળીસીમાં પ્રવેશી ચૂકેલો માણસ, જો એ સ્વસ્થ હશે તો, પોતે કેટલાં પાણીમાં છે તે જાણી લીધા પછી હેબતાઈ નહીં જાય. ‘અરરર... હું બસ ચૂકી ગયો’ પ્રકારની લાગણી એનામાં નહીં જાગે, એને નવેસરથી લઘુતાગ્રંથિ કે ગિલ્ટનો એટેક નહીં આવે. એનો ઉત્સાહ અને જીવનબળ અકબંધ હશે તો એ પોતાની નબળાઈઓ સાથે મલ્લયુદ્ધ કરતા રહેવાને બદલે, તેને એની સાથે સ્માર્ટલી ડીલ કરશે, એની સાથે દોસ્તી કરીને અને એના ખભે હાથ મૂકીને આગળ વધી જશે.



ચાળીસી આત્મસ્વીકૃતિનો દાયકો છે. અને આત્મસ્વીકૃતિ હંમેશાં આત્મવિશ્વાસ પેદા કરે છે. ચાળીસી સુધી પહોંચતાં સુધીમાં જીવનના ઘણા બધા એરિયામાં પાક્કું શોર્ટલિસ્ટિંગ થઈ ચૂક્યું હોય છે. ‘ડુઝ’ અને ‘ડોન્ટ્સ’ના ખાનાં ભરાઈ ચૂક્યાં હોય છે. હવે પછીનાં વર્ષોમાં આ થઈ શકે તેમ છે, આ કરવાનું જ છે કે આ દિશામાં કોઈ કાળે જવા જેવું નથી એવી સ્પષ્ટતા થઈ ચૂકી હોય છે. ચાળીસથી પચાસ તરફની યાત્રા વધારે સફળતા, વધારે સ્થિરતા અને વધારે જમાવટની તરફની યાત્રા છે.  ‘લાઈફ બિગિન્સ એટ ફોર્ટી’ તે ઉક્તિમાં મનોશારીરિક સત્ય છુપાયેલું છે.  ચાળીસીમાં પ્રવેશ્યા પછી એક તરફ માણસની ફ્લેક્સિબિલિટી ઘટેે, તેની જોખમ ઉઠાવવાની વૃત્તિ પ્રમાણમાં મંદ પડે તો બીજી બાજુ એનામાં આઈડોન્ટકેર એટિટ્યુડ વિકસી ગયો હોય. આ એક વિરોધિતા છે. તે શામાંથી પેદા થાય છે  ઘટ્ટ થઈ ચૂકેલા ઈગોમાંથી કે આત્મસ્વીકૃતિની લાગણીમાંથી?

જન્મથી ચાળીસ વર્ષ એટલે ઊર્ધ્વ ગતિ અને એકતાળીસ પછી નીચે ઊતરવાની શરૂઆત એવો કોઈ નિયમ નથી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા અને તેમણે સત્યાગ્રહની સાથે ‘ગાંધીજી’ બનવા તરફની યાત્રાની શરૂઆત કરી ત્યારે એમની ઉંમર ૪૫ વર્ષ હતી તે યાદ છે ને? એક જગ્યાએ સરસ વાક્ય વાંચેલુંઃ ‘કોણે કહ્યું હું ચાળીસનો થયો? મારી ઉંમર અઢાર વર્ષ છે અને મને પુખ્તાવસ્થાનો બાવીસ વર્ષનો અનુભવ છે!’

બિલકુલ... ધેટ્સ ધ સ્પિરિટ!

000