Saturday, August 28, 2010

સ્વામી સચ્ચિદાનંદની લેટેસ્ટ બુક કેવી છે?

ચિત્રલેખા અંક તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ



શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

 
ઠંડા લોહીવાળી પ્રજા ડાહી થઈને વ્યાપારધંધો કરીને પેટ ભરવાના કામમાં લાગેલી રહી છે. તે પેટભરા ભૂંડ જેવા મોટી ફાંદ તો વધારી શકે છે, પણ ક્રાંતિની જ્વાળા પ્રગટાવી શકતા નથી. અરે, સમય આવ્યે ક્રાંતિની મશાલમાં બે પળી તેલ પણ રેડી શકતા નથી.



આવી તીખી તમતમતી ભાષા સ્વામી સચ્ચિદાનંદની જ હોય! સાઠેક જેટલા જાણીતાઓછા જાણીતાઅજાણ્યા ક્રાંતિકારીઓ વિશેના આ પુસ્તકમાં સ્વામીજી ખૂબ ખીલ્યા છે. ભારતને આઝાદી અપાવનાર શહીદો વિશે ખૂબ લખાયું છે, સતત લખાયું છે, પણ આ પુસ્તક અલગ ભાગ ઊપસાવે છે. તેનું કારણ એ છે કે અહીં માત્ર ઈતિહાસની શુષ્ક વિગતોનો ખડકલો નથી. અહીં વાત ચોક્કસ દષ્ટિકોણ સાથે અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં વાચક સામે મૂકાઈ છે. ક્રાંતિકારીઓ વિશે વાત કરતાં કરતાં સ્વામીજી પોતાની લાક્ષાણિક શૈલીમાં ટિપ્પણીઓ કરતા જાય છે, જે પુસ્તકને જીવંત અને ખૂબ રસપ્રદ બનાવી મૂકે છે.



ક્રાંતિકારીઓ અંગ્રેજ કાળમાં જ કેમ પેદા થયા? સ્વામીજી આના ત્રણ સંભવિત કારણો બતાવે છે. એક તો, ભારતની પ્રજા શિક્ષિત બની અને વિલાયત ગઈ. વિલાયત ગયેલા આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજી શિક્ષણની સાથે આઝાદીનો પવન પણ લેતા આવ્યા. ગુલામી વિલાયતથી આવી તો આઝાદી પણ વિલાયતથી જ આવી! બીજું કારણ, ધાર્મિક તેમજ સામાજિક સુધારાઓ થવા લાગ્યા અને ત્રીજું, અંગ્રેજોની દેશી રજવાડાંઓને ખાલસા કરવાની નીતિને કારણે ખૂબ અસંતોષ પેદા કર્યો. કેટલાંય રજવાડાં માટે ક્રાંતિના માર્ગે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.



સરદાર ભગતસિંહ વિશેના પ્રકરણમાં લેખક એક આડવાત કરતાં કરે છે, ‘સ્વામી દયાનંદ સરસ્વતી મૂળ ગુજરાતના, પણ ગુજરાત તેમને ઓળખી ન શક્યું. પચાવી ન શક્યું. ગુજરાતને બહારના ધર્મગુરૂઓ કોઠે પડી ગયા છે... સ્વામીજી પછી ગુજરાત આવ્યા હતા અને બે વાર પથરા ખાઈને પાછા પંજાબ ચાલ્યા ગયા હતા. કદાચ એટલે જ કહેવાયું હશે કે ‘ઢોંગી કો ગુજરાત’. ઉત્તમમાં ઉત્તમ બીજ પણ ઉત્તમ ધરતીની અપેક્ષા રાખે છે. એવું લાગે છે કે ફરીથી સ્વામીજી ગુજરાત આવ્યા નહીં. ગુજરાતને તેનો કદી અફસોસ થયો જાણ્યો નથી.’



અંગ્રેજોને વાંધો હતો ક્રાંતિકારીઓથી, ભારતની તથાકથિત અધ્યાત્મિકતામાં રત રહેનારાઓથી નહીં. ક્રાંતિકારીઓનો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો ‘અહં બ્રહ્માસ્મિ’ કરતાં વધુ ખતરનાક હતો. ‘આત્માવાળા ક્રાંતિકારીઓથી દૂર રહેતા હતા,’ એમ કહીને સ્વામીજી ઉમેરે છેઃ ‘આ આત્માવાળોઓને તો આપણે ભલા ને આપણો આત્મા ભલો, કોઈ ખતરો તો નહીં. આત્માના નામે જલસા કરો. સંસારને ભાંડતા જાવ અને મન મૂકીને ભોગવતા જાવ. આ થયું અધ્યાત્મ. આવું અધ્યાત્મ તો દુશ્મનોને જ ગમે.’



આઝાદીની લડતમાં માત્ર સવર્ણ હિંદુઓ જ ફાંસીએ ચડ્યા નથી. કેટલાક આદિવાસીઓ પણ આ યજ્ઞવેદીમાં આહૂતિ પામ્યા છે. દેશ ગુલામ હતો ત્યારે ઝારખંડમાં આઝાદી માટેની ચળવળ શરૂ થયેલી. અહીં મુંડા નામની આદિવાસી જાતિમાં બિરસાનો જન્મ થયો હતો. તેનાં માબાપ વટલાયેલાં ખ્રિસ્તીઓ હતાં. બાહ્ય સંપર્ક વિનાની આદિવાસી પ્રજા સ્થગિત થઈ ગઈ હતી. ત્યાં શૂન્યાવકાશ સર્જાયો, જેનો લાભ ખ્રિસ્તી મિશનરીઓએ લીધો... પણ આદિવાસી
બિરસા મુંડાએ યુવાનવયે જ પાછો હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો. તેનાં આ પગલાંથી આદિવાસીઓમાં એક મોજું ફેલાઈ ગયું. અંગ્રેજો અને બિરસાની આદિવાસી ટુકડી સામસામે આવી ગયા. અંગ્રેજોની તોપો અને બંદૂકોએ ચારસો જેટલા મુંડાઓનો જીવ લઈ લીધો. સ્વામી સચ્ચિદાનંદે દંતાલી ખાતેના એમના નવા મંદિરની પ્રદક્ષિણામાં બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે!



ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરતાથી આપણે વાકેફ છીએ, પણ મધ્યભારતના રામગઢ સ્ટેટની રાણી અવંતીબાઈ તેના કરતાં સહેજે ઓછી બહાદૂર નહોતી. કમનસીબે તેને લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ ન મળી. લક્ષ્મીબાઈના તોપચીની પત્ની ઝલકારીને પણ ક્યાં ખાસ યાદ કરાય છે? ૧૮૫૭ના વિદ્રોહ દરમિયાન ઝલકારી લક્ષ્મીબાઈ પાસે પહોંચી ગઈ અને નમ્રતાથી કહ્યું, ‘બાઈસાહેબ, તમારું અને કુંવરનું રક્ષણ થાય તે બહુ જરૂરી છે. આપનાં વસ્ત્રો, મુગટ વગેરે મને પહેરાવો. એક દરવાજેથી હું તમારું રૂપ ધારણ કરીને નીકળંુ અને બીજા દરવાથેથી સાદાં વસ્ત્રોમાં તમે વિદાય થઈ જાવ...’ આ યોજનાનો અમલ કરવામાં આવ્યો. પછી તો ઝલકારી પોતેય પણ ખૂબ લડી. તોપચી પતિને ગોળી વાગતા ઝલકારીએ તોપ સંભાળી અને ‘જય ભવાની...!’ની ગર્જના કરતાં કરતાં એવા ગોળા છોડ્યા કે અંગ્રેજ સેનામાં હાહાકાર મચી ગયો.



ઝલકારી જેવી ‘મર્દ’ સ્ત્રીઓ ઉપરાંત સ્ત્રી જેવા દેખાવ ધરાવતા મર્દ વસંતકુમાર વિશ્વાસની કથા પણ જાણવા જેવી છે. દહેરાદૂનમાં વનવિભાગમાં પટાવાળાની નોકરી કરતો વસંતકુમાર વિશ્વાસને જુઓ તો જાણે કોઈ છોકરીએ પુુરુષનો કપડાં પહેરી લીધા હોય તેવું લાગે. એક વાર દિલ્હીમાં હાથી પર વાઈસરોય લોર્ડ હાર્ડંિગની ભવ્ય સવારી નીકળી. સાથે પત્ની પણ હતી. આ સવારી જોવા ટોળે વળેલી મેદનીમાં વસંતકુમાર બુરખો પહેરીને ભળી ગયો મોકો જોઈને વાઈસરોય પર હાથબોમ્બ ફેંક્યો! નાસભાગ થઈ ગઈ. હાર્ડંિગ અને તેની પત્ની તો બચી ગયાં, પણ અંગરક્ષકના રામ રમી ગયા. વસંતકુમારની ધરપકડ થઈ અને તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો. તે વખતે તેની ઉંમર હતી ફક્ત ૨૩ વર્ષ!



દક્ષિણ ભારતમાં ક્રાંતિકારીઓ પ્રમાણમાં ઓછા પેદા થયા છે, પણ
વાંચી અય્યર તેમાં અપવાદરૂપ છે. પંચમ જ્યોર્જ શહેનશાહ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ક્રાંતિકારીઓએ તેમને જોરદાર આંચકો આપવાનું નક્કી કર્યું. ટીનેવેલી નગરનો અત્યાચારી કલેક્ટર રોબર્ટ વિલિયમ એશ એક વાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના સલૂન જેવા ડબામાં રૂઆબથી બેઠો હતો ત્યારે વાંચી અય્યરે તેના પર રિવોલ્વરની બે ગોળી છોડી. રોબર્ટ એશનું ત્યાં જ ઢીમ ઢળી ગયું. અંગ્રેજોના હાથે પકડાવું ન પડે તે માટે અય્યરે નાળચું પોતાના લમણા પર તાક્યું અને ટ્રિગર દબાવી દીધું. આત્મહત્યા મહાવીરતા કે મહાબલિદાન પણ હોઈ શકે છે!



પુસ્તકમાં આવા કેટલાય અજાણ્યા જાબાંઝોની દાસ્તાન આલેખાયેલી છે. ગુજરાતના શહીદો વિશે અલાયદું પ્રકરણ છે. સ્વામીજી પાસે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ વૈશ્વિક સત્યોના પાક્કા સંદર્ભો છે, રસાળ ભાષાશૈલી છે અને મૌલિક ચિંતન છે. તેમનાં અમુક નિરીક્ષણો ખાસ ધ્યાન ખેંચે છેઃ ‘ક્રાંતિમોજાંને ઠંડું પાડવામાં સરકારી દમને જે કામ કર્યું તેથી વધુ ગાંધીજીના પ્રભાવે કામ કર્યું... કડવું સત્ય તો એ છે કે અંગ્રેજો સિવાય ક્યાંય ગાંધીવાદી આંદોલનો સફળ થયાં ન હતાં, એટલે ગાંધીવાદી સફળતામાં અંગ્રેજો પોતે પણ તેટલા જ કારણરૂપ છે.’



પુસ્તકમાં ક્યારેક એક જ વાતનું અવારનવાર પુનરાવર્તન થતું જરૂર લાગે, જેને ટાળી શકાયું હોત. સાવ સાદી પ્રોડકશન વેલ્યુ ધરાવતું આ વિચારોત્તેજક પુસ્તક તમારા અંગત પુસ્તકાલયનું આભૂષણ બની રહેવાનું.



(શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ ગૂર્જર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૪૪૬૬૩, ૨૬૫૬૪૨૭૯
કિંમતઃ રૂ. ૧૦૦/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૬૪)

૦૦૦૦

No comments:

Post a Comment