Friday, February 23, 2018

મહાન બનવાની કળા

સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 18 ફેબ્રુઆરી 2018 

ટેક ઓફ                      

હવે જ્યારે પણ કોઈ ગાયકને અદભુત રીતે ગીત ગાતાં, કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને અદભુત રમતાં કે કોઈ પણ સુપર પર્ફોર્મરને અસાધારણ કામ કરતા જુઓ ત્યારે મહેરબાની કરીને એવું નહીં બોલવાનું કે આ માણસ તો ગિફ્ટેડ છે કે ભગવાને એને જન્મજાત પ્રતિભા આપી છે. ના. આને બદલે એમ વિચારવાનું કે આ માણસે પોતાની આવડતની ધાર કાઢવા માટે હજારો કલાક સખત મહેનત કરી છે! જન્મજાત પ્રતિભા હોય તો પણ જો એકધારો રિયાઝ અને પ્રચંડ પરિશ્રમ દ્વારા ટેલેન્ટની માવજત ન થાય તો માણસ માત્ર 'ગુડ' બનીને રહી જાય છે, તે બેસ્ટ, ચેમ્પિયન કે મહાન ક્યારેય બની શકતો નથી. 


કોઈ પણ ક્ષેત્રમાં ચેમ્પિયન બનવા માટે કેટલો સમય જોઈએ? જવાબ છે, દસ હજાર કલાક! ક્યાંથી આવ્યો આ આંકડો? માલ્કમ ગ્લેડવેલ નામના કેનેડિયન લેખક પાસેથી. માલ્કમ ગ્લેવવેલે 2008માં 'આઉટલાયર્સ' નામનું પુસ્તક લખ્યું હતું, જે બેસ્ટસેલર પૂરવાર થયેલું. આ પુસ્તકનું કેન્દ્રીય સોનેરી સૂત્ર એ હતું કે તમે જોઈ કોઈ પણ ક્ષેત્રમાં દસ હજાર કલાક પ્રેક્ટિસ કરો તો તમે 'ગ્રેટ' ગણાઓ એટલી ઊંચાઈ પર પહોંચી શકો. આમાં ક્રિકેટ-ટેબલ ટેનિસ-ફૂટબોલ-જિમ્નેસ્ટિક્સ જેવી રમતગમત, ચિત્રકામ-સંગીત જેવી કળા, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, પર્વતારોહણ જેવાં મોટાં ભાગનાં ક્ષેત્રો આવી ગયાં.  

દસ હજારના આંકડોને જરા મચડીએ તો એવું સમજાય કે જો તમે રોજેરોજ, એક પણ બન્ક માર્યા વિના દૈનિક ત્રણ કલાક પ્રેક્ટિસ કરો તો 9 વર્ષમાં ચેમ્પિયન બની શકો, જો રોજ બે કલાક પ્રેક્ટિસ કરો તો 13 વર્ષ અને સાતેક મહિનામાં ચેમ્પિયન બની શકો અને જો રોજની દોઢ કલાક પ્રેક્ટિસ કરો તો લગભગ 18-19 વર્ષે ચેમ્પિયન બની શકો (અહીં 'ચેમ્પિયન'ના સ્થાને તમે એક્સપર્ટ, મહારથી, માસ્ટર, ગ્રેટ જેવો કોઈપણ શબ્દ મૂકી શકો). પુસ્તક લખતાં પહેલાં, અલબત્ત, માલ્કમ ગ્લેડવેલે કેટલાક અતિ સફળ લોકોના જીવનનો અભ્યાસ કર્યો હતો અને આખરે એ તારણ પર પહોંચ્યા હતા કે જો તમારી પ્રેક્ટિસના કલાકો 10,000ના આંકડાને સ્પર્શી લે તો સમજી લો કે તમે ક્રિકેટર સચિન તેંડુલકર, તબલાવાદક ઝાકિર હુસેન કે ટેકનો-બિઝનેસમેન બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સ જેવી મહાનતાની કક્ષાએ પહોંચી ગયા.

પત્યું. આ દસ હજારનો આંકડો એવો ચોટડૂક હતો કે જીવન જીવવાની કળા શીખવનારાઓ, પ્રેરણાદાયી લેખો લખનારાઓ અને મોટિવેશન સ્પીકર્સને મજા પડી ગઈ. માલ્કમ ગ્લેડવેલે દસ હજાર કલાકનૂં સૂત્ર બનાવતી વખતે એક જૂના રિસર્ચનો સજ્જડ આધાર લીધો હતો. એન્ડર્સ એરિકસન નામના સાઇકોલોજીના પ્રોફેસરે છેક 1993માં અન્ય બે સાથીઓના સંગાથે 'ડેલીબરેટ (એટલે કે સહેતુક) પ્રેક્ટિસ' પર સંશોધન કરી પેપર લખ્યું હતું. આ પેપર ત્યાર બાદ અન્ય કેટલાંય સંશોધનોમાં રેફરન્સ મટિરીયલ તરીકે વપરાયું હતું અને ક્વોટ થયું. તેને આમ જનતા સુધી પહોંચાડવાનું કામ જોકે દસ હજાર કલાકના
સૂત્રે કર્યું. માલ્કમ ગ્લેડવેલે પોતાના 'આઉટલાયર્સ' પુસ્તકમાં એન્ડર્સ એરિકસનના સંશોધનને બાકાયદા ટાંક્યું છે. દસ હજાર કલાકના સૂત્રના ફૂગ્ગામાંથી હવા ત્યારે નીકળી જ્યારે મૂળ સંશોધકે એટલે કે એરિક્સને 2015માં રિસર્ચ પેપર નહીં પણ આખેઆખું પુસ્તક બહાર પાડ્યું, જેનું ટાઇટલ હતું 'પીક' અનેટેગલાઇન હતી, 'સિક્રેટ્સ ફ્રોમ ધ ન્યુ સાયન્સ ઓફ એક્સપર્ટાઇઝ'

એન્ડર્સ એરિક્સને લખ્યું કે દસ હજાર કલાકવાળું સૂત્ર અમારાં સંશોધનની પીઠ પર સવાર થઈને વહેતું કરાયું છે, પણ આ સૂત્રમાં ઘણા લોચા છે. દસ હજારનો આંકડો આસાનીથી યાદ રહી જાય એવો છે તે સાચું, પણ તે એક્યુરેટ નથી. અમુક ક્ષેત્રમાં એક્સપર્ટ બનવા માટે દસ નહીં, વીસ કે ત્રીસ હજાર કલાક પણ ઓછા પડે. આ સૂત્રમાંથી માત્ર એક વાત સમજવાની છે અને તે કે સફળતાના શિખર પર પહોંચવા માટે કોઈ શોર્ટ-કટ હોતો નથી. તમે જે-તે પ્રવૃતિમાં પૂરેપૂરી નિષ્ઠાથી હજારો કલાક નાખો તો જ કંઈક નીપજે. મહાન માણસો આ જ રીતે મહાન બન્યા છે.

દસ હજાર કલાકવાળું સૂત્ર જે રિસર્ચના આધારે ઘડવામાં આવ્યું હતું તે એક્ઝિક્યુટ કરવા માટે એન્ડર્સ એરિક્સન અને એમના સાથીઓએ કેટલાક ઇન્ટરેસ્ટિંગ પ્રયોગો કરેલા. એમાંથી વાયોલિનવાદકોવાળો પ્રયોગ સૌથી મજેદાર છે.  બર્લિન યુનિર્વસિટીની કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ધ પર્ફોર્મિંગ આર્ટ્સનું બહુ મોટું નામ છે. અહીંથી સતત વર્લ્ડક્લાસ વાયોલિનવાદકો પેદા થતા રહ્યા છે. એરિક્સનનો હેતુ સંગીતની મેધાવી પ્રતિભાઓ કેવી રીતે તૈયાર થાય છે તે વિશે પદ્ધતિસર અભ્યાસ કરવાનો હતો. એમણે કોલેજના પ્રોફેસરોને કહ્યું કે તમે અમને ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ અલગ તારવી આપોઃ (એક) સૌથી બેસ્ટ વિદ્યાર્થીઓ, જેમનામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની કરીઅર બનાવી શકવાનું કૌવત હોય, (બે) એવા વિદ્યાર્થીઓ જે બહુ સારા વાયોલિનવાદક હોય, પણ જેમનામાં સુપરસ્ટાર ક્વોલિટી દેખાતી ન હોય, (ત્રણ) અબાઉ-એવરેજ યા તો સાધારણ સ્ટુડન્ટ્સ કરતાં ચડિયાતા વિદ્યાર્થીઓ.  


આમ, એરિક્સન પાસે દસ-દસ સ્ટુડન્ટ્સનાં ત્રણ જૂથ બન્યાઃ ગુડ, બેટર, બેસ્ટ. એરિક્સનને જોવું હતું અસાધારણ વાયોલિનવાદકોમાં માત્ર સારા કે અબાઉ-એવરેજ વાયોલિનવાદકો કરતાં શું જુદું હોય છે. આ તમામ વાયોલિનવાદકોના વિસ્તૃત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. એમાં એમને જાતજાતના સવાલ પૂછવામાં આવ્યાઃ તમે સંગીત શીખવાનું કઈ ઉંમરથી શરૂ કર્યું, તમારા શિક્ષક કોણ હતા, ઉંમરના અલગ અલગ પડાવે તમે રોજ કુલ કેટલી કલાક પ્રેક્ટિસ કરી, તમે કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને એમાંથી કેટલામાં જીત્યા, વગેરે. એમને એવુંય પૂછવામાં આવ્યું કે એકલા પ્રેક્ટિસ કરવી, ગ્રુપમાં પ્રેક્ટિસ કરવી, માત્ર મોજ ખાતર એકલા એકલા વાયોલિન વગાડવું, મોજ ખાતર ગ્રુપમાં વાયોલિન વગાડવું, સંગીત સાંભળવું, સંગીતનો ઇતિહાસ અને અન્ય થિયરી વાંચવા - આ બધામાંથી તમારા હિસાબે કઈ પ્રવૃત્તિથી કેટલો ફાયદો થાય છે. ત્રીસેય વિદ્યાર્થીઓને રોજ ડાયરી લખવાનું સૂચન કરવમાં આવ્યું કે જેમાં તેઓ રોજ તેટલી કલાક સૂતા, કેટલી કલાક એકલા પ્રેક્ટિસ કરી, ગ્રુપમાં પ્રેક્ટિસ કરી, કેટલો વખત રિલેક્સ થવામાં ગાળ્યો, મ્યુઝિક સ્કૂલમાં ભણવામાં કેટલો સમય પસાર કર્યો વગેરે જેવી વિગતો પણ નોંધતા રહે.   

ત્રણેય જૂથના વિદ્યાર્થીઓએ મોટા ભાગના સવાલના જવાબ લગભગ એકસરખા આપ્યા. સૌ એક વાતે સહમત હતા કે જો પર્ફોર્મન્સ સુધારવું હોય તો એકલા પ્રેક્ટિસ કરવી સૌથી જરૂરી છે. બીજા નંબર પર હતી ગ્રુપ પ્રેક્ટિસ, પછી ક્લાસ અટેન્ડ કરવા, સોલો પર્ફોર્મન્સ આપવું, સંગીત સાંભળવું અને છેલ્લે સંગીતની થિયરીનો અભ્યાસ કરવો.

ઊડીને આંખે વળગે એવું તારણ આ હતુઃ પોતાનું પર્ફોર્મન્સ સુધારવા માટે જે-જે પગલાં ભરવાની વિદ્યાર્થીઓએ વાત કરી તે એમના માટે કંઈ આનંદદાયક પ્રવૃત્તિ નહોતી, તે એમને રીતસર મજૂરી જ લાગતી હતી. એમને જલસા માત્ર આ બે પ્રવૃત્તિમાં પડતા હતાઃ ઊંઘવામાં અને સંગીત સાંભળવામાં! એક વાતે ટીચર્સ અને સ્ટુડન્ડટ્સ બન્ને સહમત થયા કે ઇમ્પ્રુવ થવાનું કામ અત્યંત છે. ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે જે પણ કંઈ કરવું પડતું હતુ તે કરવામાં વિદ્યાર્થીઓને મજા નહોતી પડતી. એવો એક પણ વિદ્યાર્થી નહોતો જેને પ્રેક્ટિસ કરવામાં માત્ર અને માત્ર જલસા પડ્યા હોય. તો પછી આ સ્ટુડન્ટ્સ શાના જોરે કલાકોના કલાકો પ્રેક્ટિસ કરી શકતા હતા? શું હતું એમનું પ્રેરકબળ? એમનું પ્રેરકબળ એક જ હતુઃ તેઓ સારી રીતે સમજતા હતા કે જો પર્ફોર્મન્સ સુધારવું હશે તો રિયાઝ કર્યા વગર છૂટકો નથી. પર્ફોર્મન્સ વધુ ને વધુ પરફેક્ટ થાય તે માટે સખત રિયાઝ કરવો જ પડશે.  

વિદ્યાર્થીઓ તમામ ટેલેન્ટેડ હતા, પણ આ ત્રણેય જૂથ વચ્ચે ફર્ક માત્ર એક જ વાત હતોઃ પ્રેક્ટિસની કલાકોમાં. 'બેસ્ટ' વિદ્યાર્થીઓએ રિયાઝ પાછળ વધારેમાં વધારે સમય આપ્યો હતો, જ્યારે 'બેટર' અને 'ગુડ' વિદ્યાર્થીઓ એમની સરખામણીમાં ઓછો સમય આપ્યો હતો. વાયોલિનવાદનની તાલીમ નાનપણમાં જ, સાત-આઠ વર્ષની ઉંમરે શરૂ થઈ જતી હોય છે. આ ત્રીસ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો અઢાર વર્ષના થાય ત્યાં સુધીમાં પ્રત્યેક 'ગુડ' સ્ટુડન્ટ એની લાઇફમાં સરેરાશ 3420 કલાકની પ્રેક્ટિસ કરી ચુક્યો હતો 'બેટર' સ્ટુડન્ટ 5301 કલાક પ્રેક્ટિસ કરી ચક્યો હતો અને 'બેસ્ટ' સ્ટુડન્ટ 7420 કલાક રિયાઝ કરી ચુક્યો હતો. આમ, મહેનત તો સૌએ કરી હતી. આ ત્રીસમાં સૌથી ઓછા કાબેલ વિદ્યાર્થી પણ વાયોલિનવાદન પાછળ હજારો કલાક ખર્ચી ચુક્યો હતો. જસ્ટ એમ જ, શોખ માટે કે મસ્તી ખાતર વાયોલિન વગાડતા લોકો કરતાં આ આંકડો ક્યાંય મોટો છે.

રિયાઝના કલાકોના ટોટલ આંકડામાં સામાન્યપણે બાર-તેરથી સત્તર વર્ષ સુધીમાં ફરક પડી જતો હતો. તરુણાવસ્થામાં છોકરા-છોકરીઓનું મન કુદરતી રીતે જ ચંચળ બની જતું હોય છે. તેઓ ઓપોઝિટ સેક્સ, ફેશન, ધમાલમસ્તી વગરે તરફ આકર્ષાવા લાગે છે. જે સ્ટુડન્ટ્સ તરુણાવસ્થામાં ઓછા ચલિત થયા હતા અને પ્રેક્ટિસ એટલી જ તીવ્રતાથી ચાલુ રાખી હતી તેઓ આપોઆપ 'બેસ્ટ' જૂથમાં સામેલ થઈ જતા હતા. જેમનો રિયાઝ તરૂણાવસ્થામાં થોડો ઢીલો પડી ગયો તેઓ માત્ર 'ગુડ' સ્ટુડન્ટ્સ બનીને રહી ગયા.

સો વાતની એક વાત. હવે જ્યારે પણ કોઈ ગાયકને અદભુત રીતે ગીત ગાતાં, કોઈ પણ સ્પોર્ટ્સપર્સનને અદભુત રમતાં કે કોઈ પણ સુપર પર્ફોર્મરને અસાધારણ કામ કરતા જુઓ ત્યારે મહેરબાની કરીને એવું નહીં બોલવાનું કે આ માણસ તો ગિફ્ટેડ છે, ભગવાને એને જન્મજાત પ્રતિભા આપી છે. ના. આને બદલે એમ વિચારવાનું કે આ માણસે પોતાની આવડતની ધાર કાઢવા માટે હજારો કલાક આપ્યા હશે! જન્મજાત પ્રતિભા હોય તો પણ જો એકધારો રિયાઝ અને પ્રચંડ મહેનત દ્વારા ટેલેન્ટની માવજત ન થાય તો માણસ માત્ર 'ગુડ' બનીને રહી જાય છે, તે 'બેસ્ટ', ચેમ્પિયન કે મહાન ક્યારેય બની શકતો નથી. 

0 0 0 

Saturday, February 17, 2018

તેરે મેરે જીવન કી યહી બુનિયાદ


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 18 ફેબ્રુઆરી 2018

મલ્ટિપ્લેક્સ                   

હિન્દી સિનેમામાં જે સ્થાન 'શોલે'નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં 'બુનિયાદ'નું છે. આજથી ત્રણ દાયકા પહેલાં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થયેલી રમેશ સિપ્પીની આ ટીવી સિરીયલે ગુણવત્તાના જે માપદંડ સ્થાપિત કર્યા હતા તે આજે પણ અણનમ છે. મ તો સામેના માણસને એની ઉંમર યાદ કરાવવી અવિવેક ગણાય, પણ આ જોખમ સાથે પણ કહેવા દો કે આપણામાંથી જેમની ઉંમર કમસે કમ ચાલીસ વર્ષ હશે એ સૌને દૂરદર્શન પર 1986-87 દરમિયાન ટેલિકાસ્ટ થયેલી 'બુનિયાદ' સિરીયલ હજુય, આજે બત્રીસ વર્ષ પછીય, જરૂર યાદ હશે. ભારતીય મધ્યમવર્ગમાં ટીવી તે વખતે હજુ તાજું તાજું પ્રચલિત બની રહ્યું હતું. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રહાર, અઠવાડિયે એક જ વાર જોવા મળતી મોંઘેરી હિન્દી ફિલ્મ, સ્પાઇડરમેનનો કાર્ટૂન શો વગેરે જેવા મનગમતા કાર્યક્રમ જોવા માટે આપણે પાડોશીના ઘરે પહોંચી જતા હતા અથવા પાડોશીઓ આપણા ઘરે આવીને ટીવી સામે ગોઠવાઈ જતા હતા. ઇડિયટ બોક્સ તરીકે ઓળખાતું ટીવી મોટે ભાગે બ્લેક-એન્ડ-વ્હાઇટ જ હોય.

પેલાં રમૂજી દશ્યો બરાબર યાદ છે. ટીવી પર કાર્યક્રમ બરાબરનો જામ્યો હોય ત્યારે જ એકાએક વાતાવરણ ખરાબ થાય ને સ્ક્રીન પર દશ્ય હલ-હલ-ઉપર-નીચે થવા માંડે, તરડાવા-મરડાવા લાગે, કાં તો સાવ ગાયબ થઈ જાય. અવાજ-સંગીતનું સ્થાન કર્કશ ઘરઘરાટી લઈ લે. આવી કુદરતી રુકાવટ આવે એટલે કોઈક ઊભું થઈને તોતિંગ એન્ટેનાનો થાંભલો ગોળ-ગોળ ફેરવવા ઘરની બાલ્કનીમાં કે છત ઉપર જાય અને બૂમો પાડેઃ 'આવ્યું? આવ્યું?' (એટલે કે સ્ક્રીન પર બરાબર ક્લેરિટી આવી?) જવાબમાં ટીવી સામે બેઠેલું અધીરું ઓડિયન્સ કાગારોળ મચાવેઃ 'હા, આવી ગયું...' કે 'ના, હજુ જરાક ફેરવ...'!

ચાર્મિંગ સમયગાળો હતો એ! આજે એ વિચારીને જબરું આશ્ચર્ય થાય છે કે જ્યારે ટેલિવિઝન એન્ટરટેઇનમેન્ટના આખું તંત્ર ડિફાઇન થવાની હજુ તો માત્ર શરૂઆત થઈ હતી, ચેનલના નામે એકમાત્ર દૂરદર્શન હતું અને સેટેલાઇટ્સ ચેનલ્સની એન્ટ્રી થવાને હજુ આઠ વર્ષની વાર હતી એવા તબક્કે રમેશ સિપ્પી 'બુનિયાદ' જેવી કદી ભુલી ન શકાય એવી માતબર ટીવી સિરીયલ લઈને આવ્યા. 'બુનિયાદે' અભિનય-લખાણ-ડિરેક્શન-સંગીત સહિતનાં તમામેતમામ ડિપાર્ટમેન્ટ્સમાં ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ સ્થાપ્યા. હા, 'બુનિયાદ' આવી તે પહેલાં ભારતીય ઓડિયન્સ અશોકકુમારવાળી 'હમ લોગ' (1984-1986) ટીવી સિરીયલની આનંદ માણી ચુક્યું હતું. 'હમ લોગ' પણ 'બુનિયાદ' જેવો જ લેન્ડમાર્ક ટીવી શો. આ બન્ને મેગા શો લેખક એક જ - મનોહર શ્યામ જોશી!

'બુનિયાદ' લોન્ચ થઈ એ વખતે રમેશ સિપ્પી પૂરા ચાલીસ વર્ષના પણ થયા નહોતા. એમના બાયોડેટામાં 'સીતા ઔર ગીતા', 'શોલે', 'શાન', 'શક્તિ' અને 'સાગર' જેવી ફિલ્મો ઓલરેડી ઉમેરાઈ ચુકી હતી. કલ્પના કરો કે આટલો સક્સેસફુલ ડિરેક્ટર જ્યારે પહેલી વાર એક ટીવી સિરીયલ લઈને આવતો હોય ત્યારે કેવું એક્સાઇટમેન્ટ ફેલાયું હશે અને એ શો પાસેથી કેટલી ઊંચી અપેક્ષા રાખવામાં આવી હશે. 'બુનિયાદે' તે અપેક્ષાઓ માત્ર સંતોષી નહીં, પણ ઓડિયન્સને ધાર્યા કરતાં પણ ઘણું વધારે આપ્યું.

Ramesh Sippy (left) directing Anita Kanwar and Alok Nath on the set of Buniyaad 


'બુનિયાદ' ભારત-પાકિસ્તાનના ભાગલાના પશ્ચાદભૂમાં આકાર લેતી અત્યંત સંવેદનશીલ પારિવારિક કહાણી છે. રમેશ સિપ્પી ખુદને હંમેશાં 'પાર્ટિશન બેબી' તરીકે ઓળખાવતા આવ્યા છે. ઓગસ્ટ 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે તેઓ સાત મહીનાના હતા. દેશના ભાગલાની થીમ એમને ન સ્પર્શે તો જ આશ્ર્ચર્ય. શોની તજવીજ શરૂ થઈ ત્યારે તેઓ મનોહર શ્યામ જોશીને મળ્યા, ચર્ચા કરી. રમેશ સિપ્પી કન્વિન્સ થઈ ગયા કે 'બુનિયાદ' લખવા માટે આ પરફેક્ટ માણસ છે. હોમવર્કના ભાગરૂપે સિપ્પીએ 'ડલાસ' અને 'ડાયનેસ્ટી' જેવી એ સમયની હિટ અમેરિકન સોપ ઓપેરા જોઈ કાઢી. વિષયની દષ્ટિએ તેને 'બુનિયાદ' સાથે કશું લાગતુંવળગતું નહોતું, પણ આ શોઝ જોવાને લીધે સિરીયલના વ્યાકરણ અને સ્ટ્રક્ચર વિશે ઘણી માનસિક સ્પષ્ટતા થઈ ગઈ. રમેશ સિપ્પીને એક વાત એમને જડબેસલાક રીતે સમજાઈ ગઈ કે દરેક એપિસોડના અંતે મજબૂત હૂક પોઈન્ટ હોવો જ જોઈએ કે જેથી ઓડિયન્સના મનમાં 'હવે શું થશે?' એવો સવાલ થાય અને નેકસ્ટ એપિસોડ જોવાની ઉત્સુકતાને વળ ચડે.   

કાસ્ટિંગ શરૂ થયું. અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, કમલ હસન, રિશી કપૂર, હેમા માલિની, જયા ભાદુડી જેવાં ફિલ્મી દુનિયાનાં ધરખમ કલાકારો સાથે કામ કરી ચુકેલા રમેશ સિપ્પીએ 0બુનિયાદ માટે અજાણ્યા અને નવા નિશાળીયા એકટરોને પસંદ કર્યા. એમાંના ઘણા દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી તાલીમ લઈને આવ્યા હતા. આલોક નાથ માસ્ટર હવેલીરામ બન્યા. આલોક 'બાબુજી' નાથ એ વખતે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. 'બુનિયાદ'ના માસ્ટરજીના યાદગાર રોલે એમની લાઇફ સેટ કરી નાખી. અનિતા કંવર નાયિકા લાજોજી બન્યાં. એમનું કોઈ નાટક જોઈને જાવેદ અખ્તર પ્રભાવિત થયેલા અને એમણે રમેશ સિપ્પીને એનું નામ રિકમન્ડ કરેલું. આ ઉપરાંત વિજયેન્દ્ર ઘાટગે, દિલીપ તાહિલ, કિરણ જુનેજા (જેમની સાથે રમેશ સિપ્પીએ પછી લગ્ન કર્યાં), ઝીનત અમાનના જન્નતનશીન પતિ મઝહર ખાન, કંવલજીત સિંહ, કૃતિકા દેસાઈ, આલિયા ભટ્ટનાં મમ્મી સોની રાઝદાન,.. એકબીજાનાં માથાં ભાંગે એવાં આ સુપર ટેલેન્ટેડ કલાકારો હતાં.

મુંબઈના ફિલ્મસિટીમાં સેટ લગાડવામાં આવ્યો. અઠવાડિયામાં બે દિવસ સવારના સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી નોનસ્ટોપ શૂટિંગ ચાલે. રમેશ સિપ્પી કલાકારો પાસે ખૂબ રિહર્સલો કરાવે અને જ્યાં સુધી બેસ્ટ શોટ ન મળે ત્યાં સુધી તંત ન છોડે. ફિલ્મ હોય કે સિરીયલ, રમેશ સિપ્પી પરફેક્શન અને ડિટેલિંગના માણસ છે. માત્ર એક્સપ્રેશન્સ જ નહીં, ઉચ્ચારણો, લઢણ, કપડાં, સ્કીન પર દેખાતી ચીજવસ્તુઓ આ બધું જ પરફેક્ટ જોઈએ. જેમ કે, એક દિવસ કોઈ સીનમાં ચાવીવાળા વાજાની જરૂર હતી. રમેશ સિપ્પીએ સેટ પર જઈને જોયું કે વાજું ગેરહાજર છે. બીજો કોઈ ડિરેક્ટર હોય તો સીનમાં થોડો ફેરફાર કરીને કદાચ વાજા વગર ચલાવી લે, પણ 'ચાલશે' શબ્દ સિપ્પીસાહેબની ડિક્શનરીમાં ક્યારેય નહોતો. એમણે કહ્યુઃ આ સીનમાં વાજું જોઈએ એટલે જોઈએ. ગમે ત્યાંથી, કોઈ પણ રીતે તેને હાજર કરો. એના સિવાય શૂટિંગ આગળ નહીં વધે! આખરે બે-ત્રણ કલાકે પ્રોડકશન ટીમે માંડ માંડ ક્યાંકથી વાજુ મેનેજ કર્યું તે પછી જ કામ આગળ વધ્યું.

'બુનિયાદ' સિરીયલ અઠવાડિયામાં બે વાર ટેલિકાસ્ટ થતી - દર મંગળવારે અને શનિવારે. એપિસોડ શરૂ થાય એટલે સૌથી પહેલાં અનુપ જલોટાએ ગાયેલું ટાઇટલ સોંગ રેલાયઃ 'કહીં તો હૈ સપના ઔર કહીં યાદ, કહીં તો હસીં રે કહીં ફરિયાદ.... પલછીન પલછીન તેરે મેરે જીવન કી યહી બુનિયાદ....' સિરીયલને નિશ્ચિત ઘાટ આપવામાં સંગીતનું યોગદાન મહત્ત્વપૂર્ણ હોય છે. 'બુનિયાદ'નું સંગીત તૈયાર કર્યું ત્યારે ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર માંડે બાવીસેક વર્ષના હતા. બે ટીવી શોમાં સંગીત આપવાનો અનુભવ ધરાવતા આ યુવાનની રમેશ સિપ્પી સાથે ઓળખાણ અમિત ખન્નાએ કરાવી હતી. અમિત ખન્ના 'બુનિયાદ'ના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતા. પ્રારંભિક બ્રિફ મળી તે પછી ઉદય મઝુમદારે ભાગલાને કારણે અસર પામેલા હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રતીક જેવા વૈદિક મંત્રોચ્ચાર અને મસ્જિદની અઝાનનું મિશ્રણ કરીને થીમેટીક મ્યુઝિક કમ્પોઝ કર્યું. આ મ્યુઝિકલ પીસ અને તે પછી પણ જે રીતે સંગીતસર્જન થતું રહ્યું તેના પરથી રમેશ સિપ્પીને એક વાતની ખાતરી થઈ ગઈ કે આ યુવાન કેવળ 'મ્યુઝિકલ પર્સન' નથી, એ 'થિંકિંગ મ્યુઝિકલ પર્સન' છે! 'બુનિયાદ'નો સમગ્ર અનુભવ ઉદય મઝુમદાર માટે જાણે સંગીતની યુનિર્વસિટીમાંથી ગ્રેજ્યુએશન કરીને તગડી ડિગ્રી મેળવી હોય એવો જેવાે સમૃદ્ધ પૂરવાર થયો.  

ક્યારેક કલાકારોના પર્ફોર્મન્સથી રમેશ સિપ્પી ખૂબ ખુશ હોય તો ડિનર અને ડ્રિન્ક્સની પાર્ટી આપતા. શૂટિંગના બે દિવસ બાદ કરતાં બાકીના પાંચ દિવસ પોસ્ટ પ્રોડક્શનનું કામકાજ ચાલતું. આ સિરીયલ 105 એપિસોડ્સ ચાલી. માસ્ટરજી, લાજોજી, વીરાવાલી, રોશન વગેરે જાણે ખુદના પરિવારનો  હિસ્સો હોય એટલી હદે ઓડિયન્સનું તેમની સાથે સંધાન થઈ ગયું હતું. 

હિન્દી સિનેમામાં જે સ્થાન 'શોલે'નું છે એ જ સ્થાન ભારતીય ટેલીવિઝનમાં 'બુનિયાદ'નું છે. આ સિરીયલનું પછી તો સ્મોલ સ્ક્રીન પર એકાધિક વખત રિપીટ ટેલિકાસ્ટ પણ થયું. 'બુનિયાદ'ની યાદ તાજી કરવી હોય તો યુટ્યુબ પર લટાર મારીને એકાદ એપિસોડ જોઈ કાઢજો. મોજ પડશે. રમેશ સિપ્પીની આત્મકથા ટૂંક સમયમાં બહાર પડવાની છે. એ વાંચવાની તો સોલિડ મોજ પડવાની છે.         

0000

Monday, February 12, 2018

આંધી ઓસ્કરની!

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 11 ફેબ્રુઆરી 2018 માટે

મલ્ટિપ્લેક્સ                   
આ વખતની ઓસ્કરની રેસમાં બેસ્ટ પિક્ચરનું નોમિનેશન મેળવનારી ફિલ્મોમાં ઇતિહાસપુરુષથી અર્ધમાનવ સુધીનું અને માથાભારે મા-દીકરીથી લઈને ગે લવર્સના પ્રેમસંબંધ સુધીનું ભરપૂર વૈવિધ્ય છે.
  

સ્કર સિઝન મસ્ત જામી ચુકી છે. ચોથી માર્ચે ઝાકઝમાળભર્યા ફંક્શનમાં ઢેન્ટેણેએએએ... કરતા વિજેતાઓનાં નામ અનાઉન્સ થાય તે પહેલાં આદર્શ રીતે તો સિનેમાલવરોએ ખૂબ ગાજેલી તમામ ઓસ્કર મૂવીઝ જોઈ કાઢવી જોઈએ. આવું દર વખતે પ્રેક્ટિકલી હંમેશાં શક્ય બનતું નથી એનું એક કારણ એ પણ હોય છે કે અમુક ઓસ્કર મુવીઝ ભારતમાં રિલીઝ જ થઈ હોતી નથી. ખેર, આજે આપણે આ વખતની બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં સ્થાન પામેલી ફિલ્મોની ઝલક મેળવીએ. કુલ નવમાંથી બે ફિલ્મો - 'ધ પોસ્ટ' અને 'ડાર્કેસ્ટ અવર' (અનુક્રમે બે અને છ નોમિનેશન્સ) વિશે આપણે આ કોલમમાં અગાઉ વિસ્તારથી વાત કરી ચુક્યા છીએ. આજે બાકીની ફિલ્મોનો વારો.

ધ શેપ ઓફ વોટર :આ ઓસ્કર સિઝનમાં સૌથી વધારે નોમિનેશન્સ મેળવનાર કોઈ ફિલ્મ હોય તો એ છે, 'ધ શેપ ઓફ વોટર'. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે સહિતની તેર-તેર કેટેગરીમાં તેણે નામ નોંધાવ્યું છે. મસ્ત સ્ટોરી છે 'ધ શેપ ઓફ વોટર'ની. આને તમે ફેન્ટસી ફિલ્મ પણ કહી શકો અને લવસ્ટોરી પણ કહી શકો.

એલિસા (સેલી હોકિન્સ) નામની એક મૂંગી યુવતી છે. 1960ના દાયકામાં અમેરિકન સરકારની એક ગુપ્ત લેબોરેટરીમાં એ ટોઇલેટ-બાથરૂમ ચોખ્ખાં રાખનાર સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. એલિસાને ખબર પડે છે કે લેબોરેટરીની એક ટાંકીમાં એક ઉભયજીવી હ્યુમનોઇડને દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યો છે. હ્યુમનોઇડ એટલે અર્ધમાનવ અથવા માણસ જેવો દેખાતો જીવ. ઉભયજીવી એટલે જે પાણી અને જમીન એમ બન્ને જગ્યાએ રહી શકે તે. ઉત્સુક એલિસા ગુપચુપ આ અર્ધમાનવને મળતી રહે છે. બન્ને વચ્ચે મૈત્રીભર્યો હૂંફાળો સંબંધ વિકસે છે. એલિસાને સૌથી વધારે એ વાત ગમે છે કે આ અર્ધમાનવ એને જેવી છે એવી સ્વીકારે છે. એલિકા ખોડખાંપણવાળી છે, મૂંગી છે એ વાતનું એને કોઈ મહત્ત્વ નથી.

અમેરિકન સરકાર સ્પેસ સાયન્સમાં બીજા દેશો કરતાં આગળ નીકળી જવા ઘાંઘી બની છે એટલે લેબોરેટરીના સાહેબો સ્પેસ સાયન્સને લગતા કેટલાક ખતરનાક અખતરા આ અર્ધમાનવ પર કરવા માગે છે. એમાં એનો જીવ જઈ શકે છે. એલિસા અર્ધમાનવનો જીવ બચાવીને એને નજીકની કોઈ કેનાલમાં વહાવી દેવા માગે છે. બસ, પછી બન્ને છાવણી વચ્ચે ધમાચકડી મચે છે. ફિલ્મના હેપી એન્ડમાં જાલિમ જમાના સામે પ્રેમની જીત થાય છે ને એલિસા અને અર્ધમાનવ ખાઈ-પીને મોજ કરે છે.

આ હ્યદયસ્પર્શી ફિલ્મનું માત્ર ટ્રેલર જોઈને જ જો જલસો પડી જતો હોય તો વિચારો કે આખેઆખી ફિલ્મ જોવાની કેવી મોજ પડશે.

ફેન્ટમ થ્રેડઃ


ટાઇટલમાં 'ફેન્ટમ' શબ્દ છે એટલે આ પેલા બુકાનીધારી સુપરહીરોની ફિલ્મ હશે એવું ભુલેચુકેય ન માનવું. હા, આ ફિલ્મના મુખ્ય અભિનેતા ડેનિયલ ડે-લેવિસને સિનેમાજગતમાં સૌ કોઈ જરુર સુપર એક્ટર તરીકે જરૂર સ્વીકારે છે. પૃથ્વીના પટ પર આ એક જ એવો એભિનેતા છે જેણે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી લીધો હોય. આ ફિલ્મનું મહત્ત્વ એટલા માટે પણ છે કે ડેનિયલ ડે-લેવિસે 'ફેન્ટમ થ્રેડ' પછી એક્ટર તરીકે ક્ષેત્રસંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. આમ, ટેક્નિકલી ડેનિયલ ડે-લેવિસની અભિનેતા તરીકેની આ અંતિમ ફિલ્મ છે.    

શું છે 'ફેન્ટમ થ્રેડ'માં? 1950ના દાયકાનું લંડન છે. બ્રિટીશ હાઇ સોસાયટીમાં રેનોલ્ડ્ઝ વૂડકોક નામના ફેશન ડિઝાઇનરની ભારે બોલબાલા છે. કોઈ પણ જિનીયસ માણસની માફક રેનોલ્ડ્ઝ પણ તરંગી છે. સામેની વ્યક્તિ પર આધિપત્ય જમાવવાનો એમનો સ્વભાવ છે. એની બહેન એનું રોજિંદુ કામકાજ સંભાળે છે. રેનોલ્ડ્ઝના જીવનમાં આલ્મા નામની એના કરતાં ઉંમરમાં ઘણી નાની એવી યુવતી આવે છે. આલ્મા આમ તો વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી, પણ હવે એ રેનોલ્ડ્ઝની 'મ્યુઝ' એટલે કે પ્રેરણામૂર્તિ બની ગઈ છે. કોઈપણ ટિપિકલ પ્રેમસંબંધની જેમ શરૂઆતમાં બન્ને વચ્ચે બધું સરસ ચાલે છે, પણ પછી ચણભણ એટલી વધે છે કે પરિસ્થિતિ વિસ્ફોટક બની જાય છે. ખેર, આખરે બન્નેને ભાન થાય છે કે આપણી વચ્ચે ભલે ગમે તેટલી તૂ-તૂ-મૈં-મૈં થાય, પણ આપણો એકબીજા પ્રત્યેનો મૂળભૂત પ્રેમ એટલો મજબૂત છે કે આપણે કોઈ પણ કટોકટીને પહોંચી વળીશું.  

'ફેન્ટમ થ્રેડ' ભલે અમુક લોકોને ધીમી લાગતી હોય, પણ ઓસ્કરની રેસમાં એ ખાસ્સી આગળ છે. એને છ નોમિનેશન્સ મળ્યાં છે- બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સપોર્ટિંગ એક્ટ્રેસ (લેસ્લી મેનવિલ, જે બહેનનું કિરદાર નિભાવે છે), ઓરિજીનલ સ્કોર અને કોસ્ચ્યુમ ડિઝાઇન. ડેનિયલ ડે-લેવિસને ચોથો ઓસ્કર જીતવાની શક્યતા આમ તો પાંખી છે, કેમ કે 'ડાર્કેસ્ટ અવર'માં ગેરી ઓલ્ડમેને વધારે મોટી કમાલ કરી છે. છતાંય અવોર્ડ્ઝના મામલામાં... યુ નેવર નો!   


લેડી બર્ડઃ'બર્ડમેન' (2014) નામની અફલાતૂન ઓસ્કર મૂવી આપણા મનમાં એવી ને એવી તાજી છે ત્યાં આ વખતે 'લેડી બર્ડ' ઓસ્કરની રેસમાં ઉતરી છે. આ ફિલ્મમાં એક માથાભારે ટીનેજ છોકરી (સેર્શો રોનાન) અને ખાસ કરીને એની મા વચ્ચેના વણસી ગયેલા સંબંધની વાત છે. છોકરીનું ખરું નામ તો ક્રિસ્ટીન છે, પણ વિદ્રોહના ભાગરુપે એ ખુદને લેડી બર્ડ કહીને બોલાવે છે. જુવાની ફૂટી રહી હોય એવી ઉંમરે અમરિકન સમાજમાં, કે ફોર ધેટ મેટર, કોઈ પણ મુક્ત સમાજમાં, છોકરાછોકરીઓ એક રિલેશનશિપમાંથી બીજી રિલેશનશિપમાં ભુસકા મારતા રહેતાં હોય છે. લેડી બર્ડનું પણ એવું જ છે. ખૂબ બધું બને છે એની લાઇફમાં. અઢારમા વર્ષે કાયદેસર રીતે 'પુખ્ત' બનતાં જ એ ઘર છોડીને ન્યુ યોર્ક જતી રહે છે. અહીં એના હાથમાં મમ્મીએ લખેલા કેટલાક પત્રો હાથ લાગે છે. એને ભાન થાય છે કે જે માને હું નિષ્ઠુર કે વધારે પડતી કડક ગણતી હતી એ મા વાસ્તવમાં કેટલી સંવેદનશીલ છે. આખરે છોકરીમાં મોડી તો મોડી પણ ડહાપણની દાઢ ફૂટે છે અને સૌ સારા વાનાં થાય છે.

'લેડી બર્ડ', ટૂંકમાં, એક સરસ મજાની, અસરકારક કમિંગ-ઓફ-એજ ફિલ્મ છે.  તરુણાવસ્થામાં માણસ લાગણીઓના ચડાવઉતારમાંથી પસાર થતો હોય છે અને જિંદગી નામનો હોબાળો સમજવા માટે મથામણ કરતો હોય છે જે આ ફિલ્મમાં સરસ રીતે ઝીલાયું છે. એટલેસ્તો એને પાંચ નોમિનેશન્સ મળ્યાં છે- બેસ્ટ પિક્ચર, એક્ટ્રેસ (સેર્શો રોનાન), સપોર્ટિંગ એક્ટ્રેસ (લોરી મેટકાફ, જેણે માનો રોલ કર્યો છે), બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડિરેક્ટર.  

ગેટ આઉટઃ
હોરર ફિલ્મોને નીચી નજરે જોનારાઓ જાણી લે કે આ વખતે ચાર ઓસ્કર નોમિનેશન જીતીને બેઠેલી 'ગેટ આઉટ' એક ડરામણી ફિલ્મ છે અને અન્ય અવોર્ડ ફંકશન્સમાં તે ઓલરેડી ખૂબ ગાજી ચુકી છે. ક્રિસ નામનો એક શ્યામ અમેરિકન યુવાન છે (ડેનિયલ કલુયા). એક વાર એ એની ગોરી ગર્લફ્રેન્ડ રોઝ સાથે એના હોલિડે હોમ પર રજા ગાળવા જાય છે. સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલાં આ ઘરે રોઝનાં મમ્મીપપ્પા અને ભાઈ પણ આવ્યાં છે. ઘરની રખેવાળી કરનારા ત્રણેક માણસો (જે ત્રણેય બ્લેક છે) ક્રિસને કોણ જાણે કેમ ભારે અજીબ લાગે છે. રોઝના હિપ્નોથેરપિસ્ટ પપ્પા પણ કંઈક ને કંઈક અજીબોગરીબ હરકતો કર્યા કરે છે. છળી ઉઠાય એવી ભેદભરમથી ભરપૂર ઘટનાઓનો સિલસિલો ચાલતો રહે જાય છે. ક્રિસ આ ઘટનાઓના તાણાવાણાં ગૂંચવાતો જાય છે અને પછી...

વેલ, પછી શું થયું તે આપણે સ્ક્રીન પર જોઈ લઈશું. આ ફિલ્મની મજા એ છે કે તે માત્ર ડરામણી ફિલ્મ નથી. તેમાં હોરર એલિમેન્ટ્સની સાથે અમેરિકન સમાજ વિશે પણ સમાજમાં જોવા મળતી અસામાનતા વિશે ટિપ્પણીઓ પણ થઈ છે. ક્રિસનો રોલ કરનાર ડેનિયલ કલુયા ઓસ્કરની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ગેટ આઉટને મળેલાં અન્ય ત્રણ નોમિનેશન્સ છે બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર અને ઓરિજિનલ સ્ક્રીનપ્લે.   

કોલ મી બાય યોર નેમઃમૂળ તો આ આન્દ્રે એસીમેન નામના ઇટાલિયન-અમેરિકન લેખકની અવોર્ડવિનિંગ નવલકથા છે. એમાં નાયિક-નાયિકા નહીં, પણ બે નાયક છે. એક છે સત્તર વર્ષનો ઇટાલિયન ટીનેજર, ઇલિયો (ટિમોથી ચેલેમેટ). એક વાર એના ઘરે એના પપ્પાનો અમેરિકન આસિસ્ટન્ટ ઓલિવર (આર્મી હેમર) થોડાં અઠવાડિયાં માટે રહેવા આવે છે. ઓલિવર ચોવીસ વર્ષનો છે. ઘરે કોઈ વિદેશી મહેમાન બનીને આવ્યું હોય એટલે દેખીતું છે કે એની સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવે. ટીનેજર છોકરો ઓલિવરને બધે હેરવેફેરવે છે અને ક્રમશઃ બન્ને વચ્ચે રોમેન્ટિક સંબંધ વિકસે છે. ઓલિવરનું અસાઇન્મેન્ટ પૂરું થતાં એ અમેરિકા પાછો જતો રહે છે. થોડા મહિના પછી ઇલિયોને એ ફોન કરીને કહે છે કે ઇલિયો, આપણે વચ્ચે જે કંઈ બન્યું એમાંનું હું કશું જ ભુલ્યો નથી, પણ સાંભળ, મારું એક છોકરી સાથે નક્કી થઈ ગયું છે અને થોડા સમય પછી અમે લગ્ન કરી લેવાનાં છીએ. આમેય આ એક એવો સંબંધ હતો જેનું કોઈ ભવિષ્ય ન હોઈ શકે. આ ફોન-કોલ પર ફિલ્મ પૂરી થાય છે.  

આમ તો આ એક ગે લવસ્ટોરી છે, પણ પહેલાં રાઇટરે અને પછી ડિરેક્ટર-એક્ટરોએ એટલી સંવેદનશીલતાથી પ્રેમસંબંધને પેશ કર્યો છે કે મેઇનસ્ટ્રીમ સર્કીટમાં ચારેકોર આ ફિલ્મની વાહ વાહ થઈ રહી છે. આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં ભલે હોમોસેક્સ્યુઅલ પાત્રોની મજાક કરવામાં આવતી હોય, પણ વર્લ્ડ સિનેમામાં ગે રિલેશનશિપ્સને સમભાવપૂર્વક જોવું અને પૂરેપૂરી ગરિમા જાળવીને જજમેન્ટલ બન્યા વગર પેશ કરવું એ એક પોલિટિકલી કરેક્ટ પગલું ગણવામાં આવે છે. તેથી જ ઓલરેડી ઘણા અવોર્ડ્ઝ જીતી ચુકેલી આ ફિલ્મને આ વખતના ઓસ્કરમાં ત્રણ કેટેગરીમાં નોમિનેશન્સ મળ્યાં છે - બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ઓરિજિનલ સોંગ.

આ સિવાય આઠ ઓસ્કર નોમિનેશન્સ મેળવનાર 'ડનકર્ક' વિશે આપણે અગાઉ અછડતી વાતો કરી છે એટલે એને રહેવા દઈએ. તોય સાત નોમિનેશન્સ મેળવનાર 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિસૂરી' (કેવું ટાઇટલ છે, કાં?) બાકી રહી ગઈ. તેના વિશે ફરી ક્યારેક.  


shishir.ramavat@gmail.com

Friday, February 9, 2018

કવિ પ્રદીપનું ગુજરાત કનેકશન

Sandesh - Ardh Saptahik supplement - January 31, 2018

ટેક ઓફ 

ય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની… દેખ તેરે સંસાર કી હાલત કયા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન… હમ લાયે હૈં તુફન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે… દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટે રાહી ચલ અકેલા… પિંજરે કે પંછી રે તેરા દરદ ના જાને કોઈ… આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિંદુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદેમાતરમ વંદેમાતરમ…

આ આપણાં અતિ પ્રિય અને અમર ગીતો છે. આ તમામને જોડતી કડી છે, કવિ પ્રદીપ. આ ગીતોના રચયિતા. એમનો જન્મ અને ઉછેર ભલે મધ્યપ્રદેશમાં થયો, પણ તેમના પૂવર્જો ગુજરાતી હતા. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર પાસેના ગામે તેઓ રહેતા. કવિ પ્રદીપનું મૂળ નામ રામચંદ્ર અને અટક દ્વિવેદી હતી, પણ એમના પૂર્વજોની અટક દવે હતી. દ્વિવેદી અટક પાછળથી થઈ. ગુજરાતમાં પ્લેગનો રોગચાળો ફટી નીકળ્યો એટલે કવિ પ્રદીપના વડદાદા ગુજરાત છોડીને ઉજ્જૈન પાસે બાડનગર ગામે સ્થાયી થઈ ગયેલા. કવિ પ્રદીપનો જન્મ અહીં જ થયો, ૬ ફેબ્રુઆરી ૧૯૧૫ના રોજ. આવતા મંગળવારે એમની ૧૦૩મી પુણ્યતિથિ છે.   યુવાન પ્રદીપે લખનૌ યુનિવર્સિટીમાંથી ભણતર પૂરું કર્યું એ અરસામાં રવિશંકર રાવળ સાથે એમનો પરિચય થયો હતો. રવિશંકર રાવળને ગુજરાત કળાગુરુ તરીકે ઓળખે છે. પ્રદીપ સાહિત્યપ્રેમી હતા, જાણીતા કવિઓને સાંભળવા મુશાયરાઓમાં જતા. ખુદ કવિતાઓ પણ લખતા. રવિશંકર રાવળ સાથે પ્રદીપની દોસ્તી એટલી પાક્કી થઈ ગઈ કે રવિશંકરે એમને પોતાની સાથે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. પ્રદીપ પાસે આમેય તે વખતે કોઈ કામ નહોતું એટલે તેઓ અમદાવાદ આવવા તરત તૈયાર થઈ ગયા.
થોડા દિવસો પછી રવિશંકર રાવળને મુંબઈ જવાનું થયું. એમણે પ્રદીપને કહ્યું: તું પણ મારી સાથે ચાલ. રવિશંકર રાવળનો પુત્ર નરેન્દ્ર મુંબઈમાં રહેતો હતો. બંને ભાઈબંધો એને ત્યાં જ ઉતર્યા. મુંબઈમાં નરસિંહરાવ દિવેટિયા, બ.ક. ઠાકોર, રામનારાયણ પાઠક, સુંદરજી બેટાઈ વગેરે ઘણા ગુજરાતી સાહિત્યકારો સાથે પ્રદીપનો પરિચય કરાવવામાં આવ્યો. મુંબઈની ગોકળીબાઈ હાઇસ્કૂલના હોલમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં પ્રદીપે પણ ભાગ લીધો હતો. ગુજરાતી કવિઓએ ગુજરાતી ગીતો-કાવ્યોની રમઝટ બોલાવી, જ્યારે ચોવીસ વર્ષના પ્રદીપે હિન્દી રચનાઓ પેશ કરી. શ્રોતાઓ ખુશ ખુશ થઈ ગયા.
ગોકળીબાઈ હાઇસ્કૂલનો આ કાર્યક્રમ પ્રદીપના જીવનમાં વળાંકરૂપ સાબિત થયો. બીજા દિવસે કોઈ માણસ પ્રદીપને શોધતો શોધતો આવ્યો. કહેઃ તમે મારી સાથે ચાલો. હું તમને બોમ્બે ટોકીઝ લઈ જવા આવ્યો છું. અમારા સાહેબ હિમાંશુ રાય તમને મળવા માગે છે.
હિમાંશુ રાય એટલે એ જમાનાના બહુ મોટા ફ્લ્મિનિર્માતા. ૧૯૩૪માં એમણે બોમ્બે ટોકીઝ નામની ફ્લ્મિ ક્ંપની સ્થાપી હતી. અભિનેત્રી દેવિકા રાણી એમનાં પત્ની થાય. બોમ્બે ટોકીઝના નામે કેટલીય લેન્ડમાર્ક ઘટનાઓ સંકળાયેલી છે. જેમ કે, મધુબાલા ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જેમાં પહેલી વાર સ્ક્રીન પર દેખાઈ એ ‘બસંત’ અને દિલીપકુમારની અભિનેતા તરીકેની કારકિર્દી જે ફ્લ્મિથી શરૂ થઈ તે ‘જ્વારભાટા’ – આ બંને ફ્લ્મિો બોમ્બે ટોકીઝે બનાવેલી. એ જ રીતે, અશોકકુમારને ચમકાવતી અને સુપરડુપર હિટ ગયેલી ફ્લ્મિ ‘કિસ્મત’નું નિર્માણ પણ બોમ્બે ટોકીઝે કર્યું હતું.
પેલા ગોકળીબાઈ હાઇસ્કૂલવાળા કાર્યક્રમ પછી બોમ્બે ટોકીઝના માલિકનો બુલાવો આવ્યો એટલે પ્રદીપને જબરું આૃર્ય થયેલું. એમણે રવિશંકર રાવળને પૂછયું: શું કરું? જાઉં? રવિશંકર કહેઃ હાસ્તો વળી! પ્રદીપ પેલા માણસ સાથે બોમ્બે ટોકીઝની ઓફ્સિે ગયા. હિમાંશુ રાયે વિનંતી કરીઃ કવિ, તમારી થોડીક રચનાઓ સંભળાવશો? પ્રદીપે સંભળાવી. હિમાંશુ રાયે એ જ ઘડીએ પ્રદીપ સામે ઓફ્ર મૂકીઃ તમે બોમ્બે ટોકીઝમાં જોડાઈ જાઓ. તમારે મારી ફ્લ્મિો માટે ગીતો લખવાના. મહિને બસ્સો રૂપિયા પગાર. બોલો, મંજૂર છે? પ્રદીપ કહેઃ મંજૂર છે!
તે સમયે બોમ્બે ટોકીઝ ‘કંગન’ નામની ફ્લ્મિ બનાવી રહી હતી. અશોકકુમાર એના હીરો હતા અને લીલા ચિટનીસ હીરોઈન. આ ફ્લ્મિ માટે કવિ પ્રદીપે ચાર ગીતો લખ્યાં. આ ગીતો ઓડિયન્સને બહુ ગમ્યાં. ક્રમશઃ ગીતકાર તરીકે કવિ પ્રદીપનું નામ થવા લાગ્યું. એમનાં ગીતો જબરદસ્ત પોપ્યુલર બનવા લાગ્યાં. લેખની શરૂઆતમાં ટાંકેલાં ગીતોના મુખડા પર ફ્રી એક વાર નજર ફેરવી લો. ‘અય મેરે વતન કે લોગોં’, ‘દૂર હટો એ દુનિયાવાલોં’, ‘આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં’ જેવાં દેશભકિતનાં ગીતો તો આજે પણ ગૂંજે છે. ‘દૂર હટો એ દુનિયાવાલોં’ ગીતે તે જમાનામાં સમગ્ર દેશમાં એવી રાષ્ટ્રભાવના જગાડી હતી કે એક તબક્કે અંગ્રેજ સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકવાનું વિચારવા માંડી હતી. ગાંધીજીએ આ ગીતને ઉપનિષદના શ્લોક સાથે સરખાવ્યું હતું.

૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં વિરાટ જનમેદની સામે લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું હતું અને તે સાંભળીને જવાહરલાલ નહેરુનાં આંખોમાં આંસુ ધસી આવ્યા હતા તે જાણીતી વાત છે. એમણે લતાને પછી કહ્યું હતું કે, બેટી, તુમને તો મુઝે રુલા દિયા. નહેરુએ પોતાના પર્સનલ સેક્રેટરીને પૃચ્છા કરેલી કે આ ગીતનાં કવિ કોણ છે? મારે એમને મળવું છે. જવાબ મળ્યો કે કવિ પ્રદીપ હાજર નથી, એ તો મુંબઈ છે. કોઈએ કવિ પ્રદીપને આ અવસર પર દિલ્હી આવવા આમંત્રણ આપવાની ઔપચારિતા પણ દેખાડી નહોતી. થોડા દિવસો પછી નહેરુને મુંબઈ જવાનું થયું ત્યારે એમણે કવિ પ્રદીપની ખાસ મુલાકાત લીધી અને એમનો ઓટોગ્રાફ પણ લીધો.
‘અય મેરે વતન કે લોગોં’ ગીત કવિ પ્રદીપે મુંબઈના દરિયાકાંઠે સિગારેટના પાકિટના રેપર પર લખ્યું હતું! આ કંઈ ફ્લ્મિી ગીત નથી. ૧૯૬૨માં ચીને ભારત પર ઓચિંતા આક્રમણ કરીને દેશનો કેટલોક હિસ્સો પડાવી લીધો હતો તે પછી દેશમાં રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે કવિએ આ ગીત લખ્યું હતું અને સી. રામચંદ્રે તે કમ્પોઝ કર્યું હતું. પછી તો ઘણા ફ્લ્મિમેકરોએે આ ગીતને પોતાની ફ્લ્મિમાં વાપરવા માટે માગણી કરી હતી, પણ કવિ પ્રદીપે તેને ફ્લ્મિી ગીત ન બનવા દીધું. એમણે આ ગીત દેશને અર્પણ કર્યું. આ ગીત માટે તેમણે કશી રોયલ્ટી પણ ન લીધી.
કવિ પ્રદીપના ગુજરાત કનેકશન પર પાછા ફ્રીએ. એમનાં ધર્મપત્ની ભદ્રા ગુજરાતી હતાં. રવિશંકર રાવળે કન્યાના પિતા ચુનીલાલ ભટ્ટ સાથે પ્રદીપની ઓળખાણ કરાવી હતી. કવિ અવારનવાર ચુનીલાલના ઘરે જમવા જતા. એમને ચુનીલાલની દીકરી ગમી ગઈ. બંને એક જ સમાજના હોવાથી પ્રદીપના ઘરેથી કોઈએ વિરોધ ન કર્યો. જોકે ૧૯૪૨માં લગ્ન કર્યાં ત્યારે ખર્ચ બચાવવા ક્વિ પ્રદીપે મધ્યપ્રદેશથી કોઈને તેડાવ્યા નહોતા.
તેઓ ગાંધીવાદી હતા. ફ્લ્મિી દુનિયા સાથે સંકળાયેલા હોવા છતાં આૃર્ય થાય એટલું સાદું એમનું જીવન હતું. નાણાંભીડ અનુભવતા એક નિર્માતા માટે એમણે સાવ ઓછા પૈસા ગીતો લખી આપેલાં. આ ફ્લ્મિ એટલે ‘જય સંતોષી મા’ અને એ ગીતો એટલે ‘મૈં તો આરતી ઉતારું રે સંતોષીમાતા કી’, ‘મદદ કરો સંતોષીમાતા’, ‘યહાં વહાં કહાં કહાં’ વગેરે. આ ગીતો કેવાં જબરદસ્ત હિટ થયાં હતાં. નિર્માતા આ ફ્લ્મિને કારણે ખૂબ કમાયો. એમણે પછી કવિ પ્રદીપને રોયલ્ટી પેટે સારી એવી રકમ ચૂકવી હતી અને એમના ઘરે એરકંડીશનર નખાવી આપ્યું હતું.
૧૯૯૭માં કવિ પ્રદીપને દાદાસાહેબ ફળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. પછીના વર્ષે એમનું નિધન થયું. કવિ પ્રદીપે જિંદગીમાં બીજું કશું ન કર્યું હોત અને માત્ર એક ‘અય મેરે વતન કે લોગોં’ ગીત જ લખ્યું હોત તો પણ એમનું નામ અમર થઈ ગયું હોત!
shishir.ramaVat@gmail.com