Friday, January 7, 2011

વાંચવા જેવું પુસ્તક ઃ સુખને એક અવસર તો આપો

ચિત્રલેખા અંક તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત


જિંદગી... એક ફરજિયાત રણસંગ્રામ

કોલમ ઃ વાંચવા જેવું





જો મારા આવેશ પર મારો અંકુશ નહીં હોય તો હું ક્યારેય સુખી નહીં થઈ શકું. મારી ગાડી પર એકાદ ઘસરકો થવાને કારણે કે ઘરમાં થોડી ચણભણ થવાને કારણે, કે કામમાં આવતી નાની મુશ્કેલીને કારણે, કે ધાર્યા પ્રમાણે પરિણામ ન આવ્યું હોય ત્યારે, કે ગડી વગરનાં ચૂંથાયેલાં કપડાંને કારણે જો મારો આખો દિવસ બગડતો હોય તો હું કદી સુખી નહીં થઈ શકું. જો હું મારી લાગણીઓનો શિકાર હોઉં, અને વધુ પડતી અપેક્ષાઓનો બંદી હોઉં તો હું ક્યારેય સુખી નહીં થઈ શકંુ.



શું આ વાત તમને ધારદાર અને ચોટડુક લાગી? ગાડી પર ઘસરકો પડે ને દિમાગ જાય, કપડાંને ઈસ્ત્રી થઈ ન હોય તો કમાન છટકે, ઘરમાં સહેજ અમથો કકળાટ થાય અને સંસાર અસાર લાગવા માંડે... આ પ્રકારની લાગણીઓ બીજાઓની જેમ તમે પણ પ્રસંગોપાત અનુભવો છો? બસ, તો ફિલ બોસમન્સ લિખિત આ પુસ્તક તમારા માટે જ છે એવું માનો.



અઘરું અઘરું વાંચતા, ઊંચી ઊંચી ભાષામાં વિચારતા અને ક્લિષ્ટ ફિલોસોફી ઝાડતા રહીને તાત્ત્વિક ચર્ચાઓ કર્યા કરતા સ્યુડો બૌદ્ધિક વર્ગમાં એક ફેશન ચાલી છે સરળ ભાષામાં લખાયેલાં પ્રેરણાદાયી પુસ્તકોને હસી કાઢવાની, તેમને નિરર્થક ગણાવવાની. આ ચાંપલા વર્ગને ગણકારવા જેવો નથી. હકીકત એ છે કે ભલે બે ઘડી તો બે ઘડી પણ નિરાશાની પળોમાં તમને સધિયારો આપે, તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારે તેમજ સાવ નવાં જ સત્યો શું કામ, તમે ઓલરેડી જાણતા હો તેવી સચ્ચાઈ નીચે નવેસરથી અન્ડરલાઈન કરે એવું કોઈ પણ વાંચન ઉત્તમ છે, શુભ છે, ઈચ્છનીય છે. ‘સુખને એક અવસર તો આપો’નું એકેએક પાનું પોઝિટિવિટીની પ્રતીતિ કરાવે છે. આજના પીડાદાયી સમયની આ જ તો માંગ છે. તે સિવાય દુનિયાભરની કંઈકેટલીય ભાષાઓમાં અનૂદિત થયેલું આ પુસ્તકની લાખો લોકોના દિલને શી રીતે સ્પર્શે?

લેખક ફિલ બોસમન્સ બેલ્જિયમના વતની છે. તેમણે આ પુસ્તક ફ્લેમિશ ભાષામાં લખ્યું છે. તેઓ કહે છેઃ ‘તમને હ્યદયમાં ઊંડો જખમ થયો હોય અને તમે જો એના વિશે ફરિયાદ કરો તો તમે નિરાશાવાદી નથી, અથવા જ્યારે સમસ્યાઓનો સમુદ્ર ઘૂઘવતો હોય ત્યારે તમે પછડાટ ખાધાની ફરિયાદ કરો તો પણ તમે નિરાશાવાદી નથી. નિરાશાવાદી તો એને કહેવાય જે પોતાની આખી જિંદગી ડાર્કરૂમમાં વિતાવે નેગેટિવ ડેવલપ કર્યા કરે. નિરાશાવાદી એ છે જે બધું જ સમુંસૂતરું ચાલતું હોય ત્યારે એ કહ્યા કરે કે આ કાંઈ લાંબો સમય ચાલશે નહીં. કોઈ એના પ્રત્યે દયામાયા કે મૈત્રી દેખાડે ત્યારે શંકાકુશંકા કર્યા કરે એ નિરાશાવાદી છે.’



જિંદગી છે તો સમસ્યાઓ છે. જિંદગીનું હોવું માત્ર પ્રશ્નો પેદા થવા માટે પર્યાપ્ત છે. એટલે જ લેખક કહે છે કે ‘લગ્ન, શિક્ષણ, ઉછેર, લોકો સાથે પનારો, કામધંધા આ બધા પ્રશ્નો છે જે તમારે સ્વીકારવા જોઈએ. કોઈ પણ પ્રકારની અવઢવ વિના તમારે એમાંથી પસાર થવું જોઈએ, હિંમત અને તાકાતથી. તમે જો એનાથી ભાગી છૂટશો તો એ તમારો પીછો કરશે અને તમને પછાડશે. તમારે જિંદગીમાં બાણશય્યા પર સૂવાનું છે એનાથી વીંધાયા વિના... તમે તમારી પીઠ પર આખેઆખો ભૂતકાળ લાદીને ફરો છો અને તમે ભવિષ્યનો ભાર પણ વેંઢારો છો. તમારા માટે આ બોજો વધુ પડતો કહેવાય. તમારો જન્મ આને માટે નથી થયો. આમ કરશો તો એ ભારણ તમને મારી નાખશે. ’



લેખક જિંદગીને એક ફરજિયાત સાહસ કહે છે. કેટલી સરસ વ્યાખ્યા. કેવી રીતે જીવનને એની તમામ વિષમતાઓ સાથે સ્વીકારી શકાય? કેવી રીતે પાર વગરની પીડાઓ વચ્ચે પણ સ્વસ્થ રહી શકાય? સાંભળોઃ



‘તમને બધું જ ઉદાસ લાગે છે, તમને લાગવા માંડે છે કે તમે કોઈને જ ગમતા નથી, એક નહીં જેવી બાબતથી તમે ખળભળી ઉઠો છો, તમે એવું અનુભવો છો કે આ તો આમ ને આમ જ ચાલ્યા કરશે, આ દશા ક્યારેય બદલાશે નહીં. અને ફરી એક વાર તમને આનું કારણ સમજાતું નથી. કદાચ તમે ખૂબ થાકી ગયા છો. તમને સમજાતું નથી કે આવું શા માટે થાય છે? વાસ્તવમાં કારણ એ છે કે માણસ પણ આખરે પ્રકૃતિનો અંશ છે. એ વસંત અને પાનખરની આવનજાવનનો હિસ્સો છે, ગ્રીષ્મ અને શરદની હૂંફ અને શીતળતાનો ભાગ છે. માણસનું મન પણ સાગરના તરંગોની જેમ હિલોળા લે છે ભરતી અને ઓટ અનુભવે છે. જો આ સત્ય તમને સમજાઈ જાય તો તમે હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધી શકશો... ચડતી અને પડતીના ચડાવઉતાર વચ્ચે જીવી શકશો, વધુ સારી રીતે અને આનંદથી.’



આપણામાં એક શબ્દપ્રયોગ છે ‘બોલીને બગાડવું’. શરીર પર થયેલા ઘાને રુઝ આવશે, પણ શબ્દોથી થયેલા પ્રહારો કેમે કરીને મટતા નથી. લેખક એટલે જ કહે છે કે -

‘કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો. શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે... એક કઠોર શબ્દ, એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબો સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક કાયમી જખ્મ. સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે, જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે, કંઈક જુદું જ અનુભવે છે અને બોલે છે. થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રુઝાવો. જિંદગી બહુ ટૂંકી છે અને આપણી દુનિયા કુરુક્ષેત્ર બનાવવા માટે બહુ નાનકડી છે.’



ધૂમકેતુની યાદગાર નવલિકા ‘પોસ્ટઓફિસ’માં પેલું સુંદર વાક્ય છેઃ ‘માણસ પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ, તો અરધું જગત શાંત થઈ જાય.’ આપણે અપેક્ષાઓ રાખીએ છીએ, આક્ષેપો કરીએ છીએ, પણ સ્વકેન્દ્રીપણું છોડીને વિચારતા નથી. ફિલ બોસમન્સ એક જગ્યાએ ઘારદાર સવાલ કરે છેઃ ‘તને તો મારી જરાય પડી નથી આમ કહેતાં પહેલાં વિચારો તો ખરા કે તમે કદીયે તમારી જાતને કોઈના માટે સર્વસમર્પિત કરી છે ખરી?’

આમ કહીને તેઓ ઉમેરે છેઃ ‘તકેદારીથી તોળેલોમાપેલો પ્રેમ એ પ્રેમ નથી, પણ ગણિત અને ગણતરી છે. આમ કરીને તમે આનંદ ગુમાવો છો. આવો પ્રેમ સુખ નથી આપતો... કોઈકને કંઈક આપતા રહેવું ખૂબ જ મહત્ત્વનું છે પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે. આ જિંદગીમાં જે કંઈ છે એમાં બે વસ્તુ મહત્ત્વની છે સમજણ અને ક્ષમા. જો માણસ એટલું સમજે કે બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે અને ક્ષમા આપવા તૈયાર હો તો જ સાથે રહેવું શક્ય બને.’



સ્વામી સચ્ચિદાનંદે આ પુસ્તક વિશે કહ્યું છે તેમ, અહીં માનવસંબંધોની વાત છે પણ ક્યાંય સ્વચ્છંદતાને પ્રોત્સાહન અપાયું નથી.

ફિલ બોસમન્સ લખે છેઃ ‘સ્વતંત્રતા પ્રેમના વાતાવરણમાં અર્થપૂર્ણ, મૂલ્યવાન અને આનંદદાયક હોય છે. આ જગતમાં સ્વતંત્રતા કરતાં પ્રેમનું મૂલ્ય અધિક છે... કામેચ્છા કોઈને આપોઆપ સલામતી નથી આપતી. ફક્ત સાચા પ્રેમના સાન્નિધ્યમાં ઉત્તમ કામેચ્છા ઊઘડે છે અને અર્થપૂર્ણ બને છે.’

 આ પુસ્તક જાણે કે સંતવાણી છે. તે વાંચતા એવું લાગે કે આ લેખક તમને સમજે છે, એ જાણે છે કે તમે કઈ વાતે મંૂઝાઈ રહ્યા છો, એને ખબર છે કે તમે શું સાંભળવા માગો છો. પાનાં ફરતાં જાય એમ લેખક તમારો શુભચિંતક છે એવી ખાતરી થતી જાય છે, તમને એના પર વિશ્વાસ બેસતો જાય છે. માત્ર શબ્દોના માધ્યમથી એક માણસ (એટલે કે લેખક) સાવ અજાણ્યા એવા બીજા માણસ (એટલે કે વાચક)ને આવી પ્રતીતિ કરાવી શકે તે નાનીસૂની વાત નથી. રમેશ પુરોહિતે કરેલો આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ (ખરેખર તો અનુસર્જન) એટલો તો અફલાતૂન છે કે તે એક આગવું, પોતીકું વાતાવરણ રચે છે. બહુ ઓછાં પુસ્તકો એક ભાષામાંથી બીજી ભાષામાં આટલી ખૂબીપૂર્વક પરિવર્તિત થતું હોય છે.

માત્ર વાંચવા જેવું જ નહીં, પણ મિત્રોસંબંધીઓને ભેટમાં આપી ગમતાને ગુલાલ કરવા જેવું સુંદર પુસ્તક!

(સુખને એક અવસર તો આપો


લેખકઃ ફિલ બોસમન્સ


અનુવાદકઃ રમેશ પુરોહિત


પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે,
ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧


વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯


ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમતઃ રૂ. ૧૦૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૧૨૦)

1 comment: