Saturday, December 11, 2010

સોફિયા લોરેનનું સિક્રેટ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૧૨ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ મલ્ટિપ્લેક્સ

‘મેં હંમેશાં કંઈક ને કંઈક ઝંખ્યું છે. એની તીવ્રતા એટલી બધી હોય કે મને આખરે એ ચીજ મને મળ્યા વગર ન રહે. મારા જીવનનું આ સૌથી માટું સિક્રેટ છે.’

વખતે તો ઈન્ડિયા આવવું જ છે!

હોલિવૂડ લેજન્ડ સોફિયા લોરેને આવી ઘોષણા અગાઉ કેટલીય વાર કરી હતી. આ વખતે ભારત આવવાનાં નક્કર કારણો હતાં તેના મિત્ર દિલીપકુમારનો બર્થડે (જે ગઈ કાલે ઉજવાયો) અને તેમની નરમગરમ રહેતી તબિયત. દિલીપકુમાર અને સોફિયા લોરેન વચ્ચેનો પરિચય ચાર દાયકા જુનો છે. ૧૯૬૧માં તેઓ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યા હતા. દિલીપકુમારના ‘ગંગા જમના’ના અભિનય પર સોફિયા ઓળઘોળ થઈ ગઈ હતી. દિલીપકુમારને પણ આ ઓસ્કર-વિનર એક્ટ્રેસના કામ પ્રત્યે હંમેશા આદર રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તો સોફિયાના આગમનના એંધાણ ભલે ન વર્તાયા હોય, પણ આ જાજવલ્યમાન અભિનેત્રી વિશે જાણવા જેવું છે.


Sophia Loren: Kal aur aaj


એક જમાનામાં દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રી ગણાયેલી સોફિયા આજે ૭૬ વર્ષની થઈ છે. આ ઉંમરેય તેની ગ્લેમરસ આભા અકબંધ છે. ‘મેં પંદર વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું,’ સોફિયા લોરેન એક મુલાકાતમાં કહે છે, ‘પડદા પર મને શરૂઆતથી જ એક સ્ત્રી તરીકે પેશ કરવામાં આવી, તરૂણી તરીકે ક્યારેય નહીં. ૨૬ વર્ષની ઉંમરે તો મને ‘ટુ વીમેન’ ફિલ્મ માટે ઓસ્કર મળી ગયો અને ૩૦ વર્ષની થઈ કે પત્રકારો મને પૂછવા લાગ્યા હતાઃ તમે મધ્યવયસ્ક બની ગયાં... કેવું લાગે છે? તેઓ એવી રીતે સવાલ કરતા હતા કે જાણે હું કોઈ રાષ્ટ્રીય ઈમારત ન હોઉં જેના કાંગરા ખરવાનું શરૂ થઈ ગયું હોય! પછી હું ચાલીસની થઈ, પચાસની થઈ, સાઠની થઈ. વૃદ્ધાવસ્થાથી, ચહેરા પર કરચલીઓ જોવાથી મને ક્યારેય ટેન્શન થયું નથી. વધતી જતી ઉંમરને વધાવતા તમને આવડવું જોઈએ. જો એ નહીં આવડે તો તમે ખુદના કાર્ટૂન જેવા બનીને રહી જશો. દરેક ઉંમરની પોતપોતાની સુંદરતા હોય છે, સંતોષ હોય છે. ગરિમા સાથે વૃદ્ધ થવાનું રહસ્ય કહું? નેવર લૂક બેક... હંમેશા આગળ જુઓ. પાછળ વળી વળીને જોતા રહેશો અને ભૂતકાળ સંભાર્યા કરશો તો ઉંમરનો ભાર હંમેશાં વર્તાયા કરશે.’



ઈટાલિયન લોરેનની માતા રોમિલ્ડાને ખુદને ફિલ્મોમાં કામ કરવાના અભરખા હતા. એક વખત ગ્રેટા ગાર્બો (એક ઓર હોલીવૂડ લેજન્ડ)નાં લૂકઅલાઈક એટલે કે એના જેવા દેખાવાની સ્પર્ધા યોજાઈ. રોમિલ્ડા આ હરીફાઈ જીતી ગઈ. ઈનામમાં હતું હોલીવૂડ આવવા-જવાનો ખર્ચ અને ત્યાં જઈને સ્ક્રીન ટેસ્ટ આપવાનો મોકો. પણ રોમિલ્ડાની મા એટલે કે સોફિયાની નાનીએ મનાઈ ફરમાવી દીધીઃ બેસી રહે ચુપચાપ, આપણે ક્યાંય નથી જવું! સત્તર વર્ષની રોમિલ્ડાએ વિદ્રોહ કર્યો અને રોમ ભાગી આવી. અહીં તેનો ભેટો રિકાર્ડો નામના પુરુષ સાથે થયો. રિકાર્ડો એને પ્રેગ્નન્ટ કરીને જતો રહ્યો. આ રીતે સોફિયા જન્મ થયો. સોફિયા પાંચ વર્ષની થઈ છેક ત્યારે પહેલી વાર પોતાના પિતાને જોયા. સોફિયાનાં માતાપિતાએ ક્યારેય લગ્ન ન કર્યાં. બાપે સોફિયાને પોતાની અટક ‘લોરેન’ લગાડવા દીધી, પણ નાની બહેન મારિયાને સ્કૂલમાં એડમિશન લેવાનો સમય આવ્યો ત્યારે ચોખ્ખું સંભળાવી દીધુંઃ બસ બહુ થયું, બીજી છોકરીને હું મારી અટક લગાડવા નહીં જ દઉં...


‘પિતાની છત્રછાયા કેવી હોય એ મને કદી ખબર પડી નથી,’ લોરેન કહે છે, ‘મને ને મારી બહેનને હંમેશા લાગતું કે બીજાં બાળકો કરતાં અમે જુદા છીએ... પણ મારામાં ધિક્કારની ભાવના ક્યારેય જાગી નહીં, કારણ કે મમ્મી અને નાનાનાની તરફથી અમને ખૂબ પ્રેમ મળ્યો છે.’


માએ પોતાની ફિલ્મસ્ટાર બનવાની અધૂરી ખ્વાહિશ દીકરી લોરેન થકી પૂરી કરી. લોરેને પોતાની જાતને સેક્સ સિમ્બલ તરીકે પણ સ્થાપિત કરી અને સત્ત્વશીલ ભુમિકાઓ પણ ભજવી. અમેરિકન કરતાં ઈટાલિયન ફિલ્મોમાં તેણે વધારે સફળતા જોઈ. ‘હું નસીબમાં માનતી નથી,’ લોરેન કહે છે, ‘વાત ઝંખનાની છે. મેં હંમેશાં કંઈક ને કંઈક ઝંખ્યું છે. એની તીવ્રતા એટલી બધી હોય કે મને આખરે એ ચીજ મને મળ્યા વગર ન રહે. મારા જીવનનું આ સૌથી માટું સિક્રેટ છે. મેં મેળવ્યું છે તો સામે પક્ષે ચૂકવ્યું પણ છે. ચુકવણી દર વખતે પૈસાથી જ કરવાની ન હોય. મેં જે કંઈ હાંસલ કર્યું છે તેની કિંમત મેં પીડાથી ચૂકવી છે.’


Sophia Loren with her director husband Carlo Ponti


માત્ર પંદર વર્ષની ઉંમરે સોફિયા લોરેને પોતાનાથી ૨૧ વર્ષ મોટા પરિણીત ફિલ્મ ડિરેક્ટર કાર્લો પોન્ટી સાથે સાથે લગ્ન કર્યાં. તે જમાનામાં ઈટાલીમાં કાનૂન ડિવોર્સ લેવાની છૂટ આપતો ન હતો. બન્ને પર ખૂબ માછલાં ધોવાયાં. આખરે ફ્રેન્ચ નાગરિકત્વ મેળવીને કાર્લોએ પહેલી પત્નીથી છૂટાછૂડા મેળવ્યા અને લોરેન સાથે વિધિવત લગ્ન કર્યાં. તેમનું લગ્નજીવન પાંચ દાયકા સુધી અકબંધ રહ્યું. કાર્લો ૨૦૦૭માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી લોરેન એમની પત્ની બની રહી.



સોફિયા લોરેન આ ઉંમરેય કડેધડે છે, ફિલ્મોમાં એક્ટિંગ કરે છે. પોતાના બંગલામાં રોજ અચૂકપણે સ્વિમિંગ કરે છે, એક્સરસાઈઝ કરે છે અને ગરમ ખૂશ્બોદાર પાણી બરેલા બાથટબમાં ક્યાંય સુધી છબછબિયાં કરતાં રહે છે. ‘યુવાનીનો ઝરો વાસ્તવમાં માણસના મગજમાં છે,’ સોફિયા લોરેન પોતાનું અંતિમ રહસ્ય છતું કરે છે, ‘તમે તમારી ટેલેન્ટ અને ક્રિયેટિવિટીને શી રીતે ઉપયોગમાં લો છો, માત્ર તમારા એકલાના જ નહીં બલકે તમારા પ્રિયજનોના જીવનમાં શી રીતે તેનાથી પોઝિટિવ ચેન્જીસ લાવો છો તેના પર સઘળો આધાર છે. જો તમને આ ઝરાની ભાળ મળી જશે તો તમને ચિર યુવાન થતાં કોઈ અટકાવી નહીં શકે.’



શો-સ્ટોપર

તમારી આંખો રડશે નહીં ત્યાં સુધી સુંદર નહીં બની શકે.


- સોફિયા લોરેન

No comments:

Post a Comment