Friday, December 10, 2010

મિડ-ડે રિવ્યુઃ બેન્ડ બાજા બારાત

મિડ-ડે તા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


લાખેણાં લગ્ન



સીધુંસાદું, સેન્સિબલ અને આહલાદક મનોરંજન, દસ ફિલ્મો કરીને બેઠો હોય એવો સુપર કૉન્ફિડન્ટ હીરો અને થિયેટરની બહાર નીકળો ત્યારે તમારા ચહેરા પર મોટું સ્માઈલ.... આનાથી વધારે બીજું શું જોઈએ.




રેટિંગ ઃ સાડા ત્રણ સ્ટાર




એક સમયે ગામની ખૂબ વખણાતી અને છેલ્લાં કેટલાક સમયથી સાવ ખાડે ગયેલી રેસ્ટોરાંના પગથિયાં તમે ચડો છો. પેટમાં બિલાડા બોલે છે અને પેટપૂજા કર્યા વગર ચાલે એમ નથી એટલે નછૂટકે તમે અહીં આવ્યા છો. વેઈટર આવીને કહે છે, સાહેબ, અમારા નવા રસોઈયાએ એક નવીનક્કોર ડિશ તૈયાર કરી છે, લાવું? ગરમાગરમ છે. તમે કંટાળીને, ઠંડકથી કહો છોઃ હા ભાઈ, લેતો આવ. તમારા મનમાં આ નવી આઈટમ માટે કોઈ ઉત્સુકતા નથી. આ હોટલની વાનગીઓમાં આમેય હવે ક્યાં ભલીવાર રહી છે? વેઈટર આવીને નવી ડિશ તમારા ટેબલ પર મૂકે છે. તમે કશી પણ અપેક્ષા વગર એક ટુકડો તોડીને મોંમાં મૂકો છો. એકદમ ચમકી ઉઠો છો તમે. તમારી સ્વાદેન્દ્રિય સતેજ થઈ જાય છે. ટટ્ટાર થઈને તમે બીજો ટુકડો આરોગો છો. અરે વાહ, કમાલનો સ્વાદ છે! અને પછી તો તમે આ નવી વાનગી પર રીતસર તૂટી પડો છો. ડિશ સફાચટ કરીને, સૉલિડ તૃપ્ત થઈને, વેઈટરને તગડી ટિપ આપીને પેટ પર હાથ ફેરવતા ફેરવતા તમે રેસ્ટોરાંની બહાર નીકળો છો.



અહીં ‘રેસ્ટોરાં’ના સ્થાને યશરાજ બેનરને મૂકો. નવી વાનગીની જગ્યાએ ‘બેન્ડ બાજા બારાત’ને મૂકો. બસ, યશરાજની આ લેટેસ્ટ ફિલ્મ જોઈને તમે એક્ઝેક્ટલી આવી જ ફીલિંગ થાય છે. તમને થાય કે આપણે તો કશી જ અપેક્ષા વગર ફિલ્મ જોવા બેઠા’તા ને આ તો મારી બેટી મસ્ત ફિલ્મ નીકળી! ડિરેક્ટર મનીશ શર્માનું આ પહેલું સાહસ છે. હીરો રણવીર સિંહની પણ આ પહેલી જ ફિલ્મ છે. થ્રી ચિયર્સ ટુ ફર્સ્ટ-ટાઈમર્સ!



કાં બિઝનેસ કાં પ્રેમ



આમ તો આ સીધીસાદી લવસ્ટોરી જ છે. ખેડૂતપુત્ર બિટ્ટએ (નવોદિત રણવીર સિંહ) દિલ્હીની હોસ્ટેલમાં રહીને હમણાં જ કોલેજ પૂરી કરી છે. શ્રુતિ (અનુષ્કા શર્મા)નું પણ એવું જ છે. અનુષ્કાને વેડિંગ પ્લાનર બનીને સ્વતંત્ર બિઝનેસ કરવાની જબરી હોંશ છે. બિટ્ટુ એનો પાર્ટનર બની જાય છે. ખડૂસ શ્રુતિ પહેલેથી જ એક વાતે સ્પષ્ટ છેઃ બિઝનેસ પાર્ટનર સાથે રોમાન્સના ચક્કરમાં નહીં પડવાનું. પણ પ્રેમ થાય છે. પછી દિલ અને બિઝનેસ બન્ને તૂટે છે અને પછી...



તાજગીથી ભરપૂર મનોરંજન



સાચું પૂછો તો ફિલ્મની શરૂઆતમાં જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલાં પંજાબી શાદીનાં એનાં એ જ વિઝયુઅલ્સ જોઈને તમને હિપોપોટેમસ જેવડું મોઢું ફાડીને બગાસું ખાવાનું મન થાય છે. તમને થાય કે માર્યા ઠાર, ફરી પાછા મેરે હાથોં મેં નૌ-નૌ ચૂડિયાં ખનકશે ને કંટાળાનો પાર નહીં રહે. પરંતુ થાય છે એનાથી લટું. હીરોહિરોઈન બન્ને વેડિંગ પ્લાનર હોવાથી પંજાબી-મારવાડી-મુસ્લિમ લગ્નોની ધમાલ અહીં વ્યાજબી પશ્ચાદભૂ તરીકે ઉભરે છે. શાદીબારાતનો માહોલ અહીં વાર્તાને આગળ વધારવા માટેની સ્માર્ટ ડિવાઈસ બની રહે છે.



આ ફિલ્મ ધારી અસર ભી કરી શકે છે તેનાં ઘણાં કારણો છે. સૌથી પહેલાં તો, આ ફિલ્મ ઝીરો હાઈપ અને ઝીરો અપેક્ષા સાથે રિલીઝ થઈ એ તેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. લંબૂસ નૉન-હેપનિંગ હિરોઈન અને સમોસા જેવા ચપટા નાકવાળા અજાણ્યા હીરોની ફિલ્મ પાસેથી કોઈ શું કામ કશુંય એક્સપેક્ટ કરે. વાર્તા સાવ સાદી અને પ્રિડિક્ટીબલ હોય ત્યારે ઓડિયન્સનો રસ ટકાવી રાખવો આસાન નથી હોતો. અહીં ડિરેક્ટર મનીશ શર્મા આ કામ ખૂબીપૂર્વક કરી શક્યા છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ સેકન્ડ-હાફ-સિન્ડ્રોમનો ભોગ બની નથી. ઈન્ટરવલ પહેલાં અને પછી યોગ્ય જગ્યાએ યોગ્ય સ્પંદનો પેદાં થતાં રહે છે. ડિટેલિંગ સરસ થયું છે. ક્યાંય કશુંય લાઉડ કે અતિ નાટ્યાત્મક નથી. ઘટનાઓની રજૂઆતમાં ડિરેક્ટર સતત સંયમિત રહી શક્યા છે, જે પ્રશંસનીય છે. ફિલ્મની પેસ અને રમૂજનો ડોઝ બન્ને માપસર છે.



તગડી સ્કિપ્ટ અને અત્યંત સહજ, ચોટદાર સંવાદોની ક્રેડિટ જાય છે હબીબ ફૈઝલને. થોડા સમય પહેલાં આવેલી ‘દો દૂની ચાર’ (રિશી કપૂર-નીતૂ સિંહ) ફિલ્મના તેઓ રાઈટર-ડિરેક્ટર હતા. હબીબ ફૈઝલે દિલ્હીનો મિડલક્લાસ માહોલ ગજબનો આત્મસાત કર્યો છે. મૂળ ગામડાગામનો હીરો ‘બિઝનેસ’ને ‘બિન્નેસ’ કહે છે. શરાબના નશામાં ‘કાંડ’ કરી લીધા પછી નર્વસ થઈ ગયેલા હીરોને નાયિકા કહે છે, ‘તેરી ક્યું ફટી પડી હૈ?’ ફિલ્મોના સંવાદોમાંથી સતત રેલાતી મિડલ-ક્લાસ દિલ્હીની આહલાદક ખૂશ્બો માણવા જેવી છે.



અનુષ્કા શર્માએ તેની પહેલી જ ફિલ્મ ‘રબને બના દી જોડી’થી સાબિત કરી દીધું હતું કે તે તગડી પર્ફોર્મર છે. આ ફિલ્મમાં તે બરાબરની ખીલી છે. હીરો સાથેની એની કેમિસ્ટ્રી પડદા પર સુંદર રીતે ઉપસે છે. ફિલ્મનો સૌથી મોટી હાઈલાઈટ તો તેનો હીરો છે રણવીર સિંહ. જાણે દસ ફિલ્મો કરીને બેઠો હોય એટલો કૉન્ફિડન્સ એના અભિનયમાં એકધારો વર્તાય છે. કમાલનું છે એનું એનર્જી લેવલ. કોઈ પણ અદાકારની ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકવાની ક્ષમતા બહુ મહત્ત્વની હોય છે. રણવીરને આ ડિપાર્ટમેન્ટમાં ફુલ માર્કસ આપવા પડે. તે ડાન્સ-બાન્સ પણ સારો કરી જાણે છે. ટૂંકમાં, જો નસીબ સારું હશે અને યોગ્ય ફિલ્મો મળતી રહેશે તો આ છોકરો બોલીવૂડમાં જમાવટ કરશે. રણબીર કપૂર - ઈમરાન ખાન - નીલ નીતિન મૂકેશ એન્ડ પાર્ટી, સાવધાન!



ફિલ્મનું કેમેરાવર્ક (અસીમ મિશ્રા) મુખ્ય પાત્રોના તરવરાટ અને અજંપા સાથે જાણે તાલ મિલાવતું હોય તેમ સતત ગતિશીલ તેમજ એનર્જેટિક રહે છે. સલીમસુલેમાને ‘કજરા રે’ જેવું એક પણ ચાર્ટબસ્ટર ગીત આપ્યું નથી, પણ ફિલ્મ પૂરતાં ગીતો ઠીકઠીક જમાવટ કરે છે. અને થેન્ક ગોડ, અનુષ્કા ફિલ્મમાં એક પણ વાર શિફોનની સાડી પહેરતી નથી અને હીરો-હિરોઈન ડ્રીમસોંગમાં પણ ધડામ્ કરતાં સ્વિટર્ઝલેન્ડ પહોંચી જઈને કમર હલાવ-હલાવ કરતાં નથી. ચિક્કાર પૈસા લઈને ધનપતિઓનાં લગ્નોમાં નાચવા પહોંચી જતા શાહરૂખ ખાનની બરાબરની ખિલ્લી ઉડાવવામાં આવી છે.



‘બેન્ડ બાજા બારાત’ કંઈ મહાન સિનેમા નથી. આ એક સીધીસાદી, સેન્સિબલ અને આહલાદક ફિલ્મ છે. ફિલ્મ જોઈને તમે થિયેટરની બહાર નીકળો છો ત્યારે તમારા ચહેરા પર મોટું સ્માઈલ હોય છે. આનાથી વધારે બીજું શું જોઈએ.

0 0 0

No comments:

Post a Comment