Friday, November 26, 2010

સુખ માર્ગ છે, મંઝિલ નહીં...

ચિત્રલેખા અંક તારીખ ૬ ડિસેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



સ્લગઃ વાંચવા જેવું


ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’



‘નવનીત સમર્પણ’ માસિકમાં વર્ષા અડાલજાની ‘ખરી પડેલો ટહુકો’ નવલકથા ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ સંતાન અને તેની મા વચ્ચેના નાજુક સંબંધની તેમાં વાત હતી. એક દિવસ તત્કાલીન તંત્રી ઘનશ્યામ દેસાઈએ લેખિકાને ફોન કર્યોઃ વર્ષબહેન, હમણાં ને હમણાં ઓફિસે આવો. બસ, આવો જ. વર્ષા અડાલજા લગભગ દોડતાં પહોંચ્યાં. તેમણે જોયું કે અમેરિકાથી આવેલાં એક ગુજરાતી મહિલા આ નવલકથાનું મિસ થઈ ગયેલું પ્રકરણ વાંચી રહ્યાં હતાં. તેમનો ખુદનો દીકરો મેન્ટલી ચેલેન્જ્ડ હતો અને તેઓ વાસ્તવમાં નવલકથાની નાયિકા જેવું જીવન જીવતાં હતાં. વર્ષાબહેનને મળતાં જ મહિલા તેમને ભેટી પડ્યાં. કહેઃ તમારી વાર્તા વાંચીને મને મારા જીવનમાં સમાધાન મળ્યું. સમાજ સામે તમે આવાં બાળકો અને તેમના સ્વજનોની કથાવ્યથાને ફોકસમાં મૂકી આપી. થેન્ક્સ. આટલો કિસ્સો વર્ણવીને વર્ષા અડાલજા કહે છે, ‘... અને મને ને ઘનશ્યામભાઈને અમારું ‘સુખ’ મળી ગયું.’



એક સર્જક ભલે લાખો રૂપિયાના પુરસ્કાર કે રોયલ્ટી મેળવતો ન હોય, પણ જો તેની કૃતિ કોઈના જીવનને મૂળમાંથી સ્પર્શી શકે તો એ જ તેનું સુખ, તેની સાર્થકતા. વ્યક્તિએ-વ્યક્તિએ સુખની સમજ અને અનુભૂતિનું સ્વરૂપ જુદાં જુદાં હોવાનાં. સુરેશ દલાલે સંપાદિત કરેલું ‘મારું સુખ’ નામનું આ રૂપકડું પુસ્તક વાસ્તવમાં સુખનું શેડકાર્ડ છે. જુદાં જુદાં ક્ષેત્રોની ૭૨ વ્યક્તિઓએ પોતપોતાનાં કરેલી સંવેદનશીલ વાતોમાં સુખના એટલા બધાં રંગો અને વૈવિધ્ય ઉપસે છે કે વાચકને પોતાના સુખ સાથે મેચ થતો શેડ મળી જ રહે.



કાલિન્દી રાંદેરી લખે છેઃ ‘મનુષ્યસ્વભાવના છ શત્રુઓઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને ટાળી શકાય તો સુખ જ સુખ છે.’ એમ તો આપણી એક કહેવત પણ કહે જ છે ને કે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે કહ્યાગરી નાર અને ચોથું સુખ તે ભોજનમાં કંસાર... શું જીવનનાં મહાન સત્યોની જેમ સુખનું સત્ય પણ આટલું સાદું છે? કદાચ, ના. ચંદ્રકાંત બક્ષીએ ‘હું, કોનારક શાહ...’ નવલકથામાં એક પાત્રના મોઢે શબ્દો મૂક્યા છેઃ ‘માણસે માત્ર પોતાનાં દુખની બાબતમાં પ્રામાણિક થયે ચાલતું નથી... પોતાના સુખની બાબતમાં પણ પ્રામાણિક થવું પડે છે...’

સુખનો ઝરો શું આપણી ભીતર જ કશેક છુપાયેલો હોય છે? ઈશા કુન્દનિકા કહે છે, ‘મારું સુખ...જે દુખની ઉપરવટ થઈને ટકી રહે છે. એમાં નિરંતરતા છે. એક કાયમી રહેલી લાગણી, ક્યાંક કશાક પરનો કદાચ વિશ્વાસ, કશીક શ્રદ્ધા, કશુંક. કશુંક શું તેની સમજ નથી પડતી, પણ કંઈક છે જે અંદર છે અને હંમેશાં રહે છે.’



ભગવતીકુમાર શર્મા માટે શબ્દવ્યાપાર જ ચરમ અને પરમ સુખાનુભૂતિનું માધ્યમ છે. મૂકેશ જોષી સરસ રહે છેઃ ક્યારેક મારી કવિતાના શબ્દો કોઈના હ્યદયને હળવા પવનની જેમ સ્પર્શે છે ત્યારે હું જ્યાં હોઉં ત્યાં સુખનો મિસ્ડ કોલ આવી જાય છે! અરુણા જાડેજા કાર્યશક્તિમાં સુખ જુએ છે. સુખ અને કર્મ આ બે વચ્ચે હંમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. સતત કામમાં વ્યસ્ત રહેવું તે સુખની દિશા હોય છે કે પછી પલાયનવાદનું સરનામું? પ્રદીપ ખાંડવાળા પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે, ‘શું હું મેસોકિસ્ટ છું જે પોતાને દુખ આપી સુખનો અહેસાસ કરવાનો પ્રયત્ન કરતો રહે? કે શું હું નિરુત્સાહી છું જે કાર્યોમાં રત રહીને ડિપ્રેશનમાંથી છટકવાના ઉપાયો શોધતો ફરે?’ આનો જવાબ પોતાની ભીતરથી જ જડી આવે છે, ‘ના, આ કષ્ટોનો સ્ત્રોત છે કંઈ નવું કરવાનો, કંઈ નવું શીખવાનો આનંદ, પડકાર ઝીલવાનો આનંદ, સર્જન કરવાનો આનંદ...’



સર્જન પછીની નિરાંત ખરેખર સુખદાયક હોય છે. ભરત ઘેલાણી એટલે જ કહે છે ને કે, ‘મારા માટે ખરું સુખ એટલે ‘ચિત્રલેખા’નું કામ આટોપી લીધા પછી હું મારા એકાંતમાં એરકન્ડિશનની આછી હૂંફાળી ટાઢક વચ્ચે મારા ડબલ બેડ પર એકલો પથરાઈને મારું મનગમતું પુસ્તક વાંચતો હોઉં, પાછળ ફાઈવ પોઈન્ટ વન મ્યુઝિક સિસ્ટમ પર મારાં ગમતીલાં ગીત આછાં આછાં ગુંજતાં હોય અને ડબલ બેડના સાઈડ સાઈડ ટેબલ પર ચિલ્ડ બિયરનો ગ્લાસ હોય...’ ખરેખર, ભૌતિક સુવિધાઓની કિંમત ઓછી આંકવા જેવી નથી જ!



પ્રકૃતિના સાન્નિધ્ય અને સુખ વચ્ચે પાક્કી દોસ્તી છે. દીપક દોશી સુખ વિશે વિચારે એટલે તરત તેમના મનમાં મુંબઈનાં હ્યદય જેવું કેન્હેરીનું જંગલ ઊભું થાય. અઠવાડિયે એકાદ વાર અહીં આવીને ‘જીવન સુંઘી જવાનો’ તેમનો વર્ષોનો ક્રમ છે. ઉત્પલ ભાયાણી રોજ ચર્ચગેટથી અંધેરી પાછા ફરે ત્યારે લોકલ ટ્રેનમાં સાવ ફૂટબોર્ડની ધાર પર ઊભા રહે. મસ્તક ટ્રેનની સપાટીની બહાર હોય, અંદરનો કોલાહલ સતત કાને પડતો રહે અને આંખ સામેથી મુંબઈના ત્રસ્ત અને વ્યસ્ત મુંબઈનાં દશ્યો સડસડાટ પસાર થતાં જાય. ‘એટલે જે દેખાય છે એ સંભળાતું નથી અને જે સંભળાય છે એને જોતો નથી,’ ઉત્પલ ભાયાણી કહે છે, ‘આ રોજિંદો અનુભવ મારું અદકેરું સુખ છે.’ વેલ, સુખનું આ શહેરી સ્વરૂપ છે!



સુખના પરિઘમાં માત્ર ‘સ્વ’નો જ સમાવેશ થાય તે ક્યાં જરૂરી છે? કોઈ દુભાયેલી વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રી જ્યારે પોતાના મનનો સંતાપ પન્ના નાયક પાસે શેર કરે, એમની સાથે વાતો કરીને એ વ્યકિતનું મન હળવું થાય ત્યારે એમને સુખ મળે છે. જયેશ ચિતલિયાને ફિલ બોસમન્સે લખેલું અને રમેશ પુરોહિતે અનુદિત કરેલું ‘સુખને એક અવસર તો આપો’ એટલું ગમી ગયું કે તેની સંખ્યાબંધ નકલો લઈને પ્રિયજનોને ભેટમાં આપવું એ તેમનું સુખ બની ગયું. ગમતાને ગુલાલ કરવામાં તેમને ભરપૂર સુખ મળે છે. જયેશ ચિતલિયા સુખની સરસ વ્યાખ્યા બાંધે છેઃ ‘સુખ મંઝિલ નથી, માર્ગ છે...’ સ્વજનો સાથે રસાયેલા સુખનું આગવું સૌંદર્ય છે. વિનોદ ભટ્ટની સુખદ ક્ષણો અણીશુદ્ધ દાદાગીરીમાં સમાયેલી છે. ‘એને માટે અલબત્ત, દાદાનું સ્ટેટસ મેળવવું પડે,’ તેઓ સ્મિતપૂર્વક લખે છે, ‘આ દાદાગીરી એ ભોગવવા જેવું સુખ છે.’



સંગીત દ્વારા પેદા થતા સુખનું મૂલ્ય તો પ્રકાશ મહેતા અને ડો. સિલાસ પટેલિયા જેવા સંગીતરસિયાઓ જ જાણે. ‘મારામાં રહેલી શક્યતાઓને મિત્રો અને વડીલોએ ઓળખી એ મારું મોટું સુખ,’ આટલું કહીને ગાયક-સંગીતકાર સુરેશ જોશી પછી ઉમેરે છે, ‘... તો પછી સુખ નામનો પદારથ એ સંગીતનું બીજું નામ તો નહીં હોય ને?’



પ્રજ્ઞા પૈની સુખની વ્યાખ્યા સાદી પણ સચોટ છેઃ ‘મારા મતે, સુખ એટલે ભૂતકાળની ભુલો અને ભવિષ્યની કપોળકલ્પિત મુશ્કેલીઓના વિચારોેને હડસેલી ડિલીટ કરી વર્તમાન ક્ષણ માણી લેવાની ક્ષમતા.’ રાધેશ્યામ શર્મા ટોટલ એક્સેપ્ટન્સ એટલે કે સમગ્રના સ્વીકારમાં સુખ જુએ છે, જ્યારે હરિભાઈ કોઠારીનું કહેવું છે કે, ‘પ્રભુની શરણાગતિ સમું સુખ જગતમાં બીજું એકેય નથી.’



આખા પુસ્તકમાં કદાચ સૌથી પારદર્શક કેફિયત કાજલ ઓઝા-વૈદ્યની છે. તેઓ લખે છે, ‘મને એવું સમજાયું છે કે સુખ એ તદ્દન અંગત લાગણી છે. સામેની વ્યક્તિને આપણા સુખ સાથે કોઈ સંબંઘ જ નથી... ઈર્ષ્યાનો પણ નહીં!’ આટલું કહીને તેઓ આખરે ઉમેરે છે, ‘હવે ‘મારું સુખ’ હું જે કરું છું તેમાં છે... જે ક્ષણે જ્યાં હોઉં છું ત્યાં જ હોય છે... હું જેને મળું છું તે સહુ મને સુખી કરે છે... જે જીવું છું એનું નામ ‘સુખ’ રાખતાં હવે મને આવડી ગયું છે.’



અપૂર્વ આશરે કરેલી ‘મારું સુખ’ પુસ્તકની સજાવટ ભારે કલ્પનાશીલ છે. પ્રત્યેક લેખકનો ટૂંકમાં પરિચય આવ્યો હોત તો સારું થાત. આ પુસ્તકમાં અંકિત થયેલાં સુખનાં સત્ત્વશીલ ગાનને કાન દઈને સાંભળવા જેવું છે. મનોહરસિંહજી જાડેજા ‘સુખ કે પછી આનંદ- એનાં ગાણાં ન ગવાય’ એવું કહેતા હોય તો પણ!



(મારું સુખ

સંપાદકઃ સુરેશ દલાલ

પ્રકાશકઃ ઈમેજ પબ્લિકેશન,

પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ૧.

સેન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ,અમદાવાદ૬.

ફોનઃ (૦૨૨) ૨૨૦૦૨૬૯૧, (૦૭૯) ૨૬૫૬ ૦૫૦૪

કિંમતઃ રૂ. ૫૦૦/

પૃષ્ઠ સંખ્યાઃ ૨૭૮)



૦૦૦૦

No comments:

Post a Comment