Monday, September 27, 2010

અમેરિકન અન્ડરવર્લ્ડનું ગુજરાતી કનેક્શન!

‘અહા! જિંદગી’ના વાર્ષિક અંક-૨૦૧૦માં પ્રકાશિત


કોલમઃ ફલક

આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી.





એન ઓફર યુ કાન્ટ રિફ્યુઝ.’

આ અતિપ્રચલિત વાક્ય વાસ્તવમાં ‘ધ ગોડફાધર’નો એક સંવાદ છે. કોઇ કૃતિ કે એનો નાનકડો અંશ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી લે પછી ક્યારેક જનમાનસનો હિસ્સો બનીને સમયની સપાટી પર જુદાં જુદાં સ્વરૂપોમાં તરતો રહેતો હોય છે. મારિયો પુઝોએ ૧૯૬૯માં લખેલી નવલકથા ‘ધ ગોડફાધર’ આજે ચાર દાયકા પછી પણ ખૂબ વંચાય છે. આ પુસ્તક પરથી ફ્રાન્સિસ ફોર્ડ કપોલાએ આ જ નામની ફિલ્મ, રાધર, ત્રણ ફિલ્મોની શંૃખલા બનાવી, જેણે સર્વકાલીન શ્રેષ્ઠતમ્ ફિલ્મોમાં મજબૂત સ્થાન મેળવી લીધું. મારિયો પુઝોએ આ ફિલ્મોનાં સ્ક્રીનપ્લે લખ્યાં હતા. પુઝોએ અપરાધની દુનિયામાં રમમાણ રહેતા ઇટાલિયનઅમેરિકન પરિવારો વિશે એટલી અસરકારતાથી લખ્યું કે લોકો માનવા લાગેલા કે પુઝો પોતે ક્રાઇમવર્લ્ડ સાથે કોઇક રીતે સંકળાયેલા હોવા જોઇએ, એ સિવાય તેમને ‘અંદર કી બાત’ની આટલી ઝીણવટભરી જાણકારી કેવી રીતે હોય? પુઝોએ જોકે અન્ડરવર્લ્ડ કનેક્શનવાળી આ વાત ઘસીને નકારી કાઢી હતી.



Mario Puzo
   1999માં મૃત્યુ પામેલા મારિયો પુઝો મોટા લેખક ગણાયા, પણ નાનપણમાં કોઇએ કલ્પના નહીં કરી હોય કે આ છોકરો આગળ જઇને આટલું નામ કાઢશે. તેમના ઘરનું વાતાવરણ કોઇ રીતે ‘લેખકજીવ’ને પોષણ આપે એવું નહોતું. મારિયો પુઝોનાં માબાપ અભણ હતાં. ‘મારી મા તો મારંુ લાઇબ્રેરી મેમ્બરશિપ કાર્ડ જોઇને છળી ઊઠતી,’ ફ્રેશ એર નામની એક અમેરિકન રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મારિયો પુઝોએ કહેલું, ‘સંતાનની બેગમાંથી નશીલી દવાની પડીકી જોઇને અત્યારની મમ્મીઓના જે રીતે હોશકોશ ઊડી જાય છે એવી જ કંઇક પ્રતિક્રિયા મારી મા મારી વાંચવાની ચોપડીઓ જોઇને આપતી. એ કહ્યા કરતીઃ વાંચીને આંખો ફોડ્યા કરવાથી તારો દહાડો નથી વળવાનો. મા તો બિચારી એવું જ માનતી કે મારો દીકરો મોટો થાય ને એને ક્યાંક ક્લાર્કની નોકરી મળી જાય એટલે ભયો ભયો. મારે પેટનો ખાડો પૂરવા કાળી મજૂરી ન કરવી પડે એ જ તેના માટે બહુ મોટી વાત હતી.’

બચપણનો પારિવારિક માહોલ કંઇ માણસનાં ભવિષ્ય વિશેનો આખરી ચુકાદો ન તોળી શકે. નાનપણનો ઉછેર વ્યક્તિની જીવનયાત્રા નક્કી કરતાં અનેક પરિબળોમાંનું એક પરિબળ માત્ર હોઇ શકે, એ કંઇ એની સમગ્ર જિંદગીનો જડબેસલાક નકશો ન પેશ કરી શકે.

...‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ‘ટૂંકી વાર્તા અને હું’ વિશેષાંકમાંથી જોકે શબ્દસ્વામીઓની સાહિત્યયાત્રાનો નકશો જરૂર મળે છે. આ અંકમાં આપણી ભાષાના ૬૧ નવલિકાકારોનાં આત્મકથન શબ્દસ્થ થયાં છે, જેમાંનું એક ગોરધન ભેસાણિયાનું છે. વર્તમાન ગુજરાતી સાહિત્યજગતમાં સારા વાર્તાકાર તરીકે પ્રતિષ્ઠા પામેલા ગોરધન ભેંસાણિયા માંડ પાંચેક ચોપડી ભણ્યા છે. તેમણે લખ્યું છેઃ ‘...(મારો) વાંચનશોખ વધ્યો પંદરસોળ વર્ષની ઉંમરે. ત્યારે અમે સીમાડાના ખેતરે કૂવો ખોદાવીને વાડી શરૂ કરેલી. વાળુ કરીને વાડીએ જ સૂવા જવાનું. દિવસભર ભારે પરિશ્રમ કર્યો હોય છતાં વાંચ્યા વિના તો ચાલે જ નહીં. ફાનસનાં અજવાળે રાતના વાંચતો રહું... દિવસેય જો પાણી વાળતો હોઉં તો પુસ્તક સાથે જ હોય. ક્યારો ભરાય ત્યાં સુધીનો સમય મળે. ...ઘણી વખત મારા બાપુજી આવતા હોય ને દૂરથી જોઇ જાઉં તો ગમે તેવું પુસ્તક હોય, નેફામાં ભરાવી દેવાનું! હું દરરોજનું એક પુસ્તક વાંચી નાખતો, પણ કોઇને ખબર ન પડે તેમ. વાંચન પણ ચોરીછૂપીથી કરવું પડે તેવું બહુ ઓછા લેખકોનાં નસીબમાં હશે.’

ગોરધન ભેસાણિયાએ વાંચનની જેમ લેખન પણ ચોરીછૂપીથી જ કરવું પડતું. ક્યારેક છપાયેલ લેખ કે વાર્તાની પ્રતો મારા બાપુજી જોઇ જાય તો સાંભળવું પડતુંઃ ‘આવા ધંધા કરશો તો ભૂખે મરશો. જરાક કામમાં ચિત્ત રખાય. આમાંથી રોટલા નહીં મળે.’

અદ્લ મારિયો પુઝોની મા જેવા જ શબ્દો!

ખોબા જેવડા વતનના ગામમાં લાઇબ્રેરી ક્યાંથી હોવાની? દોઢ ગાઉ દૂર બીજા ગામે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લેવાઆપવા જવું પડે. આ લાઇબ્રેરી પુસ્તકોના માત્ર બે મોટા કબાટ, જે ત્રણચાર વરસ માંડ ચાલ્યા. શોધ પાછી આગળ ચાલી. છ કિલોમીટર દૂર બીજા એક ગામમાં લાઇબ્રેરી હતી, પણ પુસ્તકો બહારગામ લઇ જવાની મનાઇ. ગોરધન ભેસાણિયા લખે છેઃ ‘અમારી મદદ કોઇ કરે એમ નહોતું, કારણ કે ઘરના વડીલો જ કહેતાઃ ‘આ બેય છોકરા (ભેસાણિયા અને પાડોશી) બગડી ગયા છે. ચોપડીયું વાંચ્યા કરે છે.’

ચોક્કસ પ્રકારના વાતાવરણમાંથી આવતી વ્યક્તિ સાવ જુદા જ ક્ષેત્રમાં અણધારી ગતિ કરે અને ગજબનાક કાઠું કાઢે તો એને ચમત્કાર કહેવાય? ગુજરાતી ભાષાસાહિત્યમાં અમર સ્થાન બનાવી ચૂકેલા અને જેમણે લખેલી કૃતિઓ સ્કૂલો-કોલેજો-યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ તરીકે વર્ષોથી ભણાવાય છે તે ખેડૂતપુત્ર પન્નાલાલ પટેલ પોતે ફક્ત આઠ ચોપડી ભણ્યા હતા! તેઓ છએક વર્ષના થયા ત્યારે તેમના ગામમાં કામચલાઉ નિશાળ જેવું શરૂ થયેલું. આખો દી’ માના પડખાંમાં લપાયેલા રહેતા પન્નાલાલને ટીંગાટોળી કરીને નિશાળે લઇ જવા પડતા. માંડ થોડાંએક વર્ષોનું ભણતર પામેલા પન્નાલાલ પટેલે લખેલી ‘કંકુ’ અને ‘માનવીની ભવાઇ’ જેવી રચનાઓ પરથી પછી તો અવોર્ડવિનર ફિલ્મો પણ બની.


Pannalal Patel
  ‘મારા સાહિત્યસર્જન માટે શરૂઆતથી જ ‘ચમત્કાર’ શબ્દ વપરાતો આવેલો છે,’ ઉમાશંકર જોષીએ સંપાદિત કરેલાં અફલાતૂન પુસ્તક ‘સર્જકની આંતરકથા’માં પન્નાલાલ પટેલ લખે છે, ‘વળી કોઇક વાર એમ પણ કહેવાયું છે, પન્નાલાલનાં સાહિત્યસર્જનમાં પન્નાલાલનું પોતાનું શું? એટલે કે પન્નાલાલને તો (બધું) સહજ (યા તો કુદરતી રીતે જ) ઊકલી આવ્યું છે... હું પણ એ વાતનો સ્વીકાર કરતાં કહું છું કે આ પ્રકારનાં મંતવ્યોમાં ઘણું બધું તથ્ય સમાયેલું પણ છે!... મને ક્યારેય લેખક થવાનો વિચાર તો આવેલો જ નથી પછી મથામણ કરવાની કે ચિંતન કરવાની તો વાત જ ક્યાં રહી! મારા સહાધ્યાયી મિત્ર ઉમાશંકર જોશીએ મને લખવા માટે સૂચન કર્યું અને મેં એ ઝીલી લીધું. કોઇ પણ પ્રકારના ખચકાટ કે પ્રશ્ન વગર. અને આમ અણધારી રીતે મેં સાપને દોરડું સમજીને પકડી લીધેલો. એ પછી ભણેલી દુનિયાનો ને વિદ્વાનોનો આવકારઅહોભાવ જોવા મળ્યો ને એ પછી જ મને ખબર પડેલી કે દોરડું નથી પણ આ તો સાચોકલો સાપ, બલકે ફૂંફાડા મારતો ભોરિંગ છે!’


 ટેક્નિકલી અલ્પશિક્ષિત પન્નાલાલને ભાષાની ખેંચ કદી પડી નહીં. શબ્દોનો ધોધમાર પ્રવાહ એમની ભીતરથી ફૂટતો હતો. આપણે જેને ‘માંહ્યલો’ કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું ચીજ છે? જીવનની કેટલીય બાબતોનાં ઉદગમસ્થાન આપણને ક્યારેક તાર્કિક રીતે સમજાતાં હોતાં નથી. અલ્પ શિક્ષણ મળ્યું હોવા છતાંય પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ ઊંચાઇ પ્રાપ્ત કરી ચૂકેલી સત્ત્વશીલ વ્યક્તિઓને જોઇને સવાલ થાય કે સ્કૂલકોલેજનું ફોર્મલ ભણતર માણસને શું આપી શકે? ખૂબ બધું, જરૂર પૂરતું અથવા બહુ જ ઓછું... અને આ ત્રણેય જવાબો સાચા હોઇ શકે છે!   000

Saturday, September 25, 2010

ઐશ્વર્યા રાય - રજનીકાંતનું અજબગજબ

દિવ્ય ભાસ્કર, રવિવાર પૂર્તિ - ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત




કોલમઃ મલ્ટિપ્લેક્સ



એક ટોચની પ્લાસ્ટિક કંપનીએ ઐશ્વર્યાનું એક શીશી જેટલા લોહીનું સેમ્પલ ખરીદવા માટે અઢાર કરોડ રૂપિયાની ઓફર શા માટે મૂકી?






રજનીકાંત સિનેમાજગતની એક વિશિષ્ટ જણસ છે. દક્ષિણ ભારતમાં તે એ દેવની જેમ પૂજાય છે. અજબગજબની સ્ટાઈલો મારવામાં કોઈ એનો મુકાબલો કરી શકે તેમ નથી. ચશ્મા ગોળગોળ ઘુમાવવાની સ્ટાઈલ, સળગતી સિગારેટને હવામાં રોકેટમાં ઉછાળીને પાછી હોઠથી ઝીલી લેવાની સ્ટાઈલ અને બંદુકની ગોળીને હથેળીથી રોકી દેવાની સ્ટાઈલ રજનીકાંત આવાં બધાં ગતકડાં પડદા પર ખૂબ કરે છે, પણ તેના અસલી જીવનની નીચેની હકીકતો તમે જાણો છો કે નહીં? સાંભળો



- રજનીકાંત પુશ-અપ કરે ત્યારે તેનું શરીર સ્થિર રહે છે, પણ પૃથ્વી ઉપરનીચે થાય છે.

- રજનીકાંત ક્યારેય ઘડિયાળ પહેરતો નથી, કારણ સમય નક્કી કરવાવાળો જ એ છે.

- રજનીકાંતના ઘરને દરવાજા નથી. તે દીવાલની આરપાર આવજા કરે છે.

- રજનીકાંત શૂન્યનો ભાગાકાર કરી શકે છે.

- રજનીકાંત ઈન્ફિનિટી એટલે કે અનંત સુધી ગણતરી કરી શકે છે. ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, બણે રીતે.

- રજનીકાંત મુક્કો મારીને રિવોલ્વિંગ દરવાજામાં પણ કાણું કરી શકે છે.

- રજનીકાંત ચા બનાવે ત્યારે ગેસનો સ્ટવ પેટાવવાની જરૂર જ ન પડે. તે તપેલી સામે ગુસ્સાથી જુએ એટલે પાણી આપોઆપ ઉકળવા માંડે.

- જો તમે ગૂગલસર્ચ કરતી વખતે ‘રજનીકાંત ગેટિંગ કિક્ડ’ (એટલે કે ‘રજનીકાંતે માર ખાધો’) એવું ટાઈપ કરો તો ઝીરો રિઝલ્ટ મળે.

- બર્મ્યુડા ટ્રાયેન્ગલ વાસ્તવમાં બર્મ્યુડા સ્કેવર હતો, પણ રજનીકાંતે તેના પર જોરથી પગ પછાડ્યો તો એક ખૂણો ગાયબ થઈ ગયો.

- અમેરિકાને ઈરાકમાંથી કોઈ વિધ્વંસક અસ્ત્રોશસ્ત્રો ન મળ્યાં, કારણ કે રજનીકાંત તો ચેણાઈમાં રહે છે.

- સર્જનહારે બ્રહ્માંડની બહાર પણ એક વિશ્વ બનાવ્યું છે, કારણ કે રજનીકાંતથી ડરીને છૂપાઈ જવા માટે એકાદ જગ્યા તો જોઈએને!



હવે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ‘રોબોટ’ નામની ફિલ્મમાં રજનીકાંતની હિરોઈન બનેલી રૂપરૂપના અંબાર જેવી ઐશ્વર્યાની વાત કરીએ. તે મિસ વર્લ્ડ રહી ચૂકી છે અને નામ પાછળ ‘બચ્ચન’નું પૂંછડું લાગ્યું તે પછી પણ સૌંદર્યના મામલામાં અણનમ છે એની તો તમને ખબર છે. એમ તો રજનીકાંત વિશેની ઉપરની કેટલીક વાતો પણ તમે કદાચ સાંભળી હશે. નો પ્રોબ્લેમ. ઐશ્વર્યાના વર્તમાન અને ભવિષ્યની જે નવીનક્કોર ચટાકેદાર ખબરો હવે પેશ થવાની છે તે આજ પહેલાં તમે ક્યારેય નથી વાંચી એની ગેરંટી. સાંભળો



- એક દેશવ્યાપી સર્વેક્ષણમાં ૯૦ ટકા પુરુષોએ કબૂલ કર્યું કે તેમને કુંવારી ક્ન્યાઓ નહીં, બલકે પરિણીત વધારે સેક્સી લાગે છે. આ સર્વે ઐશ્વર્યા રાયનાં લગન્ પછી કરવામાં આવ્યો હતો.



- એક ટોચની પ્લાસ્ટિક કંપનીએ ઐશ્વર્યાનું એક શીશી જેટલા લોહીનું સેમ્પલ ખરીદવા માટે અઢાર કરોડ રૂપિયાની ઓફર મૂકી છે. શા માટે? કંપની જાણવા માગતી હતી કે ઐશ્વર્યાના શરીરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ એક્ઝેક્ટ્લી કેટલું છે. નેેચરલી, અમિતાભ બચ્ચને પુત્રવધૂની અવહેલના કરનાર કંપની પર સાડા ચાર અબજનો દાવો ઠોકી દીધો છે. આ રકમના એક હિસ્સામાંંથી એબી કોર્પ ‘પા’ની સિક્વલ ‘બા’ બનાવશે. તેમાં ઐશ્વર્યા સાસુમા જયા બચ્ચનની બા બનશે.





- પાકિસ્તાન સામેના યુદ્ધમાં અદભુત દેખાવ કરવા બદલ ઐશ્વર્યા રાયને શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. મોરચા પર ઐશ્વર્યાને જોઈને મુગ્ધ થઈ ગયેલા પાકિસ્તાની જવાનોએ ક્હ્યું હતું કે મેડમ, તમારું સ્માઈલ એટલું સુંદર છે કે એ જોઈને અમારા દિલ ધબકવાનું ભૂલી જાય છે. ઐશ્વર્યાએ કહ્યુંઃ એમ? પછી તેણે પાકિસ્તાની સૈનિકો સામે નોનસ્ટોપ પંદર મિનિટ સ્માઈલ ર્ક્યું અને...



- ઓલિમ્પ્ક્સિમાં નજરથી તીર છોડવાની ગેમમાં ઐશ્વર્યા રાયે ગોલ્ડ મેડલ જીત્યો.



- ઐશ્વર્યાને જોકે એ વાતનો અફસોસ રહી ગયો કે તે ‘અખિયોં કે ગોલી મારે’ સ્પોર્ટમાં ભાગ લઈ ન શકી, કારણ કે નિયમ પ્રમાણે ‘નજરોં કે તીર ચલાના’ અને ‘અખિયોં સે ગોલી મારના’ આ બેમાંથી કોઈ એક જ સ્પોર્ટમાં ભાગ લઈ શકાય તેમ હતો.



- એક કાર એક્સિડન્ટમાં ઐશ્વર્યા બળીને ભડથું થઈ ગઈ તેવા સમાચાર સાંભળતા જ દેશના સત્તર જુવાનોએ ચાકુ વડે પોતાની આંખો ફોડી નાખી. શા માટે? તેમને ખબર હતી કે ઐશ્વર્યાએ પોતાના નિધન પછી નેત્રદાન કરવાની જાહેરાત કરી હતી અને તેઓ પોતાની ફૂટેલી આંખની જગ્યાએ ઐશ્વર્યાની આંખ ફિટ કરાવવા માગતા હતા.



- આ સત્તરેય યુવાનોને બચ્ચનપરિવાર તરફથી રેબેન બ્રાન્ડના મોંઘાદાટ કાળા ગોગલ્સ આશ્વાસન રૂપે ભેટ આપવામાં આવ્યા, કારણ કે ઐશ્વર્યા કડેધડે હતી અને એક્સિડન્ટની ખબર માત્ર અફવા હતી.



- વાસ્તવમાં રંભા, મેનકા અને ઉર્વશી સહિતની સ્વર્ગની અગિયાર સિનિયર અપ્સરાઓનું કમોત હતું અને તેઓ કાર એક્સિડન્ટને લીધે નહીં, પણ ઐશ્વર્યાના રૂપની ઈર્ષ્યાને કારણે બળીને ભડથું થઈ ગઈ હતી.




- ઐશ્વર્યા રાય પ્રેગનન્ટ થતાં જ આઠ ટોપમોસ્ટ ફિલ્મમેકરોએ તોતિંગ સાઈનિંગ અમાઉન્ટ આપીને તેના આવનારાં બાળકને સાઈન કરી લીધું. દીકરી હોત તો સોળ વર્ષ પછી અને દીકરો હોય તો ઓગણીસ વર્ષ પછી વારાફરતી આઠેય ફિલ્મોમાં કામ કરશે. અલબત્ત, આઠેય કોન્ટ્રેક્ટમાં એક કલમ કોમન છે કે સંતાન દેખાવમાં મા પર જવું જોઈએ. જો તે બાપ પર ગયું તો કોન્ટ્રેક્ટ કેન્સલ.



- ઐશ્વર્યાની ખૂબસૂરત જુવાન દીકરી પર જબરદસ્ત મોહિત થઈ ગયેલા બે યુવાનો વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમને શાંત પાડવા મિલીટરી બોલાવવી પડી. આ યુવાનો હતા સલમાન ખાનનો પુત્ર અને વિવેક ઓબેરોયનો પુત્ર.



શો સ્ટોપર



સ્ત્રીઓની હાજરીમાં હું શરમાઈ જાઉં છું. એમાંય જો મને ખબર પડે કે સ્ત્રીને મારામાં રસ છે ત્યારે તો ખાસ. સોશ્યલી હું બહુ કોન્ફિડન્ટ માણસ નથી.

- રણબીર કપૂર

Monday, September 13, 2010

સલમાનમાં એવું શું છે?

દિવ્ય ભાસ્કર- રવિવાર પૂર્તિ તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત




કોલમ ઃ મલ્ટિપ્લેકસ




Salman Khan - Age 5 years
સારો સવાલ છે. સલમાનમાં એવું તે શું છે? સલમાન પાસે નથી આમિર ખાન જેવી પ્રતિભા કે નથી એના જેવું ઊંડાણ. એની પાસે નથી શાહરૂખ ખાન જેવી શાર્પનેસ કે નથી મિડીયા સહિત સૌમાં પોતાના પ્રત્યે પોઝિટિવ લાગણી પેદા કરી દે તેવું વ્યક્તિત્વ. આ રીતે સલમાન બાપડો બાકીના બે ખાન કરતાં જોજનો પાછળ છે, પણ નસીબના બળિયા સલમાન પાસે બે મુખ્ય ચીજો છે. એક તો, સોહામણો દેખાવ. પૌરુષિક શરીર અને બાળક જેવો નિર્દોષ ચહેરો - આ કોમ્બિનેશન ડેડલી છે. અને બીજું, સ્ક્રીન પરથી ઓડિયન્સ સાથે સંધાન કરી શકવાની કમાલની કુદરતી ક્ષમતા. સલમાનના વ્યક્તિત્વમાં ‘પ્રેરણાદાયી’ કશુંય નથી, તે પરફેક્ટ બેડ બોય છે. છતાં ઓડિયન્સને તે ગમે છે અને તે જ અંતિમ સત્ય છે. એક્ટર તરીકે સાવ મિડીયોકર હોવા છતાંય સલમાન આમજનતાનાં ટોળટોળાં થિયેટર તરફ ખેંચી શકે છે. આ જ હકીકતમાંથી તેનો સ્ટાર પાવર પેદા થાય છે.



Salman at 16
સલમાનની પર્સનાલિટીમાં આકર્ષક હળવાશ છે, તે સ્ક્રીન પર નિર્દંભ માણસ જેવી અપીલ પેદા કરે છે અને આ ક્વોલિટી આત્મસ્વીકારની ભાવનામાંથી આવી છે. સલમાન જાહેરમાં કબૂલે છે કે મારી પાસે આમિર જેટલી બુદ્ધિ કે ટેલેન્ટ નથી. પોતાને જે નથી આવડતું તે કરવાનાં સલમાન ખોટાં હવાતિયાં પણ મારતો નથી. એને કદી થતું કે હાલો હાલો, હું અઘરી અઘરી ફિલ્મ સાઈન કરું, એકદમ કોમ્પ્લિકેટેડ પાત્રમાં ભયાનક તીવ્રતાથી એન્ટર થાઉં અને અભિનયના એવાં અજવાળાં પાથરી નાખું કે લોકો મોંમાં આંગળાં નાખી જાય. એને ખબર છે કે આવું બધું કરવા માટે એણે બીજો જન્મ લેવો પડશે. અભિનયકળા નસીરુદ્દીન શાહો અને ઓમ પુરીઓને મુબારક. સલમાનને તો એયને શર્ટ ઉતારીને બોડી દેખાડતા આવડે, બેચાર ઠુમકા મારીને થોડું ઘણું નાચી લેતા આવડે, ફાઈટ કરતા આવડે અને ઈન્ટરકોલેજિયેટ ડ્રામા કોમ્પિટીશનમાં ભાગ લેનાર નવાસવા છોકરડાના લેવલના ઈમોશનલ સીન કરતાં આવડે. બસ, તે આટલું કરે તોય પબ્લિક બિચારી રાજી રાજી. જનતાને સલમાન પાસેથી આવું જ બધું જોવું છે. આપણે માર્કેટમાં જઈએ ત્યારે ખબર હોય છે કે કપડાંની દુકાનમાં કપડાં જ મળે, શાકભાજી નહીં. એક્ટર લોકોનું પણ એવું જ છે. ઓડિયન્સને ખબર છે કે કઈ એક્ટરની દુકાનમાંથી શું મળશે. વધારે અપેક્ષા રાખીને કે ખોટી ડિમાન્ડ કરીને દુખી શું કામ થવાનું!



અલબત્ત, અમુક તગડા કલાકારો એક દુકાન જામી જાય પછી આજુબાજુના ગાળા ખરીદીને નવી દુકાનો
ખોલતા જાય છે. જેમ કે, આમિર ખાને શરૂઆત ચોકલેટી રોમાન્સ વેચવાથી કરેલી, પણ હવે તે મિની મોલ જેવો બની ગયો છે. તેની પાસેથી લગભગ બધું જ મળે ઈમોશન (અકેલે હમ અકેલે તુમ), કોમેડી (અંદાઝ અપના અપના, ઈશ્ક), એકશન (સરફરોશ, ગજની), મોટિવેશન (થ્રી ઈડિયટ્સ). અરે, તેના મોલમાં તો પ્રોડકશન (લગાન વગેરે) ઉપરાંત હવે ડિરેકશનનો (તારે ઝમીં પર) અલાયદો ફ્લોર પણ ધમધમવા લાગ્યો છે. સલમાન જાણે છે કે આવો ફેન્સી મોલ ખોલવાનું આપણું કામ નહીં. આપણી ફાફડાગાઠિયાજલેબી વેચતી દુકાન ધમધોકાર ચાલતી રહે એટલે ભયો ભયો.



સલમાનને બીજા હીરોલોગની જેમ પ્રલંબ યુવાનીનું વરદાન મળ્યું છે. અત્યારે એ પિસ્તાલીસ વર્ષનો ઢાંઢો થયો. પંદરેક વર્ષ પહેલાં એના માથામાં પહેલો સફેદ વાળ જોઈને તેની તે વખતની ગર્લફ્રેન્ડને મજા પડી ગયેલી. એણે વિચારી લીધું કે બસ, સલ્લુના દિવસો હવે ગણાવા માંડ્યા છે. આજે તે એક્સગર્લપફ્રેન્ડ ખખડી ગઈ હશે, પણ સલ્લુ હજુય રાતી રાયણ જેવો છે અને પોતાના કરતાં અડધી ઉંમરની હિરોઈન સાથે દબંગવેડા કરે છે. સલમાનની ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થઈ ત્યારે નવોદિત સોનાક્ષી સિંહા માંડ બે વર્ષની હતી!
‘દબંગ’ના શૂટિંગ દરમિયાન એક કિસ્સો બનેલો. પંચગીની નજીક પંદરેક કિલોમીટરના અંતરે આવેલા વાઈ નામના રળિયામણા ગામમાં એકશન સિકવન્સ શૂટ થઈ રહી હતી. એકશન ડિરેક્ટર વિજયને સલમાનની પિદૂડી કાઢી નાખી હતી. અધૂરામાં પૂરું, સીનમાં આગની જરૂર હતી એટલે ચારે બાજુ જ્વાળાઓ લપકી રહી હતી. ખૂબ બધો ધુમાડો અને કાર્બન સલમાનના શરીરમાં જતા રહ્યા હતા. અચાનક સલમાનનો શ્વાસ રુંધાવા લાગ્યો. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. તે ચુપચાપ બહાર ખુલ્લામાં પા કલાક બેઠો તોય પરસેવો બંધ ન થયો. શોટ રેડી થતાં તે ફ્લોર તરફ આગળ વધ્યો ને એકદમ ઊભો રહી ગયો. શરીરમાં ક્યાંક કશીક ગરબડ હતી. સલમાને એકશન ડિરેક્ટરનો હાથ પોતાની છાતી પર મૂક્યો. ધબકારા એટલા વધી ગયા હતા જાણે સુપરફાસ્ટ ટ્રેન ચાલી રહી હોય. સેટ પર ગભરાટ ફેલાઈ ગયો. તાત્કાલિક સલમાનને લોકલ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડોક્ટરે ચેક કરીને તરત પૂછ્યુંઃ શું તમે આગની આસપાસ શૂટ કરી રહ્યા હતા? સલમાને હા પાડી. આ જે લક્ષણો દેખાયાં હતાં તેનાં કારણમાં શરીરમાં ગયેલો ધુમાડો અને કાર્બન જ હતાં. છતાંય અગમચેતીનાં પગલાં રૂપે

સલમાનનો ઈસીજી લેવામાં આવ્યો. રિપોર્ટ નોર્મલ આવ્યો. બધા પાછા સેટ પર પહોંચી ગયા અને કામકાજ પણ શરૂ કરી દીધું, પણ આ પ્રસંગ સલમાન ક્યારેય ભુલી શકવાનો નથી.



બોડી ભલે ગમે તેવું મેન્ટેઈન કર્યું હોય, ઉંમર ઉંમરનું કામ કરે જ છે. અલબત્ત, સલમાનના નોર્મલ રિપોર્ટથી યુનિટમાં સૌને સંતોષ થઈ ગયો હતો. આ કિસ્સો સાંભળીને સલમાનની પેલી એક્સગર્લફ્રેન્ડને પણ એક વિચિત્ર પ્રકારનો સંતોષ થઈ જવાનો!



શો સ્ટોપર



રિબન કાપીને ઉદઘાટનો કરવા માટેનાં સૌથી વધુ આમંત્રણો આજે નેહા ધુપિયાને મળે છે, કારણ કે એક રિબન કાપવાના તે માત્ર પાંચ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

- અમોદ મહેરા, ટ્રેડ એનેલિસ્ટ

Saturday, September 11, 2010

શેરડીનો સંચો અને લેખકની કલમ

‘અહા! જિંદગી’ મેગેઝિન સપ્ટેમ્બર-૨૦૧૦ના અંકમાં પ્રકાશિત




કોલમઃ ફલક



લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. લેખક પોતાની અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે.... પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી?



આમિર ખાને એક ઈન્ટવ્યુમાં કહેલુંઃ ‘એક તબક્કે ‘પીપલી લાઈવ’માં નથ્થાનું મુખ્ય પાત્ર હું ભજવું તેવી શક્યતા ઊભી થઈ હતી. રાઈટરડિરેક્ટર અનુશા રિઝવી મારો વિડીયો ટેસ્ટ પણ લેવાની હતી. અમે જોવા માગતા હતા કે આ કેરેક્ટરમાં હું કેવોક દેખાઉં છું.. પણ ત્યાં જ અમને ઓમકારદાસ માણિકપુરી મળી ગયો. તે નથ્થાના રોલ માટે એટલો પરફેક્ટ હતો કે પછી મારો વિડીયોટેસ્ટ જ ન લેવાયો.’

છત્તીસગઢના દેહાતી કલાકાર ઓમકારદાસના અસલી જીવનના અનુભવોનું વિશ્વ દેખીતી રીતે જ મુંબઈમાં ફાઈવસ્ટાર જીવન જીવેલા કરોડપતિ આમિર ખાન કરતાં જુદું હોવાનું, નથ્થાના કિરદારથી વધારે નિકટ હોવાનું. નથ્થાના પાત્રમાં ઓમકાર જે અસર ઊપજાવી શક્યો છે તે આમિર ક્યારેય પેદા કરી શક્યો ન હોત. અભિનેતા હોય કે લેખક, આખરે તો તેણે ખુદના અનુભવો, અનુભૂતિઓ, નિરીક્ષણોમાંથી અને સમજના ડેમમાંથી પોતાની કલા માટે જરૂરી હોય એટલું પાણી ‘ખેંચવાનું’ છે.

લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. શેરડીના રસવાળો છેલ્લું ટીપું નીકળી ન જાય ત્યાં સુધી સાઠાને સંચામાં પીલ્યા જ કરશે અને આખરે સાવ કૂચો થઈ જાય તે પછી તેને ફેંકશે. તે જ રીતે લેખક પણ પોતાના અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે.... પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી? એનો પેલો ડેમ ક્યાં સુધી ભરાયેલો રહેશે? લેખકનું કૌશલ્ય આવી સ્થિતિમાં ઉપયોગી બને છે. લેખક તરીકે સારો એવો સમય સક્રિય રહેવાને લીધે તેનામાં અમુક સ્કિલ્સ વિકસી ચૂકી હોય છે. આ સ્કિલ્સના આધારે તે ‘ઓલરેડી વપરાઈ ચૂકેલા’ માલનું રિપેકેજિંગ તેમજ રિસાઈક્લિંગ શરૂ કરી દેશે. ગાડું ગબડતું રહેશે.

ઠોકઠોક કરીને ગાડું ગબડાવતા રહેવું એક વાત છે અને અને પૂરેપૂરી ગરિમાથી લેખનરથ ચલાવવો તે તદ્દન જુદી વાત છે. લેખકની આંતરિક ગરિમા તો જ જળવાઈ રહે જો તેનો ડેમ પાણીથી છલછલતો રહે... પણ ડેમ કંઈ અક્ષયપાત્ર નથી કે ક્યારેય ખાલી જ ન થાય. એમાં નવું પાણી ક્યાંથી આવશે?

જિંદગીના નવા અનુભવોમાંથી, નવા વળાંકોમાંથી, નવી પીડાઓમાંથી. અનુભવ જેટલો વધારે ઊંડાણભર્યો, વધારે ખળભળાવી દેનારો હશે, લેખક માટે તે એટલો વધારે ‘ઉપયોગી’ પૂરવાર થશે. લેખક અથવા તો કલાકાર પોતાના દુખોને ‘વાપરતો’ હોય છે. જોકે મોટાભાગના સીધાસાદા લેખકોની કમબખ્તી એ હોય છે કે એક તબક્કા પછી તેનું જીવન સ્થિર થઈ જાય છે, મનહ્યદયમાં નવાં સ્પંદનો જાગવાનું લગભગ બંધ થઈ જાય છે, અનુભવોની દુનિયા ખતરનાક રીતે સીમિત થઈ જાય છે. એણે શું કરવાનું?

‘ઘટના વિનાના કોઈ જીવનની કોઈ કલ્પના મારા મગજમાં આવી શકતી નથી,’ ચંદ્રકાંત બક્ષીએ ‘આભંગ’માં લખ્યું છે, ‘...અને સાચા કલાકારે તો ઘટનાની શોધમાં નીકળવું જોઈએ. જે મોમેન્ટે એને થાય કે હી ઈઝ ગેટિંગ સ્ટેલ એન્ડ ફ્લેટ ત્યારે એણે ઘટનાઓ પેદા કરવી જોઈએ. નહિતર હી વિલ વેર આઉટ... ઘસાઈ જશે.’

કે. માની લીધું કે તમે ઘસાઈ ગયા નથી. તમારી પાસે હજુ કહેવાનું ઘણું બધું છે. લેખક હોવાનો કાચો મસાલો ઓલરેડી તમારામાં છે. પણ માત્ર મસાલો પૂરતો છે? સમૃદ્ધ અનુભવો ધરાવનારો માણસ સારો લેખક બને જ તે જરૂરી નથી. તો શું કરવું? ‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’ જેવી વિશ્વસ્તરે પ્રચંડ અસર ઊભી કરનાર નવલકથાઓની લેખિકા આયન રેન્ડે પ્રમાણમાં બિનઅનુભવી લેખકો માટે ઉત્તમ લખાણ લખવાના પાંચ પગથિયાં સૂચવ્યાં છે.

સ્ટેપ વનઃ સૌથી પહેલાં તો તમારા વિષયને મર્યાદામાં બાંધો. કોઈ પણ લેખ, પુસ્તક કે પ્રોજેક્ટ લખતાં પહેલાં આ ત્રણ સવાલોના જવાબ વિશે સ્પષ્ટ થઈ જાઓ ૧. મારે કોના વિશે લખવું છે? ટોપિકને ડિફાઈન કરો. જેતે પ્રોજેક્ટની પરિસીમાની ભીતર રહીને તમે તે ટોપિક પર પર્યા લખી શકશો તે વાતની ખાતરી કરો. ૨. મારે આ વિષય પર શું કહેવું છે? તમે તમારા લખાણ દ્વારા જે કમ્યુનિકેટ કરવા માગો છો તે વાત, તે દષ્ટિકોણ નક્કી કરો. ૩. શું મારે જે કંઈ કહેવાનું છે તે નવું છે? મૌલિક છે? જવાબ ‘ના’ હોય તો કાગળ પર પેન મૂકવાની તસ્દી જ ન લેશો.

સ્ટેપ ટુઃ તમારા વાચકવર્ગને સમજી લો. આપણામાંના મોટા ભાગના બીજાઓ તેને વાંચી શકે તે માટે લખે છે. આથી તમારો સંભવિત વાચકવર્ગ કેવો છે તે પારખી લો કે જેથી તમે વધુમાં વધુ અસર જન્માવી શકો.

સ્ટેપ થ્રીઃ માળખું તૈયાર કરો. આ માળખું યા તો આઉટલાઈન સંપૂર્ણ છે કે કેમ તે ચકાસવા તમારે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો સવાલ છે, શું તમે તમારા માળખાને એક સંપૂર્ણ એકમ તરીકે જોઈ શકો છો? બીજો સવાલ, શું તમે જે માળખું બનાવ્યું છે તેમાં ‘કોઝ અને ઈફેક્ટ’ની લોજિકલ ચેઈન છે? મતલબ કે તેમાં કોઈ ઘટના યા તો કારણ અને ત્યાર બાદ તેની અસરો આ પ્રકારની તાર્કિક સુરેખતા છે? આખી વાત આખરે વાજતેગાજતે તમે જે તારણ કાઢવા માગો છો ત્યાં સુધી પહોંચે છે? જો જવાબ ‘હા’ હોય તો તમારી આઉટલાઈન પરફેક્ટ છે તેમ જાણવું.

સ્ટેપ ફોરઃ અટક્યા વગર લખો. વાતો, શબ્દો અને વાક્યોને તમારા સબકોન્શિયસ માઈન્ડમાંથી આવવા દો. બને તેટલું વધારે લખો. હવે પછીનું વાક્ય શું આવશે તે વિશે સભાનપણે વિચાર્યા વગર લખો.

સ્ટેપ ફાઈવઃ હવે તમારા ડ્રાફ્ટની બહુ જ તટસ્થપણે કાટછાંટ કરો. એડિટિંગના પણ ત્રણ તબક્કા છેઃ (૧) તમારા લખાણનું સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખો. લખાણ તાર્કિક રીતે આગળ વધી રહ્યું હોય અને તે વાચકની બુદ્ધિમત્તાનું અપમાન કરતું ન હોય તે વાતની ખાસ તકેદારી લો. (૨) લખાણ સાફ હોવું જોઈએ, વાચકને ગૂંચવી નાખે તેવું અસ્પષ્ટ કે ગોળગોળ નહીં. એક વાક્યમાં કે એક પેરેગ્રાફમાં બહુ બધી વાતો ઠૂંસી દેવી નહીં. તમે જે કમ્યુનિકેટ કરવા માગો છે એકઝેક્ટલી તે જ વાત બહાર આવી રહી છે કે કેમ તે જુઓ. તમારે કહેવું હોય કંઈક અને વાંચનારને સમજાય કશુંક બીજું જ તો લખવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

લેખનશેૈલી એટલે કે લખવાની સ્ટાઈલ પર મહત્ત્વની છે. આ રહી આયન રેન્ડની ‘સ્ટાઈલ ટિપ્સ’ઃ

- સાદા વિચાર કે વાતને ગુંચવી ન નાખો

- ભાષા જેટલી સરળ હશે એટલું વધારે સારું

- કારણ વગર વ્યંગોક્તિ ન કરવી. અપમાનકારક શબ્દો, અભદ્ર વિશેષણો તેમજ નિમ્નસ્તરીય રમૂજથી દૂર રહો

- ચવાઈને ચુથ્થો થઈ ગયેલા શબ્દપ્રયોગો કે અભિવ્યક્તિઓ ટાળો

- કારણ વગર સમાનાર્થી શબ્દો ન વાપરવો

બક્ષી જેને પોતાના હીરો માનતા હતા તે નોબલ પ્રાઈઝવિનર નવલકથાકાર-પત્રકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ યુદ્ધનો ફર્સ્ટહેન્ડ અનુભવ લેવા પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલિયન મોરચે એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું. આ અનુભવ તેમની મશહૂર નવલકથા ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’નો આધાર બની. તેમણે સ્પેનિશ સિવિલ વોર પણ નજીકથી નિહાળી, એક પત્રકાર તરીકે. હેમિંગ્વેએ ચાર લગને કર્યાં. જીવનના સૌથી પ્રચંડ અનુભવનો જોકે તેઓ ‘ઉપયોગ’ ન કરી શક્યા, કારણ કે તે અનુભવ આત્મહત્યાનો હતો. ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ લખ્યા પછી નવ વર્ષે, ૬૧ વર્ષની ઉંમરે તેમણે જીવન ટૂંકાવ્યું. કેટલું ઘટનાપ્રચુર જીવન... અને મોત!

અર્નેસ્ટ હેમિંગ્વેએ એક વખત વખત કહેલુંઃ ‘હું ૯૧ પાનાં જેટલો કચરો લખું ત્યારે તેમાંથી માસ્ટરપીસને લાયક હોય તેવું એક પાનું માંડ નીકળે.’ ઈવન હેમિંગ્વેએ પણ ‘કેવી રીતે લખવું’ એના નિયમો આપ્યા છેઃ (૧) ટૂંકાં ટૂંકાં વાક્યો લખો, (૨) શરૂઆતમાં ફકરા નાના હોવા જોઈએ, (૩) ભાષા પાસેથી કસીને કામ લો, (૪) લખતી વખતે પોઝિટિવ અપ્રોચ રાખો, નેગેટિવ નહીં અને (૫) માત્ર ચાર નિયમોથી સંતોષ ન માનો!

હેમિંગ્વેનો અંતિમ નિયમ સૂચક છે. તેઓ કદાચ એમ કહેવા માગે છે કે લેખનકળા યા તો બીજી કોઈ પણ કળા માટે નિયમોની ‘ટૂલ કિટ’ હોઈ ન શકે. સૌએ પોતપોતાના નિયમો પેદા કરી લેવા પડે. ચંદ્રકાંત બક્ષી કદાચ એટલે જ કહે છે કે, ‘મારું એવું માનવું છે કે જો સાચો કલાકાર હોય અને એની પાસે અનુભવ હોય, રિફ્લેકશન એનાલિસિસ હોય અને ડેટા તો જરૂરી છે જ અને સેન્સિટિવિટી હોય, જેને માટે ગુજરાતીઓ ‘માંહ્યલો’ શબ્દ વાપરે છે, બિલ્ટઈન એવું કંઈક...એ જો હોય તો ભાષા પણ પોતાની મેળે આવી જાય છે...’  
 
 0 0 0

Friday, September 10, 2010

દબંગ કેવી છે?

મિડ-ડે, તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત



દમામદાર

સલમાનના સ્ટારપાવર પર ઉભેલી આ ફિલ્મ ટિપિકલ મસાલા એન્ટરટેઈન્મેન્ટની અપેક્ષા સાથે જનાર દર્શકને જલસો કરાવશે.

રેટિંગ ઃ ત્રણ સ્ટાર

બાયલાઈન ઃ શિશિર રામાવત






દેવીઓ, સજ્જનો, બચ્ચાપાર્ટી, વડીલો! ઓડિટોરિયમમાં છાળવા માટે ઘરમાં જેટલું હોય એટલું પરચૂરણ એકઠું કરી લો અને આજુબાજુવાળાના કાનના પડદામાં ભો ચીરો પડી જાય એવી જોરદાર સીટી વગાડવાની પ્રેક્ટિસ કરી નાખો... ‘દબંગ’ જોતી વખતે તમને આ બધાની સખ્ખત જરૂર પડવાની છે. સાથે સાથે એક દાબડો પણ ખરીદી રાખજો. કલાત્મકતા, એસ્થેટિક્સ, બૌદ્ધિક ખોરાક, નિતાંત રસાનુભવ, પડદા પરની કવિતા, ‘હટ કે’ વગેરે જેવા અઘરા અઘરા કોન્સેપ્ટ્સને પેલા દાબડામાં બંધ કરી કબાટમાં સાચવીને મૂકી દેજો, કારણ કે ‘દબંગ’ જોતી વખતે આમાંથી કશાની જરૂર પડવાની નથી.



હેલ્દી ફૂડ ખાવું એ સારી વાત છે, પણ ક્યારેક ડાયેટના નીતિનિયમોની એૈસીતૈસી કરીને રસ્તા પર ભા ભા પાણીપુરી ઝાપટવામાં જલસો પડે છે. ‘થ્રી ઈડિયટ્સ’ અને એ પ્રકારની સારા માંહ્યલી ફિલ્મોને જો સોફિસ્ટીકેટેડ રેસ્ટોરાંનું ફેન્સી મેનુ ગણીએ તો ‘દબંગ’ મોંમાં પાણી છૂટે એવાં મસ્સાલેદાર વડાપાઉં-રગડા-પેટીસ-પાંઉભાજી છે. ચોઈસ ઈઝ યોર્સ!



બ્રૅન્ડ ન્યુ બોટલમાં જૂની મદિરા



સૌથી પહેલાં તો, આ ‘દબંગ’ શબ્દ બડો કમાલનો છે. એનો અર્થ છે બિન્ધાસ્ત, નીડર. ઉત્તર પ્રદેશના કોઈ નાના નગરમાં રહેતો સલમાન કરપ્ટ પોલીસ ઓફિસર બન્યો છે. પ્રોમોમાં ભલે સમ ખાવા પૂરતીય ઝલક દેખાડવામાં આવતી ન હોય, પણ આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા (ઉંમર વર્ષ બાવન) પણ છે, જે સલમાન ખાન (ઉંમર વર્ષ ૪૫)ની ઠોંઠોં કરીને ખાંસ્યાં કરતી મા બની છે. વિનોદ ખણા સાવકો બાપ છે અને અરબાઝ ખાન સાવકો ભાઈ છે. ૧૯૮૦ના દાયકાની મસાલા ફિલ્મમો જોવા મળતા તેવાં તમામ સ્ટોક કિરદારો અને સિચ્યુએશન્સ અહીં છે. નમણી નાગરવેલ જેવી હિરોઈન, એનો માંદલો બાપ, લાચાર ભાઈ, હનુમાનજી જેવો વિલન, માં કી મમતા, ખૂન કા બદલા, ઘરના ગમે તેમ તોય ઘરના છે તે પ્રકારનો મેસેજ, હેપી એન્ડિંગ, બધું જ.



બિન્ધાસ્ત એટિટ્યુડ



‘દબંગ’નો સલમાન પછીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એટિટ્યુડ છે. ફિલ્મ એના ટાઈટલ જેવી જ છે એકદમ દબંગ, બિન્ધાસ્ત. તે ‘હટ કે’ હોવાના કોઈ દંભી દાવા કરતી નથી. પ્રોમોથી લઈને એન્ડ ક્રેડિટ્સ સુધી તે હાડોહાડ ટિપિકલ કમર્શિયલ મસાલા હિન્દી સિનેમા છે. આ ફિલ્મે જે હવા પેદા કરી છે તે ચોખ્ખું કહે છે કે આ માઈન્ડલેસ એન્ટરટેઈનર છે, પસંદ હોય તો મોસ્ટ વેલકમ, ન પસંદ હોય તો હુ કેર્સ? ‘ચાલુ’ મનોરંજનની અપેક્ષા સાથે ગયેલા દર્શકોને ‘દબંગ’ ખુશખુશાલ કરી દે છે. મતલબ કે આ રજનીકાંત-બ્રૅન્ડ ફિલ્મ પોતાની કેટેગરીને સંપૂર્ણપણે વફાદાર છે અને તેનામાં ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકવાની, તેના પૈસા વસૂલ કરવાની તાકાત છે.



‘ગજની’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મમોએ હિંદી સિનેમામાં મૅચો મારધાડને નવેસરથી ઈન્ટ્રોડ્યુસ કરી કરી હતી. ‘દબંગ’ એ જ સૃંખલાની આગલી કડી છે. અહીં એકશન ઉપરાંત ઈમોશન્સ, કોમેડી, રોમાન્સ અને ગાનાબજાના પણ ઠાંસી ઠાસીને ભરવામાં આવ્યા છે. ડાન્સ હોય કે ફાઈટ, સીધાસાદી સિચ્યુએશન હોય કે ભારેખમ ઈમોશનલ સીન્સ - સ્માર્ટ સંવાદોને પ્રતાપે પદડા પર રમૂજનું તત્ત્વ સતત તરતું રહે છે. મોટા ભાગના સીનમાં કાં તો તાળીબજાવ ફાઈટ છે, કોમેડી પંચવાળા ડાયલોગ છે યા તો પછી કશુંક ઈમોશનલ ટાયલું છે. જોકે પોલીસ સ્ટેશનમાં સોનાક્ષીને હસાવવાની હરીફાઈવાળું દશ્ય દમ વગરનું, ભડક અને વલ્ગર છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી પોતાની રિધમ જાળવી રાખે છે. હા, વચ્ચેના હિસ્સામાં વાર્તાનો મસાલો ખૂટી પડ્યો હોય તેવી અસર જરૂર ભી થાય છે.



સલમાન ખાન અહીં ફુલ ફોર્મમાં છે. ચુલબુલ પાંડેના પાત્રને સલમાન જેટલી અસરકારકતાથી બોલીવૂડનો બીજો કોઈ હીરો ઉપસાવી શક્યો ન હોત. સલમાનને આપણે પોલીસના વેશમાં અગાઉ જોઈ ચૂક્યા છીએ, પણ તોય અહીં તે જુદો લાગે છે. કદાચ આંજણ કરવાની પેન્સિલથી હોઠ ઉપર કાળી લીટી દોરી નાખી હોય તેવી કાર્ટૂન જેવી મૂછોને કારણે. વાસ્તવમાં તે મૂછો નહીં, પણ મૂછોનું બચ્ચું છે, જે પાછું આખી ફિલ્મમાં શેપ અને સાઈઝ બદલતું રહે છે. સાચું પૂછો તો આ ગેટઅપમાં સલમાન ભારે વિચિત્ર લાગે છે, પણ એના ચાહકોને તોય એ બહુ ગમવાનો.



નવોદિત સોનાક્ષી શત્રુઘ્ન સિંહામાં દમ છે. તેના આ રોલ પરથી અભિનયક્ષમતાનું માપ તો ન મળે, પણ એક વાત ચોક્કસ કે આ કન્યા પાસે પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ છે, કમર્શિયલ હિંદી ફિલ્મની હિરોઈનો જેવાં લટકાંઝટકાં કરતાં તેને આવડે છે અને તે ઓડિયન્સ તેની સાથે કનેક્ટ થઈ શકે છે. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ... રૂપકડી સોનાક્ષી દેખાવમાં શત્રુઘ્ન સિંહા કરતાં રીના રોય જેવી વધારે લાગે છે! સોનુ સૂદ મજાનો છે, પણ અરબાઝની હિરોઈન તરીકે માહી ગિલ વેડફાઈ છે.



અરબાઝ ખાને એક્ટર બનવાના બહુ ઉધામા કર્યા, પણ બાપડાને એક્ટિંગ કરતાં ન આવડી તે ન જ આવડી. ‘દબંગ’માં પણ તેના કાષ્ઠમય મુખકમળ પર હરામ બરાબર એક પણ ઈમોશન સરખી રીતે ગતું હોય તો! તેના કિરદારનું નામ જોકે હાઈક્લાસ છે મખ્ખી. મખ્ખનચંદ પાંડેનું શોર્ટફોર્મ! અરબાઝ ‘દબંગ’નો પ્રોડ્યુસર છે. લાગે છે કે હવે તેણે સાચી લાઈન પકડી છે. સલમાન સિવાય ‘દબંગ’ના બીજાં બે હાઈ-પોઈન્ટ્સ છે ગીતસંગીત (સાજિદ-વાજિદ, લલિત પંડિત) અને એકશન (વિજયન). ફિલ્મની પ્રોડકશન વેલ્યુ સલમાનના સ્ટારપાવરને છાજે તેવી છે. ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટર અભિનવ કશ્યપે લગભગ તમામ ડિપાર્ટમેન્ટ પાસેથી સારું કામ લીધું છે. અભિનવ કશ્યપ સિનેમેટિક તાસીરની દષ્ટિએ મોટા ભાઈ અનુરાગ ‘દેવ.ડી’ કશ્યપ કરતાં બિલકુલ વિરુદ્ધ અંતિમ પર ઉભા છે, પણ કમર્શિયલ સિનેમા વિશેની સમજણના મામલામાં તેમણે પહેલાં જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો છે તેમ કહી શકાય.



આમિર ખાન ‘પીપલી (લાઈવ)’ના પ્રાઈવેટ સ્ક્રીનિંગ વખતે સલમાન ખાનને કહી રહ્યો હતોઃ ‘યાર, ‘દબંગ’ના પ્રોમો ધમાલ છે. તારી આ ફિલ્મ ‘વોન્ટેડ’ કરતાંય વધારે હિટ જવાની.’ આમિર પારખુ માણસ છે. તેની આગાહી ખોટી પડવાનું કોઈ કારણ નથી. સો વાતની એક વાત. જો તમે સલમાન ફેન હો અથવા તો ફિલ્મી ચાટમસાલા ખાવાના મૂડમાં હો તો આ ફિલ્મ ચૂકશો નહીં અને જો ‘ક્વોલિટી સિનેમા’ સિવાય બીજું કંઈ પચતું ન હોય તો થિયેટર તરફ ભૂલેચૂકેય જોશો નહીં.                               000

Friday, September 3, 2010

ફિલ્મ રિવ્યુઃ વી આર ફેમિલી

મિડ-ડે તા. ૪ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત


પરિવારિક પ્રોબ્લેમ



ફિલ્મ સરવાળે નિરાશ કરે છે. હ્યદયસ્પર્શી બનવામાં કામિયાબ ન થઈ શકતી આ ફિલ્મે કાજોલ-કરીનાનું સરસ કાસ્ટિંગ વેડફી નાખ્યું છે.



બે સ્ટાર




સૌથી પહેલાં, ‘વી આર ફેમિલી’ના પ્લસ પોઈન્ટ્સનું લિસ્ટ. શરૂઆતમાં જ જાહેરાત કરી દેવામાં આવે છે કે આ ફિલ્મ ૧૯૯૮માં બનેલી હોલીવૂડની ‘સ્ટેપમોમ’ પર આધારિત છે. ક્રિસ કોલંબસ એના ડિરેક્ટર હતા અને રોનાલ્ડ બાસ સહિત પાંચ જણા એના લેખકો હતા. સારું લાગે છે આ પ્રકારની નૈતિકતા અને નિખાલસતા જોઈને. બસ, પ્લસ પોઈન્ટ્સનું લિસ્ટ પૂરું.



હવે માઈનસ પોઈન્ટ્સ. ઓહો, ક્યાંથી શરૂ કરીએ. મરી રહેલી મા, નમાયા થઈ રહેલાં સંતાનોની પીડા, સાવકી માનો સંઘર્ષ, બે સ્ત્રી વચ્ચે ખેંચાઈ રહેલો પુરુષ અને કંઈકેટલીય લાગણીઓનું મેઘધનુષ સાચું પૂછો તો કાયદેસર રાઈટ્સની તસ્દી લેવા માટે ‘સ્ટેપમોમ’ પરફેક્ટ ફિલ્મ હતી. ભારતીય ઓડિયન્સને સ્પર્શે એવો તેમાં ખૂબ બધો મસાલો હતો. એમાંય પ્રોડ્યુસર કરણ જોહરે કાજોલ જેવી કાબેલ અને કરીના કપૂર જેવી પ્રમાણમાં સારી અભિનેત્રીને સાઈન કરી એટલે લાગ્યું હતું કે વાહ, કાસ્ટિંગ પણ પરફેક્ટ છે... પણ આ ‘વાહ!’વાળી ફીલિંગ હરામ બરાબર ફિલ્મ જોતી વખતે આવતી હોય તો. કાશ! હોલીવૂડની ફિલ્મની વાર્તાની સાથે એની ક્વોલિટી પણ એડપ્ટ થઈ શકતી હોત.



ડિવોર્સવાલી લિવ-ઈનવાલી



કાજોલ અને અર્જુન રામપાલ ડિવોર્સી કપલ છે. છૂટાછેડા પછી પણ બન્ને વચ્ચે સુમેળભર્યો સંબંધ છે. તેનું કારણ છે તેમનાં ત્રણ બચ્ચાં, બે બેબલી અને એક બાબો. ફેશન ફોટોગ્રાફી કરતા અર્જુનભાઈને એક લિવ-ઈન ગર્લફ્રેન્ડ પણ છે કરીના કપૂર. અર્જુન પોતાના ફેમિલી સાથે કરીનાની દોસ્તી કરાવવા માગે છે, પણ ઊલટાનું બે બૈરાં અને ત્રણ છોકરાં વચ્ચે મહાભારત ફાટી નીકળે છે. અભાગણી કાજોલને અધૂરામાં પૂરું સર્વાઈકલ કેન્સર થયું છે અને તેના જીવન પર પૂર્ણવિરામ મૂકાય એટલી જ વાર છે. એને ચિંતા એ વાતની છે કે હું મરીશ પછી મારાં છોકરાંવનું કોણ? સંબંધોનાં સમીકરણો બદલાતાં જાય છે અને છેલ્લે, નેચરલી, સૌ સારાં વાનાં થાય છે.



ના ખુશી ના ગમ



‘વી આર ફેમિલી’માં સૌથી પહેલી ખીજ તમને એ વાતની ચડે કે આ આખો શંભુમેળો ઓસ્ટ્રેલિયામાં શું કામ રહે છે? કરણ જોહરને પોતાની ફિલ્મો ધરાર ફોરેનમાં શૂટ કરવાનું વળગણ છે. ઠીક છે. ડિવોર્સ થઈ ચૂકેલા એક્સ હસબન્ડ-વાઈફ વચ્ચે દોસ્તી હોય અને વર પાછો લિવ-ઈન ગર્લફ્રેન્ડને બધાને મળાવવા લઈ આવે અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારની સિચ્યુએશન બરાબર છે બાકી ભારતીય સામાજિક સંદર્ભમાં દર્શકોને આ વાત સાથે આઈડેન્ટિફાય કરવામાં મુશ્કેલી પડે તેમ છે.



આમ છતાંય, ફ્રેન્કલી, ફિલ્મનો ફર્સ્ટ હાફ સાવ નાખી દેવા જેવો નથી. કાજોલ-અર્જુને એક્ઝેટલી શા માટે ડિવોર્સ લીધા હતા, અર્જુન અને ફેશન ડિઝાઈનર કરીના વચ્ચે શી રીતે સંબંધ બંધાયો આ બધી વિગતોમાં પડ્યા વગર ફર્સ્ટ-ટાઈમ-ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સીધા જ મુખ્ય મુદ્દા પર આવી જાય છે, જે સારી વાત છે. પાત્રાલેખનમાં બારીકાઈથી નક્સીકામ થયું ન હોવાને કારણે બધાં કિરદારો સપાટ લાગે છે તે ખરું, પણ તેમ છતાં ફિલ્મના પૂર્વાર્ધમાં ઠીકઠીક ટેન્શન છે અને લાગણીઓના ચડાવઉતાર છે.



સેકન્ડ હાફની શરૂઆતમાં કાજોલ સામે ચાલીને કરીનાને પોતાની ઘરે લઈ આવે છે અને અહીંથી ફિલ્મનો ટેમ્પો ઠંડો પડવા માંડે છે. કાજોલનાં બાળકો પણ કરીનાના પક્ષમાં છે. અર્જુન તો પહેલેથી જ કરીનાના ડિઝાઈનર ખિસ્સામાં હતો જ. મતલબ કે કોઈની વચ્ચે હવે કોઈ જાતનું કન્ફ્રન્ટેશન, વિરોધ કે સંઘર્ષ જ નથી. ફિલ્મની વાર્તા ખરેખર તો અહીં પૂરી થઈ. હવે વાત માત્ર ચ્યુઇંગ ગમની જેમ ખેંચાય છે. ભાવિ સાવકી માનું પરિવારનો હિસ્સો બની જવું આ ફિલ્મનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો પ્લોટ પોઈન્ટ છે, જે બહુ જ વહેલો આવી જાય છે. કરીનાની ઘરમાં એન્ટ્રી પછી સ્ત્રીઓ વચ્ચે થોડીઘણી ચણભણ થાય છે, પણ તેનાથી વાર્તાપ્રવાહમાં ખાસ કંઈ ઝમક આવતી નથી.



મૂળ વાંધો આ છેઃ ઓરિજિનલ વાર્તા હ્યદયસ્પર્શી છે, કાજોલ-કરીના જેવી અભિનેત્રીઓ છે અને બજેટને નામે પૈસાની રેલમછેલ છે છતાં ફિલ્મ દર્શકના દિલને સ્પર્શી શકતી નથી. ન તમને કાજોલ પ્રત્યે સહાનુભૂતિ જાગે છે, ન સૌને ખુશ રાખવા આમથી તેમ દોડાદોડી કરતી કરીનાની દયા આવે છે કે ન ચિબાવલાં બાળકો પર વહાલ ઢોળાય છે. અર્જુન રામપાલનું તો સમજ્યા હવે.



ફિલ્મ જોતી વખતે નાક સિકૂડ સિકૂડ કરીને રડવામાં ક્યારેક એક પ્રકારનો આનંદ મળતો હોય છે. આપણે તો ‘કભી ખુશી કભી ગમ’ જેવી રડકુ ફિલ્મની અપેક્ષા રાખીને ખિસ્સામાં એક્સ્ટ્રા રૂમાલ રાખીને ગયા હતા, પણ આમાં તો મારું બેટું કરૂણ દશ્યોમાં હા-હા-હા-હા કરતા દાંત કાઢવાનું મન થાય છે. તેમાંય ફિલ્મની ક્લાઈમેક્સ તો તદ્દન વાહિયાત છે અને રહીસહી કસર પૂરી કરી નાખે છે. સંવાદોમાં ધાર નથી. શંકર-એહસાન-લોયનાં ગીતોય નિરાશ કરે છે.



કરીનાની કમર સાઈઝ ઝીરો હોય કે ન હોય, પણ તેનાં શરીરના વણાંકોના નામે મોટો ઝીરો છે જ. અગરબત્તી જેવા ફિગરવાળી, આખા શરીરમાં ગણીને દોઢ હાડકાં ધરાવતી, થોડી થોડી વારે કારણ વગર હોઠ બહાર કાઢીને ‘પાઉટ’ કર્યા કરતી કરીનાનો અભિનય ઓકે છે. અર્જુન રામપાલે ભલે નેશનલ અવોર્ડ જીત્યો હોય, પણ તેની જગ્યાએ ફિલ્મમાં બહેતર એક્ટર હોત તો સારું થાત. કાજોલનો અભિનય હંમેશ મુજબ સરસ છે, પણ તેને કંઈ તમે કાજોલના શ્રેષ્ઠ પર્ફોર્મન્સીસના લિસ્ટમાં સામેલ ન કરી શકો. સૌથી નાની દીકરી બનતી બેબલી બહુ ક્યુટ છે.



ડિરેકશનમાં તાજગીનો અભાવ છે. અગાઉ ગુજરાતી છાપાંમાં ફિલ્મની બ્લેકએન્ડવ્હાઈટ જાહેરાતોમાં ‘બહેનોનાં ટોળેટોળા જમાવતું પારિવારિક ચિત્ર’ એવા શબ્દો મૂકાતા. ‘વી આર ફેમિલી’માં બધું જ ડિઝાઈનર હોવા છતાં ફિલ્મ તે જમાનાની હોય તેવી અસર ઊભી કરે છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટરે કાજોલ-કરીનાનું અફલાતૂન કાસ્ટિંગ વેડફી નાખ્યું છે.



તો શું કરવું? જો તમે કાજોલ અને સાંઠીકડા જેવી કરીનાના ભયાનક મોટા ફેન હો અને તમારે ટાઈમ ‘કિલ’ જ કરવાનો હોય તો આ ફિલ્મ નછૂટકે જોઈ નાખવી. અન્યથા ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે કરણ જોહરે કાજોલકરીનાનો જે મસાલેદાર ટીવીઈન્ટરવ્યુ લીધો હતો તેનું રિપીટ ટેલિકાસ્ટ જોઈ લેવું. ‘કોફી વિથ કરણ’ સ્ટાઈલનો આ ઈન્ટરવ્યુ ફિલ્મ કરતાં અનેકગણો વધારે એન્ટરટેનિંગ છે.



૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦